દુઃખની ચાવી – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

ઘણાં દિવસ પછી સુમનભાઈ કલબમાં આવ્યાં.
આમ તો શેરબજારના કામકાજમાંથી એ જરાય ઊંચા આવતાં નહીં. ઓફિસ બંધ કરતાં જ સાડા સાત-આઠ વાગી જતાં. એ પછીયે કોઈની મુલાકાતે જવાનું હોય. ઘેર આવે ત્યારે રાતના નવ વાગી જાય. આ ધમાલમાં કલબમાં જવાનું તો ક્યાંથી થાય ? પણ એ આજે મુંબઈની એક પાર્ટીને લઈને આવેલા. એની કંપનીના શેરોને પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં મૂકવા સુમનભાઈ એના પ્રિન્સિપલ બ્રોકર બનવા માગતા હતા. એ પાર્ટીને લઈ અહીં કલબમાં આવ્યા અને બધી ચર્ચા કરી, કંપનીના એક્ઝિક્યુટિવ ઊઠ્યા. એના ગયા પછી સુમનભાઈ લૉનના એક ટેબલ પર બેઠાં.

એ બેઠાંબેઠાં મનમાં ને મનમાં આંકડાઓ ગોઠવતા હતા ત્યાં રાજેશ દલાલ આવ્યો અને સુમનભાઈની સામે ખુરશી ખેંચતાં બોલ્યો :
‘કેમ શેઠિયાઓ, આજે કલબમાં ભૂલા પડ્યા ?’ સુમનભાઈએ એને મીઠો આવકાર આપી સામેથી જ પ્રશ્ન કર્યો :
‘તું અહીં ક્યાંથી ?’
‘આપણે તો દરરોજ અહીં આવવાવાળા. સાંજના સાત પછી આપણો પાટલો અહીં મંડાય.’
‘હા ભાઈ, કુંવારા છો ત્યાં સુધી આ કલબમાં ભલે આટાપાટા રમો, પણ એક વખત ઘર મંડાશે એટલે અહીં આવવાનો વખત નહીં મળે.’ અને પછી વાતનો વિષય બદલતાં પૂછ્યું :
‘આજે પતવણું તો મુલતવી રહ્યું છે ને ?’
‘હા, સ્ટોક એક્સચેન્જના સેક્રેટરીની એવી જાહેરાત હતી. એ હવે આવતા શુક્રવારે થશે.’

અને પછી રાજેશ દલાલથી પૂછાઈ ગયું : ‘સુમનભાઈ, આ બે-ત્રણ દિવસથી તમને પૂછવાનું રહી જતું હતું. જો કે વાત સાંભળ્યા પછી મને નવાઈ તો લાગી. મનમાં બેઠું નહીં. આમ તો કાલે જ તમને આ વાત માટે પકડવા હતા પણ ગઈ કાલે રિલાયન્સ અને ટાટા ઓર્ડિનરીમાં અચાનક જે મંદી આવી, એના ટાંટિયા મેળવવામાં રહી ગયો એટલે પૂછવાનું ભુલાઈ ગયું.’
‘શી વાત હતી ?’
‘આ અમિત દીપચંદે જે કહ્યું તે મનમાં બેઠું નહીં.’
‘અમિત ? એ તો આપણો જ માણસ છે….’
‘ખબર છે, ખબર છે, શેઠિયાઓ. આખું બજાર જાણે છે કે તમે જ એને હાથ પકડીને આ લાઈનમાં લઈ આવ્યા છો અને એના ખાનદાનને ઊગાર્યું છે, પણ બે દિવસ પહેલાં એણે જે વાત કરી એનાથી મને તો ઠીક, બધાને નવાઈ લાગી.’
‘કેમ શું થયું ?’
‘એણે કાર્ડ લીધું તે તો તમને ખબર હશે.’
‘હા, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એની અરજી આવી હતી.’
‘તમે ભલેને ન કહો, પણ અમિતને આ કાર્ડ તમારી મહેરબાનીથી જ મળ્યું છે. બધા જાણે છે. પોપટ હરિ તો ત્યાં સુધી કહેતા હતા કે કાર્ડ લેવા માટે તમે જ એને પૈસાની મદદ કરી છે.’ સુમનભાઈ કશું બોલ્યા નહીં, માત્ર હસ્યા.

