ગોળ કેરી ભીંતલડી – મીનળ દીક્ષિત

[‘કપોળ સમાજ દર્પણ’ સામાયિક (દીપોત્સવી અંક)માંથી સાભાર.]

‘કઈ વાર્તા કહું ?’
‘સરસ..સરસ… ગોરી ગોરી પરીની !’
‘ગોરી ગોરી છોકરીની ? ચાલ, તને ‘સ્નો વ્હાઈટ’ની વાર્તા કહું !’
‘ખૂબ મજા પડશે ને ?’ ઉત્સાહમાં ઈશાની તાળી વગાડવા લાગી. એને રોજ વારતા સાંભળવી હોય છે પરંતુ પપ્પાને ફક્ત રવિવાર જ મળે છે ! બાકીના છ દિવસ એ સાંભળેલી વાર્તા જ એના મનમાં ગૂંજ્યા કરે.
‘મમ્મી, હું સિન્ડ્રેલા…’
ઈશાની ચોપડીમાંથી છબી જોયા કરે. સત્તર જાતના સવાલો પૂછે, ‘આણે તો કેવા કપડાં પહેર્યાં છે ! આવડી મોટી થઈ તોયે ફ્રોક પહેરે છે. સાડી કેમ નહીં ?’

આણંદ કંઈ ગામડું ના કહેવાય છતાં દૂધવાળી દૂધ આપવા આવે ત્યારે એણે મોટો કમખો અને ઘાઘરો પહેર્યો હોય અને ઉપર ઓઢણી ઓઢેલી હોય. ઈશાનીને થતું કે સિન્ડ્રેલા કંઈ એવો પહેરવેશ ના પહેરે. આ જોઈ ઈશાની ગૂંચવાતી અને એની મમ્મી નિરજા કંટાળતી. પરંતુ આજે રજા છે અને ઈશાની એના પપ્પા પાસે છે એટલે નિરજાને રાહત થઈ. આ ત્રણ દિવસ ઉપરાછાપરી રજા છે. છો ને એના પપ્પાને સમજાય કે આ છોકરીને રાખવામાં કેટલા વીસું સો થાય છે !

ચા નો કપ હાથમાં હતો ને ઈશાનીની ધીરજ ખૂટી. પપ્પાના ગાલ પકડી પોતાની તરફ ખેંચ્યા.
‘અરે… ગરમ ચા પડી મારા હાથ પર… શું કરે છે તું ? તેં મને દઝાડ્યો…’
‘સોરી પપ્પા, પેલી સ્નો વ્હાઈટની વાર્તા…..’
‘હા, તો એ તારા જેવી એક છોકરી હતી.’
‘પણ મારું નામ તો ઈશાની છે ?’
‘હા. એનું નામ જુદું હતું. એ છોકરીના શરીરનો રંગ એકદમ સફેદ રૂના ગાભા જેવો !’
‘મમ્મીએ પંજાથી તકિયો ફાડેલો ત્યારે સફેદ સફેદ કંઈક અંદરથી બહાર આવેલું, એના જેવો ?’
‘હા. એવો જ રંગ. પરંતુ પછી એ છોકરીની મમ્મી મરી ગઈ અને બીજી મમ્મી આવી.’
‘પણ પપ્પા, મરી જાય તોયે રાત પડે પાછી ઘરે જ આવે ને ? નહિતર મમ્મી રહે ક્યાં ?’ પપ્પા ગૂંચવાયા. અઢી વર્ષની ટેણકીને સમજાવવું કેમ ?
‘પપ્પા, પછી શું થયું ?’
‘એની મમ્મી ભગવાન પાસે ગઈ. કોઈ દિવસ પાછી જ નહોતી આવવાની. આ છોકરી ગોરી ગોરી હતી એટલે એના પપ્પાએ એનું નામ પાડ્યું ‘સ્નો વ્હાઈટ’’.
‘એટલે ?’
‘અંગ્રેજીમાં બરફને સ્નો કહે. વ્હાઈટ એટલે સફેદ.’
‘હં. હવે સમજ પડી.’

