સરોવર છલી પડ્યાં ! – અમૃતલાલ વેગડ

[ લેખકના મિત્ર શર્માજીના સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સરોવર છલી પડ્યાં !’માંથી કેટલાક લેખો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ગુનો કરવો સહેલ, છુપાવવો મુશ્કેલ

તાંબાવરણો પહોળો ચહેરો, મજબૂત બાંધો ને બેઠી દડીવાળા શર્માજી મોટી ઉંમરે પણ ભારે ખુશમિજાજ, એવા જ હાજરજવાબ. ગમે તેટલી કાતિલ ઠંડી કાં ન હોય, પાર્કમાં ફરવા આવે જ. સામે ચાલીને ન બોલે, પણ જો આપણે બોલીએ તો ખૂબ ખૂલે. પોલીસ વિભાગમાં હતા. એસ.પી.ના પદેથી રિટાયર થયા. કહે, ’38 વર્ષની મારી સરકારી નોકરીમાં સદા સાચને રસ્તે ચાલ્યો. મારા જે ઊપરી હતા, એ પણ એવા જ ઈમાનદાર અને સિદ્ધાંતવાદી. આથી મારે માટે ઈમાનદાર રહેવું સરળ બન્યું. હા, તેઓ એમ જરૂર કહેતા કે સત્ય કઢાવવા ખાતર અસત્ય બોલવું પડે તો બોલવું, એમાં કંઈ ખોટું નથી.’

સત્ય માટે અસત્ય ? મને નવાઈ લાગી. એથી એમણે આ વાત કહી : આઝાદી પહેલાંના મધ્યપ્રદેશના એક નાના શહેરમાં બની ગયેલો આ પ્રસંગ છે. મારી નિયુક્તિ સિવની-માલવા નામના કસબામાં થાણેદાર તરીકે કરવામાં આવી. હું ત્યાં ગયો એના ત્રણ જ દિવસ પહેલાં એ ગામમાં પચાસ હજારની ચોરી થયેલી. એ કેસ મેં મારા હાથમાં લીધો. એ ગામની ક્રાઈમ-બુક જોઈ. ધ્યાનથી જોતાં મને ચાર જણા પર શક ગયો. શરૂઆત પહેલાથી કરી. મારા માણસોને કહ્યું કે આને થાણે લઈ આવો.
‘પણ એ તો 75 વર્ષનો છે. એનાથી તો ચલાતુંય નથી. એ ખાટલામાં પડ્યો રહે છે.’
‘વાંધો નહીં, ગાડામાં લઈ આવો.’
મારા પોલીસો એને બળદગાડામાં લઈ આવ્યા. પડછંદ કાયા, મજબૂત જડબાં ને ઝીણી આંખોવાળા એ વૃદ્ધ જોડે હું વાત કરવા જતો હતો ત્યાં મારા સાથીએ કહ્યું કે ભોજન તૈયાર છે, પહેલાં ભોજન કરી લો, પછી નિરાંતે પૂછપરછ કરજો.

જમીને જ્યાં આવું ત્યાં પેલો અલોપ ! મારો શક વધ્યો. એક દરોગો અને બે સિપાઈ લઈને હું એને ઘેર ગયો. ઘરની સામેના ખુલ્લા આંગણામાં એ લીમડાના ઝાડ નીચે બેઠો હતો. મેં એને ખખડાવ્યો – તું ભાગી કેમ આવ્યો ?
‘સાહેબ, તમે નહાત, પૂજાપાઠ કરત, ભોજન કરત, આરામ કરત, પછી મને મારઝૂડ કરત. ભૂખ્યે પેટે માર સહન ન થાત, હજૂર, એટલે બીને આવતો રહ્યો.’ એક કલાક સુધી ઊલટતપાસ કરતો રહ્યો, ધમકાવ્યોય ખરો, પણ તે એકનો બે ન થયો. લથડતા અવાજે એ એક જ વાત કરતો રહ્યો કે મેં ચોરી નથી કરી. મારે માટે તો હાલવું-ચાલવુંય મુશ્કેલ છે, હું ચોરી કેવી રીતે કરી શકું ? હું નિર્દોષ છું.

