- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ઈપ્સિતાયન – ભારતી રાણે

[ઑસ્ટ્રિયા, ઈજિપ્ત, મોરેશિયસ, જર્મની, હંગેરી, ચેક રિપબ્લિક અને ગ્રીસના પ્રવાસવર્ણન પર આધારિત પુસ્તક ‘ઈપ્સિતાયન’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. ભારતીબેન રાણે (બારડોલી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે brr@dzinerholidays.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આલ્પ્સનો અનેરો પુષ્પલોક

ઑસ્ટ્રિયા આમ તો નિતાંત ખૂબસૂરત દેશ છે, પણ બૅડગૅસ્ટાઈનની આસપાસના પ્રદેશમાં એનું નીખર્યું-નીતર્યું સૌંદર્ય સવિશેષ કામણગારું લાગ્યું. ઈટલીથી રેલ-માર્ગે ઑસ્ટ્રિયા તરફ જવા નીકળ્યાં ત્યારે કલ્પના નહોતી કે આ સફર અમને આવા કલ્પનાતીત મુકામ સુધી લઈ જશે.

યુરોપના દેશો વચ્ચે ભૌગોલિક કે રાજકીય સરહદોનાં તંગ બંધનો ન હોવાને કારણે, પ્રાકૃતિક સૌંદર્યનું ક્રમશઃ વિવિધ સ્વરૂપે પ્રગટ થતાં જવું એ સાહજિક હતું. શરૂઆતમાં ઈટલીની ભૂમિમાં ને ઑસ્ટ્રિયાના પ્રદેશમાં નોંધપાત્ર તફાવત ન જણાયો, પણ જેમ જેમ આગળ જતાં ગયાં, તેમતેમ ઑસ્ટ્રિયાની વિશિષ્ટતાઓ દષ્ટિગોચર થવા લાગી. સૌપ્રથમ હરિયાળી ગિરિમાળાની વચ્ચે-વચ્ચે ક્યાંક શ્વેત પથરાળ ગિરિશૃંગ દેખાવા લાગ્યાં. નિર્વૃક્ષ અને બોડા-એમનો સફેદ રંગ જાણે તેઓ હિમાચ્છાદિત હોય તેવી ભ્રાન્તિ ઊભી કરે. નદીઓના પટ પર પણ સફેદ ચૂનાના પથ્થર જેવા કાંકરા પથરાયેલા હતા; જેના પર પસાર થતા નીલવર્ણ પાણીમાં વળી આસપાસના હરિયાળા પર્વતોના પડછાયા ભળતાં, નદીઓનો રંગ દૂધિયો લીલો દેખાતો હતો. ઑસ્ટ્રિયાની એ વિશિષ્ટતા હતી. વળી સ્વિટ્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયાના ચહેરાઓમાં ઘણું સામ્ય લાગ્યું. ફર્ક માત્ર એટલો જ કે ઑસ્ટ્રિયામાં સ્વિટ્ઝરલૅન્ડ જેટલાં વિપુલ પ્રમાણમાં સરોવર ન દેખાયાં, સ્વિટ્ઝરલૅન્ડની નદીઓનાં પાણી ભૂરાં હતાં, જ્યારે ઑસ્ટ્રિયાની નદીઓનાં પાણી દૂધિયાં-લીલાં દેખાતાં હતાં. ગામેગામ ચર્ચના પાતળા-ઊંચા, તીણી ધારવાળા ટાવર અન્ય મકાનો વચ્ચે જુદા તરી આવી, ધ્યાન ખેંચતા હતા. વાદળાં અને ધુમ્મસનો તો કાંઈ ભરોસો જ નહીં; વાદળાં ક્યારેક મેદાન પર દોડતાં ફરે તો ક્યારેક આભમાં ઊડતાં ફરે, વળી ધુમ્મસની ને સૂર્યની સંતાકૂકડી પણ સતત ચાલતી રહે ! ઊંચી પહાડી વચ્ચે-વચ્ચે પુરાણા કિલ્લાઓ દેખાતા હતા. સર્વત્ર કુદરતનું એકચક્રી શાસન હતું, અને મનુષ્યના ખંડિત સામ્રાજ્યના આ અવશેષો એની શાન વધારી રહ્યા હતા.

