બે ઘડીની નવરાશ – મૃગેશ શાહ

એક ગુરુ પાસે કોઈક જિજ્ઞાસુ વ્યક્તિ ગયો. ગુરુ પાસે જઈને એણે પૂછ્યું : ‘શાંતિ પ્રાપ્તિનો કોઈક મારગ બતાવો…’
ગુરુ ચૂપ રહ્યા. તેઓ કશું જ બોલ્યા નહિ. એકાદ-બે મિનિટ આમ વીતી ગઈ. એ પછી ગુરુએ ધીમેથી કહ્યું : ‘પેલા ઝાડ નીચે જઈને થોડી વાર બેસો.’ પેલો વ્યક્તિ મૂંઝાયો. એને થયું કે ગુરુને કોઈક કામ બાકી હશે એટલે કદાચ એમ કહેતા હશે. હમણાં થોડીવાર પછી અનુમતિ આપશે એટલે ફરીથી જઈને પૂછીશ… એ ઝાડ નીચે શાંતિથી બેસી રહ્યો. એની માટે આ અનુભવ નવો હતો. એને આવી આદત નહોતી. ઘણા વર્ષોથી તે શહેરની વ્યસ્તતા વચ્ચે રહેવા ટેવાયેલો હતો. આ શાંત ઉપવન, પક્ષીઓના અવાજો અને પ્રકૃતિનું આ સુંદર સ્વરૂપ એણે વર્ષો પછી નિહાળ્યું. આ બધું માણવામાં એને શું પૂછવાનું હતું એ ભૂલાઈ ગયું ! થોડી વાર પછી ગુરુએ એને બોલાવ્યો અને બીજે દિવસે બરાબર આ સમયે આવવાનું જણાવ્યું. એમ ઘણા દિવસ ચાલ્યું, પરંતુ પેલા જિજ્ઞાસુને આ જગ્યા ગમતી હતી એટલે એણે આવવાનું બંધ ન કર્યું. દિવસો વીત્યા બાદ એક વાર ગુરુએ સામેથી એ જિજ્ઞાસુને પૂછ્યું :
‘કેમ ભાઈ, શાંતિની પ્રાપ્તિનો માર્ગ મળી ગયો ને ?’
‘હા ગુરુજી…. કંઈક અનુભવાયું ખરું, પરંતુ આપ બરાબર સમજાવો તો ખબર પડે !’
‘એમાં સમજાવવા જેવું કશું નથી,’ ગુરુ સહેજ અટકીને બોલ્યા : ‘બસ, રોજ થોડીક નવરાશ પોતાના માટે કાઢી ને જોજો… એટલે આપોઆપ બધું સમજાઈ જશે…’

એકવીસમી સદીમાં ઈશ્વર પાસે માંગવા જેવી એક ચીજ છે ‘નવરાશ.’ ઈશ્વર બહુ ઓછા લોકોને તે આપે છે કારણે કે એમાં એ પોતે પકડાઈ જાય એવો સંભવ છે ! પંખાની પાંખો બંધ હોય ત્યારે જ સરળતાથી ગણી શકાય છે. આ ‘નવરાશ’ એટલે નિષ્ક્રિયતા નહીં પરંતુ પ્રયત્નપૂર્વક બહારના કામોમાંથી થોડો સમય કાઢીને જીવનને સમજવાની એક પદ્ધતિ. આ યોગ, ધ્યાન કે અધ્યાત્મની વાત નથી. આ આપણી મૂળભૂત જરૂરિયાત છે. આદરણીય ગુણવંતભાઈના શબ્દોમાં કહીએ તો આ ‘જાત ભણીની જાત્રા’ માટેની પૂર્વતૈયારી છે. મને લાગે છે કે જો આપણે રોજ થોડો સમય શાંતીથી બેસવાનો અભ્યાસ કરીએ તો આપણા રોજબરોજના ઘણા સામાન્ય પ્રશ્નો ખૂબ સરળતાથી ઉકલી જાય. ગાડીને પણ અમુક કિલોમીટર હંકાર્યા બાદ આરામ આપવો પડે છે, તો આ રોજિંદી ઘટમાળમાંથી આપણને ઘડીક પોરો ખાવાનીયે ફૂરસદ નહિ ? થોડોક સમય તો બળદને હળથી અલગ કરવા જ રહ્યા.

