સદભાવના – સંકલિત

[‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર.]

[1] અપ્રાપ્ય પુસ્તક – અજ્ઞાત

મુંબઈના ધોબી તલાવ પરની એક મોટી બુકશોપમાં એ કામ કરે. એ વખતે હું કોલેજમાં ભણું. મારી જરૂરિયાતનાં પુસ્તકોની સેકન્ડ-હેન્ડ નકલ મારા ગજવાને પોસાય એવી તારવી રાખતો. એ વખતે મારા પિતા જેટલી ઉંમર ધરાવતા ફ્રાન્સીસ જોડે મારો સંબંધ બંધાયો હતો.

એક વખત મારે એક પુસ્તકની જરૂર પડી. ભારતમાં બ્રોડકાસ્ટિંગનો પ્રારંભ થયો એની છૂટક વિગતો અત્રતત્રથી મળતી તો હતી પણ એનો વ્યવસ્થિત ઈતિહાસ કોઈ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ હોય તો એ જોવું હતું. એક માહિતી મળી હતી કે ભારતમાં વ્યવસ્થિત સ્વરૂપે બ્રોડકાસ્ટિંગનો પ્રારંભ કરનારા જે બે-ત્રણ મહાનુભાવો હતા એમાંના એક હતા લાયોનેલ ફિલ્ડન. એમણે એક પુસ્તક લખ્યું હતું – ‘ધ નેચરલ બેન્ટ’. હું પહોંચી ગયો ફ્રાન્સીસ પાસે. એક ચબરખી પર પુસ્તકનું અને લેખકનું નામ લખી આપ્યાં. ફ્રાન્સીસ કશું બોલ્યો નહીં કે ન કોઈ પુસ્તક ખોળવાની જહેમત ઉઠાવી. એ મારી સામે જોતો જ રહ્યો, જોતો જ રહ્યો.

મેં કહ્યું : ‘મિ. ફ્રાન્સીસ, મારે આ પુસ્તકની ખાસ જરૂર છે. મળશે ?’
‘હેં ?’ ઝબકીને ફાન્સીસે કહ્યું અને પછી મારી સામે જોતાં એ બોલ્યો, ‘આ શેના વિશેનું પુસ્તક છે ? આઈ મીન, એ લાઈફ-સ્ટોરી છે, નવલકથા છે, એસેઝ છે ?’
‘મને ખ્યાલ નથી. મિ. ફિલ્ડન 1936ની આસપાસ ભારતમાં આવેલા અને બ્રોડકાસ્ટિંગનો પાયો નાખનાર એક મહત્વના બ્રિટિશ અધિકારી હતા. આ પુસ્તકમાં એણે ભારતમાં પ્રારંભની પ્રસારણ-સેવા વિશે વાતો લખી છે…’
‘પબ્લિશર કોણ છે ?’
‘મને ખબર નથી.’
‘મસ્ટ બી ઑક્સફર્ડ, મૅકમિલન, કૅસલ કે પછી વૉટસન-બ્રાઉન….’ કહી એ દુકાનના પાછલા ભાગમાં ગયો અને બે-ત્રણ મોટાં મોટાં કેટલૉગ લઈ આવ્યો. અડધા-પોણા કલાકની જહેમત પછી એણે પબ્લિશરનું નામ તો શોધી આપ્યું પણ કેટલૉગમાંની માહિતી વાંચી કહ્યું : ‘સૉરી, નો ચાન્સ.’
‘યુ મીન….’
‘ઑક્સફર્ડનું પ્રકાશન છે. પણ હવે આઉટ ઑફ પ્રિન્ટ છે….’
હું નિરાશ થયો.

