- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

અનોખા કવિ ! – સંત ‘પુનિત’

[‘જનકલ્યાણ’ સામાયિક (નવે-ડિસે.2010)માંથી સાભાર.]

[1] નમૂનેદાર નિર્ભયતા

ચૈત્ર મહિનાનો ધોમધખતો તાપ અકળાવી રહ્યો હતો. ભાવનગર દરિયાકાંઠે હોવા છતાં આ તાપ જીરવવો અસહ્ય થઈ પડ્યો હતો. એક સ્થૂળકાય સદગૃહસ્થની અકળામણનો પાર રહ્યો નહિ. શરીર પર માત્ર ધોતિયું ધારણ કરી, ખુલ્લે શરીરે એ બેઠા હતા; છતાં આખે શરીરે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

સને 1915ની આ વાત છે. સખત ગરમીથી એ સદગૃહસ્થ આકળવિકળ થઈ રહ્યા હતા ત્યારે જ મહારાજાનો ખિદમતગાર દાદરો ચડી ઉપર આવ્યો. એ સદગૃહસ્થ ઉપરને માળે આરામ ફરમાવી રહ્યા હતા. ખિદમતગારે આવીને ખબર આપ્યા :
‘મહારાજા સાહેબ નીચે બગીમાં આપની રાહ જોઈ રહ્યા છે. એમની સાથે મહારાણી સાહેબા પણ બેઠાં છે. આપને મળવા માટે નીચે બોલાવી રહ્યાં છે.’
સદગૃહસ્થે તરત જ પત્નીને બૂમ પાડી બોલાવી : ‘અરે, સાંભળો છો ? મારું પહેરણ અને ટોપી આપો તો. નીચે મહારાજા સાહેબા અને મહારાણી સાહેબ પધાર્યાં છે.’ અંદરના ઓરડામાંથી પત્ની બહાર આવ્યાં. એ સદગૃહસ્થનું પહેરણ કબાટમાં શોધવા લાગ્યાં. પહેરણ શોધતાં થોડી વાર થઈ. પણ મળી ગયું એટલે પત્નીને હૈયે હાશ થઈ. પરંતુ સદગૃહસ્થ જરા ધૂની સ્વભાવના હતા. કોઈ વિચારમાં ડૂબેલા હતા. વિચારમાં ને વિચારમાં પહેરણ ઊંધું પહેરાઈ ગયું.

પત્નીએ ધ્યાન દોરતાં કહ્યું : ‘અરે, પહેરણ તો ઊંધું પહેરી બેઠા ! ઝટ કરો. નીચે મહારાજા સાહેબ ખોટી થાય છે.’ ખૂબ જ શાંતિથી સ્વસ્થતાપૂર્વક સદગૃહસ્થ બોલ્યા : ‘પણ મહારાજા સાહેબ પાસે કંઈ ખુલ્લે શરીરે ઓછું જવાય છે ! અંગે પહેરણ અને માથે ટોપી તો હોવાં જ જોઈએ ને. આમ ધોતિયાભેર જાઉં તો કેવું ખરાબ કહેવાય !’ એ જમાનામાં રાજા-મહારાજા સમક્ષ ખુલ્લે માથે જઈ શકાતું નહોતું. મહારાજાનાં માન-મર્યાદા દરેક પ્રજાજન સ્વેચ્છાએ આદરપૂર્વક સાચવતા. ઊંધું પહેરાયેલું પહેરણ એ સદગૃહસ્થે તરત જ કાઢી નાખ્યું. પહેરણ સીધું કરીને ફરીથી પહેર્યું. માથે ટોપી મૂકી નીચે ઊતર્યા.

