બદલાવ – રમેશ ઠક્કર

[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈએ સાહિત્યક્ષેત્રે લઘુકથા, ટૂંકીવાર્તા, નિબંધ, અભ્યાસલેખો, કવિતા અને ગઝલ જેવાં સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે. અત્યાર સુધીમાં એમના પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાં તાજેતરમાં પ્રકાશિત થયેલો ‘ઈચ્છાની પેલે પાર’ ટૂંકીવાર્તાઓનો આ પ્રથમ સંગ્રહ છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]

ગીતામંદિર, અમદાવાદના એસ.ટી. સ્ટેન્ડ ઉપરથી સાંજના સાડા છ વાગ્યે અમારી લકઝરી બસ રવાના થઈ. માર્ચ માસની એ સાંજ ગમગીન હતી. 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપ પછીના દિવસો હતા. વાતાવરણ બોઝિલ હતું. ચોતરફ દહેશત હતી. સ્થિતિ માંડ થાળે પડતી લાગે ત્યાં જ પાછા આફટર શોકના સમાચારથી ફફડાટ વ્યાપી જતો હતો. સમગ્ર ગુજરાતમાં એક પ્રકારની ઉદાસી હતી. આ ઉદાસીના ધુમ્મસમાં રાજ્ય સરકારના જવાબદાર અધિકારી તરીકે મારે અંજાર મુકામે રાહત કામગીરીમાં જવાનું હતું. અમદાવાદ-ગાંધીનગર જેવા શહેરમાં વસતા મારા જેવા સરકારી અધિકારીને ના ગમે તેવી આ સફર હતી. એસ.ટી. નિગમની સેમી લકઝરી હવે અમદાવાદ શહેરની બહાર નીકળી ખુલ્લા હાઈ-વે ઉપર દોડી રહી હતી. મારા મનમાં અકથ્ય એવો અજંપો છવાઈ ગયો હતો.

કેવા હતા એ દિવસો ? જાન્યુઆરીના અંતથી શરૂ થયેલ બચાવની કામગીરી : અમદાવાદ ઍરપોર્ટ ઉપરથી રોજેરોજ ઊતરતી રાહતસામગ્રીને મેળવવી, હિસાબ રાખવા અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તેની રવાનગી કરવી. રાતદિવસ વહીવટીતંત્ર ચાલતું હતું.
‘કચ્છ ધણધણી ઊઠ્યું હતું.’
‘ગુજરાત અનેક વર્ષો પાછળ પડી જશે.’
‘વિનાશની હજુ તો આ શરૂઆત છે….’
આવા નિરાશાજનક ઉદ્દગારો થકી ચોતરફ વાતાવરણ વધારે ગમગીન થઈ રહ્યું હતું. ગુજરાતની ખમીરવંતી પ્રજા આ બધાની સામે કઈ રીતે ટકી શકશે ? હવામાં પ્રશ્ન ઘુમરાતો હતો. બસ પૂરપાટ દોડી રહી હતી. અલ્લડ હવાની લહેરખીઓ મારા ઉદાસ ચહેરાને ચૂમી રહી હતી. તેના મુલાયમ સ્પર્શના સથવારે હું નિદ્રાદેવીના શરણે જઈ રહ્યો હતો…

બહાર શોરબકોર હતો. વાતાવરણ કોલાહલમય હતું. માણસોની ચહલપહલ, ફેરિયાઓના અવાજો, લાઈટોનો પ્રકાશ ફેલાઈ રહ્યા હતા. વાતાવરણમાં ઉલ્લાસ વર્તાઈ રહ્યો હતો. બસ ઊભી રહી ગઈ હતી. નજીકના ગલ્લા ઉપરથી સુંદર ફિલ્મી ગીત હવામાં રેલાઈ રહ્યું હતું :
‘આજ મૈં જવાન હો ગઈ હું
ગુલ સે ગુલિસ્તાન હો ગઈ હું.
યે દિન, યે સાલ મહિના…
ઓ મિટ્ટુ મિયાં…. ભૂલેગા મુઝકો કભી ના….’
મારી આંખ અચાનક ઊઘડી ગઈ હતી. ‘કયું ગામ આવ્યું ભાઈ…. ?’ બારીની બહાર તાકતાં ખુલ્લામાં ઊભેલા માણસને પૂછ્યું.
‘સામખિયારી. રાતના બે વાગ્યા છે.’ તેના ઉચ્ચારમાં કચ્છી લહેકો હતો.
‘ચા મળશે ?’ મારાથી સહસા પ્રતિપ્રશ્ન થયો.
‘હા…હા કેમ નહીં ? આવો ને આપણે સાથે પીએ. હું પણ તમારી બસનો પેસેન્જર છું.’

