લગ્નજીવનની વેદના – ઈન્દુલાલ યાજ્ઞિક

[સાહિત્યના વિવિધ પ્રકારો પૈકી ‘આત્મકથા’નો પ્રકાર સૌથી દંભી ગણાય છે ! એમાં લખનાર દંભ કરી શકે છે. ઘણું બધું સારું સારું તેમાં ચિત્રિત કરી શકાય છે. પરંતુ કેટલાક જ એવા જાગૃત મહાનુભાવો છે જેમણે આત્મકથામાં પોતાના હૃદયને ખોલ્યું છે. તેમણે માત્ર ભૂલોનો એકરાર જ નહિ પરંતુ જે સમયે જે મનોમંથન હતું તેને તે જ સ્વરૂપમાં રજૂ કર્યું છે. પોતાની નાનામાં નાની ક્ષતિને સમાજ સામે મૂકીને સૌનું ધ્યાન દોર્યું છે કે તમે આ પ્રકારની ભૂલ જીવનમાં ન કરશો. મહાગુજરાત ચળવળના અગ્રણી પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા તેમાંની એક છે. સમાજમાં જાગૃતિનું કામ કરનાર વ્યક્તિ પણ અંગત જીવનમાં પત્ની સાથે કેવું અયોગ્ય વર્તન કરી શકે છે તેનો તેમણે ચિતાર આત્મકથાના આ વિસ્તૃત પ્રકરણમાં આપ્યો છે. તેમની આ આત્મકથા કુલ છ ભાગમાં (છ પુસ્તકો) વહેંચાયેલી છે પરંતુ હાલ તે અપ્રાપ્ય છે. માર્ચ-2011માં તેનું પુનઃપ્રકાશન થનાર છે. – તંત્રી.]

મુંબઈના અભ્યાસ દરમ્યાન નવા સંસ્કાર પડતાં વડીલોએ નિર્ધારેલા મારા બાલવિવાહની સામે મેં સન 1911-12માં, 19-20 વરસની વયે સખત લડત ચલાવેલી. તેમાં નિષ્ફળ થયા પછી મેં કેવી વૃત્તિથી કુમુદ સાથે લગ્ન કર્યું તે મેં જણાવ્યું નથી. તેમ પછીથી જીવનના અનેક વારાફેરામાં હું એકલો જ પૂરપાટ ધસતો અને મોટેભાગે એકાકી જીવન ગાળતાં, એકલો જ રાંધતો-જમતો અને વિહરતો એવો ખ્યાલ આ પુસ્તકમાં મેં આપ્યો છે. અનેક મિત્રો કુમુદના સહજીવનનો સવાલ છેડતા તેને હંમેશ હું સિફતથી ઉડાવી મૂકતો એમ પણ મેં લખ્યું છે. હવે 1921ના જુલાઈ માસમાં જ મારા લગ્નજીવનમાં જીવલેણ કટોકટી આવી ગઈ અને તેને પરિણામે મેં કાયમનો ગંભીર નિર્ણય લીધો. તેથી આ સ્થળે જ કુમુદ તરફ મારી વૃત્તિના થયેલા અનેક પલટા તેમજ મારા લગ્નજીવનનાં બદલાતાં વહેણ વિષે અથથી ઈતિ સુધી સ્પષ્ટ એકરાર કરવાની હું મારી ફરજ સમજું છું.

કુમુદનાં માતા ગુણવંતીલક્ષ્મી-જેમને સર્વ સંબંધીઓ છગીબહેન કહેતાં તે અત્યંત ગૌરવર્ણાં ને રૂપસુંદર હતાં. કોઈ મંગળ પ્રસંગે તે અનુરૂપ વસ્ત્રાભૂષણ સજીને ન્યાતમાં ફરતાં ત્યારે તેમનું મોહક સૌન્દર્ય સર્વને આંજી નાખતું. મારાં બાળપણમાં માતા મણિબાની સાથે તેમને નવરાત્રિના ગરબા ગાતાં હું જોતો ત્યારે તેમનું સોહામણું સ્વરૂપ જોવાની તેમજ તેમના મીઠા સૂર સાંભળવાની મને મજા પડતી. મારા મોસાળના સાખપડોશી ખાનદાન કુટુંબનાં તે પુત્રી હતાં. મારી જ શેરીમાં રહેતા શ્રીમંત સાક્ષર મનસુખરામ ત્રિપાઠીના પુત્ર તનસુખરામ સાથે તે પરણેલાં. તેથી તેમનાં અને મણિબાનાં પિયરનાં સહીપણાં બંનેનાં લગ્ન પછી વધતાં ગયાં.

છગીબહેનની બીજી પુત્રી કુમુદને માતાના રૂપગુણનો ઠીક વારસો મળ્યો હતો. તેમના અને મણિબાના ગાઢ સ્નેહસંબંધને લીધે કુમુદનો જન્મ થતાં જ તે બાળિકાનો વિવાહ મારી સાથે કરવાનું બંને માતાએ નક્કી કરેલું. મારા પિતા 1904માં ગુજરી ગયા તેથી રખેને અમારા ગરીબ કુટુંબ સાથે પ્રતિષ્ઠિત ત્રિપાઠી કુટુંબનો સંબંધ બાંધવામાં કંઈ વિધ્ન આવે એવી દહેશતથી મારાં દુઃખિયારાં માતાએ ઉતાવળ કરીને સન 1905માં મારી તેર વરસની ઉંમરે મારો વિવાહ ત્રણ વરસની કુમુદ સાથે કરી નાખેલો. તે વખતે મોટા ઘરનો જમાઈ થતાં હું ફુલાતો તેમ ત્રણચાર વરસની મારી બાળપત્નીને કવચિત જોઈને હું રાચતો. છગીબહેનના મોસાળ પક્ષનાં કંઈક સંબંધને લીધે કુમુદ અમારી પડોશમાં કવચિત રમવા આવતી ત્યારે એ ગૌરવર્ણી નિર્દોષ બાલિકાને દૂરથી હસતી રમતી જોઈને હું પ્રસન્ન થતો. તે વખતે મારા અભ્યાસમાં તેમજ ધર્મધ્યાનમાં હું બહુ જ તલ્લીન રહેતો. છતાં કવચિત મારા ગંભીર ચિંતનમાં તેનું મીઠું મુખડું ડોકિયું કરતું.

સન 1907માં હું અમદાવાદની કૉલેજમાં ભણતો ત્યારે ભભક ભર્યાં સ્ત્રીત્વનો પ્રભાવ હું કંઈક કંઈક નિહાળતો ગયો, તેમ આ બાળસમણાંની મોહિની ઝાંખી પડતી ગઈ. બે વરસ પછી હું મુંબઈ ગયો ત્યારે તો આઝાદ સ્વભાવની અનેકવિધ કુમારિકાઓ અને સ્ત્રીઓને નીરખતાં મારો વિવાહ મને કૃત્રિમ બંધનરૂપ લાગવા માંડ્યો. કુમુદ મારે ઘેર રમવા આવતી ને કવચિત હું તેને ઘેર જમવા જતો. છતાં અમારી વયનો અને શિક્ષણનો, શારીરિક અને માનસિક ઘડતરનો ભેદ મને ખૂબ સાલતો ગયો. હું બી.એ.ના વર્ગમાં હતો, જ્ઞાનવિજ્ઞાનના અવનવા ક્ષેત્રમાં વિહરતો, ગુર્જરસભામાં સુધારકો પાસેથી ઘણું શીખતો અને રૂઢિરક્ષકો સામે બાથ ભીડતો. તેવે વખતે કૂકા રમતી ને એકડા ઘૂંટતી સુરેખ પણ દૂબળી, અને શાણી પણ નિશ્ચેષ્ટ લાગતી બાળકી મને છેક જ નીરસ લાગતી. તેની સાથે લગ્નનો વિચાર છેક જ અવાસ્તવિક અને અસહ્ય લાગતો ગયો. આ વિચારને પોષવામાં નવાં તત્વો ભળતાં ગયાં. સ્ત્રીઓના સ્વભાવ અને શિક્ષણ વિષે તેમજ કુટુંબમાં તેમના સ્થાન વિષે મારા વિચારો સપાટાબંધ ખીલતા ગયા. ભદ્રંભદ્રશાઈ ન્યાતજાતનાં બંધનનો તેમ સ્ત્રીઓને હલકી પાયરીની ઘરકૂકડી અને સસ્તી રસોયણ ગણવાની રૂઢિનો હું સખત વિરોધી બન્યો. જોન સ્ટુઅર્ટ મીલનું ‘સ્ત્રીઓની ગુલામી’ પુસ્તક વાંચીને સ્ત્રીસ્વાતંત્ર્યની તેની ઉદાત્ત ભાવના મારા મનમાં વિકસતી ગઈ. તે જ વખતે મુંબઈની નવી નારીને પુરુષની સમોવડી બનીને ઘરમાં ને બહાર, સભાઓમાં ને મિજલસોમાં મહાલતી જોઈને હું હરખાતો ગયો.