ત્યાં સુધી એના ત્રણે દીકરાઓ ખેતરેથી આવી ગયા હતા. એમણે પણ આ જ વાત કહી. ‘બાપા તો ખાટલામાં જ પડ્યા રહે છે. અમે ભાઈઓ ખેતીવાડી કરીએ છીએ. અમે ક્યારેય કોઈ ચોરી કરી નથી.’ એ ત્રણેને હું દૂર લઈ ગયો અને અડધા કલાક સુધી પૂછપરછ કરતો રહ્યો. એ પછી એમને ત્યાં જ મૂકીને અને એમના પર બે સિપાઈઓનો પહેરો બેસાડીને હું પાછો ડોસા પાસે આવ્યો ને કહ્યું, ‘સાંભળ, તારા દીકરાઓએ મને બધું જ કહી દીધું છે. ચોરી તેં જ કરી છે. જો તું ચોરી કબૂલ કરી લઈશ, તો તને એકને જ સજા થશે, નહીં તો તારા દીકરાઓ પણ આમાં સામેલ ગણાશે અને બધાને સજા થશે. એમણે એ પણ કહી દીધું છે કે ચોરાવીને એ દાગીના તેં અહીં દાટ્યા છે.’ એક જગ્યા બતાવીને મેં કહ્યું.
સાંભળતાં જ એ ઢીલો ઢફ ! તરત જ ગુનો કબૂલ કરી લીધો. દયામણી નજરે મારી સામે જોઈને બોલ્યો : ‘દીકરાઓ તો ઘણીય ના પાડે છે, પણ શું કરું ? જૂની આદત જતી નથી. વાંદરો ઘરડો થાય પણ ઠેક ન ભૂલે ને ?’

મેં પૂછ્યું : ‘પણ આ ઘટનામાં અસત્ય ક્યાં આવ્યું ?’
‘એના દીકરાઓએ મને આવું કંઈ કહ્યું જ નહોતું !’
‘તો દાગીના દાટવાની વાત તમે કેવી રીતે કરી ?’
‘ત્યાં આવતાની સાથે જ મેં જોયું કે એ જ્યાં બેઠો હતો, એની પાસેની થોડીક જમીન બાકીની જમીનથી જુદી તરી આવતી હતી. ત્યાંની ભીની, પોચી માટી જોઈને મેં અટકળ કરી કે થોડી વાર પહેલાં જ અહીં ખાડો ખોદવામાં આવ્યો છે. બસ, આટલા પરથી મેં અનુમાન કર્યું કે એણે એ દાગીના અહીં દાટ્યા હશે. નસીબ સારા તે મારું અનુમાન સાચું ઠર્યું. પાછળથી ખબર પડી કે પહેલાં દાગીના એણે ઘરમાં સંતાડેલા. થાણામાં બેઠા એને વિચાર આવ્યો કે થોડી વારમાં અમે એના ઘરની તલાશી લેશું ને એની ચોરી પકડાઈ જશે. એથી એ ત્યાંથી નજર ચૂકવીને આવતો રહ્યો ને ઉતાવળમાં ને ઉતાવળમાં દાગીના અહીં દાટી દીધા ! આમ કરીને એણે પોતે જ પોતાને પકડાવી દીધો !’
પછી હસીને કહે, ‘વફાદાર હું સદા સત્ય પ્રત્યે જ રહ્યો છું. પરંતુ સત્ય કઢાવવા ખાતર આવા ‘અસત્યના પ્રયોગો’ પણ કર્યા છે !’

[2] ટ્રેનનો પ્રસંગ

એક વાર ‘સાગર પોલીસ ટ્રેનિંગ સ્કૂલ’ જવા માટે અકોલાથી ટ્રેનમાં બેઠો. ભુસાવળમાં ટ્રેન બદલવી પડે. ત્યાંથી હું દિલ્હી જતી ટ્રેનમાં બેઠો. ડબો થર્ડ કલાસનો હતો. એમાં જયપ્રકાશ નારાયણ અને પ્રભાવતી દેવી પહેલેથી જ બેઠાં હતાં. તેઓ વર્ધાથી દિલ્હી જઈ રહ્યાં હતાં. મેં એમને વર્ધામાં કેટલીય વાર જોયેલાં. પ્રણામ કરીને મારો પરિચય આપ્યો. બંને ખૂબ રાજી થયાં.

