ગીતાનો કર્મ-જ્ઞાન-ભક્તિબોધ – ડૉ. જગદીશ જોશી

[હિંમતનગરની આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ફરજ બજાવતાં ડૉ. જગદીશભાઈને સાડાત્રણ દાયકા જેટલો સ્નાતક-અનુસ્નાતક અધ્યાપનનો અનુભવ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સાહિત્યશાસ્ત્રનો વિષય લઈને Ph.d. થનાર અલ્પ વિદ્યાપુરુષોમાંના તેઓ એક છે. તેઓએ વર્ષોસુધી વેદ, ઉપનિષદ, ગીતા જેવા વિષયોનું રસપ્રદ અધ્યાપન કર્યું છે. આમ, સાહિત્ય અને વેદાંત એમના રસના વિષયો છે. અત્યાર સુધીમાં તેઓનાં પંદર જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમના આ પુસ્તક ‘ગીતાનો કર્મ-જ્ઞાન-ભક્તિબોધ’માંથી આજે થોડું આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ.જગદીશભાઈનો (હિંમતનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9978215600 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આત્માની અમરતા

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શરીરની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનો દિવ્ય ઉપદેશ આપે છે. નાશવંત એવા શરીરનું મૃત્યુ તો નિશ્ચિત છે, તો એવા અનિત્યનો શા માટે શોક કરવો જોઈએ. મૃત્યુ એ તો શરીરનો સ્વભાવ જ છે. અનેક અવતારોમાં અનેક સ્નેહીઓ થયા, જેઓ ગયા છે તેમનો શોક શા માટે ? સુખ-દુઃખ વગેરે વિરોધી લક્ષણો ધરાવતી બાબતો જે તે પરિસ્થિતિ અનુસાર બદલાય છે, તે બધી બાબતો આવવા-જવાના સ્વભાવવાળી છે. અર્થાત પરિવર્તનશીલ છે. અનિત્ય છે. માટે આ બધા અનિત્યની ચિંતા નહીં કરવી જોઈએ. નાશવંત એવા શરીરનું મૃત્યુ તો નિશ્ચિત છે, તો એવા અનિત્યનો શા માટે શોક કરવો જોઈએ. મૃત્યુ એ તો શરીરનો સ્વભાવ છે. આપણું શરીર, જગત અસત છે અને તેને કારણે કાયમ રહેતું નથી. જ્યારે આત્મા એ સનાતન સત્ય છે, જે નિત્ય છે.

શંકરાચાર્ય અનુસાર ‘સત’ તે છે જેના સંબંધમાં આપણી ચેતના કદાપિ નિષ્ફળ જતી નથી; અને ‘અસત’ તે છે કે જેના સંબંધમાં આપણી ચેતના વિફળ રહે છે. ‘સત’ અને ‘અસત’નો વિવેક તત્વદર્શીમાં જ હોય છે. આત્મવેત્તા પુરુષો-તત્વદર્શીઓ જ એ ઉભયનો નિર્ણય જાણી શકે છે. શ્રીમધ્વાચાર્યના મતે અવ્યક્ત એવી પ્રકૃતિનો કદાપિ નાશ થતો નથી. આત્મા અવિનાશી છે, જ્યારે સુખ-દુઃખ આવવા-જવાના સ્વભાવવાળા હોય છે.