સ્ત્રીજીવનની સાથે લગ્નજીવનની મારી ભાવના પણ પલટાઈ ગઈ. પુરુષની જેમ સ્ત્રી શિક્ષણ અને સંસ્કારની હકદાર હોય તો તેની બાળવયમાં કે વડીલોનાં શાસનથી તેનાં લગ્ન ન જ થઈ શકે. યુવક અને યુવતી પૂરો વિકાસ પામીને એકબીજાને દિલની પસંદગીથી અને અંતરના ઉમળકાથી જ પરણી શકે, તે જ લગ્ન સુખી અને આદર્શરૂપ બને, તેથી જ બંનેની વચ્ચે જીવનનાં સર્વ ક્ષેત્રોમાં સફળ અને સુખી સહચાર થાય. મીલ અને તેની પત્ની વચ્ચે વરસોની ગાઢ માનસિક મિત્રાચારીની અને અમર પ્રેમની જે કહાણી તેની આત્મકથામાં મેં વાંચી તેની માર મન પર ઊંડી અસર થઈ. વળી મારી આંખ આગળ મનસુખલાલ માસ્તર અને તારાબહેનને પ્રેમલગ્નના અને સહજીવનના લહાવા લેતાં હું જોતો તેથી મારા અંતરમાં અનેક રસરંગ જાગતા. આમ, નડિયાદના સામાજિક આદર્શથી હું ક્યાંય દૂર દોડી ગયો. તેમ કુમુદ સાથે લગ્નના વિચારથી મને કમકમાં આવવા લાગ્યાં. સન 1911માં સુધારાની ભાવનાનો તત્કાળ અમલ કરવાની મારી ફરજ હું સમજ્યો એટલે માતાનું જૂનવાણી દિલ દુભાવીને પણ આ જૂઠો વિવાહ તોડવાનો મેં નિશ્ચય કર્યો. આ લડતમાં મણિબાનો જીવ જોખમમાં મુકાયો ત્યારે જ હું તેમને શરણે ગયો અને દુઃખેપાપે લગ્ન કરવાને કબૂલ થયો.

સન 1914માં વકીલ બનીને હું મોરારજી ચાલમાં કનૈયાલાલ મુનશીની પડોશમાં રહેવા ગયો ત્યારે વળી મારા માનસમાં કંઈક નવો પલટો આવ્યો. હવે હું ગગનવિહારી અભ્યાસી મટીને જીવનનિર્વાહની સાંકડી ઘરેડમાં સપડાયો. મારી ચાલીમાં હું, બીજા અનેક માણસોને તેમની પત્નીઓ સાથે વહેવાર ચલાવતા નીરખતો. પડોશમાં રહેતા રણજિતરામ અને મુનશીની પત્નીઓ થોડી જ તેમની આદર્શ જીવનસહચરી હતી ? છતાં તે સંસાર નિભાવતા તો તેમની સર્વની માફક રૂઢિગત લગ્ન કરીને હું પડ્યું પાનું કેમ ન સુધારી શકું ? મુનશી તે વખતે ‘વેરની વસૂલાત’ નવલકથા લખતા અને અમારી સમક્ષ વાંચતા. તે ઉપરથી અને તેમના જીવનન નિરીક્ષણ પરથી તેમના લગ્નજીવનની કરુણતા સહેજે વર્તાતી. તેમના દિલમાં ભારે અસંતોષ જામતો ત્યારે ઉપયુક્ત ગીતાવાક્ય ઉચ્ચારી પોતાની ફરજ બજાવતા. તેમ હું પણ કેમ ન કરી શકું ? મારા જીવનના સાંકડા સીમાડા નિશ્ચિત થયેલા લાગ્યા. વકીલાતના આરંભના અનુભવ પરથી જ હું સમજી ગયો કે મને કંઈ ભારે લક્ષ્મી કે સત્તા મળવાની નથી – ટૂંકી કમાણી કરીને અને કદાચ કંઈ લેખ કે પુસ્તક લખીને જ મારે જીવન સમેટવાનું છે. વળી કુમુદ સાથે લગ્ન કરવાનું તો મેં મણિબાને વચન આપેલું. તેના પર સ્વયંભુ પ્રેમ ન પ્રગટે તો ઉદાર વાત્સલ્યભાવથી તેથી સાથે જીવન કેમ ન નિભાવી શકાય ?

આવી મનોદશામાં હું તે જ સાલના ઉનાળામાં માતના આદેશથી કુમુદ સાથે લગ્નવિધિથી જોડાયો. તે વખતે મારા દિલમાં જો આનંદ નહોતો તો મારી આંખોમાં આંસુ પણ નહોતાં. માતૃભક્ત પુત્ર બનીને કંઈક વૈરાગ્યભાવથી હું ચોરીમાં બેઠો. એક સુશીલ અને સુકુમાર કન્યા તરફ કંઈક ભાવથી લગ્નપ્રસંગ ઊજવીને હું મુંબઈ પાછો ફર્યો. એ પછીના 1915ના વરસમાં મણિબાનું અવસાન થતાં કુટુંબના સંબંધની છેલ્લી કડી તૂટી ગયેલી લાગી. માજીના બંધનના અંધારા ભોંયરામાં હું પુરાયેલો હતો ત્યારે કુમુદને સુખદુઃખના સાથી તરીકે વશેકવશે હું નિભાવવા તૈયાર થયેલો, પણ તેમાંથી છૂટતાં અને જીવનના પૂર્ણ પ્રકાશમાં વિહરતાં મારું માનસ છેક જ નિર્બંધ અને આઝાદ બની ગયું. તરત મેં ‘નવજીવન’ પ્રગટ કરવા માંડ્યું ને પછી હિંદ સેવક સમાજમાં જોડાઈને સેવાનું જીવનવ્રત લીધું. મારી દષ્ટિથી મારો આધ્યાત્મિક પુનર્જન્મ થયો. એક ભવમાં બીજો ભવ થયો. તેથી મારે મન પૂર્વાશ્રમનાં બધાં નાતજાતનાં ને કુટુંબનાં બંધન તૂટી ગયાં અને સાથે લગ્નસંબંધની માયા પણ મારા મગજ પરથી સરી ગઈ. હિન્દ સેવક સમાજના બધા સભાસદ આવું માનસ નહોતા ધરાવતા. ઘણાયે પોતાના ભરચક કુટુંબ સાથે સમાજના મકાનમાં રહેતા. પણ ઠક્કરબાપા સુદ્ધાંત સર્વ ગુજરાતી સભાસદ કંઈક વૈરાગી વૃત્તિથી સમાજમાં દાખલ થયેલા. મારા મનમાં તો અધ્યાત્મ ભાવનાના જૂના સંસ્કાર ઘર કરીને બેઠેલા, તે સમાજના નવા વાતાવરણમાં સહેજે પ્રદીપ્ત થયા. મારા રોમરોમમાં ઉત્કટ સાધુવૃત્તિ જાગી ગઈ. હું સમાજમાં જોડાતાં રાજકીય સંન્યાસી બની ગયો. તેમાં કોઈ કુટુંબી માટે અણુમાત્ર સ્થાન ન રહ્યું. તો પછી સ્ત્રી જેવી નિકટની સાથી માટે તો કંઈ સંભવે જ કેમ ? મારા વૈરાગી અને દેશાભિમાની માનસ માટે એક બીજો કોયડો ઊભો થયો. ત્રેવીસ-ચોવીસ વરસ સુધી ઉત્કટ આન્તર્જીવનમાં મસ્ત રહેતાં અને એકલવાયું જીવન ગાળતાં હું બીજા માણસ સાથે સહજીવન ગાળવાની વૃત્તિ ગુમાવી બેઠો હતો. ભરેલા કુટુંબમાં રહેતાં અંગત જીવનમાં જે થોડીઘણી સમાધાનવૃત્તિ સહેવી પડે છે, તેનો મારામાં અંશ પણ નહોતો. હવે તો દેશ અને પ્રજાની સેવાનું જે મહાકાર્ય મેં હાથ ધર્યું, તેમાં જરા પણ ન્યૂનતા કોઈ પણ વ્યક્તિ માટે હું સાંખું કેમ ? આ નવી દલીલ મારા મગજે બરાબર ઝડપી લીધી અને તેથી હું કૌટુંબિક દષ્ટિથી પાકો એકલપેટો માણસ બની ગયો.

