ચોપડાંની ઈન્દ્રજાળ – ચન્દ્રકાન્ત પંડ્યા

[ સાહિત્યના વિવિધ પ્રકારો પૈકી એક પ્રકાર છે ‘આત્મકથાલેખન’. ગુજરાતી સાહિત્યમાં અનેક સુંદર આત્મકથાઓ મળી આવે છે. આ તમામ આત્મકથાઓમાંથી કેટલાક ચૂંટેલા પ્રકરણો પસંદ કરીને શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ એક સંપાદન તૈયાર કર્યું છે, જેનું નામ છે ‘ગુજરાતી આત્મકથાલેખન’. આ પુસ્તકનું પ્રકાશન દિલ્હી સાહિત્ય અકાદમીએ કર્યું છે. ‘આત્મકથા’નું સંપાદન એ આ પુસ્તકની વિશિષ્ટતા છે. આજે તેમાંથી સાહિત્યકાર શ્રી ચન્દ્રકાન્ત પંડ્યાના જીવનનો એક પ્રસંગ માણીએ. તેમની આત્મકથાનું નામ છે ‘જ્વાલા અને જ્યોત’, જે 1965માં પ્રકાશિત થઈ હતી. સમયાંતરે આપણે અન્ય પ્રકરણો પણ આ સંપાદનમાંથી માણતા રહીશું. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

ત્રણેક દાયકા પહેલાંની આ વાત છે, જ્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાનીપરજ ખેડૂતનું શોષણ કરતા હતા. ઋણરાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી-કેળાં હતાં. રાજા અને અમલદારોના જુલમ કરતાં આ શરીફ ડાકુઓની લૂંટ, ગરીબ પ્રજાનાં હાડમાંસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણીધોરી નહોતો. રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા, મૂંગાં ઢોર કરતાં બદતર જીવન જીવતી. ઢેફાં સાથે ઢેફાં કરતાં પણ જડતાભર્યું એમનું જીવન. ઉજ્જડ જમીનમાં થોડુંઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગડું (પોલીસ), તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાને ત્યાં વેઠ કરવા એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે. ને ઊજળા-ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. સત્તર પંચા પંચાણું, ગણિત ગણનાર શાહુકાર વધારે સારો ગણાય, એવી એનાં ચોપડાંની ઈન્દ્રજાળ કે એની સાત પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત થઈ ન શકે.

મારા પિતાજીને પણ શાહુકારી કરી પૈસા કમાવાનો કીમિયો કોઈ ભાઈબંધે બતાવેલો એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. ધરમપુરની ઉત્તર બાજુની પ્રજા દક્ષિણ વિભાગની પ્રજા કરતાં થોડી સુધરેલી. ઉત્તર વિભાગમાં દૂબળા, ઘોડિયા અને નાયકા પ્રજા રહે. પિતાજીને ‘હાઉકાર’ (શાહુકાર) કરીને જ સૌ બોલાવે.

પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખેડવા, તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહિ, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાનનાં સાધન તરીકે દુધાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યાં. વિધવા બાને માથે બે નાના દીકરા, એક નાની દીકરી, ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની, બધી જ જવાબદારી આવી પડી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું. બહુ ઉપજાઉ નહિ, એટલે આર્થિક સંકડાશને કારણે વેચી દેવું પડ્યું. બા બિચારી રાતદિવસ ઢોરવૈતરું કરે, કદી જંપીને ન બેસે. કોઈને ત્યાં જરૂર પડ્યે રાંધી આપે. ત્યારે માંડ માંડ બે ટંક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એમનું બારમું પણ બાએ ત્રેવડ કરીને સંઘરેલા પૈસામાંથી કર્યું ત્યારે આબરૂ રહી. બાકી ‘બાંધી મૂઠી લાખની.’ બાપુ કશું રોકડ મૂકી નહોતા ગયા, ને મૂકે પણ શી રીતે ? સ્વભાવ વધારે પડતો ઉદાર – ઉડાઉ. ભાઈબંધ મહેમાનોમાં જ થોડુંઘણું બચતું તે સાફ થતું. વળી એ જમાનો પણ સોંઘારતનો. દસ રૂપિયે હારો (21 મણનો મોટો હારો) ડાંગરને વેચતા, એ જ પ્રમાણે બીજી ચીજવસ્તુ. એમાં બચત શી રીતે થાય ? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતાં તો બાને નવનેજાં પડ્યાં. દીકરામાં હું મોટો એટલે ચૌદ વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા, બા મને જ મોકલે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીનાં વર્ષો એક પછી એક એવાં ખરાબ આવે કે રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે. અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બાંધી, આછુંપાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા.