નવરાશના સમયમાં સૌથી મોટું કામ વિચારોની કેળવણીનું થઈ શકે. જે વિચારો અગત્યના છે એને ઘૂંટી ઘૂંટીને મજબૂત કરી શકાય. જે નકામા છે એને નિંદામણની માફક ઉખેડીને ફેંકી શકાય. અમુક સંદર્ભોમાં જ્યારે વિચારીએ ત્યારે ‘નવરાશ’ શબ્દ ખૂબ સાત્વિક લાગે છે. આ શબ્દને યાદ કરતાંની સાથે જ કેટલાક દ્રશ્યો સાંભરી આવે છે. મજૂરીકામ કરતા મજૂરોને તમે બપોરે સમુહભોજન લેતાં જોયા હશે. ઘડીક રોટલાની મીઠાશ માણીને તેઓ પોતાના બાળકોને ઝૂલે ઝુલાવતા હોય છે. અત્યંત શારીરિક શ્રમ વચ્ચે તેઓ બે ઘડીની નવરાશ કાઢી લે છે. એ પછી તમે બળબળતા બપોરે ખેતરના શેઢે ભાથું આરોગતા ખેડૂત દંપતીને જોયા હશે. એમને માટે આ નવરાશનો સમય એકમેકના સંગાથમાં રહેવાનો સુઅવસર લઈને આવે છે. ઢોરને ચરવા મૂકીને દૂર કોઈ પથ્થર પર બેસીને ગીત ગાતો ભરવાડ કેવો હળવો ફૂલ જણાય છે ! આ તો થઈ ગ્રામ્યજીવનની વાત. પરંતુ જેઓ કંઈક પામવા ઈચ્છે છે તેઓ શહેરમાં પણ બે ઘડીનો સમય પોતાના માટે કાઢી લે છે. મહાનગરોમાં જીવતા મધ્યમવર્ગના કુટુંબમાં કોઈ ગૃહિણી ઘરનું કામ આટોપીને બપોરે આરામની પળોમાં જ્યારે ‘જનકલ્યાણ’ જેવા જીવનલક્ષી સામાયિકનું વાંચન કરે છે ત્યારે મને એમ લાગે છે કે એ આખા કુટુંબમાં જાણે સંસ્કારસિંચન કરી રહી છે. આ નવરાશની પળો અત્યંત કિંમતી છે. મારા વ્યક્તિગત અનુભવે કહું તો મને જ્યારે નવરાશ મળે ત્યારે એમ લાગે છે કે જાણે મારા મનમાં અસ્તવ્યસ્ત થયેલા વિચારો ધીમે ધીમે યોગ્ય જગ્યાએ ગોઠવાઈ રહ્યા છે. કોઈ ગૃહિણીને તમે કબાટ ગોઠવતી જોઈ હશે. ફુરસદનો સમય મને આ કબાટ ગોઠવવા જેવો લાગે છે. દરરોજ આપણે ચારે બાજુથી સતત બધું મનમાં ભેગું જ કરતા રહીએ છીએ. તેમાં કઈ વસ્તુ જરૂરી છે કે નથી એ વિચારવાનો આપણને સમય હોતો નથી. નવરાશની આ પળોમાં આપણા મનનું આ કબાટ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે અને એમાં નવા વિચારો મૂકવા માટેની જગ્યા થઈ જાય છે એ તો નફામાં !