પણ…. મહારાજાની બગી તો ત્યાંથી ચાલી ગઈ હતી.
જાણે કંઈ જ બન્યું ન હોય એમ, સ્થિતપ્રજ્ઞની માફક, એ સદગૃહસ્થ તો દાદર ચડી ફરી પાછા મેડીએ ચડી ગયા. તરત જ પાછા ફરેલા જોઈ પત્ની બોલ્યાં : ‘કાં, મેળાપ થઈ શક્યો નહિને !’ પત્નીને કંઈ પણ જવાબ આપ્યા વિના પેલા સદગૃહસ્થ તો પહેરણ અને ટોપી ખીંટીએ ટિંગાડી દઈ, અધૂરું મૂકેલું પુસ્તક આગળ વાંચવા લાગ્યા. એમની પાસે આવીને પત્ની વિનયપૂર્વક બોલ્યાં :
‘અરે, હું પૂછું એનો જવાબ કેમ નથી આપતા ? મહારાજા મળ્યા વિના જ જો જતા રહ્યા હશે તો એમનો ખોફ આપણા પર ઊતર્યા વિના રહેશે નહિ. અત્યારે જ એમને મહેલે જઈ, એમની ક્ષમા માગી આવો. રાજા-મહારાજાઓને તો વાંકું પડતાં જરાય વાર લાગે નહિ.’ હાથમાંનું પુસ્તક એક બાજુ મૂકી, પત્નીની સામે જોઈ એ સદગૃહસ્થ બોલ્યા :
‘વાંકું પડે તો બે રોટલી વધારે ખાય. મારે શા માટે માફી માગવા જવું જોઈએ ! મેં કંઈ એમનો અપરાધ કર્યો નથી. તમે ઊઠીને આવી નાલેશીભરી સલાહ કેમ આપો છો !’
‘પણ આપણે આંગણે મહારાજા સાહેબ મહારાણીને લઈને આવે અને તમે એમને મળવા માટે, એમને આવકાર આપવા માટે તરત ન જઈ શકો, એટલે મહારાજા નારાજ થાય એ સાવ સ્વાભાવિક વાત છે.’
‘જુઓ, કાન ખોલીને સાંભળી લ્યો,’ પેલા સદગૃહસ્થ પત્નીને સંબોધીને બોલ્યા, ‘મેં કંઈ મહારાજા સાહેબને આપણે ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું નહોતું કે એમનું સ્વાગત કરવા અગાઉથી તૈયાર ઊભો રહું. વળી, મહારાજાએ આગમનના સમાચાર અગાઉથી આપ્યા નહોતા. એટલે આપણે એમના સ્વાગતની તૈયારી પણ શી કરી શકીએ ?’

પતિદેવનો એ ખુલાસો સાંભળી પત્ની તો મૂંગીમંતર બની ગઈ. પણ એના મુખ પર ચિંતાનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. પત્નીને સાંત્વન આપતાં એ સદગૃહસ્થ બોલ્યા : ‘તું આ બધી ચિંતાનો ભાર મગજ પર રાખવો છોડી દે. આપણો વાળ વાંકો થવાનો નથી. મહારાજા સાહેબ સમજદાર છે. એમને હાથે કોઈને પણ અત્યાર સુધી અન્યાય થયો નથી.’ અને આ વાતને હજી માંડ પૂરું અઠવાડિયુંય નહોતું વીત્યું ત્યાં તો મહારાજાની બગી ત્યાં આવીને ઊભી રહી. પેલા ગૃહસ્થને પોતાની બાજુમાં ખૂબ જ પ્રેમપૂર્વક બેસાડી, મહારાજા એમને દૂર દૂર સુધી ફરવા લઈ ગયા. એ ગૃહસ્થ હતા ભાવનગર રાજ્યના કેળવણી અધિકારી મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાન્ત). મહારાજા હતા ભાવનગર નરેશ ભાવસિંહજી.

[2] સ્વમાનની સુરક્ષા

મિજબાની બરાબરની જામી હતી. મિજબાનીમાં રાજ્યના મોટા મોટા અમલદારો આવ્યા હતા. મહારાજે પોતે જ પોતાના મહેલમાં મિજબાનીનું આયોજન કર્યું હતું. ભાયાતો અને અમલદારો સાથે પોતાના મિત્રોને પણ નોતર્યા હતા. સૌ અરસપરસ વાર્તાવિનોદ કરી રહ્યા હતા. અલકમલકની વાતો આ મિજબાનીમાં થતી હતી. સૌ ભોજનને ન્યાય આપતાં આપતાં વાતોને ચગાવી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વ્યંગ કરી મહારાજા હાસ્યરસ જમાવતા હતા.

