ગંગાસ્નાનની પાવનકારી અનુભૂતિ – કાન્તિ શાહ

[રોજનીશી એ એક સાહિત્યપ્રકાર તો છે જ પરંતુ તે સાથે એ હૃદય-મનની કેળવણીનું સાધન છે. દિવસ દરમ્યાન બનતા બનાવોમાંથી જાગૃતિપૂર્વક સત્વને તારવીને કશુંક નોંધી લેવાથી એ ગુણવિકાસના કામમાં ઉપયોગી થાય છે. એનાથી વ્યક્તિત્વનો પરિચય થાય છે. આજે આપણી પાસે હજારો ઈ-મેઈલ અને એસ.એમ.એસ કામ વગરના પડ્યાં હોય છે ! એની સામે આ વિચારોનો સંગ્રહ સ્વવિકાસમાં કેટલો બધો ઉપયોગી નીવડી શકે છે એ તો રોજનીશી લખનાર જ જાણી શકે. ગાંધી-વિનોબા કાળમાં ગ્રામસ્વરાજનું સ્વપ્ન સેવનાર ‘આપણા મોટાભાઈ’ ઉપનામથી ઓળખાતા ડૉ. દ્વારકાદાસ જોષીની રોજનીશી આનું સુંદર ઉદાહરણ છે. પ્રસ્તુત છે ‘ભૂમિપુત્ર’ના વિશેષાંકમાં પ્રકાશિત થયેલા ડૉ. દ્વારકાદાસ જોષીની રોજનીશીના કેટલાક અંશો સાભાર. – તંત્રી.]

ગાંધીજી રોજનીશી રાખવા ઉપર બહુ ભાર મૂકતા. ડૉક્ટર દ્વારકાદાસ જોષી પણ રોજનીશી રાખતા, એમ જણાય છે. ક્યારથી રાખતા અને કેટલી નિયમિત રખાઈ છે, તે ખબર નથી. બધી ડાયરીઓ સચવાઈ પણ નથી. કુલ 19 વરસની ડાયરીઓ હાથમાં આવી છે. પહેલી ડાયરી 1972ની છે અને છેલ્લી 2004ની છે. આ ડાયરીઓ ડૉક્ટર જેવી જ સાવ સાદી-સીધી-સરળ અને નિરાડંબરી છે. સામાન્ય દિનચર્યા અને કામની ટૂંકી નોંધો છે. છતાં વચ્ચે વચ્ચે થોડુંક ચિંતન પણ બે-પાંચ-સાત વાક્યોમાં નોંધાયેલું છે. વિશેષ તો અંતર-નિરીક્ષણ થયું છે, જે એમના અંતર્મુખી વ્યક્તિત્વની ઝાંખી કરાવી જાય છે. એ સદાય એક જાગૃત સાધક રહ્યા છે.

આટલાં બધાં વરસોની ડાયરીઓ જોઈ, પણ તેમાં ક્યાંય ક્યારેય કશું મનોમાલિન્ય જોવા મળતું નથી. કોઈના માટે જરીકે ઘસાતો શબ્દ લખ્યો હોય કે કશુંક અશુભ કે હલકું વિચાર્યું હોય, એવો એક પણ દાખલો નથી. બસ, બધાંનું જ શુભ મંગળ વાંચ્છ્યું છે, બધું જ શુભ મંગળ જોયું છે. અને છતાં આ બધું નર્યું ભજન-કીર્તન નથી. આમાં સતત એક ખોજ છે, એક સાધના છે, એક તડપન છે, એક તાલાવેલી છે. એક સક્રિય ચિંતનયાત્રા છે. આમાં એક એવી વ્યક્તિની ઝાંખી થાય છે, જે વ્યક્તિગત સાંસારિક ઉપાધિઓથી પર થઈ ગઈ છે, જે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ ને ઊઠવેઠથી ઉપર ઊઠી ગઈ છે, જે સંકુચિત ને સંકીર્ણ મનોદશામાંથી નીકળી જઈને સમસ્ત સમાજના ને સૃષ્ટિના હિત-ચિંતનમાં જ રત થઈ ગઈ છે. એક સામાન્ય જ વ્યક્તિ, પણ ગાંધી-વિનોબાના અને સર્વોદયના વિચારે તેને એક વિશાળ ફલક ઉપર વિચારતી ને સદાય મથ્યા કરતી કરી મૂકી છે. આ સમાજમાં પરિવર્તન આવવું જોઈએ. અર્થકારણ, રાજકારણ, સમાજકારણ બધું ધરમૂળથી બદલાવું જોઈએ. સર્વનો ઉદય સધાવો જોઈએ. બસ, પળે પળે ને ક્ષણે ક્ષણે આનું જ ચિંતન; આ અંગે જ તીવ્ર મંથન, અને આ માટે જ હરવું-ફરવું, હાલવું-ચાલવું, સમાજમાં હળવું-મળવું, જાતજાતની પ્રવૃત્તિઓ ઉપાડવી, સમાજને સાથે લેવા મથવું. એક ચિંતન સર્વસ્વ તેમ જ જીવન સર્વસ્વ સમર્પિત કરી ચૂકેલો સર્વોદય કાર્યકર કેવો હોય, તેનું સુમંગલ દર્શન આમાં થાય છે.