સમાજનાં બે વરસ દરમ્યાન હું હરણફાળે ચોપાસ ધસતો હતો તે દરમ્યાન એક દિવસ નડિયાદ જતાં ઓચિંતો કુટુંબીઓના સાંડસામાં સપડાયો. તે દિવસથી જ કુમુદને મારે ઘેર રાખવાનો આદેશ મને મળ્યો. કુમુદ આવીને મને મળી. તેના જેવી કોમળાંગી પણ બાળકબુદ્ધિ બાળાને જોતાં કુદરતી વાત્સલ્યભાવ મારા દિલમાં વ્યાપી ગયો. થોડા દિવસ હું તેની સાથે ઘરમાં રહ્યો ત્યારે અમારાં ભૌતિક જીવન એક થયાં પણ મન છેક અળગાં રહ્યાં. વળી પાછો ચાર દિવસનું આકસ્મિક સ્વપ્ન વીસરી જઈને હું મારે પંથે પડ્યો. અમારી વચ્ચે ઘડીક જામેલા સંબંધના બારીક તંતુને સરળ અને સ્થિર કરવાને વડીલોએ અનેક તક સાધી. ઈરાકથી માંદો પડીને હું પાછો સ્વદેશ આવ્યો ત્યારે મારી સારવાર કરવાને બામા કુમુદને લઈને સમાજના મકાનમાં રહેવા આવ્યાં. પણ હું તે વખતે શંકરલાલને ઘેર જ રહેતો તેથી કવચિત જ તેને મળતો. તરત મેં સમાજ છોડ્યો તેથી એ ઘર સમેટાઈ ગયું – બામા નડિયાદ ગયાં ને કુમુદ તેના પિતાને ઘેર ગઈ. વરસની આખરે રમણભાઈના મંદવાડ દરમ્યાન કુમુદે મારી પ્રદક્ષિણા કરી પણ ઝાઝો મેળ ખાધો નહિ. સન 1918ના આરંભમાં અમદાવાદમાં મેં હવેલીની પોળમાં ઘર માંડ્યું. ત્યાં બામાની સાથે કુમુદ પણ મારી મહેમાન બની. પણ દોઢેક માસમાં તે ઘર પણ વીંખાઈ ગયું. ફરી વાર હું આઝાદ બનીને મારા કામે લાગી ગયો. આ કાળ દરમ્યાન કુમુદને કવચિત મળતાં અને તેની સાથે થોડો આનંદવિનોદ કરતાં હું કોઈક વાર તેને યાદ કરીને કંઈક રસિલા, કંઈક રમતિયાળ પત્રો લખતો. પછી લાલ દરવાજે શારદાબહેનને ઘેર તે રહેવા આવી ત્યારે મેં એમ ધારેલું કે તેમનાં તેજસ્વી અને આનંદી બાળકોના સહવાસથી તેનાં નમેલાં નયનમાં કંઈક તેજ આવશે – તે કંઈક વાંચી શીખીને હોશિયાર અને બોલકણી થશે. પણ કમનસીબે તે તો ગરીબ ને ગભરુ બાળા જ રહી. પછીની સાલમાં હું આસ્ટોડિયા રોડ પર ને કોચરબમાં રહેતો ત્યારે કુમુદને કોઈક વાર લીલાબહેનને અને બાલાભાઈનાં પત્ની કમળાબહેનને મળવા લઈ ગયો. પણ કોઈની સાથે તેના અંગત સંબંધ વધ્યા જ નહિ. તે પોતાની પાંખોથી જરાયે ન ઊડે. અને તેના જીવનનો બધો ભાર મારી ઉપર જ મૂકે, નબળા દિલની પ્રબળ લાગણીથી માત્ર મને જ તે જીવનભર વળગી રહે – એ મને અસહ્ય લાગતું.

સન 1919માં ગુજરાત કૉલેજની પાછળ હું બચુભાઈ ને બંગલે રહેતો ત્યારે અમારા સંબંધમાં પહેલી કટોકટી ફરકી ગઈ. દુકાળના કામસર મેં પંદરેક દિવસનો પ્રવાસ ગોઠવ્યો. બહારગામ જવાને આગલે દિવસે કુમુદ માંદી પડી. મારે માથે ધર્મસંકટ આવી પડ્યું. ઘરમાં બીજું કોઈ જ નહિ તો હું શું કરું ? કેટલાય દિવસથી ચોપાસ સંખ્યાબંધ કાગળો લખીને જે કાર્યક્રમ ઘડેલો તે રદ પણ કેમ થાય ? તરત મારી રીતે મેં આ મુસીબતનો ઉકેલ કાઢ્યો. પાસેની કૉલેજમાંથી નડિયાદના એક ઓળખીતા વિદ્યાર્થીને મેં બોલાવીને તેની સાથે કુમુદને નડિયાદ વિદાય કરી. એક સ્ત્રીની બીમારીની સારવાર કરવાને આટલું બધું કામ નેવે મૂકું અને આટલા બધા કાર્યકરોને નિરાશ કરું એ મને અશક્ય લાગ્યું. આથી કદાચ તેનું કોમળ કાળજું ઘવાયું હશે. મારી જાહેર ફરજની દષ્ટિથી હું નિરુપાય હતો. પ્રવાસ પૂરો થયા પછી કવચિત તેને નડિયાદમાં મળીને મેં તેને બનતું સાંત્વન આપ્યું. થોડા માસ પછી આસ્ટોડિયા રોડ પર ફરી શારદાબહેનના ઘરમાં રહેતાં મેં આશારામને નોકર તરીકે રાખ્યો. ત્યારથી અમારા સંબંધે વળી નવો પલટો ખાધો. હવે આશારામ બહારથી સરસામાન લાવતો તેમ ઘરમાં તે રસોઈ પણ કરતો. તેથી ઘરકામની બધી ચિંતામાંથી કુમુદ મુક્ત થઈ. ઉપરાંત બહારના કામમાં તે એક્કો હતો. તેથી જ્યારે આ ઘરમાં કુમુદ થોડા દિવસ રહેવા આવી ત્યારે તેનું બધું રોજિંદું કામ બીજાએ ઉપાડેલું જોઈને તે છેક હતાશ થઈ. વળી શારદાબહેનના ઘરમાં સર્વના આનંદપ્રમોદમાં તે જરાયે ભળી શકતી નહિ – ઊંડી આંખે અને દુઃખી દિલે બધું માત્ર ટગર ટગર જોયા જ કરતી. તેથી તેનું મગજ વધારે નબળું પડતું ગયું ને તેનું હૃદય વધારે સંકોચાતું ગયું. તેની કાંતિ અને કળા ક્ષીણ થતી ગઈ. તેમ તેના કરમાતા નીરસ વ્યક્તિત્વથી છેક નિરાશ થઈને હું તેનાથી વધારે વિમુખ થતો ગયો. ઘરકામ માટે હું આશારામને બોલાવતો અને બાકી રાતદિવસ મારી ધૂનમાં જ રહેતો. તેથી એક ઘરમાં રહેવા છતાં અમારી વચ્ચે અબોલા થવા લાગ્યા. કુમુદ કંટાળીને થોડા જ દિવસમાં પિયેર ગઈ.

અમારા સહજીવનનો છેલ્લો કાળ મારે માટે દુઃખદાયક બન્યો-કુમુદ માટે તે અસહ્ય બન્યો. મારા જીવનની પૂરી શક્તિ મેં સમાજસેવા પર એકાગ્ર કરી હતી, તેમ તેણે જૂના સંસ્કારને લીધે તેના અંતરનો ભાવ મારા જેવા નગુણા પતિ પર જ કેન્દ્રિત કર્યો હતો. મારી મુસાફરીનો તો પાર જ ન હતો. અમદાવાદમાં હોઉં ત્યારે હું ઘરમાં સવારમાં જ રહેતો અને આશારામ મને ભોજન પીરસતો તે ખાઈને હું બહાર નીકળી જતો. મોડી રાતે હું ઘેર આવીને ખુલ્લામાં ઘસઘસાટ ઊંઘી જતો. કુમુદ સવારથી સાંજ સુધી ઘરમાં જ પુરાઈ રહેતી. ઘણાંય સગાંસંબંધી હોવા છતાં અને ફાવે તેમ હરવાફરવાની પૂરી છૂટ હોવા છતાં તે શીંગડું વળીને ઘરમાં જ બેસી રહેતી. તે મારું ધ્યાન ધરતી અને હું તો હવે તેની સાથે અબોલા રાખતો, તેથી તેના દુઃખની પરાકાષ્ઠા આવી. 1921ના જુલાઈ માસમાં હું કોચરબમાં બંગલામાં રહેતો. ત્યાં કુમુદ રહેવા આવી તે વખતે તેનો દયામણો ચહેરો જોતાં જ હું ચિડાતો. તે જાણે મારી બેદરકારી સામે ત્રાગું કરીને મને સતાવતી હોય એમ મને લાગતું. હવે હું કુટુંબનાં, લગ્નનાં, વાત્સલ્યનાં – બધાં બંધનથી પર થઈ ગયો. તે વખતે કેટલાય પ્રદેશમાં દુકાળની હોળી સળગતી હતી. જથ્થાબંધ ઘાસ અને અનાજ ખરીદી દાહોદ-જંબુસર મોકલવાની જ ચિંતાથી મારું મગજ ઘેરાયેલું રહેતું. હું ઘણીય વાર બહારગામ જતો, અને શહેરમાં રહેતો ત્યારે પણ કુમુદને તો ભાગ્યે જ મળતો. મારા કામમાં કંઈ તે સમજતી નહિ, કંઈ રસ લઈ શકતી નહિ. આ ઘરમાં ત્રીજે માળ અગાશી હતી, ત્યાં જ મોડી રાતે આવીને હું સૂઈ જતો અને સવારે દશ વાગ્યામાં જમી-પરવારીને હું નાસી જતો. હવે મારા પર રચેલી બધી આશા કુમુદને વણસી જતી લાગી. તેના એકમાર્ગી દિલને આવું એકલવાયું ને તરછોડતું જીવન ઝેર જેવું લાગ્યું. તેના સ્વાત્મમાનના છેલ્લા અવશેષ ઘવાયા. તેનું કોમળ હૃદય બળીને ખાખ થયું. તેણે જીવનનો અંત આણવાનો નિશ્ચય કર્યો.

