બાળકો….શિક્ષકોની નજરે – કિરણ ન. શીંગ્લોત

[‘રિડર્સ ડાઈજેસ્ટ’ના સપ્ટેમ્બર 2010ના અંકમાં પ્રકાશિત લેખને આધારે તાજેતરમાં ‘બાલમૂર્તિ’ સામાયિકમાં પ્રકાશિત થયેલ લેખ અહીં સાભાર પ્રસ્તુત છે.]

આમ તો બાળકો તેમના માબાપને વધારે પરેશાન કરે છે કે પછી શિક્ષકોને, તેનો મોટો પ્રશ્ન છે. બાળકોના ઉછેરની જવાબદારી તેમના માબાપની છે એ ખરું, પણ શિક્ષકો પણ તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવતાં હોય છે. એમ પણ કહી શકાય કે માબાપ બાળકને સહેતા હોય છે એના કરતાં તો એમના શિક્ષકો ભારે પડકારરૂપ કામગીરી કરતા હોય છે. માબાપને તેમનાં સંતાનો વિશે ઘણી ફરિયાદો હોય છે. આધુનિક સમયમાં માંડ એક બે સંતાનોને ઉછેરવાની કામગીરીમાં હિંમત અને ધીરજ ગુમાવી બેઠેલા માબાપની સંખ્યા નાનીસૂની નથી. પણ તો પછી એક જ કલાસરૂમમાં ચાલીસ-પચાસની સંખ્યામાં જાતજાતનાં વ્યક્તિત્વ ધરાવતાં અનેક બાળકોને રોજ-બ-રોજ સંભાળનારા શિક્ષકોની પરેશાનીનો આપણે કદી વિચાર કરીએ છીએ ખરાં ? બાળકના માઠા વર્તનથી કંટાળીને ડૉક્ટર કે કાઉન્સેલર પાસે દોડી જનારા માબાપ વિશે તો આપણે સાંભળતા જ હોઈએ છીએ, પણ એમનાથી કંટાળીને નાસીપાસ થઈ ગયેલા શિક્ષકો કોની પાસે જાય ? શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ વિશે શું ખ્યાલ ધરાવતા હોય છે એ જાણવાનો આપણે કદી વિચાર કર્યો છે ખરો ? તો આ રહ્યા ભારતભરની જુદી જુદી શાળાઓના જુદા જુદા શિક્ષકોની ડાયરીમાંથી બાળકો અને તેમના વાલીઓ વિશે ટપકાવેલાં અવતરણોનાં રસપ્રદ અંશો :

[1] ‘ઘણા માબાપ ફરિયાદ કરતા હોય છે કે શિક્ષકો હવે પહેલાંના જેવા રહ્યા નથી. પણ માબાપ અને વિદ્યાર્થીઓ પણ તો ક્યાં બદલાયા નથી ? બન્ને પક્ષે સંબંધોમાં કચાશ પેદા થઈ છે. ભણાવવાનો વ્યવસાય હવે ઉમદા રહ્યો નથી. માબાપ પોતાનાં સંતાનોના શિક્ષણ પાછળ અઢળક નાણાં ખર્ચીને પોતાનું કર્તવ્ય પૂરું કર્યાનો જૂઠો સંતોષ મેળવતા હોય છે, તો શિક્ષકોની નજર એમને કેટલી કમાણી થાય છે તેના પર રહેતી હોય છે. આ બન્નેમાં નિર્દોષ બાળકોનો મરો થાય છે.’

[2] ‘માબાપને તો એક વખત બાળકને સ્કૂલમાં ધકેલી દીધા પછી હાશ થઈ જાય છે. પણ એમનો નબીરો સ્કૂલમાં આવ્યા પછી અમારું ચેન કેટલી હદે હરી લે છે એ જાણવાની એમણે કદી પેરવી કરી છે ખરી ?’

[3] ‘એક વખત તમે પચાસ-પચાસ બાળકોનું સતત ચાલીસ-ચાલીસ કલાક સુધી ધ્યાન રાખી જુઓ અને એમની એકાગ્રતાને બાંધી રાખી જુઓ ત્યારે તમને ખબર પડે કે આ કાર્ય કેટલું મુશ્કેલ છે !’

