- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

મહાભારત વિષે – દક્ષા વિ. પટ્ટણી

[થોડાં વર્ષો અગાઉ કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે યોજાયેલ ‘શિક્ષક, શિક્ષણ તથા સમાજ’ અને વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં યોજાયેલ એક અદ્દભુત ‘શિક્ષકસત્ર’માં થયેલા પ્રવચનો પરથી ‘યાત્રા : રામથી શ્યામ તરફ’ નામનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં શ્રી મોરારિબાપુ, શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’, શ્રી મોતીભાઈ પટેલ, શ્રી ગુણવંત શાહ વગેરે વિદ્વાનોએ સુંદર પ્રવચનો કર્યા હતા. તેમાં દક્ષાબેન વિ. પટ્ટણીએ ‘મહાભારત વિષે’ બે પ્રવચનો કર્યા હતા, જેમાં એક પ્રવચન મહાભારતના પ્રસંગો વિશે અને બીજું વક્તવ્ય પ્રશ્નોત્તરી અંગેનું હતું. મહાભારત વિશેની પ્રશ્નોત્તરીનું વક્તવ્ય આ પુસ્તકમાંથી સાભાર અહીં લેવામાં આવ્યું છે. દક્ષાબેને ગાંધીજી પર પી.એચ.ડી કર્યું છે. તદુપરાંત ગાંધીસાહિત્ય અને અન્ય સાહિત્યના તેઓ ઊંડા આજીવન અભ્યાસી છે. તેમને સાંભળવા તે એક અનુપમ લ્હાવો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

શ્રીમદ ભાગવતમાં ધ્રુવસ્તુતિમાં એક શ્લોક છે :

यो़न्तः प्रविश्य मम वाचमिमां प्रसुफ्ताम्
योडन्तः प्रविश्य मम वाचम् ईमां प्रसुप्ताम्
संजीवयत्यखिल-शक्ति-धरः स्वधाम्ना ।
अन्यांश्च हस्त-चरम-श्रवण-त्वगादीन्
प्राणान् नमो भगवते पुरूषाय तुभ्यम् ।।

આખા શ્લોકનું ભાષાન્તર કરવાની જરૂર લાગતી નથી. મુખ્ય વાત આટલી જ છે કે જેણે મારા અન્તઃકરણમાં પ્રવેશ કરીને મારી સૂતેલી વાણીને જાગૃત કરી તે પરમતત્વને હું નમસ્કાર કરું છું. આપણે વાતો શરૂ કરીએ ત્યારે અંદરથી શું બહાર નીકળશે તેની ખબર નથી હોતી. ગઈ કાલની વાતોમાં તમને આનંદ થયો તે મારું અને તમારું સદભાગ્ય. બાકી કોને ખબર કે કોણે વાવેલાં બીજ ઊગી નીકળ્યાં હશે !

આજે આપણે પ્રશ્નોત્તરી માટે ભેગાં થયાં છીએ. અને મને પૂછેલા પ્રશ્નો કોર્સ બહારના પુછાયા છે. એક પ્રશ્ન છે : કાલની અધૂરી કડી આગળ લંબાવો. ગાંધીજી વિશે વાત કરો એ બીજો સવાલ. ભગતસિંહને ગાંધીજી બચાવી શક્યા હોત, તેવો એક આક્ષેપ છે તેનો જવાબ આપવો એ ત્રીજો સવાલ. આ બધા સવાલોને ગઈકાલની વાત સાથે સાંકળી લ્યો. એ બધું કેવી રીતે થાય તેનો હું વિચાર કરતી હતી. ત્યાં મને છાંદોગ્ય ઉપનિષદની એક વાત યાદ આવી. છાંદોગ્ય ઉપનિષદમાં એવી વાત છે કે એક વખત દુષ્ટ ભાવો સદભાવોની પાછળ પડ્યા તેને હણી નાખવા માટે. સદભાવોએ બચવા માટે બહુ ભાગાભાગી કરી. હવે સંતાવું ક્યાં ? છેલ્લે થાકીને એ બધા છંદની પાછળ સંતાઈ ગયા. આપણે કવિતામાં જે છંદરચના ભણીએ છીએ ને તેની પાછળ. ત્યારથી માંડીને આજ સુધી યુગ ગમે તેવો બદલાતો રહે, આપણા સદભાવો બધા છંદની પાછળ સલામત છે.