એક દિવસ બજારમાં કંઈ દવા લાવવાને બહાને જઈને તે મોરથૂથુ લઈ આવી. સવારમાં જમ્યા પછી બારેક વાગે તે હતાશ બાળા એ ઝેર પી ગઈ. પાસે ફરતા આશારામે એને જરા બેભાન થઈ જમીન પર ઢળતી જોઈ, તેવું જ પાસે પડેલા પ્યાલામાં તેણે ઝેર પિછાન્યું. તરત તે મારા દાક્તર મિત્રો પાસે દોડી ગયો. દાકતર કાનૂગા તરત જ ઘેર આવી પહોંચ્યા અને તત્કાળ યોગ્ય દવા આપીને તેના શરીરમાંથી ઝેર કાઢી નાખ્યું. સાંજે હું બહારગામથી આવ્યો ત્યારે મારા કાર્યાલયમાં માવળંકરની ચિઠ્ઠી વાંચીને હું ઘેર દોડી ગયો. તે વખતે અનેક કુટુંબીઓ શહેરમાંથી અને નડિયાદથી ત્યાં આવી પહોંચ્યા હતાં, તે વખતે કુમુદની જીવનદોરી બચી ગઈ હતી. બીજે દિવસે તેનાં પિયરિયાં તેને નડિયાદ લઈ ગયાં. આ પ્રસંગથી હું દુઃખી અને ચિંતાતુર થયો. પછી થોડા દિવસે તેની ખબર કાઢવા હું નડિયાદ જતો. પણ તેથી અમારા કાયમના સંબંધમાં કંઈ ફરક પડે એમ નહોતું. હું તો એક પછી બીજી પ્રવૃત્તિમાં પૂરપાટ ધસતો જ ગયો. બે મહિના પછી સખત માંદગીથી પટકાઈને હું મુંબઈ ચાલ્યો ગયો.

દરમ્યાન થોડા દિવસમાં જ આ બનાવનાં કંઈક ગંભીર પરિણામ આવ્યાં. મારા લગ્નજીવન પર રહેલો આછોપાતળો પડદો એકાએક ચિરાઈ ગયો. મારા રાજકીય મંડળોમાં મારા પર સખત ટીકા થવા લાગી. કોઈ સ્ત્રીઓ સાથે મારું નામ જોડીને અમારા પર કુમુદના આપઘાતનો ટોપલો ઢોળવામાં આવ્યો. કોઈએ ગાંધીજીને કાગળ લખીને કંઈક રંગબેરંગી હકીકત જણાવી. તેમણે મને રૂબરૂમાં મળી જવાનો સંદેશો મોકલ્યો. હું તેમને મળવા મુંબઈ ગયો ત્યારે તેમણે ઊંડી સમજ અને પૂરી દિલસોજીથી આવા સવાલની ચર્ચા કરી. શરૂઆતમાં જ તેમણે સાફ કહ્યું કે આવી અંગત બાબતની ચર્ચા કરવાનો તેમનો કોઈ અધિકાર નથી. હું તેમને રજા આપું તો જ તે ચર્ચા કરે. તરત જ મેં બધી વાત રજૂ કરવાની ખુશી બતાવી એટલે તેમણે વાત આગળ ચલાવી. આ બનાવમાં કોઈ સ્ત્રી સાથે મારો સંબંધ કારણભૂત છે ? – એ સીધો સવાલ તેમણે મને કર્યો. મારા અનેક સંબંધની તેમણે ચકાસણી કરી. મેં સાફ કહ્યું કે મારા સર્વ સંબંધ કૌટુંબિક અને મિત્રભાવના છે. મારા જીવનના સંયોગોને લીધે મારા અંતરમાં માતૃગ્રંથિ જામેલી છે. ને તેથી અનેક બહેનોને ઘેર દિલનો વિસામો શોધું છું. પણ તેમાં કંઈ પણ અનિષ્ટ કે મલીન તત્વ નથી તેની મેં તેમને સો ટકા ખાતરી આપી. પછી તેમણે કુમુદ સાથે મારા સંબંધની ચર્ચા કરી. પ્રથમ તેમણે શરીરસંબંધ રાખ્યા વિના તેની સાથે શુદ્ધ દંપતી જીવન ગાળવા – એમ ન બને તો છેવટે ભાઈબહેન તરીકે પણ મીઠાશથી મિત્રભાવે રહેવા મને સમજાવ્યો. મેં તો ચોખ્ખી એક જ વાત ફરીફરીને કહી : મારું મગજ એવી પરિસ્થિતિ પર પહોંચ્યું છે કે કુમુદને જોતાં વાર જ જીવનનો બધો રસ ઊડી જાય છે, મારી બુદ્ધિનો હ્રાસ થાય છે, મારો બધો ઉત્સાહ મરી જાય છે અને ઘરમાંથી નાસી જવાનું જ મન થાય છે. આ સ્થિતિમાં મારે શું કરવું ? – એ સવાલ મેં સામો તેમને પૂછ્યો. આ મુદ્દા પર ગાંધીજીએ ફરીફરીને મારી ઊલટતપાસ કરી જોઈ. છેવટે તેમને ખાતરી થઈ કે અમારી વચ્ચે કોઈ પણ સ્વરૂપે સહજીવન અશક્ય છે અને કદાચ ફરી વાર તેના જીવનું જોખમ પણ થાય. ત્યારે તેમણે ચોખ્ખો માર્ગ સૂચવ્યો : મારે કુમુદને અને તેના પિતાને ખુલાસાવાર પત્રો લખીને મારી માનસિક દશાનું વર્ણન કરવું અને ભવિષ્યમાં કુમુદ સાથે રહેવાની અશક્તિ જણાવવી. ગાંધીજીની સૂચના મુજબ બીજે જ દિવસે મેં કાગળો લખી દીધા. આમ ગાંધીજીની અને મારી દષ્ટિથી હું કુમુદના અળખામણા સંબંધથી સદાને માટે મુક્ત થયો.

કુમુદના લાંબા મંદવાડ કે ગંભીર અશક્તિને લીધે આ મહત્વના કાગળ તેને અપાયા નહિ હોય; કારણ કે પછીથી તેણે લખીને રાખી મૂકેલા કે ટપાલમાં મને મળેલા કાગળમાં, ગાંધીજીની સલાહથી મેં લખેલા કાગળની જાણ કે નોંધ નથી. સાથે એ પણ ચોક્કસ છે કે તેના સમજુ અને અનુભવી વડીલોએ મારા કાગળને આખરી નિર્ણય તરીકે ઘણા જ દુઃખ સાથે સ્વીકારી લીધો. તેથી તેને રદ કરવા કે સુધારવાને મને તેમણે કંઈ કાગળ કે સંદેશા કદીયે મોકલ્યા નહિ. તેમની જ સમજાવટથી કુમુદે પણ આગળની માફક ફરી વાર મારે ઘેર આવવાનું સાહસ કર્યું નહિ. ને અમારો પ્રત્યક્ષ મેળાપ કદી થયો નહિ.

