એવી ને એવી – પન્ના ત્રિવેદી

[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2010માંથી સાભાર.]

સોરી તમને ડિસ્ટર્બ કર્યા. બસ, એક જ પ્રશ્ન પૂછવો છે મારે. જાણું છું કે એ સાથે તમારે કંઈ નિસબત નથી પણ હવે મારું બધુંય તમારી ‘હા’ કે ‘ના’ પર નિર્ભર છે. પ્લીઝ…. જોકે તમે પૂછો એ પહેલાં જ હું કહી દઉં કે મારું ઘર આટલામાં જ ક્યાંક છે…તમારી ગલીની પાછળની ગલીમાં, હોઈ શકે તમારી ગલીનું પહેલું જ ઘર, તમારી આસપાસ કદાચ તમારા જ ઘરમાં ! ખેર, છોડો આ ફાલતુ વાતો. એમાં કંઈ તમને ઝાઝો રસ ન પડે એ પણ સ્વાભાવિક છે. આ વાત કંઈ ખોટું લગાડવા જેવી નથી. પણ પ્રશ્ન પૂછું એ પહેલાં થોડી વાત કરવી છે. તમને હા-ના કહેવામાં સરળતા રહે એટલા જ ખાતર. બાકી સમય બગાડવાનો મારો કોઈ ઈરાદો નથી.

લોકો વિચારે છે કે હું બહુ વિચારું છું. એમાંના કેટલાક માત્ર વિચારતા જ નથી પણ મોં પર કહી પણ નાખે છે. નિખાલસતાના નામે કહેવાનું હોય તે કહી નાખે. જોકે એમના વિચાર પર મેં પણ વિચાર કરી જોયો. કોઈક વાર મને પણ લાગે છે કે હું સાચે જ ખૂબ વિચારું છું. મને વિચાર આવ્યો; હું આટલું બધું શા માટે વિચારતી હોઈશ ? અને હું સતત એમ વિચારતી રહું છું કે આ વિચારોને ગમે તે કરીને પણ અંદર પ્રવેશતાં અટકાવી દઉં.

હમણાં તો ઉનાળો ચાલે છે. એટલે જેવી સાંજ પડે કે એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય બહાર – ઘરની બહાર દોડી જવાનું મન થઈ જાય. આખો દિવસ સૂર્યની નજરકેદમાં હોઉં અને સાંજે જાણે કર્ફ્યુ છૂટે એમ હવાના કણેકણને બાથમાં લઈ લેવાનું મન થઈ આવે. અમારે ત્યાં સમ ખાવા પૂરતુંય હરવા-ફરવાનું સ્થળ નથી. કહેવાય તાલુકો. ખાલી નામનો. નર્યાં મંદિરો…. જન્મેલા જાણે બધા ભક્તના અવતાર હોય ! ત્યાં પણ જઈએ કોઈક વાર, પણ અમારી ઉંમરના લોકોને તો હોટેલમાં જવાનું બહુ મન થાય. કોણ લઈ જાય ? દૂર છેક હાઈવે પર ! એટલે અમારે ત્યાં જ્યાં ચાર રસ્તા પડે છે ત્યાં સાંજે મેળો જ જોઈ લ્યો. ત્યાં જ સંબંધો મંડાય ને ત્યાં જ ખંડાય…. પણ રોજરોજ તો ત્યાંય જવાનો કંટાળો આવે. એટલે સાંજે ઓટલાઓ માણસોથી ઢંકાઈ જાય.

