સ્વામી આનંદ – મીરા ભટ્ટ
[જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ (વડોદરા)ની કલમે લખાયેલા 84 જેટલા મહાન વ્યક્તિત્વોનો સંચય એટલે ‘ગાંધી યુગની આકાશગંગા’. આ પુસ્તકમાંથી આજે સ્વામી આનંદના જીવન વિશે આછી ઝલક મેળવીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ મીરાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
ભારતીય સંસ્કૃતિમાં સંતોનું સ્થાન અનોખું છે. બલકે કોઈ પૂછે કે ભારતનો અસલી પિંડ કોણે બાંધ્યો, તો કહેવું પડે કે વિશાળ ભારતના આ ખૂણેથી પેલા ખૂણા સુધી સતત વિચરનારા સાધુસંતોએ ભારતની સંસ્કૃતિ ઘડી છે. જો કે આ સાધુ-સંતોના પણ અનેક પ્રકાર છે. છતાંય જે સંતો ભારતીય સંસ્કૃતિની હાલતી ચાલતી વિદ્યાપીઠો બનીને જીવન જીવી ગયા, તેમનો આછો-પાતળો પરિચય કરાવનાર ‘સ્વામી આનંદ’ એક વિશિષ્ટ સંન્યાસી સાધુ પુરુષ હતા, જેમણે સંન્યાસની સ્વરાજ્ય-સાધના સાથે સુંદર યુતિ બતાવી.
મૂળ નામ એમનું હિંમતલાલ રામચંદ્ર દવે. સૌરાષ્ટ્રના ઝાલાવાડનાં શિયાણી ગામે 1887માં જન્મ. મોટાભાઈ મહાશંકર ડૉક્ટરને ત્યાં ભણવા ગયા ત્યારે, પરસ્પર રૂપિયો બદલાવી નાની ઉંમરે વેવિશાળ નક્કી કરી નંખાયેલું. પરંતુ આ હિંમતલાલના રૂપિયાનો રણકાર તો કાંઈક જુદો જ હતો. મોટાભાઈનું ઘર છોડી મુંબઈ મામાને ત્યાં રહેવા ગયા, ત્યારે દશેક વર્ષની ઉંમરે, માધવબાગના એક સાધુ સાથે ભગવાનને મેળવવા નીકળી પડ્યા. પરંતુ સાધુબાબાની આ જમાતમાં તો ગાંજો-ચલમ ચાલે, ભલે પોતે ન પીએ, પણ ગુરુજીને તો ચલમ ભરી આપવી પડે. પણ આવા કામ કરવા પોતે સાધુ થોડો થયો છે, એ વાતે કપાળમાં ચલમનો એવો ઘા ખાધો કે મોતને અને પોતાને અણીભર છેટું રહી ગયું. જેઠીસ્વામી જેવા સાધુમહારાજને તો બદામ-પીસ્તાવાળો બંગાળી માપનો દોઢ શેર લોટો દૂધ ઊભા ઊભા ગટગટાવવા જોઈએ. આવા તો કાંઈ કેટલાય અનુભવો થયા, જે એમની વિશિષ્ઠ રોચક શૈલીમાં ‘મારા પિતરાઈ ભાઈઓ’માં આલેખાયા છે.