આજે જ્યાં જુઓ ત્યાં કોઈને નવરાશ નથી. બધા દોડે છે. શું કામ દોડે છે અને ક્યાં ભાગે છે એ તો રામ જાણે !… હું શા માટે ભણું છું, હું શા માટે કમાઉ છું, મારે આમ શા માટે કરવું જોઈએ ? મારા કુટુંબના વૈચારિક વિકાસ માટે હું શું કરી શકું ? મારા પિતા-દાદા કઈ રીતે જીવી ગયા, એમના જીવનની નાની-મોટી ઘટનાઓથી મારે શું શીખવું જોઈએ ? આપણી સંસ્કૃતિ શું છે ? સંસ્કાર શું છે ? આ નાનકડા જીવનમાં મારે શું મેળવવા જેવું છે ? – કોઈને કશું જ વિચારવાનો સમય નથી. કોઈની પાસે નવરાશ નથી. ઘણાને એવો ભય હોય છે કે નવરા પડીશું તો મરી જઈશું ! નવરા પડવાની ઘણાને બીક લાગે છે. એથી જેઓને કંઈ કામ ન હોય એ પણ સતત કામ ઊભું કરવા મથ્યા કરે છે. જીવનમાં એમને ક્યારેય કબાટ વ્યવસ્થિત ગોઠવવાની જરૂરિયાત જ નથી લાગતી. એમના કબાટમાં કેટલાય બિનજરૂરી વિચારોના ડૂચા ઠાંસી ઠાંસીને ભર્યા છે. એમને એ બીક છે કે જો આ કબાટ ખૂલશે તો આ બધું એક સામટું ધસી પડશે ! તેઓને ખબર જ નથી કે ફુરસદના સમયમાં ઉમદા વિચારોને ચિત્તમાં સંગ્રહી શકાય છે. આપણી આસપાસના લોકોને તેઓની હાજરી કરતાં ગેરહાજરીમાં નવરાશના સમયે વધારે સારી રીતે સમજી શકાય છે. આપણે ત્યાં આકાશનો અર્થ છે અવકાશ અને અવકાશ એટલે નવરાશ. વળી, નવરાશ એટલે મુક્તિ. સકળ જાંજાળોમાંથી ઘડીક વિરામ. આ અર્થમાં ‘નવરાશ’ એ આપણી અમૂલ્ય સંપત્તિ છે. પક્ષી પાંખો હલાવતા હલાવતા ઘડીક પાંખો સ્થિર કરીને આકાશમાં વિહાર કરે છે કે પોરો ખાઈ લે છે એ પક્ષીની નવરાશ છે. ગાયો બપોરના સમયે વાગોળવા માટે એક બાજુ બેસી જાય છે. પ્રકૃતિના બધા જ તત્વો ખૂબ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક કામ કરે છે. તેઓ આપણી જેમ ‘વર્કોહોલિક’ નથી બની જતા.

કોઈકે કહ્યું છે કે ઈશ્વરની ભાષા મૌનની છે. રોજ થોડીક વાર જે શાંતિથી બેસવાની ટેવ પાડે છે તે ઈશ્વરના સંકેતોને સમજી શકે છે. એને ઈશ્વરનું આયોજન સમજાય છે. જીવનમાં બનતી ઘટનાઓને વધારે સુક્ષ્મતાથી જોવાનો અભ્યાસ નવરાશની પળોમાં થઈ શકે છે. આ સમગ્ર અસ્તિત્વ આપણી પર કેટલી કૃપા વરસાવે છે એ સમજવા માટે તેને બરાબર નિહાળવું જોઈએ. હું પણ જ્યારે નવરાશનો આનંદ માણું છું ત્યારે મને મારા અનેક પ્રશ્નોના ઉત્તર અનાયાસે મળી જાય છે. ‘આવું કેમ થયું હશે ? આમ કેમ હશે ? મારા જ જીવનમાં આમ કેમ બન્યું હશે ?’ – એવા અનેક પ્રશ્નો આપણા બધાના જીવનમાં ઘણીવાર ઉપસ્થિત થતાં હોય છે. નવરાશની પળોમાં વિચારોનું ઘડતર થવાથી તેનું સમાધાન અંદરથી પ્રાપ્ત થતું હોય છે. આપ જાણો છો કે ભરતકામ કરતી વખતે નાના અને મોટા એમ બે પ્રકારના ટાંકાઓ લેવામાં આવે છે. ઈશ્વર આપણા જીવનમાં આ બે પ્રકારના ટાંકાઓ સતત લે છે. ઈશ્વરની નાની યોજનાઓ થોડુંક વિચારીએ એટલે સમજાઈ જાય છે પરંતુ એની મોટી યોજનાઓનો તાગ મેળવવા માટે માણસે એની બેઠકને મજબૂત કરવી પડે છે. કઈ બાબત ક્યાંથી કેવી રીતે જોડાઈ તે સમજવા માટે જાગૃત માણસે થોડીક પળો માત્ર પોતાના પૂરતી અંગત રાખવી જોઈએ.