પછીનાં વરસોમાં હું કુમુદ વિષે છેક જ નિશ્ચિંત બનીને મારો જીવનસંગ્રામ ખેલતો ગયો. ત્યારે તેણે વળી જાણે મારું મન મેળવવાને નવી તપશ્ચર્યા આદરવા માંડી. તેના આપઘાતના પ્રયાસથી મને વીફરેલો માનીને તેણે મારી માફી માગવાને કવચિત કાગળો લખ્યા અને કદાચ તે વાંચીશ પણ નહિ એમ ધારીને તેની નકલ પોતાની નોંધપોથીમાં રાખી. આવા જે અનેક કાગળો તેણે વરસો સુધી મને ઉદ્દેશીને લખ્યા હતા તે હમણાં મને જોવા મળ્યા છે. તેમાં તે ફરીફરીને ક્ષણિક ભૂલ માફ કરવા મને અદ્દભુત ભાવથી લખીલખીને સમજાવે છે અને જાણે અણદીઠાં આંસુ સારીને તેને અપનાવવા મને આજીજી કરે છે. કોઈ કાગળમાં મારા પર જરા રોષ પણ ઠાલવે છે, મારા જેવી સખત અને હૃદયહીન થવાની ધમકી આપે છે અને પોતાના જીવનની નવી યોજનાઓ કરે છે. આ કાગળો વાંચતાં લાગે છે કે તેણે મારા પ્રેમથી વંચિત થવાથી સોરી સોરીને તેનું શરીર ઘસી નાખ્યું અને કાળજું બાળી નાખ્યું. આટલાં વરસ પછી આ કાગળો વાંચતાં મારા દિલમાં ચિરાડો પડે છે અને તેની કારમી યાતનામાં કારણભૂત બનવાને માટે હું શોક અને શરમ અનુભવું છું.

કુમુદે એ જ હેતુસર તેના જીવનમાં એક નવું પ્રકરણ શરૂ કર્યું. હવે તે સમજી ગઈ હતી કે નરી આંસુ સારતી લાગણીવશ સ્ત્રીને હું કદી મચક નહિ આપું અને દંપતીજીવનના મારા ખ્યાલ મુજબ મારી સમોવડી અને સહાયક બને એવી પત્નીને જ હું માન આપું. તેથી મને અનુરૂપ સહચરી તેમજ સ્વતંત્ર અને સ્વાશ્રયી બનવા માટે તેણે નવા જ્ઞાન અને તાલીમ લેવાને અવિરત પ્રયાસ આદર્યા. મુંબઈના હિન્દુ સ્ત્રીમંડળના વર્ગમાં તેણે સંગીત, અંગ્રેજી અને સંસ્કૃતનો કંઈક અભ્યાસ કર્યો. સુરતના અને મુંબઈના વનિતા વિશ્રામની શિક્ષણાનુભવ શાળામાં તેણે શિક્ષિકા થવાની તાલીમ લીધી. મારા પત્રવહેવારમાં મદદરૂપ થવાને તેણે ટાઈપરાઈટિંગ પણ થોડું શીખી લીધું. વરસો પછી મુંબઈમાં હું થોડો વખત ચિત્રપટનો ધંધો કરતો ત્યારે કુમુદે મને અનુકૂળ થવાને સિનેમાની નટી થવાનાં પણ સ્વપ્નાં સેવ્યાં. કુમુદના આ બધા પ્રયાસનો મુખ્ય હેતુ તો સફળ ન થયો. તો પણ તે કંઈક સ્વતંત્ર પ્રવૃત્તિ કરીને આશ્વાસન મેળવતી ગઈ. સન 1926 પછી તે મોટે ભાગે નડિયાદ રહેતી. દરમ્યાન તે સાક્ષરશ્રી ગોવર્ધનરામનાં પત્નીના સ્મરણાર્થે સ્થપાયેલા લલિતાવનિતાશ્રમમાં શિક્ષિકા તરીકે સેવા આપતી. શિક્ષણકાર્યમાં સારી પ્રગતિ કરીને તે સ્થાનિક લોકલબોર્ડની શાળા કમિટીની સભાસદ નિમાઈ. બાળસપ્તાહ જેવા સાર્વજનિક કાર્યક્રમમાં તે ભાગ લેતી, છતાં મારી જરાયે નજીક તે આવી શકી નહિ, તેથી તે દુઃખિયારું જીવન ગાળતી.

હું કુમુદના કોઈ કાગળનો જવાબ આપતો નહિ. તેમ પ્રત્યક્ષ મળવાના તેના જૂજ પ્રયાસોની હું નિષ્ઠુરપણે અવગણના કરતો. સન 1923-24 દરમ્યાન હું યરોડા જેલમાં હતો ત્યારે તેણે મને મળવાની માગણી કરી તેની મેં જેલના અધિકારીઓ મારફત ચોખ્ખી ના પાડી. મુંબઈમાં એક વાર રસ્તામાં તે સામેથી દેખાઈ ત્યારે હું આડો ફરીને ચાલ્યો ગયો. ‘હિન્દુસ્તાન’ પત્રમાં હું કામ કરતો ત્યારે તેણે બધી હિંમત ભેગી કરીને, મને ટેલીફોન કર્યો. પણ તેનો અવાજ પારખતાં છણકો કરી મૂકી દીધો. આવું કંઈક કંઈક બનતું જ ગયું તેથી તેનું દિલ છેક જ ભાંગી ગયું. છેવટે તેને ક્ષયનો રોગ લાગુ પડ્યો. સન 1929માં તે જીવલેણ નીવડ્યો. એક દિવસ સાંજે હું એક સિનેમામાં ગયેલો ત્યારે એક મિત્રે છાપાની કંઈ ખબર વાંચવા આપી. તે પરથી જ કુમુદના અકાળ અવસાનની મને ખબર પડી !

સન 1921માં હું કુમુદથી છૂટો પડ્યો તે પહેલાં જ કુમુદ સાથે મારા અણબનાવની ને પછી તેના સમૂળા ત્યાગની ખબર મારા જ્ઞાતિજનોમાં અને બહોળા મિત્રમંડળમાં પસરી હતી. નડિયાદનાં સગાંસંબંધીઓ મારા ધૂની જાહેરજીવનને ભાગ્યે જ પિછાનતાં, અને મારી સુધારાની ભાવનાને નાપસંદ કરતાં. તે તો સદ્ધર ત્રિપાઠી કુટુંબના જમાઈ તરીકે અને કુમુદના પતિ તરીકે જ મારી કિંમત કરતાં. તેથી તેના વિયોગની વાતો ફેલાતી ગઈ, તેમ હું કવચિત નડિયાદ જતો ત્યારે વડીલો અને સંબંધીઓ કાં તો મારી સામે ભેદી મૌન સેવતાં, વ્યંગમાં મને ટોણા મારતાં, અથવા મને સમસમતાં વેણથી વીંધી નાખતાં. અમદાવાદ, મુંબઈ, સુરત વગેરે અનેક શહેરમાં મારી મીઠી મહેમાનગતી કરનાર સ્ત્રીઓ મને જોતાં જ મારી પાછળ કુમુદનો પડછાયો નીરખતી અને તેના સુખદુઃખ વિષે સવાલો અને આક્ષેપોની ઝડીઓ મારા પર વરસાવતી. હું બેફિકરાઈથી ઉડાઉ જવાબ આપતો ત્યારે વળી કુમુદની વધારે વાતોથી અને તેનાં વીતકની કહાણીઓથી તે મને નવાજતી. તેના અવસાન પછી પણ વરસો સુધી તેની છાયા મારી આસપાસ ફર્યા કરતી. અનેક વડીલો અને મિત્રો તેનો પક્ષ લઈને મને ઘણાં કડવાં વેણ કહેતા અને મારા ભણતર અને સોબત પર સખત આક્ષેપ મૂકતા. કુમુદના આખરી ત્યાગથી કુમુદનાં કુટુંબીઓ બાદ કરતાં કદાચ વધારેમાં વધારે દુઃખી મારા દાદા ઝવેરીશંકર, દાદી નાનીબા અને માતામહી બામાં થયાં હશે. કમનસીબે સન 1921 પછી મોટે ભાગે કુમુદના કારણને લીધે જ તે વડીલોને હું મળ્યો નહિ, તેમની આગળ કંઈ ખુલાસો કર્યો નહિ અને તેમની માફી માગી નહિ. પછી એક વરસમાં નાનીબા અને બે વરસમાં દાદા ગુજરી ગયાં. તે મરણશય્યા પર પોઢ્યા ત્યારે મને ખબર પડી નહિ અને તેમનાં દર્શન કરવા હું ગયો નહિ. બામા થોડાં વરસ રમણભાઈ સાથે ભાવનગરમાં રહીને આખરી અવસ્થામાં નડિયાદ તેમના ભાઈ-મામા દોલતરામને ત્યાં આવી રહ્યાં. ત્યાં અપાર વેદના સહન કરીને 1927માં અવસાન પામ્યાં. પણ એ વહાલસોયાં દાદીનાં દર્દ અને મૃત્યુથી હું છેક અલિપ્ત રહ્યો તે આજે મને સાલે છે.