ટ્રેન ઊપડી. બંને ખાધાપીધા વગર બેસી રહ્યાં. ભુસાવળ પછી મોટું સ્ટેશન ઈટારસી આવ્યું. મેં એમને પૂછ્યું કે આપના માટે કાંઈ ચા-નાસ્તો લઈ આવું, તો ના પાડી. હવે મને ભૂખ લાગી હતી, પણ જો તેઓ ન ખાય તો મારાથી કેમ ખવાય ! એથી ચૂપચાપ બેસી રહ્યો. એ પછી મોટું સ્ટેશન ભોપાલ આવ્યું. મેં ફરી પૂછ્યું. મનમાં હતું કે આ વેળા તો ચોક્કસ હા પાડશે. પણ આ વખતેય ના ! તેમણે એમ પણ ન કહ્યું કે અમે તો કાંઈ નહીં લઈએ, પણ તારે જે ખાવું હોય એ ખુશીથી ખા ! મન મારીને ભૂખ્યો બેસી રહ્યો. એના પછી મોટું સ્ટેશન બીના. ‘સાગર’ જવા માટે મારે ત્યાં ઊતરવાનું હતું. ઊતરતાં પહેલાં મેં એમને ફરી પૂછ્યું કે આપના માટે કાંઈ લઈ આવું, તો ફરી ના ! લાગ્યું કે આ લોકો ઠેઠ દિલ્હી સુધી ખાધાપીધા વગર ગયાં હશે.

નાત નહીં જાત નહીં, નજીકની ઓળખાણ નહીં, તેમ છતાં, કકડીને ભૂખ લાગી હતી તો પણ, એમણે ન ખાધું એથી હુંયે ખાઈ ન શક્યો. આ તે એમનો કેવો પ્રભાવ ! અને આવા તો તે સમયે કેટલાય નેતાઓ હતા. વર્ધા અને સેવાગ્રામમાં મેં કેટલાયને જોયેલા, એમનું સ્મરણ થાય છે અને માથું આપોઆપ ઝૂકી જાય છે.

[3] સાચું કોણ ?

ઠીંગણા પણ ગઠેલા બાંધાના ધરમદાસ પુરી પોલીસ વિભાગમાં સબ ઈન્સ્પેકટર હતા. એ જિંદગીભર સબ-ઈન્સ્પેકટરના સબ-ઈન્સ્પેક્ટર જ રહ્યા. ક્યારેય એમને બઢતી ન મળી. એમનાથી જુનિયર લોકોને પ્રમોશન મળ્યું પણ એમને ન મળ્યું. એ એમના પ્રમોટ થયેલા સાથીઓને કહેતા, ‘તમે બધા ખોટા સિક્કા છો. રંગ-રૂપ બદલતા રહો છો. મને જુઓ, જેવો ટંકશાળમાંથી નીકળ્યો હતો, આજે પણ એવો ને એવો છું !’