ઑસ્ટ્રિયાની ખરી ઓળખાણ વિયેના, સૉલ્ઝબર્ગ, ઈન્સબ્રુક વગેરે શહેરોમાં નહીં, આ પ્રકૃતિના ખોળે વસેલાં ગામડાંઓમાં મળી. ખરું કુદરતી સૌંદર્ય બૅડગૅસ્ટાઈન, બૅડહૉફગૅસ્ટાઈન, ઝેલ-એમ-સી વગેરે અજાણ્યાં સ્થળોએ છુપાયેલું જોયું. અહીંના એક સ્ટેશનનું નામ હતું, સેન્ટ વિયેટ ઈન પોંગુ ! વેનિસથી નીકળીને ઑસ્ટ્રિયામાં પ્રવેશ્યા પછી વિલાચ નામના ગામને ત્રિભેટે, રાજધાની વિયેનાનો રસ્તો છોડી અમે સૉલ્ઝબર્ગના રસ્તે વળી ગયાં. ટ્રેઈનની બારીમાંથી દેખાતાં નાનાં રૂપાળાં લાકડાનાં ઘર અને તેની ગૅલરીમાં અને બારીની છાજલીમાં ખીલી ઊઠેલી ફૂલક્યારીઓ જોતાં આંખો થાકતી નહોતી. ઑસ્ટ્રિયાના લોકોનો પુષ્પપ્રેમ અદ્દભુત છે. અહીં બારીમાં, પરસાળમાં, ઘરની સામે બાગમાં, રેલ્વે-સ્ટેશન પર, રસ્તાઓ પર, ચોકમાં બધે જ રંગબેરંગી ફૂલો ઉગાડવાનો રિવાજ છે. જાણે પરીઓના દેશમાં ફૂલોનાં ઘર ! એક પછી એક નાનકડાં સ્ટેશન પસાર કરતાં, એક નાનકડું રૂપાળું ગામ આવ્યું – બૅડગૅસ્ટાઈન. બસ અહીં, ઑસ્ટ્રિયાના આ ઊંડાણના પ્રદેશમાં અઠવાડિયું રહેવાનું ગોઠવેલું; જ્યાંથી આસપાસનાં શહેરો પણ જોવાય અને શૈલશૃંગો, વનશ્રી અને સરોવરોને પણ માણી શકાય.

બૅડગૅસ્ટાઈન નામના સુંદર ગામડામાં બૅલેવ્યુ હૉટેલનો નાનકડો રૂપકડો સ્વીટ હવે પછીના અઠવાડિયા માટે અમારું ઘર હતું. રૂમની ગૅલેરીમાંથી ઉન્નત ગિરિશૃંગોના લીલાછમ ઢોળાવો દેખાતા હતા. હૉટેલની પછીતે, થોડાક નીચાણ પર ગરમ પાણીનું ઝરણું વહેતું હતું. અહીં બૅડગૅસ્ટાઈન માતાનું મંદિર બાંધીને એને કોઈએ ગંદા ઓરડામાં કેદ કરેલું નથી, પણ એક ઘાટીલા શિલ્પ વચ્ચેથી ફુવારાની જેમ વહાવવામાં આવ્યું છે. એની ફરતે સુંદર ફૂલો ઉગાડવામાં આવ્યાં છે. જરાક આગળ ચાલો ત્યાં ગામ વચ્ચે જ એક ઘૂઘવતો ધોધ દેખાય. જળપ્રપાત નીચે પછડાતો જાય ને પાછળ શીતળ વાછંટ ઉડાડતો જાય. ધોધની સુંદરતા અકબંધ રાખીને કોરેમોરે ગામ વસેલું જોયું. ગામ નાનકડું હતું. થોડીક દુકાનો, થોડીક હૉટેલો, ગામવાસીઓનાં થોડાંક અને થોડાંક જૂનાં રજવાડી મકાનો હતાં, જ્યાં એક જમાનામાં અહીંના રાજવીઓ વેકેશન ગાળવા આવતા. જરાક વધુ નીચે ઊતરો એટલે ગામ પૂરું થાય, ને પેલા જળપ્રપાતની ફરી મુલાકાત થાય. અહીં પહોંચતાં એનું સ્વરૂપ ઉગ્રતા ધારણ કરી લે છે. એનું પહોળું ધસમસતું વહેણ શિલાઓ પર પછડાતાં ધુમ્મસની જેમ ઊડતી શીકરો કિનારે ઊભેલાં વૃક્ષોની પાંદડીઓમાં અટવાઈને એક ખૂબસૂરત વાતાવરણ રચી દેતી હતી; જાણે પ્રિયાના કેશમાં અટવાતી પ્રિયતમની આંગળીઓ !