આવાં અનેક વડીલોએ કંઈ કડવાં વેણ મને કવચિત સંભળાવ્યાં હશે. પણ આજે તો આટલા વરસના પડદા વીંધીને, અંતકાળને આરે ઊભેલી કુમુદનો આર્તસ્વર મને સંભળાય છે. વરસોની યાતનાથી હાડપિંજર સમી બનેલી એ તપસ્વી બાળાના બિડાયેલા પણ થરથરતા હોઠ અને અદશ્ય આંસુથી ટમટમતાં નયન મારા પર કારમું તહોમતનામું પોકારે છે : ‘હું તમને કેવા કોડથી પરણી ? તે પહેલાં તમે લગ્નનો ગમે તેટલો વિરોધ કર્યો હશે. પણ તમે મોટા બી.એ. અને વકીલ થઈને સમજુ ઉંમરે મારે ઘેર પરણવા નહોતા આવ્યા ? પછી હું તમારે ઘેર આવી ત્યારે પહેલી તો તમે કેવા હેતથી મને સ્વીકારી અને મને કેવા મીઠા કવિત્વમય કાગળો લખ્યા ? કેવા ભાવથી તમે અનેક વાર તમારે અમદાવાદને અનેક ઘેર મને બોલાવી ? પણ થોડા દિવસ બાળકની માફક મારું પાલન કરીને તમે મારી ઉપેક્ષા કેમ કરતાં ? તમે શું કરવામાં બાકી રાખી છે ? હું અહર્નિશ તમારો સહવાસ ઝંખતી ત્યારે તમે બીજી સ્ત્રીઓ સાથે જ વધારે આનંદવિનોદ નહોતા કરતા ? હું જરા માંદી પડતી ત્યારે તમે મારી કશીયે પરવા કર્યા વિના મારે પિયેર નહોતા મોકલી દેતા ? હું તમારી સેવાની પ્યાસી હતી ત્યારે તમે માનીતો નોકર રાખીને મને તમારા સંસર્ગમાંથી પૂરી વંચિત કરી ! તમે એ નોકર સાથે હસીખુશીથી વાતો કરતા ત્યારે મારા જેવી તમારી પરણેલી સ્ત્રી સાથે તમે કારમા અબોલા આદર્યા ! છેવટે મારા જીવનથી કંટાળી તમારા ઘરમાં જ મેં મરણપથારી કરી ત્યારે એ કાળમુખા નોકરે મારી ચાડી ખાઈને મને જીવતું મોત સહેવાને શા માટે જીવતી રાખી ?

પછી તમે તો મને સહેલાઈથી ફેંકી દીધી. પણ હું ક્યાં જાઉં ? હું શ્રીમંત સાક્ષર કુટુંબની દીકરી. એક વાર તમારી વિવાહિતા પત્ની અને જૂજ સમયની ગૃહિણી બન્યા પછી હું શું કરું ? મારે તમારી જીવનસાથી અને તમારા બાળકની માતા થવાની કેટલી ઝંખના હતી તેની તમે હોળી કરી. પછી મને આ જિંદગી આકરી લાગી છતાં હું તમને જ ચાહતી. તમારે યોગ્ય થવાને મેં શું શું કર્યું, શી શી મહેનત કરી ! પણ તમે તો તેની કોડીની જ કિંમત કરી ! અકસ્માતથી તમારી સાથે મારી નજર મળી ત્યારે તમે માનવધર્મ ચૂકીને મને જીવતી કાપી નાખી ! આ તમારાં ભણતરને અને તમારા સેવાવ્રતને, તમારા સ્ત્રીબહુમાનને અને તમારી ધર્મભાવનાને શોભે છે ? હું તો રિબાઈ રિબાઈને સ્વધામ પહોંચી ગઈ. પણ ભવિષ્યમાં માત્ર સુધારાના સ્વાંગથી અને જોશીલાં ભાષણોથી ધરાશો નહિ. પણ તમારું કઠણ કાળજું જરા કૂળું કરી મારાં જેવાં નોંધારાં અને એકલવાયાં તરફ કંઈ લાગણી રાખી તેમની શાણી સેવા કરશો અને જરા પાછું વાળીને મારાં સ્વજન પાસેથી મારી કહાણી જાણીને મને કદી યાદ કરશો તો તમારી સદગતિ થશે.’ આવાં ખરાવાદી વચન સાંભળી હું શરમિંદો બની માથું ખંજવાળતો અને અંગૂઠાથી જમીન ખોતરતો અવાક બની જાઉં છું, અને જાણ્યે અને અજાણ્યે કરેલા પાપ માટે પશ્ચાતાપ કરીને કુમુદ આગળ મારું ઉન્મત્ત મસ્તક નમાવીને માફી માગું છું.

કુમુદનો પડછાયો પાછો અંતરિક્ષમાં સમાઈ જાય છે ત્યારે ફરી હું મારું અંતર ઉકેલું છું અને તેમાં છુપાયેલી બે વાત નમ્રપણે દિલસોજ વાચકને સાદર કરું છું. મારા બાળપણના ઘડતરની જે કહાણી મેં રજૂ કરી છે તેમાં એક મુદ્દો ઉમેરવાનો રહ્યો છે. અકાળે ધર્મ અને તત્વજ્ઞાનનું ચિંતન કરતાં હું અંતરના વિચારો અને ભાવનાઓનો રસિયો બન્યો. તેમાં જ મને સાચું પરમ જીવન દેખાતું. તેને મુકાબલે બાહ્ય સંસારવહેવારનું જીવન નશ્વર અને માયાવી લાગતું. આ બેની વચ્ચે જ્યારે મને વિરોધ દેખાતો, ત્યારે અંતરની પ્રેરણાને જ અનુસરવાનો પરમ ધર્મ હું માન્ય કરતો. મુંબઈમાં સ્ત્રીજીવન અને લગ્નસંબંધ વિષે હું નવેસર વિચાર કરતો થયો ત્યારે નવી ભાવનાસૃષ્ટિ મારા દિલમાં ખીલી ગઈ. તેમાં જરા પણ સમાધાન પાપરૂપ લાગતું. તેથી જ મારા બાળવિવાહ સામે મેં લડાઈ આદરી. તેમાં છેવટે હું હાર્યો. તોયે અંતરમાં તો હું મારી ભાવનાસૃષ્ટિને જ વફાદાર રહ્યો. સંસારમાં ક્ષુલ્લક સમાધાનને હું અનિવાર્ય પાપરૂપ જ ગણતો રહ્યો. વૈરાગ્યવૃત્તિથી મેં દેશસેવાનું જીવનવ્રત લીધું, ત્યારે મારી મનઃસૃષ્ટિમાં રાષ્ટ્રીય આવેશનો વધારો થયો. મારા સ્થિર વિચારપૂંજમાં દેશકાળપ્રણીત નવા આવેશની જામગરી ચંપાઈ. તેથી મારા દિલમાં જે સર્વાંગી ઝળહળતો પ્રકાશ થયો તે જ મારે માટે પરમ સત્ય બની ગયો. પછી ઘડીભર સંસારધર્મને પાળીને અને મનુષ્યસ્વભાવની સહજવૃત્તિથી કુમુદને મેં સહેજમાં અપનાવી, પણ તેના થોડા સંપર્કથી અમારી વચ્ચે આભ જેવું અંતર મને ભાસ્યું. જો તેની માયાને આધીન થાઉં અને પાકો સંસારી અને કુટુંબી થાઉં – કદાચ તેના શ્રીમંત પિતાની સહાયથી વહેવાર પણ ચલાવું – તો મારા પરમધર્મથી હું પતિત થાઉં એમ મને લાગતું, ત્યારથી હું તેનાથી ચોંકતો જ રહ્યો, તેનાથી દૂર રહેવામાં જ મેં ધર્મ માન્યો. પછી અમારી વચ્ચે એક પ્રકારનો ગજગ્રાહ શરૂ થયો. તે મારી વધારે નજીક આવી. મને સંસારમાં ખેંચવા કોશિશ કરતી તેમ હું તેનાથી ભડકીને દૂર ભાગતો. આ નાજુક લડાઈની જે કુદરતી પરાકાષ્ઠા આવી તે વિધિના લેખ જેવી અનિવાર્ય લાગી.