ધરમદાસના સાથીઓ પ્રોવિડન્ટ ફંડમાં એવી ધારણાથી પૈસા જમા કરાવતા હતા કે આમ કરવાથી ફરજિયાત બચત થાય છે, તેમ વ્યાજ પણ મળે છે. ધરમદાસને પ્રોવિડન્ટ ફંડમાં જરા પણ વિશ્વાસ નહોતો. એના બદલે એ કાં તો સોનું ખરીદતા અથવા જમીન ખરીદતા. કહેતા, આપણા પૂર્વજો આમ જ કરતા અને આ જ બરાબર છે. એ દિવસોમાં જમીન પચીસ પૈસે ફૂટ મળતી અને સોનું અઢાર રૂપિયે તોલો હતું. પાછળ પાછળથી તો સોનું પણ ન ખરીદતા, માત્ર જમીન જ ખરીદતા. સેવાનિવૃત્તિ સમયે એમના સાથીઓને પૈસા તો સારા મળ્યા પરંતુ બજારમાં રૂપિયાની કિંમત ઘણી ઘટી ગઈ હતી. બીજી બાજુ જમીન તેમજ સોનાની કિંમત ઘણી વધી ગઈ હતી. આથી ધરમદાસ પુરી (જેમને એક્કેય બઢતી નહોતી મળી) લક્ષ્મીનારાયણ થઈ ગયા અને એમના સાથીઓ (જેમને પ્રમોશન મળેલાં ને પ્રોવિડન્ટ ફંડના સારા પૈસા મળેલા) દરિદ્રનારાયણ થઈ ગયા ! ધરમદાસ પોતાના ભાગ્યથી પરમ સંતુષ્ટ હતા.

એક વાર એમણે એક પ્લૉટ વેચ્યો. સારી કિંમત મળી. દૂરના એક સગાને આની ખબર પડી. એ એમની પાસે આવ્યો અને મૃદુ વાણીમાં બોલ્યો : ‘કાકા, ખેતી માટે એક ટ્રૅકટર લેવું છે પણ પૈસા ખૂટે છે. તમે જો પચાસેક હજાર ઉધાર આપો તો લઈ શકું. વેળાસર પાછા આપી દઈશ.’ ધરમદાસે કહ્યું : ‘જો ભાઈ, જવાનીની તાકાત શરીરમાં હોય છે અને બુઢાપાની તાકાત પૈસામાં હોય છે. જો તને પૈસા આપું તો મારી તાકાત ચાલી જાય. માટે એ તો હું નહીં આપી શકું. આ સિવાય મારા લાયક બીજું કાંઈ કામ હોય તો કહે. હું ખુશીથી કરી આપીશ.’ આ વાત એમણે એટલા સહજ સ્વાભાવિક ઢંગથી કહી કે ભત્રીજાને કાકાની દલીલ સાચી લાગી અને જરાય માઠું ન લાગ્યું.

ધરમદાસને સાત સંતાન – ચાર દીકરા અને ત્રણ દીકરી. દુનિયાથી વિદાય લેતાં પહેલાં પોતાની સંપત્તિનું વીલ કરીને સાતેયને સરખે ભાગે વહેંચણી કરતા ગયા. વીલમાં એમણે એમ પણ લખ્યું કે જો દીકરીઓ જમીન લેવા ન ઈચ્છે તો દરેકને દસ દસ હજાર રૂપિયા આપવા. એક દીકરી ઈંદોરમાં, બીજી બેંગ્લોરમાં અને ત્રીજી જમ્મુમાં. સ્વાભાવિક જ એમણે કહ્યું કે અહીંની જમીન અમારે શા કામની, અમને રોકડા રૂપિયા આપો.

ધરમદાસના ચાર દીકરાઓમાંથી ત્રણનું અવસાન થઈ ચૂક્યું હતું. ત્રણે રિવર્સ ઑર્ડરમાં ગયા. પહેલા સૌથી નાનો ગયો, પછી એનાથી મોટો અને ત્યાર બાદ એનાથી મોટો. સૌથી મોટો ભાઈ બચ્યો હતો. વીલને કાર્યાન્વિત કરવાની જવાબદારી ધરમદાસ એને સોંપી ગયા હતા. એણે બહેનોને એમના ભાગની જમીન લઈ લેવા કહ્યું પરંતુ બહેનોને તો રૂપિયા જોઈતા હતા. ભાઈએ કહ્યું કે તમને આપવા માટે મારી પાસે રોકડા રૂપિયા નથી. કહો તો તમારી જમીન વેચીને રૂપિયા આપું. અંદાજે એના નવેક હજાર રૂપિયા આવશે. બહેનો કહે કે પિતાજીના વીલ મુજબ તમારે અમને દસ હજાર રૂપિયા આપવા જોઈએ. વ્યવહારુ ઠાવકાઈ બતાવતાં ભાઈએ કહ્યું : ‘એમ કરો, હમણાં જેટલા રૂપિયા આવે એટલા લઈ લો. સગવડ થતાં જ બાકીના રૂપિયા પણ આપી દઈશ.’ પરંતુ બહેનો આને માટે તૈયાર ન થઈ. કહે, ‘અમને તો અત્યારે જ પૂરી રકમ જોઈએ.’ ભાઈ કહે, ‘જો હું મારા ભાગનો પ્લૉટ વેચી નાખું, તો જ તમને ખૂટતી રકમ આપી શકું. પછી હું ક્યાં જાઉં ?’ આમ ભાઈ-બહેન વચ્ચે ગૂંચ પડી ને ઉકેલ જડ્યો નહીં.