રોજ વહેલી સવારે અમારી સફર શરૂ થતી, ત્યારે બૅડગૅસ્ટાઈનના રેલ્વેસ્ટેશન પર ગણ્યાગાંઠ્યા લોકો ટ્રેઈન પકડવા ઊભેલા દેખાતા. રંગબેરંગી ફૂલોથી પ્રફુલ્લિત અને જીવંત દેખાતા સ્ટેશન પર માત્ર બે પ્લૅટફોર્મ હતાં. સામે જ એક ઊંચું શિખર ડોકાતું હતું, જેના પર જવા માટે રોપ-વેની સગવડ હતી. શિખરની તળેટીમાં રૂપાળું રોપ-વે સ્ટેશન વહેલી સવારે સૂમસામ દેખાતું. ડાબી બાજુએ ઊંચાં ઊંચાં વૃક્ષોનું નાનકડું વન હતું, જેના પર પરોઢનાં અંધારાં ઓગળતાં હોય, ત્યારે બિલ્લીપગે આવીને વનશ્રીની આંખ દાબી દેતા ધુમ્મસની હરિયાળી-ધૂંધળી રમત જોવાની ખૂબ મજા પડતી. મિનિટ ટુ મિનિટ અને સેકન્ડ ટુ સેકન્ડની નિયમિતતાથી દોડતી ટ્રેઈન પકડીને અમે શ્વારઝેક સ્ટેશને પહોંચી જતાં. ત્યાંથી આખા ઑસ્ટ્રિયામાં જ્યાં જવું હોય, ત્યાંનાં કનેકશન મળે. રોજ નવાં-નવાં સ્થળોમાં ઘૂમીને મોડી રાત્રે અમે ફરી બૅડગૅસ્ટાઈન પાછાં ફરતાં. ત્યાં નાનાં સ્ટેશનો પર તો ભાગ્યે જ કોઈ રેલ્વે કર્મચારી દેખાતા. ટિકિટ ખરીદવા માટે ચા-કૉફી, સિગરેટ, ચૉકલેટ, છાપાં, દરેક વસ્તુ માટે વેન્ડિંગ મશીન મૂકેલાં હતાં. ખાસ ધ્યાન ખેંચે તેવી વાત એ હતી કે ઘણા બધા લોકો સાયકલ પર સ્ટેશને આવતા. સૌ એક મોટી બારીમાં સાયકલ જમા કરાવે અને ટ્રેઈન પકડી લે. વળતાં સાયકલ દોડાવતા પાછા ઘર ભેગા. કેટલીક ટ્રેઈનોમાં સાયકલ સાથે લઈને જવાની વ્યવસ્થા પણ હતી, જેથી લોકો કામને સ્થળે સ્ટેશન પર ઊતરીને સીધા જ પોતાની સાયકલ પર રવાના થઈ શકતા. આ દશ્ય મજાનું હતું.