પરંતુ આમાં ક્યાંય કહેતાં ક્યાંય કર્મનો કેફ કે રજોગુણી જોશ-જુસ્સો નથી. એક ભક્તની કર્મસ્વરૂપે નિરંતર ચાલતી આધ્યાત્મિક સાધના છે, એક અસ્ખલિત ચાલતું કિર્તન છે. વળી, તે જ્ઞાનયોગથી વંચિત નથી. આ વિચારને લગતું, આ કામને લગતું, આ જીવન-સાધનાને લગતું વાંચન એમનું સદાય ચાલતું રહ્યું છે. સતત કર્મની વચ્ચે પણ સમય કાઢીને એમણે પુસ્તકોના ઊંડા અભ્યાસ કર્યા છે, ચિંતન-મનન કર્યું છે, જાતને પર્યાપ્તપણે માહિતીસભર અને જ્ઞાનયુક્ત રાખવા કોશિશ કરી છે. આ ડાયરીઓમાં વચ્ચે વચ્ચે આવી અભ્યાસની નોંધો પણ છે અને જુદી નોટબૂકોમાં રીતસરના અધ્યયની નોંધો પણ છે. ઉદાહરણ રૂપે આ ડાયરીઓમાં અને અન્ય નોંધોમાં જોવા મળે છે – સંસ્કૃત ભાષા વધારે ઊંડાણથી શીખવા માટે કુલ 1111 ધાતુ, રૂપ, અર્થની કરેલી બૃહદ નોંધ. ‘વિષ્ણુસહસ્ત્રનામ’નું અધ્યયન કરતાં તેનાં નામ, શબ્દાર્થ અને ભાષ્ય સાથેની પૂરેપૂરાં હજાર નામોની 46 પાન ભરેલી નોંધ. ‘ગીતાઈ’ (મરાઠી)નું અધ્યયન કરતાં અઢારે અઢાર અધ્યાયના અઘરા મરાઠી શબ્દોના ગુજરાતી અર્થોની નોંધણી. મૂળ સંસ્કૃત ગીતાનું અધ્યયન કરતાં આવી જ રીતે અઘરા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થોની નોંધણી. સંસ્કૃત-મરાઠી-હિંદી ગીતાની સરખામણી. ઈશોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ વગેરે ઉપનિષદોના અધ્યયનની નોંધો. ‘કુરાન’ના અધ્યયનની નોંધો. વાંચેલાં પુસ્તકોમાંથી કરેલા ઉતારા. તૉલ્સ્તૉયનું ‘સ્લેવરી ઑફ અવર ટાઈમ્સ’ પુસ્તક વાંચીને દસેક પાનમાં ગુજરાતીમાં તારવી લીધેલો તેનો સાર. ‘One Straw Revolution’ વાંચીને ઉતારા અને સજીવ ખેતી વિશે વીસેક પાન ભરીને નોંધ. તેમાં ખાતર વિશે, બાયોડાયનેમિક ખેતી વિશે, ઘર બેઠાં લીલા ચારા વિશે ઉપયોગી વિગતો. એક વાક્ય ખાસ નોંધ્યું છે – ‘ખેતીનો અલ્ટીમેટ ગોલ અનાજ ઉગાડવું એટલો જ નથી, પણ ખાસ કરીને કલ્ટીવેશન ઍન્ડ પરફેકશન ઑફ હ્યુમન બીયીંગ છે.’ આ ઉપરાંત, કામ કરવા અંગેનું વિગતવાર પ્લાનિંગ, જુદી જુદી વાતો લોકો સમક્ષ કઈ રીતે મૂકવી, તે અંગેની નોંધો. કોને ખબર, બીજી આવી કેટલીય નોંધ આઘીપાછી પણ થઈ ગઈ હોય.