મને તેની આત્મીયતા સ્પર્શી ગઈ. અમે બંને વાતે વળગ્યા.
‘શું કરો છો ?’
‘ભૂજમાં ધંધો છે – ટ્રાન્સપોર્ટનો…’
‘ભૂકંપથી કોઈ નુકશાન….?’
‘ના રે ના. હતું થોડું ઘણું, બાકી ભગવાનની દયા છે…’ તેના અવાજમાં ગજબની ખુમારી હતી. ચાની સાથે નાસ્તો પણ આવ્યો. મજા આવી ગઈ. પૈસા આપવા મેં આગ્રહ કર્યો.
‘રહેવા દો સાહેબ… તમે અમારા મહેમાન ગણાઓ…. મહેમાન એટલે ભગવાન. આવી સેવા કરવાનો મોકો ફરી ક્યારે મળશે ?’ તેણે હસતાં હસતાં બિલ ચૂકવી દીધું. બસ સ્ટાર્ટ થઈ. મને થોડુંક ગમતું હોય તેવું લાગ્યું.

‘એક્સક્યુઝ મી….’ એક સુંદર લાગતી યુવતી મને કહી રહી હતી અને મારી સંમતિની રાહ જોયા વગર જ મારી બાજુની ખાલી સીટમાં બેસી ગઈ. તેણે મોહક સ્માઈલ આપ્યું. અડધી રાત્રે – આ રીતે એક સુંદર યુવાન સ્ત્રી એકલી મુસાફરી કરે તે મારે મન નવાઈની વાત હતી. હું ઘડીભર વિચારતો હતો.
‘અંજારમાં અમારું રિલીફવર્ક ચાલે છે. અમે એન.જી.ઓ. તરીકે કામ કરીએ છીએ. રાજકોટથી આવતાં હતાં અને રસ્તામાં વાહન બગડ્યું… બસ મળી ગઈ, તમારી બાજુમાં સીટ મળી ગઈ….’
તે ખડખડાટ હસી પડી.
‘ડર નથી લાગતો ?’
‘શાનો વળી ?’ તે બોલી.
‘ભૂકંપગ્રસ્ત વિસ્તાર, બેહાલ લોકો….’
‘ના રે ના. એમાં ડરવાનું શું ? આખો દિવસ અનેક લોકો સાથે કામ કરવાનું થાય, નવા અનુભવો, કામની સાર્થકતા…. સાચું કહું ? મારા જીવનના આ સુંદર દિવસો જઈ રહ્યા હોય તેવું અનુભવું છું….’ તેણે પૂરું કર્યું.
મારી સામે જોઈ રહેતાં તે બોલી, ‘તમે ?’
‘સરકારી અધિકારી છું. રાહત કામગીરી માટે આવ્યો છું….’
‘ઓહો. એમ કહો ને મોટાસાહેબ છો, તમારે વળી શું ચિંતા….’ તેણે મારો આત્મવિશ્વાસ વધારતાં કહ્યું. મનોમન હું મારી જાતને ધિક્કારી રહ્યો હતો. ક્યાં અજાણ્યા પ્રદેશમાં એકલા હાથે આનંદથી ઝઝૂમતી આ તરુણી ? અને ક્યાં અજંપાગ્રસ્ત ચહેરે સફર કરતો હું !

