અમૃતધારા – લલિતકુમાર શાસ્ત્રી

[ અમદાવાદ આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થતા ‘અમૃતધારા’ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા સુંદર વિચારો પુસ્તકરૂપે 1992માં પ્રકાશિત થયા હતા. એ પુસ્તકમાંના કેટલાક લેખોનું આચમન કરીએ. હાલ પુસ્તક અપ્રાપ્ય છે.]

[1] મૈત્રી

મૈત્રી મોટામાં મોટી સંપત્તિ છે. મૈત્રી સૂર્ય સમાન શુદ્ધ હોવી જોઈએ. તેમાં ચંદ્રનું કલંક ન ચાલે. મૈત્રીનું મૂલ્ય તત્કાળ થતું નથી. આપત્તિ એની કસોટી છે. પુસ્તક વાંચવાની શરૂઆત કરીએ, ત્યારે આપણને ખબર નથી હોતી કે પુસ્તક કેવું નીકળવાનું છે. પણ વંચાઈ રહ્યા પછી – આપણા ભાવ, અભાવમાંથી પસાર થયા પછી તેનું મૂલ્ય અંકાઈ જાય છે. તેવું જ મિત્રનું છે.

કેટલાક માણસો એવું માને છે કે મિત્રો આનંદ-વિનોદ માટે છે. મોજમજામાં સાથ આપવા માટે છે. પણ આ તો ભ્રમમાં જીવવા બરાબર છે. વાસ્તવમાં તો મિત્ર દીવાદાંડીરૂપ હોવો જોઈએ. ક્યારેક કડવા થવું પડે તો કડવા ય થવું જોઈએ. પણ આ યુગમાં કોઈને કડવાશ ગમતી નથી. આ તો સુગરકોટેડ દવાઓનો જમાનો છે. એટલે આપણે સત્ય પણ કડવું હોય તો જીરવી શકતા નથી અને તેથી જ આપણે ખુશામતના વ્યાપારમાં પડી ગયા છીએ. આપણા ખોટા કાર્યની પણ પ્રશંસા કરનાર આપણને ગમે છે, પણ એ જ કહેવાતા મિત્રો આપણી જિંદગીના ઘરને ઉધાઈ લગાડે છે, એ આપણે જાણતા નથી. અંતરની એકતા વિના સાચી મૈત્રી સંભવી શકે નહીં. કોઈક વાર સ્મિત મૈત્રીનો આભાસ ઊભો કરે છે, પણ સ્મિત તો અંદરથી ઊગવું જોઈએ.

અતૂટ મૈત્રીનું પ્રથમ ચરણ છે ચારિત્ર્યશીલતા. ચારિત્ર્યશીલતા વિના સામાનો વિશ્વાસ સંપાદન કરી શકાય નહીં. અને વિશ્વાસ વિના મૈત્રી સંભવી શકે નહીં. મૈત્રી લક્ષ્યની દિશામાં દોરી જાય છે અને માર્ગ આડો ફંટાય તો મિત્ર આપણી દિશા ફેરવી નાખે છે. ભાવ વિના જેમ ભક્તિ સંભવિત નથી, તેમ પ્રેમ વિના મૈત્રી સંભવિત નથી. મૈત્રીમાં સ્નેહનો પડઘો પડ્યા વિના રહેતો નથી. અપેક્ષા કે સ્વાર્થ હોય ત્યાં મૈત્રી શક્ય નથી. સમજ અને ગેરસમજ મૈત્રીના બે પાયાઓ છે, પણ ગેરસમજ કરવતનું કામ કરે છે. મૈત્રીમાં ગણિત કામ આવતું નથી. ‘મેં એટલો બધો ભોગ આપ્યો, પણ એણે મારું કંઈ કામ ન કર્યું !’ એવી વાત મૈત્રીમાં આવતી નથી. હૃદયનો કંજૂસ માણસ જ એમ બોલી શકે. અને અંતરની કૃપણતા એ મૈત્રી મેળવવાનું સર્ટિફિકેટ નથી. દંભનો પડદો મિત્રતામાં અવરોધ ઊભો કરે છે. એવું અંતરપટ સામી દિશામાં અંધકાર જ સર્જે. મૈત્રી તો નિર્મળ નીર જેવી હોવી જોઈએ કે જેથી બન્નેનાં સાચાં પ્રતિબિંબ તેમાં પડી શકે.

આપત્તિ આવે તો ભલે આવે, પણ મૂર્ખ માણસની મૈત્રી અર્થહીન છે. વિપત્તિ તો કસોટીનો પથ્થર છે. તે વખતે મિત્રનું મૂલ્ય થઈ જાય છે. જ્યાં સુધી કસોટીની એરણ પર મૈત્રીનો કસ નીકળ્યો નથી ત્યાં સુધી એ મૈત્રીનું ભવિષ્ય ભાખી શકાય નહીં. મિત્ર હોવો સૌને ગમે છે. પણ તે પહેલાં મિત્ર બનવાનું શીખી લેવું જોઈએ. કારણ કે મિત્ર બનવાનું સરળ છે પણ સહજ નથી. આપણે સામી વ્યક્તિને સમજવા કેટલે અંશે તૈયાર છીએ, અને સામી વ્યક્તિ આપણી કેટલી નિકટ આવવા તૈયાર છે, તેના પર જ મૈત્રીનો આધાર છે. એવું પણ બને કે સમાન વિચારવાળા બે માણસો મિત્રો ન પણ હોય, અને અસમાન વિચારવાળા મિત્રો હોય, કારણ કે મૈત્રીનો પાયો પ્રેમ છે, ત્યાગ છે, સહિષ્ણુતા છે.

