સાહિત્ય-મંદિરનો ભક્ત – જયંત દળવી

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.]

ભારતીય ભાષાઓના એક સર્વોત્તમ ગ્રંથને ભારતીય જ્ઞાનપીઠ તરફથી દર વર્ષે એક લાખ રૂપિયાનું પારિતોષિક આપવામાં આવે છે. પૈસાની મોટી રકમ અને સન્માન, એ બંને દષ્ટિએ ભારતમાં આ સર્વોચ્ચ પારિતોષિક છે. 1975માં આ પારિતોષિક શ્રી વિ.સ.ખાંડેકરને તેમની નવલકથા ‘યયાતિ’ માટે આપવામાં આવ્યું. એ પહેલાં આ નવલકથાને સાહિત્ય અકાદમીનું અને મહારાષ્ટ્ર રાજ્યનું, એમ બે પારિતોષિકો મળ્યાં હતાં.

1930ની સાલમાં ખાંડેકરની પહેલી નવલકથા ‘હૃદયાચી હાંક’ પ્રસિદ્ધ થઈ. આમ તો 1920થી તેઓ લેખન કરે છે, પણ સાચા અર્થમાં એમનો લેખનનો પ્રારંભ 1930થી થયો એમ કહેવું જોઈએ. આટલા લેખનકાળ દરમિયાન ખાંડેકરે 15 નવલકથા, 27 વાર્તાસંગ્રહો, 6 રૂપકકથાસંગ્રહ, 10 લઘુનિબંધસંગ્રહ, 14 વિવેચનગ્રંથ, 18 ફિલ્મકથાઓ અને કેટલુંક બીજું સાહિત્ય પ્રગટ કર્યું છે.

ખાંડેકરની આંખો પહેલેથી બહુ નબળી હતી. 1972માં ઑપરેશન કરાવ્યું તે સફળ ન થયું અને આંખો સાવ ગઈ. આ ઉપરાંત તાવ, શરદી, ખાંસી, બ્લડપ્રેશર એ બધી તકલીફ પણ પહેલેથી હતી જ. મરાઠીના હાસ્યકાર શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકર ખાંડેકરના સાહિત્યગુરુ હતા. એમણે એક વાર કહેલું : ‘ખાંડેકર સાધારણ રીતે તો પથારીવશ જ હોય છે, તો પછી આટલું લેખન એમને હાથે થાય છે કેવી રીતે ? આ બધું એ પોતે લખે છે કે એમનું ભૂત ?’ આ સાંભળીને ખાંડેકરના સમકાલીન નવલકથાકાર ગં.ત્ર્યં. માડખોલકરે કહ્યું : ‘માંદગીના બિછાનામાં પણ ખાંડેકરને લખવાની શક્તિ આપનાર જે સંચાર એમના શરીરમાં થાય છે તે ભૂતનો નહીં પણ દેવદૂતનો હોવો જોઈએ, કારણ કે ગયાં બારેક વર્ષ દરમિયાન સદભાવના જાગ્રત કરનારું જેટલું રમણીય સાહિત્ય એમણે ઉત્પન્ન કર્યું છે તેટલું ઝાઝા લેખકોએ કર્યું નથી. મને જે આશ્ચર્ય થાય છે તે એમણે પુષ્કળ લખ્યું છે તે માટે નહીં, પણ મન ચિંતાથી ભરેલું હોય અને તન તાવથી ધગતું હોય એવી કાયમી સ્થિતિ છતાં એમણે આટલું પ્રસન્ન સાહિત્ય રચ્યું તે માટે.’

ખાંડેકરનો જન્મ સાંગલીમાં 1898ના જાન્યુઆરી 11મીએ. એમનું કુટુંબ અસલ તો સાવંતવાડીનું. પિતાનું નામ આત્મારામ. ખાંડેકરનું મૂળ નામ ગણેશ. મૅટ્રિક સુધી તે સાંગલીમાં ભણ્યા. તેમને પુણેની ફરગ્યુસન કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા. પણ સાવંતવાડીમાં એમના કાકા સખારામપંડિત ખાંડેકર રહેતા હતા. એમને દીકરો ન હતો. અને સાવંતવાડીનાં ઘર અને ખેતીવાડી સંભાળવા એમને કોઈકની જરૂર હતી. એટલે ગણેશ આત્મારામ ખાંડેકરને એમણે દત્તક લેવા એમ નક્કી થયું. સાંગલીના આત્મારામપંત ખાંડેકરને પણ ગણેશને દત્તક આપીને પોતાના ઉપરનો ભાર ઓછો કરવો હતો. તે ઈન્ટરમાં હતા ત્યાં જ દત્તવિધાન થયું અને ગણેશ આત્મારામ ખાંડેકર વિષ્ણુ સખારામ ખાંડેકર બન્યા. એમને ફરી પુણે આવીને શિક્ષણ પૂરું કરવાની ઈચ્છા હતી. પણ તે દત્તક અપાયા પછી સાંગલીવાળા જન્મદાતા પિતા એમના શિક્ષણની જવાબદારી લે નહીં, અને દત્તક લેનાર પિતાનું કહેવાનું એમ હતું કે ખાંડેકરે સાવંતવાડીમાં રહી ખેતીવાડી સંભાળવી. પરિણામે 1916-17માં શિક્ષણ અધૂરું મૂકીને ખાંડેકરને સાવંતવાડી આવી જવું પડ્યું. તે સમયે સાવંતવાડીમાં જંગલને લીધે મલેરિયાનો ફેલાવો મોટા પ્રમાણમાં હતો. ખાંડેકર પણ મલેરિયામાં સપડાયા અને તેમની તબિયત બગડી. સાવંતવાડીમાં રહેવાનું અશક્ય બન્યું. સાથે સાથે, ત્યાંની જમીનદારીમાં એમનું ધ્યાન હતું નહીં. જમીનદારી એટલે ખેડૂતો ધરતી ખૂંદી મહેનત કરે, ને પૈસા વસૂલ કરી જાય જમીનદારો. એ ખાંડેકરને ગમે નહીં.

