પીજના તુલસીદાસ – નટુભાઈ ઠક્કર

[ જીવનપ્રેરક સત્ય ઘટનાઓ પર આધારિત પુસ્તક ‘ઉજમાળાં જીવતર’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ગામના કુલશ્રેષ્ઠની વાત… એક ખાનદાનની ખાનદાનીની વાત… આમ તો કોઈ એને ફરજ પાડી શકે એમ હતું નહીં પણ એના મનમાં ઊગી’તી વાત એટલે એણે એને પાર પાડે જ છૂટકો હતો. ખેડા જિલ્લાના મોતીભાઈ સાહેબના સંસ્કાર ઘડતરની વાત. પછી એ ઊણી ઊતરે તો ઘડનારો લાજે. આ તો ખેડા જિલ્લાની વાત…. ઈશ્વરભાઈ સાહેબે નોંધેલી વાત…. ગામના કુલદીપકની વાત…. સંસ્કારી ખોળિયાની વાત…. બાપની ખાનદાનીને રક્ષવાની એ વાત હતી…. એ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં છતાં હજુ એના ઘણા સાક્ષી પણ છે.

ખેડા જિલ્લામાં એક બોર્ડિંગ ચાલે. ‘પેટલાદ બોર્ડિંગ’ના નામે એ ઓળખાય. મોતીભાઈ સાહેબ એનું સંચાલન અને દેખભાળ કરે. એના વિદ્યાર્થીઓ મોતીભાઈ સાહેબની ભાવનાઓના રંગે રંગાયેલા હોય એ સ્વાભાવિક છે. મોતીભાઈ સાહેબના વ્યક્તિત્વના નોંધપાત્ર ગુણો એના વિદ્યાર્થીઓમાં આવેલાં. એ બોર્ડિંગમાં તુલસીદાસ કરીને એક વિદ્યાર્થી ભણે. એના સંસ્કારો અને શક્તિનો ઘણો બધો અનુભવ પાછોતરા સમયમાં પીજના નિવાસીઓને થયો. તુલસીદાસના પિતા પીજના. વેપાર કરે ને પુત્રને ઉછેરે. કરમની કઠણાઈ એવી બેઠી કે વેપારમાં સામી પાટી પડી ગઈ. ગમે એટલી મહેનત કરીને ધંધામાં ધ્યાન રાખે પણ કઈ કરતાં ધંધામાં સરખાઈ ન આવી તે ન જ આવી ને અંતે ધંધામાં મોટી ખોટ આવી. કોઈનાય પૈસા ચૂકવી શકાય એવી સ્થિતિ રહી નહીં. છેવટે તુલસીદાસના બાપે નાદારી નોંધાવવી પડી ને ગામ છોડવું પડ્યું.

તુલસીદાસના પિતાની નાદારી એટલે તુલસીદાસને પણ કલંકના છાંટા ઊડે એ સ્વાભાવિક છે. હવે તુલસીદાસની ઓળખાણ ‘નાદાર પુત્ર’ એવી થવા માંડી. જોકે આમાં તુલસીદાસનો કશો વાંક નહોતો પણ પિતાનાં કૃત્યોની પુત્ર ઉપર અસર થાય જ. તુલસીદાસે એ વિદ્યાર્થી અવસ્થામાં પેટલાદની બોર્ડિંગમાં ભણતાં-ભણતાં સંકલ્પ કર્યો કે કોઈ એવો દિવસ મારી જિંદગીમાં આવે જેમાં પિતાનું પાઈએપાઈનું દેવું હું ભરી શકું. હે ભગવાન જીવતરમાં તું એવો દિવસ આપજે. તુલસીદાસના પિતા તો ગામ છોડીને ગયા. તુલસીદાસ પેટલાદમાં ભણે. એ જમાનામાં ચરોતરના ઘણા પાટીદારો આફ્રિકાનાં મોટાં-મોટાં કેન્દ્રો ઉપર કિસ્મત અજમાવવા જતા ને જે જતા એ બે પાંદડે થઈને બેપાંચ વરસમાં વતનમાં પાછા આવતા ને આફ્રિકાની કમાણીનો લાભ અને સુવાસ પોતાના વતનને આપતા. તુલસીદાસે પણ આફ્રિકામાં જઈને કિસ્મત અજમાવી જોવાનો વિચાર કર્યો. બોર્ડિંગના એક સાથી મિત્રના પરિવારના સહકારથી મોમ્બાસા ઊતરી પડ્યા. સ્ટીમરમાં તુલસીદાસ બેઠા ત્યારથી જ રટણ હતી – ભગવાન મારો મનસૂબો પાર પાડજે. ને મોમ્બાસાના કિનારે પગ મૂકતાં જ તુલસીદાસ કામકાજની શોધમાં લાગી ગયા.