[4] ‘કોઈ બાળક હોંશિયાર હોય એટલે કંઈ તમારું કામ સરળ થઈ નથી જતું. ઊલટું ઠોઠ અને સરેરાશ વિદ્યાર્થીઓ વચ્ચે આવા એકાદી વિદ્યાર્થીની બુદ્ધિને સતત પડકાર પૂરો પાડવાનું કામ ભારે પ્રયત્ન માગી લે તેવું હોય છે. બુદ્ધિશાળી બાળકના દિમાગને કસોટી આપે એવું કોઈ કામ તમે ન સોંપો તો થોડી જ વારમાં એ ધીરજ ખોઈ બેસે છે અને એની એકાગ્રતા ગુમાવી દેતું હોય છે.’

[5] ‘આમ તો બધાં બાળકો પ્રત્યે એકસરખો વ્યવહાર કરવાની અમને શીખ આપવામાં આવતી હોય છે – હોંશિયાર અને ઠોઠ વિદ્યાર્થીઓની વચ્ચે અમારે ભેદ ન કરવો જોઈએ. પણ ભણાવતાં ભણાવતાં ક્યારે અમારું મન હોંશિયાર અને ચપળ બાળક તરફ ઢળી પડે છે એની અમને જ ખબર રહેતી નથી.’

[6] ‘અમુક બાળકો એમની સારી અને સંસ્કારી આદતોને લીધે અમને વહાલાં થઈ પડે છે, તો અમુક નઠારી ટેવોને લીધે સાવ અળખામણાં પણ બની જાય છે. એમાં અમારો વાંક નથી.’

[7] ‘જે વિદ્યાર્થી અમારો માનીતો બની જાય છે એ અમારી લાગણીનો સૂક્ષ્મ ખ્યાલ રાખતો થઈ જાય છે. એટલું જ નહીં પણ વખત આવે એનું અંતર પણ અમારી આગળ ખુલ્લું કરી દેતો હોય છે. અમારી પસંદ-નાપસંદની પણ એ ખૂબ કાળજી લેતો બની જાય છે. પરિણામે અમે પણ એના માટે અમારાથી બને એ સઘળું કરી છૂટતા બની જઈએ છીએ.’

[8] ‘મોટા ભાગના માબાપ કયાં પોતે પોતાના વિદ્યાર્થી જીવનમાં ઊજળી કારકિર્દી ધરાવતા હતા એટલે, અથવા પોતે જે પોતાના સમયમાં પુરવાર ન કરી શક્યા તે પોતાનું સંતાન કરી બતાડે એવી ગ્રંથિથી પીડાય છે અને એટલે પરીક્ષામાં એનું પરિણામ સારું ન આવે તે ઝટ સ્વીકારી શકતા નથી. આવા વાલી બાળકનું પરિણામ હાથમાં આવતાં જ લડવા દોડી આવે છે. એમની રજૂઆત એવી હોય છે કે ક્યાં તો અમે એમના બાળકનું પ્રશ્નપત્ર બરાબર તપાસ્યું નથી અથવા અમને ભણાવતા આવડતું નથી. એમને શી રીતે સમજાવવું કે ખામી અમારા ભણાવવામાં કે પેપર તપાસવામાં નહીં પણ એમની અપેક્ષાના ધોરણમાં જ છે.’

[9] ‘અમારા વર્ગનું પરિણામ કેવું છે એના આધારે અમારું પણ સતત મૂલ્યાંકન થતું હોય છે. એટલે મને એ સમજ નથી પડતી કે પ્રશ્નપત્ર તપાસવામાં તદ્દન ઢીલ રાખીને બને તેટલા વિદ્યાર્થીઓને પાસ કરીને અમારે ખોટેખોટો સંતોષ મેળવવો જોઈએ, કે પછી કડક પરિણામ આપીને વિદ્યાર્થીઓની, એમના માબાપની અને સ્કૂલના સંચાલક મંડળની ટીકા સાંભળી લેવી જોઈએ.’

[10] ‘પરીક્ષામાં નબળું પરિણામ લાવનાર કે નાપાસ થનાર વિદ્યાર્થીને પોતે કેટલા પાણીમાં છે એની ચોક્કસ ખબર હોય છે. છતાં એના માબાપ એનું ઉપરાણું લઈને ક્યાં લડવા આવતા અથવા પ્રશ્નપત્રના પુનઃમૂલ્યાંકન માટેની અરજી કરતા જોયા છે.’