એ વખતે હું ‘જનશક્તિ’માં આકાશવાણી વિશે એક કટાર લખતો હતો. મારી ઈચ્છા હતી કે ભારતમાં પ્રસારણ-સેવાના પ્રારંભની વાત લખું. મેં ફ્રાન્સીસને મારી આ જરૂરિયાત પર ભાર મૂકી સમજાવ્યું અને ગમે તે ખર્ચે આ પુસ્તક મેળવી આપવા જણાવ્યું. ફ્રાન્સીસે હા પાડી. પોતાના જૂના ઘરાકને ‘સાચવી’ લેવા ફ્રાન્સીસે કમર કસી. લગાતાર ત્રણ-ત્રણ મહિના સુધી જુદી જુદી બુકશોપ્સ સાથે એના પત્રવ્યવહાર થતા રહ્યા. ભારતીય ચલણમાં રૂ. 70ની કિંમત ધરાવતા આ પુસ્તક પાછળ એણે સો રૂપિયા જેટલો તો ટપાલ ખર્ચ કરી નાખ્યો. દર દસ-પંદર દિવસે હું એની પાસે જતો અને એ મને નકારના પત્રો બતાવતો. એક વખત તો એણે મને કહી પણ દીધું :
‘આઈ એમ સૉરી. હું તમારે માટે આ પુસ્તક નહીં મેળવી શકું. મેં ઑલ ઈન્ડિયા રેડિયોને પણ પત્ર લખ્યો છે કે જો તમારી લાઈબ્રેરીમાં આ પુસ્તક હોય તો પુસ્તકના દરેક પાનાની ફોટો નકલ મારા ખર્ચે કરાવવા તૈયાર છું….’
‘ત્યાંથી શું જવાબ આવ્યો ?’
‘ઑલ આર ડેડ-લેટર્સ’
હું ક્યાંય સુધી નિરાશ થઈ કાઉન્ટર પર ઊભો રહ્યો. એણે મને ચા પીવરાવી અને પછી ‘બૅડ-લક’ જેવા શબ્દો ઉચ્ચારી દુકાનનાં પગથિયાં ઊતરવા જતો હતો ત્યાં એણે મને કહ્યું : ‘તમારું સરનામું અને ફોન નંબર મને આપતા જાઓ. હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ. મને જેવું પુસ્તક મળશે કે તમને પત્ર લખીને કે ફોન કરીને જણાવીશ.’ બુઢ્ઢો મને આશ્વાસન આપવા જ આ કહેતો હતો. મારું વિઝિટીંગ-કાર્ડ એને આપ્યું.