આ બધું જ્ઞાન-કર્મ-ભક્તિનો સુભગ સુયોગ સૂચવી જાય છે. એમનો અભિગમ વૈજ્ઞાનિક રહ્યો છે. એક સમાજ-વિજ્ઞાનીની અદાથી એમણે આંદોલનનાં કામો કર્યાં છે. તેમાં એમણે શક્તિનું બુંદ-બુંદ ખરચ્યું છે. અને આ બધું જ ઈશ્વરને સમર્પિત કરી દીધું છે. આ ડાયરીઓમાં એકધારું એક ધ્રુપદ ઘૂંટાતું રહ્યું છે – ‘જે કરે-કરાવે છે, તે ઈશ્વર જ કરે-કરાવે છે, આ શરીર તો તેના હાથનું સાધન છે. એ જ પ્રેરણા આપે છે. આનું પરિણામ પણ એના જ હાથમાં છે. ઈશ્વર એની ઈચ્છા પ્રમાણે આ સાધનનો ઉપયોગ કરે. આપણે લગીરે પ્રમાદ કર્યા વિના ચિત્તશુદ્ધિ કર્યા કરીએ અને એના હાથના ઓજાર બની રહીએ.’ ખરે જ, ડાયરીઓનું વાંચન શીતલ, શાતાદાયી, પાવનકારી ગંગાસ્નાનનો અનુભવ કરાવી જાય છે. પ્રસ્તુત છે આ ડાયરીઓના કેટલાક અંશો :

[1] સવારે ઊઠ્યો ત્યારે આગલો દાંત પડવાની તૈયારીમાં. આવી રીતે ક્ષણમાં મૃત્યુ છે. ક્યારે આવશે તે કહેવાય નહીં. તૈયારી હર ક્ષણે રાખવી જોઈએ. તે માટે મનની તૈયારી કરવી જોઈએ. તે માટે સતત ચિંતન ચાલે. (19-01-1978)

[2] સૂર્ય નિયમિત છે. ચંદ્ર-તારા-નિયમિત છે. વૃક્ષ ફૂલે-ફાલે નિયમિત રીતે. બધું નિયમિત, પણ સ્વભાવ નિયમિત નથી એટલે તે આપણા કામમાં અનિયમિતતા લાવે છે. ધીરે ધીરે થશે, પાંચ મિનિટમાં શું ? – તે સ્વભાવ. માટે સમયપત્રક નક્કી કરી ચાલવું જોઈએ. (04-05-1978)

[3] જમવામાં બહુ સંયમ જરૂરી છે. કોળિયે કોળિયે નામ-સ્મરણ સહેલું લાગે, પણ શું ખાવું ને શું ન ખાવું, તેનો વિવેક મહા કપરો છે. (11-05-1978)

[4] ધીમે ધીમે વ્યવસ્થા આવતી જાય છે. રોજનું કામ રોજ કરી નાખવું. જેથી છૂટા ને છૂટા. સહજ રીતે થવા દેવું. (27-5-1978)

[5] મા આનંદમયીનું પુસ્તક વાંચ્યું. તેમનું એક વાક્ય ગમ્યું. બધો સમય નિશ્ચિત કરી ઈશ્વરને સમર્પણ કરો, દિવસનો કાર્યક્રમ ઘડો, અને જે જે સમય નિશ્ચિત કરો તે સમયે તે જ કામ અને તે ઈશ્વરનું જ કામ છે એમ સમજીને કરો, તો નિશ્ચિંત જ નિશ્ચિંત. (24-11-1978)

[6] સવારે ચાર વાગે ઊઠ્યો. ઈશ્વર જ આ શરીર રૂપી સાધન દ્વારા કામ કરાવે છે. દરેકને સ્વતંત્ર જુદી જ જાતની શક્તિ આપે છે. તેની દોરવણી પ્રમાણે કરીએ તો સમાધાન. પણ તેમાં આપણો અહં, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આવ્યો અને તેની દોરવણીમાં કામ કરીએ, તો દુઃખી-દુઃખી થઈ જઈએ. ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા. એ જે દોરવણી આપે તે પ્રમાણે કામ કર્યા કરવું. એ જે પ્રેરણા આપે, તે પ્રમાણે કામ કર્યા જ કરો. એને આ સાધનનો ઉપયોગ હશે ત્યાં સુધી કરાવશે. પછી જ્યારે એને લાગશે કે આ સાધને પૂરતું કામ કર્યું છે, અથવા કામ કરવાને લાયક હશે ત્યાં સુધી શરીર રહેશે, પછી એને બીજું શરીર આપવું હશે તો આપશે. પણ આપણે સતત જાગૃત રહેવું જોઈએ કે ઈશ્વરનો જ આદેશ મળે, અહંનો આદેશ ન મળે. (09-06-1989)