આત્માની અમરતા:
ગીતામાં આત્માની અજરતા અને અમરતાનું અનેક તર્કબદ્ધ દલીલો દ્વારા શ્રીકૃષ્ણે નિરૂપણ કર્યું છે. ગીતાનુસાર આત્મા તો નિરાકાર, નિર્ગુણ અને નિર્વિકાર છે. સુખ-દુઃખ વગેરે તો દેહના જ વિકારો છે, નહીં કે આત્માના. જેમ માનવના જીવનમાં કૌમાર્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા આવે છે, તે જ રીતે આત્મા અન્ય દેહને ધારણ કરે છે. આત્મા તો અજર, અમર છે. જ્યારે દેહ નાશવંત છે. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરીને અન્ય નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરનો ત્યાગ કરીને બીજું નવું શરીર ધારણ કરે છે. અહીં વ્યાસમુનિ સાહિત્યિક ભાષામાં આત્માનો પરિચય આપે છે. વિનોબા કહે છે : ‘દેહ વસ્ત્ર જેવો છે. જૂનો કોટ ફાટી જાય છે. તેથી નવો લઈ શકાય છે. આત્માને એકનો એક દેહ કાયમનો વળગી રહે તો તેનું ઠેકાણું ન રહેત. બધોય વિકાસ થંભી જાય. આનંદનો લોપ થાય અને આત્માની પ્રભા ઝાંખી પડી જાત. એથી દેહનો નાશ થાય તો હરગિજ શોક કરવા જેવો નથી… આત્મા તો અવિનાશી છે. આત્મા એક અખંડ વહેતો ઝરો છે, તેના પર અનેક દેહ આવે છે અને જાય છે. તેથી દેહની સગાઈમાં ફસાઈને શોક કરવો અને આ મારા અને પારકા એ ભેદ પાડવા તે તદ્દન ખોટું છે.’ (ગીતા પ્રવચનો, વિનોબા ભાવે)

મહાભારતમાં એક ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશવાની વાત આવે છે, તેના સંદર્ભમાં આત્માનું કથન છે. ‘કઠોપનિષદ’માં નચિકેતા જિજ્ઞાસુ ભાવે આત્મજ્ઞાન વિશે પૃચ્છા કરે છે, ત્યારે યમદેવ તેને આત્માની ઓળખ આપે છે કે…. આત્મા જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા કોઈ કારણમાંથી કે કાર્યમાંથી ઉત્પન્ન થતો નથી. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાણો છે. શરીર હણાતાં તે હણાતો નથી.

न जायते म्रियते वा कदाचि-
न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे ।।

અહીં ‘हन्यमाने शरीरे’ દ્વારા ‘શરીરનું નાશવંતપણું તથા ‘न हन्यते’ શબ્દો દ્વારા ‘આત્માની અમરતા’ સ્પષ્ટતયા વ્યક્ત થાય છે. આત્માની અમરતા દર્શાવતાં ગીતા કહે છે કે આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, આને અગ્નિ બાળતો નથી, આને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।। (2,23)

શસ્ત્રો, અગ્નિ, પાણી, વાયુ વગેરેની આત્મા પર કંઈ જ અસર થતી નથી. મૃત્યુનું શાસન સંસારના બધા જ પદાર્થો પર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આત્મા તે શાસનથી સ્વતંત્ર સત્તા ધરાવે છે. ગીતાના આ મહત્વના સંદેશને સમજનાર સાધક અન્યના મૃત્યુનો શોક કરતો નથી. આવો આત્મા ઈન્દ્રિયોથી જાણવો અશક્ય, મનથી ચિંતવવો અશક્ય અને અવિકારી છે. કોઈ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે. તેમજ બીજા કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે, તથા બીજા આને આશ્ચર્ય જેવો સાંભળે છે અને કોઈ તો આને સાંભળીને પણ સમજતા નથી. આમ, માણસના શરીરમાં બેઠેલો આત્મા અવધ્ય હોવાથી ‘પોતે કોઈને મારવાનો છે’ એ વિચારે અર્જુને વ્યથિત થવું જોઈએ નહીં.