આ સંદર્ભમાં હું જ્યારે આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારની એક વાત યાદ આવે છે. એ દિવસોમાં મારા મમ્મીને અચાનક મોતિયાનું ઑપરેશન કરાવવાનું નક્કી થયું હતું. એ સમયે આજના જેવી સરળ સર્જરી ઉપલબ્ધ નહોતી. મોતિયો પાકી જાય પછી તેનું ઑપરેશન કર્યા બાદ લગભગ ત્રણેક મહિના સુધી ખૂબ કાળજી રાખવી પડતી. ઘરમાં અમે ત્રણ જ જણ. વળી આટલા બધા દિવસ કોણ રોકાઈ શકે ? એથી મેં રોટલી, ભાખરી, પૂરી વગેરે વણવાનું કામ બરાબર શીખી લીધું. મારા પિતાજીએ અન્ય તમામ રસોઈ સંભાળી લીધી. શાળામાં મોટી રિસેસ પડે ત્યારે હું ઘરે આવીને રોટલી બનાવતો જેથી પિતાજીને ઑફિસ માટે ટિફિન લઈ જવામાં મોડું ન થાય. એ સમયે મનમાં ઘણા પ્રશ્નો થતાં કે આવું બધું આપણે જ શામાટે કરવાનું ? આપણા જ જીવનમાં આમ કેમ ? – આજે જ્યારે નવરાશની પળોમાં આ બધું વિચારું છું તો ઈશ્વરે લીધેલા મોટા ટાંકાઓનો મેળ બેસતો લાગે છે. કારણ કે એ પછી અનેક વર્ષો સુધી મમ્મીને અસ્થમાના હુમલા સતત વધતા રહ્યાં અને ઘરકામમાં અમારે જોડાવાનું સતત થતું રહ્યું. ગત વર્ષે 2009માં મમ્મીનું અવસાન થયું ત્યારે હું અને પિતાજી ઘરકામ માટે પહેલેથી સજ્જ હતા. આજે રસોડાનું કામ અમને જરાય અઘરું નથી લાગતું. છેક ત્યાં સુધી કે અમારા સ્નેહીઓને લાડવા, લાપસી કે કંસાર બનાવવામાં કંઈક ભૂલ થાય તો તેઓ મારા પિતાજીની સલાહ લે છે ! – આપણા દરેકના જીવનમાં ઈશ્વર આ રીતે આયોજનપૂર્વક કામ કરતો હોય છે, જરૂર છે એને સમજવાની. નવરાશની પળોમાં જો એને સમજીએ તો એની વધારે નિકટ જઈ શકીએ. પછી ‘આમ શા માટે ?’ એવો પ્રશ્ન જ ન રહે.