નિરજા ગરમ ગરમ ભજીયા સાથે પ્રવેશી. બાપ-દીકરીને ચોપડીના ચિત્રો જોતા જોઈને બોલી,
‘આ ચિત્રો બતાવીને એને વાર્તા ના કહો.’
‘એમાં તમને વાંધો છે ?’
‘તમે નથી હોતા ત્યારે પણ આ ચોપડીના ચિત્રો જોઈ તે આવું ફ્રોક ને સ્કર્ટ માગે છે. હજાર સવાલ પૂછી પૂછીને માથું ખાય છે.’
‘તો એમાં શું ? જે પૂછે એના જવાબ આપવાના. પ્રશ્નો પૂછશે તો જ ચબરાકી આવશે. તારાથી ના થતું હોય તો ક્યારનો પેલા શિરિનબેનના કે.જી.ના કલાસમાં એને મોકલવાનું કહું છું ! મોકલવા માંડ…!’
‘તમે તો એ દોઢ વર્ષની હતી ત્યારથી પ્લે ગ્રુપમાં મોકલવાની વાત કરતા હતા.’
‘તો એમાં ખોટું શું છે ? બધા એવું કરે છે. પ્લે ગ્રુપમાં મોકલી હોત તો અત્યાર સુધીમાં એ-બી-સી-ડી ને વન-ટુ-થ્રી શીખી ગઈ હોત….’
‘મારે પાંચ વર્ષ સુધી મારી છોકરીને ભણાવવી નથી. પ્લે ગ્રુપમાં રમાડતા નથી, ભણાવે છે.’
‘તો ખોટું શું છે ? જલ્દી શીખી જશે.’
‘બધું જ ખોટું છે.’ પતિ-પત્ની વચ્ચે આ રોજની રકઝક હતી. નંદન દોઢ વર્ષની ઈશાની માટે જ્યારે પ્લે ગ્રુપનું ફોર્મ લાવેલો ત્યારે નિરજાએ ગુસ્સામાં ફાડી નાખેલું :
‘આટલી નાની ઉંમરે મારે એને ધુંસરીમાં નથી જોડવી.’
‘શી વીલ બી વેરી સ્માર્ટ. અખિલેશની દિયા ને જો. આના કરતાં નાની છે તોય ફટાફટ એ-બી-સી-ડી બોલે છે અને જેક એન્ડ જીલની કવિતા…’
‘મારે છોકરીને ત્યાં નથી મોકલવી બસ….’

નિરજાની માએ મેડમ મોન્ટેસરી પાસે ડિપ્લોમા લીધેલો. પોતાનું બાળમંદિર ચલાવતી. પોતે પણ તેમાં જ ભણી હતી. મા હંમેશા કહેતી, ‘અમારા વર્ગમાં અઢીથી પાંચ વર્ષનાં જ બાળકોને અમે પ્રવેશ આપીએ છીએ. રોજિંદા વ્યવહારની રીતભાત અમે શીખવીએ છીએ. બૂટ કેમ કાઢવા-પહેરવા, નાસ્તાની તાસક એવી રીતે લેવી કે અવાજ ના થાય અને વેરાય નહીં, શ્લોક બોલ્યા પછી જ નાસ્તાની તાસક પાસે લેવાની વગેરે વગેરે. અને હા, ભણવાનું નહીં. મેડમ એ વાત પર ખાસ ભાર મૂકતા કે પાંચ વર્ષની ઉંમર સુધી બાળકોનાં હાથ સ્થિર ના થાય, તેથી એમને લખતાં-વાંચતાં કરવાના નહીં.’
છતાં મા-બાપની ફરિયાદ રહેતી.
‘છ મહિનાથી તમારે ત્યાં આવે છે પણ લખતા-વાંચતા આવડતું નથી.’
ત્યારે સ્વસ્થતાથી નિરજાની મા કહેતી, ‘અમે બાળકને જીવનવ્યવહાર વિશે શીખવીએ છીએ, લખતાં-વાંચતાં નહીં.
‘હા, પહેલાં કરતાં એ વ્યવસ્થિત થઈ ગયો છે. વર્તણૂંક સરસ થઈ ગઈ છે, પણ લખતાં અક્ષરે આવડતો નથી.’ મા-બાપ સમજ્યા વિના ફરિયાદ કરતાં રહેતાં.

નિરજા એની માતાના માર્ગદર્શન પ્રમાણે આ રીતે જ ભણી છે અને છતાં એમ.એ સુધી અંગ્રેજી લઈને ખૂબ સારા માર્કસ લાવી શકી છે. નિરજા નંદન સામે દલીલ કરતી :
‘બાળગીતો જેવું તો અંગ્રેજીમાં શીખવા જ ના મળે. નિશાળે ગયા વગર આ તમારી લાડલી કેટલાં ગીતો અભિનય સાથે ગાય છે, એ તમે જાણો છો ?’
નાનકડી ઈશાની ગીતોની વાત સાંભળીને જાણે તૈયાર જ હોય એમ ગાવા લાગી :
‘પેલા પંખીને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,
મળી જાય.
તો આભમાં ઊડ્યા કરું.
ઊંચે ઊંચે હું ઊડ્યા કરું….’ બે હાથ લાંબા કરીને અભિનય કરતી ઈશાની પપ્પાને પણ ખૂબ વહાલી લાગતી. ક્યારેક કાર ચલાવતાં એ પણ એ ગીતો ગણગણતો.

