ઉષાનાં અજવાળાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[પ્રકૃતિના તત્વો માનવીને સુંદર બોધ આપતા હોય છે. આ બોધને ઝીલીને તેને શબ્દસ્થ કરવાનું કામ ‘ઉષાનાં અજવાળાં’ પુસ્તકમાં થયું છે. તેના સર્જક શ્રી બાબુભાઈ સોલંકી ‘સાહિત્યરત્ન’, ‘ભાષારત્ન’ અને ‘સંસ્કૃત-ભૂષણ’ની પદવી પ્રાપ્ત કરેલ વિદ્વાન છે. તેમનાં ઘણાં લેખો આપણે અગાઉ માણ્યાં છે. આજે તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલ આ પુસ્તકમાંથી કેટલાક લેખોનું આચમન કરીએ. રીડગુજરાતીને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી બાબુભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે babubhaisolanki37@gmail.com અથવા આ નંબર પર +91 9825721387 સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

[1] બંધુ એટલે બાંય

બગીચામાં એક છોડ. છોડ પર ગુલાબ અને ગુલાબ પર ઝાકળનાં બે બિંદુ. સવારનો સમય છે. સૂરજનાં સોનેરી કિરણોમાં ઝાકળનાં બિંદુ મોતીશા ઝળહળી રહ્યાં છે. આ જોઈ ફૂલને ગર્વ થયો – ‘કેવું મારું સૌંદર્ય કે પાણીનાં બિંદુ પણ સાચા મોતીની સરસાઈ કરે છે !’ એ આમ વિચારતું હતું ત્યાં જ એની નજર પાસેના કાંટા પર પડી. કાંટાને જોઈ એને ચીડ ચઢી. બોલ્યું :
‘આઘો ખસ અહીંથી. મારી સાથે ને સાથે કેમ રહે છે ?’
કાંટો બોલ્યો : ‘ભાઈ ફૂલ….! હું તો તારો ભાઈ છું, પછી સાથે કેમ ન રહું ?’
‘જા…જા…. ભાઈવાળી….! મોટો ભાઈ જોયો ન હોય તો….! ક્યાં હું અને ક્યાં તું ? મારી પાસે તો મીઠું મધ છે, કોમળ ગુલાબી પાંખડીઓ છે, મન ડોલાવી દે એવી મધુર સુગંધ છે. મારું સૌંદર્ય તો જો, મારા પર બેસી ઝાકળનું બિંદુ પણ મોતી બની જાય છે. છે આમાંનું તારી પાસે કાંઈ ??’

કાંટો તો કંઈ ન બોલ્યો પણ છોડ પરની એક લીલી પાંદડીથી ન રહેવાયું. એ બોલી ઊઠી, ‘ભાઈ ફૂલ…! એવું ન બોલીએ. કાંટો તારો ભાઈ છે. એ ગમે તેવો તોય તારી બાંય છે. ભલે એનામાં તારા જેવી સુગંધ ન હોય, ભલે એની પાસે મધ કે સૌંદર્ય ન હોય, પણ તને ચૂંટવા આવનાર તારા દુશ્મન સામે એ જ પહેલો લડશે અને તને બચાવશે.’ પાંદડીની વાત સાંભળી ફૂલ ઝૂકી ગયું. એના ગાલ પરથી ઝાકળના બે બિંદુ સરી પડ્યાં.

[2] સાર્થકતા

ઊંચા પહાડની કરાડમાંથી નીકળેલું એક ઝરણું દડબડ… દડબડ… દોડ્યું. માર્ગમાં પડેલાં સૂકાં પાનને પોતાની સાથે વહાવ્યાં. નાના કાંકરાને રગડાવ્યા. એના માર્ગને અવરોધતા, ગતિને રોકતા ખડકો સાથે ટકરાઈને, ફંટાઈને, એ તો દોડ્યું ! પડખે ઊભેલાં વૃક્ષોએ પૂછ્યું, ‘બચ્ચા ! કેમ દોડાદોડી કરે છે ? જરા રોકાઈ જા. અમે તને બે ઘડી રમાડી લઈએ. અહીં અમારી આસપાસ જ ચક્કર ચક્કર ફર્યા કરને તને જોવાની અમને પણ મઝા આવશે.’
‘ના રે ના…! મારે તમારી આસપાસ જ રહીને એવડા ને એવડા નાના નથી રહેવું. મારે તો મોટ્ટા મોટ્ટા થવું છે. બીજાં ઝરણાંની દોસ્તી કરીને હું તો મોટી નદીમાં ભળી જઈશ… દૂર દૂર જઈશ !’