[7] હમણાં કાંતવા વગેરે ઉપર, વાંચવા ઉપર બહુ વૃત્તિ થતી નથી. ચિંતન ચાલ્યા કરે છે, જાણે કે હવે કોઈ પ્રવૃત્તિનો ભાર લેવાનું મન થતું નથી. સહજ ભાવથી જીવ્યા કરવું. મન નિર્વિચાર રહે, તે માટે અભ્યાસ. હવે શારીરિક મજૂરી કરવાની વૃત્તિ રહે છે. (20-12-1989)

[8] ઈશ્વરના નોકર મન-વચન-કાયાથી. કાયાથી જે કર્મ સુઝાડે તે કરવું. વચનથી જે બોલાવે તે બોલવું. મનથી એ જે વિચારો કરાવે તે કરવા. (12-1-1990)

[9] મૌન તરફ વધારે વૃત્તિ થવી જોઈએ. ઉદ્વેગ ન થવો જોઈએ. કરીને છૂટવું. સમિતિમાં કે ક્યાંય પ્રમુખ-ટ્રસ્ટી ન થવું. અલિપ્તતા કેળવવી. બધાંને ભગવદમૂર્તિ સમજવી. સહજ રીતે સત પ્રેરણા થાય તે શરીરની મર્યાદા અને મનની પ્રસન્નતા જોઈને કરવું. શારીરિક મર્યાદામાં સતત કાર્યશીલ રહેવું. ચિંતન કરવાનો સમય કાઢવો. ‘રામહરિ’ જપ ચાલુ રહે તે માટે પ્રયત્ન. 3 થી 4નો સમય ચિંતન. સવારે વહેલા પણ સમય કાઢવો. (3-1-1991)

[10] જો કે હવે મનને બહુ ધક્કો લાગતો નથી. ઈશ્વર જે કરશે તે ખરું, એવી ભૂમિકા બંધાતી જાય છે. રાત્રે ઊંઘ સારી આવી. (06-04-1991)

[11] મહત્વ માનસિક વૃત્તિનું છે. અંદર તે વૃત્તિ હોય તો જ શાંતિ-સમાધાન રહે. ઉપરનો દેખાવ કે ભાષણ કરીએ, તેનાથી કાંઈ ન થાય. (12-01-1993)

[12] જેમ ટીનની ખાણમાંથી ચાંદી ન કાઢી શકો, તેમ સમજણ અને જ્ઞાન આપ્યા વગર કોઈ માણસ પાસેથી તમે ધારો એવું વર્તન ન કરાવી શકો. વિચાર આપ્યા જ કરો, વિચાર આપ્યા જ કરો. તેમાંથી જ્ઞાન-સમજણ આવશે. તેમાંથી જ સત્ય-અહિંસાનું વાતાવરણ નિર્માણ થશે. (14-01-1993)

[13] સમ્યક વિચાર, સમત્વપૂર્વક વિચારણા, આચાર વગેરે તમને અહિંસા-સત્ય તરફ લઈ જાય. વિચાર કરો, આચાર કરો, તેમાં પ્રસન્નતા ભળે એ જ સત્ય અને અહિંસા. (18-01-1993)

[14] બલિદાન આપવું હોય તો બળવાને આપવું જોઈએ. સહન કરવું હોય તો જાતે સહન કરવું જોઈએ. જે જાતે સહન કરે, એ જ બળવાન. જે જાતે સહન ન કરે, તે દુર્બળ (21-01-1993)

[15] મૂર્ખ એટલે જેના વિચાર સાફ નથી, દૂર દષ્ટિ નથી, બુદ્ધિ વિશે આદર નથી, ઈમ્પલ્સીવ છે, આવેશ પ્રમાણે વર્તનાર છે. (22-01-1993)

[16] કર્મ કરીએ તો સત્ય, અહિંસા આદિ વ્રતોની કસોટી થાય. માટે કર્મ એ આપણી આરસી છે. તમારા ગુણો, દોષો બધું દેખાઈ આવે. એટલે કાર્ય કરતાં કરતાં આ ગુણોનો વિકાસ કરવો. (24-01-1993)