ધરમપુરથી પાંચેક માઈલ દૂર મરઘમાળ ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠાં વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષોવર્ષ લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય, ‘હાઉકારના પોયરાંને (છોકરાંને) આપદા ની પડવી જોઈએ.’ એ ભાવનાથી કંઈ ને કંઈ આપવું જોઈએ, એવો દાનતનો શુદ્ધ ! બાપુજી જીવતા ત્યારે જીવલો અવરનવર ઘેર આવતો. મારા ઉપર પુષ્કળ પ્રેમ. શેરડી, બોર, જાંબુ, કેરી એવું પરચૂરણ કંઈક મારા માટે લાવે. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર (શહેર) જોવાની લાલચે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું, એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો, તો એનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવી કંગાલિયતના પ્રદર્શન જેવો ! જીવલાના કુટુંબની કરુણ દશા છતાં તેની અજ્ઞાન વફાદારીને મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો ! બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરઘમાળમાં પણ જીવલા ઉપરાંત એકબે લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. બીજું પરચૂરણ અનાજ, કઠોળ પણ મળતું, પણ બાપુના મૃત્યુ પછી જીવલો તદ્દ્ન ભાંગી ગયો. પત્ની મરી ગયેલી તેના બારમા માટે બીજો શાહુકાર કરેલો ! એટલે જીવલા ઉપર જરા કડક ઉઘરાણી થાય !

રવિવારે સવારે બા મને વહેલો ઉઠાડે ને ઉઘરાણીએ મોકલે. ભાથામાં કોઈ વાર સુખડી, તો કોઈ વાર સક્કરપારા બનાવી આપે. એટલે ઉઘરાણીએથી વહેલુંમોડું થાય તો ખાવાની ચિંતા ન રહે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. દસપંદર માઈલ ચાલતા જઈને આવીએ તોપણ થાક કે કંટાળાની કદી ફરિયાદ નહિ. એમાં આનંદ આવે. નદીમાં નાહવાનું મળે, ઋતુ ઋતુનાં ફળો ખાવા મળે. ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું ને ઘર માટે પણ લાવવાનું. સાથે બેત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર પણ ન પડે.

એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં, મરઘમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો, મહમદ ને રસિક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે દસ વાગતાં ઘેર આવી જઈશું એ ગણતરીએ બાએ કશું ભાથું બંધાવ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલૂમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયેલો, ‘બારેક વાગતાં આવી પૂગહે’, એમ ગોવિંદે કહ્યું, એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઊપડ્યા. બોરડી ઉપરથી સરસ મઝાનાં મીઠાં રાંદેરી બોર પાડ્યાં, ખાધાં ને ગજવાં ભર્યાં. મરચીના છોડ ઉપરથી મરચાં, તો રીંગણીના છોડ ઉપરથી રીંગણાં તોડીને થેલી ભરી, ગોવિંદે બાવળનાં દાતણ કાપી આપ્યાં તે લીધાં. નદીમાં નાહ્યા, ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ‘ભીખલા, બપોર થૈ ગ્યા કંઈ ખાધું કે ની ? ડોહાડીએ (ડોસીએ) હું બાંધી આયલું છે ?’ મેં કહ્યું કે, અમે તરત પાછા જવાના હતા એટલે ભાથું નથી લાવ્યા. હવે તો ઘેર જઈને ખાશું. જીવલો કહે, ‘પોયરા ભૂયખો તો ની જ જવા દઉં. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી કાઢ.’ ખીચડી કે દાળ-ભાત મને બહુ ભાવે નહિ, ને એ કડાકૂટ કોણ કરે ? એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને ? ‘ભીખલાને હીરો (શીરો) બૌ ભાવે.’ એટલે એણે ગોવિંદને મોકલી ક્યાંકથી પાશેર ગાયનું ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢી આપ્યો, ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો બનાવ્યો. જીવલો કેળનાં પાન કાપી લાવ્યો, ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે ત્રણ જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું. રસિકે ઓડકાર ખાઈને સંતોષ વ્યક્ત કર્યો. થોડો આરામ કરી અમે ઘેર જવા નીકળ્યા, ‘પૈહાની જોગવાઈ હમણાંની થવાની.’ એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. ગોવિંદ વાડામાંથી વાલોર (પાપડી) ને રીંગણાં લઈ આવ્યો, પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં ? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, ‘બોડીને ત્યાં વહી કાંહકી કેવી ?’ (વિધવા સ્ત્રી પાસે કાંસકી ક્યાંથી હોય !) ને એક ફાટલો કટકો આપ્યો. તેમાં રીંગણાં, પાપડી બાંધી, અમે ચાલી નીકળ્યા !

તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યાં. એનું પેલું વાક્ય, ‘બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?’ ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. હું શોષણખોર છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાં ને પેટમાં વેંત વેંત ખાડા પડેલા નાનાં છોકરાં કેવું ટીકી ટીકીને જોઈ રહ્યાં હતાં, તે દશ્ય ખડું થયું. ભણવાગણવાની ને રમવાની ઉંમરે, કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો, કે બળતણ માટે લાકડાં કાપતો, કોઈ શેઠિયાને ત્યાં, શાહુકારી પેટે વેઠ કરતો. ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો ખાતો હતો ! એનાં છોકરાંના મોંનો કોળિયો મેં જ ઝૂંટવ્યો હોય એમ મને લાગ્યું. ને તે પણ ઓછું હોય તેમ બે થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો ! મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો ! સવારે બાને પૂછ્યું, ‘બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે ? એ બિચારો તો કેટલો ગરીબ છે ! શી રીતે દેવું ભરી શકશે ?’ બાએ ગુસ્સે થઈને કહ્યું : ‘ફોગટ થોડું આપે છે ? મૂળાનાં પતીકા જેવા રૂપિયા, રોકડા કાઢીને આપ્યા છે.’ મારે ગળે એ વાત ન ઊતરી.

વરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી, પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો, ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યાં હતાં. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એનું જ ખાવાનું ઓટલે બેસીને, ઓશિયાળાની જેમ ખાય ! એ વિરોધાભાસ મને ખૂંચ્યો. હું ત્યારે દસમા ધોરણમાં ભણું. બા બહાર પાણી આપવા આવી હતી, તેને જીવલાએ કહ્યું, ‘બામણી, પોયરો તો હાવ ચુહાઈ ગીયો, કંઈ ખાવાનું આપતી છે કે ?’ ‘ઘણુંય ખાય છે પણ શરીર ક્યાં વળે છે ?’ બાએ જવાબ આપ્યો. હું બંનેની વાતચીત સાંભળતો ત્યાં બેઠો હતો. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો.

બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા ? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કહી; જીવલો મૂળ કોઈકની ગણોતે ખેતી કરે, તે ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસે રૂપિયા ત્રણસો વ્યાજે લીધેલા, બે-ત્રણ વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એની શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યાં, રોકડ બહુ નહોતું આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂ. 1500 લેણા નીકળતા હતા ! બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ બાપુના મિત્ર, દાસકાકા કરી આપતા. ત્રણ વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું એટલે દાસકાકાએ જીવલાને અંગૂઠો પાડવા બોલાવ્યો હતો.