[11] ‘અમને પણ અમારી સમસ્યાઓ હોય છે. કલાસમાં મોટે મોટેથી ઘાંટા પાડીને અમારો અવાજ બેસી જાય છે. અમારું માથું દુઃખતું હોય છે. અમને બીમારીઓ આવે છે. અમને અમારા કુટુંબ જીવનની ચિંતાઓ અને આર્થિક ભારણો પણ હોય છે. છતાં શા માટે અમારી પાસેથી દૈવી અપેક્ષાઓ રાખવામાં આવે છે ?’

[12] ‘તમારું બાળક સવારે વહેલું ઊઠીને શાળામાં આવવા માટે કંટાળો કરતું હોય છે. શિયાળાની વહેલી સવારે તમને પણ રજાઈ ઓઢીને પડી રહેવાનું ગમતું હોય છે. ઘરે રહીને વરસતા વરસાદની મઝા માણવાનું કોને ન ગમે ? તો શું અમે પણ માણસ નથી ? પાપી પેટને ખાતર અમારે કેવળ બાળકો પર જ જુલમ કરવો પડે છે એવું નથી, અમારે પણ તો એની સજા ભોગવવી પડે છે ! તો બાળકો એમના શિક્ષકોનો તિરસ્કાર કરતાં હોય છે એ અમને કેમ કરીને ગમે ?’

[13] ‘આપણું તંત્ર જ સાવ નકામું છે. મોટે ભાગે શિક્ષકોને કાયમી નોકરી મળતી નથી. હંગામી નોકરીમાં અધૂરા પગાર જોડે શિક્ષકો પાસેથી સંપૂર્ણ નિષ્ઠાની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. અમારો પગાર અમારી લાયકાત અને અમારા અનુભવના આધારે નક્કી કરવામાં આવે છે, નહીં કે અમે કેટલાં બાળકોનું જીવન બનાવ્યું છે. અથવા અમે અમારી કામગીરી કેટલી નિષ્ઠા અને વફાદારીથી નિભાવીએ છીએ એ કોઈ જોતું નથી. આ અન્યાય નથી ?’

[14] ‘શાળાનું સંચાલક મંડળ અમારી શિક્ષકોની અંદર અંદર સરખામણી કરતું હોય છે. વિદ્યાર્થીઓ પણ આવી તુલનાઓથી બાકાત નથી. એમના માબાપને પણ અમને મૂલવવાનાં ધોરણ હોય છે. કોઈપણ શિક્ષકનું મૂલ્યાંકન સર્વગ્રાહી રીતે થવું જોઈએ. અમને કદી અમારા વિદ્યાર્થીઓના માબાપની સરખામણી કરતાં જોયા છે ? અમારી શિક્ષકોની અંદર પણ નાતજાતના, આર્થિક સ્થિતિના, અને આવડત અને અનુભવના ભેદ હોય છે. આ બધાં વચ્ચે રહીને પણ અમે તમારાં સંતાનોની કેળવણીમાં અમારાથી બનતો ફાળો આપવા પ્રયત્ન કરીએ છીએ. મહેરબાની કરીને અમારા કાર્યની કિંમત ઓછી ન આંકશો.’

[15] ‘તમારું બાળક અવ્વલ નંબર લાવે ત્યારે તો એનો શ્રેય તમે અમને નથી આપતા, તો પછી એ પરીક્ષામાં પાછું પડે ત્યારે કેમ તમે અમારા પર ઊકળી પડો છો ?’

[16] ‘વિદ્યાર્થીઓના વાલીઓની પણ વાત કરવા જેવી નથી. પોતાનાં સંતાનોની જવાબદારી અમારા માથા પર નાખી દઈને એમને તો શાંતિથી સૂઈ રહેવું હોય છે. બાળઉછેરની અને શિક્ષણની કામગીરી સહિયારી છે. એમાં કોઈ એક પક્ષ જ સંપૂર્ણપણે જવાબદાર ગણાવો જોઈએ નહીં.’