વહેલી સવારે અંજાર દેખાયું. ઉતારાનું સ્થળ દૂરની એક શૈક્ષણિક સંસ્થા હતી. સાડા દસ સુધીમાં તૈયાર થઈ ઑફિસમાં પહોંચ્યો. તમામ સ્ટાફમિત્રો મળવા આવ્યા.
‘વેલ કમ સર ! હવે બધું બરાબર છે. રાહત સામગ્રીનું વિતરણ ચાલુ છે. સહાયના કેસો તૈયાર છે. કોઈ મુશ્કેલી નથી….’ બધાની ઓળખાણ થઈ. હું પણ કામમાં પરોવાયો. મોડી સાંજે બહાર નીકળ્યો. કચેરી ધમધોકાર ચાલતી હતી. રાત્રે જમ્યા બાદ પાછો કચેરીમાં આવ્યો. હજુ પણ લોકો કામ કરતા હતા. મારા દિવસો આ રીતે પસાર થવા માંડ્યા. દૂર ખૂણામાં એક કર્મચારી ટેબલમાં માથું નાખી સતત કામ કરતો હતો. હું આવ્યો તે દિવસથી મેં તેને આ રીતે જ જોયો હતો.
‘કોણ છે એ ભાઈ ?’ મારાથી પુછાઈ ગયું.
‘પંડ્યાભાઈ છે. ભૂકંપમાં એમનું ઘર પત્ની અને બાળકો સમેત ધરાશયી થઈ ગયું. તેમના બે સગા ભાઈઓ ભૂકંપ વખતે અંજારના બજારમાં ગયા હતા. લાશ પણ મળી શકી નહીં… આ માણસે કામમાં દિલ પરોવી દીધું છે. એક પણ રજા લીધી નથી. આવા તો અનેક માણસો તમને જોવા મળશે….’ હું એ કર્મચારીની સ્થિતપ્રજ્ઞતાને જોઈ રહ્યો. મારે જાણે હજુ ઘણું શીખવાનું હતું !

‘અબ્દુલ તું ક્યાં રહે છે ?’ મારી સરકારી ગાડીના સ્થાનિક ડ્રાઈવરને મેં પૂછ્યું.
‘સાહેબ, જેસલતોરલની સમાધિની બાજુમાં અમારા ઝૂંપડાં છે.’
‘તને કોઈ લાભ મળ્યો કે નહીં ?’
‘નથી લીધો સાહેબ.’
મને નવાઈ લાગી, ‘એટલે ?’ મેં પૂછી નાખ્યું.
‘સાહેબ…. અમારે ઝૂંપડાવાળાને શું નુકશાન હોય ? ખુદાની મહેરબાનીથી અમે બચી ગયા એ મોટી વાત છે. જેને તકલીફ પડી હોય તે મદદ લે… અમારાથી ના લેવાય….’
‘તારા મા-બાપ શું કરે છે ?’
‘મજૂરી કામ… દહાડીએ જાય…. ખાધેપીધે સુખી છીએ, સાહેબ….’ તેણે ગાડીને બ્રેક મારી, ‘સાહેબ, સોડા પીવી છે ? મને યાદ કરશો…..’

હું તેનો જીવનરસ જોઈ રહ્યો હતો. ઝૂંપડીમાં રહેતા આ માણસમાં આટલી અમીરાત ક્યાંથી આવી હશે ? મને જાણે એક પછી એક પ્રસંગો ઘડી રહ્યા હતા. મને એવું દઢપણે લાગી રહ્યું હતું કે મારે દિલ દઈને મને મળેલા કામમાં ખૂંપી જવું જોઈએ. મારા અંતરમાં કોઈ અજબ પ્રકારની સરવાણીઓ ફૂટી રહી હતી. મારામાં ગજબનો બદલાવ આવી ગયો હતો !

[કુલ પાન : 180. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : બુક શેલ્ફ. 16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-9. ઈ-મેઈલ : info.npm@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગંગાસ્નાનની પાવનકારી અનુભૂતિ – કાન્તિ શાહ
ઉષાનાં અજવાળાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’ Next »   

41 પ્રતિભાવો : બદલાવ – રમેશ ઠક્કર

 1. raj says:

  Great!!!\
  Still people arer honest and live with spirit .That”s why BHARAT will never behind in mo;arity.
  I have read one article in TIMES and it survey shows that Indian people never demand for free money ,money is not important for them.
  I love my country
  raj

 2. Dhruti says:

  very touchy….& agree with Raj….

 3. ખુબ જ સુંદર…હ્રદયસ્પર્શી

 4. kashyap says:

  ખરેખર ખુબ જ હ્રદયસ્પર્શી .

  ગુજરાત ગમે તેવી આફત આવે એ પાછુ પડવાની એની આદત નથી.

 5. trupti says:

  ભાવનાત્મક કથા.