પણ આમાં મેં ક્યાં ભયંકર ભૂલ કરી તે હવે મને સાફ સમજાય છે. ભલે ક્ષણિક સમાધાનવૃત્તિથી, પણ સમાજને સાક્ષી રાખીને વિધિસર લગ્નસંબંધથી હું કુમુદ સાથે જોડાયો. આ લગ્નસંબંધ બને પક્ષને બંધનકર્તા થયો. તેનો એકતરફી ઈન્કાર કરવાનો મને અધિકાર નહોતો. આ સામાજિક કાયદાની ફરજના ભંગ કરતાં પણ બીજો વધારે ગંભીર ગુનો મેં કર્યો. મેં ઉઘાડી આંખે અને પૂરી સાનસમજથી એ ગભરુ બાળાને પત્ની તરીકે અપનાવી ત્યારથી જ તેની સાથે હું માનવતાની ગ્રંથિથી કાયમને માટે બંધાઈ ગયો. તે તોડીને મેં ગંભીર પાપ આચર્યું. જો મારે આંતર્ધર્મનું પાલન કરવું જ હતું તો મારે લગ્ન કરવું નહોતું, કે તેનો જરા પણ સંપર્ક કરવો નહોતો. મેં કંઈ પ્રયોગાત્મક લગ્ન કર્યું નહોતું કે પ્રયોગાત્મક સહજીવન આદર્યું નહોતું. છતાં મનમાં ઊંડેઊંડે કુમુદના સંબંધને કંઈક પ્રયોગરૂપે ગણવામાં મેં અનિષ્ટ વૃત્તિ સેવી. કુમુદે આ સંબંધ પૂરા દિલથી સત્કાર્યો અને મારા એકલપેટા વર્તનથી તે દેહાંતદંડની સજા પામી !

હવે મારી જાતને હું પૂછું છું : મારા જેવા સહૃદય, સ્ત્રીપૂજકે આવું અપકર્મ કેમ કર્યું ? મારા બાહ્યજીવન પર વિચારોના સામ્રાજ્યનો નિર્દેશ કર્યો છે. લગ્ન પહેલાં દંપતિજીવન વિષે ગમેતેવાં સ્વપ્નમાં રાચવાને મને હક હતો. પણ જો તે સ્વપ્નસૃષ્ટિમાંથી સરીને મેં એક નમણી બાળાનું પાણિગ્રહણ કર્યું અને પછી તેની સાથે ગમેતેવો સંસાર શરૂ કર્યો તો તેના તરફ નરી માનવતાની દષ્ટિથી મારો નવો ધર્મ નિશ્ચિત થઈ ચૂક્યો. કુમુદને એક આદર્શ પ્રેરણામૂર્તિ અને સહચારિણી તરીકે હું ન ચાહી શક્યો તો વાત્સલ્યમૂર્તિ જીવનસાથી તરીકે તેને મારા અંતરમાં સ્થાન આપવું જોઈતું હતું. અસંતુષ્ટ પ્રેમભાવને તિલાંજલિ આપીને વાત્સલ્યભાવને પરમધર્મરૂપે સ્વીકારવા મારા મનને વાળવું જોઈતું હતું. જો હું આ વાત્સલ્યધર્મને મારા મનોરાજ્યમાં ભેળવી શક્યો હોત તો કુમુદ સાથે કંઈક સુખી જીવન ગાળી શકત, અને તેને કંઈક સુખી કરી શકત. આ પ્રાપ્તધર્મ હું ચૂક્યો. લગ્નજીવનની ઉન્નત ભાવનાની મેં જાણે પથ્થરની એક જડ મૂર્તિ બનાવી દીધી. તેની પૂજા કરતાં, ચંદ્ર અને સૂરજની સાક્ષીએ મેં સ્વીકારેલી ફરજ હું વિસર્યો. મારો ભાવનાપૂંજ મારા માનવધર્મને અનુસરીને નવા રૂપરંગ ધારણ કરવાને બદલે માનવતાવિહીન જડ રૂપને પામ્યો અને તેને આધીન થતાં હું માનવતાનો અને કુમુદનો દ્રોહી બન્યો. કદાચ હું સાચા સનમની શોધમાં રહ્યો. મારા નિર્બંધ હૃદયને પ્રેમરસથી વશ કરી શકે એવી કોઈ માયાનું સ્થાન ખાલી રાખવાની મારી મહેચ્છા હશે પણ આકાશના તારા પર મીટ માંડતાં હું પગ પાસે વહેતા વહેળામાં જ પડ્યો અને મારે પનારે પડેલી કુમુદને તેમાં પાડી. હું તો મોટા મગરમચ્છની અદાથી બહાર નીકળી ગયો. પણ તે બિચારી તેમાં ડૂબી જ ગઈ !

આ મનોવિશ્લેષણમાં મારો બચાવ નથી પણ મારી ખરેખરી ભૂલનો-મારા છૂપા પાપનો એકરાર છે. તે સદભાવથી વાચક સ્વીકારશે એવી આશા રાખું છું.

[સંપૂર્ણ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પીજના તુલસીદાસ – નટુભાઈ ઠક્કર
એવી ને એવી – પન્ના ત્રિવેદી Next »   

17 પ્રતિભાવો : લગ્નજીવનની વેદના – ઈન્દુલાલ યાજ્ઞિક

 1. Sandhya Bhatt says:

  પતિ-પત્નિ વચ્ચે વિચારો અને વલણોની મોટી અસમાનતા હોય તો કેવી કરુણતા સર્જાય છે તેનું નિખાલસ બયાન. આજે પણ આવું બની શકે, પરંતુ સામાજિક બંધારણમાં લવચિકતા આવી હોવાને કારણૅ બંને પક્ષે આટલું વેઠવાનું ન પણ થાય.

 2. rutvi says:

  આ જ વાર્તા (આત્મકથા) ગુજરાતી મા ધોરણ – ૮ કે ૯ માં (જૂના અભ્યાસક્ર્મ પ્રમાણે) આવતી તી,…
  એ વખતે તો બહુ લાંબી લાગી હતી અને બહુ સમજાઇ પણ ન હતી.આજે લેખક ના શબ્દો પાછળ નો મર્મ સમજાય છે…
  આભાર

 3. ખુબ જ સરસ…………!

 4. તૃપ્તિ says:

  આવું લખવા અને વિચારવા માટે ઘણી હિંમત અને પ્રમાણિકતા ની જરૂર પડે. સમયને કોઈ બંધન નથી. જે થઇ ગયું તે બદલાઈ શકતું નથી. પણ આવું આત્મમંથન ખુબજ જરૂરી છે.

 5. Krutika says:

  With due respect to the author, his love for the service to the country and his ambitions, What is the purpose of being sorry after the person has died? The damage is already done. This article cannot soothe Smt. Kumud who lived such a lonely life or do any justice to her.
  I think we should learn from this and avoid such selfishness in all our relations.

 6. Sri Indulalbhai Yagnik has openly acknowledged his own drawbacks. He has ultimately understood the sanctity of marriage. It is said marriages are made in heaven. No doubt, but still one has to accept the other life partner. It is like a game of cards – sometimes you get poor game -still you cannot grumble. One has to live and let live. From-the side of a girl -she has left all her family members – trusted you fully and agreed in front of entire community to live as your ardhangini or life partner. On the side of man – he should also understand and not neglect her. No one is perfect. If you want good wife – first you should become good husband. If you are not good as husband , if you are not caring for your wife’s happiness – that means you are not good as husband. A wife expects happiness -caring husband but not henpecked husband. Here the author has honestly accepted his negligence completely towards his wife and the result is there for you to read the above article. After her death -he realized his mistakes-his lapses and the guilt became unbearable-so he has openly accepted in his auto biography. So no one behaves with wife -the way he behaved.

 7. Moxesh Shah says:

  ખુબ જ સુંદર.
  હા પસ્તાવો વિપુલ ઝરણુ………!!!
  વડિલો એ ખાસ સમજવા જેવુ. જે સંતાનોના ભલા માટે તેઓ તેમના આગ્રહ ને વશ થાય તેવો દુરાગ્રહ રાખતા હોય છે તે, તેમના જ સંતાનોના જીવન મા અજાણતા કેવુ વિષ ઘોળી દેતા હોય છે.

 8. nayan panchal says:

  જીવન એક કઠોર શિક્ષક છે. તે પહેલા પરીક્ષા લે છે અને પછી પાઠ ભણાવે છે.