[17] ‘વાલીઓ પણ ભાતભાતના હોય છે. અમે ઘણા વાલીઓને લેખિત નોંધ મોકલીને એમના બાળક વિશે અમને મૂંઝવતી કોઈ નાજૂક વાતની ચર્ચા રૂબરૂમાં કરવા માટે મળવાની તાકિદ કરતા હોઈએ છીએ. પણ અમારા અનુભવમાં સાચા અર્થમાં જાગૃત વાલીઓની સંખ્યા ખૂબ જ અલ્પ છે. વાલીમંડળની મીટિંગમાં હાજરી આપવાની હોય કે પછી પોતાના બાળકનો પ્રોગ્રેસ જાણવા માટે શિક્ષકને રૂબરૂમાં મળવાનું હોય, કેટલા વાલીઓ તત્પરતાથી હાજર રહેતા હોય છે એ જોવા જેવું છે. બીજી બાજુ એવા પણ વાલીઓ હોય છે કે જે નાની નાની વાતો લઈને છાશવારે સ્કૂલમાં દોડી આવે છે. એમનો આશય એમના બાળકનો પક્ષ લઈને સ્કૂલ કે શિક્ષક સાથે ઝગડવાનો હોય છે.’

[18] ‘વાલીમંડળની મીટિંગોમાં હાજરી આપનારા વાલીઓની સંખ્યા દિવસે દિવસે એટલી તો પાંખી થતી ચાલી છે કે અમને એમ લાગે છે કે વાલીઓ એ વિલુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિ છે.’

[19] ‘વાલી તરીકે વાતવાતમાં અમારા કામમાં દખલ ન કરશો. જો અમારા પર વિશ્વાસ ન હોય તો પછી પોતાના બાળકને ભણાવવાની જવાબદારી તમે તમારા પોતાના માથે શા માટે લઈ લેતા નથી ?’

[20] ‘તમારા બાળકને હોમવર્ક કરી આપવાની ભૂલ કદી ન કરશો. તમે અમે ન માનશો કે અમને આની ખબર પડતી નથી. એમને સ્વાશ્રયી બનાવો.’

[21] ‘અમે તમારા બાળકનું સંપૂર્ણ ધ્યાન રાખીએ એવો આગ્રહ કદી ન રાખશો. યાદ રાખજો કે તમારે તો એક જ બાળક છે. પણ અમારે એકસાથે પચાસની ફોજનો સામનો કરવાનો હોય છે.’

[22] ‘બાળકના ખરા વાલી હો અને એના ભણતરનું સાચું હિત તમારા હૈયે વસેલું હોય તો તમારું લક્ષ કેવળ તમારા બાળકના રિપોર્ટ કાર્ડ પર જ કેન્દ્રિત ન કરશો. કલાસમાં દરેક અને તે પણ માત્ર તમારું જ બાળક ભણવામાં અગ્રેસર રહે એવો આગ્રહ રાખવો વધારે પડતો છે.’

[23] ‘બાળકને સ્કૂલમાં દાખલ કરીને વાલી તરીકેની તમારી જવાબદારી પૂરી થઈ જાય છે એવી ગ્રંથિમાં ન રાચશો. અમારું કામ એમને ભણાવવાનું છે, એમને જીવનલક્ષી કેળવણી આપવાનું કામ તો તમારું બને છે, એ ભૂલશો નહીં.’

[24] ‘તમારા બાળકને મોઢે સાચીખોટી વાત સાંભળીને અમારા વિશે મત બાંધી લેવાની ભૂલ ન કરશો. કદીક અમારી પાસે આવીને સ્કૂલ અને કલાસરૂમના સંદર્ભની બહાર નીકળીને મુક્ત વાત કરી જોશો.’

[25] ‘ઘણીવાર એવું લાગે કે બાળકોને ભણાવવાનું કામ નિરર્થક જ છે. અમે એમાં જેટલી નિષ્ઠા અર્પીએ છીએ એટલો પાડ સમાજ માનતો નથી. પણ વિચાર કરતાં લાગે છે એ સાવ એવું નથી. અમારા હાથ નીચે ભણી ગયેલો કોઈ વિદ્યાર્થી ભવિષ્યમાં કોઈ ક્ષેત્રમાં ઝળકી ઊઠે ત્યારે અમને અમારા કામનું વળતર મળી જ જતું હોય છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સહજ મનુષ્યત્વથી દૂર…. – ભગવતીકુમાર શર્મા
લોકોમાં જીવવું-લોકો સાથે જીવવું – મોહમ્મદ માંકડ Next »   

7 પ્રતિભાવો : બાળકો….શિક્ષકોની નજરે – કિરણ ન. શીંગ્લોત

 1. સુંદર.