રોજ ટ્રેઈનની મુસાફરી દરમ્યાન અમને ઑસ્ટ્રિયાની નમણી નજાકતનો અદ્દભુત પરિચય થયો. પણ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક ઘટના મનમાં હજીય ખૂંચ્યા કરે છે. ઑસ્ટ્રિયન લોકો બેહદ બેફામ ધૂમ્રપાન કરે છે. પુરુષો અને સ્ત્રીઓ તો ઠીક, નાનાં બાળકો અને કુમળા કિશોર પણ છડેચોક ધૂમ્રપાન કરતાં જોવા મળ્યાં. બાર-તેર-પંદર વર્ષની કુમળી બાલિકાઓનાં ને કિશોરીઓનાં ફેફસાં સિગરેટના ધુમાડાથી દાઝતાં જોઈને અમને તબીબોને દુઃખ કેમ ન થાય ? એક-બે વર્ષના પોતાના બાળકની બાબાગાડી હાંકતી-હાંકતી સિગરેટના કશ લેતી માતાઓ અને ક્યાંક તો વળી ગર્ભવતી મહિલાનેય ધુમાડા કાઢતી જોઈ ત્યારે પેલી આવનારી પેઢીનાં અબુધ બાળકોય કાચી ઉંમરમાં સિગરેટ પીતાં ને ફેફસાં બાળતાં શીખી જશે, તેની ચિંતા અમને બાળતી હતી.

[2] શાંતિ, સભરતા અને સૂકૂનનો મુકામ : બૅડગૅસ્ટાઈન

બૅડગૅસ્ટાઈનને એક જ શબ્દમાં વર્ણવવું હોય તો, હિન્દીનો ‘સૂકૂન’ શબ્દ યાદ આવે. પર્વતોની ગરિમા ને ખીણની સુંદરતા વચ્ચે પમરતો લયબદ્ધ-શાંત માનસિકતાનો અનુભવ. હિમાલય જેવી ભવ્યતા અહીં નથી. હિમાલયની સમીપે જે વૈરાગ્યભાવસભર અપાર્થિવ શાંતિનો અનુભવ થાય; સ્વત્વ જ ખરી પડે, ને પછી અનંત સાથે તદાત્મ્ય અનુભવાય, એવો અનુભવ અહીં નથી. હિમાલયની શાંતિ એટલે કોઈ તપસ્વીના મનની આસનબદ્ધ શાંતિ, જ્યારે બૅડગૅસ્ટાઈનની શાંતિ, એટલે તોફાન વચ્ચે સ્થિર ઊભેલી હોડીની શાંતિ ! દુનિયાદારીના ઘમાસાણ વચ્ચેથી હળવેથી ઊંચકીને કોઈ તમને ગરૂડપંખીની પાંખ પર મૂકી દે, તેવો અનુભવ. આલ્પ્સની ઘાટી મને હંમેશાં સંગીતમય લાગી છે. એમાં ફરીએ ત્યારે મનને શાંતિ અને સૂકૂનમાં લીન કરી દેતું ધીમું, શાતાદાયક સંગીત મનમાં વિલસ્યા કરતું હોય એવું લાગે. અહીં પોતાની જાત પ્રત્યે વિરક્તિનો ભાવ જાગતો નથી, પણ પોતાના હોવાની સભરતા અનુભવાય છે. ઊર્ધ્વગામી અનુભૂતિમાં વિશ્વભાન છૂટી પડે તેવું અહીં કાંઈ નહીં; અહીં તો ઢોળાવો પર દોડી જવાની, વાદળને આંબવાની, ઝાકળને સ્પર્શવાની ને ઘાસને ચૂમવાની ઈચ્છા થાય. દરેક ધરતીને પોતાનું આગવું આભામંડળ ને દરેક સ્થળમાં એનો આગવો સ્પર્શ !