સાવંતવાડીથી પંદર માઈલ દૂર શિરાડે ગામમાં બે-ત્રણ ધ્યેયવાદી જુવાનોએ અંગ્રેજી શાળા શરૂ કરી હતી. એ લોકો કોઈ આદર્શવાદી શિક્ષકની શોધમાં હતા. ત્યાં પંદર-વીસ રૂપિયાથી વધુ પગાર મળવાની શક્યતા નહોતી. તેમ છતાં, ગામડાના લોકોને શિક્ષણ આપવાની ઉત્સુકતાથી ખાંડેકર ત્યાં જવા આકર્ષાયા. પોતાની આત્મકથામાં એમણે લખ્યું છે : ‘12મી એપ્રિલ 1920 ! વિષ્ણુ સખારામ ખાંડેકર નામનો, માંડ વીશીમાં પ્રવેશેલો એક ઊંચો સુકલકડી, તરુણ છોકરો સાવંતવાડીથી શિરોડે જતા પંદર માઈલના રસ્તા પર ચાલતો હતો. માંડ માંડ ગોઠણને ઢાંકતું, લાલ માટીમાં રંગાયેલું ધોતિયું, તેની સાથે શોભે તેવું લાલ ખમીસ, ઉપર મેલોઘેલો કોટ, આંખે ચાંદીની ફ્રેમવાળાં જાડા કાચનાં ચશ્માં, એક હાથમાં છત્રી, બીજા હાથમાં થેલી, થેલીમાં ચાર કપડાં અને કેશવસુતની કવિતાનું પુસ્તક ઠાંસેલું – એવો એનો દેદાર હતો.’ શિરોડેની અંગ્રેજી શાળામાં ખાંડેકરે શિક્ષણકાર્યને અતિ પવિત્ર માનીને અઢાર વર્ષ સુધી એ કામ કર્યું. આ સમય દરમિયાન એમને ચાળીસ-પચાસ રૂપિયા કરતાં વધુ પગાર કદી મળ્યો ન હતો. કેટલીયે વાર એમને સવાસો રૂપિયાની પહોંચ પર સહી કરીને 40 રૂપિયા લેવા પડતા.

1920થી 1938 સુધીનાં અઢાર વર્ષ ખાંડેકરે શિરોડેમાં ગાળ્યાં. એ સમય દરમિયાન એ સમગ્ર વિસ્તારમાં શિક્ષક તરીકે અને લેખક તરીકે ખાંડેકરનું નામ ગૌરવપૂર્વક લેવાવા લાગ્યું. ખાંડેકરના નામથી શિરોડે ગામ મહારાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ થઈ ગયું. તે પછી એ ગામ ફરી જાણીતું થયું તે ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને લીધે. 1931માં શિરોડેમાં મીઠાના અગરમાં મોટા પાયા પર સત્યાગ્રહ થયો. ખાંડેકરની શાળા અને મીઠાનો સત્યાગ્રહ એ બે વસ્તુઓ માટે શિરોડે ગામ પ્રસિદ્ધ થઈ ગયું તે પછી આટલા વખતમાં મીઠાનો સત્યાગ્રહ લોકો ભૂલી ગયા છે, પણ શિરોડેની શાળા તો હવે ઘણી મોટી થઈ છે તોપણ ખાંડેકરની શાળા તરીકે જ ઓળખાય છે. શિરોડેની આસપાસનું કુદરતી વાતાવરણ બહુ રમણીય છે. પણ ગામલોકોને એ જોવા જેવું કદીયે લાગ્યું નથી. કોંકણમાં ખેડૂત મોટે ભાગે ભૂખ્યો ને કંગાળ હોય છે. આવી પરિસ્થિતિમાં ત્યાંનું પ્રકૃતિસૌંદર્ય જોવાની ગામલોકોને શી પડી હોય ?

