મોટું કોણ ? – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર +91 2632 251719 સંપર્ક કરી શકો છો.]

ગામને છેવાડે હતું સ્મશાન અને સ્મશાનને અડીને આવેલી હતી એવી વસ્તી જેને ગામલોકો ઉકરડો સમજીને પોતાનાથી દૂર જ રાખતા. બધી રીતે બદનામ અને બરબાદ આ વસ્તી એક વાતે આબાદ જરૂર હતી – આબાદી વધારવામાં. દરેક ઘરમાં ચાર, પાંચ કે છ છોકરાં – નાગાં-પૂંગા, ભૂખ્યાં, રખડતાં, ભટકતાં. જંગલી બાવળની જેમ એ કશાય લાલન-પાલન વિના ઊછરી જતાં અને વસ્તીની આન, બાન, શાનમાં ઉમેરો કરતાં.

એમ તો ચંદુ ને દમુને ત્યાંય ચાર છોકરાંઓ જન્મેલાં. ત્રણ છોકરા ને એક છોકરી. પણ મોહનિયા સિવાયના ત્રણેએ કોઈ ને કોઈ માંદગીને કારણે એક પછી એક ચાલતી પકડેલી. એક જોતાં તો સારું જ થયું કેમ કે, ચંદુમાં દમુ અને મોહનનું પેટ ભરવા જેટલી તાકાતે ય નથી તો પેલાં ત્રણ જીવતાં હોત તો બધાંને શું ખવડાવત ? માંડ એક ટંક રોટલા ભેગા થાત !
આજે પાછો મોહન રડતો રડતો આવ્યો.
‘મા, બહુ ભૂખ લાગેલી છે, કંઈ તો ખાવા આપ !’
દમુએ કંઈ બોલ્યા વગર એની સામે માટીનાં ઠોબરાં ઊંધાં વાળ્યાં. ભૂખ્યા મોહનને આ જોઈને બહુ ગુસ્સો આવ્યો.
‘કાલ તો દિવાળી છે. બધાયને ઘેર માલ-મલીદા બને. તું તો કંઈ બનાવતી ય નથી ને ખાવા આપતીય નથી. તું ભૂંડી છે, સાવ ભૂંડી.’

દમુનો રોષ ભભૂકી ઊઠ્યો. ચંદુ પરનો બધો કાળ મોહન પર કાઢતાં એ બોલી, ‘હારું હારું ખાવું’તું તો કોઈ રાજા-મારાજાને ઘેર જલમ લેવો તો ને ! આંય લોહી પીવા હું કરવા આઈવો !’ પછી સાડલાના છેડાથી પરસેવો લૂછતાં બોલી, ‘ભૂંડી તો ભૂંડી પણ તારી મા છું. મને ય તારે હારુ રાંધવાનું મન નઈ થતું હોય ! પણ તારો બાપ કંઈ લાવી આપે તો રાંધુને ! તું કે’તો હોય તો હું જ ચૂલે ચઢી જાઉં તો રોજ રોજની પીડા મટે.’ જ્યારે હોય ત્યારે માનો આવો જ કકળાટ. ઘરમાં આવવાનું પણ મન ન થાય. ઘર પણ વળી શેનું ? ચારે બાજુથી વાંસની ખપાટોની આડસ ઊભી કરી, માથે ઘાસ ટાંકીને બનાવેલી ખોલકી હતી. તડકો હતો તોય મોહનિયો પોતાની ધૂનમાં ચાલવા લાગ્યો.
‘કાં મોહનિયા, આવા ટાણે ક્યાં ચાલ્યો ?’ રઘલાએ પૂછ્યું.
‘બઉ ભૂખ લાગી છે રઘલા. પેટમાં બળતરા થાય છે. ક્યાંકથી ચાર-આઠ આની મળી જાય તો એકાદ પાઉં-વડું ખાવા મળે !’
‘કાલ દિવાળી છે ને આજે પાઉં-વડું ? યાર, ખીર-પૂરી ખાવી જોઈએ !’ રઘલાએ હસતાં હસતાં કહ્યું.
‘બસ ને ! મજાક કરે છે ને ! મારા નસીબમાં વળી ખીર-પૂરી ક્યાંથી ?’ મોહનના મોંમાં ખીર-પૂરીના નામથી પાણી છૂટતું હતું. એણે સુક્કા હોઠ પર જીભ ફેરવી.
‘મજાક નથી કરતો. ચાલ મારી હારે, તને ખરેખર જ ખીર-પૂરી ખવડાવું.’