બૅડગૅસ્ટાઈનની હર સવાર કોઈ અણધાર્યું વિસ્મય લઈને આવતી, ને દિવસભરના આહલાદક અનુભવોની રળિયાત એવી હરેક સાંજ સંતર્પક બની રહેતી. ખૂબસૂરત ઑસ્ટ્રિયાનો રળિયામણો ટિરોલ પ્રદેશ, એની સુહાવની ખીણ-ગૅસ્ટાઈન વેલી, ને એ ખીણમાં ખરેલા મોરપિચ્છ જેવું બૅડગૅસ્ટાઈન ગામ. મૂળે તો અહીં ગોવાળિયા વસે. ટિરોલ તો જાણે ઑસ્ટ્રિયાનું વૃંદાવન ! કુદરતને ખોળે વસેલા આ ભલાભોળા લોકનાં જીવન, એમની ખુશીઓ, એમની આશાઓ, બધું જ કુદરતને આધીન. અને એ હકીકતનો અહેસાસ એમના ઉત્સવો પરથી થાય. એ સવારે બૅલેવ્યુની રિસેપ્શનિસ્ટ કહે, ‘આજની સવાર અહીં ગામમાં જ ગાળજો. સીધાં સ્ટેશન ઉપર જાવ. ત્યાં રાજમાર્ગ પરથી થોડી જ વારમાં એક સરઘસ નીકળશે. આજે અમારો ઉત્સવ છે. ઉનાળો હવે પૂરો થયો, એટલે ખેડૂતો મબલખ પાક લણીને ને ગોવાળિયા તાજાંમાજાં ઢોર લઈને પર્વતીય વિસ્તાર પરથી પાછા ફરે, તેનો ઉત્સવ. સૌ પારંપરિક વેશભૂષા સજીને નાચતાં-ગાતાં નીકળશે. અમારી પારંપરિક રમતો, અંગસૌષ્ઠવની કરામતો, ગાડાંના ને પશુઓના શણગાર, બધું જોવા મળશે.’ અમે સ્ટેશન તરફ દોડ્યાં. થોડી જ વારમાં સરઘસ આવી પહોંચ્યું. શું એમની રંગબેરંગી વેશભૂષા, શું એમનો નાચવા-ગાવાનો ઉત્સાહ અને શું એમનાં પશુઓના શણગાર ! હૃદય પ્રસન્નતાથી છલકાઈ ગયું ! આ ટોળામાં ઊભાંઊભાં જ જાણવા મળ્યું કે, આ પ્રજાના ઉત્સવો એટલે કુદરત સાથે સીધો સંવાદ. લોકજીવનને બરફમાં ધરબી દેતો શિયાળો વિદાય લે, ને ઉત્સવોની મોસમ શરૂ થાય. પહેલો ઉત્સવ આવે, ફેસ્ટિવલ ઑફ ફાયર-શિયાળાને વિદાય આપવાનો ઉત્સવ. તેમાં પર્વતીય પ્રદેશમાં હજારો મશાલો પેટાવીને પર્વત પર અવનવા આકાર રચવામાં આવે. આમ અગ્નિ પ્રગટાવવાથી આવનારી મોસમમાં સૂર્યનું તેજ વધે, અને મબલખ પાક ઊતરે, તેવી મંગલ કામના કરવામાં આવે. ત્યાર બાદ ‘સેન્ટ વિયટ્સ ડે’ને દિવસે ખીણનાં મેદાનોમાંથી ગોવાળિયા ફૂલે મઢેલી હૅટ પહેરીને કિલકારીઓ કરતા, પોતપોતાનાં પશુઓ સાથે સાગમટે પર્વત તરફ પ્રયાણ કરે. પશુઓનાં ધણ હિલસ્ટેશનના હરિયાળા ઢોળાવો પર ચરવા ને પર્વત પર મસ્તીથી ઉનાળો ગાળવા જાય ! પર્વતીય વસાહતોમાં આ પશુઓનું કિલકારીઓથી સ્વાગત કરવામાં આવે. આખો ઉનાળો પર્વત પર પશુપાલન અને ખેતી કર્યા પછી, રંગબેરંગી રંગોથી રંગેલાં ને શણગારેલાં ધણ ખીણમાં પાછાં ફરે, બરકતભરી મોસમ વીતતાં સૂર્યનો ને ગ્રીષ્મનો આભાર માનીને એને વિદાય કરવાનો આ ઉત્સવ. બસ, આ ઉત્સવ જોવાનો અણધાર્યો લાભ અમને મળ્યો.

