વિચારસાગરનાં મોતી – સં. શાંતિલાલ શાહ

[‘બૃહદ સુવાક્યસંચય’ પુસ્તકમાંથી સાભાર.]

[1] આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ. – અજ્ઞાત

[2] મારું ઘર એક સ્વર્ગ છે, અને મારી પત્ની એ સ્વર્ગમાંના કલ્પવૃક્ષ જેવી છે. એ વૃક્ષ પર બે સુંદર ફૂલ હંમેશાં ખીલેલાં રહે છે; એ ફૂલ છે સંતોષ અને આનંદ. એ ફૂલોની સુગંધથી અમારા ઘરમાં પ્રેમ અને પવિત્રતાનું વાતાવરણ હંમેશાં ફેલાયેલું રહે છે. અને જે ઘરમાં સંતોષ, શાંતિ અને આનંદ છે ત્યાં માણસને જલદી વૃદ્ધાવસ્થા આવતી નથી. – હેમંતરાજ

[3] ઉંમર થવાથી માણસ મહાન બનતો નથી, વાળ સફેદ થવાથી પણ નહિ; ઘણું ધન ભેગું કરવાથી પણ નહિ અને જ્ઞાતિ, કુળ, બંધુબાંધવા કે સ્થાન વગેરેથી પણ માણસ મહાન બનતો નથી. પણ જે માણસ ધર્મનું, સત્યનું, નીતિનું જીવનમાં આચરણ કરનારો છે, તે જ સર્વથી મહાન છે. – સુભાષિત

[4] તમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા. તમે સમાજને જે આપો એ ચારિત્ર્ય. જે પળથી તમે આ સમજો એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજો. – બૅયાર્ડ ટેઈલર

[5] ચિંતાઓ, પરેશાની, દુઃખ અને મુસીબતો – આ બધી પરિસ્થિતિથી લડવાથી દૂર નથી થતાં, પણ આપણી અંદરની કમજોરીને દૂર કરવાથી જ દૂર થશે. આપણી અંતઃકમજોરીને કારણે જ તેઓ ઉત્પન્ન થયાં છે. – રહીમ.

[6] જીવન એટલે સતત શીખવાની વ્યવસ્થા. જેને જોવાનું, શીખવાનું બાકી છે, તેને જીવનનો આનંદ છે. જગત સતત બદલાય છે. તેથી અંતિમ ક્ષણ સુધી વાસી ન બને તે જીવન. – વિમલા ઠકાર

[7] નિર્ભય બનવું એટલે જીવનમાં ભયની ગેરહાજરી હોય એવું માની લેવું નહિ. ભયનો દઢતાપૂર્વક સામનો કરવાથી જ નિર્ભય થવાતું હોય છે. અને સામનો કોનો થઈ શકે ? જેની હાજરી હોય એનો જ. – જે. કૃષ્ણમૂર્તિ.

[8] ‘ખાલી ચણો વાગે ઘણો’ જેવી ઉક્તિઓ પણ એ જ વાતનું સમર્થન કરે છે કે દેખાવ કરનાર અંદરથી પોલો હોય છે. એક પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાતો હોય છે અને પોતાની એવી લઘુતાને ઢાંકવા માટે દંભ, ડોળ, બાહ્યાડંબર, અસત્યકથન, અતિશયોક્તિ જેવા ઉપરચોટિયા ઈલાજો અજમાવતો હોય છે. પ્રદર્શનપ્રિયતા પણ આવી જ મનોવૃત્તિનો એક ભાગ છે. – પ્રા. ચંદ્રકાન્ત મહેતા

[9] આ મારું છે અને આ બીજાનું છે એવું સંકુચિત હૃદયવાળા જ સમજે છે. ઉદાર ચિત્તવાળા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે. – હિતોપદેશ

[10] ફાટેલાં, સાંધેલા કપડાંથી માણસે લાજવાનું નથી, પણ સામો હાથ ધરીને કોઈ માગવા આવે તો તેને પાછું વાળવાથી લાજવાનું છે. – ગુલાબદાસ બ્રોકર

[11] તમારામાં કુદરતે દુઃખ ધારણ કરવાની શક્તિ – ધૃતિ રચેલી છે. આંબો છે. કેરી આવે. ત્રણ માસમાં ટનબંધી કેરી આવે, તોયે એ ‘લચી’ પડે છે, તૂટી જતો નથી. એ છે ધૃતિ અર્થાત ભાર વહન કરવાની શક્તિ. દુઃખને લઈને બળાપાવાળા ભાવથી ઊલટી તમારી ધૃતિ નબળી પડે છે. – ડૉ. દોલતભાઈ દેસાઈ

[12] જે માનવી આપત્તિ આવતાં ગભરાતો નથી, જે સાવધાન રહીને નિત્ય મહેનત ઈચ્છે છે અને જે સમયે આવી પડેલા દુઃખને સહન કરે છે, તે ધુરંધર મહાત્મા છે અને તેના શત્રુઓ જિતાયેલા છે. – સુભાષિત

[13] મનુષ્યે એ કદી ન ભૂલવું જોઈએ કે ઈશ્વરે તો સૌ મનુષ્યોને સરખા જ સરજ્યા છે. તેમનામાં જે ફેર, ભિન્નતા, શ્રેષ્ઠ દેખાવ છે તે તો સંજોગોસર્જિત છે, તેમના પ્રારબ્ધનું પરિણામ છે. તેમનાં કર્મનો ભોગવટો છે. તે બાબતમાં તેઓ લાચાર છે. એક માણસ ઓછું ભણેલો હોય, ઓછો પ્રભાવશાળી હોય, ગરીબ હોય તેમાં તેનો દોષ નથી. અને કદાચ દોષ હોય તોપણ તે કારણે તે મનુષ્ય ધિક્કારપાત્ર, ઘૃણાપાત્ર, અપમાનને લાયક નહિ પણ દયાને પાત્ર, સહાનુભૂતિને પાત્ર, સ્નેહને પાત્ર છે તેમ સમજવું જોઈએ. – ચંદુલાલ સેલારકા