[2] ‘કર્મયોગ’ – ગીતાનો મુખ્યબોધ

હિન્દુપ્રજાના અત્યંત લોકપ્રિય ગીતાગ્રંથના 18 અધ્યાયોને મોટાભાગના વિદ્વાનો કર્મ, ભક્તિ અને જ્ઞાન એવા ત્રણ વિભાગોમાં વહેંચે છે. પ્રથમ છ અધ્યાયોમાં કર્મ, પછીના છમાં ભક્તિ તથા અંતિમ છ અધ્યાયોમાં જ્ઞાનનું નિરૂપણ થયેલું છે. આનાથી પ્રશ્ન થાય છે કે ગીતાનો મુખ્ય બોધ કયો ? ગીતામાં પ્રારંભથી શરૂ કરીને અંત સુધી વિવિધ સંદર્ભે આવતી કર્મની સતત ચર્ચા જોવા મળે છે. ભક્તિ અને જ્ઞાનના ઉપવનમાં પણ જગ્યાએ જગ્યાએ કર્મનાં ખીલેલાં પુષ્પોની સુવાસ જોવા મળે છે. આ રીતે ભક્તિ તથા જ્ઞાન પણ કર્મનાં જ પૂરક અંગો બનીને આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણે અનેક દલીલો વડે જીવનમાં કર્મની અનિવાર્યતા સ્વીકારી છે. યુદ્ધમાં યુદ્ધમાં સ્વજનોને હણવા થકી થનારા કુળક્ષય અને કુળધર્મના નાશના ભયના વિચારમાત્રથી કંપી ઊઠેલા અર્જુનને વિષાદમુક્ત કરીને યુદ્ધકર્મ માટે પ્રોત્સાહિત કરવાનો અહીં મુખ્ય હેતુ રહ્યો છે, જેના પરિણામસ્વરૂપે ‘કરિષ્યે વચનં તવ’ એવું ગ્રંથના અંતે આવતું અર્જુનનું વિષાદમુક્ત હકારાત્મક વાક્ય ગીતાના મુખ્ય ઉપદેશ ‘કર્મયોગ’નું પ્રતિપાદન કરે છે. વિષાદમુક્ત કરીને વ્યક્તિને કર્મ કરવાનો ગીતાનો બોધ પ્રત્યેક વાચકને પ્રાપ્ત થાય છે. અર્જુનને અપાયેલો ઉપદેશ અહીં સમગ્ર માનવજાતિને લાગુ પડે છે. બાહ્યયુદ્ધ માનવમનના આંતરિક યુદ્ધનો નિર્દેશ કરે છે. ગીતામાં ‘યોગ’ની પરિભાષામાં પ્રયોજાતા ‘સમતા’ તથા ‘કર્મમાં કુશળતા’ આ બે મુખ્ય વિધાનો સૌનું ધ્યાન ખેંચે તેવા છે. સૌ પ્રથમ તો માણસની બુદ્ધિ સમદષ્ટિયુક્ત હોવી જોઈએ. તેનાથી ધીમે ધીમે જીવનમાં ‘સમતા’ આવશે. આવો માણસ સર્વેકાર્યો કરશે. આનાથી કર્મ કરવામાં કુશળતા આવશે અને ત્યાર પછી અનાસક્ત થઈને સમાજના તથા વ્યક્તિના કલ્યાણમાં જ કર્મો થશે. આમ સાચા અર્થમાં સાધક કર્મયોગી બનશે.

ગીતામાં જ્ઞાન અને ભક્તિનો બોધ પણ કર્મના સંદર્ભે જ આવે છે. જ્ઞાની માણસે પણ જ્ઞાનપ્રાપ્તિ પછી કર્મોમાંથી મુક્ત થવાનું નથી. જેઓને કંઈ જ મેળવવાનું બાકી નથી, તેવા કૃષ્ણ, જનક, શુકદેવ પણ લોકકલ્યાણ માટે સતત પ્રવૃત્તિશીલ રહેવાનું પસંદ કરે છે. તેઓ જ સાચા અર્થમાં કર્મયોગી છે. ગીતા કહે છે કે કોઈપણ વ્યક્તિ એકક્ષણ વાર પણ કર્મ કર્યા વિના રહી શકતી નથી, તો પછી શા માટે આપણે જીવનમાં સત્કર્મોનું આયોજન ન કરીએ. ગીતામાં આવતા અનેક શ્લોકો કે શબ્દસમૂહો ‘કર્મયોગ’નો જ બોધ આપે છે. ‘કર્મમાં કુશળતા એ જ યોગ’, ‘તારો અધિકાર કર્મ કરવામાં છે, ફળમાં નહીં.’, ‘હે અર્જુન ! યુદ્ધ માટે ઊભો થા.’, ‘મને અનુસરતો કર્મ કર’, ‘અકર્મ કરતાં કર્મ સારું છે.’, ‘સ્વકર્મ શ્રેષ્ઠ છે’, ‘સહજકર્મ કર’, ‘નૈષ્કર્મ્ય’, ‘નિયતકર્મ’, ‘ક્ષણવાર પણ કર્મ વિના ન રહેવું.’, ‘યજ્ઞદાનતપકર્મ ન ત્યજવાં.’, ‘કર્મફળત્યાગ’ – વગેરે સુવાસિત શબ્દપુષ્પો ગીતાના પ્રધાન ઉપદેશ ‘કર્મયોગ’ને જ વાચા આપે છે.