 6. dr.kishor bhatt says:

  KHUBAJ PARANA DAYI LEKH. MULYANISHTHTHA VYAKTI NE MARA VANDAN.

 7. જગત દવે says:

  ૨૦૦૧માં મારે મદદ લઈ ને જવાનું થયેલું ઊતાવળમાં વડોદરાથી નીકળ્યા એટલે રાજકોટ આવી ને મદદનાં સામાનની ખરીદી કરી.

  અમે કચ્છમાં ખાસ કરી ને ગામડાંઓ માં જવાનું નક્કી કરેલું કા. કે. ભુજ, અંજાર વિ. તો મદદ પહોંચી જાય પણ ગામડાંઓનું શું? અમે એક ગામડામાં પહોચ્યાં. રોડની એક તરફ લગભગ ૯૦% તબાહ થયેલું ગામ હતું અને રોડની બીજી તરફ ખુલ્લા મેદાનમાં ગામનાં લોકોએ કેમ્પ બનાવેલો. સાંજનો સમય હતો….એક તરફ બાળકો આ તબાહીથી બેખબર રમી રહ્યા હતાં અને બીજી તરફ બહેનોએે વિશાળ રસોડું બનાવીને વિવિધ ચુલાઓમાં રસોઈ મુકેલી. કોઈ શાક સમારવામાં મગ્ન કોઈ રોટલા, ભાખરીઓ બનાવવામાં વ્યસ્ત હતાં.

  અમારી ગાડી જોઈ ને છોકરાંઓનું ટોળું અમને ઘેરી વળ્યું…..થોડા પુરુષો પણ કુતુહલભરી નજરે જોવા લાગ્યા. અમે ગામનાં કોઈ આગેવાન હોય તો તેની સાથે વાત કરવાની ઈચ્છા જાહેર કરી તો ગામલોકો એ લગભગ ૬૦ વર્ષનાં એક ભાઈ ને અમારી આગળ કર્યા. અમે તેમને અમારી પાસે જે મદદ હતી તે જણાવી અને વધારે કાંઈ જોઈતું હોય તો લાવી આપવાની ખાત્રી આપી. તો તેમણે કહ્યું “તમે આ ગામડામાં મદદ લઈ ને આવેલાં પહેલાં વ્યક્તિ છો પણ માફ કરજો અમને કોઈ મદદની જરુર નથી. છોકરાવને રાજી કરવા જેવું કાંઈ હોય તો તેમને વ્હેંચી દો.” અને તેમની સાથેનાં બધા એ તેમના સુરમાં સુર પુરાવ્યો. બહેનોએ પણ તેમનાં ચહેરાઓ પણ સંતોષનું હાસ્ય રેલાવ્યું. અને મને કચ્છ ઉપર, ગામ અને ગામનાં લોકો ઉપર ગર્વ થયો.

  • trupti says:

   જગતભાઈ,

   તમારો અનુભવ શેર કરવા બદલ આભાર. ગામડા ના માણસો ની ખુમારી ને સલામ.

 8. Bhavna says:

  such a nice fact it is!!!!!!!!!!!
  Really Gujarat will never stopped its always go ahead & ahead
  villagers are always very strong and they really have the real bonding with each other. when in the city we cant know our neighbour also.
  Jagatbhai has also said such a nice experience.

 9. shwetal says:

  Very touchy……

 10. Deval Nakshiwala says:

  ખુબ જ સરસ વાર્તા છે. મુશ્કેલીઓ વખતે જ લોકોની સાચી ખુમારી અને માનવતાના દર્શન થાય છે.

 11. હુ અન્જાર નો વતનિ ૧૯૫૭ ન ભુક્મપ નો અનુભવ એ પ્રાન્ત ના લોકો ખુમારિ વાલા

 12. hiral says:

  ખરેખર ખુબ જ હ્રદયસ્પર્શી .

 13. Maithily says:

  Khub j hraday sparshi vat kahi … Ghani var anjan loko sathe banela aava kissa jivan na mahatv purn paath bhanavi jay che …

 14. hiral says:

  જગતભાઇ, તમે પણ સરસ અનુભવ લખ્યો. જો કે આ લેખ વાંચીને ઘણાં વાંચકમિત્રોને ભૂકંપ વખતનાં અનુભવો યાદ આવી ગયા હશે.

