હસે એનું ઘર વસે – બહાદુરશાહ પંડિત

[પુનઃપ્રકાશિત]

ઈ.સ. 1918ના ઑગસ્ટ માસમાં ગાંધીજીની તબિયત ખૂબ બગડી ગઈ હતી. એક વખત તો એમ લાગ્યું કે ગાંધીજી ભાગ્યે જ બચશે. પણ પછી એમની તબિયતમાં સુધારો થવા લાગ્યો. એ સમયે એમણે એક સંબંધીને લખેલા પત્રમાં લખેલું : ‘મારી તબિયત ચંદ્રમાની કળા જેવી છે. વધે છે અને ઘટે છે. માત્ર અમાવાસ્યામાંથી છટકી જાય છે.’ પોતાના ભોગે હસવાની આ કળા દુનિયાના લગભગ બધા મહાપુરુષોએ સિદ્ધ કરી જણાય છે. એનું કારણ એ છે કે હાસ્ય નિર્મળ હૃદયમાંથી ફૂટી નીકળતું ઝરણું છે. નિખાલસ અને સરળ હૃદયનો માણસ જ ખડખડાટ હસી પડે છે. અંગ્રેજ લેખક થૅકરે કહે છે : People who do not know how to laugh are always pompous and conceited. જે લોકોને હસતાં આવડતું નથી એ લોકો દંભી અને મિથ્યાભિમાની હોય છે.

હાસ્ય જીવન જીવવાની જડીબુટ્ટી માત્ર નથી પણ જીવનનો સંગ્રામ જીતવાનું હથિયાર પણ છે. સાવ અજાણી જગ્યાએ તમે ગયા હો અને કોઈ તમારું પરિચિત ના હોય ત્યારે તમે હાસ્યના બદલામાં મોંઘી મૈત્રી પ્રાપ્ત કરી શકો છો. સ્વામી રામતીર્થ સ્ટીમરમાં અમેરિકા જતા હતા. સાન્ફ્રાન્સિસ્કો બંદરે પહોંચતાં ઉતારુઓ સરસામાન લઈ ઝડપભેર નીચે ઊતરવા લાગ્યા, પણ સ્વામીજી તો શાંતિથી બેસી રહ્યા. એમને આમ શાંતિથી બેસી રહેલા જોઈ એક અમેરિકન એમની પાસે આવ્યો ને બોલ્યો :
‘આપ ક્યાંથી આવો છો ? આપનો પરિચય ?’
‘હું હિન્દુસ્તાનનો ફકીર છું.’
પેલા અમેરિકને જોયું કે સ્વામીજી પાસે નહોતો કશો સરસામાન કે નહોતું પૈસાનું પાકીટ. એથી એણે પૂછ્યું : ‘અમેરિકામાં આપનો કોઈ મિત્ર છે કે ?’
સ્વામી રામતીર્થે પેલા અમેરિકનના ખભે હાથ મૂકી હસતાં હસતાં કહ્યું : ‘હા જી, હું માત્ર એક જ અમેરિકનને ઓળખું છું અને તે આપ છો !’ અને સ્વામીજીના મધુર હાસ્યની એ અમેરિકન પર એવી અસર થઈ કે એ એમને પોતાના ઘેર જ લઈ ગયો.

સ્વામીજીના મધુર હાસ્યના પ્રભાવનો એક બીજો દાખલો પણ અહીં યાદ કરવા જેવો છે. સ્વામીજી સાનફ્રાન્સિસ્કોથી ન્યૂયૉર્ક જવા ઈચ્છતા હતા ત્યારે મિલ ટેલર નામનાં એમનાં શિષ્ય ખ્રિસ્તી ધર્મગુરુઓને રેલવેમાં મળતો ઓછા દરનો લાભ સ્વામીજીને આપવાના ગ્રેઈટ પૅસિફિક રેલરોડ કંપનીના મૅનેજરને મળ્યાં. એમની વાત સાંભળી મૅનેજર તો આનંદવિભોર બની બોલ્યા : ‘શું એમને ઓછા દરની ટિકિટ અપાવું ? એમને તો હું પુલમેન કાર મફત આપીશ. એમનાં હાસ્ય રોક્યાં રોકાય તેમ નથી. એમના હાસ્યમાં એવું માધુર્ય અને મનમોહક આકર્ષણ છે કે ભલભલાને મુગ્ધ કરી નાખે છે.’ એમ કહીને તેમણે પોતાની રેલવેમાં એક સુંદર ડબો સ્વામી રામતીર્થ માટે કાઢી આપ્યો.

તમારા પરિચયમાં આવતી પ્રત્યેક વ્યક્તિ સાથે હસીને વાત કરો અને એનું પરિણામ શું આવે છે તે જુઓ. એલ્લા વ્હીલર વિલકોક્સ નામનો લેખક કહે છે કે ‘તમે જ્યારે હસો છો ત્યારે આખું જગત તમારી સાથે હસે છે, પણ જ્યારે તમે રડો છો ત્યારે એકલા જ હો છો.’ જગતમાં હસવાની શક્તિ એકલા માનવપ્રાણીને જ મળી છે કેમ કે એને વિચારવાની, તર્ક કરવાની શક્તિ મળી છે. આ અમૂલ્ય શક્તિનો ઉપયોગ કરીને માણસ ગમે તેવી વિકટ પળોમાં પણ હળવાશ અનુભવી શકે છે.