એય ખરું કે નવરા પડી ગયા એટલે ઓટલે બેસી ન જવાય કંઈ ! સાવ એકલા બેઠા હોય તો આવતું-જતું લોક વળીવળીને જુએ. બે-ચારની રાહ જોયે જ છૂટકો. એથી ઊલટું અગાશીમાં તો એકલા જ ગમે. એકલા હોય તોય એકલું જરીકેય ન લાગે. અંધારુંય તમારું પોતાનું લાગે. બધા પરવારતા જાય એમ એમ ઓટલા ભરાતા જાય. પહેલાં તો બધા જલ્દી જ આવી જતા. હમણાં હમણાં આ સિરિયલ-વા લાગ્યો ત્યારથી આવતાં મોડું થઈ જાય છે બધાને. મને પણ સિરિયલ જોવી ગમે, પણ બધાને ગમે એવી નહીં. શરૂશરૂમાં બધી સારી લાગે, કંઈક નોખી લાગે. જેવી લત લાગી તમને કે સ્વાદ વગરની ચ્યુઈંગગમની જેમ ખેંચાતી જાય. મરેલા જીવતા થઈ જાય, હમશકલ ફૂટી નીકળે કે મોં પર પ્લાસ્ટિક સર્જરી થઈ જાય…. ને ચોવીસ કલાક ટીલડાં-ટપકાંથી ભરેલી વજનદાર સાડીઓ અને એવાં જ વજનદાર ઘરેણાંઓથી લદાઈને ઘરમાં ફરતી રહેતી સ્ત્રીઓ….! મને તો ક્યાંય યાદ નથી આવતું કે જોડિયા હોય એ સિવાય કોઈ હમશકલ ભટકાઈ ગયા હોય કે સર્જરી કરાવ્યા પછી કોઈની ઊંચાઈ કે અવાજની સર્જરી પણ થઈ હોય…… એટલે એ બધું જોઈને મને ખૂબ જ કંટાળો આવે છે. આ બધામાં મને મારી વાત ક્યાંય લાગતી જ નથીને ! એટલે ‘જ્યોતિ’ જેવી એકાદી સિરિયલ જોઈને હું તો ઓટલા પર ગોઠવાઈ જાઉં. બાજુમાં રહેતી સંગી કહે કે હું તો ‘ઝાંસીની રાણી’ જોઈને જ આવીશ. આવે ત્યારે, હું તો એ નથી જોતી. મારેય કંઈ કેટલાય મોરચે લડવાનું હોય છે રોજેરોજ !

બધા આવતા જાય એમ એમ ઓટલો બોલકો બની જાય. ‘જમી લીધું ?’ જેવા સામાન્ય કહી શકાય તેવા વિષયથી શરૂ કરીને છેક છેલ્લે છૂટા પડતી વખતે કંઈ કેટલાંય ઘરો આખેઆખાં ફેંદાઈ ગયાં હોય. અહીં બધું જ ફોદેફોદા….
‘એના પપ્પા કહે, સવારનું ચાલશે. ના બનાવીશ. ખૂબ ઓછી ભૂખ છે.’
‘ના રે બાપ. એના પપ્પા તો ટાઢું અડકેય નહીં. ચલાવે જ નહીં. ભર ઉનાળેય ગરમ ગરમ ઊતરતી જ રોટલીઓ જોઈએ. કાલે જ રોટલીની વરાળ ચંપાઈ ગઈ. તોય કરવાની એટલે કરવાની જ. પરસેવે નવાઈ જવાય કે દઝઈ જવાય…..’
‘તે કરવું તો પડે જ ને ? આયા છે શા સારું ?’
‘સમર સેલ જેવું આવ્યું છે. અમદાવાદમાં આવે છે એવું. બે પર એક ફ્રી. જવા જેવું ખરું.’
‘આલવા-કરવાની હોય તો લઈ આવવાની. સોથી શરૂ થતી હોય એવી લઈ મૂકવાની. નણંદોને પધરાવી દેવાય.’
‘આ પાંચ મીટર વીંટાળવાનોય હવે બહુ કંટાળો આવે છે.’
‘આ બાજુ કશેકથી ડીજેનો અવાજ આવે છે. કોણ પૈણે છે ?’
‘ખબર નથી ? રવજીની બીજીનાં.’
‘એ તો મારી છોકરીની હા’રની. મારી તો બે છોકરાની માય થઈ ગઈ તારે છેક હવે.’

અને એવામાં મને કોઈકે કહ્યું : ‘કંઈક તો કે ! બોલતી કેમ નથી ?’ હું થોડું હસી. કહ્યું : ‘ખબર છે ? આજે મધુમાસીનો જિમી મોડો આવ્યો. અટવાઈ ગયેલો બિચારો ! કહેતો હતો કે સરકારે આજે મોટા ભાગની બસો એમનો કાર્યક્રમ છે ત્યાં મુકાવી છે. એક તો આમેય બસોની તંગી હોય. સ્કૂલ-કૉલેજ-ઑફિસ છૂટવાના ટાઈમે વધારે વ્યવસ્થા જોઈએ. મને હંમેશાં વિચાર આવે છે કે જેટલી સીટ તેટલા માણસો થઈ જાય ને બસો ઊપડી જવી જોઈએ. આપણે ત્યાં એવું કેમ નથી થતું ? માણસની જિંદગીના રોજના ત્રણ-ચાર કલાક આમ જ વેડફાઈ જાય છે. પાછું ટિકિટના રૂપિયા પૂરા આપવાના ને ઊભાં-ઊભાં, ટિંગાતાં-ટિંગાતાં જવાનું… સાલું કેવું કહેવાય ?…….’ બધા ખડખડાટ હસી પડ્યા. કહે કે તું તો ચૂપ જ સારી. તારી વાતો તો મોંમાથા વગરની…. હવામાં અદ્ધર… મૂકને બસની વાતો ! આપણે શું ?….. આ ‘આપણે શું ?’ મને પથ્થર જેવું વાગે છે. હું ચૂપ થઈ જાઉં છું. હસી લઉં છું અવાજ વિનાનું. અને એમનાં મોં સામે તાકી રહું છું.