  મને મારી એક બહેનપણીએ કીધેલો આવો જ એક “બદલાવ” વાળો અનુભવ ખૂબ દિલથી સ્પર્શી ગયેલો.
  અમે સાથે એક જ ટીમમાં કામ કરતાં હતાં. એ મારી સિનિયર હતી. અને હું એનાં મૃદુસ્વભાવથી વધારે આકર્ષાયેલી. એનાં જેવી વિનમ્રતા મેં હજુ સુધી જોઇ નથી. ગમે તેવા કામનાં ભાર નીચે પણ એ ખૂબ જ વિનમ્ર અને તોલી તોલીને જ બોલે. ટીમમાં જો કે દરેક જણ એનાં આ સ્વભાવનાં વખાણ કરે જ કરે.

  એક વાર મેં પૂછી જ લીધું. તું આવી સરસ અમૃતવાણીનું રસપાન કેવી રીતે કરે છે? બાજુમાં જ એક જણે ટીખળ કર્યું, હા, આસ્થા (નામ બદલ્યું છે), તું કયા બાબાની અમૃતવાણીનું રસપાન કરે છે?
  એટલે આસ્થાએ હસીને કીધું. એ એક માતાજીની કૃપા છે. કોઇ બાબાજીની નંઇ. ઃ)

  પછી લંચ ટેબલ પર અમે તો વધારે રસ લઇને એની વાત સાંભળવા બેઠા. કારણ આસ્થા ધાર્મિક જરાયે નહોતી એ લગભગ બધાને ખબર હતી..


  પછી એણે કીધું. હું ઘરમાં ખૂબ લાડલી અને જિદ્દી છોકરી હતી. એકદમ તૂંડમિજાજી કહી શકો.
  દેખાવે મૃદુ. પણ ગુસ્સે થાઉં તો બધું ધડાધડ ઘરમાં ફેંકું પણ ખરી. મારો કક્કો જ ખરો થવો જોઇએ અને એનાં માટે હું ક્યારેય પણ વિફરી શકું એ ઘરમાં બધાને જ ખબર હતી. સ્ત્રીસહજ સ્વભાવ પણ બહુ વધારે. મારું – તારું તો કુટી કુટીને ભરેલું મારામાં.
  અમે કીધું તો પછી?

  કહું છું..

  મારું ઓશીકું, મારી પેન્સિલ. મારા કલર્સ. મારો કંપાસબોક્સ. મારાં કપડાં. હું કશું મારું ક્યારેય કોઇને આપું જ નહિં. કોઇ પિતરાઇ ભાઇ-બહેન સાથે કશું શૅર કરવું પડે તોયે, જલ્દી કરું નહિં.
  અમારી ઇંતેજારી વધી. અને એણે કીધું…..પછી થોડા વરસો પહેલાંનો ભૂકંપ તો બધાને યાદ હશે જ. ભૂકંપની યાદો ત્યારે હજુ બહુ જૂની નહોતી થઇ. અને એણે આગળ ચલાવ્યું. ભૂકંપમાં અમને કોઇને તો કશું નુકશાન નહોતું થયું. પણ કોલેજમાંથી રાહતના કામોવખતે જે ચીસો, રોકકળ, જમીનદોસ્ત થયેલાં ઘરોનાં ઘરો અને ઘરવખરી, આમ સેકંડોમાં જ જમીનદોસ્ત થયેલી જોઇ,’ મને મારાંમાં રહેલાં મારાં-તારા પ્રત્યે એટલું બધું લાગી આવ્યું કે એ પછી મેં મને ગમતી નાની મોટી વસ્તુઓ નાનાં છોકરાંઓમાં વહેંચવી શરુ કરી. મારામાં રહેલો જિદ્દિ સ્વભાવ વારે વારે ભૂકંપને યાદ કરવાથી એવો તો પિગળી ગયો કે હવે હું જિદ્દ કરવી એટલે શું? એ પણ ભૂલી ગઇ છું.’

  ‘બસ, ત્યારથી નક્કી કર્યું કે, ક્યારે મરી જઇશું , ખબર નથી. પણ આમ મારું-તારું કરીને સંઘરાખોરી તો નથી જ કરવી. એ પછી વસ્તુઓની હોય કે કડવી યાદોની. હું ધરતીમાતાની થપાટ જોઇએ વિનમ્રતાનું અમૃતપાન કરતી ને કરાવતી થઇ ગઇ.’ ઃ)

 15. Payal Soni says:

  ખુબ જ હદ્દયસ્પશી વર્તા છે.