પુરુષાર્થી જીવ, મહેનતની ઝંખના અને ભાવના શુદ્ધ. કિસ્મતે એની ઊજળી દિશા દેખાડી આપી ને તુલસીદાસને મોમ્બાસાથી યુગાન્ડા જવાનું થયું. ત્યાં નોકરી પણ મળી ગઈ અને નિષ્ઠા તથા તમન્નાથી તુલસીદાસ નોકરીની જવાબદારી પણ અદા કરવા લાગ્યા. મહેનતે યારી આપી. અનેક મુશ્કેલીઓ અને સાધનોના અભાવ વચ્ચે તુલસીદાસની તમન્ના જીતતી ચાલી. નોકરીમાં જશ મળવો શરૂ થયો. પગાર તો વધતો જ પણ છબાર મહિના થાય ને શેઠના રાજીપા રૂપે અમુક રકમ મળતી જે તુલસીદાસની વધારાની કમાણી બની જતી. બોનસરૂપે મળતી આવી રકમને તુલસીદાસ પોતાના ખર્ચમાં વાપરતા નહીં પણ જાળવીને એનું જતન કરતા. તુલસીદાસ કરકસરથી જીવતા. અંગત ખર્ચ ઓછામાં ઓછો કરતા. આવી રીતે જાળવી જાળવીને તુલસીદાસે આફ્રિકામાં વીસેક વર્ષ પસાર કરી દીધાં. ત્યાં સુધીમાં વતન તરફના અનેક પાટીદારો દેશમાં જઈ આવ્યા પણ તુલસીદાસ નોકરીની બચતમાંથી એવા સદ્ધર થયેલા નહીં કે વતનનો આંટો મારી આવે. ને જવાનો વિચાર કરે તોય મનમાં બાપના દેવાનો સંકલ્પ હતો એ પૂર્ણ થાય એવું ન લાગે ત્યાં સુધી જવાનો અર્થ પણ શું હતો ? તુલસીદાસ દેશમાં જવાનું ટાળે. આ બાજુ દેશમાં વાતો થતી… દાનત શુદ્ધ હોય તો આવે ને ? એમ પાંચ પૈસા રળ્યો હોય તો આવે ને ? આવવાનું તો ઘણુંય મન કરે પણ શું મોઢું લઈને આવે ? વગેરે વગેરે ટીકાઓ થતી. કેટલાક તો સઘળી વાતો ભૂલી પણ ગયા હતા. જેમનું દેવું હતું એવા લોકો પણ પોતાની રકમો ભૂલી ગયા હતા. કેટલાકે આખી વાતને માંડવાળ ખાતે લખી નાંખી હતી. કેટલાકને એ વાત પણ યાદ નહોતી કે તુલસીદાસના બાપ પાસે પોતાની કેટલી રકમ છે ? તુલસીદાસ મનસૂબો કરે કે કકડે કકડે કરતાં સાઠેક હજારનો જોગ થયો છે, હવે જઈ આવું. તમામ રકમ વ્યાજ સાથે તો પાછી નહીં અપાય પણ જેની જેટલી છે એની દોઢી તો આપી શકાશે જ, એવું ગણિત બધાંનાં આંકડાં જોઈને તુલસીદાસના મનમાં બેસતું હતું.