આજે બીજા રવિવારની સવાર થઈ.
‘જો ઈશાની, આજે તને નવી જ વાર્તા કહીશ. પહેલા આ ચિત્રોની ચોપડીઓ જો… એમાં એક વાર્તા છે. જંગલમાં મમ્મી-પપ્પા સાથે રહેતી તારા જેવી છોકરીને લાલ રંગના કપડાં બહુ ગમે તેથી બધા એને ‘રેડ રાઈડિંગ હૂડ’ કહીને બોલાવે.’ પપ્પાએ વાર્તા શરૂ કરી.
‘મને પણ આવા લાલ રંગના કપડાં ખૂબ ગમે.’
‘એ છોકરી જંગલમાં ચેરી વીણવા જાય.’
‘ચેરી ? એટલે બોર ? પેલી સસલીના માથા પર પડેલું તેવું ?’ ચેરીઝ ! આ દેશમાં કાશ્મીર સિવાય કશે થતાં નથી. આ નાનકીને કેવી રીતે સમજાવું ?
‘બેટા, એ ઠંડા પ્રદેશમાં ઊગે.’
‘તો શિયાળામાં ઠંડી પડે છે તો અહીં ઊગશે ?’
‘આપણા ગામમાં નથી ઊગતું એટલે તેં નહીં જોયું હોય.’
‘હં.’
‘એ જંગલમાં વરુ રહે.’
‘પેલા ‘ઝૂ’માં વાઘ જોયેલો તે ?’ ફરી ઈશાની ગૂંચવાઈ.
‘ના. એ ‘ઝૂ’માં વરુ નથી. પરંતુ એ વરુ ઠંડા બરફથી છવાયેલા પ્રદેશમાં રહે. પછી પેલું લુચ્ચું વરુ ‘રેડ રાઈડિંગ હૂડ’ પાછળ જતું. એની દાદીમા જંગલને પેલે છેડે ઘરમાં એકલા રહેતા.’
‘આપણી દાદીમા જેવી હતી ?’
‘હા, પણ જો ઈશાની, વચ્ચે વચ્ચે બોલવાનું નહીં…. એ પછી વરુએ દાદીમાને મારીને એના કપડાં પહેરી લીધાં…’
‘પણ પપ્પા, રેડના પપ્પા ખરાબ માણસ હતા ? જોડે રહેતી મીનુ કહેતી હતી કે એના પપ્પાએ દાદીમાને ઘરની બહાર કાઢી મૂક્યા. એ કંઈ સારું કહેવાય ?’

નિરજાએ માંડ હસવું ખાળીને નંદન તરફ જોયું. એની નજર કહેતી હતી કે હવે આ નાનકીને પશ્ચિમની સંસ્કૃતિ વિશે સમજાવો ! નંદનને ડઘાઈ ગયેલો જોઈને ઈશાનીના દાદીમા વચ્ચે કૂદી પડ્યા.
‘એ તો બેટા, એના દાદીમા જાતે જ થોડા દિવસ માટે ત્યાં રહેવા ગયેલા.’
‘પણ એકલા હતા, તેથી જ વરુએ મારી નાખ્યા ને ? પપ્પા એવું કરશેને તો હું તો તમારી સાથે જ રહીશ. પપ્પા છો ને એકલા રહેતા. ખરું ને મમ્મી ?’
ઈશાની રમવા બહાર ગઈ કે તરત જ દાદીમા બોલ્યા
‘છોડીના મગજમાં ઊતરે એવી દેશી વાર્તા કીધી હોય તો ? હવે રાતે જોજો. તમે બંને બહાર જવાના છો ત્યારે હું ઈશાનીને મારી રીતે વાર્તા કહીશ.’

જમતી વખતે ઈશાનીએ બીજો ધડાકો કર્યો, ‘પપ્પા, પપ્પા… આ બરફ જુઓ. ધોળો ધોળો ક્યાં છે ?’ શરબતમાંથી એણે બહાર કાઢ્યો.
‘ઈશાની, હાથ નહીં નાખવાનો. હાથનો મેલ અંદર જાય.
‘પણ મમ્મી, આ કંઈ સફેદ નથી. આને તો વાદળી રંગ કહેવાય.’ નંદનના મોંનો રંગ ઊડી ગયો. યુરોપના દેશમાં રૂના પોલ જેવો બરફ રસ્તા પર છવાઈ જતો. પરંતુ પોતે પણ ક્યારેય જોયો નથી. ફક્ત ચિત્રમાં જ જોયો છે.
‘જવાબ આપો ને ?’
જવાબ હોય તો આપે ને !