જૂના સમયમાં જ્યારે પ્રેસ ને એવું બધું નહોતું, સાહિત્ય બધું હસ્તલિખિત હતું, મોટે ભાગે કંઠસ્થ હતું, એટલે છંદોમાં જળવાયું. જો આ સદભાવો કવિતામાં સચવાયેલા ન પડ્યા હોત તો આપણી પાસે આપણાં વેદ-ઉપનિષદ ન હોત. આપણાં રામાયણ, મહાભારત કે ભાગવત ન હોત. છેક મારા જેવી સુધી ગાંધીજી એમના સાચા સ્વરૂપમાં ન પહોંચ્યા હોત. ગાંધીને હું મળી નથી, તેમ ગાંધીના અનુયાયીઓમાં મને રસ નથી. માત્ર ને માત્ર એ સમયની જે ઘટનાઓ છે એ અક્ષરો સુધી જ હું ગઈ છું. એટલે આપણને બધાંને જે કંઈક મળ્યું છે તે અક્ષરોથી એટલે કે સાહિત્યથી મળ્યું છે. એ કેવી રીતે મળે ? સાહિત્ય વાંચતાં-વાંચતાં એક વસ્તુ સમજાય. વધારે વાંચો તો બીજું સમજાય. અને આપણા કોચલામાંથી બહાર જ નીકળી જઈએ તો ઘણુંબધું જે ક્યારેક નહોતું સમજાતું તે સમજાય. દા..ત, ‘अहम ब्रह्मास्मि’ એટલે કે ‘હું પોતે જ બ્રહ્મ છું.’ એટલે કે ‘ઈશ્વરતત્વ છું.’ આનો અર્થ શું ? ધીમેધીમે સમજાયું કે દરેક મનુષ્યમાં એ શક્તિનું બીજ પડેલું જ છે. કોઈ પણ માણસ જે પળે નિશ્ચય કરે કે મારે આમ કરવું જ છે અને પછી પુરુષાર્થ કરે તો અશક્ય લાગતી ઘટનાઓ પણ શક્ય બની છે. કશું જ એવું નથી જે આપણાથી ન થઈ શકે. માત્ર પ્રશ્ન એટલો જ હોય છે કે આપણે આપણા સમગ્ર અસ્તિત્વથી તેને માટે પ્રયત્ન કર્યો છે ?

રામે રામરાજ્યની સ્થાપના કરી એમાં એમને કોઈ જ અનુકૂળતા મળી ન હતી. કૃષ્ણનું આખું જીવન સંઘર્ષ, વેદના અને પ્રતિકૂળતાઓથી ભરેલું હતું. ગાંધીજીએ જે પરિસ્થિતિમાં જે કામો કર્યાં એ આજે પણ જગતને આશ્ચર્યમાં નાખે છે કે આવું માણસ કેમ કરી શકે ? ત્યારે આપણને પેલું ઉપનિષદનું વાક્ય બરાબર સમજાય કે કોઈ પણ મનુષ્ય પેલા પરમતત્વનો, પૂર્ણતત્વનો જ અંશ છે, જેની આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે મનુષ્ય જો સંકલ્પ કરે તો તેનાથી મોટી કોઈ શક્તિ નથી એવું સંકલ્પશક્તિનું મહત્વ છે. હું એવું નથી કહેતી કે આપણે કૃષ્ણ જેવાં કે ગાંધીજી જેવાં થઈ જવું. પણ દરેક માણસને તેના પોતાના જીવનનો એક આદર્શ હોય જ છે. પણ મુશ્કેલીથી એ અટકી જાય છે ત્યારે સાહિત્ય વાંચ્યું હોય તો સમજાય કે જેમણે કામ કર્યાં છે એમને મુશ્કેલીઓ આવી તેની સામે એ કેમ ઝઝૂમ્યા ? શું કર્યું ? કેવી રીતે કર્યું ? અનેક દુઃખો અને નિરાશાના ભરડામાંથી એ કેવી રીતે છૂટ્યો ? આ બધી વાતો માત્ર મનોરંજન માટે નથી, એમાંથી આપણને જીવવાનું બળ મળે છે, રસ્તો મળે છે, દીવો મળે છે.

રામાયણની કેવી સરસ કથા ! પણ દુઃખો તો આરંભથી જ આવતાં રહ્યાં અને છેલ્લે પણ શું ? અન્ત કેવો કરુણ ! ચોવીસ કલાકમાં ચારે ભાઈઓએ સરયૂ નદીમાં સમાધિ લીધી. શું કામ ? તો વાત એવી હતી કે શરતનો ભંગ થયો હતો અને શરત પ્રમાણે લક્ષ્મણને દેહાન્ત દંડની સજા થાય. જો શરત ન પાળે તો દુર્વાસા શાપ આપે કે રામરાજ્યનો નાશ કરીશ. ત્યારે લક્ષ્મણ કહે છે કે રામરાજ્યની સ્થાપના માટે તો આટલી મહેનત કરી, આટલાં વર્ષો ગાળ્યાં, આટલાં દુઃખો સહન કર્યાં. હવે રામરાજ્યનો નાશ ? એ નહિ બને. હું મરીશ, પણ રામરાજ્ય રહેશે. લક્ષ્મણ ગયા, તેમની પાછળ રામ ગયા, તેમની પાછળ ભરત અને શત્રુઘ્ન ગયા. આટલો કરુણ અન્ત શેના માટે ? રામરાજ્યની સ્થાપના માટે. મિત્રો, એ જમાનામાં પણ આપણા જેવા સામાન્ય લોકો હશે. જેમ આપણે આજે ગાંધીજી વિશે બોલીએ છીએ તેમ આ લોકો વિશે પણ બોલતા હશે કે મૂરખ ચારેય ભાઈઓ ! દુર્વાસા કરીકરીને શું કરવાનો હતો ? વગેરે વગેરે… આવું નહિ થયું હોય તેમ માનવાને કારણ નથી પણ દુર્વાસા એટલે બીજું કશું નહીં, તમે જે નિયમ કે તંત્ર ગોઠવ્યું છે તેનો ભંગ જો રાજા જ કરે તો અરાજકતા જ ફેલાય, જેવી આજે આપણા દેશમાં છે તેવી. દુર્વાસાનો શાપ એ કોઈ ચમત્કારની વાત નથી એ સાદો નિયમ જ છે અને રામરાજ્ય એટલે સંપૂર્ણપણે નિયમપાલન, જેને માટે આ ચારેય ભાઈઓએ પ્રાણ આપ્યા. એવો જ કરુણ અન્ત યાદવાસ્થળીને અન્તે કૃષ્ણનો છે. એ માણસે આખી દુનિયાને સુધારવા કેટલું કર્યું અને એના કુટુંબનું શું થયું ? દિનકર જોશી બહુ સારું લખે છે. પણ મિત્રો, હું બહુ જ વેદના સાથે કહું છું કે ‘પ્રકાશનો પડછાયો’ એમની નવલકથા છે તેમાં એમણે હકીકત-દોષો ઉમેરીને ગાંધીજીનું જે વિકૃત ચિત્ર આલેખ્યું છે તેના જેવું પાપ બીજું એકેય નથી, એ અજાણતાં થયું હોય તોપણ.