લગભગ પચ્ચીસ દિવસ પછી ફ્રાન્સીસનો ઑફિસ પર ફોન આવ્યો : ‘તમારું પુસ્તક મને મળી ગયું છે. ગમે ત્યારે આવીને લઈ જશો….’
‘હમણાં જ આવું છું…. અબઘડી, અત્યારે જ.’
ફોન મૂકી, ટેક્સી પકડી, ફ્રાન્સીસની સામે ઊભો રહ્યો. એણે સ્ટીલના એક કબાટમાંથી પુસ્તક કાઢી મારી સામે ધરી દીધું. મેં પુસ્તકના શરૂઆતનાં પાનાં ઉથલાવ્યાં અને પછી હર્ષથી નાચી ઊઠ્યો. મેં ખિસ્સામાંથી પૈસાનું પાકીટ કાઢતાં કહ્યું : ‘મિ. ફ્રાન્સીસ, આની જે કિંમત થાય તે લઈ લો, પત્રવ્યવહારના તમામ ખર્ચ સહિત.’ ફ્રાન્સીસ મારી સામે હસ્યો. એણે પુસ્તકની વચ્ચેથી એક કાગળની કાપલી કાઢી, મારી સામે ધરી. કાપલીમાં લખ્યું હતું :
‘બુઢ્ઢા ફ્રાન્સીસ તરફથી સપ્રેમ.’
‘નો, નો, નો…. મિ. ફ્રાન્સીસ, આની તો હું કિંમત ચૂકવીને જ રહીશ.’ એણે એનો કૃશ, ખરબચડો હાથ મારા પર મૂકી કહ્યું :
‘યંગ મેન, મારા જૂના ગ્રાહક માટે મારી આટલી ભેટ સ્વીકારી લો.’
‘પણ શા માટે ? તમે આ મેળવવા જે ખર્ચ કર્યો છે એ પુસ્તકની મૂળ કિંમત કરતાંય વધુ છે.’
એણે મને જે જવાબ આપ્યો તે આ હતો : ‘તમને ખબર છે, જ્યારે તમે એક કાપલીમાં આ પુસ્તકનું નામ અને શીર્ષક લખ્યાં ત્યારે હું તમારી સામે જોઈ રહ્યો હતો ? કારણ કે ચાળીસ વર્ષ પછી મેં આ નામ ફરી સાંભળ્યું હતું. હું એ વખતે કલકત્તમાં હતો. પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં નવી નવી નોકરી લીધી હતી. જ્યારે પ્રસારણ-સેવા આ ડિપાર્ટમેન્ટના હાથ નીચે મુકાઈ ત્યારે એમાંથી જે થોડા માણસો પ્રસારણ-સેવા માટે પસંદ કરાયા, એમાંનો હું એક હતો. મેં મિ. લાયોનલ ફિલ્ડનના હાથ નીચે કામ કર્યું હતું. એના જેવો બાહોશ અધિકારી મેં જોયો ન હતો. વાઈસરૉય લૉર્ડ લીનલીથગો સામે ભારતીય પ્રસારણ-સેવાનું ‘બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ ફૉર ઈન્ડિયન સર્વિસ’ જેવું નામ બદલી ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ રખાવનાર આ બ્રિટિશ જવાંમર્દ બચ્ચાને મેં નજદીકથી જોયો છે… એના માનમાં આ પુસ્તક આ બુઢ્ઢા તરફથી તમને સપ્રેમ…..’

જ્યારે જ્યારે કોઈ બુકશોપમાં પુસ્તક ખરીદવા જાઉં છું ત્યારે કાઉન્ટરની પાછળ ઊભેલા કોઈ ફ્રાન્સીસને શોધવા હું પ્રયત્ન કરું છું. (‘અમૃત ભરેલા અંતર’ પુસ્તકમાંથી).

[2] વિકાસ – સુરેશ પટેલ

વિકાસ એટલે….
આગળ વધવું. વિકાસ એટલે બદલાવું. વિકાસ એટલે વૃદ્ધિ.
ગઈકાલે આપણે જેવા હતાં,
એના કરતાં આજે વધારે સારાં બનીએ.
આજે જેવાં છીએ એના કરતાં,
આવતીકાલે, હજી વધારે સારાં બનીએ.
સતત ને સતત, લગાતાર….
સારાં બનવાનો પ્રયત્ન કરીએ, તો તેને કહેવાય વિકાસ.
પ્રત્યેક વિકાસમાં ફેરફાર અને બદલાવ છે,
પણ…. પ્રત્યેક ફેરફાર અને બદલાવ એ વિકાસ નથી.
વિકાસ એટલે….
બાહ્ય ચીજોનું એકત્રીકરણ નહિ,
બલ્કે….. આંતરિક શક્તિઓનું પ્રગટીકરણ.
વિકાસમાં હોય છે….
આનંદ, સંવાદ અને શક્તિ.

વિકાસ એટલે વૃદ્ધિ. નાનકડાં બીજમાંથી અંકુર અને અંકુરમાંથી છોડ અને છોડમાંથી વૃક્ષ એ વિકાસ છે. અંકુરણ થવા માટે બીજનું તૂટવું અનિવાર્ય છે અને વૃક્ષ થવા માટે છોડનું બધીયે દિશામાં વધવું અનિવાર્ય છે. વિકાસમાં સતત ફેરફાર છે, બદલાવ છે. પણ આ ફેરફાર કે બદલાવની દિશા ઊર્ધ્વગામી છે, હકારાત્મક છે. આ ફેરફાર ટૂંક સમય પૂરતો નથી, બલ્કે કાયમી છે. જો એ કામચલાઉ ફેરફાર હશે તો એ પુનઃ પોતાનું સ્વરૂપ ધારણ કરી લેશે. પણ જો એ કાયમી હશે, તો એ ફેરફાર કહેવાશે રૂપાંતરણ. વૃક્ષ થવા માટે બીજનું છોડમાં રૂપાંતરણ થવું જરૂરી છે. પતંગિયું થવા માટે ઈયરનું કોશેટામાં રૂપાંતરણ થવું જરૂરી છે.