વૃક્ષો તેને વધુ કાંઈ સમજાવે એ પહેલાં તો એ બીજાં ઝરણાંની દોસ્તી કરીને નદીમાં ભળી ગયું. વૃક્ષોએ જોયું – દોરડા કૂદતી અલ્લડકિશોરીની જેમ નદી ખડકોમાં કૂદી રહી છે. વૃક્ષોએ એને કહ્યું, ‘બહેની ! જરા થોભી જા. અમારાં મીઠાં ફળ તો ચાખ !’ પહાડી નદી બોલી, ‘ના… રે ભઈલા ! મને ફળ ખાવાની ક્યાં નવરાશ છે ! વળી તળેટી તરફનો ઢાળ તો જુઓ ! એક ડગલું ભર્યા પછી બીજું ડગલું રોકાય એમ જ ક્યાં છે ? અહીં તો ન દોડવું હોય તોય દોડી જવાય.’ પહાડી ઢાળ ઊતરી એ તો તળેટીમાં આવી. સમથળ ભૂમિ પર હવે એનો વેગ પણ ઓછો થયો. હવે એને બે કિનારા મળ્યા. નિશ્ચિત વહન-પથ મળ્યો. પહાડનાં પશુ, પક્ષી, પથરા ને પાન જોઈ જોઈ એ ધરાઈ ગઈ હતી. અહીં એણે જોયું જનજીવન. લોકોને સ્નાનપાન કરાવી સંતોષ આપતી, ખુલ્લાં ખેતરોને સિંચતી, મંદ મંદ તરંગે એ વહેવા લાગી. એને જોઈ પનિહારીઓએ કહ્યું, ‘બહેન ! અહીં જ રોકાઈ જા ને ! હવે તો તને કેટકેટલાનો સાથ મળ્યો છે ! આ બધાંને છોડીને તારે હવે આગળ ક્યાં જવું છે ? શા માટે જવું છે ? આ બધાંને તૃપ્ત કરતી રહે એમાં જ તારી સાર્થકતા નથી ?’
‘ના, બહેની ના ! જ્યાં સુધી હું મારા પ્રિયતમ સાગરને ન મળું ત્યાં સુધી હું અપૂર્ણ છું. મારો સાચો અર્થ પામવા માટે જ તો હું જાઉં છું.’
‘અરે બહેન ! સાગરને મળીને તો તું તારું નામ પણ ગુમાવીશ. તારાં મીઠાં જળ ખારાં થઈ જશે. ત્યાં ગયા પછી તું અમારી સેવા માટે પાછી પણ નહિ ફરી શકે. ત્યાં જ તારો અંત આવી જશે. જે તારા નામ અને ગુણને હરી લે એવા ખારા સમદરને મળવાનું રહેવા દે…. રહેવા દે….’
‘બહેન ! એવું બોલ મા ! મારે જો નામ જ સાચવવું હોત તો હું પહાડનું પિયર છોડીને આટલે સુધી શું કામ આવી હોત ! તમે તમારા સ્વાર્થમાં મને રોકો છો પણ મારી સાર્થકતાનો તો વિચાર કરો ! વળી હું સાગરમાં ભળીને પાછી નહિ ફરું એમ કેમ માન્યું ? વાદળના રથ પર ચઢી, આભની અટારીએથી જ્યારે વરસીશ ત્યારે એકલાં તમે જ નહિ, દૂર…..દૂરનાં પેલાં તરસ્યાં રણ પણ તૃપ્ત થશે, કૂવા કિલ્લોલ કરશે, ધરતીનો કણ-કણ મહેકી ઊઠશે.’

નદીનો જવાબ સાંભળી એના પ્રવાહમાં પનિહારીએ મૂકેલો ઘડો મસ્તીમાં ડોલવા લાગ્યો.