વસંતના આગમને અહીં એક નાજુકશો ઉત્સવ ઊજવાય. એનું નામ : ‘ગ્રાસઔસલેઉટેન’ – સૂતેલા ઘાસને જગાડવાનો ઉત્સવ ! એ દિવસે પુરુષો અને બાળકો ગાયને ગળે બંધાતી ઘંટડીઓ લઈને નીકળી પડે. સૌ ગામમાં, ખેતરોમાં ને ગૌચર ઢોળાવો પર ફરે, ને ટોકરી વગાડીને એના રણકારથી બરફની ચાદર ઓઢીને સૂતેલા ઘાસને જગાડે. બાળકો અગ્રગણ્ય ફાર્મહાઉસની સામે ખાસ ઊભા રહી, વધુ જોરથી વગાડે, અને એ શુકનના બદલામાં એમને ભેટ-મીઠાઈ કે ચૉકલેટથી નવાજવામાં આવે. પોઢી ગયેલા ઘાસને કોમળ ઝણકારથી જગાડવાની વિધિ ! કેટલી કાવ્યમયતા છે, આ ઉત્સવમાં ! શીતળ રજાઈ ઓઢી જંપી ગયેલાં બાળુડાં જેવું ઘાસ, ને એને સૂરીલું જગાડતાં એનાં બાલમિત્ર ભૂલકાંઓ. ઘાસને ને ઋતુઓને ચાહવાની કેવી કાવ્યમય રીત ! ભાંગતે અંધારે અમારું ભ્રમણ શરૂ થતું, સુંદરતમ દશ્યાવલી અને રસપ્રદ લોકજીવન વચ્ચેથી પસાર થતાં દિવસ ક્યાં નીકળી જતો, ખબર જ ન પડતી. સાંજ ઢળતાં અમે રિસોર્ટ પર પાછાં ફરતાં. આવીને સ્વિટના નાનકડા રસોડામાં ઝટપટ રસોઈ બનાવી, રિસોર્ટના તરણકુંડમાં તરવા જવાનું. તરી આવીને જમીએ, પછી થોડો સમય આવનારા દિવસનું આયોજન કરવામાં જાય, એટલામાં તો સ્વપ્નલોકનું તેડું આવી જ ગયું હોય !