વર્ષો વીતતાં રહ્યાં. એક બાજુ આ વિવાદ ચાલતો રહ્યો, બીજી બાજુ જમીનના ભાવ આસમાને પહોંચ્યા. સ્થિતિ પલટાઈ ગઈ. હવે બહેનો કહે કે અમને જમીન જોઈએ. ભાઈ કહે, ‘તમને તો રૂપિયા જોઈતા હતાને, હવે રૂપિયા જ આપીશ.’ આમ પહેલાં જે ઝઘડો મની વર્સીસ પ્લૉટનો હતો, હવે એ પ્લૉટ વર્સીસ મનીનો થઈ ગયો. ભાઈએ બહેનોને એમ પણ કહ્યું કે રૂપિયા તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપીશ. દસ હજારના ઠેકાણે દોઢ લાખ રોકડા ગણી આપીશ. પણ પ્લૉટ તો નહીં જ આપું. પ્લૉટની કિંમત સહેજે ચાર લાખ થાય. બહેનો આના માટે તૈયાર ન થઈ. ત્રણે બહેનોએ મળીને ભાઈ ઉપર કેસ કર્યો. મામલો કોર્ટમાં છે. સ્ટેઑર્ડર થકી કોઈ જમીન નથી વેચી શકતું. આ લોકોની હયાતીમાં તો કોર્ટનો ફેંસલો આવશે નહીં. એમનાં પછી એમનાં બાળકો લડશે. માત્ર રમતના મેદાનમાં જ રિલે-રેસ નથી થતી. કોર્ટકચેરીમાં પણ કેસ-કાવલાની મશાલ એક પેઢીના હાથમાંથી બીજી પેઢીના હાથમાં આવી જાય છે ને કેસ ચાલતો રહે છે. એક મિત્રને મેં પૂછ્યું, ‘આ વિવાદ જો તારી પાસે આવે તો તું શો નિર્ણય આપે ?’
મિત્રે કહ્યું : ‘ભાઈ દોષી છે. જ્યારે રૂપિયાની કિંમત વધુ હતી ત્યારે એ જમીન આપતો હતો. અને હવે જ્યારે જમીન મોંઘી છે ત્યારે એ રૂપિયા આપવા ઈચ્છે છે. એની દાનત જ ખોટી છે. એ પોતાના પિતાની ભાવનાની અવગણના કરી રહ્યો છે.’