[કુલ પાન : 156. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ડિવાઈન પબ્લિકેશન્સ. 30, ત્રીજો માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22167200. ઈ-મેઈલ : divinebooks@mail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમારું મૈનપુરીનું ઘર – ગાયત્રી કમલેશ્વર
કિસીકા દર્દ હો સકે તો લે ઉધાર….! – રોહિત શાહ Next »   

5 પ્રતિભાવો : ગીતાનો કર્મ-જ્ઞાન-ભક્તિબોધ – ડૉ. જગદીશ જોશી

 1. Bhavesh Merja says:

  ગીતાનો પ્રધાન ઉપદેશ શો છે – એ વિશે લગભગ બધા જ વિવેચકો તથા ભાષ્યકારો ભિન્ન ભિન્ન મત ધરાવે છે. મૂળ વાત તો અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાની હતી. એ જ મુખ્ય હેતુ હોવો હોઈએ. પરંતુ પ્રક્ષેપકારો, વિવેચકો, ભાષ્યકારો અને સંપ્રદાય-પ્રવર્તકોની કૃપાથી આજે સ્થિતિ એવી છે કે ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય શોધવો મુશ્કેલ બની ગયો છે. ગાંધીજી જેવાએ તો ગીતામાં શ્રીકૃષ્ણના ઐતિહાસિક વ્યક્તિત્વનો જ નિરાદર કર્યો છે અને મહાભારતની ઐતિહાસિકતા જ નકારી છે, જે વાસ્તવમાં અતિ શોચનીય છે. (જુઓઃ અનાસક્તિયોગ)
  એક વાત એ કે પણ સમજવા જેવી છે કે, ગીતાને અતિ માન-સન્માન મળવાથી વેદો સાવ ભુલાઈ ગયા. નહિ તો હકીકત એ છે કે અપૌરુષેય વેદોની તુલનામાં પૌરુષેય ગીતા કોઈ રીતે શ્રેષ્ઠ ન હોઈ શકે.
  = ભાવેશ મેરજા

 2. nayan panchal says:

  ગીતા ખરેખર જીવનનુ માર્ગદર્શન આપતો ગ્રંથ છે. સરસ લેખ છે.

  મને અગાઊ ગીતા સમજવામાં ઘણી મુશ્કેલી પડતી હતી અને ઘણીવાર બોરિંગ પણ લાગતી હતી. હરિભાઈ કોઠારીનુ પુસ્તક “ગીતા અને આ જીંદગી” ઘણુ ઉપયોગી બની રહ્યુ.

  આભાર,
  નયન

  • rahul says:

   હરી ભાઈ નું પુસ્તક તમને સારું લાગશે જ નયનભાઈ કારણકે હરીભાઈ એ પ.પુ. પાંડુરંગ શાસ્ત્રી નાં હાથ નીચે ટ્રેનીંગ લીધી છે… એક વખત નાં પુ. દાદાજીના જમણા હાથ સમા હતા….પણ એમને પોતાનો અલગ ચોકો ઉભો કર્યો……..”મારો હરી” મારો લાડકો હરી” પુ. દાદાજી હરિભાઈ ને એમ કહેતા મેં મારા કાને સાંભળ્યું છે……અને તમે પુ. દાદા ને વાચો તો જગત માં કોઈ પણ ગીતા દર્શન વાચવાની જરૂર નથી….

 3. vijay(uk) says:

  Thank You Rahul

  You are absolutely right.
  All these people should DO what BHAGAVAT GITA
  saysrather than lecturing and explaining the HOLY BOOK..
  Only Gandhiji,Vinoba Bhave and DADAJI’s understandings are easy to digest.
  If you want to read GITA as it is in english ,check HARE KRISNA’s.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.