હસતારામનું હાસ્યામૃત – જયકુમાર દમણિયા ‘બિન્દાસ’

[ હળવા રમૂજી લેખો દ્વારા પ્રેરણાત્મક વાતો પીરસતા તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘હસતારામનું હાસ્યામૃત’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જયકુમારભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426777600 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ડૉક્ટર અને દર્દીની પ્રભુપ્રાર્થના

એક ડૉક્ટરની હોસ્પિટલના બોર્ડ પર વાંચેલી ડૉક્ટરની પ્રાર્થનામાં લખ્યું હતું કે : ‘હે પ્રભુ ! હકીકતમાં આ પરિસ્થિતિની વિટંબણા છે કે મારી આજીવિકા લોકોની માંદગી પર છે. છતાં પણ મારું સૌભાગ્ય છે કે તમે મને દર્દીઓના દુઃખ દૂર કરવાની ખૂબ જ સારી તક આપી છે. તમોએ મને જવાબદારી પૂરી કરવાની ક્ષમતા આપી છે. હે પ્રભુ ! મને એવી શક્તિ આપો કે જેનાથી હું મારી આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી શકું. હકીકતમાં તો તમે જ દુઃખ દૂર કરનાર છો અને બધા સુખ આપનારા છો. હું તો એક માત્ર માધ્યમ છું. હે પ્રભુ ! મારા દર્દી ઉપર દયાદષ્ટિ ભાવ રાખજો.’

આની સામે એક મધ્યમવર્ગી ગરીબ દર્દીની પ્રાર્થના : ‘હે પ્રભુ ! તમે ઉપરોક્ત ડૉક્ટરની પ્રાર્થના સાંભળી હશે. હવે અમારી દર્દીની પ્રાર્થના સાંભળવા માટે ફક્ત બે મિનિટ જેટલો સમય કાઢવા માટે કૃપા કરશો. હે પ્રભુ ! આજની માઝા મૂકતી અસહ્ય મોંઘવારીના સમયમાં અમને માંદગી આવે એટલે અમારું મરણ આવે એવું અનુભવાય છે. અમને ડૉક્ટરની મોંઘીદાટ ટ્રીટમેન્ટ અને અત્યંત મોંઘેરી દવાથી અમારા દુઃખ દૂર થવાને બદલે ઘણા અસહ્ય આર્થિક દુઃખો વધી જાય છે. એટલે સુધી કે ડૉક્ટરના બીલ વાંચતા અમે ‘કોમા’માં સરી પડીએ છીએ. ઉપરાંત અમને હાર્ટએટેક છે એમ જ્યારે ખબર પડે ત્યારે અમારા મજબૂત હાર્ટ ટ્રીટમેન્ટ પહેલા જ બેસી જાય છે. કેમ કે હોસ્પિટલવાળા તો તાત્કાલિક અર્ધી રાતે પણ લાખ રૂપિયાની રોકડ ડિપોઝીટ મૂકાવે છે. ચૅક ચાલતા નથી. તમે જ વિચારો કે અમારા જેવા આખી જિંદગી લાખ રૂપિયા ભેગા કરી શકતા નથી તો અડધી રાતે ક્યાંથી કાઢવાના ? અને ધારો કે જેમ તેમ ઉછીનાપાછીના કે દાનવીર પાસેથી આજીજી કરીને લાખ રૂપિયા ભેગા કરીએ અને ધારો કે દર્દીનું ઑપરેશન ફેઈલ જાય ત્યારે હોસ્પિટલનું પૂરેપૂરું બીલ ચૂકવ્યા વિના, મૃતદેહનો કબજો પણ આપતા નથી !

મને લાગે છે કે આ બધી હોસ્પિટલો ધનવાનો માટે જ બાંધી છે ! ગરીબ કે મધ્યમવર્ગી દર્દીઓનું તમારા સિવાય આ જગમાં કોણ બેલી છે ? આજે સેવાભાવિ ડૉક્ટરો કરતા મેવાભાવિ ડૉક્ટરો વધુ છે અને અધૂરામાં પૂરું ડિગ્રી વિનાના બોગસ ડૉક્ટરોથી તો તોબા ! હે પ્રભુ ! અમારી આ વિટંબણા ડૉક્ટર પર આધારિત છે અને ડૉક્ટરોની વિટંબણા તમારે આધારીત છે. હવે તમે કોની વિટંબણા પહેલા સાંભળીને દૂર કરશો ? અંતે…. :

(દર્દીને) દિલ દિયા, દર્દ લિયા !
(ડૉક્ટરને) બિલ દિયા, દર્દ કિયા !!