મિજબાની પૂરી થઈ. સૌએ હાથ-મોં ધોયાં. મહારાજે પણ હાથ-મોં ધોઈ, પોતાની પાસે જ બેઠેલા એક અધિકારીના ખેસથી પોતાના ભીના હાથ-મોં લૂછવા માંડ્યાં. ત્યાં તો મહારાજ અને મિજબાનના આશ્ચર્ય વચ્ચે પેલા અધિકારી પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. એમની આંખોમાં ક્રોધની રતાશસુંદરીઓ નાચવા લાગી. મહારાજે હાથ-મોં લૂછેલો ખેસ ખભા પરથી ઉતારી નાખ્યો. જાણે નકામું બની ગયેલું મસોતું નાખી દેતા હોય એમ જમીન પર ફેંકી દીધો. પછી એ અધિકારી મહારાજા સામે જોઈને રોષમિશ્રિત સ્વરે બોલ્યા :
‘હું એ ફલાણો ભાઈ નથી. સ્વમાન મને મારા પ્રાણ કરતાંય અદકેરું વહાલું છે.’
આટલું કહીને બેસી ગયા.

મહારાજાની સ્થિતિ તો એવી થઈ ગઈ કે વાઢ્યા હોય તોય લોહી ન નીકળે. એ અધિકારીએ જે ભાઈના નામનો ઉલ્લેખ કર્યો હતો એ રાજ્યના મોટા અધિકારી હતા. મહારાજા સાહેબ અવારનવાર એમની આવી મશ્કરી કરતા. મહારાજાની બધી મશ્કરીઓ હસતે મોઢે એ સહી લેતા. ઊલટી મજા આવતી એમને. મહારાજ એમની મશ્કરીઓ કરતા એને એ પોતે પોતાનું પરમ સૌભાગ્ય સમજતા હતા.

અત્યારે અહીં જમીન પર ફેંકી દીધેલો એ ખેસ એ અધિકારીએ પછી ખભે ન નાખ્યો. મહારાજે તેમ જ બીજા અધિકારીઓએ એમને ખૂબ ખૂબ સમજાવ્યા, પણ એ તો પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. પછી તો જિંદગીભર એમણે ક્યારેય ખેસ-ધારણ ન કર્યો તે ન જ કર્યો. આ બનાવ બની ગયો એનો એમને અંતર એવો આઘાત લાગ્યો હતો કે ખેસને કાયમ માટે તિલાંજલિ આપી દીધી. એ દિવસે મિજબાનીની બધી મજા મારી ગઈ. એક ઘેરો સન્નાટો ચારે બાજુ છવાઈ ગયો. મહારાજાના પસ્તાવાનો પણ પાર ન રહ્યો. હસવામાંથી ખસવું થઈ ગયું હતું. અધિકારી હતા ઓછાબોલા. પણ મૌન રહીને જમીન પર ખેસ નાખી દઈ, એમણે પોતાનો જે રોષ વિનયપૂર્વક વ્યક્ત કર્યો એણે મહારાજની પણ આંખો ખોલી નાખી. ત્યાર પછી મહારાજે એ અધિકારીની મજાક તો ક્યારેય કરી જ નહિ; પણ બીજાની મશ્કરી મજાક કરવામાં પણ પૂરો સંયમ જાળવવા માંડ્યો.

તો આવા સ્વમાની અધિકારી હતા મણિશંકર રત્નજી ભટ્ટ. ગુજરાતી સાહિત્યમાં કવિ ‘કાન્ત’ તરીકે પ્રખ્યાત છે. અને આવા હતા મહારાજા હતા ભાવનગર નરેશ ભાવસિંહજી.