- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

લ્યો, તમે કહો તો હાર્યાં ! – હરિશ્ચંદ્ર

આકાશે તાળું ખોલ્યું અને ઘરમાં આવ્યો. ઘર કેવું ? બેચલર્સની રૂમ ! આઠ દિવસથી એ અહીં રહેતો હતો. બીજા ત્રણમાંથી હજી કોઈ આવ્યું નહોતું. આકાશને પોતાના ઘરની, અસ્મિતાની બહુ યાદ આવી. પણ સાથે જ તેનો ચહેરો ગંભીર થઈ ગયો. ‘મારું ઘર હોત તોયે હું આવી જ રીતે તાળું ખોલી અંદર ગયો હોત. શું ફરક પડત ? અસ્મિતા કાંઈ ઘરે ન હોત.’ – આ વિચારથી એ વ્યાકુળ થઈ ગયો. બૂટ કાઢી કપડાં બદલ્યા વિના જ એ પથારીમાં પડ્યો. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.

એને થયું, પોતે બધું જ હારી ગયો. અત્યાર સુધી એની જીત જ જીત થતી રહી હતી. ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, મોટી નોકરી મળી, ખૂબ પૈસા મળતા થયા, અસ્મિતા જેવી તેજસ્વી પત્ની મળી. હવે આનાથી વધુ બીજું જોઈએ શું ? પરંતુ હમણાં હમણાંનું એને કશુંક ઓછું આવતું હતું. આ તે કાંઈ ઘર છે ? આ તે કાંઈ સંસાર છે ? બે રૂમ-પાર્ટનર રહેતા હોય તેમ બંને રહે છે. હું મારા ઑફિસના સમય પ્રમાણે આવું-જાઉં છું, અસ્મિતા એના ઑફિસના સમય પ્રમાણે આવે-જાય છે. અસ્મિતા પણ જવાબદારીભર્યા હોદ્દા ઉપર છે. એને ઑફિસેથી આવતાં મોડું થાય છે. પોતે તાળું ખોલી ઘરમાં આવવાનું અને એની વાટ જોતાં બેસવાનું !

ક્યારેક એ અસ્મિતાને કહેતો, ‘તું શું કામ નોકરી પાછળ આટલી દોડધામ કરે છે ? બહુ પૈસાને શું કરવા છે ? નોકરી છોડી દે ને ! મારી કમાણી પૂરતી છે.’
અસ્મિતા હસી કાઢતી, ‘નોકરી ? મારી તો આ કેરિઅર છે. નોકરી છોડીને હું શું કરું ? સવાર-સાંજ રસોઈ કરું, ઘર સજાવું, બપોરે ઊંઘું ને ટીવી સિરિયલ જોઉં, સાંજ પડ્યે સજી-ધજીને તારી વાટ જોતી બેસું. તારે મને ટિપિકલ ગૃહિણી બનાવી દેવી છે ?’ ના, એવું તો આકાશેય ઈચ્છતો નહોતો. પોતાની પત્ની આટલી આગળ વધેલી છે, આટલી તેજસ્વી છે, તેનો એનેય ગર્વ હતો. તે પ્રેમાળ પણ બહુ હતી. નોકરી સાથે ઘરનુંયે પૂરતું ધ્યાન રાખતી, અને એની તો ઝીણી-ઝીણી કાળજી રાખતી. છતાંયે પોતાને શું ઓછું આવતું હતું, તે આકાશનેય સમજાતું નહોતું.

તેમાં એક દિવસ જાણ થઈ કે અસ્મિતા પ્રેગ્નન્ટ છે, અને આકાશ આનંદથી ઊછળી પડ્યો. પણ અસ્મિતા એટલી જ નિરાશ હતી, હતાશ હતી. ‘બે વરસમાં આ શું ? આપણે નક્કી કરેલું કે કમ સે કમ ત્રણ વરસ સુધી તો બાળક ન જોઈએ. આટલી વારમાં મારે આમાં નથી પડવું. મારી કેરિયરનું શું ? મારું પ્રમોશન પણ અટકશે.’ આકાશને ભારે ધક્કો લાગ્યો. પોતાને આટલો આનંદ થાય છે, અને આને મા થવાનો આનંદ નથી ? એ કેરિયરનું વિચારે છે ?! પણ અસ્મિતાએ તો નક્કી જ કરી લીધું : ‘ના ભઈ ના. હમણાં એકાદ-બે વરસ તો નહીં જ. હું ઍબૉર્શન કરાવી નાખીશ.’ આકાશ તો આ કલ્પનાથી જ ધ્રૂજી ઊઠ્યો. કેરિયરની વચ્ચે આવનારાનો નિકાલ કરી નાખવા જેવું જ આ નથી ? એક જીવને મારી નાખવાનો ? આટલા ક્રૂર અને નિષ્ઠુર કેમ થવાય ? અસ્મિતા પ્રેગ્નન્ટ છે તેની જાણ થઈ કે પોતે તો બાળકથી કિલ્લોલતા ઘરનાં ને ભર્યા ભર્યા સંસારનાં સપનાં જોવા લાગ્યો હતો. અને અસ્મિતા એ સપનાં સાવ રોળી નાખવા તૈયાર થઈ છે !