[2] મડદું બોલે ખરું ?

સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ લખે છે કે, ‘એક વખત પાંચ દારૂડિયાઓ ભેગા થયાં. મોડી રાત્રિનો સમય હતો. તેમણે જરૂરિયાત કરતા વધારે દારૂ પીધો હતો. તેઓએ સ્મશાનયાત્રા કાઢવાની એક રમૂજી યોજના વિચારી. એક દારૂડિયો ખાટલા ઉપર સૂઈ ગયો અને તે જાણે મરી ગયો છે, તેમ માનવા લાગ્યો. બીજા ચાર જણાએ ખાટલી ખભા ઉપર ઊંચકી લીધી અને એ ચારેય જણા રાતના અંધારામાં ‘રામનામ સત્ય હૈ, સબ કી યહી ગત હૈ…’ એમ બોલતા બોલતા સ્મશાન તરફ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ ચાર રસ્તા ભેગા થતા હતા ત્યાં આવી પહોંચ્યા. તેમાંના આગળના બે જણા કહે કે, ‘આ બાજુ સ્મશાન આવ્યું, એટલે તેઓ ખાટલીને એ બાજુ ખેંચવા લાગ્યા. જ્યારે પાછળના બે જણા કહે ના, આ બાજુ નહિ પણ પેલી બાજુ સ્મશાન આવ્યું. એટલે તેઓ ખાટલીને એ બાજુ ખેંચવા લાગ્યા. જ્યારે આગળના બે જણા કહે, ના આ બાજુ નહિ, પેલી બાજુ જ સ્મશાન આવ્યું. એમ કહીને તેનાથી ઊલટી દિશામાં ખાટલી ખેંચવા લાગ્યા. આવી ખેંચતાણ જોઈને મડદું બનીને સૂઈ રહેલો દારૂડિયો બેઠો થઈ ગયો અને બોલી ઊઠ્યો : ‘આમ ખેંચખેંચ શું કરો છો ? તમે ચારેય મૂરખ છો. આટલો સીધો રસ્તો પણ જાણતા નથી ? હું કેવડાતલી અને નીમતલા સ્મશાન બંનેના રસ્તા જાણું છું પણ હું કેવી રીતે બોલું ? હું તો મડદું છું !’

આપણી આજે આવી દશા છે. આજે આપણી સમસ્યાઓ વિશે જાણીએ છીએ, તે વિશે સુંદર પ્રવચનો આપી શકીએ છીએ. જોરદાર લેખો લખી શકીએ છીએ. આ સમસ્યાઓનું સમાધાન પણ જાણીએ છીએ તેમ છતાં ઢોંગ કરીને મડદાંની માફક પડ્યા છીએ. અજ્ઞાનીઓનાં દુષ્કર્મો કરતાં જ્ઞાનીઓની નિઃષ્કર્મણ્યતા વધુ ખતરનાક હોય છે એ વાત સાચી છે. સૂતેલાને જગાડવું એ ખૂબ જ સરળ છે. પણ સુવાનો ઢોંગ કરેલાને કેવી રીતે જગાડવી ? તેઓને માટે સાધારણ એલાર્મ કામ ના આવે. એ માટે તો એમને ઈલેક્ટ્રિક શૉકની જરૂર છે. એ વિદ્યુત ઝંકાર ઈલેક્ટ્રિક શૉક આપણને મળશે સ્વામી વિવેકાનંદ જેવાના પુસ્તકો વાંચતી વખતે.

[3] દુનિયામાં કોઈને પણ મૃત્યુ ના આવે તો ?