‘એને કાર્ડ મળ્યું એટલે ચોથે દિવસે સાંજે અમે બધાએ એને પકડ્યો. એની ઓફિસમાં જ એણે અમને સારો એવો નાસ્તો કરાવ્યો. એ વખતે અમે સૌએ તમને યાદ કર્યા હતા. અમિતને અમે કહ્યું પણ ખરું કે આજે તું જે કંઈ છો એ સુમનભાઈને આભારી છે. તમને ખબર છે સુમનભાઈ કે એ વખતે એણે શું કહ્યું હતું ?’
‘શું કહ્યું હતું ?’
‘એ તો એમ બોલ્યો કે આ બધું મારી મહેનતનું છે. સુમનભાઈએ તો મને કશી મદદ કરી નથી. ખુદ સુમનભાઈને જ અમારા કુટુંબે મદદ કરી છે. સુમનભાઈ મને શું મદદ કરવાના ? આવું ઘણું ઘણું એ બોલી ગયો. એના પર તમારો ઉપકાર જરાય નથી એવું ભારપૂર્વક બોલ્યો…..’ કહી રાજેશે માંડીને એ પ્રસંગની વાત કરી.
વાત સાંભળીને સુમનભાઈએ કહ્યું : ‘કોણ કોણ હતું એ વખતે ?’
‘હું, પોપટ હરિ, કલ્યાણ કાનજી, ગિરધર ગુપ્તા, મકન ડાહ્યા, દિલીપ પદમશી, મનુ માધવજી – એમ સાત-આઠ જણાં હતાં. જોકે અમિત દીપચંદની ઓફિસનો દાદરો ઊતર્યા પછી અમે કોઈએ એની આ વાત માની નહીં. અમને સૌને નવાઈ લાગી કે એ તમારા વિરુદ્ધ આવું કેમ બોલ્યો હશે ?’ અને પછી રાજેશે ધીરેથી કહ્યું, ‘સુમનભાઈ, તમારા બંને વચ્ચે કંઈ મનદુઃખ થયું હોય એવું બન્યું છે ? એવું હોય તો….’
‘ના રે ના. કશુંય મનદુઃખ નથી. મેં તો એને મારા છોકરા જેવો જ ગણ્યો છે. હજુ એની ઉંમર પણ શું છે ? માંડ છવ્વીસ વર્ષનો છે.’
‘પણ એ એમ કેમ બોલ્યો હશે ?’ સુમનભાઈએ કશો જવાબ ન આપ્યો. એટલામાં રાજેશ દલાલનો રમી પાર્ટનર એને ખેંચી ગયો એટલે ફરી સુમનભાઈ એકલા પડ્યા.

જોકે ગઈ કાલે જ સુમનભાઈને કાને બજારમાંથી આ વાત આવી હતી ખરી, પણ એ વખતે એણે મનમાં નહોતું લીધું, પણ આજે રાજેશે જે વિગતવાર અહેવાલ આપ્યો એ સાંભળી એને દુઃખ જરૂર થયું. હજુ ત્રણ મહિના પહેલાં જ અમિત એની ઓફિસે આવ્યો હતો. કાર્ડ લેવા માટે મોટી રકમની જોગવાઈ કરવાની હતી. એ માટે એણે સુમનભાઈ પાસે થોડી રકમ માગી. સુમનભાઈએ રકમ આપવા ખુશી દર્શાવી. એણે ચેક પણ લખી આપ્યો. પણ આ કંઈ પહેલી વખત જ એણે અમિતને મદદ કરી હતી એવું નહોતું. જ્યારે દીપચંદ દોશીના ખાનદાનને ખાવનાં સાંસા પડવા માંડ્યા, ત્યારે સુમનભાઈ જ એની મદદે આવ્યા હતા ને ! એ માત્ર દીપચંદ દોશીના પુત્ર અમિતને મદદ નહોતા કરતાં, પણ દીપચંદ દોશીએ એને ભૂતકાળમાં કરેલી એક મદદનો બદલો ચૂકવી રહ્યા હતા.

સુમનભાઈ ભૂતકાળમાં સરી ગયા.
એ વખતે એની ઉંમર સોળ-સત્તર વર્ષની હશે. તળાજામાંથી એણે મેટ્રિક પાસ કર્યું પણ આગળ ભણવા માટે એનું કુટુંબ હવે ભાર ઉપાડી શકે એમ નહોતું. તળાજામાં કરિયાણાની નાનકડી હાટડીમાં બેસી વેપાર કરતા પિતાએ એને ક્યાંક નોકરી લઈ લેવાનું દબાણ કર્યું, પણ સુમનભાઈને તો આગળ ભણવું હતું, ખૂબ ખૂબ ભણવું હતું. પણ એ કોલેજ-હોસ્ટેલનો ખર્ચ ક્યાંથી કાઢે ? બહુ વિચાર કર્યા પછી એને થયું કે જો એને એની જ્ઞાતિના છાત્રાલયમાં પ્રવેશ મળી જાય તો પછી ઘર પર કોઈ બોજો ન આવે. પણ છાત્રાલયમાં પ્રવેશ આપે કોણ ? મુંબઈમાં એની જ્ઞાતિનું છાત્રાલય હતું. એ છાત્રાલયના એક ટ્રસ્ટી હતા, ભાવનગરના દીપચંદ દોશી. જો દીપચંદ શેઠ એના પર મહેરબાની કરે તો એ આગળ ભણી શકે. તળાજાના એક મહાજનની ચીઠ્ઠી લઈ એ દીપચંદભાઈને મળવા ગયા. દીપચંદભાઈએ એનો હાથ પકડ્યો અને એને છાત્રાલયમાં પ્રવેશ મળી ગયો.