[2] આત્મવંચના

આત્મવંચના એટલે પોતાની જાત સાથે જ છેતરપિંડી કરવી, પોતાની જાત સાથે ‘નાટક’ ખેલવું. જ્યારે આપણે જીવનના મૂળ સ્ત્રોતને ભૂલી જઈએ છીએ ત્યારે એવું બને છે. જ્યારે આપણે આચારસંહિતાનો આગવો અર્થ કરીએ છીએ અને ઊખડી રહેલા જીવનને અવલંબન માનીએ છીએ ત્યારે આવું બને છે. આપણે પસંદગીના પૂર્વગ્રહોથી પીડાઈએ છીએ. આપણે સૌ સુખના અલગ અલગ ટાપુ બનાવીને જીવીએ છીએ અને તેમાંથી જન્મે છે નાના નાના સ્વાર્થ. અને જ્યારે સત્ય એનો સામનો કરે છે, ત્યારે આપણે તર્કના શસ્ત્ર વડે સત્યનું ખંડન કરી, આપણા પોતાના સ્વાર્થને ઉછેરીએ છીએ.

આપણે આદર્શો સાથે એકવાક્યતા સાધવાની વાત કરીએ છીએ, પણ આચરણમાં પંગુતા આવે છે, ત્યારે આપણે આપણી જીવનગતિનો જૂઠો બચાવ કરીએ છીએ. અન્યને છેતરવાનું સરળ છે, પણ જાતને છેતરવાનું સરળ નથી. આ બધું આપણે જાણીએ છીએ, સમજીએ છીએ અને છતાં આપણી અંતરયાત્રા ખોટી દિશા તરફ દોરીએ છીએ. આપણે જીવનનાં સનાતન મૂલ્યને સળગાવી મૂક્યાં છે અને વ્યક્તિગત મૂલ્યો-નિજીમૂલ્યો ઘડી કાઢ્યાં છે, તેથી આત્મવંચનાનો આપણે આધાર શોધીએ છીએ. આપણે સંકુચિતતાના પડ વચ્ચે જીવીએ છીએ તે છતાં આપણી જાત સાથે જ વાત કરતાં કહીએ છીએ કે આપણી વિચારક્ષિતિજ અને આચારક્ષિતિજ વ્યાપક છે.

હું સત્યનું આચરણ કરતો ન હોઉં, તે છતાં સત્યનું મહોરું પહેરી ક્યાં સુધી ફર્યા કરું ? મૂલ્યો પ્રત્યેની આપણી પ્રમાણિકતા જ જીવનસત્વને જન્મ આપી શકે, પણ જીવનસત્વની હર ક્ષણે વાત કરનારા, આપણે જીવનના ઝેરને જ ઘૂંટ્યા કરીએ છીએ. અને જાતને જ કહીએ છીએ કે એ જ અમૃત છે અને એના પર અમૃતનું લેબલ મારી દઈએ છીએ. હકીકત એ છે કે આપણા સુખની આડે આવનાર કોઈ પણ મૂલ્યને આપણે ખરાબ ગણીએ છીએ. અને જે આપણા સુખને ઉછેરે છે, એ સર્પવિષને સારું ગણીએ છીએ. આત્મવંચના મોટામાં મોટું પાપ છે. કારણ કે જાત સાથે છેતરપિંડી કરીને આપણે જગતને છેતરવાનો પરવાનો મેળવી લઈએ છીએ. અનેક લોકો માટે જૂઠાં મૂલ્યોને સત્ય ઠેરવતો ભ્રમ ઊભો કરીએ છીએ, કારણ કે આપણને ભ્રમ ગમે છે…. મૃગજળ મીઠું લાગે છે. આપણા કરતાં તો તે લોકો વધારે સારા છે, જેઓ જૂઠને જૂઠરૂપે જીવે છે, જૂઠને જૂઠરૂપે મૂલવે છે, અસત્યનો સ્વાભાવિક રૂપમાં સ્વીકાર કરે છે અને સ્વાર્થને પોતાની સરહદ માને છે. પણ આપણે તો અસત્ય આચરવું છે, પણ જાતને કહેવું છે કે એ સત્ય છે.

સ્વાર્થની સૃષ્ટિ રચવી છે પણ એને પરોપકાર ગણાવવો છે, અને છેલ્લે કંઈ ન ચાલે ત્યારે…. ‘એ તો એમ જ ચાલે…’ કહીને પોતાની જાતને જીવનના અંત સુધી છેતર્યા કરવી છે. શું જાતને છેતરીને આપણે જગતનિયંતાને છેતરવા ઈચ્છીએ છીએ ?