બીજે દિવસે એ ઘરમાં આવ્યો, ત્યારે દાદીમાનો અવાજ ઘરના ખૂણે ખૂણે સંભળાતો હતો.
‘પછી લુચ્ચો વાઘ બોલ્યો….’
‘પેલો કાળા પીળા પટ્ટાવાળો પીંજરામાં જોયેલો તેવો ને, દાદીમા ?’
‘હા. એ ગાતો હતો કે…..
ગોળ કેરી ભીંતલડી, ને શેરડી કેરા દાંડા
કોપરિયે ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો !’
‘મમ્મી, લાંબી લાંબી શેરડી – એનો રસ આપણે પીધેલો ને ? ગોળ તો રોજ હું ખાઉં છું અને સુંકું કોપરું પણ ખૂબ ભાવે છે. પણ ઉધરસ થાય એટલે તું ક્યાં ખાવા દે છે ?’ ઈશાનીની કાલી વાતો સાંભળીને નંદન ફરી ઈશાની બની ગયો અને એ પણ ગાવા લાગ્યો કે :
ગોળ કેરી ભીંતલડી, ને શેરડી કેરા દાંડા
કોપરિયે ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો !’
દાદીમાએ ધીમે રહીને કહ્યું, ‘જોયું નંદન, બાળકોને સમજાય એવી વાર્તા કહેવાય. એને જ્ઞાન નહીં, એને આનંદ જોઈએ છે….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધૂપસળી – સંકલિત
ગુરુ – મીનાક્ષી ચંદારાણા Next »   

10 પ્રતિભાવો : ગોળ કેરી ભીંતલડી – મીનળ દીક્ષિત

 1. raj says:

  very good , kids are like bulbul,
  nice
  thanks
  raj

 2. ખુબ સુંદર….

  બાળમાનસમાં આસપાસના વાતાવરણ, પશુ, પક્ષી, વસ્તુઓની એક આખી દુનિયા હોય છે….બીજી દુનિયા જે જોઇ જ અનથી એના વિશે કદી કંઇ સમજી નહિ શકે.

  ીક આવો જ પ્રસંગ મને યાદ છે…મારી માસી ની દિકરી ની દિકરી..(મારી ભાણી)..એને એની મમ્મી એ મગર અને વાંદરાની જાંબુ વાળી વાર્તા કહી….થોડા દિવસ પછી એ પ્રાણી સંગ્રાલય જોવા ગયા…ત્યાં મગર જ્યાં રહેતા હતા ત્યા બહાર થી વાંદરા આવી ને બેઠા હશે…..પેલી મારી ભાણી તો એવી ખુશ થઇ ગઇ કેે વાર્તા એને ત્યાં ‘live’ જોવા મળી.

 3. jay patel says:

  ખુબ જ સરસ આજે માતા પિતા જે દેખાદેખિ મ બાલકો ને ઇન્ગ્લિશ્ માધ્યમ મા મુકે ૬. તેમ્ના માટે સુચન સમાન્ ૬.

 4. Deval Nakshiwala says:

  સારી વાર્તા છે.

  લેખિકાની વાત સાચી છે. બાળકોને તેઓ બહારની દુનિયામાં જોઈ શકે અને તેની સાથે જોડાઈ શકે તેવા પાત્રો અને ઉલ્લેખો ધરાવતી વાર્તાઓ કહેવી જોઈએ.

 5. kk says:

  Good story. Same situation…when we talk about our Indian story here in North America, child get confused. So, I don’t understand, is it better not to say our Indian story to our child and keep on saying western stories? I am bit confused!!!

 6. Anila Amin says:

  “દેશ તે વો વેશ” એ દેશી કહેવતને ધ્યાનમા રાખી ને અને બાળકોની જીજ્ઞાસાને ધ્યાનમા રાખીને જ બાળ

  ઘડતર થઈ શકે. સીધુ સમજાવવા કરતા આજુબાજુ નુ પ્રત્યક્ષ દર્શન કરાવિને સમજાવાય તો એ વધારે ઉચિત ગણાય.

  તેનો આ વાર્તા સરસ નમૂનો છે.

 7. dharmesh.makwana says:

  Truth prevails

 8. Ashish Dave, Sunnyvale, California says:

  Very nicely written…

  Ashish Dave

 9. Rachana says:

  બાળકોને સમજાય એવી વાર્તા કહેવાય. એને જ્ઞાન નહીં, એને આનંદ જોઈએ છે……very much true…nice story

 10. Vaishali Maheshwari says:

  It is a simple and a sweet story. Enjoyed reading it. Kids will surely learn more if they get fun and knowledge at the same time.

  Thank you Ms. Minad Dikshit.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.