સ્મશાન તરફ જતાં જતાં રઘલાએ મોહનને સમજ પાડી.
‘આ મોટા લોકો હોય ને, તે પોતાનાં પોયરાંને ભૂત ને ડાકણથી બચાવવા કાળી ચૌદસને દિવસે મસાણમાં ખીર-પૂરી, વડાં ને નારિયેળ મૂકી જાય. કોઈ દિવસે મૂકે ને કોઈ અડધી રાતે ય મૂકે.’ રઘલો એ બાજુથી આવ્યો ત્યારે એણે જોયેલું કે ત્યાં ઘણાં લોકો દડિયામાં ખીર ને પતરાળામાં પૂરી ને વડાં મૂકી ગયા છે, સાથે છે સિંદુર લગાડેલું નારિયેળ.
‘તે આ બધું મૂકવાથી પોયરાંને ભૂતથી કેવી રીતે બચાવી શકાય ?’
‘જો, ભૂતને ભૂખ લાગી હોય ને, તો એ નાનાં છોકરાંને ખાઈ જાય. પણ એ પહેલાં જ ખાવાનું ખાઈને એનું પેટ ભરાઈ જાય એટલે પછી એ છોકરાંઓને ન ખાય. સમજ્યો ?’ મોહનથી મોટો હોવાને કારણે રઘલા પાસે વધુ માહિતી હતી.

વાતો કરતાં બંને સ્મશાનમાં આવી પહોંચ્યા. ચાર-પાંચ જગ્યાએ વડાં, પૂરી ને ખીર પડેલાં જોઈ મોહનની ભૂખ વધુ તીવ્ર થઈ ગઈ. એને થયું કે હમણાં જ પેલી પતરાળી પર તૂટી પડે. પણ એ જરા અચકાયો, ગભરાયો પણ ખરો.
‘રઘલા, ભૂતના ભાગનું ખાવાનું હું ખાઈશ તો ભૂત મને કંઈ કરશે તો નહીં ને !’
‘તારે ખાવું હોય તો ખા. મેં તો તને બતાવી દીધું ને હું તો આ ચાઈલો.’ રઘલો સાચે જ ચાલવા માંડ્યો. ભૂખથી વ્યાકુળ મોહનનું મગજ વધુ વિચારી શકે એમ નહોતું. એણે ઝાપટ મારીને એકી સાથે બે પતરાળાં હાથમાં લીધાં અને અકરાંતિયાની જેમ ખાવા લાગ્યો. બે દડિયા ભરીને ખીર પેટમાં પધરાવ્યા પછી એને મા યાદ આવી. એ પણ બિચારી ભૂખી જ છે. એક વડા-પૂરીની પતરાળી ને સાથે એક નારિયેળ લઈને એ ખુશ થતો ઘેર પહોંચ્યો. ચંદુ પણ ત્યારે ઘરમાં હાજર હતો. મોહનના હાથમાં સિંદૂર લગાવેલું નારિયેળ જોઈને એ સમજી ગયો.

‘અલ્યા, આ મહાણમાંથી બધું ઉપાડી લાયો તે ભૂત તને વળગી પડહે તો ?’ હોંશે હોંશે મા માટે ખાવાનું લાવેલો મોહન બાપની વાતથી ગભરાયો. બચાવની આશામાં મા તરફ જોતાં એણે કહ્યું, ‘મા, હું તો ખીર, વડાં, પૂરી બધું ખાઈને આઈવો. બહુ મસ્ત હતું એટલે હું તારે હારુ લાઈવો. રઘલો કે’તો તો કે, કંઈ ની થાય. મા, મને ભૂત કંઈ કરહે કે ?’