કોઈકે ગાંધીજીને પૂછ્યું હતું : ‘તમે એમ માનો છો કે વિનોદવૃત્તિ જીવનનું એક આવશ્યક અંગ છે ?’ જવાબમાં ગાંધીજીએ કહ્યું : ‘મારામાં જો વિનોદવૃત્તિ ન હોત તો મેં ક્યારનોય આપઘાત કર્યો હોત.’

સર જેઈમ્સ બેરીએ એના એક પુસ્તક ‘પીટર પાન’ માં લખ્યું છે કે જ્યારે પહેલું બાળક પહેલી વાર હસ્યું ત્યારે તે હાસ્યના હજારો ટુકડા થઈ છલાંગ મારી કૂદવા લાગ્યા. એ હતી પરીઓની શરૂઆત. દંભના ફુગ્ગાની હવા કાઢી નાખવા અને તંગ મનોદશામાંથી મુક્ત થવા હાસ્ય જેવું કોઈ ઉત્તમ ઔષધ નથી. દીર્ધ ને સુખી જીવન જીવવા માટે હાસ્ય જેવું અદ્દભુત કોઈ ટૉનિક નથી. રમૂજવૃત્તિ વિનાનો માણસ એ સ્પ્રિંગ વિનાની ગાડી જેવો છે. રસ્તા પરના ખાડાટેકરા એની ગાડીને હચમચાવી નાંખે છે.

વિલ રૉજર્સે એક સરસ સલાહ આપી છે. એ કહે છે કે હું દરેક માણસને મળતાં ચહેરા પર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખતો હતો. પરિણામે હું એવા એક પણ માણસને મળ્યો નથી જેને હું ચાહતો ના હોઉં. હાસ્ય એ નિર્મળ હૃદયમાંથી ફૂટતો નૈસર્ગિક ફુવારો છે. જે હસી શકે છે, એ ચાહી શકે છે અને સહી શકે છે. પણ હાસ્ય એટલે ઠઠ્ઠા નહિ, ક્રૂર મજાક નહિ. એક કવિએ કહ્યું છે એમ –

હસવું એવું હોય કે જેથી હાણ ના નીપજે;
હસવે માર્યા કોઈ એ હસવાથી ભસવું ભલું.

હાસ્ય સદા આનંદ નિષ્પન્ન કરે. એમાં ગ્લાનિ ના હોય. જેનાથી કોઈને દુ:ખ થાય, પીડા થાય એ હાસ્ય નથી, આગ છે. રમૂજ નથી કટાક્ષ છે. એવા હાસ્યમાં પ્રેમ નથી, ઈર્ષ્યા છે , દ્વેષ છે. હાસ્યનું મોતી પ્રેમની છીપમાં પાકે છે. દ્વેષની આગમાં તો એ ભસ્મ થઈ જાય.

હસો, ખૂબ હસો, હજીય વધુ હસી લો જરા;
પરંતુ હસવા સમી નવ બનાવશો જિંદગી.

આ પંક્તિઓમાં કવિએ એક સુંદર સલાહ આપી છે. ગંભીર જિંદગીના પહાડમાંથી હાસ્યનું ઝરણું પ્રકટ થાય છે. જિંદગી હાસ્યાસ્પદ બને તો હાસ્યનો આનંદ લૂંટી શકાતો નથી. જગતના બધા મોટા માણસોમાં હાસ્યની મૌલિક સૂઝ હોય છે. અબ્રાહમ લિંકન, ટૉલ્સ્ટૉય, ચર્ચિલ, બર્નાડ શૉ આદિએ હાસ્ય-રમૂજના અનેક મૌલિક દ્રષ્ટાંતો પૂરાં પાડ્યાં છે.

એમર્સને કહ્યું છે કે – The Perception of comic is a tie of sympathy with men a pledge of sanity. We must learn by laugh as well as by tears and terror.

