સલાહ એરંડિયા જેવી છે… – વિનોદ ભટ્ટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

પહેલાં હું સલાહ વેચવાનો ધંધો કરતો હતો. સેલ્સટૅક્સ-ઈન્કમટૅક્સની પ્રેક્ટિસ કરતો ત્યારે અસીલો મારી પાસે સલાહ લેવા આવતા. એટલું જ નહીં, મારી સલાહ પ્રમાણે ચાલતા અને એની હું જે કંઈ ફી માગું તે હસતાં હસતાં આપી જતા. આ પરથી કહી શકાય કે જ્યાં કોઈ માણસ પોતાના સ્વાર્થથી પ્રેરાઈને સલાહ માગવા આવે છે એ સલાહ માનવાનું તેને ગમે છે; કેમ કે એ માટે તેણે નાણાં ખર્ચેલાં હોય છે.

જો કે આજે તો હું મારી સલાહો વેચવાના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ગયો છું, છતાં ટેવવશ ક્યારેક કોઈકને અમૂલ્ય સલાહ સખાવતી ધોરણે આપી બેસું છું, કિન્તુ આ સલાહ મૂલ્ય ચૂકવ્યા વગર, સાવ મફતમાં મળી ગઈ હોવાથી લેનાર તે ખપમાં લેતો નથી ને એ સલાહથી અવળું જ વર્તન આચરી, મારું નામ વટાવી મને જ ક્યારેક નુકશાન પહોંચાડ્યાના દાખલા બન્યા છે. દા.ત. મારા એક સ્નેહીએ એક વાર મારી પાસે આવીને મને પૂછ્યું કે તમારી સામે રહેતા બાબુકાકાના દીકરા પંકજ સાથે મારી સાળીની વાતચીત ચાલે છે. એ છોકરો કેવો એ બાબત તમારી સલાહ લેવા આવ્યો છું, ને બાબુકાકા માટે તમારી છાપ કેવી ? મારાથી એ સ્નેહીને સાચી સલાહ અપાઈ ગઈ કે દીકરી ખપતી ન હોય તો કાંકરિયા તળાવમાં તેને ધક્કો મારી દો, બાકી આ ઘરમાં ના નંખાય, છોકરો વેગેબૉન્ડ છે ને બાબુલાલ પણ પિત્તળ છે, દીકરી દુઃખી થઈ જશે.

અને બીજે જ દિવસે મારા એ સ્નેહી સામા ઘેર પહોંચી ગયા ને બાબુલાલને જણાવી દીધું કે તમારા માટે મારા માસાજી વિનુભાઈનો મત બહુ નીચો છે, તેમણે મને કહ્યું કે તમે પિત્તળ છો ને પંકજકુમાર વેગેબૉન્ડ છે, આ ઘરમાં દીકરીને નાખવા કરતાં કાંકરિયામાં નાખી દો, તોય અમે તો રૂપિયો ને નારીયેળ લઈને તમારે ત્યાં આવી ગયા, જેવી મારી સાળીનું કરમ બીજું શું ! – બસ, એ જ ક્ષણથી એ બન્ને પાર્ટીઓ સાથેનો મારો બોલવા વહેવાર સાવ ખલાસ થઈ ગયો. હા, સાંભળવાનો વહેવાર હજી ચાલુ છે – મને એ લોકો જે કંઈ અપ્રિય વાણી સંભળાવે છે એ હું ચુપચાપ સાંભળી લઉં છું.

અને લોકોને સલાહ આપવાનો મારો ઉત્સાહ આ બનાવ પછી તો લગભગ ઠરી ગયો છે. એટલે તો ‘એક પ્રશ્ન અંગે તમારી સલાહ લેવા આવ્યો છું.’ એમ કોઈ મને કહે છે ત્યારે હું રાજી નથી થતો, સ્વાનુભવને કારણે. એક વાર કોઈ કાયદાકીય મોટી ગૂંચ માટે એક પરિચિત સજ્જન મળવા આવ્યા. તેમને શાંતિથી સાંભળી મેં તેમને પ્રશ્ન કર્યો : ‘આ તો ભાઈ, અટપટો મુદ્દો છે. સલાહ માટે તમે કોઈ કાબેલ વકીલ પાસે કેમ ન ગયા ?’
‘હું જતો હતો…’ તેમણે ખુલાસો કર્યો, ‘પણ મારા મોટા ભાઈએ કહ્યું કે કોઈ મૂરખ માણસ પણ આ કેસમાં તને સલાહ આપી શકશે; એટલે સીધો તમારી પાસે આવી ગયો….!’ ઘણી વાર તો આપણે એવા ભ્રમમાં હોઈએ છીએ કે ફલાણો માણસ આપણી સલાહ લેવા આવ્યો છે. બાકી જ્યારે કોઈ માણસ સલાહ લેવા આવે ત્યારે ખરેખર તો આપણી સલાહ માટે તે આવ્યો જ નથી હોતો, જે બાબતની સલાહ માગવા આવ્યો હોય છે એ અંગે તે પોતાના ઘેરથી જ નક્કી કરીને આવ્યો હોય છે. લગ્ન માટે તેણે છોકરી અંકે કરી લીધી હોય છે કે નોકરી માટેનો ઍપોઈન્ટમેન્ટ લેટર તે ખિસ્સામાં નાખીને આવ્યો હોય છે પણ તેણે જે નિર્ણય લીધો છે તે તદ્દન યોગ્ય છે એવું અનુમોદન તે તમારી પાસે માગતો હોય છે, એટલે હું તેને તો નહીં, પણ તમને સલાહ આપવાનું પસંદ કરું કે તમારી પાસે સલાહ માગવા આવનાર પાસેથી જાણી લો કે તેને કેવા પ્રકારની સલાહ જોઈએ છે, પછી તેને માફક આવે એવી સલાહ આપી દો એટલે તમેય છુટ્ટા ને તે પણ છુટ્ટો.