એક દિવસ એક મિત્રે મને પૂછ્યું કે તમને એવું નથી લાગતું કે ગાંધીજી નિષ્ફળ ગયા ? મેં પૂછ્યું કે કેમ ? તો કહે કે ગાંધીજી એમની જિંદગીના અંતિમ દિવસોમાં સાવ એકલા પડી ગયા હતા. મેં કીધું, તમારી વાત અમુક અંશે સાચી છે. જીવનનાં અંતિમ વર્ષોમાં એમની એકલતા અને વેદના અસહ્ય છે, પણ તેનાથી એ નિષ્ફળ ગયા એમ ન કહી શકાય. હિમાળો ગાળવા જતા યુધિષ્ઠિર, યાદવાસ્થળી પછીના કૃષ્ણ, ક્રુસ પર ચડેલ ઈસુ અને ઝેરનો પ્યાલો પીતી વખતે સૉક્રેટીસ એકલા જ હતા ને ? એ અંતિમ પરીક્ષામાંથી જ મનુષ્યનું આંતર તેજ પ્રગટે છે. ગઈ કાલે મહાભારતની વાત કરી તેમાં પણ ચીર ખેંચાયા પછીની દ્રૌપદી એકલી જ હતી ને ? કોણ હતું તેની સાથે ? જે અર્જુનના પરાક્રમથી સ્વયંવરમાં એ તેને વરી હતી તે અર્જુન પણ કંઈ કરતો નથી. ધર્મનો અવતાર એવા યુધિષ્ઠિર પણ કંઈ ધર્મ બજાવતા નથી. ભીષ્મપિતામહ પણ નહિ, દ્રોણાચાર્ય પણ નહિ અને છતાં દ્રૌપદી પાર ઊતરી શેનાથી ? આત્મશક્તિથી. આ મુશ્કેલીઓ એ વિકાસ પામતા જીવનની પરીક્ષાઓ છે. જેમ-જેમ પાસ થતાં જઈએ તેમ-તેમ વધારે ને વધારે મુશ્કેલીની પરીક્ષા આપવી જ પડે. એ રામે આપી, કૃષ્ણે આપી, દ્રૌપદીએ આપી, ગાંધીજીએ આપી. તેમાં જ પૂર્ણતાનો અનુભવ સમાયેલો છે. આ પૂર્ણતામાં અહંકાર બિલકુલ નથી હોતો અને જો હોય તો કુદરત પ્રસંગ પાડે જ છે. મહાભારતનું યુદ્ધ જીતનાર અર્જુન એક સામાન્ય બહારવટિયાથી લૂંટાયો અને તેનું અભિમાન ઓગળ્યું. એટલે તો આપણી કહેવત છે ને – કાબે અર્જુન લૂંટિયો, વો હિ ધનુષ, વો હિ બાણ !

આ અહંકારશૂન્યતા એટલે શું ? ગાંધીજીએ કહ્યું છે ને કે સત્યના પૂજારીએ તો રજકણ કરતાં પણ નમ્ર થવું જોઈએ. એ ક્યારે થવાય ? તેની સરસ વાત ભાગવતમાં બલિરાજાની છે. વિષ્ણુભગવાન વામનસ્વરૂપે બલિરાજા પાસે ભિક્ષુક થઈને જાય છે અને પછી શું માગે છે ? त्रिपदानि महीम याचे । એટલે કે હું ત્રણ પગલાં પૃથ્વી માગું છું. અહીં ‘પદ’ એટલે માત્ર ‘પગલું’ એવો અર્થ નથી. પદ એટલે પગલું, પદ એટલે સ્થાન, હોદ્દો. તો ભગવાને ત્રણ પગલાં માગ્યાં અને બલિરાજાએ આપ્યાં. કેવી રીતે ? પહેલા પગલામાં ભગવાને પૃથ્વી લઈ લીધી. પૃથ્વી એટલે આપણું કર્મનું ક્ષેત્ર, આપણે જ્યાં કર્મો કરીએ છીએ તે ક્ષેત્ર આપણું નથી. ભગવાન ગમે ત્યારે લઈ લ્યે છે. આજે હું તમારી સામે ઊભીઊભી બોલું છું, બીજી ક્ષણે ન પણ હોઉં. એ મારા હાથની વાત જ નથી. કોણ ક્યારે જીવે અને મરે એ આપણા અધિકાર બહારની વાત છે. બીજા પગલામાં ભગવાને સ્વર્ગ લઈ લીધું. સ્વર્ગ એટલે જ્યાં આપણાં કર્મોનું ફળ આપણને મળે છે તે. આપણે કરેલાં કર્મોનું ફળ આપણને મળે કે ન મળે. એ પણ આપણા અધિકારની વાત નથી. આપણી આસપાસ કેટલાં સારાં કામ કરનાર માણસોને પણ દુઃખ ભોગવતાં આપણે જોઈએ છીએ. રામકૃષ્ણ પરમહંસને કૅન્સર જેવો રોગ શું કામ થાય એ આપણને સમજાતું નથી, સારાં કામ કરનારને સુખ મળે અને ખરાબ કરનારને તેનું ફળ મળે જ તેવું આપણે જોતાં નથી, એટલે કે એ પણ ભગવાનના હાથની વાત છે. એણે બીજા પગલામાં આ સ્વર્ગ લઈ લીધું. પણ પછી પૂછે છે કે હવે ત્રીજં પગલું ક્યાં મૂકું ? હવે તો કંઈ બાકી નથી. ત્યારે બલિરાજા પોતાનું મસ્તક ધરે છે, કહે છે, મારા મસ્તક ઉપર મૂકો. મિત્રો, મસ્તક એ આપણા અહંકારનું સ્થાન છે. ભગવાન આપણું કર્મક્ષેત્ર લઈ શકે, આપણું ફળ પણ લઈ શકે, પણ અહંકાર એક એવી વસ્તુ છે કે જે સમર્પિત કર્યા પહેલાં ભગવાન પણ ન લઈ શકે. બલિરાજાએ રજકણ જેટલા નમ્ર બનીને જ્યારે અહંકાર સમર્પિત કર્યો ત્યારે તેણે સંપૂર્ણ મુક્તિનો અનુભવ કર્યો.