[3] પ્રાકટ્ય

પૂર્ણિમાની રાત છે. આજે જ પૂર્ણ થયેલ ભવ્ય સુંદર પ્રતિમાના ચરણોમાં શિલ્પી સુખની નિંદર માણી રહ્યો છે. એના ચહેરા પર સર્જનના આનંદની આભા ચંદ્રની સરસાઈ કરી રહી છે. ત્યારે…. પ્રતિમાની પાસે પડેલ છીણી અને હથોડીને વાચા ફૂટી. છીણી કહે, ‘કેવું મારું સુંદર સર્જન !’
હથોડી કહે : ‘અરે ગાંડી….! તું તો પેલા ગાડા નીચેના કૂતરા જેવી વાત કરે છે. તને મારા ફટકાનો સાથ ન મળ્યો હોત તો તું એકલી શું કરવાની હતી ? આ અપૂર્વ સર્જનનું શ્રેય તો મને ઘટે છે.’ આ સાંભળી ઊંઘતા કલાકારના હાથનાં આંગળા સળવળી બોલ્યાં, ‘તમે બંને મૂર્ખ છો. મેં તમારો યોગ્ય ઉપયોગ ન કર્યો હોત તો પ્રતિમા ક્યાંથી ઘડાત ?’

અત્યાર સુધી ચૂપચાપ આ વિવાદ સાંભળી રહેલી પ્રતિમા હસવા લાગી, ‘બહેન છીણી ! વહાલી હથોડી ! તમારા ઘા મેં કાંઈ ઓછા નથી ખમ્યા. કલાકારનાં આ આંગળાંઓએ તમારો સાથ લઈ મારા પર અનેક પ્રહાર કર્યાં છે. પ્રહાર કરનારાં કહે કે અમે સર્જન કર્યું તો કોણ માનશે ? ન તો મારું સર્જન તમે કર્યું છે, ન કલાકારનાં આંગળાંએ. હું તો પથ્થરમાં હતી જ, ફક્ત તમે બધાંએ મળી મારા પરના અનાવશ્યક સ્તરો તોડી નાંખ્યા, ખોતરી નાંખ્યા અને હું અનાવૃત્ત થઈ, પ્રકટ થઈ. હવે કહો સર્જનનું શ્રેય કોને ?’ છીણી, હથોડી કે આંગળાં શું બોલે….!

[4] કહેવા જેવી વાત

વૈશાખનો ધોમ ધખી રહ્યો છે. ધરતી ઊના નિસાસા નાંખે છે… એવે ચક્કર ચક્કર ફરી થાકેલો એક વંટોળિયો આંબા નીચેની છાયામાં જરા પોરો ખાવા બેઠો. શું સાંભળ્યું એણે ? આંબા પર લટકતી કેસર કેરી લીલાંછમ પાંદડાંને કહી રહી હતી, ‘હું આંબાની શોભા છું. મારે કારણે જ લોકો આંબા સામે જુએ છે. જોતાં જ એમનાં મોમાં પાણી છૂટે છે. આંબાનું કેસર આંબો, એવું નામ મારે કારણે જ પડ્યું છે ને ! હું છું તો સૂડા-પોપટ પણ અહીં આવે છે. હું ન હોઉં તો એ કોઈ આ બાજુ ફરકેય નહીં…..’

એને આગળ બોલતી અટકાવી લીલું પાન બોલ્યું, ‘બસ…બસ… બહુ થયું હવે…! તારે કારણે જ અમારે અને આ બાપડી ડાળીઓને પથરા ખાવા પડે છે. બે દાડા આપવડાઈ કરી લે કરવી હોય એટલી ! રખેવાળ આવશે અને તમને સૌને વેડી જશે. અમે તો તમારા પહેલાંય હતાં અને પછીય હોઈશું. અમે છીએ તો આંબા નીચે શીળી છાયા છે. આ તાપમાં તપેલો અને થાકેલો મુસાફર આંબા નીચે ઘડીક પોરો ખાવા બેસે છે તે અમારે પરતાપે. આંબાની ખરી શોભા તો અમે છીએ. અમારે કારણે તો એ કેવો ભર્યો ભર્યો અને ઘેઘૂર લાગે છે !’ આ સાંભળી ડાળ બોલી, ‘બસ….! હવે કાંઈ કહેવું છે……? શું કરવા ફિશિયારી મારો છો…. ? અલ્યાં, જે દિ’ પાનખર આવશે એ દિ’ તમારામાંનું એકેય આંહીં નહીં હોય. બધાં ટપોટપ હેઠે ખરી પડશો. જ્યાં તમે જ નહીં હો ત્યાં તમારી છાયા ક્યાંથી હશે ? આંબાની સાચી શોભા તો અમે છીએ અમે….! કેરી ય જતી રહેશે અને તમેય જતાં રહેશો. અમે રહેવાનાં સદાકાળ. અમે છીએ તો તમે છો અને કેરીય છે.’