આખરે 1901માં રામકૃષ્ણ મિશનમાં સંન્યાસની દીક્ષા લઈને ‘સ્વામી આનંદ’ બન્યા. તપોધનજી પાસે ઘણું પામ્યા, સંન્યાસીઓની જમાત વચ્ચે રહીને ભારતીય સંસ્કૃતિની સમસ્ત સંતસૃષ્ટિને તેમણે ખૂબ ઊંડાણથી જોઈ-જાણી, મૂલવી પણ ખરી. ચમત્કારોમાં એમને શ્રદ્ધા નહોતી. એ તો કહેતા કે ‘જિંદગી ઊઘાડી ચોપડી છે. તેને વાંચવા-સમજવા સારુ કોઈ ગૂઢવાદને વચ્ચે લાવવાની જરૂર નથી.’ માનવતાના મૂળભૂત તંતુને પકડી રાખી, સ્વામી આનંદે ભારતભરના તમામ સંતોને પોતાની કસોટીની એરણે ચઢાવ્યા છે. તેમને ભગવાન ઈસુમાં અને ઈસુપંથીઓમાં પણ એટલો જ રસ. વળી મુસ્લિમ ફકીરો પણ એમના જાતભાઈ ! સહજ રીતે સર્વધર્મ-ઉપાસના એમના સંન્યસ્ત જીવનનું એક ઊજળું પાસું બની ગયું. ‘સાધુ તો ચલતા ભલા’ એ ન્યાયે ભારતભરમાં ફરતા રહ્યા. તે દરમિયાન, બંગાળના ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યા. લોકમાન્ય તિલક સાથે પણ ગાઢ સંપર્ક થયો. વીસમી સદીના આરંભકાળમાં ભારત દેશ સામે ‘સ્વરાજ્યનો મંત્ર’ તિલક દ્વારા એવો પ્રચંડ રીતે ઘોષિત થયેલો કે અનેક સાધુ-સંન્યાસીઓને પણ એણે નવી કર્તવ્યદિશા ચીંધી. દરમિયાન, કાકાસાહેબ કાલેલકરના પરિચયમાં આવવાનું થયું, તો તેમની સાથે હિમાલયયાત્રા પગપાળા કરી. ‘બરફ રસ્તે બદરીનાથ’ના પુસ્તકના રસપ્રદ અનુભવોનું રોચક વર્ણન કોઈ પણ યુવા-પગને થનગનાવી દે તેવું રોમહર્ષક છે !
પરંતુ આ બધો સૂર્યોદય થતાં પહેલાંનો ઉષઃકાળ હતો. હજુ જીવનમાં ‘ગાંધી’ નામનો સૂર્યોદય થવાનો બાકી હતો, તે દરમિયાન હિમાલયના અલમોડા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું. હિમાલય તેમના અસ્તિત્વ સાથે અભિન્નપણે જોડાયેલી જીવતી-જાગતી હસ્તિ હતી. કાકાસાહેબ સાથે હિમાલયના ખૂણેખૂણા ખૂંદીને હૈયામાં હિમાદ્રિની શુભ શુભ્રતા સંઘરતા રહ્યા. બાપુ ભારત આવ્યા, તે પહેલાં એની બેસન્ટ સ્થાપિત અલમોડાની પહાડી શાળામાં શિક્ષણ-કાર્ય કર્યું. 1917માં બાપુ સાથે સંપર્કમાં આવ્યા અને આશ્રમમાં પહોંચી જઈ 1919માં નવજીવન પ્રેસના સંચાલકની જવાબદારી ઊઠાવી લીધી. ‘યંગ-ઈન્ડિયા’ના મુદ્રક તરીકે જેલવાસ પણ થયો. એમની યોગ્યતા જોઈ, પત્રિકાઓના સંપાદક રૂપે જવાબદારી સ્વીકારવા બાપુએ આગ્રહપૂર્વક કહ્યું, પરંતુ પોતાની સંન્યાસીની ભૂમિકાના સ્વધર્મ રૂપે એ બધાથી નિર્લિપ્ત રહ્યા. એમની સ્વધર્મનિષ્ઠા એટલી બધી સુદઢ હતી કે એમને કોઈ પુરસ્કાર જાહેર થયો, ત્યારે પણ એમણે એમ કહીને નકાર્યો કે સંન્યસ્ત ભૂમિકામાં આવો પુરસ્કાર બંધબેસતો નથી. સ્પષ્ટ વાણીમાં તેઓ સાફ-સાફ વાત કહી દેતાં કદી અચકાતા નહીં, આ જ કારણસર ઘણા એમને ‘તીખા સંત’ કહેતા.