દેશ, સમાજ અને કુટુંબ પ્રતિ આપણું જે કર્તવ્ય છે એટલું જ કર્તવ્ય આપણું પોતાની જાત ભણી છે. એને ન્યાય આપવા માટે થોડીક ક્ષણો સ્વવિકાસ માટે કાઢવી રહી. નવરાશનો સમય એ પ્રમાદ નથી, બલ્કે એ જીવનને ઘડવા માટેની અનિવાર્ય ક્ષણો છે. જીવનને માણવાનો સમય છે. વર્ષમાં એકાદ દિવસ તો એવો ઊગવો જ જોઈએ કે જેમાં બાહ્ય પ્રવૃત્તિઓનો બોજ આપણા માથે ન હોય. આપણે એટલી વ્યસ્તતામાં જીવીએ છીએ કે રજાના દિવસને પણ આપણે એટલો જ વ્યસ્ત બનાવી દઈએ છીએ. રજાના દિવસે ફક્ત આપણી પ્રવૃત્તિ બદલાય છે, પદ્ધતિ બદલાતી નથી. ફરી એકવાર, નવરાશનો અર્થ રજાના દિવસે ફક્ત હાથપગ જોડીને બેસી રહેવાનો નથી. કોઈક જુદી જ રીતે આપણી આસપાસના જગતને માણવાની આ વાત છે. ફૂલછોડની ક્યારીમાં રહેલી કેટલીય કળીઓ હવે ખીલવાની તૈયારીમાં છે, એને ધ્યાનપૂર્વક નિહાળવી એનું નામ નવરાશ છે. દીકરીને ખોળામાં બેસાડીને માતા તેલ નાંખતી હોય છે એનું નામ નવરાશ છે. દાદા-દાદીએ સાચવીને મૂકેલા પુસ્તકોમાંથી કોઈ જૂના પુસ્તકને કાઢીને એમણે લાઈન દોરેલા ફકરાઓ વાંચી જવા… એ બધો નવરાશનો વૈભવ છે. મનગમતી ધૂન સાંભળવી અથવા શાંત રહીને આસપાસ દોડી જતી ખિસકોલીને નિહાળવી અથવા પક્ષીઓના કલરવને ઘડીક પ્રસન્નતાપૂર્વક માણવો – આ બધું ભાગ્યશાળીઓને મળે છે. સ્નેહીજનો કે પડોશી સાથે બે ઘડી સુખ-દુઃખની વાતો કરી લેવી, જેથી માનવી માનવીની વધારે નજીક આવે છે. આ બધી સાવ સામાન્ય લાગતી અને નાની વાતો છે, પરંતુ જીવનનું ઘડતર એનાથી જ થતું હોય છે. મસમોટા મશીનને નાનકડા સ્ક્રુ જ જોડી રાખતા હોય છે ! આથી, જો જીવનમાં પ્રસન્નતા ભરવી હોય તો આ નાનકડી ક્ષણોને આનંદસભર બનાવવા સમય કાઢી લેવો જોઈશે. આખરે, નવરાશ એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, એમ સમજવું જ રહ્યું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભૂંસી નાખ્યું એક નામ…. – મીનલ દવે
દિશાસૂચન – દિનકર જોષી Next »   

29 પ્રતિભાવો : બે ઘડીની નવરાશ – મૃગેશ શાહ

 1. ખુબ સુંદર.

  મારી જ વાત કરું તોખુબ જ ‘વર્કોહોલીક’ છું નવરું પડવું એટલે જાણે ખાલી થઇ જવું. જ્યારે ખાલી હોઇએ ત્યારે મનનું નીંદણ કાઢવું જોઇએ પણ મારા માટે તો એ કડવી સ્મૃતિઓ ઉભરાઇને બહાર આવે છે.. ત્યારે થાય છે કે વ્યસ્ત છું એ ફાયદાકારક છે.

  આનો એક જ ઉપાય ઇશ્વર પર શ્રધ્ધા.

 2. Bhaumik Trivedi says:

  Something to think….કોઈકે કહ્યું છે કે ઈશ્વરની ભાષા મૌનની છે…good 1 mrugeshbhai.

 3. Kinjal Thakkar says:

  some truth we always know,but ignore their importance in life.We always search for peace,but hardly prepared to do something.By reading this article all will say”excellent and we should think over it”.But apply on it is quite difficult ..
  REALLY NICE 🙂

 4. trupti says:

  સાચી વાત, નવરાશ ની પળો દરેકે માણવી જોઈએ, અને મ્રુગેશ ભાઈ એ કહ્યુ તે પ્રમાણે ફક્ત હાથપગ જોડીને બેસી રહેવા નો અર્થ નવરાશ નથી. માનવી એ જીદગી ની દરેક પળ માણવી જોઈએ.
  કોઈના માટે નવરાશ ની પળ એટલે સારા વ્યંજનો બનાવવા પણ હોઈ શકે, કે ટી.વી. જોવુ પણ હોય શકે. મારી જ વાત કરુ તો, હું મારી નવરાશ ની પળ મારા મુડ પ્રમાણે માણુ છું. કોઈ વાર મુડ આવે તો દિકરી ને કે વર ને ભાવતી મિઠાઈ બનાવવા મા મારી નવરાશ ની પળ વિતાવુ છું જે મા મને આનંદ આવે છે. સામાન્ય રિતે મને મારી નવરાશ મા ભરત ગુઠણ કરવુ કે વાંચવુ ગમે પણ કોઈ વાર દિમાગ ને બહુ ત્રાસ ન આપવો હોય તો ટી.વીં જોવુ ગમે કે ગુજરાતી સુગમ-સંગિત કે પછી પ્રુષ્ટીય માર્ગી ભજન સાંભળવા/જોવા ગમે. કોઈ વાર કાંઈ જ કરવા નુ મન ન થાય ત્યારે ઘરનુ પરચુરણ કામ જે દરોજ ની ભાગદોડ મા રહી જતુ હોય તે કરવુ ગમે કે સોસાયટી નુ કામ કરવા નુ પણ ગમે. અને અંત મા સોસાયટી ના કંપાઉન્ડ મા ઉભા રહી બીજા મેંબરો જોડે ગપ્પા મારવા પણ ગમે પણ તેમા ગોસીપીંગ પર સહુ થી વધુ ચીડ, માટે ભાગ્યેજ ટૉળા મા ભળવુ ગમે.પણ ખાલી હાથ જોડી ને બેસી ના રહી શકુ.
  ટુંક મા નવરાશ ની પળ એટલે એ પળ કે જે તમે તમારા પોતાના માટે જીવો અને માણૉ અને કોઈ જાત ના કમિટમેટ વગર, કોઈને જવાબ કે હિસાબ આપ્યા વગર.