આંબા નીચે ઠરીઠામ થયેલો વંટોળિયો તો કાંઈ ન બોલ્યો, પણ માળામાં બેઠેલી અને અત્યાર સુધી આ બધાંની ચર્ચા સાંભળતી કોયલથી ન રહેવાયું, ‘અલી ડાળી….? તું તારી કાયા જેવી લાંબી-ચોડી વાતો તો કરે છે પણ તને એ ખબર છે કે તારું અસ્તિત્વ કોને આભારી છે ? જમીનમાં સાત હાથ નીચે જેણે પોતાને માટે સદાકાળ અંધકાર પસંદ કર્યો છે એ મૂળ ન હોય તો તમે એક દિ’ સુકાઈ જાઓ અને કઠિયારાના કુહાડાના ઘા ખાઈ જમીનદોસ્ત થઈ જાઓ. ના તમે રહો, ના પાન, ના કેરી. બધા ચડસાચડસી કરી શું કામ આપવડાઈ કરો છો ? તમારા સૌનું પોષક એ મૂળ તો મૌન છે.’ વંટોળિયાને થયું, ‘કોયલની આ કહેવા જેવી વાત મારે બીજાં વૃક્ષોને પણ કહેવી જોઈએ.’ અને ફરી પાછો ઉપડ્યો એ તો ચક્કર….ચક્કર.

[5] વાદળીનો વૈભવ

એક દિ આકાશ ધોળી વાદળીને જોઈ છેડાઈ પડ્યું, ‘અલી વાદળી….! તું તો રૂના પોલ જેવી ધોળી ને દૂધના ફીણ ફોદા જેવી ફૂલેલી છો. નહિ રૂપ, નહિ રંગ….! ક્યાં ખોળો પાથરીને ઊભેલી ભિખારણ જેવી તું ને ક્યાં મારો વૈભવ…! દિવસે સૂરજ મારો વૈભવ છે. એ આખા જગતને અજવાળે છે. રાતનો વૈભવ તો તું જુએ છે ને ! માપ્યે મપાય નહિ એટલાં અંતર સુધી ફેલાયેલી પેલી નિહારિકા ગંગા સમી પાવન હોવાને કારણે લોકો એને દૂધગંગા કહે છે. નાનાં ભૂલકાં સમી આંખો નચાવતા તારલા તો મારા ખજાનાના અનમોલ હીરા છે.

ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ,
તોય મારી છાબડીમાં માય.

આમ નાનાં ભૂલકાં મારા તારલાઓનો કોયડો બનાવીને એકબીજાની બુદ્ધિની કસોટી કરે છે. અને આ ચંદ્ર…? આમ તો સાગરનો દીકરો છે પણ મેં એને ખોળે લીધો છે. મારી સાથે એને એવી માયા બંધાઈ ગઈ છે કે પૂનમે એને જોઈ સાગર મોજારૂપી હાથ ઊંચા કરી કરી એને નીચે બોલાવે છે તોય જતો નથી. સૂરજ મારો મોટો દીકરો તો ચંદ્ર મારો નાનકો. જશોદાને કનૈયો વહાલો હતો એમ આ મને વહાલો છે. તારાઓ રૂપી મણકાનો મેર બની મને શોભાયમાન કરે છે, તું જુએ છે ને મારો આ વૈભવ ? ક્યાં છે તારો વૈભવ….?’