મારી અંગત વાત કરું તો ડૉક્ટરે મારા શરીરમાં ડાયાબિટીસ પહેલવહેલી વાર શોધી કાઢ્યો ત્યારે મારાં ઘણાં બધાં સ્નેહી-સંબંધીઓએ તેના ઉપચાર અંગે મને જાતજાતની સલાહો આપી હતી. મારે કઈ કઈ દવાઓ લેવી, શું શું ન ખાવું વગેરે અંગે વિનામૂલ્યે સલાહો આપવામાં આવી હતી. પણ મને એ કહેવતની જાણ હતી કે જે માણસ બધાની સલાહ લઈ લઈને ઘર બનાવે છે એનું ઘર જલદી તૂટી પડે છે. મારે મારા શરીરરૂપી ઘરને તૂટવાં દેવું નહોતું એટલે મેં માત્ર મારા ફૅમિલી ડૉક્ટરની સલાહો ને તેના માર્ગદર્શન પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું – હું અત્યારે ડૉકટરના કાબૂમાં છું ને ડાયાબિટીસ મારા કાબૂ હેઠળ છે. હું ને ડાયાબિટીસ બન્ને એકબીજાને સાચવી રહ્યા છીએ, બેમાંથી કોઈને એકબીજા તરફ ફરિયાદ નથી.

સલાહ આમ તો એરંડિયા જેવી હોય છે. જે આપણાં કરતાં બીજાને વધુ ઉપયોગી છે એવું લગભગ બધા જ માનતા હોય છે, અને બીજાને તે આપવા સદાય તત્પર હોય છે. કોઈ લખપતિને કરોડપતિ કેમ કરીને થવાય એની સલાહ સટ્ટામાં રોડપતિ થઈ જનારા પણ આપી શકે છે. આગામી બજેટમાં કઈ કઈ વસ્તુઓ પર ભારે કરવેરા ઝીંકવા તે અંગે નાણામંત્રીને સલાહ આપવાની ક્ષમતા ભિક્ષુક પાસે પણ હોય છે. દરદીઓને ટ્રીટમેન્ટ આપતા ડૉક્ટરોને પણ કઈ દવા વધારે અકસીર છે એ બાબત સલાહ આપતા ઘણા દરદીઓને આ લખનારે જોયા છે. એક રમૂજ પ્રમાણે એક માણસ બસ નીચે કચડાઈને મરી ગયો. તેના વિશે માહિતી આપતાં એક જણે કહ્યું : ‘આ તો પેલો લેખક છે કે જેણે ‘પગે ચાલનારને સલાહ’ નામનું પુસ્તક લખ્યું છે…..’ જે માણસની છાપ અતિ કંજૂસની કે અત્યંત સ્વાર્થીની હોય તે પણ સલાહ આપવાની બાબતમાં પરમાર્થી બની જતો હોય છે. જે માણસ બીજું કશું જ આપી શકતો નથી તે બીજાઓને સલાહ તો ચોક્કસ આપતો હોય છે. ભક્તથી માંડીને ભગવાન સુધીના સૌને સલાહ આપવી ગમે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં શું કર્યું છે ! અર્જુનને સલાહો જ આપી છે કે બીજું કંઈ ! છેવટે કંટાળીને અર્જુને યુદ્ધના મેદાનમાં ઝંપલાવેલું. મને તો પેલા અતિજ્ઞાની સહદેવની દયા આવે છે જે પોતાના ભાઈઓને સંકટ સમયે, ‘આમ કે તેમ ન કરો’ જેવી સલાહ નહોતો આપી શક્યો, એ બદલ તે કેટલું રિબાયો હશે !