  મ્રુગેશ ભાઈ નો સુંદર લેખ આપવા બદલ આભાર.

 5. vaishali says:

  ખુબ જ સુન્દર.Specially…….આપણા દરેકના જીવનમાં ઈશ્વર આ રીતે આયોજનપૂર્વક કામ કરતો હોય છે, જરૂર છે એને સમજવાની. નવરાશની પળોમાં જો એને સમજીએ તો એની વધારે નિકટ જઈ શકીએ. પછી ‘આમ શા માટે ?’ એવો પ્રશ્ન જ ન રહે. these words are the awesome… KEEP IT UP Mrugesh bhai

 6. Harshit says:

  ખુબ જ સરસ…….

  ‘નવરાશ’ એટલે નિષ્ક્રિયતા નહીં પરંતુ પ્રયત્નપૂર્વક બહારના કામોમાંથી થોડો સમય કાઢીને જીવનને સમજવાની એક પદ્ધતિ
  નવરાશ એટલે મન ગમતુ કામ કરવુ………….
  do something different other then your routine work…

 7. hamir says:

  navaras ni palo ma etle ke vacaton ma khub ramva ane farva ni maja aave aaje pale pan hu raja na divso ma gamde chalyo jao chu

 8. MRUGESHBHAI -you have rightly pointed that every one should have some free time. One can use the free time in several ways. It is not laziness. In free time-you can meet your neighbor or a friend or spend it with your family members or children’s or grand children’s are doing something like arranging clothes in your almirah or also helping your mother in cooking etc. When you do something different – you enjoy it also. In his case – he and his father both started helping his mother who was suffering from asthma and unfortunately she expired in 2009. Going back on his attitude to help mother – also told him GOD has HIS way of doing things. They learnt cooking and it was boon to them without any female members at home. However, it is high time Mrugeshbhai you find a suitable life partner. It is also necessary to be in the family way. I am exceeding my limit – but as a well-wisher -I am writing to you -what I feel necessary . There is a saying no life without wife – wife is a knife which cuts your life. – it is like lakkad ka ladu – so better have it. it is a friendly suggestion.

 9. Chintan says:

  વાહ…ખુબ સરસ વાત કહી મૃગેશભાઈ. સ્વવિકાસનુ પ્રથમ પગથિયુ ક્યાથી મળે એનો જવાબ તમે ખુબજ સરસ રીતે બતાવ્યો છે.

 10. અનન્ય says:

  ખુબ સુંદર લેખ મૃગેશભાઈ….એક-બે ગીતો ની કડીઓ યાદ આવી.દિલ dhundhata હૈ ફિર વો હી ફુરસત કે રાતદિન ….અને ઇન દોડતી ફિરતી સડ્કોકો મંઝીલ પે પહોચતે દેખા નહિ …નવરાશ ની ઘડીઓ અને એને માણવાની કળા 21st century માં દુર્લભ થતી જાય છે એવું લાગે..બધાને ક્યાંક પહોચવું છે પણ ક્યાં ??