મૃત્યુ અનિવાર્ય અને સાર્વત્રિક છે. આ બાબતમાં પૂજ્ય ગોસ્વામી શ્રી ઈન્દિરા બેટીજીએ એક સુંદર દષ્ટાંત આપ્યું છે. એક માણસ પરમાત્મા પાસે પહોંચ્યો. પરમાત્માને વિનંતિપૂર્વક કહેવા લાગ્યો : ‘હે પ્રભુ ! તમે સારુંય જગત સુંદર બનાવ્યું પણ એક વસ્તુ તમે ખોટી બનાવી છે ! પ્રભુએ હસીને કહ્યું, ‘અરે ગાંડા ! મેં બધી જ વસ્તુનું નિર્માણ સમજી વિચારીને જ કર્યું છે. તને એમાં શું ખોટું દેખાયું ? માણસ કહે, ‘મને તમારી સૃષ્ટિ અત્યંત ગમે છે. એમાં કોઈનું આગમન થાય છે એ તો બહુ જ ગમે છે. પરંતુ કોઈ દુનિયા છોડીને જાય છે, એ મને જરાય ગમતું નથી. તમે મૃત્યુનું નિર્માણ કર્યું છે એ તમારી મોટામાં મોટી ભૂલ મને દેખાય છે.’ પ્રભુને થયું કે આને મૃત્યુ સારું છે કે નહીં એનું ભાન નથી એટલે એ બોલે છે. એટલે પ્રભુએ કહ્યું, ‘જા, આજથી તારા ઘરમાં તારા કોઈપણ સ્વજનનું મૃત્યુ થશે નહીં અને જ્યાં સુધી તું મારી પાસે મૃત્યુ માંગીશ નહીં ત્યાં સુધી તારા દ્વારે યમદૂત આવશે નહિ. આ મારું વચન છે.’

પેલો માણસ હરખાતો હરખાતો પોતાના ઘેર આવ્યો અને પોતાના સ્વજનોને આ શુભ સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળી સૌ આનંદવિભોર બની ગયા. પ્રભુના વરદાનથી એમના ઘરે કોઈનું પણ મૃત્યુ ન થયું. અને ધીરે ધીરે એક પેઢી-બે પેઢી-ત્રણ પેઢી કરતા કરતા દશ પેઢી ભેગી થઈ ગઈ. નવા ચહેરા ઉમેરાતા ગયા પણ કોઈ ચહેરો ત્યાંથી ઓછો થતો નહિ. ઘરમાં માણસોની જબરી ભીડ થઈ ગઈ. ખૂણેખાંચરે વૃદ્ધ લોકો ખાટલા પાથરી પાથરીને પડ્યા હતા. ઘરમાં દરેકને એકબીજા પ્રત્યે નારાજગી હતી. સાસુઓ-વહુઓના ઝઘડાઓ સતત ચાલતા હતા. એથી ઘરમાં અશાંતિ કાયમ રહેતી. એક દિવસ એક સાધુ આ કુટુંબમાં પધાર્યા. પેલો મૂળ પુરુષ કે જે પ્રભુ પાસે વરદાન લઈને આવેલો, એ જર્જરિત હાલતમાં ખાટલામાં ઊંધો પડીને કણસતો હતો. સાધુએ એને માથે હાથ ફેરવતા પૂછ્યું : ‘કેમ ભાઈ કોણ મરી ગયું છે ? કેમ કલ્પાંત કરે છે ?’
પેલા માણસે કહ્યું કે : ‘ઘરમાં કોઈ મરતું નથી એનું કલ્પાંત કરી રહ્યો છું. આપ કાંઈ રસ્તો બતાવો તો હું આ વૃદ્ધાવસ્થાના દુઃખમાંથી છૂટી શકું. હવે મને સમજાય છે કે ભગવાને જે મૃત્યુની વ્યવસ્થા કરી છે તે તેની ભૂલ નથી પણ જીવમાત્ર ઉપરની એમની મોટી કૃપા હતી.’ સાધુરૂપે પધારેલા પ્રભુએ હસીને પોતાનું વરદાન પાછું ખેંચી લીધું.

દુનિયામાં જો પશુ-પંખી જીવ-જંતુ તેમજ માનવીને અમરત્વ મળી ગયું હોત તો દરેકને દુનિયામાં રહેવા-ખાવાની જગ્યા રહેત ખરી ? કલ્પના કરી જુઓ. અંતે ‘બેફામ’ સાહેબનો એક શેર….

પરિવર્તન થયું બસ એટલું ‘બેફામ’ જિંદગીમાં
જન્મદિન આવતા’તા ત્યાં મરણની સાલ આવી ગઈ !