આ જ વાતને હું આજના પ્રશ્ન સાથે મૂકું છું. એ પ્રશ્ન દ્રૌપદીના વસ્ત્રાહરણ વિશેનો છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું, પછી કૃષ્ણભગવાને જે ચીર પૂર્યાં તેવું કદી થાય ? તેનો અર્થ શું ? એવો એક પ્રશ્ન પૂછવો છે. મિત્રો, મહાભારતમાં આ પ્રસંગ એ ક્ષેપક છે, એટલે કે મૂળ મહાભારતમાં નથી, એ પાછળથી ઉમેરાયો છે, પણ બહુ પ્રસિદ્ધ છે. જેમ ભાગવતમાં રાધાનું પાત્ર જ નથી, ગોપીઓ છે. રાધા પાછળથી આવે છે, છતાં સરસ અને ઉચિત છે, તેમ આ પ્રસંગ પણ બહુ પ્રસિદ્ધ છે અને જુદીજુદી ભૂમિકાએથી એને મૂલવી શકાય તેવો સક્ષમ છે. હું એવું સમજું છું કે દ્રૌપદીનું પાત્ર બહુ જ જાજરમાન અને ગૌરવપૂર્ણ છે, છતાં પોતાના રૂપ વિશે, પોતાની શક્તિ વિશે એ સભાન છે – કંઈક અંશે અભિમાન પણ કહી શકાય. અને પાત્રતાવાળાં માણસોને પોતાની શક્તિ વિશે ખ્યાલ તો હોય જ ને ! ભલે નમ્રતા હોય તોયે આ સભાનતા સાથે જ માણસ ઘણુંબધું અશક્ય લાગતું કામ પણ કરી શકે છે. પણ એ કરતાં-કરતાં જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એક અનુભવ તેને એવો થાય છે કે કશું જ આપણા હાથમાં નથી એવું જ્ઞાન તેને થઈ જાય. હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડ્યા, કોમી રમખાણો થયાં ત્યારે ગાંધીજીની આવી જ દશા હતી. કૃષ્ણના જીવનમાં યાદવાસ્થળી થઈ જ, તેમ દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાયાં જ.

દ્રૌપદીને ગૌરવ છે પોતાના વ્યક્તિત્વનું, સતીત્વનું, પાંડવો જેવા પરાક્રમી પતિઓની પત્ની હોવાનું, કુરુકુળની કુળવધૂ હોવાનું અને આ પ્રસંગ એવો બન્યો કે હસ્તિનાપુરની ભરીસભામાં, કુરુકુળના સંસ્કારી વડીલોની વચ્ચે, પાંડવોની હાજરીમાં દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાયાં અને કોઈએ કશું જ કર્યું નહીં. આ શું ? ભીષ્મને પૂછે છે – નિરુત્તર. દ્રોણ, ક્યાં ગયું ગૌરવ ? અરે, પાંડવો પણ કંઈ ન બોલી શકે અને વસ્ત્રો ખેંચાય. ક્યાં સુધી ? વેદનાની પરાકાષ્ઠા અને એકલાં જ આપવાની પરીક્ષાની પળ. ત્યારે જ આત્મતેજ પ્રગટે. કોઈનો સાથ મળતો હોય ત્યાં સુધી તે પ્રગટતું નથી. દ્રૌપદીની આત્મશક્તિ પરનાં બધાં પડળો આ આઘાતે તોડી નાંખ્યાં અને તેની આંતરિક તાકાત પ્રગટ થઈ. જ્યારે કોઈ સ્થાન, કોઈ સગાં, કોઈ સંબંધી, કોઈ અધિકાર, કોઈ સંસ્કાર કે સભ્યતા કામ નથી આવતાં ત્યારે દ્રૌપદી કૃષ્ણને આર્તસ્વરે પુકારે છે, બધા અહંકારથી મુક્ત થઈને પ્રાર્થના કરે છે. અને એના જીવનમાં એક નવી જ શક્તિ પ્રગટ થઈ હશે. એ બધો જ ભય છોડીને ઊભી રહી ગઈ હશે. ખેંચ તું તારે ! થાય એ કરી લે ! અને તાકાત છે કોઈ માણસની કે આ નિર્ભયતાની સામે થાય ! દ્રૌપદી જ્યારે કશું જ કર્યા વિના ઊભી રહી ગઈ હશે ત્યારે દુઃશાસનની તાકાત છે કે એ ખેંચે ? શું આનંદ આવે એને ? શું પરાક્રમ લાગે તેને ? આ એક મનોવિજ્ઞાનનો નિયમ છે કે જ્યાં સુધી સામો માણસ ભય પામે ત્યાં સુધી જ ભય આપનારને આનંદ આવે છે. પણ શિકારને કોઈ અસર જ નથી એ જાણીને શિકારીને પણ શિકાર કરવાનો આનંદ નથી આવતો. આ વિચાર પર જ ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહનો સિદ્ધાંત રચાયો છે.