 11. Labhshankar Bharad says:

  ખૂબ સરસ લેખ. નવરાશની પળોને વ્યર્થ પ્રવ્રૃત્તિમાં વેડફી દઇ આપણે માણી શક્તા નથી. તે માટે જરૂરી છે જાગૃતી અને તે પછી એકાગ્રતા. પંખીઓનો કલરવ, ઝરણાઓનો ખળખળાટ અને ફૂલોના સૌંદર્યને તો જ માણી શકાય, પરમ ચૈતન્યની અનુભૂતિ તો જ કરી શકાય ! આ લેખ માટે નવરાશની પળોનો સદ્‌ઉપયોગ કરનાર મારા સ્નેહી મિત્ર શ્રી. મૃગેષભાઈ શાહને ખૂબ ખૂબ ધન્યવાદ ! !

 12. નવરાશની સંધિ છુટી પાડીએ તો આવું કશુંક થાય?
  ન + વર + આશ

  એટલે કે આશ ને ન વરશો – માણસને સતત દોઢધામ કરાવનારી આશા છે.
  જો એક વાર આશા છુટી જાય તો નવરાશ જ નવરાશ છે.

  પણ પણ પણ
  શંકરાચર્યજી મહારાજ કહે છે કે

  અંગં ગલિતં પલિતં મુણ્ડં
  દશનવિહીન જાતં તુણ્ડં |
  વૃદ્ધો યાતિ ગૃહિત્વા દણ્ડં
  તદપિ ન મુઝ્હ્યત્યાશાપિન્ડમ || ભજ ગોવિન્દમ્ || 15 ||
  અર્થ : જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

  અને હા, આખું યે ચર્પટપંજરિકા સ્તોત્ર રીડ ગુજરાતી પર વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.
  http://www.readgujarati.com/sahitya/?p=1530

 13. vaishali says:

  ખુબ સરસ લેખ. હુ પન વિચરુ કે આવિ નવરાશ નિ પલ મા positive વિચર આવે ને માર મન ના negetive વિચરો દુર થાય્

 14. nayan panchal says:

  પ્રથમ તો આ લેખનુ મથાળું વાંચીને મને લાગ્યુ કે મૃગેશભાઈ બે દિવસનો વિરામ લેવા માંગે છે. પછી લેખ વાંચ્યો અને મને એવુ લાગ્યુ કે આ લેખ લખીને મૃગેશભાઈએ મારા પર ઉપકાર કર્યો છે.

  આપણુ મન બહુ ઘોંઘાટિયું છે. નવરાશના સમયે મનને આવા ઘોંઘાટથી મુક્ત કરીને શાંત કરવાના ઉપાયો વિચારી શકાય.
  મૃગેશભાઈએ લખેલી નકામા વિચારોના નિંદામણની વાત, વિચારોરૂપી પુસ્તકોને મનરૂપી કબાટમાં ગોઠવવાની વાત, ઇશ્વર સાથેના સંવાદની વાત એકદમ યોગ્ય છે.

  ખૂબ આભાર,
  નયન

 15. Moxesh Shah says:

  Well Said.

  વિરાટ નુ સન્ગીત સાભળવા માટે અને પ્રક્રુતી ના સુક્ષ્મ તરન્ગો ને ઝીલવા માટે અંદર થી શાંત થવુ ખૂબ જ જરૂરી છે.

  In my opinion, the great Newton had invented, when he was cool and calm internally (under the tree).

 16. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ લેખ. મારા માટે તો રીડ ગુજરાતીના લેખ વાંચતા હોઈએ એ પણ એક જાતની નવરાશ છે. રીડ ગુજરાતી.કોમ પર વાંચવુ એ પણ જીવનનો કબાટ ગોઠવવા જેવું લાગે છે.

 17. bhairavi says:

  નવરાશ એટલે જાત સાથે વાત . ખુબ સરસ…..

 18. Rajni Gohil says:

  હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છુ? જેવા આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ નવરાશની પળો વગર ક્યાંથી મળશે? મ્રુગેશભઇએ સુંદર વાત કહી છે. એમને તો અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

  Workaholic થઇ બળદની માફક ઢસરડા કરતી જીંદગી જીવનારને સાચા અર્થમાં માણસ કેવી રીતે કહેવાય?