જે દિવસમાં એકાદ વાર ખડખડાટ હસી શકે છે, એ આયુષ્યમાં વર્ષો ઉમેરી શકે છે, કારણકે હાસ્ય મનની તંગ દશાનો સેફટી વાલ્વ છે. ‘હસે એનું ઘર વસે’ એ કહેવતનો ગૂઢાર્થ સમજવા જેવો છે. ઉપલક રીતે એ કહેવતનો અર્થ એમ મનાય છે કે જે માણસ હસતો રહે, પ્રસન્ન રહે એનું ઘર એટલે લગ્નજીવન, કૌટુંબિક જીવન, ગૃહસ્થજીવન સ્થિર રહે છે પણ ગૂઢ રીતે એનો અર્થ એવો થાય છે કે જે માણસ હસતો રહે છે એ જ્યાં જાય ત્યાં ઘર જેવું પ્રસન્ન, નિખાલસ અને મુક્ત વાતાવરણ સર્જી શકે છે. એ જ્યાં જાય ત્યાં ઘરમાં બેઠો હોય એટલી સ્વસ્થતા ને સલામતી મેળવી શકે છે. આમ, ‘હસતો નર સદા સુખી’ એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. અંગ્રેજી કહેવત ‘One who laughs, lasts.’ એનો અર્થ પણ આવો જ થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિયમોના જંગલમાં – ગિરીશ ગણાત્રા
અથ શ્રી ચાંદલા કથા – રતિલાલ બોરીસાગર Next »   

8 પ્રતિભાવો : હસે એનું ઘર વસે – બહાદુરશાહ પંડિત

 1. aniket telang says:

  સરસ – ખરેખર સાચિ વાત . . .

 2. ખરેખર સાવ સાચી વાત…

  “હસવું એવું હોય કે જેથી હાણ ના નીપજે;
  હસવે માર્યા કોઈ એ હસવાથી ભસવું ભલું”

  “હાસ્ય સદા આનંદ નિષ્પન્ન કરે. એમાં ગ્લાનિ ના હોય. જેનાથી કોઈને દુ:ખ થાય, પીડા થાય એ હાસ્ય નથી, આગ છે. રમૂજ નથી કટાક્ષ છે. એવા હાસ્યમાં પ્રેમ નથી, ઈર્ષ્યા છે , દ્વેષ છે. હાસ્યનું મોતી પ્રેમની છીપમાં પાકે છે. દ્વેષની આગમાં તો એ ભસ્મ થઈ જાય”

  કોઇના ભોગે કે કોઇને દુઃખી કરવાથી મળે તે હાસ્ય ન કહેવાય !

 3. rekha yadav says:

  wah wah khubaj saras kidhu, hase tenu ghar vase. bahadur shah toh, pachi toh tame bhi saache hasmukh kasho. ane saacha arth maa toh manushya ne koi pan sanjogo ma hastu rahe toh eno rasto na malwano hoy toy jaldi mali jaay che. gud one.

 4. Pravin Shah says:

  હસવાથી મન પરનો બોજ હળવો થૈ જાય છે. માનસિક તાણ ઓછી થઇ જાય છે.

 5. Anila Amin says:

  હસવા વિષે ખૂબજ સરસલેખ હાસ્યના બે કે ત્રણ ઊદાહરણ આપીને હાસ્ય સાથે કેવી રીતે હસવુ ? એ માટે આપે

  નર્મ-મર્મટકોર પણ કરી લીધી.

 6. Chimanlal says:

  Eni maa ne……solid essay laikho che.

 7. જગત દવે says:

  આજથી લગભગ ૭ વર્ષ પહેલાંની વાત છે……એક વાર મારે પાંચ સિતારા હોટેલમાં રોકાવાનું થયુ અને મારી દિકરી જે ત્યારે લગભગ ૩ વર્ષની હતી….આ તેની પાંચ સિતારા હોટેલની પહેલી મુલાકાત હતી. બીજા દિવસે અમે હોટેલની લોબીમાં બેઠાં હતા અને મારી દિકરી આસપાસમાં ફરીને બાળ સહજ કુતુહલથી નિરિક્ષણ કરી રહી હતી.

  થોડીવાર તે આસપાસમાં ફરી અને ત્યાંની વિશાળ જ્ગ્યા તેને છુપાછુપી રમવા લાયક લાગી….. અને તે મને તેની સાથે એ વિશાળ લોબીમાં જ છુપાછુપી રમવા માટે કહેવા લાગી. સ્વભાવિક રીતે મેં તેને કહ્યું કે…..અહીં છુપાછુપી ન રમાય. થોડી નિરાશ થઈ…. કેમ કે પપ્પાએ ઘરમાં તો ક્યારેય છુપાછુપી રમવા માટે ના નહોતી પાડી. ફરી આસપાસ ફરવા લાગી……લોબીમાં આવતાં જતાં લોકો ને જોવા લાગી…….ફરી થોડીવારે મારી પાસે આવી અને મને કહે………”પપ્પા અહિં કોઈ હસતું કેમ નથી?”

  અને મને હસવું પણ આવ્યું અને વિચાર પણ આવ્યો……કે બાળક માટે આ પાંચ સિતારા હોટેલ પણ એક કંટાળાજનક જગ્યા છે કેમ કે અહિં “હાસ્ય નથી”

  અને મેં તેને છુપાછુપી રમવાની હા પાડી દીધી…….અને અમારી એ રમતથી તેણે હોટેલની એ ભારેખમ ખામોશી-સભર લોબીને તેનાં નિર્દોષ હાસ્યથી ભરી દીધી.

 8. chandru dhimmar says:

  ખરેખર સાચિ જ વાત કરિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.