પણ આજે, અત્યારે મને આ લેખ નિમિત્તે બીજાઓને ટાણે કટાણે સલાહ આપનારને જ કેટલીક અમૂલ્ય સલાહ આપવાની જે સુવર્ણ તક મળી છે તે જતી કરવા માગતો નથી. તો સાંભળો… એક અરબી કહેવત છે કે ટોળાને ક્યારેય સલાહ ન આપવી. એનું કારણ કદાચ એ હશે કે ડાહ્યામાં ડાહ્યો માણસ પણ જ્યારે ટોળામાં હોય છે ત્યારે ડાહ્યો રહેતો નથી, પોતાનું શાણપણ ગુમાવી બેસે છે. મૂરખને સલાહ આપવા સામેય ઈસપે ચેતવણી ઉચ્ચારી છે, સુગરી અને વાંદરાની વાર્તા દ્વારા. ટાઢથી ધ્રૂજતા વાંદરાને ઘર બનાવવાની સલાહ આપનાર સુગરી પોતે જ ઘરવિહોણી થઈ ગઈ હતી. ભૂખ્યાને ક્યારેય સલાહ ન આપવી એવું સોફકલીઝે કહ્યું છે. જે વહાણમાં તમે બેઠા હો ને તે ડૂબતું હોય ત્યારે વહાણના કપ્તાનને સલાહ ના આપવી… તમારાથી બધાં જ ક્ષેત્રોમાં આગળ હોય તેને સલાહ આપવા પ્રયાસ ન કરવો એવું મારી જેમ રવીન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે. જોકે સામેનો માણસ આપણાથી બધાં જ ક્ષેત્રોમાં આગળ છે, ચડિયાતો છે, (ખાસ કરીને બુદ્ધિમાં) એ વાત જ સ્વીકારવી આપણા માટે કઠિન છે. વિન્સ્ટન ચર્ચિલે એટલે તો પોતાના એક મેઘાવીમિત્ર માટે એવો અભિપ્રાય આપ્યો હતો કે તે અત્યારે છે એના કરતાં એ દિવસોમાં વધારે શાણો હતો, કારણ કે તે ઘણી વાર મારી સલાહ લેતો.

અને આ લેખની પૂર્ણાહુતિ એક મલેશિયન કહેવતથી કરીશું. એ કહેવતમાં કહ્યું છે કે, ‘સલાહ એ વટેમાર્ગુ જેવી છે. આપણે તેને આવકારીશું તો તે આપણે ત્યાં રાતવાસો કરશે ને જાકારો દઈશું તો તરત જ પોબારા ગણીને પોતાના ઘેર પાછી ફરી જશે.’ સલાહ આપનારના દુર્ભાગ્યે આ કહેવતની જાણ પણ બધાંને છે… અસ્તુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ
ચોપડાંની ઈન્દ્રજાળ – ચન્દ્રકાન્ત પંડ્યા Next »   

13 પ્રતિભાવો : સલાહ એરંડિયા જેવી છે… – વિનોદ ભટ્ટ

 1. જગત દવે says:

  આ ઈન્ટરનેટનાં આવ્યા પછી ધણાં મફત સલાહ-કેન્દ્રો ને તાળા લાગી ગયા છે.

  એમ????? તો પુછો ગુગલને.. 🙂

 2. nayan panchal says:

  સરસ લેખ છે. મજા આવી.
  આભાર,

  નયન

 3. Anila Amin says:

  વણ માગે સલહ આપનારા ઘણા હોય છે એઓએ આલેખ જરુર વાચવો જોઇએ. સલાહ કોઇનેય ગમતી નથી
  .
  સલહ લીધા પછી ભાગ્યેજ કોઇ સલાહ પ્રમાણે વર્તતુ હશે. ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ન શાન્તનમ્.

 4. Tarun says:

  સરસ લેખ ….
  ક્યાંક વાચેલી વાત.
  એવી કઈ વસ્તુ છે, જે લોકો ને આપવી ગમે છે પણ લેવી ગમતી નથી?
  સલાહ અને ગાળ

 5. gujju.gujarati says:

  સરસ લેખ ….

  વણ માગે સલહ આપનારા ઘણા હોય છે એઓએ આલેખ જરુર ઇમૈલ કર્વો

 6. sanj says:

  always a pleasure to read Vinod Bhatt, I wonder how can one write with such a consitency for such a long time. Excellent Humar gurranteed 100 %.

 7. khushboo says:

  we r indians so should respect our culture & god.
  we don’t have to make any coments on lord krishna who give us such a precious gift “geeta.”
  geeta teach us what our life should be.
  it is a demonstration how to live if we face same problem such arjun in our life.
  otherwise the article is nice.

 8. Prerana says:

  સુન્દર લેખ્ વન્મન્ગિ સલાહ કોઇનેજ ગમ્તિ નથિ પન બધાને દેવિ કેવિ ગમે તેનો સુન્દર લેખ.

 9. Manan says:

  આપણૅ અમલ ક્યારે કરિશુ ?

 10. CHANDRU DHIMMAR says:

  મારિ સલાહ માનો તો કોઇ નિ સલાહ્ માનશો નહિ – જયોતિન્દ્ર દવે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.