સુમનભાઈ બી.કોમ થયાં, એમ.કોમ થયાં અને એ પછી અમદાવાદની એક મોટી કંપનીના શૅર વિભાગમાં એને નોકરી મળી. થોડા વર્ષો નોકરી કર્યા પછી એ સ્વતંત્ર રીતે શૅરબજારમાં દાખલ થયાં. અહીં એનું નસીબ ઝળક્યું અને એ કમાતા થયાં. એની ઓફિસમાં હવે એના હાથ નીચે છ-સાત માણસો કામ કરતાં હતાં. એ વખતે અમિત દીપચંદ દોશીનો હાથ પકડી કોઈ એને એની ઑફિસમાં લઈ આવ્યું. દીપચંદભાઈના અવસાન પછી દીપચંદ દોશીનું ઘર ઘસાતું ચાલ્યું હતું. એ ઘરને ટેકો રહે એ ખાતર પણ જો સુમનભાઈ એના આ પરિવારના પુત્રને નોકરીએ રાખી લે તો સાંજ પડ્યે કુટુંબના સભ્યો ખીચડી ભેગા થાય. સુમનભાઈને ખબર પડી કે એનો એક વખત હાથ પકડનાર દીપચંદભાઈનો જ આ પુત્ર અમિત મદદ ઝંખે છે ત્યારે એણે ખુશીથી એની ઑફિસમાં રાખી લીધો. બીજા બધાને જે પગાર આપતાં હતાં એના કરતા થોડો વધુ પગાર માંડી આપ્યો. એટલું જ નહીં, એને વધુ વળતર મળી રહે એ માટે જતે દહાડે એને એના સબ-બ્રોકર તરીકેનું કામ આપ્યું, એમાં એ ઘડાયો એટલે એની પેઢી વતી થોડા નાના-નાના સોદાઓ કરવાનું પણ કહ્યું. સોદાની નુકશાની સુમનભાઈ ભોગવતા અને નફો અમિતને આપતાં.

અમિત સારું એવું કમાયો એટલે એ સુમનભાઈની પેઢીમાંથી છૂટો થયો. જોકે છૂટા થવાનું સૂચન સુમનભાઈનું જ હતું. એણે જ એની માથે રહીને જુદી ઓફિસ કરાવી દીધી. અમિતને શૅરબ્રોકર તરીકે માન્યતા મળી ન હોવાથી સુમનભાઈ એને એની પેઢીનું સબ અન્ડરરાઈટીંગનું કામ સોંપતાં. આ બધું કરવા પાછળ સુમનભાઈનો એક શુભ આશય હતો. એ પોતાની આજની સ્થિતિનું શ્રેય દીપચંદભાઈ દોશીને આપતાં હતાં. એ વખતે એણે જો આગળ ભણવાની સગવડતા ન કરી આપી હોત તો આજે એ તળાજાની હાટડીમાં બેસી કરિયાણું જ જોખતાં હોત. અમિત દીપચંદને સુમનભાઈનો ટેકો છે એ વાત તો આખું શૅરબજાર જાણતું હતું. હવે એ સ્વતંત્ર થયો ત્યારે ભલે એની આંગળી ન પકડે, પણ પીઠ પાછળ એની આવી બદબોઈ કરવાની એની શી મકસદ ? સુમનભાઈને સમજણ ન પડી.

