મૂક-બધિરોનું ગીત – મનોહર ત્રિવેદી

કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં ?
વાત એની સાંભળીને હોંકારો આપતાં પાંદડાં પણ હોંશે હિલ્લોળતાં

ખળખળ વહીને પેલાં ઝરણાંઓ બોલે તો
ફૂલ નહીં રહેવાનાં ચૂપ
પાંખડીમાં જુદા જુદા રંગ બીજું શું છે ?
છે વાણીનાં જુદાં જુદાં રૂપ

ફૉરમનો આસપાસ એવો કલશોર કે બારણાં કૌતુકથી સૌ ખોલતાં

ઊંચે આકાશમાં તારાની ટોળકી
છાનીછાની માંડે છે વાત
એવું શું એણે એકબીજાને કીધું કે
હસી ઊઠ્યા બત્રીશે દાંત ?

ઝાડવાં પણ સાંભળતાં હોય એમ લાગે છે, અમથું કદી ન આમ ડોલતાં

આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ
અમે આંખોમાં મૂક્યા છે કાન
ગમતું કૈં જોઈ જોઈ હોઠ જરી મલકે
તો એને કહેશો ન તમે ગાન ?

એમ જ આ બારસાખ ઓરડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં
કોણ કહે છે ફૂલ નથી બોલતાં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાણું છું – રવીન્દ્રનાથ ટાગોર
રંગબેરંગી – મીનાક્ષી ચંદારાણા Next »   

9 પ્રતિભાવો : મૂક-બધિરોનું ગીત – મનોહર ત્રિવેદી

 1. sudhir patel says:

  ખૂબ સુંદર ગીત!
  સુધીર પટેલ.

 2. dhiraj says:

  ફુલો ની વાતો તો તેના ધામ ગમન પછી પણ ચાલુ રહે છે.

  ……………. અત્તર ની સુગંધ સ્વરુપે.

 3. ખુબ સુંદર…..

  કોણ કહે છે કે માત્ર શબ્દોથી જ સંવાદ થાય છે….મૌન પણ ક્યારેક બોલકુ હોય છે!

  જોઇએ માત્ર લાગણીભીના આંખ કાન.

 4. maitri vayeda says:

  ફૂલો જેવુ જ સુગંધી ગીત…

 5. sunil says:

  મૌન ની સુન્દર અભિવ્યક્તિ ગીત સ્વરુપે

 6. nayan panchal says:

  અતિ અતિ સુંદર.

  આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ
  અમે આંખોમાં મૂક્યા છે કાન
  ગમતું કૈં જોઈ જોઈ હોઠ જરી મલકે
  તો એને કહેશો ન તમે ગાન ?

  આટલુ વાંચ્યા પછી બીજુ કંઇ બોલવા માટે રહેતુ જ નથી.

  ખૂબ આભાર,
  નયન

 7. Moxesh Shah says:

  સાચે જ ખૂબ સુંદર ગીત!

  ઘણા સમય પછી સરળ, સમજણ પડે તેવુ મનોહર કાવ્ય માણવા મળ્યુ.

  “Chup tum raho, chup hum rahe…. Khamoshi ko Khamoshi se, Jindagi ko Jindagi se, Baat karane Do…”

 8. Ashish Dave, Sunnyvale, California says:

  Simply brilliant…

  Ashish Dave

 9. Chandrakant Nirmal, Limbdi says:

  ખુબ જ્ ગમી જાય તેવુ ગીત —

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.