1927ની ગુજરાતની રેલ વખતે અને બારડોલી સત્યાગ્રહ વખતે પણ પૂરી નિષ્ઠાપૂર્વક તેમણે કામ કર્યું અને સરદારશ્રીના નિકટના સ્વજન બની ગયા. બિહારમાં ભયંકર ધરતીકંપ થયો ત્યારે પણ રાજેન્દ્રબાબુના ડાબા હાથ બનીને કામ પાર પાડ્યું. આમ સ્વરાજ્યના અનુસંધાને જે-જે કામો સામે આવતાં ગયાં તેમાં સર્વસ્વ હોડમાં મૂકીને જવાબદારી નોંધાવી. મીઠાના સત્યાગ્રહ વખતે જેલવાસ ભોગવ્યો. 1947માં દેશના ભાગલા પછીની કરુણ પરિસ્થિતિમાં પંજાબ, દહેરાદુન તથા હરદ્વારના નિરાશ્રિતોની છાગણીઓમાં રાહત કાર્ય કર્યું. સ્વરાજ્ય બાદ દહાણુ પાસે કોસબાડ આશ્રમમાં રચનાત્મક કાર્ય તથા લેખનકાર્યની એવી જુગલબંધી ચલાવી કે ગુજરાતને એમની પાસેથી અનન્ય લાભ મળ્યો. સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિન્દી, બંગાળી તથા ઉર્દૂ ભાષાના સારા જાણકાર, અને વળી પાછા અઠંગ અભ્યાસી ! તેમાંય એમની આગવી શૈલી ! આ બધાને કારણે ગુજરાતી ભાષાને એમનું પ્રદાન અદ્વિતીય અને અજોડ રહ્યું. પોતે મુદ્રણકળાના નિષ્ણાત એટલે જોડણી તથા પ્રકાશન વિષે એટલા બધા આગ્રહી કે કાચા-પોચા પ્રકાશકનું તો કામ જ નહીં કે એમનું સાહિત્ય છાપે. એમની પોતાની આગવી શૈલી અને આગવો શબ્દકોશ હતો. સહેજ પણ આઘાપાછી ચલાવી લેવાની એમની તૈયારી નહીં, એટલે ‘સુરુચિ મુદ્રણાલય’ કે ‘યજ્ઞ પ્રકાશન’ જ એમનાં પુસ્તકો છાપવાની હિંમત કરી શકે. ગુજરાતી ભાષામાં એમણે કેટલીક ધીંગી વ્યક્તિઓનાં જે રેખાચિત્રો આપ્યાં છે, તે અનુપમ છે !
જેવા પોતે આગવા નિરાળા અને અલગારી, એવું આગવું એમનું અંતિમ વસિયતનામું – ‘મારી પાછળ મારા નામે કોઈ પણ જાતનું દાનપુણ્ય, સ્મારક કે સ્મરણ ચિહ્ન કરવું નહીં, અગર તો મારી છબીને પૂજવી કે ફૂલમાળા ચઢાવવાં નહીં. આમ કરનારે મારી જિંદગીભરની શ્રદ્ધા, આસ્થા, શીખવેલું ઉથાપ્યું – એમ સમજવું.’ 1976ની 25મી જાન્યુઆરીએ મુંબઈમાં હૃદયરોગથી દેહાંત થયો. સ્વરાજ્યયાત્રામાં એક સંન્યાસીનું પ્રદાન કેવું હોઈ શકે, એનું ઉજ્જવળ દષ્ટાંત સ્વામીદાદામાં જોવા મળે છે.
[ કુલ પાન : 373. (નાની સાઈઝ, પાકું પૂઠું.). કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : સાબરમતી આશ્રમ, અમદાવાદ તથા ‘બુકમાર્ક’, 202, પૅલિકન હાઉસ, નટરાજ સિનેમા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 26583787.]