રાત્રે ઘેર ગયા પછી એ જમ્યા નહીં. પત્નીએ બે-ત્રણ વખત કહ્યું છતાંય સુમનભાઈ જમવા ન આવ્યા ત્યારે સમજુ પત્નીએ હળવેક રહીને, સમજાવી-પટાવી બધી વાત જાણી લીધી. વાત જાણ્યા પછી પત્નીએ આશ્વાસન આપ્યું.
‘હશે, હવે એને તમારી મદદની જરૂર નથી, પછી શું કામ ખોટું લગાડવું ?’
‘હું તો ઈચ્છું છું કે એ એના પગ પર ઊભો રહે અને મારી મદદ ન લે તો કંઈ નહીં, પણ પીઠ પાછળ ખરાબ વાત તો ન કરે ! તું જાણે છે કે એણે બીજા દલાલોને શું કહ્યું તે ?’
‘ના.’
‘એણે એમ કહ્યું કે મેં એમને કોઈ જાતની મદદ કરી જ નથી. આપણી ઓફિસમાં કામ કરતો ત્યારે પગાર કરતાંય બમણું કામ આપીને રળતો હતો. આજ સુધીમાં એ જે કંઈ કમાયો છે એ એની બુદ્ધિ અને મહેનતથી કમાયો છે. મેં એને કોઈ જાતની મદદ કરી જ નથી… આવું સાંભળ્યા પછી મારી ભૂખ અને ઊંઘ જ ઊડી ગયાં છે…. આજે મને જમવામાં કશો સ્વાદ નહીં લાગે.’

સુમનભાઈની પુત્રી લતા બારણામાં ઊભી ઊભી માતા-પિતા વચ્ચેની વાતચીત સાંભળતી હતી. એ એની જ વયના અમિતને ઓળખતી હતી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી એ આ ઘેર આવતો-જતો. સૌ એની સાથે કુટુંબના સભ્ય જેવો જ વહેવાર કરતાં. કોલેજમાં ભણતી સુમનભાઈની પુત્રી લતા અમિત વિશેની વાત સાંભળી વિચારમાં પડી ગઈ. અરે ! મારા પપ્પા વિશે અમિત બધાને આવી વાત કરતો ફરે છે ? આજથી પાંચ વર્ષ પહેલાં એણે આ બંગલામાં પગ મૂક્યો ત્યારે નોકરી માટે એ કેવો કરગરતો હતો ? ઘરઘાટી તરીકે રહેવાની પણ એણે તૈયારી દર્શાવી હતી. આજે હવે પપ્પાની મદદથી આટલે ઊંચે આવ્યો ત્યારે બજારમાં એ પપ્પા વિશે આવી વાતો કરે છે ? – લતા વિચારતી રહી. સુમનભાઈના પત્ની સુમનભાઈને આશ્વાસન આપી જમી લેવાનો આગ્રહ કરતાં રહ્યાં.

જ્યારે સુમનભાઈએ જમવાની ના પાડીને ‘મને એકલો પડી રહેવા દો’ એવું પત્નીને કહ્યું ત્યારે લતા ઓરડામાં પ્રવેશી અને સુમનભાઈને કહ્યું : ‘પપ્પા, અમિત વિશેની બધી વાત મેં સાંભળી, મારે તમને એટલું જ પૂછવાનું છે કે તમે જ્યારે અમિતને મદદ કરવા તૈયાર થયાં ત્યારે એને મદદ કરવાનું તમને કોણે કહ્યું હતું ?’
‘મારા એક મિત્રે.’
‘તમારા મિત્રની વાત સાંભળ્યા પછી તમે અમિતને મદદ કરવા તૈયાર થયાં, પણ શા માટે ?’
‘કારણ કે એના પિતાએ મને ભૂતકાળમાં મદદ કરી હતી.’
‘એટલે કે તમારા અંતરાત્માએ જ તમને મદદ કરવા કહ્યું હતું, એમ જ ને ?’
‘એમ જ.’
‘તો પછી કોઈના પર ઉપકાર કર્યા પછી યાદ શાને માટે રાખો છો ? તમે ફરજ સમજીને કર્યું, હવે એનું દુઃખ શા માટે ? ધારો કે અમિતના પપ્પાએ તમને કશી મદદ ન કરી હોત તો ? તમારું દુઃખ એક જ છે કે તમે એને મદદ કરી અને હવે એ તમને વગોવતો ફરે છે. એમ તો આપણે ઘણાં ઘણાંની પર ઘણાં ઘણાં નાના ઉપકારો કર્યા છે. એ બધાને થોડા યાદ રાખીએ છીએ ? ઉપકાર કર્યા પછી ભૂલી જશું તો ક્યારેય દુઃખી નહીં થવું પડે…. ચાલો, હવે જમવા આવો. હું પણ જમી નથી. હું દાળ-શાક ગરમ કરું છું. તમે ડાઈનીંગ ટેબલ પર આવો. અને હા, બધું ભૂલીને આવજો. જાણે ક્યારેય તમે કોઈને મદદ કરી જ નથી. કોઈને મદદ કર્યા પછી એના પર માલિકીભાવના શા માટે ?’