આવી જ એક સાંજે, હું રિસોર્ટના સ્વિમિંગપૂલમાં તરતી હતી, ત્યારે એક યુગલ પોતાના નાનકડા સાતેક વર્ષના બાળકને લઈને તરવા આવ્યું. બાળક ટ્યૂબ ભેરવીને છબછબ પાણી ઊડાડતું ખુશખુશાલ તરવા લાગ્યું. થોડી વાર આનંદ કરવા દીધા પછી, યુવતી એને ટ્યૂબ કાઢીને તરતાં શીખવવા લાગી. બાળક માંડ તરે ને વળી ભયભીત થઈને યુવતીને પકડી લે. યુવતી એને વિશ્વાસ આપે, ને બાળક ફરી આગળ વધે. થોડી વાર આમ ચાલ્યું, પછી એ બાળકને છીછરા પાણીમાં લઈ ગઈ, અને ત્યાં એને ગલોટિયું ખાતાં શીખવવા લાગી. બાળક સફળતાપૂર્વક ગલોટિયું ખાય, એટલે પેલી સ્ત્રી એને ખૂબ વહાલ કરે. બાળક આનંદવિભોર થઈને પુનઃપુનઃ વહાલ મેળવવા બમણા ઉત્સાહથી ગલોટિયાં ખાય ! મા-દીકરાની આ જળરમત હું જોતી હતી, ત્યારે અનાયાસ જ મારાથી બાળકની સફળતા પર તાલી પડાઈ ગઈ, ને એમ એની મા મારી દોસ્ત બની ગઈ ! સ્મિત આપતી એ યુવતી મારી નજીક તરવા લાગી, ને અમે વાતે વળગ્યાં.
મેં પૂછ્યું : ‘શું ઉંમર છે, તારા બાળકની ?’
એ કહે, ‘પરમ દિવસે એને સાત પૂરાં થશે. હજી એ પાણીથી બહુ ડરે છે. હું એની બીક દૂર કરવા કોશિશ કરું છું.’
મેં કહ્યું : ‘તું બહુ સારી શિક્ષિકા છે….’ અભિનંદનથી એ રાજી થઈ, ને પછી એણે જે કાંઈ કહ્યું, તે અવિસ્મરણીય છે. એણે કહ્યું : ‘આ અમારું બાળક નથી, બીજાનું છે. એને એની મા એટલું બધું મારતી, ને માનસિક ત્રાસ આપતી, કે એ સખત છળી ગયેલું રહેતું. એટલી હદ સુધી કે ચાર વર્ષનું થયું ત્યાં સુધી એ બોલતાં પણ શીખી ન શક્યું. તે દિવસોમાં હું આવાં, ભયગ્રસ્ત અને સામાજિક પરિસ્થિતિને કારણે માનસિક દબાણનો ભોગ બનેલાં બાળકોની શિક્ષિકા તરીકે કામ કરતી હતી, એટલે આ બાળક મારી પાસે ભણવા મુકાયું. દિવસે-દિવસે કોણ જાણે કેમ મને એમ લાગવા માંડ્યું કે એનું સ્થાન કોઈ સંસ્થામાં નહીં, અમારા કુટુંબમાં જ હોવું જોઈએ. મારા પતિની સંમતિથી હું એને અમારા ઘરે લઈ આવી. ધીમેધીમે એ બોલતું થયું. પછી સતત પ્રેમ મળતાં એનો વિકાસ સરસ થયો. છેલ્લાં ત્રણ વરસથી એ ઉત્તરોત્તર વિકાસ કરી રહ્યો છે. હવે એના મનમાં માત્ર પાણીની બીક જ રહી છે, લાગે છે કે એય જલદી દૂર થઈ જશે. મારા પતિ કોમ્પ્યૂટર એક્સપર્ટ છે. અમારાં પોતાનાં બાળકો તો 17 અને 19 વર્ષનાં થઈ ગયાં. દીકરી અમેરિકામાં મ્યૂઝિક-થેરપી શીખે છે, ને દીકરો વિજ્ઞાનનો વિદ્યાર્થી છે. હવે આ નાનકડા બાળકને સાચવવા જ ખાસ તો હું કામ કરતી નથી. હવે હું જર્મનીના એક નાના શહેરની માત્ર એક ગૃહિણી છું.’

ઑસ્ટ્રિયામાં મળી ગયેલી આ જર્મન યુવતીની માનવતા, એનું વાત્સલ્ય અને જીવન પ્રત્યેના એના અભિગમને બિરદાવવા મારી પાસે શબ્દો નહોતા. એની વાત સાંભળીને હું ભાવવિભોર બની ગઈ. મેં એને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં. થોડે દૂર તરતા એના પતિ સાથે હજી ઓળખાણ નહોતી થઈ, છતાં તેમના તરફ અભિનંદનનો હાથ ફરકાવ્યા વિના પણ ન જ રહેવાયું. એ યુવતીનું ઈંગ્લિશ ભાંગ્યુંતૂટ્યું હતું. વાકપ્રવાહમાં ક્યારેક યોગ્ય શબ્દો શોધવા એ બેબાકળી બની જતી. પણ શબ્દોનું અહીં ક્યાં કાંઈ મહત્વ હતું ? લાગણી જ શબ્દાતીત હતી, એથી અમે એકબીજાને સમજતાં હતાં. ઠંડા પાણીમાં ઊભાં ઊભાં અમે ઘણી વાતો કરી હતી. એ ઠંડીમાં થથરી રહી હતી. કાંપતા અવાજે એ બોલી, ‘મારે હવે હૂંફાળા પાણીમાં જવું જોઈએ.’ આવજો કહેતી એ બાજુના રૂમમાં મૂકેલા હીટેડ જાકૂઝી તરફ ચાલી. બાળક એની પાછળ દોડ્યું. સાથે મારું શુભેચ્છાભર્યુ ને માતૃત્વભીનું મન પણ તેમની પાછળ પાછળ દોડ્યું, દૂર…. દૂર…..

[કુલ પાન : 212. (પાકું પૂઠું). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : બુક શેલ્ફ. 17, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, અમદાવાદ-9. ફોન : +91 26441826.]