દમુની આંખોમાં આંસુ ઊભરાયાં. એણે ઠપકાભરી નજરે ચંદુ તરફ જોતાં કહ્યું, ‘પોયરો કેવારનો ભૂખ ભૂખ કરતો’તો. ઘરમાં કંઈ ખાવા હારુ હોય તો એને આપું ને ! બચાડો એની જાતે જઈને હોધી લાઈવો તો હવે તું એને ડરાવે છે !’ આગળ વધીને દીકરાને છાતીએ વળગાડતાં એણે કહ્યું :
‘કંઈ ની થાય મોહનિયા, તને કંઈ ની થાય. લાવ જોઉં, બતાવ મને, મારે હારુ હું લઈ આયવો છે ?’
મોહનના હાથમાંથી પતરાળી લઈ એણે એક વડું લઈને મોંમાં મૂક્યું ને મોહનને કહ્યું : ‘જોયું ? મેં ય ખાઈ લીધું ! ગભરાતો નંઈ હોં બેટા !’ પછી ચંદુ સામે જોતાં બોલી, ‘ભૂખ તો ભૂત કરતાં હો મોટી. ભૂત ખાઈ જાય એ પહેલાં તો એને ભૂખ ખાઈ જતે. હારું થયું, ખીર-પૂરી ખાઈને આઈવો તે.’

વ્હાલથી એણે મોહનને પોતાના ફાટેલા પાલવ નીચે છુપાવી દીધો.

(ડૉ. પૂરનસિંહની હિન્દી લઘુકથાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહિત્ય-મંદિરનો ભક્ત – જયંત દળવી
મધુવન – સંકલિત Next »   

13 પ્રતિભાવો : મોટું કોણ ? – આશા વીરેન્દ્ર

 1. manav says:

  વર્ણન સારું કર્યું છે.

 2. trupti says:

  ગરિબી ની રેખા નિચે જીવતા માનવિ ની વ્યથા અને જરુરિયાત ને વાચા આપતિ લાગણી સભર કથા.
  લેખિકા એ પહેલા જ ફકરા મા વર્ણવ્યુ છે કે,

  “આબાદી વધારવામાં. દરેક ઘરમાં ચાર, પાંચ કે છ છોકરાં – નાગાં-પૂંગા, ભૂખ્યાં, રખડતાં, ભટકતાં. જંગલી બાવળની જેમ એ કશાય લાલન-પાલન વિના ઊછરી જતાં અને વસ્તીની આન, બાન, શાનમાં ઉમેરો કરતાં.”

  આ સંદર્ભ મા આજેજ જોયેલુ યાદ આવિ ગયુ.

  મુંબઈ ના અંધેરિના ઓવરબ્રિજ પર આજે વણઝારા ના કુટુંબો ને લેખિકા એ વર્ણવ્યા છે તે રિતે જ રહેતા જોયા. (જોકે આ દ્રર્શ્ય મારે માટે નવુ નહ્તુ પણ જ્યારે પણ જોઉ ત્યારે આજ પ્રશ્ન થાય છે) દરેક ની પાસે કમ સે કમ ૨-૩ છોકરાઓ ની વણઝાર હતી, ન તો તેમના ખાવા ના ઠેકાણા, નતો પહેરવા ના, તેમા હાલ મા મુંબઈ મા ઠંડી નુ જોર પણ દર વરસ કરતા વધારે છે, તેમા તેમના બાળકો નાગા-પૂંગા ફરતા હતા,ત્યારે મન મા વિચાર આવ્યા વગર ના રહ્યો કે, જ્યારે મા-બાપ પોતાનુ તો માંડ પૂરુ કરે છે ત્યાં આ છોકરાઓ ને શું ખવડાવતા હશે, અને શામાટે આટલી પ્રજા જણતા હશે? એક બિજો સવાલ પણ કાયમ ઊપડે કે દંપતિનુ સહ જીવન કેવી રિતે વિતતુ હશે જ્યાં માથે છત નથી. સરકાર આ માટે શામાટે કાંઈ કરતી નથી? બ્રિજ પર રહેતા માનવિઓ ને જોઈ ને કમકમા ઊપજી ગયા, ન કોઈ જાતનૂ હાઈજીન, જ્યાં ખાય ત્યાં જ દૈનિક ક્રિયા પણ કરે,
  પણ દરેકે જીવતા રહેવા માટે કાઈ ને કાઈ તો કરવુ જ પડે અને શુકન-અપશુકન, સારુ-ખરાબ સમજવાની તેમને પડેલી નથી અને સમજવાની જરુર પણ નથી કારણ કે ભુખ આગળ બધુજ તુચ્છ હોય છે, આતો કોઈ એક ફિલ્મ મા સાંભળેલો ડાયલોગ યાદ અપાવી દિધો-” યે તો સાલા પાપી પેટ કા સવાલ હે”.