સોરી….. તમને કંટાળો તો નથી આવતોને ? પણ શું કરું ? તમને પેલા પ્રશ્નને ઉકેલવામાં સરળતા રહે એટલા માટે જ….. કહેવું જ પડશે થોડુંઘણું. કંટાળોય આવતો હશે કદાચ… પણ તમારા પર ભરોસો છે મને. તમે હા કે ના કહેતાં પહેલાં થોડોક વિચાર તો કરશો જ. જાણું છું આ હા કે ના કહેવા માટેય ઘણી વાર લોખંડના ચણા ચાવવા પડે….. લાગે એક અક્ષર પણ કોઈની આખી જિંદગી એના પર ટકેલી હોય છે. પ્લીઝ…. તમારો બહુ વખત નહીં લઉં હવે.

આમ તો લોકો કહે છે એવી ઉંમરલાયક પણ ક્યારનીય થઈ ગઈ છું. બજારમાં જૂની બહેનપણીઓ મળી જાય છે એમનાં લાલા-લાલી સાથે કોઈક વાર. ત્યારે વરસો પહેલાં જોયેલું કોઈ ઈંડું ફૂટ્યા વગરનું રહી ગયું હોય એવા અચંબાથી ઘડીક તો મને તાકી રહે છે. થોડી વારે મારા ખબરઅંતર પૂછે છે. હું કહું છું : મજામાં છું. આજકાલ પુષ્કળ ગરમી પડે છે. આમ તો ઘેર જ છું. થોડાં ઘણાં ટ્યુશન મળી રહે છે. પણ થાય છે કે ભણી નાખું હજી. નોકરી કરવી છે પણ જોને, અહીં કોઈ સ્કોપ નહીં ને બસોનાં કોઈ ઠેકાણાં નહીં. એકાદ નાનકડી ટ્રેન હોત તો કેવું સારું ! તને યાદ છે, આપણી સાથે ભણતી સોનલ…. મોં પર માખ નહોતી ઊડતી ને અમદાવાદ જેવા શહેરમાં નોકરી કરતી થઈ ગઈ. કોઈ કોઈ વાર કાગળ લખે છે. લખેલું કે નોકરી કરું છું. ટ્રેનમાં જાઉં છું. લેડીઝ ડબ્બો અડધો આવે છે એટલે વિકલાંગમાં ફફડતાં ફફડતાં બેસી જઈએ. શું થાય ? મેં તો લખેલું એને, આપણે તો બધું અડધાનુંયે અડધું ! એમાં નવી વાત શું છે ? અને આ ફફડાટ સાથેનો આપણો નાતોય જન્મથી. એમાંય નવું શું છે ? પણ હું તને કહું…. આ સોનલી જેવી તો કંઈ કેટલીયે. કેવી રીતે જતી હશે એ તો એ જ જાણે બિચારી….. આ નવું રેલ-બજેટ બહાર પડ્યું હમણાં. આપણા જેવા કેટલાય તાલુકાઓ જંકશન વગરના…. કાગળ પર ક્યાંય પહોંચતા જ નથી ! મારું બસ ચાલે તો નોકરિયાત સ્રીપણઓ માટે આખી ટ્રેન જ ફાળવી દઉં…..