બીજા મિત્રે કહ્યું : ‘ભાઈ તો જમીન આપતો જ હતો પણ બહેનોએ જ ન લીધી. જ્યારે જમીન સસ્તી હતી ત્યારે બહેનોને રૂપિયા જોઈતા હતા અને હવે જ્યારે રૂપિયો સસ્તો છે ત્યારે એમને જમીન જોઈએ છે ! બહેનો જ લાલચુ છે.’ મને એક વાત યાદ આવી. બે છોકરા આપસમાં વિવાદ કરી રહ્યા હતા. એટલામાં કન્ફ્યૂશિયસ ત્યાં જઈ પહોંચ્યા. એમણે વિવાદનું કારણ પૂછ્યું તો એક છોકરાએ કહ્યું, ‘હું કહું છું કે સૂર્ય સવારે આપણી નજીક હોય છે ને બપોરે દૂર, સવારે એ કેવડો મોટો હોય છે ને બપોરે કેટલો નાનો. પાસેની ચીજ મોટી દેખાય ને દૂરની નાની. એથી સવારે એ નજીક હોય છે ને બપોરે દૂર.’ બીજા છોકરાએ કહ્યું, ‘સૂર્ય સવારે દૂર હોય છે ને બપોરે નજીક. કેમ કે સવારે ઠંડી હોય છે ને બપોરે ગરમી. હવા જ્યારે ગરમ હોય, ત્યારે એ નજીક હોવો જોઈએ ને ઠંડી હોય ત્યારે દૂર હોવો જોઈએ.’ કન્ફ્યૂશિયસ નિર્ણય ન કરી શક્યા કે આ બેમાં કોની વાત સાચી હતી. એ જો ભાઈ-બહેનનો આ કિસ્સો સાંભળત તો બીજી વાર પણ નિર્ણય ન કરી શકત કે બેમાંથી કોણ સાચું છે.

[કુલ પાન : 116. કિંમત રૂ. 85. પ્રાપ્તિસ્થાન : ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક પુસ્તક-તીન તાલ – પ્રદ્યુમ્ન આચાર્ય
જાણું છું – રવીન્દ્રનાથ ટાગોર Next »   

9 પ્રતિભાવો : સરોવર છલી પડ્યાં ! – અમૃતલાલ વેગડ

 1. સુંદર સંકલન. પ્રથમ પ્રસંગ સૌથી સરસ.

 2. Bhumi says:

  nice stories,,,specially the first one….

 3. maitri vayeda says:

  સરસ સંકલન …

 4. Harshit says:

  I like the last one it is very difficult to judge who is correct? sometimes this situation also we face and it is difficult to take judgment….

  ન્યાય કરવો અગરો છે….

  સાચું કોણ ?

 5. nayan panchal says:

  સુંદર સંકલન. બીજો પ્રસંગ સવિશેષ ગમ્યો. ત્રીજો પ્રસંગ વિચારપ્રેરક.

  જવાનીની તાકાત શરીરમાં હોય છે અને બુઢાપાની તાકાત પૈસામાં હોય છે.

  ખૂબ આભાર,
  નયન

 6. Pravin Shah says:

  પહેલો અને ત્રીજો પ્રસન્ગ સરસ છે. સમજવા લાયક.

 7. dhiraj says:

  સત્ય થી પણ ઉપર એક વાક્ય છે. તે વાક્ય ને શું કહેવાય તે ભગવત્ગોમંડળ માં પણ નાં મળ્યું

  મહાભારત નો એક પ્રસંગ યાદ આવી ગયો

  અશ્વત્થામા ના બ્રહ્માસ્ત્ર થી જયારે ઉત્તરા ના ગર્ભમા જ બાળક નું મૃત્યુ થયું ત્યારે શ્રીકૃષ્ણ ઉત્તરા ને મળવા આવ્યા.
  ઉત્તરા એ કટાક્ષ માં કહ્યું “બેટા, ઉઠ. પ્રણામ કર. મામા આવ્યા છે ” ત્યારે શ્રીકૃષ્ણે હાથ માં જળ લઇ સંકલ્પ કર્યો “જો હું ક્યારેય જુઠ્ઠું ના બોલ્યો હોઉં તો બાળક સજીવન થાય (નરોવા કુંજરોવા), જો હું ક્યારેય યુદ્ધ માંથી ભાગ્યો ના હોઉં તો બાળક સજીવન થાય (રણછોડલાલ ની જય) ” અને બાળક (પરીક્ષિત) સજીવન થયા.
  સત્ય મેવ જયતે.

  • donga rajnikant says:

   “naro va kunjaro va” this is said by “YUDHISTIR” AND LORD KRISHNA NEVER RUN FROM WAR
   WHEN LORD KRISHNA RAN FROM WAR THAT WAS GARILA WAR WITH “KALYAVAN”(ASUR)

 8. સહદેવ says:

  કોઇ૫ણ ઘટના એક બીજાથી ઉતરતી નથી બધી સવિશેષ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.