દુઃશાસનની શક્તિ ખલાસ થઈ ગઈ હશે. પાશવી બળ પરાભવ પામ્યું. તેનું હૃદયપરિવર્તન થયું એમ હું માનતી નથી, પણ તેનો ઉત્સાહ, તેનો હલ્લો દ્રૌપદીએ આત્મબળથી જ અટકાવ્યો એમ હું સમજું છું. દુઃશાસનની શક્તિ દ્રૌપદીની નિર્ભયતા સામે ખલાસ થઈ ગઈ, એટલો જ તેનો અર્થ હશે, બાકી કૃષ્ણભગવાને નવસો નવ્વાણું ચીર પૂર્યાં તેવા ચમત્કારની વાત મારી બુદ્ધિ સ્વીકારતી નથી. હું માત્ર આ પ્રસંગમાંથી અને આવા બીજા અનેક પ્રસંગો સાથેની સરખામણીથી એટલું સમજું છું કે નબળામાં નબળા અને તદ્દન એકલા માણસમાં પણ જ્યારે અંદરની તાકાત ઊભી થાય છે ત્યારે બહારના વિરોધોને એ અટકાવી શકે છે.

હું તમને ગાંધીજી સાથેનો એક દાખલો આપું. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી અહીં આવ્યા પછી ચંપારણનો સત્યાગ્રહ થાય છે. ગાંધીજીને એવી ટેવ હતી કે આપણા દોષ હોય તેમાંથી પહેલાં સુધરી જાઓ. પછી બીજાના દોષ સામે લડો. ખેડૂતોને કહ્યું, તમે બધા દારૂ પીવાનું બંધ કરો, તો હું તમારા માટે સત્યાગ્રહ કરું. એટલે બધાએ દારૂ પીવાનું બંધ કર્યું. હવે દારૂનું પીઠું જે માણસ ચલાવતો હતો તે અંગ્રેજ હતો. તેનો ધંધો પડી ભાંગ્યો, એટલે તેણે એમ કહ્યું કે, ‘સાલો એકલો મળતો નથી, નહિતર પતાવી દઉં.’ એ વાતની ગાંધીજીને ખબર પડી. 1917ની સાલની આ વાત કરું છું. એટલે ગાંધીજી અડધી રાતે તેના દારૂના પીઠા ઉપર ગયા. બધું બંધ હતું. બારણું ખખડાવ્યું. પેલા માણસે બારણું ઉઘાડ્યું. સામે ગાંધીજીને જોયા. ચમકીને પાછો પૂછે છે : ‘કોણ ?’ તો કહે : ‘હું મિ. ગાંધી. તમે કહેતા હતાને કે એકલો મળતો નથી, નહિતર પતાવી દઉં. એટલે એકલો આવ્યો છું. તમારું કામ પતાવી દ્યો.’ આવી હિંમતની તો કલ્પના જ ન હોય. પેલો માણસ આમ આજુબાજુ જોવા લાગ્યો. ગાંધીજી કહે : ‘ગભરાતા નહિ. મારી સાથે કોઈ નથી. કોઈને ખબરેય નહિ પડે.’ એટલે તેને વધારે નવાઈ લાગી. ગાંધી કહે, ‘હું કોઈને કહીને પણ નથી આવ્યો. એટલે તમતમારે પૂરું જ કરી નાખો.’ પેલો માણસ એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે દારૂ વેચવાનું બંધ કરીને ગાંધીજીની સાથે દારૂનિષેધના કામમાં લાગી ગયો.