[3] તરુણ

આ જગતમાં એવો એક પણ માનવી નહીં હોય કે જે પોતાની તરુણાવસ્થાને વિદાય આપવા ઈચ્છતો હોય ! જેનામાં ઈચ્છાશક્તિ છે તે તરુણ છે ! જેનામાં કાર્યશક્તિ છે તે તરુણ છે. ‘જીવવું’ અને ‘જીવી જવું’ એમાં આભ-જમીનનું અંતર છે. તરુણ જ જીવન જીવી જવાની ઝંખના સેવી શકે. ‘હશે ! રહેવા દો ને ! થઈ રહેશે !…. કાલની વાત કાલે….’ આવા શબ્દો કે વાક્યપ્રયોગો તરુણના શબ્દકોશમાં નથી હોતા. જીવન સમયના વ્યાપમાં નહીં પણ કાર્યના વ્યાપમાં જિવાય છે – એ આપણામાંના બહુ થોડા જાણે છે.

આપણે વૃદ્ધ થવું નથી, પણ વૃદ્ધની માફક જીવવું છે. મૃત્યુથી કોઈ મરતું નથી, કાર્ય કરવાની આળસથી મરે છે. આપણે પાંચ ઈંચના પેટ માટે ખેતર ખેડવા તૈયાર થઈએ છીએ પણ જિંદગીને જીવી જવા માટે તો મનની તરુણાઈ મહત્વની છે. જે તરુણ રહે છે એનું જ આયુષ્ય અનંત રહે છે. આ બાળક, આ તરુણ, આ પ્રૌઢ, આ વૃદ્ધ – આમ સમયના ટુકડામાં આપણે જીવીએ છીએ તેથી જ તરુણની સાચી વ્યાખ્યા ભૂલી ગયા છીએ. તરુણ ભયનો ઉપાસક નથી. કાયરતા એનું શસ્ત્ર નથી. આત્મશ્લાઘા એનું જીવનરસાયણ નથી. જેના શરીરમાં સાહસનો અજંપો નથી, જેના પગમાં પુરુષાર્થની તમન્ના નથી, જેના મનમાં સિદ્ધિનાં શિખરો રમતાં નથી – એ તરુણ હોય તો યે શું અને ન હોય તો યે શું ? તરુણ ભૌતિકનો જ ભક્ત હોય એવું નથી. તરુણ જ ઈશ્વરનો સાચો ઉપાસક બની શકે. ભાવનાનો ઉદ્દેક તરુણ જેટલી ઉત્કટતાથી કોઈ અનુભવી શકતું નથી. એટલે જ તરુણાવસ્થામાં ઈશ્વરની ઓળખ મહત્વની બની રહે છે.

જીવનનો અભિવાદક તરુણાવસ્થાને જીવનની અન્ય અવસ્થાથી અલગ પાડતો નથી. આપણે જીવન કઈ રીતે જીવીએ છીએ – ક્યા સ્વરૂપે જીવીએ છીએ એના પર જ આપણી તરુણાવસ્થાનું આયુષ્ય અવલંબે છે. જીવન વેડફવા માટે નથી – એ વાત આપણને તરુણાવસ્થા જ સમજાવી શકે. જીવન આંસુઓનું સરોવર નથી એ વાત સાચો તરુણ જ કહી શકે. તમે તરુણ છો – જો જાગ્રતઅવસ્થામાં જીવતા હો તો. તમે તરુણ છો – જો પરમાનંદની ધરી પર ઘૂમતા હો તો. કોઈ પણ તરુણ ગફલતની ક્ષણોમાં જીવી ન શકે. ધ્યેય-શૂન્ય જિંદગી એ મૃત્યુનું બીજું નામ છે. બીજાના શોકને એ ઓળખી શકે છે, પણ પોતે શોકમાં જીવતો નથી. જે આનંદનો ઉપાસક નથી તે તરુણ નથી… તરુણ જ સત્યના શસ્ત્રને ઉપાડી શકે. તરુણ જ ઋતના રૂપમાં-સત્યના રૂપમાં સ્નેહને જીવી શકે….

જન્મ અને મૃત્યુના આયુષ્યખંડમાં અનેકવાર મૃત્યુ પામનાર માનવીઓ ઘણા મળી આવશે, પણ જીવનને જીવી જનાર તરુણ ઓછા મળશે. કદાચ, એ ઓછા તરુણોમાંના જ તમે એક હો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભણકાર – નાથાલાલ દવે
ધૂપસળી – સંકલિત Next »   

2 પ્રતિભાવો : અમૃતધારા – લલિતકુમાર શાસ્ત્રી

 1. nayan panchal says:

  સુંદર લેખો. આત્મવંચના વાળો લેખ સવિશેષ ગમ્યો.

  આભાર,
  નયન

 2. Anila Amin says:

  આપનો “તરૂણ” લેખ વાચીને ઝવેરચન્દ મેધાણી ની પન્ક્તિ યાદ આવી ગઈ.

  ઘટમા ઘોડા થનગને ને આતમ વીઝે પાખ, અણ દીઠએલી ભોમ પર યૌવન માડે આખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.