આ લખાય છે ત્યારે ખાંડેકર 78 વર્ષનાં છે. ખૂબ ઉદાર રીતે તેમની તબિયતનો હિસાબ માંડીએ તોપણ આખી જિંદગીમાં કુલ 8 વર્ષ તેઓ સાજા રહ્યા હશે, અને બાકીનાં 70 વર્ષ એક યા બીજા પ્રકારની માંદગીમાં ગયાં હશે. આ માંદગીને લીધે તથા ઝાંખી નજરને લીધે તેઓ હરીફરીને, પ્રત્યક્ષ જોઈને, હળીમળીને જીવનનો અનુભવ લઈ શક્યા નથી. ઘરે બેઠાં બેઠાં – બલ્કે પડ્યાં પડ્યાં – તેમના કાન પર જે મર્યાદિત સ્વરૂપનો જીવનાનુભવ અથડાયો, તેટલી જ તેમની કુલ મૂડી. પણ તેમની કલ્પનાશક્તિ વિલક્ષણ તેજસ્વી છે. એટલે જ તો એ મૂડીમાંથી તેઓ પોતાને જોઈએ તેટલા ગુણાકાર-ભાગાકાર કરતા રહ્યા. પોતાના મર્યાદિત અનુભવને તેમણે વ્યાપક વાચનથી અને સતત મનનથી શબ્દબદ્ધ કર્યો. પોતાના કલ્પનાવિલાસના બળ દ્વારા તેમણે વાચકોને વશ કરી લીધા.

ખાંડેકરે પોતાના સાહિત્ય દ્વારા કોઈને દિલાસો આપ્યો છે, કોઈને ધીરજ આપી છે, કોઈને માર્ગ બતાવ્યો છે, કોઈનું તો આખું જીવન બદલી નાખ્યું છે. પોતાના સાહિત્ય વિશે વાત કરતાં તેઓ કહે છે : ‘કોઈ ભાવિક ભક્ત મંદિરમાંની મૂર્તિ તરફ જે ભાવનાપૂર્વક જુએ, તે જ ભાવનાથી આખી જિંદગી મેં સાહિત્યને જોયું છે. સાહિત્યકાર જેમ સૌંદર્યશોધક હોવો ઘટે, તેમ સત્યશોધક અને માંગલ્યપૂજક પણ હોવો ઘટે એવી મને શ્રદ્ધા છે.’ અત્યારે ખાંડેકર સંપૂર્ણપણે અંધ બની ગયા છે. પગારદાર સુશિક્ષિત માણસ પાસે તેઓ ચૂંટેલાં અંગ્રેજી-મરાઠી પુસ્તકો વંચાવીને સાંભળે છે અને એ સાંભળતાં સાંભળતાં બધી શારીરિક વ્યાધિને ભૂલી જઈને વિચારમાં મગ્ન થઈ જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખ દુઃખનાં બંધાણી – ભાવેશ ભટ્ટ
મોટું કોણ ? – આશા વીરેન્દ્ર Next »   

4 પ્રતિભાવો : સાહિત્ય-મંદિરનો ભક્ત – જયંત દળવી

 1. Anila Amin says:

  એક કવિની કવિતા મા વાચ્યુ હતુ કે કવિનુ મ્રુત્યુ જ્યારે તેની લાગણી ઓ મરીજાય ત્યારે જ થાય છે . જ્યા સુધી તેનામા

  લાગણીઓ ધબકતી હોય ત્યા સુધી કાવ્યનુ સર્જન થયાજ કરે છે પછી ગમેતેવી પરિસ્થિતિ હોય તોયશુ?છતાય માદગીમા

  સાહિત્યસર્જન કરવુ એ ખરેખર ભક્તનુ જ કામ અને સચા ભક્તનેતો ભગવાન મદદ કરેજ એમા જરાય શકાને સ્થાન નથી.

  લેખકના ધૈર્યને વન્દન.

 2. sunil u s a says:

  પ.પૂજ્ય ખાન્ડરકર સાહેબ ને વન્દન ખરાબ સન્જોગો મા સાહિત્ય નુ ઉતમસર્જન ખુબજ અભિનન્દન પ્રેરણાઆપતો લેખ. આભાર.

 3. nayan panchal says:

  ખાંડેકર સાહેબને શત શત પ્રણામ. બે વર્ષ પહેલા એક વૃદ્ધ વ્યક્તિને રસ્તાની બાજૂમાં બિલોરી કાચથી પુસ્તક વાંચતા જોયો હતો. મા લક્ષ્મી ઉપરાંત મા સરસ્વતીની કૃપા માટે પણ સૌ તરસે એવી ઇચ્છા રાખું છું.

  ખૂબ આભાર,
  નયન

 4. વિ.સ.ખાન્ડેકરના જીવન વિશેની વધુ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  હીરક અગાસકર, સમલાયા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.