1917માં આ બને છે, જેને આપણે કળિયુગ કહીએ છીએ તેમાં. તો દ્વાપરયુગમાં દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાતાં હોય ત્યારે નિર્ભય બનીને એક સ્ત્રી એમ કહે કે આ હું ઊભી છું. મારાં વસ્ત્ર ખેંચવાં છે ને ? દુઃશાસન તો શું કોઈની પણ શક્તિ નથી કે વસ્ત્રો ખેંચી શકે. આ જે આત્મબળ છે તે કેવડી મોટી વસ્તુ છે ! એ ભૂમિકાએ પહોંચતી વખતે કોઈનો ટેકો ન હોય, માણસ એકલો જ હોય. એ સાધકની મર્યાદા નથી, એની સાધનાની વિશેષતા છે. એ છેલ્લી કસોટી છે. એમાં કોઈ સાથે ન હોય. એટલે હેમાળો ગાળવા ગયો છે યુધિષ્ઠિર. તેની સાથે કોઈ નથી. દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાય છે. તેની સાથે કોઈ નથી. આ આખી ઘટનાને તમે રામાયણમાંથી લ્યો, મહાભારતમાંથી લ્યો કે ગાંધીમાંથી લ્યો. આ નમ્રતા સુધી પહોંચવાનું આપણાં પાત્રો આપણને શીખવે છે. હવે થોડું આગળ. કાલે મહાભારતના જે પ્રસંગો બાકી રહ્યા છે તેમાંથી શું શું પકડવાનું છે ત્યાં જ હું જાઉં છું. શિશુપાલવધ. સરસ મજાનો પ્રસંગ મહાભારતકારે લખ્યો છે. યુધિષ્ઠિરને રાજસૂયયજ્ઞમાં ભીષ્મપિતામહ કહે છે : ‘બેટા, હવે યોગ્યતા પ્રમાણે આ લોકોની પૂજા કરો.’ એટલે પહેલો અર્ઘ્ય કોને આપવાનો ? યુધિષ્ઠિર પૂછે છે. ભીષ્મપિતામહ કહે છે : ‘આ કૃષ્ણ બુદ્ધિશાળી માણસોમાં શ્રેષ્ઠ છે. તેની પ્રથમ પૂજા કરો. યુધિષ્ઠિર પૂજા કરવાની તૈયારી કરે છે. પેલો શિશુપાલ ગરમી ખાઈ જાય છે. આપણે મહાભારતની વાર્તા વાંચીએ એટલે આપણને એમ થાય કે શિશુપાલ કેમ ગરમી ખાઈ ગયો ? શિશુપાલની જગ્યાએ હું હોઉં તો હું પણ ઊભી થઈને પૂછું કે કેમ, ભાઈ, આની પૂજા ? આપણે શાંતિથી પૂછીએ એટલો જ ફેર.

જરા આગળ જઈને કહું. જરાસંધનો વધ. એ મહાભારતનું બહુ સરસ પાત્ર છે. બહુ સારો રાજા છે. બહુ સંસ્કારી છે. પ્રજાને બહુ સરસ રીતે રાખે છે. તેનો એકમાત્ર દોષ એ છે કે તેને નરમેધયજ્ઞ કરવો છે. એ માટે એણે 85 રાજાઓને પકડ્યા છે. તેને હોમવાના છે. એટલે કૃષ્ણભગવાન ભીમ, અર્જુન વગેરેને લઈને તેની પાસે જાય છે. બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જાય છે. બિચારો જરાસંધ તો પૂજા કરવા આવે છે. તો કહે કે અમારે પૂજા નથી કરાવવી. પેલો કહે કે ‘તમે કેમ મારી પૂજાનો અનાદર કરો છો ? મને કંઈ સમજાતું નથી. તમે બન્ને આવું શું કામ કરો છો ? મને કંઈ સમજાતું નથી. હું તમારી પૂજા કરવા આવ્યો છું.’ ત્યારે કૃષ્ણ કહે છે : ‘શાસ્ત્રમાં એવું લખ્યું છે કે દુશ્મનના ઘરે ખોટે બારણેથી જવાય અને મિત્રના ઘરે સાચા બારણેથી જવાય. અમે તારા ઘરે ખોટા બારણેથી આવ્યા છીએ.’ એ લોકો બ્રાહ્મણના વેશમાં ગયા હતા, એટલે એ ન ઓળખી શક્યો હોય. એટલે કહે કે તમે મારા દુશ્મન કેવી રીતે થઈ ગયા ? મેં એવું કાંઈ કર્યું નથી. મારે કોઈની સાથે દુશ્મનાવટ નથી. પેલા કહે છે – બધી વાત સાચી. પણ પેલા 85 રાજાઓને તેં કેદ કર્યા છે અને તું નરમેધ-યજ્ઞ કરાવવાનો છે. પરંતુ તેવું કાંઈ શાસ્ત્રમાં તો લખ્યું નથી. નરમેધયજ્ઞ કોઈએ કર્યો નથી અને કરાય નહિ. પણ જરાસંધને શંકરને પ્રસન્ન કરવા છે. તેથી યજ્ઞ કરવો છે. કૃષ્ણ એકલા દુર્યોધનને જ મનાવવા ગયા છે તેવું નથી. આ જરાસંધને પણ કહે છે કે એ રાજાઓને જો તું છોડી મૂક તો અમારે તારી સામે કોઈ વિરોધ જ નથી. તો દુશ્મનાવટ જ ક્યાં છે ?