1937ની સાલ.
ઈશ્વરકાકા એ વખતે આણંદની ડી.એન. સ્કૂલમાં નોકરી કરે. ને તુલસીદાસ આવી પહોંચ્યા. આવીને એમણે ઈશ્વરકાકાને કહેવડાવ્યું, ‘હું આવી ગયો છું. મારે તમારું કામ છે. મળશો ?’ મિલન થયું. ઈશ્વરકાકાને એક તરફ બોલાવીને તુલસીદાસ કહે : ‘ઘણો સમય થઈ ગયો છે. પિતાનું દેવું છે એ ભરપાઈ કરી શક્યો નથી. મારે તમારી મદદથી એ કામ પહેલાં પરવારવું છે. જ્યાં સુધી બાપનું દેવું મારા માથે હોય ત્યાં સુધી મને શાંતિથી બેસવાનો અધિકાર નથી. હું અહીંથી ગયો ત્યારે મનોમન સંકલ્પ કરીને ગયો છું કે બાપનું પાઈએ પાઈનું દેવું પૂરું ન કરું ત્યાં સુધી માણસ તરીકે જીવવાનો મને અધિકાર નથી…’ એમ કહીને પોતાના ચોપડાની નોંધો બતાવી. આના આટલા છે અને આટલા આપીને વાતને પતાવી આપો…. દરેકને એની મૂળ રકમથી દોઢી રકમ તો ચૂકવી શકાશે. બધાં વર્ષોનું થતું બધું વ્યાજ સાથે ચૂકવી શકાય તેમ નથી. ઈશ્વરકાકાએ તુલસીદાસની વાત હાથમાં લીધી. સહુથી પહેલા એક સજ્જન પાસે એ ગયા. એને આંકડો પૂછ્યો કે, ‘તારા કેટલા બાકી છે ?’ પેલા પાસે તો સમય ખાસ્સો થઈ ગયેલો એટલે ખાસ કોઈ નોંધ હતી નહીં ને એવી રકમની વસૂલાતમાં એને ઝાઝો રસ નહીં.
એક તરફ રકમ લઈ લો એવી વાત.
બીજી તરફ એ રકમમાં હક્ક નથી એવી વાત.
હા….ના…..હા…..ના….. ચાલે.

કોઈને ખાસ રકમની વસૂલાતમાં રસ નહીં. રકમો નાની નાની પણ એ જમાનાના પ્રમાણમાં ખૂબ મોટી લાગે. કોઈના હોય છ હજાર રૂપિયા. એ રકમ સાવ નાની પણ એ જમાનાના પ્રમાણમાં ઘણી મોટી. છતાં એવી મોટી રકમ માટે લાલસા દેખાણી નહીં. તુલસીદાસ સાથે ચર્ચા થઈ. કોઈએ કહ્યું કે ઘણાની ઘણી રકમ માટે બધા ઉત્સુક નથી. એના કરતાં ગામની કોઈ સારી ધર્માદા કે સમાજ સેવાની પ્રવૃત્તિમાં એ રકમનો ઉપયોગ કરીએ… વાત સાંભળીને તુલસીદાસ ચમકી ઊઠ્યા. એમણે કહ્યું, ‘ગામની એવી કોઈ પ્રવૃત્તિ હશે તો હું ધર્માદા માટે જરૂર વિચારીશ, પણ આ રકમ તો બાપનું પાઈએ-પાઈનું દેવું વાળવામાં વાપરવાની છે. હું કમાયો છું ને બાપનું દેવું ભરપાઈ ન કરું તો મારો સંસ્કાર લાજે.’ તુલસીદાસની વાત બધાને સાચી લાગી. દેવું ભરપાઈ કરી આપવાના પ્રયાસો ચાલુ રહ્યા. એકબીજાના ચોપડા મળતા નહોતા. કેટલાકની તો વાત સ્પષ્ટ હતી કે મુદ્દલ મળી જાય એટલી રકમ બસ છે. કેટલાકને વળી ઘણો સમય વીતી ગયો હતો એટલે રસ રહ્યો નહોતો. ઘણાને તો ચોપડા જ રહ્યા નહોતા ! છેવટે ચોપડો ન હોય તો તુલસીદાસ કહે કે મારા હિસાબે આટલું દેવું તો છે જ. આમ, તુલસીદાસનો આગ્રહ, ઈશ્વરકાકાની વિનંતી… એમ બેઠકો ચાલે.