વર્ષોવર્ષ ફસલ ભરી જાય. શાકભાજી, લાકડાં, ઘાસ, ગોળ, આપી જાય, તે બધું મફતમાં ! ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ કરી જાય છતાં જીવલો હાઉકારનો જનમ જનમનો ઋણી ! પૈસા ખોટા કરવાની જરાય દાનત નહિ. ‘તાર પૈહા દૂધે ધોઈને આલવાના’ એવી પ્રમાણિકતા. એ જીવલો રાતદિવસ કાળી મજૂરી કરે તોય એનાં છોકરાં ભૂખે મરે. આટઆટલું આપવા છતાં ત્રણસોના પંદરસો શી રીતે થયાં તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય ? શાહુકારનો ચોપડો; જૂઠું થોડું વાંચે ! એવો એને વિશ્વાસ. આવી અંધ વફાદારીને વરેલા, શોષિત દરિદ્રનારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઊઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે એ આપી ચૂક્યો હતો છતાં પેલા શાહુકારનાં રાતાં ચોપડાંમાં મુદ્દલ પાંચગણું બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે ? જીવલો તો શું, એની સાત પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાંની ઈન્દ્રજાળ હતી. હૃદય રડી ઊઠ્યું. આદર્શ ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બા હજી તો, ‘હાં, હાં’ કરે ન કરે તે પહેલાં, જીવલાનાં દેખતાં ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ શાહુકારી ચોપડાનાં પાનાં મેં ચીરી નાખ્યાં ! જીવલાને કહ્યું, ‘જા તું હવે અમારા લેણામાંથી મુક્ત.’ બા તો ચિડાઈ ગઈ, ‘મૂઆ, અક્કરમી, હવે ખાજે મારું શકોરું. પૈસા કમાતાં તને શું જોર પડ્યું હતું ? મોટો ગાંધી મા’ત્મા ના જોયો હોય તે !’

નેવું વર્ષની મારી મા હજી જીવે છે. પોતાનાં પૌત્રોને ક્યારેક દીકરાનાં પરાક્રમની વાતો કરે છે. દુઃખના દિવસો કેવા વિતાવ્યા હતા, ને શી રીતે દીકરાને ઉછેર્યા તે ભૂતકાળની સ્મૃતિ રૂપી ખાટીમીઠી દ્રાક્ષલૂમો એ વાગોળે છે. છતાંય આજના કરતાં, એનો જમાનો સારો હતો, સુખ હતું. શાંતિ હતી, એકબીજા પ્રત્યે હેતભાવ હતાં, જ્યારે આજે…..?

[કુલ પાન : 246. કિંમત રૂ. 135. પ્રાપ્તિસ્થાન : દિલ્હી સાહિત્ય અકાદમી. રવીન્દ્ર ભવન, 35, ફિરોજશાહ રોડ, નવી દિલ્હી 110001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સલાહ એરંડિયા જેવી છે… – વિનોદ ભટ્ટ
દુઃખની ચાવી – ગિરીશ ગણાત્રા Next »   

19 પ્રતિભાવો : ચોપડાંની ઈન્દ્રજાળ – ચન્દ્રકાન્ત પંડ્યા

 1. RAMESH THAKKAR says:

  ખરેખર ભગવાન ની બીક રાખ્યા શિવાય આવા ધિરધાર કરનાર ની હાલત અંતે સારી હોતી નથી………..

 2. kumar says:

  ખબર નહી કયા વર્ગ મા, પણ ગુજરતી ના પાઠ્ય-પુસ્તક મા વાંચેલી છે.

 3. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ.

 4. himaxi vyas says:

  હા કદાચ પાંચમાં કે છઠા ના વર્ગ માં આ વાર્તા આવતી હતી, ત્યાંરે બીજી બધી તો બહુ ખબર નહતી પડતી પણ જીવલા ની ગરીબી ની દાસ્તાન વાચી ને આંખો ભીની થઇ જતી હતી

 5. આજે આલેખ વાંચી આંખમાં પાણી આવી જાય છે.આપણી પાસે આજે આટલુ બધુ છે તોય આપણે ખુશ રહી સકતા નથી. ખુબ જ સરસ આત્મ કથા.

 6. ખુબ સુંદર…

  કારમી ગરીબી, દુકાળને લીધે નિષ્ફળ રહેલી ખેતી ને એમાંય વ્યાજ. કેમે કેરી જીવન ચાલતું હશે??

 7. nayan panchal says:

  શાહુકાર ખરેખર હાઉકાર જેવા હતા અને તેમનો હાઉ ગરીબોના ગાંજા ગગડાવી નાખે એવો હતો. નાનપણમાં જ્યારે આ પાઠ વાંચ્યો હતો ત્યારે એટલી સમજ ન હતી કે જીવલાની હાલત કેવી થતી હશે. લેખકને અભિનંદન.

  ખૂબ આભાર,
  નયન

 8. hiral says:

  લેખકનાં કરુણાર્હ્યદયને પ્રણામ.
  વાંચતાં વાંચતાં આંખો ભીની થઇ જાય. પ્રશ્ન પણ થાય કે શું આ આપણાં સંસ્કારી અને સભ્યતાવાળા જ દેશની વાત છે?

