તારલિયા – જયંતીલાલ દવે

[ બાળગીતોના પુસ્તક ‘તારલિયા’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે ‘રંગદ્વાર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] લાલિયો કૂતરો

લાલિયો કૂતરો લટપટ થાય !
પૂંછડી એની પટપટ થાય !
દિવસે એને હટપટ થાય !
રાતે જો કૈં ખટખટ થાય !
લાલો ભસતો ઝટપટ જાય !
ફળિયું જામી ફટફટ જાય !
ચોર નાસી ઝટપટ જાય !
લાલિયો મારો લટપટ થાય !

[2] ઢોંગીલી ઢેલડ

કોણ કાનમાં કહેતું એને
………. રમવા એક જ તાલે
ભૂખ્યો, તરસ્યો, ભુલકણો આ
………. મોર મસ્તીમાં મ્હાલે !

થાકે નહિ એ પગ પાતળિયા
………. કરી કરી થનગાટ
કેવી ડોલે કલગી ને
………. એ પીંછાનો ઘમકાટ !

રમતાં રમતાં ઢેલડ, જબરી
………. વારંવાર રિસાય,
ખોટી ખોટી કીટા કરે ને
………. મોરલિયો મૂંઝાય.

થૈ થૈ નાચે કરી કળા
………. આ મોર બહુ મલકાય,
ઢોંગીલી ઢેલડને, ભોળો
………. મોર મનાવા જાય.

[3] આવ રે મેઘલા !

આવ રે મેઘલા !
………. નદીએ જાશું,
છીછરા પાણીએ
………. છબ છબ ના’શું.

આવ રે વરસાદ
………. વગડો ગાજે
ગાવડી ચારી,
………. આવશું સાંજે.

આવ રે મેહુલા
………. વાયરો લૈને
છત્રી ઊડે,
………. કાગડો થૈને !

આવ રે રાણા
………. છાપરે કાણાં
ઘૂસીએ ઘરમાં
………. છાનામાના !

[4] શૈલીબહેન બનાવે શીરો

શૈલીબહેન બનાવે શીરો !
જમતો એનો ચિંતન વીરો !
ખાયે ભઈલો ધીરો ધીરો !
એ છે, મારા ઘરનો હીરો !
શીરા સાથે ભજિયાં ખાય !
જીભે ચટ્ટણી ઝમઝમ થાય !
શીરો મીઠો, ચટ્ટણી ફક્કડ !
પાપડ તો ભૈ કેવો અક્કડ !
જરાક અડતાં બોલે તડતડ !
મરચું આવતાં હસી પડ્યા !
સોનલ ફૂલડાં ખરી પડ્યાં !

[કુલ પાન : 42. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન. 15, ગ્રાઉન્ડ ફલોર, યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે, અમદાવાદ-380009. ફોન : +91 79 27913344]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવોદિત સર્જકોની રચનાઓ – સંકલિત
ઘરને નિશાળ બનાવી ન મૂક – રઘુવીર ચૌધરી Next »   

2 પ્રતિભાવો : તારલિયા – જયંતીલાલ દવે

  1. NAYAN GANDHI says:

    ખુબ જ સુંદર પુસ્તક ઘણા જ લાંબા સમય બાદ બાળકો માટે આવુ પુસ્તક મળ્યુ છે ખુબ જ અભીન્ંદન્

  2. Om parmar says:

    મને આ તારલિયા ખુબ ગમ્યા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.