  પહેલા નિબંધના અનુસંધાનમાં કહું તો…..

  વધુ પડતી અપેક્ષાઓ જ બધા દુઃખનુ મૂળ છે. આપણે માત્ર આપણા દ્રષિકોણથી નહિ ક્યારેક બીજાના દ્રષિકોણથી વિચારીએ તો એને વધુ સારી રીતે સમજી શકીએ.

 2. Pravin Shah says:

  બાળકની કારકિર્દી બનાવવામા માબાપના સહકારની પણ ખુબ જ જરુર પડે છે.
  માબાપ શિક્ષકની ભુલો કાઢવાને બદલે શિક્ષકને સહકાર આપે તો ઘણુ જ સારુ થાય.
  હુ કોલેજમા પ્રોફેસર છુ. એક વાર એક વિદ્યાર્થી નપાસ થયો, તો તેના પપ્પા આવીને
  મને કહે કે “થોડા માર્ક વધારે આપવામા તમારુ શુ ખુટી જાય છે ?”
  વાલીની આવી વ્રુત્તિ બાળકને ક્યા લઇ જશે?

 3. nayan panchal says:

  એકદમ સચોટ લેખ. આ લેખની પ્રિન્ટઆઊટ પ્રિ-પ્રાઈમરી વિભાગથી લઈને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અને વાલીઓને આપવી જોઈએ.

  ખૂબ આભાર,
  નયન

 4. Anila Amin says:

  કેટલાક વાલીઓતો ( ભણેલા ગણેલા અને પૈસાદાર થએલા) એવુ માનતા હોયછે કે જેને ક્યય નોકરી ના મળે તે શિક્ષક

  થાય. આવુ વિચારનારા વાલિઓના બાળકોને શિક્ષક આચાર્ય દેવો ભવ ના પાઠ કેવી રીતે ભણાવે? શિક્ષકોનો બળાપો

  સહેજેય ખોટો નથી.

 5. chogathking says:

  good article for teacher as well as parents.thanks dear.i like it

 6. trupti says:

  શિક્ષકો નો બળાપો તેમની જગ્યા એ સાચો છે, પણ આજ ના શિક્ષકો પણ વિધ્યાર્થી ઓ મા રસ લે એ ખરા? તેમને ફ્ક્ત ટ્યુશન નામી વધારાની આવક મા જ રસ હોય છે. દરેક વસ્તુ ની બીજી બાજુ હોય છે અને અપવાદ પણ હોય છે.

  મારી દિકરી ગણિત માટે જહોનસર ના ક્લાસ મા જાય છે તમની વિધ્યાર્થી પ્રત્યે ની નિષ્ઠા જોઈ ને થાય કે આજ ના જમાના મા આવા શિક્ષકો હોય છે. જો એક દિવસ પણ કોઈ કારણસર જો તે ક્લાસ મા ના જાય તો તરત મારા પદ ફોન આવી જાય ને જ્યાં સુધી ચિઠ્ઠી ના લખિ આપીયે ત્યાં સુધી વર્ગ મા બેસવા ના દે. વિકલી ટેસ્ટ જે ૨૦ માર્ક ની હોય અને જેના માર્ક ફાઈનલ મા ગણાય તેને માટે પણ પરિક્ષા ને આગલે દિવસે ૭-૮ કલાક બોલાવી ને પ્રેક્ટીસ કરાવે. મારી દિકરી ને ૨૦માથી ૧૯ માર્ક આવ્યા તો પણ કહે કે ઓછા છે પૂરા આવવા જોઈએ અને મોટીવેટ કરે.