  મારી મમ્મી, ઘણીવાર આવું બધું કહેતી હોય છે. પછી કહે, કશો ખાસ ફરક નથી. પહેલાં પણ લોકો શોષણખોર હતાં. ખાલી આજે જ લોકો લાલચુ છે એવું નથી. પણ પહેલાં દબાયેલાં ગરીબ લોકો, વધારે દબાતા જતા હતા. આજે બેંકો મધ્યમવર્ગને વધારે લુંટે છે. પહેલાંના જમાનાની વર્ણવ્યવસ્થાની પીડા તો વર્ણવવી પણ મુશ્કેલ. માણસાઇનાં નામે ક્રુર લોકો પણ કહેવાતા ધાર્મિક એ જમાનામાં પણ હતાં અને આજે પણ છે. હવે થોડા સોફિસ્ટીકેશનથી શાહુકારી કરે છે શેઠ લોકો. અને કેટલાંક ગરીબો હંમેશા દબાયેલા રહેવું ના જોઇએ, એવું સમજતા થયા છે, એટલે આપણને લાગે, શું જમાનો આવ્યો છે? યંગ જનરેશન વિશેની વાતમાં પણ હંમેશાથી મમ્મી આવું જ બોલે કે પહેલાં પણ લોકો ખેતરોમાં છુપાઇને મળતાં. હવે રીત બદલાઇ છે. પહેલાં પણ લોકો ડોહલી ને ડોહા કહીને ઘરડાં મા-બાપને ઘરમાં દુઃખી કરતાં, આજની જ પેઢી કરે છે એવું નથી.

  ખરાબ, શોષણખોર, વ્યભિચારી, સ્વાર્થી લોકો પહેલાં પણ હતાં અને આજે પણ છે. સારા, પરગજુ, પ્રામાણિક લોકો પહેલાં પણ હતાં અને આજે પણ છે. પણ વસ્તીવધારાને લીધે આજે સર્વાઇવલ વધુ કઠિન થતું જાય છે, એટલે લોકોનાં સ્વભાવમાં આ કઠિનાઇનું પ્રતિબિંબ પણ જોવા મળે છે. જેનાં લીધે, માણસ વધારે સ્વકેન્દ્રી બનતો જાય છે. જેને ‘જમાનો બદલાઇ’ ગયો એવું કદાચ આપણે કહેતાં થઇ જઇએ છીએ.

  • hiral says:

   આવું જ્યારે પણ હું ઘરમાં સાંભળતી તો તરત કહેતી, કે તો આ વસ્તી વધારાનો પ્રોબલેમ કોણે કર્યો? તમારી અને આગલી પેઢીઓએ જ ને. ભૂખમરો હતો. દુકાળની સમસ્યાઓ હતી. . કમાવાના પુરતાં સાધનો નહોતાં, તોય આટલી બધી વસ્તી?

   એટલે મમ્મી કહેતી, ભારત વધારે પડતો જ પ્રારબ્ધવાદી શરુઆતથી જ છે. મમ્મી એનાં પ્રોજેક્ટનાં ભાગરુપે ગામડે ગામ ફરતી. પરિવાર નિયોજન અને સ્ત્રી શિક્ષણનો ફેલાવાની વિવિધ પ્રવૃત્તિઓ સાથે શરુઆતનાં જોબનાં વરસોમાં સંકળાયેલી હતી. એટલે ગામડાગામની આ બધી અંધવિશ્વાસ, અયાનતા, ગરીબીની વાતો માં હંમેશા એવું જ કહે. પ્રજા એટલી બધી પ્રારબ્ધવાદી, કે અમને રીતસરની ગાળો જ ભાંડે, મારવા ય દોડે કારણકે પરિવાર નિયોજનને પાપ ગણે. દીકરીને માસિક આવતાં પહેલાં જ સાસરે વળાવવી પણ ઘણી નાતમાં ફરજિયાત. (બાળ લગ્નોની પ્રથા બંધ કરાવવા કેટલાં કપરાં હતાં)

   અમને એમનાં દુશ્મન જ ગણે. ર્દઢ માન્યતા કે છોકરું એનું નસીબ લઇને જ આવે છે. (આપણે થાય એટલું કરીએ) ભગવાનના ગુનેગાર કહેવાઇએ જો છોકરાં જણવાનું બંધ કરવાનું પાપ કરીએ તો. વળી સ્વર્ગે તો દીકરો જ પુગાડે. સાચે જ જ્યારે બધી શિક્ષણપ્રવૃત્તિઓનાં ફેલાવા અને એમાં આવતાં આવાં અનુભાવો સાંભળીએ તો લાગે કે કેટલીક સમસ્યાઓનું સમાધાન કરવું કેટલું કપરું હોતું હશે એ જમાનામાં?.