એણે મારો હાથ પકડી લીધો. હું અટકી ગઈ. એ એનું હસવું રોકવા પ્રયત્ન કરતી હતી : ‘અલી…. એવી ને એવી જ રહી તું તો. જરાય બદલાઈ નહીં.’ આમાં મારે ખુશ થવા જેવું કંઈ નહોતું. મને યાદ આવ્યું કે આ ‘એવી ને એવી’ નો અર્થ એ લોકો શું કરતા હતા ! એ લોકો નોટબુકમાં શાયરીઓ ઉતારતા હતા ત્યારે હું દેશ-વિદેશની મહત્વની ઘટનાઓ નોંધતી હતી. ફરક માત્ર એટલો હતો કે એ લોકોને કંઈક થવું હતું ને મારે કંઈક બનવું હતું. જોકે તમને એટલું કહી દઉં આ સાંપ્રતની સાથે સાથે આપણને રોમેન્ટિક એવું કંઈક વાંચવામાંયે રસ ખરો. ખાલી વાંચવામાં નહીં, એવું જીવવામાં પણ ખરો. ઘરમાં બધું કિસ્મતના ભરોસે છોડી દેવાય છે તેમ હું પણ છોડી દેવાઈ. આવી બાબતોમાં આપણાથી જાતે કંઈ કહેવાય નહીં, બેશરમ કહેવાઈએ. તોય કહી જોયું ને મેં કહ્યું તેમ; ‘અમને નથી ખબર પડતી કે જાતે કહેવા આવી ! ખરી તું તો. ઈલાજ કરાવ કંઈક. એમ વિચાર કરાય કે કંઈક બનવું છે……’
‘પહેલાં પણ કશુંક બનવું હતું. આજે પણ બનવું જ છે. પણ સાથે એક સ્વપ્ન બીજુંય ઊગ્યું છે. કોઈકનું કંઈક બનવાનું…..’ જેવા મારા શબ્દો ગળા વચ્ચે ફસાઈ જાય છે. હવે મને ઘરોને ફેંદી નાખતી વાતોમાં રસ પડતો નથી. બહાર નીકળવાનું બહુ ગમતું નથી. મારા સપનાના બીજને ઊગવા માટે જમીનનો એક ટુકડો માત્ર માગવા કોઈની પાસે જતી નથી. મને ગમે છે મારું આકાશ, મારી અગાસી અને મારું અંધારું, ને મનના એક ખૂણે એક અજવાસની ઝંખનાને રોપી રાખી છે. મારી સાથેનું જીવવું મને ગમે છે.

હવે તમને પેલો પ્રશ્ન પૂછું છું. જોજો, સાચું જ કહેજો પ્લીઝ. સાવ સાચ્ચું. બધું જ તમારી ‘હા’ કે ‘ના’ પર નિર્ભર છે. લોકો કહે છે તેમ હું એબ-નોર્મલ છું. મને સાઈકિયાટ્રિસ્ટની જરૂર છે.
તમે શું માનો છો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લગ્નજીવનની વેદના – ઈન્દુલાલ યાજ્ઞિક
મહાભારત વિષે – દક્ષા વિ. પટ્ટણી Next »   

17 પ્રતિભાવો : એવી ને એવી – પન્ના ત્રિવેદી

 1. કુણાલ says:

  fantastic… !!

  read such a gem of a piece of art after long time…

  Congratulations.

  And by the way, answer is – NO. Narrator doesn’t need any of those psychiatrists. In fact, others need some counselling for STOP being the sheep and follow the herd !! 🙂

  People around me keeps telling me the same things as well since last 10 years !! 😀 … so many times I am also asked to stay quiet.

  People have lost that touch of the inner voice first of all. Secondly they have lost the ability to grow out of the narrow boundaries of vision. The area of thoughts for most of the people has shrunk so narrow that sometimes I feel that their own mind might suffocate some day !!!

  I suggest watching “I am Legend” to everyone. The way they have shown the overall mindset and the way people are in recent times is amazing. They have shown this by taking a metaphor of some virus infected zombies. Instead of taking it literally, if someone watches the movie with this understanding, things will unfold so easily.

  What else we can do except to pray for all !! Amen…

 2. Jigisha says:

  એવુ લાગે છે કે જાણે મારાં મનની વાત પૂછી લીધી હોય ….. ક્યાંક કોઇ મારાં જેવુંય છે ખરું …….. વાંચીને ઘણો જ આનંદ થયો …….

 3. અશોક જાની 'આનંદ' says:

  સામાન્ય લોકો કરતાં જુદુ વિચારનારાની હાલત હંમેશા સામે પુરે તરવા જેવી હોય છે, લોકો તેમને ગાંડા ગણે છે પણ તે તરફ ધ્યાન આપ્યા વિના તેમણે પોતનું વિશિષ્ટ કામ ચાલુ રાખવું જોઇએ.

 4. hiral says:

  ખુબ જ સુન્દર્.

 5. Labhshankar Bharad says:

  સુંદર કૃતિ. વાર્તાની નાયિકાના છેલ્લે પુછાયેલ પ્રશ્નના જવાબમાં કહેવું પડે કે, ” તમે બિલકુલ ‘નોર્મલ’ છો, તમારી આસપાસનો સમાજ એબ-નોર્મલ છે. સાંપ્રત સમાજનુ વાસ્તવિક શબ્દ ચિત્રં.

 6. Deval Nakshiwala says:

  સરસ, એક તદ્દન ભિન્ન પ્રકારે લખાયેલી કૃતિ છે. બીજાથી અલગ માણસોને કાયમ આવું સાંભળવું જ પડતું હોય છે.