 16. nayan panchal says:

  એકદમ હ્રદયસ્પર્શી લેખ. માણસના ખરાપણાની કસોટી આવા સંજોગોમાં જ થતી હોય છે. વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની તક મળે, તો પણ આવા માણસો પોતાની ખુમારી-ઇમાનદારી છોડતા નથી. તેમને સલામ.

  કેવી વિચિત્રતા છે કે આપણે જેમને મજૂર કે નીચલા વર્ગના ગણીએ છીએ તેઓ મૂઠ્ઠી ઊંચેરા સાબિત થાય છે.
  હાલમાં જો બિગબોસ-૪ જોતા હો તો તેમાં સૌથી આદરણીય, સરળ અને સાચુ વ્યક્તિત્વ હોય તો તે સીમાજીનુંછે કે જે આ બધા હાઈ-સોસાયટીના લોકોમાં એકમાત્ર અભણ, ગામડિયણ છે. ખરેખર કેળવણી, સંસ્કાર કોઈ સ્કૂલમાં જવાથી નથી મળતા.

  આભાર,
  નયન

  • જગત દવે says:

   આનાથી સાવ ઊલટો અનુભવ…..એકવાર સુરેન્દ્રનગરથી ચોટીલા જતાં વ્હેલી સવારે એક સીંગતેલનાં ડબ્બાઓ લઈ જતો એક ટેમ્પો રસ્તા પર આડો પડી ગયેલો જોયો……નજીકમાં એક નાનું ગામડું હશે. જોયું તો ગામનાં લોકો બંને હાથમાં એક એક ડબ્બો લઈ ને રીતસર તેમનાં ઘર તરફ દોડતાં હતાં. એવું જ કહો કે ડબ્બાઓ લૂંટવા હોડ જ લાગેલી. અમુકને તો જો મોકલો તો એશિયાડમાં મેડલ લઈ આવે 🙂

   માટે કોઈ પણ માણસ સતત દરેક પરીસ્થિતીમાં સારો અથવા સતત ખરાબ જ નથી હોતો….. માત્ર પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. માટે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરવાની કે અણીનાં સમયે કે…. કસોટીનાં સમયે સદ્દવિચાર અને આચાર માટે આત્મબળ આપે અને ભટકતાં બચાવે.

   • trupti says:

    જગતભાઈ,

    આવા પ્રસંગો કોમી રમખાણ વખતે પણ બન્યા હતા. જ્યારે દુકામો તુટી ત્યારે લોકો એ રિતસર ની લૂંટ કરી હતી. અને જ્યારે અમદાવાદ મા અને મુંબઈ મા પૂર આવ્યા ત્યારે પણ પરિસ્થીતિ કાંઈ આવી જ હતી.
    દુનિયા મા દરેક પ્રકાર ના માનવિ ઓ રહે છે તેમા કોઈ સારા તો કોઈ ખરાબ હોય છે. પણ મારા મતે કોઈ માનવિ જનમ થી ખરાબ નથી હતુ પણ તેમના સંજોગો તેમને ખરાબ બનાવે છે.

 17. nayan panchal says:

  જગતભાઈ અને હિરલબેનનો ખૂબ આભાર.

  નયન

 18. maitri vayeda says:

  વાહ ,, ખુબ જ સુંદર.

 19. Rachana says:

  સારી વાર્તા

 20. sujata says:

  Salam aa sahu Khamirvanta ‘aapna malk na mayalu maanvi o ne’..

 21. Pravin Shah says:

  ખુબ જ પ્રેરણાદાયી વાર્તા.

  પ્રવિણ શાહ્

 22. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ અને પ્રેરણાદાયી વાર્તા. અને લેખકને આટલું સચોટ વર્ણન કરવા માટે અભિનંદન.