તે દિવસે સુમનભાઈને પુત્રીની વાત ગળે ઊતરી ગઈ. જમતાં જમતાં એ એવું જ વિચારતા હતા કે જે ફરજ સમજીને કર્યું તેને સતત શા માટે યાદ રાખવું ? દુઃખની ચાવી તો આ જ છે. એ ચાવી કોઈ દિવસ પાસે રાખવી નહીં. રાખીએ તો……..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચોપડાંની ઈન્દ્રજાળ – ચન્દ્રકાન્ત પંડ્યા
સહજ મનુષ્યત્વથી દૂર…. – ભગવતીકુમાર શર્મા Next »   

19 પ્રતિભાવો : દુઃખની ચાવી – ગિરીશ ગણાત્રા

 1. trupti says:

  આગળ વાંચેલી પણ છતા આજે જાણે પહેલી વાર વાંચતિ હોઉ તેવી પ્રતિતી થઈ. આજ ગિરીશ ભાઈ ની કલમ નો જાદુ છે.
  સુમન ભાઈ ની પુત્રી ની ઠાવકાઈ ને દાદ દેવી પડે.

 2. sima shah says:

  ઘણી જ સરસ અને સાચી વાત કહી…………..

 3. kumar says:

  ખુબ જ સરસ્…..

 4. Bhavna Gajjar says:

  Nice Story!!!!!!!!

 5. Kinjal says:

  ખરેખર ખુબજ સરસ વારતા

 6. yogesh says:

  ખુબ જ સરસ વાર્તા અને સારો બોધ
  સારી વાત છે કે આજે બધા વાચક મિત્રો ના અભીપ્રાય પણ એક જેવા છે. ઃ-)

  આભાર્

  યોગેશ્.

 7. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ વાર્તા.

 8. Veena Dave. USA says:

  ઉપકાર કર્યા પછી એ ભુલી જઈશુ તો ક્યારેય્ દુખી નહિ થવુ પડે…. સરસ .

 9. pravin shah says:

  ખુબ જ સરસ બોધદાયકવાર્તા

 10. Rajni Gohil says:

  વૈષ્ણવજન તો તેને રે કહીએ………….. પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે…ભજન ફક્ત ગાવામાં નહીં પણ જીવનમાં ઉતારવું જોઇએ આ વાત ગિરીશભઇએ સરસ રીતે રજુ કરી છે.

  આપણે કોઇને મદદરૂપે વસ્તુ આપીએ છીએ તેનો અર્થ જ એ કે આપણે તે વસ્તુ પરનો આપણો માલિકી ભાવ જતો કરી લેનારનો માલિકીભાવ પ્રસ્થાપિત કરીએ છીએ. તે વસ્તુ આપણી રહી જ ન હોય તો પછી તેને ફોગટમાં યાદ કરી દુઃખી થવાથી ફાયદો શું? સુમનભઇને પુત્રીએ સરસ સમજાવ્યું છે.

 11. ખૂબ સરસ વાર્તા
  કોઇ ના ઉપકારને ના ભુલવુ પણ એટલું જ જરૂરી છે.

 12. nayan panchal says:

  ગિરીશભાઈની હંમેશ મુજબ એક સરસ વાર્તા.

  નેકી કર ઔર દરિયામેં ડાલ.

  આભાર,
  નયન

 13. Chimanbhai Patel says:

  સા રી વાર તા

 14. sneha shah says:

  બહુ જ સરસ……….

 15. Deval Nakshiwala says:

  સરસ અને જીવન-ઉપયોગી ઉપદેશાત્મક વાર્તા છે.

 16. Vaishali Maheshwari says:

  This was a very beautiful story by Shri Girishji Ganatra. The following lines from the story are really worth understanding and following in our lives:

  “આપણે ઘણાં ઘણાંની પર ઘણાં ઘણાં નાના ઉપકારો કર્યા છે. એ બધાને થોડા યાદ રાખીએ છીએ ? ઉપકાર કર્યા પછી ભૂલી જશું તો ક્યારેય દુઃખી નહીં થવું પડે…. હા, બધું ભૂલીને આવજો. જાણે ક્યારેય તમે કોઈને મદદ કરી જ નથી. કોઈને મદદ કર્યા પછી એના પર માલિકીભાવના શા માટે ? ફરજ સમજીને કર્યું તેને સતત શા માટે યાદ રાખવું ? દુઃખની ચાવી તો આ જ છે. એ ચાવી કોઈ દિવસ પાસે રાખવી નહીં. રાખીએ તો……..”

 17. dileep says:

  ખુબ સરસ વાર્તા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.