[17] સેવામાં પ્રાણ ક્યારે આવે ? જ્યારે તેમાં પ્રેમ અને અહિંસા હોય. મન-ચિત્ત શુદ્ધ હોય તો બધાં કામોમાં પ્રાણ આવે. (18-03-1993)

[18] હે પરમ તત્વ, તારું જ છે, તને જ સમર્પણ ! મન, ઈન્દ્રિયો, બુદ્ધિ, દેહ બધું તારું જ બનાવેલું છે. તેં રમત કરવા બધું બનાવ્યું છે. પણ ભૂલી જવાય છે, અને તેં જે અહંકાર મૂક્યો છે, તે બધી ધમાલ કરાવે છે. સતત એવું ધ્યાન રહે એવું કર કે તું જેમ દોરે તેમ આ તારું સાધન પ્રવૃત્તિ કરે. એ જ પ્રાર્થના ! (20-9-1994)

[19] સ્થિરતા. સહજ રીતે સંકલ્પ કરેલાં કર્મ કર્યા કરવાં. મનને તાણ પડે એવી ઘાઈ ન કરવી. ઉતાવળ પણ એક જાતની હિંસા. યથા સમયે બધું થયા કરે. તમારે તો કર્તવ્ય પ્રત્યે સતત જાગૃત રહેવું. તેમાં આળસ કે ઢીલાશ ન કરવી. (17-08-1995)

[20] મારી જાતને જોઉં તો ગ્રામસ્વરાજ અંગે મોટી મોટી વાતો કરું છું, જાતે આ બાબતમાં શું કરું છું ? સમાજમાં આ વિચાર ક્યારે ફેલાય ? મારી જાતનો અભ્યાસ કરવો પડે. કાર્યકર્તાને શી રીતે પુછાય ? તમે જ કંઈ ન કરતા હોવ ત્યાં આ બધી લીપ-સિમ્પથી છે. સામૂહિક ભાવના જગાડવા શું કરવું ? મારી જાતને શૂન્ય બનાવવી. મારી જાતે ચિંતન કરવું જોઈએ. શરીર-પરિશ્રમ, દાન, એક કુટુંબ બને તે અંગે ચિંતન. ગામમાં સરકારમાંથી મુક્ત થવા શું કરવું જોઈએ ? મિત્ર થવા માટે કોઈ કારણ તો જોઈએ. એમ ને એમ ભૂખ કેમ લાગે ? આપણે ધારીએ ત્યારે કેમ ભૂખ લાગે ? એના સમયે લાગે. (11-07-1998)

[21] ગામડાંમાં લોકો વચ્ચે આપણે જતા નથી. ચિંતન ચાલતું નથી. નવા વિચારો સૂઝતા નથી. પ્રત્યક્ષ ક્ષેત્રમાં જ નવા વિચારો સૂઝે. (11-11-1998)

[22] પ્રાર્થના હજી પણ ઔપચારિક રીતે જ થાય. કેટલાં વરસોથી પ્રાર્થનાનું રૂટીન રાખ્યું છે ! લગભગ ખ્યાલ આવે છે કે 1942થી શરૂ કર્યું હશે. પણ કરવા માટે કરાય છે. તેમાં આપણી આર્દ્રતા, ભીનાશ હોય, દૂષણો દૂર કરવા માટે ઈશ્વરની મદદ માગવાની હોય. પણ પ્રાર્થના વખતે કેટલા બધા વિચારો આવે છે ! ખ્યાલ નથી રહેતો કે ક્યારે ટપકી પડે છે. આ વિચારોનું મૂળ શામાં ? મન જ વિચારોનું ઉદ્દભવસ્થાન છે. પણ કેવી રીતે ઉદ્દભવ થાય છે, તે ખ્યાલ પણ નથી આવતો. પછી જાગૃત હોઈએ તો આવે. આ બાબતમાં વધારે જાગૃત રહેવું જોઈએ. (3-4-1999)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈપ્સિતાયન – ભારતી રાણે
બદલાવ – રમેશ ઠક્કર Next »   

5 પ્રતિભાવો : ગંગાસ્નાનની પાવનકારી અનુભૂતિ – કાન્તિ શાહ

 1. Bhavesh Merja says:

  આ લેખમાં લખ્યું છે કે –
  આ ડાયરીઓમાં એકધારું એક ધ્રુપદ ઘૂંટાતું રહ્યું છે – ‘જે કરે-કરાવે છે, તે ઈશ્વર જ કરે-કરાવે છે, આ શરીર તો તેના હાથનું સાધન છે. એ જ પ્રેરણા આપે છે. આનું પરિણામ પણ એના જ હાથમાં છે. ઈશ્વર એની ઈચ્છા પ્રમાણે આ સાધનનો ઉપયોગ કરે. આપણે લગીરે પ્રમાદ કર્યા વિના ચિત્તશુદ્ધિ કર્યા કરીએ અને એના હાથના ઓજાર બની રહીએ.’