વાદળી તો કાંઈ ન બોલી પણ ચંદ્રથી ન રહેવાયું, ‘બસ….બસ… વૈભવની વડાઈ બહુ થઈ… સૂરજ, નિહારિકા, તારા ને મારા તેજે તારી આંખો અંજાઈ ગઈ છે એટલે તને આ બાપડી વાદળીનો વૈભવ દેખાતો નથી. આંખો ચોળીને જરા નીચે નજર કર…! પેલાં બાગમાં ખીલેલાં ફૂલ એનો વૈભવ છે. રાતરાણીની સુગંધમાં એનો વૈભવ મહેકી રહ્યો છે. ધરતીએ ઓઢેલી લીલી ચૂંદડી એનો વૈભવ છે. વૃક્ષો પર ઝૂલતાં ફળ એનો વૈભવ છે. ખેતરોમાં ડોલતાં ડૂંડાં ને ચમકતો મોતી જેવો મોલ એનો વૈભવ છે. દડબડ દોડતાં ઝરણાં એનો વૈભવ છે. સ્વાતિ નક્ષત્રમાં એણે વરસાવેલું એક બૂંદ કાલુ માછલીના પેટમાં જઈ લાખેણું મોતી બને છે. એના વૈભવને માણતાં પતંગિયાં ને ભમરા, પંખી, પ્રાણી ને માનવી ઊંચી ડોક કરી કેવાં આશિષ આપી રહ્યાં છે…!! પોતે ઠલવાઈને એણે સર્વને તૃપ્ત કર્યાં છે. દાતાનો દ્વેષ ન કરીએ, એની તો પૂજા કરીએ.’ આકાશ શું બોલે…??

[કુલ પાન : 54. કિંમત : 0. પ્રાપ્તિસ્થાન : નિપુણ પ્રકાશન. 3, સપ્તશતી સોસાયટી, મલાવ તળાવ પાસે, રજવાડું રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ-51. ફોન : +91 79 26637839. ઈ-મેઈલ : nipuntailor@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બદલાવ – રમેશ ઠક્કર
અમારું મૈનપુરીનું ઘર – ગાયત્રી કમલેશ્વર Next »   

8 પ્રતિભાવો : ઉષાનાં અજવાળાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

 1. ખુબ સુંદર.. કોઇ એક વસ્તુ કે પદાર્થ પૂરા ક્યારેય નથી હોતા…બીજાના સાથથી જ એ પૂર્ણતાને પામે છે.

 2. dhiraj says:

  ખુબ સુંદર લેખ

  પ્રકૃતિ ના દરેક ઘટક કૈક ને કૈક સંદેશ આપે છે

  [3] પ્રાકટ્ય વાંચી ને એક અંગ્રેજી કહેવત યાદ આવી ગઈ

  “man is maker of its own happiness”

 3. Jigisha says:

  બધા જ લેખો ખુબજ સુન્દર છે …….. પરન્તુ સાર્થક્તા ની વાત નિરાળી છે……. યુગોથી માનવો સહિત સર્વે સજીવસૃષ્ટિ નું પાલનપોષણ કરનારી નદી નો મહિમા યથાર્થ રીતે ગવાયો છે.

 4. Navin N Modi says:

  એક થી એક ચઢીયાતા પાંચે પ્રસંગ ખૂબ ગમ્યા.
  એમાંય પ્રસંગ નંબર (૪) અજબનો એક છૂપો સંદેશ આપી ગયો. ખરું કાર્ય કરનાર મૌન તો હોય જ છે પરંતુ એ ક્યાંય દ્રષ્ટિમાન થવાની પણ પરવા નથી કરતા.

 5. nayan panchal says:

  સુંદર પ્રસંગો.

  પોતાની વાહવાહ કરતા પહેલા બીજાઓના યોગદાન વિશે ખાસ વિચારવું.

  ખૂબ આભાર,
  નયન

 6. Pravin Shah says:

  પ્રેરણા આપતો લેખ.

 7. Anila Amin says:

  ગર્વ કરતા પહેલા વિચારવુ જોઇએકે આપણુ અસ્તિત્વ શાને આધારે છે? એવો મૂક સન્દેશ આબધા પ્રસન્ગોમાથી

  પ્રાપ્ત થાયછે . મારા કોલેજ કાળમા અમે શેર , શાયરી અને સરસ પન્ક્તિઓ ભેગી કરીને નોટ બનાવી સાચવી રાખતા

  તેમાની એક સરસ પન્ક્તિ યાદ આવી ગઈ જેનો ઉલ્લેખ કર્યા વગર રહી શકુ તેમ નથી. આશાછે આપને જરૂર ગમશે.

  ” ફૂલોને જો કાટા ન હોત તો ફૂલોની દુનિયાને સલામત કોણ રાખત

  પ્રણયમા જો વિરહ ન હોતતો આખોની પાપણો પર આસુની ઇમારત કોણ રચત”

 8. Jigar Shah says:

  I am very proud of my sir..who taught us gujarati and in free time..general Knowledge..thank you sir and congratulations for your achievements….call and talk to you soon…very soon…:-)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.