Print This Article
·
Save this article As PDF
સ્વામિ દાદા નો તુકમા પન સમ્પુર્ન પરિચય
સ્વામી આનંદનો પરિચય પહેલીવાર થયો…. “દવે” હતાં તે જાણી ને પણ છુપો આનંદ પણ થયો. 🙂
રીડ-ગુજરાતીનો ખુબ આભાર.
મોટેભાગે સંતો નિષ્ક્રિય જોયા છે. દેશસેવાનાં આવાં કામો (કર્મયોગ) પણ ભારતભૂમિનાં સંતોએ કર્યાં છે એવું કદાચ આજે પહેલી વાર જ જાણ્યું. કોઇ સંતે કર્મયોગને આટલી નિષ્ઠાથી જીવનમાં ઉતારેલો હોય એવું પહેલી વાર જાણ્યું. અંતિમવસિયતનામું ખરેખર અદભુત.
રીડગુજરાતીનો આભાર.
(આસ્થા ચેનલ પર આવતા કહેવાતા ધર્મગુરુઓ કાંઇક શીખે તો સારું. મોટેભાગે સંતોનો જીવનમંત્ર હોય છે.- અકર્મણ્યેવાધિકારસ્તે , ફળ તો મળવાનું જ છે ભારતની ભોળી પ્રજા પાસેથી) .
સંત, સ્વામી, સન્યાસી, સાધુ, બાવા અને ઋષિ આ બધા વચ્ચે પાતળી ભેદ-રેખા છે. સ્વામી આનંદ એ ‘સ્વામી’ હતાં. ઋષિ તો આપણે રહેવા જ નથી દીધા. (સંસારમાં રહી ને સંસારની સેવા કરે તે તો “સંસારી કીડા” કહેવાય 🙂 ) વૈદિક સમય બાદ સ્ત્રી ત્યાગનો મહિમા અને દંભ એટલો જામ્યો છે કે આજ સુધી એ ચાલુ છે. આપણે ગુણો ને નહી પણ ત્યાગને પૂજતી પ્રજા છીએ.
ઓ….હો….હો….મહારાજ તો સ્ત્રી તરફ જોતાં નથી….. ઓ….હો….હો….મહારાજ તો ચંપલ નથી પહેરતાં. ઓ….હો….હો….મહારાજ તો એક પગે ઊભા રહે છે. ઓ….હો….હો….મહારાજ તો પૈસા ને હાથ નથી અડાડતાં……ઓ….હો….હો….મહારાજ તો ફક્ત પાણી જ પી જે જીવે છે. ઓ….હો….હો….મહારાજ તો લસણ-ડુંગળ વિ. ને અડતા પણ નથી. ઓ….હો….હો….મહારાજ વર્ષમાં એક જ વાર દર્શન દે છે. ઓ….હો….હો….મહારાજ ગુફામાં જ રહે છે. પણ આ બધાથી ન તો રાષ્ટ્ર નિર્માણ થાય છે કે ન તો પ્રજાનું ધડતર થાય છે…..કશું મળતું નથી.
ત્યારે આવા રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપનાર સ્વામી ને માટે તો આદર થવો એ દરેક રાષ્ટ્રપ્રેમી માટે સ્વભાવિક છે.
નાનપણમાં ભણવામાં એક પાઠ આવતો. “આદર્યા અધુરા રહેતા નથી”. એક ગામમાં એક સાધુ હતા. ખૂબ સેવાભાવી. ગામમાં પાણીની તકલીફ હતી તો એમણે ભર ઉનાળે કુવો ખોદવો શરુ કર્યો. બધા પૂછે એમ કાંઇ કોદાળી ઉપાડવાથી એકલા હાથે કુવો થોડો જ થવાનો છે? સાધુ તો બસ, ખોદે જ જાય ને ખોદે જ જાય. આખો દિવસે ખોદકામ કરે ને રાત્રે ભજન-કિર્તન). પછી ધીમે ધીમે બધાને સાધુના કાર્યમાં વિશ્વાસ બેઠો અને બધા રોજ થોડું થોડું ખોદાવા લાગ્યા. જોતજોતામાં કુવો તૈયાર થઇ ગયો અને ચોમાસુ બેસતાં તો પાણીથી છલોછલ. ગામની પાણીની સમસ્યાનું નિરાકરણ થઇ ગયું.