તુલસીદાસની નોંધ પ્રમાણે દેવું મૂકવાનું ચાલ્યું. બધા લેણદારોને ફરી ચોપડા લઈને ભેગા કર્યા. કેટલાક આવ્યા. કેટલાક ન આવ્યા. સાથે બેસીને એવો તોડ કાઢ્યો કે દરેક જણ મૂડી કરતાં દોઢી રકમ તો સ્વીકારે જ. તુલસીદાસે બધાને વિનવણી કરી. કેટલાકે વાત માની, કેટલાકને પરાણે મનાવ્યા. કેટલાક લેણદારોને આ ગયેલી રકમ પાછી આવતી હતી એનો આનંદ હતો. કેટલાકને જે મળ્યું એ સાચું એનો આનંદ હતો. તુલસીદાસની બેઠકો ચાલતી રહેતી. કેટલાક લેણદારો બોલતા હતા : ‘ભાઈ, વર્ષો પહેલાંની વાત… ને આ જમાનામાં એવો ક્યો દીકરો હોય જે લેણદારને બોલાવીને બાપનું દેવું વાળે ? દીકરા હોય તો આવા હજો.’ કેટલાક લેણદારોએ ખાનદાનીનો પરિચય કરાવ્યો કે ‘બહુ થયું..બહુ થયું…. તમારી ભાવના શુદ્ધ છે એ જ મોટી વાત છે. જે લેણું અમારે ચોપડે નથી એ લઈએ તો ભગવાનના ઘરના અમે કેવડા મોટા ગુનેગાર કહેવાઈએ !’

અંતે તુલસીદાસે બાપનું સાઠ હજારનું દેવું વાળ્યું. સાઠ હજારની રકમ એ જમાનામાં જરાયે નાનીસૂની રકમ ન ગણાય. તુલસીદાસના હૈયાને આનંદ થયો. બારસો રૂપિયા વધ્યા એ ગામની વ્યાયામ શાળામાં આપ્યા. એ સત્કાર્ય આજે પણ પીજમાં ચાલે છે, ને અનેકોની પ્રેરણા બની રહ્યું છે. તુલસીદાસનો સંસ્કારી જીવ અને બાપનું દેવું ચૂકવી આપવાની પ્રતિજ્ઞા. એ સંકલ્પ પૂરો કર્યાનો આનંદ તુલસીદાસના હૈયાને મુખરિત કરતો હતો ને અનેકોને આ વાત યાદ હતી.

[કુલ પાન : 196. કિંમત રૂ. 80 (આવૃત્તિ : 1999 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : શબ્દલોક પ્રકાશન. ગાંધીમાર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધૌલા છિના – ભાણદેવ
લગ્નજીવનની વેદના – ઈન્દુલાલ યાજ્ઞિક Next »   

12 પ્રતિભાવો : પીજના તુલસીદાસ – નટુભાઈ ઠક્કર

 1. trupti says:

  બાપ નુ ક્રરજ ફિટવાની ફરજ દિકરા ની હોય છે, પણ તે આજના જમાના માં કોણ યાદ રાખે છે? કથા વાંચીને ગુજરેલા જમાના ના ખુમારી અને શુધ્ધ દાનત વાળા માનવિ ના દર્શન થયા. ખરેખર પહેલા ના જમાના ના માણસોની ખાનદાની ને દાદ દેવી રહી.
  નટુભાઈ નો સુંદર કથા બદલ આભાર.

 2. Normally, to-day this case appears unbelievable -though it is true. The craze is who has seen heaven or hell – let us enjoy – this is the general trend. Every one wants to travel not only to all places in India -but all over the world – if financial position is strong then -99% this will be true. Even elderly persons – I regret I cannot mention any names -but say LIYA DIYA GANDU KA KAM – BHUL JAO – MAJA KARO – BUT the truth remains – if the wealth comes from good sources -then you will automatically spend it for good cause – paropkar – helping others will be your motive. But if wealth comes by corruption or dishonesty or by breaking someone’s trust – I tell you immediately you may feel happy – but ultimately milk will become milk and water will become water. It is said Jevu anaj tevu man – jevu man tevu jivan – jevu jivan tevu maran – jevu maran tevu parlok – so please be careful – how you get your money. Otherwise -the entire family will suffer -if it is not from good or right source. Bhagwan Na Ghare Der Chhe pan Andher Nathi. Iswar ni lathi pap karse tene jarur marse. Look at all corrupt politiciaans etc. At first I felt very much hurt. But going deeply into their family life – I have known that money has brought unhappiness and their family members including childrens -all have become vagabound -character less and ultimately GOD will do justice. Who are we to think or worry about them? God has a system which works 100%.

  • trupti says:

   મહેન્દ્ર ભાઈ,
   સરસ કોમેંટ છે. તમે લખેલુ ૧૦૦% સાચ્ચુ.

   ભગવાન ના ધરે દેર છે અંધેર નથી.
   ભગવાનની લાઠી મા અવાજ નથી હોતો.
   અન્ન તેવો ઓડાકાર.
   કરો તેવો પામો. વાવો તેવુ લણો.
   હાથના ક્રર્યા હૈયે વાગે.
   મહેનત ની કમાણી બરકત લાવે
   અણહક્ક નુ ધાન અપચો આણે.