  ઉક્ત વાત સૌદ્ધાન્તિક દૃષ્ટિએ મિથ્યા છે. જીવાત્મા (Individual Soul) કર્મ કરવામાં સ્વતન્ત્ર છે. જગતમાં જે ચોરી, દ્વેષ, હિંસા, અન્યાય છલ-કપટ વગેરે આચરવામાં આવે છે, તે ‘ઈશ્વર જ કરે-કરાવે છે’ એમ કહેવું – માનવું યોગ્ય નથી; એક પ્રકારની નાસ્તિકતા છે. ઈશ્વર પવિત્રતમ હોઈ આવાં નિંદનીય કર્મ કદી ના કરે – કરાવે. જીવાત્માનું કર્મ-સ્વાતન્ત્ર્ય છે, માટે જ તો ઈશ્વર તેને યથાયોગ્ય ફળ આપે છે. જો ઈશ્વર જ એ બધાં કર્મ તેની પાસે કરાવતા હોય તો એ કર્મોનું ફળ પણ ઈશ્વરે જ ભોગવવું પડે. પરંતુ વાસ્તવમાં એવું નથી. હા, સારાં કર્મ કરતી વખતે ઈશ્વર જીવાત્માના અંતઃકરણમાં ઉત્સાહ, હર્ષ વગેરે પ્રેરે છે અને ખરાબ કર્મ કરતી વખતે ઈશ્વર ભય, લજ્જા આદિ ઉત્પન્ન કરે છે; પરંતુ એ સંકેત માત્ર જ હોય છે, જીવાત્મા તેનો આદર પણ કરી શકે છે, અને નિરાદર પણ.

  આપણું શરીર ઈશ્વરે આપણા ઉપયોગ માટે આપ્યું છે. એ શરીરથી ઈશ્વર પોતાના માટે ક્શુંય સિદ્ધ કરતા નથી. શરીરનો પ્રયોગ કેમ કરવો એ આપણી ઇચ્છા યા સંકલ્પ શક્તિ પર અવલંબે છે. આપણા શરીરનો ઉપયોગ આપણે જ કરીએ છીએ, ઈશ્વર નહિ. આપણે ચેતન જીવાત્માઓ ઈશ્વરના હાથનું રમકડું કે કઠપૂતળી નથી.

  હા, આપણાં સઘળાં કર્મોનો સાક્ષી ઈશ્વર જરૂર છે અને તે આપણને યથાયોગ્ય ન્યાયપૂર્વક આપણાં કર્મોનું ફળ આપે છે.

  આસ્તિક લોકોમાં પ્રાયઃ આવી અનેક ભ્રાન્તિઓ જોવા મળે છે, કારણ કે દાર્શનિક ગ્રન્થોનો સ્વાધ્યાય ઓછો થતો જાય છે. આસ્થા પ્રબળ હોવા માત્રથી કામ થતું નથી, સાથે સાથે સૈદ્ધાન્તિક – દાર્શનિક સમજણ પણ ખૂબ જ આવશ્યક છે.

  = ભાવેશ મેરજા

  • hiral says:

   સરસ કમેન્ટ. ખમીરવંત અનુભવો વાળો લેખ “બદલાવ” ની જેમ જ તમારી કમેન્ટનાં વિચારો (સૈદ્ધાન્તિક – દાર્શનિક સમજણ ) ખરેખર આત્મનિર્ભરતા અને હિંમતવાન થવાનું સુચવે છે.

  • Navin N Modi says:

   ભાવેશભાઈ,
   આપનો અભિપ્રાય ખૂબ જ સુંદર તેમજ તાર્કિક છે.
   અભિનંદન.

 2. Rachana says:

  સરસ લેખ…પ્રાર્થના હજી પણ ઔપચારિક રીતે જ થાય. કેટલાં વરસોથી પ્રાર્થનાનું રૂટીન રાખ્યું છે ! ..નિખાલશ કબુલાત..

 3. Ashish Dave, Sunnyvale, California says:

  ખુબ ઊપયોગી લેખ… ભાવેશભાઈની કોમેટ પણ અતી ઊત્તમ…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.