 3. gopal says:

  ગરીબના સઁતાનોને સ્મ્શાનમાઁ ખાવાનુઁ શોધવા જવુઁ પડે તેસમાજને શુઁ કહેવુઁ?

 4. Deval Nakshiwala says:

  સરસ વાર્તા. જો આ રીતે સ્મશાનમાં ખાવાનું મુકવા કરતાં જો ગરીબોને આપવામાં આવે તો વધુ પુણ્ય મળે.

 5. Anila Amin says:

  ભૂખી સાપણ પોતાના ઈડા પણ ખાઈ જાય અને બૂભૂક્ષિતાઃ બ્રાહ્માણાઃ કિમ ન કરોતિ પાપમ , ભિખ કરતાય ભૂડી ભૂખ

  હોય છે. પન્નાલાલ પટેલે માનવીની ભવાઈમા ભૂખનુ જે વર્ણન કર્યુ છે તે કાળજુ કમ્પાવી દે તેવુછે. માટૅ ઇશ્વરને એટલી

  પાર્થના કરવાની કે , હે પ્રભુ, તુ કોઇનેય ભૂખ્યો ન સૂવડાવતો. ભૂખેતો ભજન પણ ન થાય.

 6. dhiraj says:

  પ્રભુ ને પ્રાર્થના કરીએ કે “કોઈ ને ભૂખ્યા ના સુવડાવે”
  પણ પ્રાર્થના કરીને આપણે પણ સુઈ ના જૈયે
  એકાદ ની ભૂખ તો આપણે પણ ભાંગી શકીએ
  એટલું ભગવાનપણું તો આપણા માય છે

 7. nayan panchal says:

  ૭૦-૮૦રૂપિયે કિલોના ભાવે કાંદા મળે તે સમયની એકદમ પ્રસ્તુત વાર્તા. વધુ તો કંઈ નહીં પણ ધીરજભાઈએ કહ્યુ તેમ એકાદ જણની પણ ભૂખ માંડીએ તો ઘણું.

  ખૂબ આભાર,
  નયન

 8. Vaishali Maheshwari says:

  It is a nice sad story. Instead of just feeling pity on such people, who are living below poverty line, not even earning enough to eat proper meal a day, we should try to help them whenever we get a chance to do so. Helping at least one-person fight hunger will be a wonderful deed.

  This statement is very true: “ભૂખ તો ભૂત કરતાં હો મોટી.”

 9. pratik says:

  આપનો લેખ સરસ છે, પરન્તુ મને આ લેખ નુ નામ મને અનુકુલ નથી લાગતુ કારન કે આ લેખ ની અન્દર મોટાપણા ની કોઇ વાત હોઇ તેવુ મને ના લાગ્યુ. મારા હિસાબે આ લેખ નુ નામ ભુખ અને ભુત જેવુ કઐ હોવુ જોઇએ.

 10. Dipak says:

  મુળને બરાબર ૫કડયુ છે

 11. dharmesh.makwana says:

  Let’s have our diner………………..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.