  • trupti says:

   હિરલ,

   સાવ એવુ નથી કે પહેલાના શાહુકારો ફકત શોષણખોર જ હતા. જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ માણસ પણ જુદી-જુદી જાત ના હોય છે. પ્રસ્તુત કથા મા શાહુકાર શોષણાખોર છે અને જીવલાએ ઘણુ સહન કરવુ પડ્યુ. સિક્કાની બીજી બાજુઃ
   મારા દાદા ની મોટી ખેતી હતી, તેમની પાસે ૪૦ વીંઘા જમીન ને ૧૦૦ આંબા હતા. ગામ મા માન હતુ અને ન્યાત ના મુખ્યા હતા. ખેતીની જોડે શાહુકારી નો પણ ધંધો હતો. આજુ-બાજુ ના ગામ થી નાના ખેડુતો વ્યાજે પૈસા લઈ જતા અને બદલા મા પોતાના દાગિના ગિરવે મુકી જતા. મારા દાદા નુ અવસાન થયુ તે પહેલા તેઓ થોડો વખત બિમાર રહ્યા હતા, માટે તેમને દરેક દેવાદાર ને બોલાવિ તેમની જણસ પાછી આપી દિધી, પણ એક ધરડી મહિલા જેને સંદેશો પંહોચાડિ શકાયો નહતો, તે દાદા ના મ્રુત્યુ ના ઘણા વખત બાદ આવી ને ઊભી રહી ને તેને દાદા ના અવસાનની ખબર પણ નહતી. પરંતુ દાદા એ મરતા પહેલા તેની જણસ જુદી કાઢી રાખી હતી અને તિજોરી મા અલગથી રાખી હતિ, જે તેમના વારસદારો એ મહિલા ને પરત કરી.
   એક આડ વાત દાદા જયારે મ્રુત્યુ પામ્યા ત્યારે પૈસેટકે ઘસાઈ ગયા હતા અને તે વખતે તેમને પૈસાની સખત જરુર હતી છતા તેમને તે મહિલા ની જણસ ને હાથ નહતો લગાડ્યો.

 9. pradipsinh says:

  ખુબ સુંદર

 10. Amit says:

  ખુબ સુન્દર.
  પ્રાથમિક શાળા મા આવતી હતી.

 11. Shailesh says:

  wonderful story. Mrugesh I accessed this site after a really long time and it was worth it 🙂

  What I liked about it the openly accepting traits of money lending. The touching thing in the whole story is the fairness of people, weather they can not read or write, unless the lender says now you are done, people don’t stop paying!!

  Simplicity of life is no where to be seen. Trust is no where…

 12. bindiya says:

  એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એનું જ ખાવાનું ઓટલે બેસીને, ઓશિયાળાની જેમ ખાય ! હ્રદયદ્રવક વાત….
  જીવલા ની નિર્દોશતા અને સરળતા જોઇને આંખમા આંસુ આવિ ગયા.!!!

 13. sunil u s a says:

  ગરીબી ની વાસ્તવિકતા નો ચિતાર સુન્દર્ રીતે રજુ કરેલ

 14. garvi gujrati says:

  It is really sad and bitter..but worse part is after having tears in eyes ……only thing i can do is join my daily life…..

  But today i am willing to do something and i will try to keep my words every single day because god have nothing to do with this …. at least being human i can try some how ..some day…..will help some one………..

 15. Krutarth says:

  સ્કુલ મ અ પથ અમરે અવતો તો. મર ખખ્યલ થિ 8th std મઆ. આ વચિને સસ્કુલ ન દિવસોનિ યદ અવિ ગયિ.

 16. Ashish Dave, Sunnyvale, California says:

  Heart touching…

  Ashish Dave

 17. Vaishali Maheshwari says:

  It is a very heart-touching incidence. We feel so sad just by reading about such lives, I just cannot imagine how a person who is experiencing it would be surviving.

  Thanks for sharing.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.