  મ્રુગેશભઇની માફક હું પણ મારા બાની નાદુરસ્ત તબિયતે કારણે ૧૩-૧૪ વર્ષની ઉમ્મરે રસોઇ કરતાં ભગવાનની કૃપાથી શીખી ગયો હતો જે આજે કામ લાગે છે.

 19. sunil u s a says:

  ૃશ્રી મ્ર્ગેશભાઈ આભાર. સુન્દર લેખ આ લેખ ને ખરા અર્થ મા અનુભુતિ થી જ સમજી સકાય. સબ્દોમા પુર્ણ રીતે અભિવ્યક્ત કર સકાય તેમ નથી પરન્તુ લેખકે ખુબ જ સરસ રીતે સમજાવેલ જે બદલ ફરી થી ખુબજ આભારમ . મૌન શિબિર દ્વારા આ અનુભુતિ નો લાભ લીધેલ

 20. ઈન્દ્રેશ વદન says:

  મૃગેશભાઈ, ઘણાં વખતે ખૂબ જ સુંદર લેખ વાંચવા મળ્યો. તમે નાની ઉંમરમાં જીવનને ઘણું જાણી લીધુ હોય તેમ લાગે છે. આધુનિક માનવીને ભગવાને શ્રાપ આપી દીધો હોય, તેમ દરેકને વ્યસ્ત બનાવી દીધા છે. શાળાએ જતાં બાળકથી માંડીને પચાસ વર્ષના માણસ સુધી. પરંતુ, સમજુ માણસ પોતાને ગમતી પ્રવૃતિનો સમય કાઢી જ લે છે.
  ખૂબ જ આભાર.

 21. Anila Amin says:

  મ્રુગેશભાઈ તમે બહુજ સરસ રીતે નવરાશનો અર્થ સમજાવ્યો છે.પ્રક્રુતિ., ઈશ્વરના દરેક તત્ત્વોને સમજવા માટે ઇરાદાપૂર્વક

  સમય કાઠવો અને પ્રવ્રુતિ માથી નિવ્રુત્તિ , અનેનિવ્રુત્તિમાથી બીજી સર્જનાત્મક પ્રવ્રુત્તિમા મનને જોડવુ એનુ નામ નવરાશ એવ

  કહિએતો ખોટુ નકહેવાય. લખવુ ઘણુ છે પણ હાથે એકાદ મહિનાથી ફ્રેક્ચર થયુછે એટલે હાથ બરાબર કામ નથી કરતો એટ્લે

  મારા વિચારો લખિને વ્યક્ત નથી કરી શકતી. વિચારોતો મગજમા બહુજ ગૂથાય છે.

 22. Sandhya Bhatt says:

  નવરાશની પળોને હું પણ ખૂબ આનંદથી માણું છું. તમારા વિચારો જાણે મારા જ હોય એવું અનુભવું છું.

 23. Vipul Chauhan says:

  મૃગેશભાઈ,

  ખૂબ સુંદર વિચારો.

 24. નવરાશની બે ધડીની મોકળાશ નો આનંદ લેવો જ જોઇએ.

 25. Vaishali Maheshwari says:

  Thank you for this inspiring article.

  I completely agree with all your thoughts on spending some quality time for ourselves by engaging in activities, which would give us immense pleasure, peace and internal happiness.

  I have read this article very keenly and now I will try to implement it in my life too. Thank you once again.
  .

 26. Ashish Dave, Sunnyvale, California says:

  Dear Mrugeshbhai,

  You have hit the nail at a very right point. I absolutely believe that slowing down to enjoy what we have is a must treat. I would suggest my fellow readers to read Eknath Easwaran’s book called “Take your time…”

  Thanks,
  Ashish Dave

 27. Bhalchandra says:

  There are people who are so workaholic, I remember one incident in USA. One physician whose father had died in India, so couple of us,Gujarati couples, went to his house for consolation. It was hardly five minutes passed and leaving us at his home, he left for work in the evening!!! When we meet for dinner, he keeps talking to his patients. He is about 63 years old!!!!There should be life above and beyond daily work.

 28. સુમિત બેનરજી says:

  ખુબ સરસ લેખ છે.ખુબ ખુબ આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.