 7. devina says:

  બહુજ સરસ તમે મને મારા જેવા લાગ્યા little diffrent than others

 8. Veena Dave. USA says:

  ના. તમે એબ-નોર્મલ નથી.
  દોઢ ડાહ્યાઓને બીજાને ચુપ કરવાની આદત હોય છે.
  તમારા સપનાના બિજને ઉગવા જમીનનો ટુકડો……….એ માટે શુભકામના.

 9. Vraj Dave says:

  એક વાત કહું જોવાવારાને “કમળો” થયો લાગે છે!
  કાંઇક નવિન વાત, આવું ને આવું પિરસતા રહેજો.
  ધન્યવાદ.

 10. trupti says:

  સામાન્ય લેખ થી જરા હટકે લેખ……..સરસ.

 11. Hetal Anadkat from US says:

  અતી ઉતમ! !!!! લગે છે કે જાણૅ મારા મન ના ૮૦% વિચારો ની ચોરી કરી ને વાત કહી છે 😉

 12. sunil u s a says:

  અતિઉતમ ,બધા લેખો કરતા અલગ .અભિનન્દન સહ આભાર.

 13. nayan panchal says:

  ના બેન, તમને કોઈની જરૂર નથી. જરૂર તો બીજાને છે, તમારા જેવા અનેક લોકોની.

  હટકે, સરસ મજાનો લેખ. આભાર,
  નયન

 14. જગત દવે says:

  “મારી સાથેનું જીવવું મને ગમે છે.” ………મને પણ ગમે છે.

  જેમને નથી ગમતું તે ટીવી જોયા કરે છે….ફોન પર લાંબી વાતો કર્યા કરે છે……વ્યસનો પાળે છે……..પંપાળે છે…….સતત ધોંઘાટ વચ્ચે રહે છે…..પંચાતો કરે છે.

  કેમ કે એકલાં પડે તો……માહ્યલો અઘરા સવાલ પુછે ને…!!!!!

  એક ઊત્તમ રચના બદલ પ્રથમ લેખિકાને અને પસંદ/પ્રકાશન બદલ મૃગેશભાઈને અભિનંદન.

 15. hiral says:

  સરસ લેખ. લેખિકાને અને મૃગેશભાઇને અભિનંદન.
  પણ અહિં વર્ણવેલી બસની સમસ્યાની વાત વાંચીને એક ખૂબ આદરણીય કાકા યાદ આવી ગયા.

  એક બસ-સ્ટોપ પર અંદાજે ૧૨-૧ વાગે મારી એમની સાથે મુલાકાત થઇ. ઉંમર ૭૦ની આસપાસ.
  મેં જે બસની રાહ જોઇ રહી હતી એનાં અનુસંધાનમાં પૂછ્યું કે બસનો ટાઇમ તો ક્યારનો થઇ ગયો. બસ કેટલા વાગે આવશે?
  તો મને કહે, આ બસની તકલીફ તો છે જ આ રુટ ઉપર. વળી એમણે તો બીજી ઘણી બસોની સંખ્યા અને જે તે સમયે કઇ બસ આટલી મોડી-વહેલી થાય છે એનો ચાર્ટ બનાવેલો.

  મેં સહેજ પૂછ્યું કે અંકલ, આપ, શેમાં ફરજ બજાવો છો? તો મને આ ચાર્ટ અને બીજી ઘણી બધી અરજી (પાણીની, ગટર લાઇનની, રસ્તાઓની, આરોગ્યની) બતાવીને કહે બસ, જો હું સામાન્ય નાગરિક તરીકે આપણી સામાન્ય જનતાની તકલીફો માટે દરરોજ બપોરે ૪-૫ કલાક સરકારી કચેરીઓમાં ફરું છું. મારાથી જેટલો થાય એટલો સહયોગ આપણી સરકારને એક નાગરિક તરીકે આપું છું. દેશની સેવા વિશે ખબર નથી પણ મારા નગરને વધુ સુવિધાજનક બનાવવા માટે પ્રયત્નશીલ રહું છું. ઃ)

 16. Ashish Dave, Sunnyvale, California says:

  ઘણા વાચક મિત્રોની જેમ મને પણ લાગ્યુ કે કયાંક આમા મારી વાતો તો નથી થતી ને…

  Ashish Dave

 17. Preeti Dave says:

  સરસ…..સાચુ લાગે તેમ રહેવુ ને જીવવુ ……..કોઈ ને શુ પુછવુ? પોતાના રસ્તા ઓ જાતે બનાવવા…..ને એમા સાથ ક્યારે મળી જાય તે ખબર પણ ના પડે…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.