   સારા-નરસા નો ફિસાબ ભગવાન ના દરબાર મા બરાબર થાય છે અને ભગવાન જેવો વાણિયો આજ સુધિ મે જોયો નથી, દરેક ના લેખા-જોખા તેની પાસે બરાબર હોય છે અને જીવન ના અંત મા દરેકે તેમની બેલેન્સસીટ ટેલી કરી ને જ દુનિયા માથી વિદાય લેવાની હોય છે.

 3. Deval Nakshiwala says:

  ખરેખર સરસ વાર્તા છે અને વાંચવાની મજા આવી.

 4. Excellant !! No doubt , It was a good did of Tilshidas.
  I. strongly belive that Tulshidas must have experinced inner happiness,joy and pleasure.
  No one can measure that by any means.
  That is the life long feelings and experince, which no one can take away.

 5. veena Dave. USA says:

  વાહ્.

 6. nayan panchal says:

  સરસ ઘટના. આવા પણ લોકો હતા જાણીને સુખદ આશ્ચર્ય થયુ.

  ખૂબ આભાર.
  નયન

 7. Rajni Gohil says:

  If character is lost everything is lost. તુલસીદાસે મહેનત કરી પોતાના કે પિતાના કલંકને ભૂસી નાખ્યું. Honesty is the best policy.

  આ પ્રેરળાદાયક વાર્તા ઘણાને પોતાના જીવનને સુગંધી બનાવવા માટે જરૂર પ્રેરક બળ પુરું પાડશે.
  આવકારવાદાયક સત્ય ઘટના બદલ નટુભાઈનો આભાર.

 8. hiral says:

  ખૂબ સરસ લેખ. મને એ કહેતા ગર્વ થાય છે કે આજે પણ આવા લોકો હોય છે. (મારા સગા મામી અને એમનાં સંતાનો પણ આવું જ નૈતિક જીવન જીવે છે. વરસો પહેલાં મારા મામાનું ધંધામાં મોટી ખોટ જવાથી હાર્ટ એટેકમાં મૃત્યુ થયું. મારા નાના, નાની અને ૩ સંતાનોની જવાબદારી હતી. (એક દિકરીના લગ્ન થઇ ગયેલા.) ઘરનું ઘર પણ નહોતું રહ્યું. એક સ્કૂટર પણ માંગતામાં જતું રહ્યું. કાળી મજુરી કરી બધાએ (અમે લગભગ દરેક ભાણિયા-ભાણી એમનામાંથી ઘણું શીખ્યા છીએ). થોડા વખત પછી મામીને એમના ભાઇએ અમેરિકા બોલાવી લીધા. મામીએ એમનાંથી શક્ય બધું કર્યું અને મામાના નામનું બધું દેવું ચૂકવી દીધું (બા,દાદાની હયાતીમાં જ). (મામીને ઓળખતી દરેક વ્યક્તિ માટે કદાચ એ આદર્શ વ્યક્તિ/આદર્શ વહુ બનતા હશે તો કોઇ નવાઇ નથી.)

  • NITIN PATEL says:

   Hiral,
   Before just read your reply same thing I wrote. Your Mami is really great person. Now can you reply me what her present condition?
   Why i ask this question because I belive in ” LAW OF KARMA”, She definately enjoy her life. ( Not “આનદ્” પન “આત્માન્દ્”

   • hiral says:

    આભાર નિતીનભાઇ,

    એક લીટીમાં કહું તો આખો પરિવાર; શારિરીક, માનસિક, આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ ખૂબ ખૂબ ખૂબ સુખી છે. મેં આવી મોટા મનવાળી, નૈતિક મૂલ્યોવાળી, પરિવાર માટે ઘસાઇ જતી ઘણી સ્ત્રીઓ જોઇ છે. (જો કે આ ટકાવારી જૂજ છે એ વાત સાચી)

 9. NITIN PATEL says:

  Yes ! indid It’s great job done by “tulsidas” . But do you Know who is the “sita” behind this ” Tulsiram” ?
  She is also Equally Great.
  As per artical after 20 year if tulsidas did this noble job because of his wife/ supporting character. In present senario no wife allow his husband to do so…………..

  Gujarati ma kahevat chee ” loko sikhar( tulsidas) juve , pan paya na patthar( his wife/ supporting family) ni kimat nahi”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.