ગાંધીજી પણ કહે છે કે મારે અંગ્રેજો સાથે દુશ્મનાવટ જ નથી. એમણે જે અસત્ય કે અન્યાય કર્યો છે તેની સામે મારો વિરોધ છે. એ તમે છોડી દ્યો. કોઈ વ્યક્તિ સાથે દુશ્મનાવટ છે જ નહિ. એવી જ તાકાતથી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું રાજાઓને છોડી મૂક. તો અમારે તારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. પણ જરાસંધ એ માટે તૈયાર નથી. એ યુદ્ધ માટે તૈયાર થાય છે. એવું જ શિશુપાલવધ વખતે પણ બને છે. મહાભારત વાસ્તવદર્શી કલાકૃતિ છે. એટલે જ્યારે શિશુપાલવધ કૃષ્ણ કરે છે ત્યારે પણ ‘વાહવાહ, કૃષ્ણ’ એમ નથી. કેટલાક રાજાઓને આનાથી આનંદ થયો. કેટલાકને ગુસ્સો થયો. કેટલાક પગ પછાડીને ઊભા થઈ ગયા. કૃષ્ણ ભગવાન આપણા માટે ભગવાન છે, પણ તે દિવસે એ ભગવાન નથી, સામાન્ય માણસ જ છે. એટલે એક સામાન્ય કામને અટકાવો ત્યારે સમાજના કેટલાક માણસો તમારી સાથે છે કેટલાક તમારી સામે છે જ. પ્રમાણપત્ર તો અહીંથી જ મળે છે. હું જે કરું છું તે બરાબર કરું છું કે નહિ, એના ઉપર જ એ એક માણસ ઊભો છે. ભીષ્મપિતામહ શાસ્ત્રમાં જોવા જાય. યુધિષ્ઠિર સત્યને વળગીને ઊભા રહે. પણ પરીક્ષિત મરેલો જન્મે. ત્યારે કૃષ્ણ ભગવાન અંજલિ આપે કે ‘જો હું કોઈ દિવસ ખોટું બોલ્યો ન હોઉં (કેટલીય વાર ખોટું બોલ્યા છે), મેં કોઈ દિવસ અધર્મ ન કર્યો હોય, (આપણી દષ્ટિએ અધાર્મિક કહેવાય તેવું કર્યું છે), તો આ મરેલો બાળક જીવતો થાય.’ અને અંજલિ નાખી ને બાળક જીવતા થયો. તો એનું શું કારણ હતું ? આખી જિન્દગી ધર્મનું પાલન કરવા છતાંય તે માણસ અધાર્મિક હોઈ શકે. આખી જિન્દગી બ્રહ્મચર્યનું પાલન કરનારો માણસ બ્રહ્મચારી ન પણ હોઈ શકે. આખી જિંદગી સાચું બોલનારો માણસ સાચો ન પણ હોઈ શકે. પરમ સત્ય શું છે તે આપણે જાણતા નથી. એટલે કાલે તમારી પાસે બે શબ્દો મૂક્યા હતા. એક ‘રિલેટીવ ટ્રુથ’ અને બીજું ‘એબ્સોલ્યુટ ટ્રુથ’ એક યુગીન ધર્મ, બીજો સનાતન ધર્મ. માણસનું અંતઃકરણ જ્યારે એમ કહે કે આ ન જ થવું જોઈએ. એની સામે ઊભા રહ્યા કૃષ્ણ, શેને માટે ? પોતા માટે નહિ. આમ આપણે આખા સંદર્ભનો વિચાર કરીએ.

કૃષ્ણ ભગવાન અર્જુનની સાથે શું કામ હતા ? એ ફઈનો દીકરો હતો એટલે ? કર્ણ પણ ફઈનો દીકરો હતો. શિશુપાલ પણ ફઈનો દીકરો હતો. એક ફઈના દીકરા શિશુપાલનો વધ કર્યો. બીજા ફઈના દીકરાનો વધ કરવા અર્જુનને કીધું. અને ત્રીજા ફઈના દીકરાને બચાવ્યો. ફઈનો છોકરો હતો અર્જુન, માટે કૃષ્ણને પ્રિય હતો એમ નહિ. પણ ‘જગત-હિતાય’ – જગતના કલ્યાણ માટે માણસ ઊભો રહે છે ત્યારે તે તેમનું પ્રિય પાત્ર બને છે. એવું કામ જ્યારે રામે કર્યું, એવું કામ જ્યારે કૃષ્ણે કર્યું, એવું કામ જ્યારે ગાંધીએ કર્યું, આખા જગતથી જુદા પડીને કર્યું, તોપણ દુનિયા તેમની સાથે છે. શિશુપાલવધની વાત કહું. એમાં એવું આવે છે કે કૃષ્ણે શિશુપાલનો સુદર્શનચક્રથી વધ કર્યો. એક પ્રકાશકિરણ શિશુપાલમાંથી નીકળીને કૃષ્ણમાં સમાઈ ગયું. આનો અર્થ શું થયો ? અર્થ એમ જ છે કે જગતમાં આવાં બે તત્વ સત્ય અને અસત્યરૂપે તમારી સામે આવે છે ત્યારે પણ એ ઈશ્વરના જ અંશો છે, ઈશ્વરનાં જ સ્વરૂપો છે. ગાંધી એમ કહેતા કે ‘સત્ય એ જ પરમેશ્વર છે’ પણ સવાલ એ છે કે જો બધું ઈશ્વરથી જ વ્યાપ્ત છે તો પછી અસત્ય એ શું છે ? સત્ય અને અસત્ય, દેવ અને દાનવ, રામ અને રાવણ – આ શું છે ? મશરૂવાળા સાંખ્યદર્શનના માણસ છે, એટલે એ બધું તાર્કિક રીતે સમજાવે છે. તેઓ કહે છે કે અસત્ય એ પણ સત્ય જ છે, પણ અસ્થાને પડેલું સત્ય છે. એટલે અસત્ય ચોપડી સત્ય છે. પણ રસોડામાં પડી હોય તો ? એ અસત્ય છે. એટલે શિશુપાલ છે તે પણ સત્ય છે અને દુઃશાસન છે તે પણ એવું જ સત્ય છે. મહાભારતનાં બધાં જ પાત્રો મહાભારતનાં નહિ, વાસ્તવિક જિંદગીના પાત્રો છે. હું ને તમે, આપણે બધાં જ સમુદ્રનાં ઊછળતાં મોજાંઓ છીએ. પાછાં એમાં ને એમાં જ વિલીન થઈ જઈએ છીએ. મને લાગે છે કે મારે જે વાત કહેવી છે તે અહીં પૂરી થાય છે.