[14] જ્યારે પારકાં પણ પોતાનાં થઈ જાય છે, ત્યારે જ આપણું પરમ સૌભાગ્ય હોય છે. પણ જ્યારે દુર્ભાગ્ય કે સંકટ આવે છે ત્યારે પોતાનાં પણ પારકાં થઈ જાય છે. – રવીન્દ્રનાથ ટાગોર

[15] એક સદાચારી ને નીતિમાન મનુષ્ય બોલ્યા વગર સેંકડો મનુષ્યને સુધારી શકે છે, પણ એક અનીતિમાન અને આચારહીન મનુષ્યના લાખો ઉપદેશોનું કાંઈ ફળ નથી મળતું. – મૌલાના રુમી

[16] તહેવાર એ માત્ર ઔપચારિક પરંપરા નથી. એ આપણા જનસમુદાયને મળતો શુદ્ધ પ્રાણવાયુ છે. જેમ જમીનને ફળદ્રુપ રાખવા ખાતરની જરૂર પડે છે, તેમ જીવનને નિસ્તેજ થતું અટકાવવા તહેવારોની જરૂર પડે છે. – ડૉ. હરેન્દ્ર રાવલ

[17] આવક પ્રમાણે નહિ, પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે. – રત્નસુંદરવિજયજી

[18] જગતની અંદર જેમણે કશું અસાધારણ કરી બતાવવું છે, તેમણે તો સામાન્ય લોકોની નિંદા, ટીકા કે બદબોઈ સહન કર્યે જ છૂટકો છે. જીવન-ઉન્નતિના માર્ગમાં આવી નિંદા કે ટીકાની કશી જ કિંમત નથી. – પ્રણવાનંદજી

[19] પ્રેમ એ સર્જનાત્મક પ્રવૃત્તિ છે. પ્રેમ એટલે કોઈની માવજત કરવી, તેની કાળજી કરવી, તેને જાણવું, તેને સમજવું, તેની ઉષ્માનો પ્રતિભાવ આપવો, સ્વીકૃતિ આપવી, અને ખાસ તો પ્રેમ મળે ત્યારે માણવો. – ઍરિક ફૉર્મ

[20] ખરેખર, બાળક ઉછેરવાની યોગ્યતા આપણે કેળવીએ ત્યાં સુધીમાં તો બાળકોને ઘેર પણ બાળકો થઈ ગયાં હોય છે ! – સંકલિત

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તો ખરા – ગોવિંદ દરજી ‘દેવાંશું’
ભજનનો વેપાર – દાસી જીવણ Next »   

14 પ્રતિભાવો : વિચારસાગરનાં મોતી – સં. શાંતિલાલ શાહ

 1. ખુબ જ સુન્દર સન્કલન્….

 2. એક એક વિચાર અમુલ્ય

 3. સુંદર સંકલન. પ્રેરણાદાયી.

 4. SANDEEP PATEL says:

  USE THE LAW OF INNER GUIDANCE TO REACH YOUR GOALS………….GOD WITHIN YOURSELF HAS ALL THE ANSWERS, YOU JUST NEED TO ASK.

 5. Kinjal Thakkar says:

  સુંદર સંકલન. last one is fentastic…
  ખરેખર, બાળક ઉછેરવાની યોગ્યતા આપણે કેળવીએ ત્યાં સુધીમાં તો બાળકોને ઘેર પણ બાળકો થઈ ગયાં હોય છે ! – સંકલિત
  🙂
  atyare duniya na 80% problems bal-ucher ni samaj ni khami ne lidhe che.koi vyakti janm thi kharab ke saru nathi hotu,parantu tene aapva ma aavela sanskar tene sara ke kharab banave che.

 6. Rachana says:

  સાવ સાચી વાતો….બધા જ વિચારો સાથે સહમત થઇ શકાય…

 7. maitri vayeda says:

  વાહ ,,, ખુબ જ સુંદર વિચારો…

 8. Pravin Shah says:

  ઘણુ જ સરસ સન્કલન.

 9. Anila Amin says:

  સન્ગ્રહ કરવા જેવી વસ્તુ હોયતો તે આવા સુવિચારો ધનના ઠગલા નહી,આવા સુવિચારો પર દરરોજ એક

  દ્રષ્ટિપાત કરી લેવો જોઇએ ક્યારેક કોઇ સુવાક્ય આપણા જીવનની દિશા બદલી નાખે. આવુ બધુ વાચવાની ટેવ

  સાચેજ આપણને શાન્તિ પ્રદાન જરૂર કરે જ છે

 10. Rajnikant says:

  Awesome ! Will always vist for latest presantations. Thanks for creating such a nice and useful website

 11. Rajni Gohil says:

  ખુબજ સુંદર વિચારોનું સંકલન છે. Knowledge without action is useless એ ન ભુલવું જોઇએ. સાચા હૃદયપૂર્વક ઇમાનદારીથી તેનો અમલ કરવો ઘણો જ જરૂરી છે. વારંવાર વાંચીને પ્રેરણાબળ મેળવી શકાય. અનુકરણીય સંકલન બદલ શાંતિલાલ શાહનો આભાર.

 12. jessika mistry says:

  ખુબ જ સરસ્………………

 13. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ.

 14. Milan Dhamecha says:

  સરસ સન્ગ્રહ.
  જિવન જિવવા ની જડીબુટ્ટિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.