આપણે સૌ વિકસવા ઈચ્છીએ છીએ, અને એટલે જ મથામણ કરીએ છીએ. વસ્તુઓ પાછળની દોડ, સંપત્તિ અને સત્તા માટેની દોડ, મૂળભૂત રીતે તો પ્રાપ્તિની દોડ છે. પરંતુ આ પ્રાપ્તિ પછી પણ તૃપ્તિની અનુભૂતિ થતી નથી, એટલે પ્રશ્ન એ ઊઠે છે કે આ આપણો વિકાસ છે ? વડના બીજમાં સમગ્ર વડનું વૃક્ષ થવાની સંભાવના સમાયેલી છે. યોગ્ય માટી, ભેજ અને સાનુકૂળ વાતાવરણ મળતાં જ આ સંભાવના, ધીમે ધીમે હકીકતનું સ્વરૂપ ધારણ કરે છે. આપણી અંદર પણ આવી અનેક સંભાવનાઓ સમાયેલી છે – જેને આપણે સરળ ભાષામાં આંતરિક શક્તિઓ તરીકે ઓળખીએ છીએ. વિકાસ એટલે આપણી આંતરિક શક્તિઓની બાહ્ય અભિવ્યક્તિ. જે કંઈ અંદર છૂપાયેલું છે – તેનું બાહ્ય પ્રગટીકરણ. ગાંધીજી એ એક આંતરિક સત્ય અને અહિંસાની અભિવ્યક્તિ ગણાય. બુદ્ધ એ કરુણાની અભિવ્યક્તિ ગણાય. ઈસુ ખ્રિસ્ત એ પ્રેમની અભિવ્યક્તિ ગણાય.

વિકાસમાં આમ બાહ્ય ચીજો, વસ્તુઓનું એકત્રીકરણ કરવાનો પ્રયાસ નથી થતો, પરંતુ સ્વની સંપૂર્ણ અભિવ્યક્તિ કરવાનો પ્રયાસ થાય છે. (‘આંબીએ ઊંચે આકાશને’ પુસ્તકમાંથી સાભાર)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous …તો કોઈ સાચી સલાહ નહિ આપે – મોહમ્મદ માંકડ
સૉરી ! એ વેચાઉ નથી – હરિશ્ચંદ્ર Next »   

12 પ્રતિભાવો : સદભાવના – સંકલિત

 1. raj says:

  I am touched by Mr,Francies goodness,
  still people are there who loves their work
  good article,
  raj

 2. ખુબ જ સુંદર….

  ૧/ મિ. ફ્રાન્સીસ જેવા માણસો પણ હોય છે…મને યાદ આવી ગયાએ વર્ષો જ્યારે હું પુસ્તકાલયમાંથી એક જ દિવસ ના બે ત્રણ પુસ્તકો લાવતી…અને ક્યારેક જોઇતું પુસ્તક હાથ નલાગે તો ગ્રંથાલય વ્યક્તિ એમાં મદદ કરે.

 3. જગત દવે says:

  [1] અપ્રાપ્ય પુસ્તક (લેખકનું નામ જાણી શકાય?)
  પુસ્તકાલય સાથે ઘણી સ્મૃતિઓ સંકળાયેલી છે…..મિત્રો ઘરે બોલાવવા આવે અને ધરે ન મળુ તો મમ્મી નો જવાબ હોય….”લાયબ્રેરીમાં તપાસ કરો…ત્યાં જ ગયો હશે” નાના શહેરમાંથી મહાનગરમાં આવ્યા પછી…….જાણે કોઈ જુનો મિત્ર વિખૂટો પડી ગયો હોય તેવું લાગે.