ઘરમાં વાતાવરણ તંગ થઈ ગયું. બે વરસમાં બંને વચ્ચે ક્યારેય નહોતી થઈ એવી ઉગ્ર બોલચાલ થઈ ગઈ. ગુસ્સામાં બંનેએ એકબીજાને ન કહેવાનુંયે કહી નાખ્યું…..
‘આ બાળક મારુંયે છે, તારી એકલીનું નહીં. તું એકલી આવો નિર્ણય ન લઈ શકે.’
‘નવ મહિના પેટમાં રાખવાનું છે મારે. પછીયે પરવરીશ કરવાની છે મારે. નોકરીમાં ખાડો પાડવાનો છે મારે. તારી જિંદગીમાં કશો ફરક પડવાનો નથી.’
‘તને બાળક ન જોઈતું હોય, તો મનેય તું નથી જોઈતી !’
‘મને ઘરકૂકડી બનાવી મૂકવા માગતો ધણી મનેય નથી ખપતો….’
તે રાતે બહુ ઝઘડો થયો. બંને જુદા જુદા રૂમમાં જઈને સૂતાં. સવારે એક-બીજાની સામેય જોયા વિના ઑફિસે ગયાં. બપોરે ઑફિસે અસ્મિતાનો ફોન આવ્યો : ‘ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લીધી છે. ઑફિસેથી સીધી હોસ્પિટલે જઈશ. ઘરે આવતાં મોડું થશે.’ આકાશે ગુસ્સામાં ધડ દઈને ફોન મૂકી દીધો. ધૂંઆપૂંઆ થતો આકાશ ઘરે ગયો. પોતાની બૅગ ભરી અને ત્રણ બેચલર મિત્રો રહેતા હતા, ત્યાં આવી ગયો.

આજે આ વાતને આઠ દિવસ થઈ ગયા. પથારીમાં પડ્યા-પડ્યા છેલ્લા દિવસોની બધી ઘટનાઓ યાદ આવી. આંખેથી આંસુ વહેતાં રહ્યાં. સાથે જ ગુસ્સોયે વહી ગયો અને અસ્મિતાની બહુ યાદ આવવા લાગી. ભરપૂર પ્રેમભર્યા બે વરસના અનેક-અનેક પ્રસંગો ચિત્રપટની જેમ આંખ સામેથી પસાર થઈ ગયા… અસ્મિતા શું કરતી હશે ? મને યાદ કરતી હશે ?…. તેણે શું કામ આવી હઠ લીધી ?…. જો કે બાળક ક્યારેય નથી જોઈતું, એવું એ ક્યાં કહે છે ? તો હુંયે શું કામ હઠ કરું છું ?…. બસ, ‘આ બાળક નહીં, તો મને તુંયે નહીં’, એવું કહેવાય ?… ઍબોર્શન કરાવતાં અસ્મિતાને કાંઈ થઈ તો નહીં ગયું હોય ને ! આટલા દિવસમાં એનો ફોન પણ ન આવ્યો ?… અસ્મિતાની ચિંતામાં હવે આકાશ વ્યાકુળ-વ્યાકુળ થઈ ગયો. તે ઊઠ્યો. બૂટ પહેર્યા. સીધો ઘરે પહોંચ્યો. બારણે તાળું નહોતું. એટલે કે અસ્મિતા ઘરે જ છે. ઘડીભર એ ખમચાયો…. મારે હાર માની લેવી ? પતિ-પત્નીના નાતામાં વળી હાર શું ને જીત શું ?….. એમ કરતાં-કરતાં એનો હાથ બેલ પર ગયો.

બારણું ઊઘડ્યું. સામે અસ્મિતા. ક્ષણભર બંને એકબીજાને જોતાં રહ્યાં અને પછી ભેટી પડ્યાં. બંનેની આંખેથી અશ્રુ વહી રહ્યાં. અસ્મિતા ડૂસકાં ભરતી-ભરતી બોલી : ‘મને છોડીને ગયો ને એકલી ?….. તે દિવસે મને થયું, હોસ્પિટલે એકલી નહીં જાઉં. તને ફરી સમજાવીને તારી સાથે જ હોસ્પિટલે જઈશ. એમ માની ઑફિસેથી ઘરે આવી…. પણ ઘરમાં તું નહીં, તારો સામાન નહીં….. તને મેં આટલો બધો નારાજ કરી નાખ્યો !… હું હોસ્પિટલ ગઈ જ નહીં….’
‘તો આટલા દિવસ ફોન ન કર્યો ?’
‘ક્યાં કરું ? તું ક્યાં છે, મને ક્યાં ખબર ?…. પણ મને હતું કે તું આવશે જ.’
‘ખરેખર ? મને માફ કરી દે.’ – કહી આકાશ એને પસવારતો રહ્યો.

(શ્રી રાજશ્રી રાજવાડે કાળેની મરાઠી વાર્તાને આધારે)