 23. Dipti Trivedi says:

  ટીવી અને છાપામાં કહેવાતી મોટી વાતો બહુ આવે પણ મનની મોટપની વાતો આવી નાની જગ્યાએ, ખૂણે ખાંચરે જ પડી રહી હોય .
  સુધા મૂર્તિની મનની વાત શ્રેણીમાં એવી વાત પણ હતી કે એક ભીખ માંગીને રહેતું મુંબાઈનું કુટુંબ કચ્છ આવીને રાહત કામે લાગી ગયું અને ભૂકંપની સહાય પણ લઈ લીધી, મૂળે કચ્છી નહી તેથી મફતની સહાય ના લેવાય એવી ખુમારી ક્યાંથી હોય ?

 24. Jagruti Vaghela U.S.A. says:

  હ્રદયસ્પર્ષી અને પ્રેરણાદાયી લેખ.

 25. paresh antani says:

  shree Ramesh thakker is good adminstater and good writer. he has narrated real story of bhuj earthaque. .Really the people of kutch are made very strong and adventureous by nature.therefor in the whole world we will find kuthci everywhere.
  About story written by shri Thakker is really good it impress and emborse the good quality of mankind which bears inhariently. time and greed covers these qualities.of mankind

  CONGRULATIONS TO RAMESHBHAI THAKKER FOR DESCRIBING GOOD QUALITIES OF MANKIND

  PV ANTANI DY COLLECTOR KESHOD

 26. Nirav says:

  ખુબ જ હ્રદય સ્પર્શિ.આન્ખ મા પાનિ આવિ ગયા

 27. જય પટેલ says:

  કચ્છની ધરતીના છોરૂંની ખુમારી પ્રગટ કરતી ઘટના.

  ફક્કડ ગિરધારી અબ્દુલની ખુમારીએ કામચોર સરકારી કારકૂનને કર્મયોગી બનાવી દીધો..!!
  જે સરકારી માણસ ફક્ત ફરજના ભાગરૂપે રડતો-કકડતો કચ્છ ગયો હતો તે માણસ માણસ બની ગયો.

 28. Drashti Patel says:

  People who know Rameshbhai are touched by his transperancy and honesty. A govt. officer with sensitivity can only write in a way that will touch other’s heart. Many comgratulations to Shri Rameshbhai Thakkar. We should ask for more creative writings from him esp. concerning his experiences as a Govt. officer.

 29. KETAN THAKKAR says:

  ખરેખર્…..રમેશ્ભૈઇ………..એક ઉમ્દા લેખક તો ચ્હે જ પન એક ઉમ્દ ઇન્સાન પન ચ્હે…..માન્વિય સમ્બન્ધો નુ અનેરુ મુલ્ય એમ્નિ લેખન કલા મા હ્રિદય ને સ્પર્શિ જાય ચ્હે એ કોઇ અદ્ ભુત અને અવર્નિય ચ્હે……

 30. આવા અનુભવો પણ ક્યારેક થતા હોય છે….સરસ વાર્તા…

 31. DHIREN SHAH says:

  I really like the confessional story of Ramesh bhai that being a government officer what he was and how he changed in his attitude by meeting common men of GREAT KUCHCH of Gujarat.
  I had similar experience like Ramesh bhai in my job when I had a government job.

  It is heart touching and self confessional story.
  I like it.
  regards
  DHIREN

 32. Respected sir,
  Very good.
  I read other story in this books. i wait for your new book. specially congru. to zalak Thakkar who good work for your book respons.
  Thanks.
  Rajnikant Vadsmiya

 33. Ashish Dave, Sunnyvale, California says:

  Very inspirational story, such people make life worthwhile…. and also thanks to all friends for sharing their experiences…

  Ashish Dave

 34. Bharat B. Prajapati says:

  મને આ વાર્ત ખુબજ ગમી અને આજ એ વસ્તુ ચ્હે જેના પર આપને બધાએ ગૌરવ કરવુ જોઇએ.

 35. Vaishali Maheshwari says:

  Very good narration of all the incidences by Mr. Ramesh Thakkar. My hats-off to all the people who are so sincere and have so much spirit in them.

  It was even more interesting to read the comments of many readers. Thank you Rajbhai, Jagatbhai, Hiralben, Nayanbhai, Truptiben and Diptiben for sharing your experiences and thoughts.

 36. MANISHBHAI says:

  ખુબ જ સરસ વાર્તા છે. મુશ્કેલીઓ વખતે જ લોકોની સાચી ખુમારી અને માનવતાના દર્શન થાય છે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.