  [2] વિકાસ – સુરેશ પટેલ

  ઊપરની વાત ને જ સાંકળી ને કહું તો……નાના શહેરમાં થી મહાનગરમાં આવ્યા પછી જ્યારે ખબર પડી કે અહીં તો પુસ્તકાલય એટલું સુલભ નથી તો થયું કે આના કરતાં તો નાના શહેરમાં વધારે મજા હતી……એ આંતરિક વિકાસ હતો…..અને પછી મહાનગરની બાહ્ય વિકાસની દોડમાં હું પણ સામેલ થઈ ગયો.

  આંતરીક વિકાસનું તરફ પાછા ફરવાની તિવ્ર ઈચ્છા ઘણીવાર થઈ આવે છે અને હું એને પાછી ધકેલું છું…… બહાના બતાવી ને.

  • Jay says:

   Mr Jagat you can be a good write… have you ever tried writing stories or articles? I’m saying this because it was really nice way to connect two different subjects.

   • જગત દવે says:

    જયભાઈ, ક્યારેય stories or articles લખવાની હિંમત નથી કરી પણ આપની સલાહ એ મારા આત્મવિશ્વાસમાં વધારો જરુર કર્યો છે. ખુબ આભાર.

  • જય પટેલ says:

   શ્રી જગતભાઈ

   વિકસીત પશ્ચિમમાં હવે વિકાસ ઈતિહાસ બની ચૂક્યો છે.
   તાંજેતરમાં બ્રિટીશ વડાપ્રધાન શ્રી ડેવિડ કેમરૂને સંસદમાં હેપિનેશ ઈન્ડેક્ષનો પ્રસ્તાવ મૂક્યો હતો.
   પ્રજા કેટલી સુખી છે તે આ હેપીનેશ ઈન્ડેક્ષ પરથી ભવિષ્યમાં જાણી શકાશે…!!
   હેપીનેશ ઈન્ડેક્ષ માટે બીબીસી અથવા ધ ઈકોનોમીસ્ટ પર સર્ચ કરશો.

   • જગત દવે says:

    વિકાસનાં માપદંડ કેવી રીતે નક્કી કરીશું તે બહું મહત્વનું છે.

    વિદેશ તરફ નજર દોડાવવાની જરુર જ ક્યાં છે? ચાર વેદો અને ગીતા હાજર છે.

    આંતરીક અને બાહ્ય વ્યવસ્થાનું આવું સમતોલન ….. વિશ્વનાં ક્યાં ગ્રંથમાં જોવા મળશે?

 4. maitri vayeda says:

  પ્રથમ પ્રસંગ ખુબ સરસ…

 5. trupti says:

  પહેલો પ્રસંગ પ્રસંસા ને પાત્ર. આજ ના જમાના મા આવા સદભાવી અને નિસ્વાર્થ સહાય કે મદદ કરવા વાળા કેટલા? તેપણ એક ચોપડી માટે……….

 6. Pravin Shah says:

  મિસ્ટર ફ્રાન્સીસ જેવા મહેનતુ માણસો ક્યારેક મળી જતા હોય છે.
  યુનિવર્સિટી ઓફ શિકાગો મા લાઇબ્રેરીયને એક બુક દુનિયાની કઇ કઇ
  લાઇબ્રેરીઓમા તે મને શોધી આપ્યુ હતુ.

 7. nayan panchal says:

  પહેલો પ્રસંગ હ્રદયસ્પર્શી. વડોદરાના ક્રોસવર્ડવાળા રણજિતભાઈ, આપણા મૃગેશભાઈ કે ફ્રાન્સિસભાઈ જેવા લોકો સરસ્વતીમાતાના સાચા ઉપાસકો છે.

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.