ગઈ કાલે મને પુછાયેલો પ્રશ્ન હતો – ગાંધીવિચારના એક અભ્યાસી તરીકે મારી જે સમજણ છે તે પ્રમાણે કહું તો ભગતસિંહને ફાંસીની સજા થઈ તેમાંથી ગાંધીજી તેને બચાવી શક્યા હોત ? હા કે નામાં જવાબ દેવાનો હોય તો કહું કે ના. જો તમારે ગાંધીને સમજવો હોય તો એક વાત કરું. પહેલી વાત તો એ કે માણસે આવીને પહેલવહેલું એમ કીધું કે આપણી માનવજાત હિંસાથી તો લડતી આવી છે, અનાદિકાળથી. પણ કોઈ દિવસ ધાર્યાં પરિણામો મળ્યાં નથી. તો એક નવો પ્રયોગ કરીએ. તેમણે પોતાના જીવનમાં અહિંસાથી લડીલડીને કેટકેટલી સિદ્ધિ મેળવી – વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે ! દક્ષિણ આફ્રિકાનો આવડો મોટો સત્યાગ્રહ. કોઈ બીજા રાષ્ટ્રની અંદર. ત્યાં ગુલામના ગુલામ તરીકે ગયેલા માણસો. એની સરકાર સો ટકા મજબૂત. ‘એકેએક હિંદી ખુવાર થઈ જાય તોય તમારી માગણી મંજૂર નહિ કરીએ.’ એમ જેણે કહ્યું હતું તે ત્યાંનો રાજકીય વડો જનરલ સ્મટ્સ. અંગ્રેજી છાપાંઓએ જેને લુચ્ચો, ખંધો, એવાં-એવાં વિશેષણો આપ્યાં છે, તેની સામે ગાંધી પ્રેમથી લડ્યા. એને પોતાનો કરી લીધો. સો ટકા સિદ્ધિ મેળવીને આવ્યા. દક્ષિણ આફ્રિકા જેવી સિદ્ધિ ગાંધીજીને પછી મળી નથી.

એટલે એ માણસે પ્રયોગ નહોતો કર્યો એમ નહિ. એ પ્રયોગ એ માણસ હિન્દુસ્તાનમાં અજમાવે છે. એનો સિદ્ધાંત જ એ છે કે અહિંસાથી જ આ કામ થઈ શકે. એની પછવાડે તે વાણિયા હતા. તેથી તેનું વહેવારુ ડહાપણ છે, સીધેસીધું ગણિત આ છે કે મારી પાસે એક પિસ્તોલ છે, અણુબૉમ્બ પણ છે. હું એક ધડાકો કરું તો તમે મને થોડા જ બચવા દેવાના છે ? એમ આવડું મોટું બ્રિટિશ લશ્કર, આટલો મોટો તેનો શસ્ત્રસરંજામ અને આપણે તો 1857માં બળવો થયો અને 1858માં વિકટારિયાનો ઢંઢેરો પિટાયો ત્યારથી આપણે નમાલા જ થઈ ગયા હતા. એની સામે તમે બૉમ્બ ફોડો, એ લોકોને બિવડાવવા માટે ! ભગતસિંહ માટે મને બહુ આદર છે. ગાંધીજીને પણ બહુ હતો. તેની રાષ્ટ્રીય ભાવના ગાંધીજી કરતાં જરાયે ઓછી ન હતી. પણ હિંસાથી હિન્દુસ્તાનને સ્વરાજ્ય મળશે, એવી શ્રદ્ધા ગાંધીજીને ન હતી. છતાંય, મિત્રો, તમને ખબર ન હોય તો કહું કે ભગતસિંહને જ્યારે ફાંસીની સજા થઈ ત્યારે તેને છોડાવવા માટે ગાંધીજીએ તેમનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા. પણ એમણે ચોખ્ખું લખ્યું છે કે ભગતસિંહની રાષ્ટ્રીય ભાવના સાચી છે, એ સ્વીકારવા છતાં હું કહું છું કે એમણે જે માર્ગ સ્વીકાર્યો છે તે માર્ગ સાથે હું સંમત થતો નથી. જો ગાંધીજી એમાં સંમત થાય તો ગાંધીજીની પોતાની તો એકેય ધરી જ નહિ ને ? ગાંધીજી શેના ઉપર ઊભા છે ? પોતાની આત્મશ્રદ્ધા ઉપર. બીજું કાંઈ છે જ નહિ. એટલે ભગતસિંહને બચાવવા માટે તેમણે શુદ્ધ અન્તઃકરણથી પ્રયત્નો કર્યા હતા. અને ભગતસિંહને જ નહિ, હિટલરને પણ બચાવવા માટે તેને પ્રેમથી પત્રો લખ્યા છે કે ‘તમે આ યુદ્ધ બંધ કરો. તમે આ છોડી દો.’ એ માણસે કોને બચાવવા શું નહિ કર્યું હોય ! ભગતસિંહ તો તેમના દેશનો માણસ હતો. પણ આપણે એ સમજવું જોઈએ કે વિચારભેદ હતો. વિચારભેદ સાથે તેઓ એને એટલા જ ચાહતા હતા, જેટલા જવાહરલાલને ચાહતા હતા. મને એમ લાગે છે કે આનાથી વધારે કહેવાની જરૂર નથી.

મને આ વાતાવરણમાં આવવાની, તે નિમિત્તે મહાભારતકાળમાં થોડુંક ડોકિયું કરવાની તક મળી, તે બદલ મારો આનંદ વ્યક્ત કરી અહીં વિરમું છું.

[કુલ પાન : 160. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 232460.]