  શું લખવુ તેની સમજ નથી પડતી. અમુક પ્રયોગો બહુ મોંઘા પડી જતા હોય છે. લેખકે લગ્નજીવનમાં પ્રયોગના ધોરણે જ જંપલાવ્યુ, પ્રયોગ નિષ્ફળ જતો લાગ્યો તો તેમાંથી પોતે તો નીકળી ગયા પણ…

  પ્રભુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના.
  આભાર,
  નયન

 9. Dipti Trivedi says:

  આ બધી થઈ ગયેલી ઘટના ના થઈ થવાની નથી અને છેલ્લી બે લીટીમાં લેખક વાંચકને બાંધી લે છે પણ થોડી વાત લખવી છે. મણીબાનો જીવ જોખમમાં મૂકાયો એટલે લગ્ન કર્યા એમાં કુમુદની આખી જીંદગી જોખમમાં મૂકાઈ ગઈ. લગ્ન ન કરીને વિવાહ ફોક કર્યા હોત તો પણ એ જમાના પ્રમાણે કુમુદનુ મન તો તૂટ્વાનુ જ હતું. વળી પહેલેથી પૂર્વગ્રહ એટલે કુમુદને કેળવીને સમાજકાર્યમાં પોતાની સાથે જોડી શક્યા નહી.
  ” તે પોતાની પાંખોથી જરાયે ન ઊડે. અને તેના જીવનનો બધો ભાર મારી ઉપર જ મૂકે, નબળા દિલની પ્રબળ લાગણીથી માત્ર મને જ તે જીવનભર વળગી રહે – એ મને અસહ્ય લાગતું”——તેનો દયામણો ચહેરો જોતાં જ હું ચિડાતો—-આવા જ કારણોથી અભાવ થતો હોય તો કુમુદે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સક્રિય થયા પછી મળવાનો પ્રયત્ન કર્યો ત્યારે સહજીવન શરુ થઈ શક્યું હોત , પણ કદાચ પોતે જ લખેલા કાગળ રોકતા હશે. કદાચ આ બધુ માનસિક વિષ્લેશણ લેખકે બધુ સમાપ્ત થઈ ગયા પછી ૧૯૨૯ પછી કર્યું હોય.
  વળી અત્યારે “પસ્ચિમિ સંસ્કૃતિ ના આક્રમણ”ની આધુનિકતાના અનુકરણની જે વાત થાય છે તે ય વિસ્તારફેર સાથે સદી જૂની કહેવાય .——–” બે વરસ પછી હું મુંબઈ ગયો ત્યારે તો આઝાદ સ્વભાવની અનેકવિધ કુમારિકાઓ અને સ્ત્રીઓને નીરખતાં મારો વિવાહ મને કૃત્રિમ બંધનરૂપ લાગવા માંડ્યો.”
  એક માણસનુ શિક્ષણ તેની સાથે જોડાયેલા બધા માટે ઉપકારક ન પણ નીવડી શકે. કુમુદબહેન એક્સાથે પરિણિતા અને ત્યક્તા જીવન જીવતા રહ્યા, એ જાણ્યા વગર જ કે એમનો ત્યાગ થઈ ગયો છે.
  સ્ત્રી માટે ભોજનેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા લખાયું છે પણ તે વખતની સામાજિક પરિસ્થિતિ જોતાં (ભણતર અને અન્ય વિકાસની તક માટે છોકરી કરતાં છોકરા વધુ પ્રવાસ કરતા, ગામ બહાર જતાં) ખરેખર પુરુષે સ્ત્રીને તેના ઘર, સમાજ અને મોભા પ્રમાણે કેળવીને માન પ્રાપ્ત થાય એવું ઘડતર કરવાની જવાબદારી રાખવી જોઈએ એવા મતલબના શ્લોકની જરુર હતી.
  આ સાથે શ્રી ગુણવંત શાહે લખેલી વાત યાદ આવે છે કે જ્યારે એમની પત્નીએ સૌ પ્રથમ વાર કોઈ સાહિત્યસભામાં એકલા જવા કહ્યું ત્યારે ગુણવંતભાઈએ સજોડે જવાનો આગ્રહ રાખ્યો એમ કહીને કે જોડે નહી જવાથી માનસિક અંતર વધતું જશે.

  • hiral says:

   સરસ પ્રતિભાવ દિપ્તીબેન,

   સ્ત્રી માટે ભોજનેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા લખાયું છે પણ તે વખતની સામાજિક પરિસ્થિતિ જોતાં (ભણતર અને અન્ય વિકાસની તક માટે છોકરી કરતાં છોકરા વધુ પ્રવાસ કરતા, ગામ બહાર જતાં) ખરેખર પુરુષે સ્ત્રીને તેના ઘર, સમાજ અને મોભા પ્રમાણે કેળવીને માન પ્રાપ્ત થાય એવું ઘડતર કરવાની જવાબદારી રાખવી જોઈએ એવા મતલબના શ્લોકની જરુર હતી.
   ………..

   કદાચ આવાં નિષ્ફળ બાળ-લગ્નો થકી જ પ્રજામાં બાળ-લગ્ન વિરુધ્ધ જાગૃતિ આવી શકી હશે. આ આખી વાતમાં એક વ્યક્તિ વધારે વિચારશીલ છે અને બીજી વ્યક્તિને શરુઆતથી જ (ત્રણ વર્ષની ઉંમરમાં લગ્ન) માત્રને માત્ર વ્રત,કથા, પતિપરમેશ્વરના ખયાલોવાળું માનસ સામાજિક માળખા હેઠળ ઓઢાડી દેવામાં આવ્યું છે.
   ” તે પોતાની પાંખોથી જરાયે ન ઊડે. અને તેના જીવનનો બધો ભાર મારી ઉપર જ મૂકે, નબળા દિલની પ્રબળ લાગણીથી માત્ર મને જ તે જીવનભર વળગી રહે – એ મને અસહ્ય લાગતું”——


   સ્ત્રી શિક્ષણ પ્રત્યેની જાગૃતિ આવવા પાછળ આ બધી ઘટનાઓનો ઘણો મોટો ફાળો રહ્યો હોવો જોઇએ.

 10. Veena Dave. USA says:

  લેખક પોતાની જાતને ઓળખવામાં જ નિષ્ફળ રહ્યા…..
  ઘણો દંભ, વિરોધાભાસ અને સ્વભાવના ઉડાવપણાવાળો લેખ.
  સાહિત્યવિલાસ.

 11. sujata says:

  One needs guts to confess these things.

 12. લગ્નજીવનમાં સહજીવનનું મહત્વ છે. અહીં જ ભલભલા નાપાસ થાય છે. કારણ કે બેમાંથી એક પાત્ર ગતિમાન dynamic તો બીજું પાત્ર ઢીલું static હોવાનો સંભવ છે. જેટ વિમાનની ગતિથી ઉડનારું એક પાત્ર પોતાના જીવનસાથી સંગે ચાલવા બળદગાડાની ગતિ અપનાવી શકે અને એને પ્રેમ તેમજ હુંફ આપીને તેની ગતિ હળવે-હળવે વધારી શકે અને આ પ્રક્રિયામાં જે કંઈ અનુભવાય એને માણી શકે તો લગ્નજીવન સફળ ગણાય.
  જુદા-જુદા ક્ષેત્રનું પ્રભાવી નેતૃત્વ સંસારી લોકોનો પોતાના મિશનમાં ઉપયોગ કરીને તેઓના ગૃહસ્થજીવનને તકલીફમાં મુકે છે. એ ભુલવું ન જોઈએ કે લગ્નજીવન પણ આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનું એક અનિવાર્ય મિશન છે.

 13. Vijay says:

  તે પોતાની પાંખોથી જરાયે ન ઊડે. અને તેના જીવનનો બધો ભાર મારી ઉપર જ મૂકે, નબળા દિલની પ્રબળ લાગણીથી માત્ર મને જ તે જીવનભર વળગી રહે

  This explains the real problem.

 14. Ashish Dave, Sunnyvale, California says:

  શું લખવુ તે જ સમજ નથી પડતી.. પારદરશકતાથી આત્મકથા લખવા માટે, પોતાના સ્ખલનો કબુલવા માટે ઘણી હિંમતની જરુર છે. જે મોટા ભાગે કોઈનામા હોતી નથી.

  આપણે આવતા જન્મ માટે આ જન્મમા ભોગવી લઈએ છીએ. જેમના સમાજમા આવતો જન્મ જેવુ કશુ નથી તેઓ આ જન્મમા સુધારવાનો પ્રયત્ન કરે છે.

  Ashish Dave

 15. Sunny says:

  Gandhiji advised Induchacha wrongly. He should have insisted him to accept his wife. BUT Gandhiji himseff remained quite experimental with his marriage life.. I don’t know; great missions must be demanding such sacrifices. We would have not got Induchacha if he would have remained engaged in his social life.

  SUNNY

 16. Archi says:

  તે પોતાની પાંખોથી જરાયે ન ઊડે. અને તેના જીવનનો બધો ભાર મારી ઉપર જ મૂકે

  I think this is very common situation in girl’s life. Even today, somewhere i have seen that the girl wants be dependent at some extent on her loved one! By her emotional nature itself, she likes to be loved and pampered always!

  If you have decided to cope up your marriage life (whether its arranged or love) , you should understand and support your partner once.

  Thanks to this great author that at least he understood the feelings of innocent love of the girl.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.