પાઠમાં ભણ્યા ત્યારે એવું જ હતું કે સાધુઓ કેવા સરસ કામો કરે છે? આદરભાવ જાગેલો. પણ વાસ્તવિક જીવનમાં ભાગ્યેજ આવું જોવા મળ્યું છે. ( બધા ખાલી કથાઓ કર્યા કરે છે ને માળાઓ ફેરવ્યા કરે છે). મુલ્યો ગુમાવીને આચરવામાં આવતી કહેવાતી ધાર્મિકતા (ક્રિયા-કાંડો)થી પ્રજા ખરેખર કેટલું ગુમાવે છે એ તો રોજબરોજના જીવનમાં દરેક ભારતવાસીઓને ખબર છે જ.
પુજ્ય સ્વામી આનન્દ્જી વિષે, થોડુ વધારે વાન્ચવા નો લાહાવો અન્ય મેગેઝીન મા થી મળ્યો છે અને તેમના માટે ઘણો આદર છે. જેમ ફળ ની ટોકરી મા બધા ફળો મીઠા નથી હોતા, તેમ્ હુ માનુ છુ કે, દરેક સમાજ્ વ્યવસાય મા પણ સારા અને ખરાબ લોકો હોય છે, આપ્ણે પસન્દ કરવા નુ છે કે કયો વ્યક્તિ સારો અને કયો ખરાબ્.
આભાર્.
યોગેશ્,
મારા પુ. સાસુમાએ મારી સપ્ટેમ્બરની ઇન્ડિયા વિઝીટ વખતે સંતશ્રીનુ ‘ધરતી ની આરતી’ પુસ્તક મને ભેટ આપ્યુ જે વાંચી રહી છુ. ખુબ સરસ , વાચવા જેવુ પુસ્તક છે. આગવી શૈલી અને આગવો ભાષાકોશ !!!!
સ્વામી આનંદજીનો પ્રથમ વાર પરિચય કરાવવા બદલ આભાર.
આજે પણ આવા સાધુઓ હશે તો ખરા જ પરંતુ તેમને શોધવા પડશે. અને હા આવા સાધુ બનવા માટે સંસારનો ત્યાગ કરવો પણ જરૂરી નથી. સંસારની વચ્ચે રહીને પણ સાધુત્વ જાળવી જ શકાય છે, જેમ કે મોરારી બાપુ.
સ્વામી આનંદજી જેવી જ ઇચ્છા ગાંધીજીની હતી.પરંતુ બિચારા ૫ થી લઈને ૧૦૦૦ની નોટ સુધી બધા પર આવી ગયા. કચેરીઓમાં, મુખ્ય રસ્તાઓ પરતો ખરા જ.
હે રામ!
નયન
સ્વામી આનંદજીના જીવન ચરિત્રનો આ લેખ આપવા બદલ રીડગુજરાતીનો ખૂબ ખૂબ આભાર.
સ્વામીજીનુ પુસ્તક “મ્રુત્યુને હંફાવનારા” હુ ઘણા વખતથી શોધી રહ્યો છું… કોઈને ખ્યાલ હોય તો જણાવવા વિનંતી…
Ashish Dave
અંતિમ વસિયતનામું…ખરેખર great…. આપણે ગુણો ને નહી પણ ત્યાગને પૂજતી પ્રજા છીએ…જગતભાઈ દવેની વાત સો ટકા સાચી…