  મારી દિકરી ની શાળા મા ફિજીક્સ ના શિક્ષીકા છે, તેઓ જે પ્રમાણેની ભાષા વર્ગ મા વાપરે છે તે આ સભ્ય સાઈટ પર લખાઈ નહીં તેવી હોય છે, મારી દિકરી ઘરે આવી ને કહે ત્યારે પણ આપણ ને સાંભળતા શરમ આવે. ઓપન હાઊસના દિવસે જ્યારે તેમને મળવા ગ્યા ત્યારે તેમને મારી દિકરી ને પૂછી લિધુ કે તે ટ્યુશન માટે ક્યાં જાય છે અને જ્યારે તેને જે સર ને ત્યાં જાય છે તેનુ નામ કહ્યુ તેટલે તરત મારી દિકરી ને કહ્યુ કે, ‘આ સર પાસે કાંઈ જવાય” અને આડકતરી રિતે તેમનુ ટ્યુશન રાખવાનુ કહી દિધુ.

  અમે જ્યારે ભણતા હતા ત્યારે એક શિક્ષીકા ને ઘરના કોઈ પ્રોબલેમ હતા માટે તેમેનુ ફ્રસટેશન તેઓ બાળકો પર કાઢતા, તેઓ મારી મોટી બહેન ના વર્ગ શિક્ષક હતા. એક દિવસ મારી મોટી બહેન લાગ મા આવી ગઈ અને તેને આખા વર્ગ ની વચ્ચે તમાચા ઓ થી નવડાવી દિધી. મારી બહેને ઘરે વાત ન કરી આમ પણ તે જરા શાંત પ્રક્રુતિની એટલે મમ્મી ને પણ કાંઈ ખોટુ થયુ હોવા ની ભણક ના પડી. મારી બહેન ની બહેનપણી ના મમ્મી જે મારી મમ્મી જોડે સ્વાદ્યાય મા જાય અને આમ પણ એક ન્યાત ના હોવાને લીધે તેમના બહેન પણા તેમને મારી મમ્મી ને વાત કરી. તેની બહેનપણી એ એટલે સુધી કહ્યુ કે આખો ક્લાસ રડી પડ્યો પણ ટિચર પર કઈ અસર નહીં થઈ. મારા પપ્પા જેઓ અમારી શાળા મા જ ભણ્યા છે અને પહેલેથી તેમને અમારા પ્રોગેસ પ્રત્યે સાવધાની અને તકેદારિ રાખી છે માટે તેઓ શાળા ના આચાર્ય સુધ્ધા ને ઓળખતા. મારા પપ્પા એ શિક્ષક વિરુધ્ધ ફરીયાદ કરી, તેમેને તો શુ સજા થઈ તે ખબર નથી પણ શિશકે મારી બહેન પર પૂરો ખાર રાખ્યો અને તેને તે વરસે નાપાસ કરી અને મારા ભાઈ અને મારે પણ તેમના વેર નુ ભોગ બનવુ પડ્યુ હતુ.

  આજે જ ફેસ-બુક પર અમારી શાળા ના રિયુનીયન ના ફોટા જોઈ રહી હતિ ત્યારે તે શિક્ષીકા ને જોયા ને લાગ્યુ જાણે કોઈ એ દુખતી રગ દબાવી દિધી.

  ખબર નથી કે મારો આ અભિપ્રાય આજના લેખ ને સુસંગત છે કે નહીં પણ લખતા મારી જાત ને રોકી ના શકી.

  • JAY says:

   First of all.. hats off to John Sir…

   AND… the research says…. world over… 70% of the teachers in the world are not mentally fit to teach…
   I remember some of them….

   A Yagnik Sir in 2nd std – Taught us with really cool innovative stories… that I still use while teaching my kid…
   A Chandu Sir 7th std – Use to teach maths equations with his own creative rhymes
   A Pathak sir in my school (Samarth opp law garden A’bad, STD 8 &9 -Science)… He use teach difficult subject like science in an experimental manner to make it absorb-able… we all just loved to learn from him…

   AND… at NID, A’bad…All teachers/guides were amazingly great…I learnt a lot and everything was experimental and… The Biggest lesson was… “Every individual is different and do not compare your self with anyone… BUT… Compete yourself…”

   Though… the worst experience was at MG science, A’bad… where all subject’s note books… use to run … ditto to ditto across 15 years…. very boring… an absolute insult of education….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.