[4] અલંકારનો અહંકાર

એક શ્રીમંત પરીણિતા સ્ત્રીના કબાટના લૉકરમાં એના સૌભાગ્યના શણગારની જણસો પડી હતી. એમાં હિરા-રત્નજડિત હાર, સોનાની બંગડીઓ, ચાંદીનો કેડનો કંદોરો, ચાંદીના સાંકળાઓ તથા કલરોવાળા અનેક પ્રકારના ચાંદલાઓનાં પડીકાઓ હતાં. લોકરમાં પડ્યા પડ્યા અલંકારો પોતપોતાની કિંમત દર્શાવી પોતાનો અહંકાર પોષતા હતા.

હીરા-રત્નજડિત સુવર્ણનો હાર કહે : ‘જુઓ, આજે મારી કરોડો રૂપિયાની કિંમત અંકાય છે. હું તમારા બધા કરતાં વધુ મૂલ્યવાન ગણાઉં છું એટલે મારું સ્થાન સ્ત્રીના ગળામાં જ હોય છે. એથી જ એ સ્ત્રી શ્રીમંત ગણાઈને માન-સન્માન પ્રાપ્ત કરે છે.’ સોનાની બંગડી કહે : ‘મારી પણ કિંમત કંઈ ઓછી નહિ આંકશો. હું ચાંદીનો કંદોરો તથા ચાંદીના સાંકળા કરતા વધુ કિંમતી છું. એટલે મારું સ્થાન સ્ત્રીના બે હાથોમાં છે.’ ચાંદીનો કંદોરો કહે : ‘હું ચાંદીના સાંકળા કરતાં વધુ કિંમતી છું. એટલે મારું સ્થાન કેડમાં જ હોય છે.’ ચાંદીના સાંકળા કહે : ‘હું તો પ્લાસ્ટીકના ચાંદલાઓ કરતાં અનેક ઘણા મોંઘા એટલે મારું સ્થાન સ્ત્રીના પગમાં છે. બિચારા ચાંદલાની કશી કિંમત જ નથી. એક રૂપિયાના બાર મળે છે. સાવ મફતના ભાવે મળે છે. એટલે એ સાવ મામૂલી જ ગણાય ને !

આ સાંભળીને સૌ ચાંદલાની મશ્કરી કરતાં હસી પડ્યાં. એટલે ચાંદલાએ કહ્યું : ‘હસો નહિ, હીરાના હારને અભિમાન ઘણું. એટલે એનું સ્થાન ગળામાં જ હોયને ! કેમ કે ગળામાંથી અહંકારના શબ્દો નીકળે છે. બીજું, બંગડીઓ વધારે ખખડે એટલે એનું સ્થાન હાથમાં હોય છે. જ્યારે ચાંદીનો કંદોરો નાના બાળક જેવો એટલે એનું સ્થાન કેડમાં હોય અને ચાંદીના સાંકળા વધુ પડતું ખખડે અને બોલ બોલ કરે એટલે એનું સ્થાન પગની પાનીએ જ હોય ને ? જ્યારે તમારા સહુ કરતા ભલે હું મૂલ્યવાન નથી છતાં મારું સ્થાન સૌથી ઊંચું એટલે કે સ્ત્રીઓના કપાળ ઉપર જ હોય છે. મારા વિના પરીણિતા, સૌભાગ્યવતી ગણાતી નથી. ભલે તમે સહુ સ્ત્રીના શરીર ઉપર લદાયેલા હોય પણ મારા વિના તમારી કિંમત કોડીની થઈ જાય છે ! કેમકે સ્ત્રી ચાંદલા વિના શોભતી નથી. મને કોઈ જાતનો અહંકાર નથી, પરંતુ એમ કહેવાય છે કે ‘જે મુખેથી બહુ બબડે, તે ઊંચેથી ગબડે !’

[કુલ પાન : 176. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : શ્રી હરિહર પુસ્તકાલય, ટાવર રોડ, સૂરત. ફોન : +91 261 2424302.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મધુવન – સંકલિત
શુભત્વનો સંસ્પર્શ – મૃગેશ શાહ Next »   

20 પ્રતિભાવો : હસતારામનું હાસ્યામૃત – જયકુમાર દમણિયા ‘બિન્દાસ’

 1. સુંદર સંકલન.

  ૪, સૌથી સુંદર

 2. Tamanna says:

  superb…

  nani vat ma ghanu kahevai jay 6e…

 3. Dinesh says:

  ખુબ જ સરસ …

 4. dhiraj says:

  અમુક લેખ હાસ્ય લેખ કરતા ચિંતનાત્મક લેખ વધારે લાગ્યા
  મડદું બોલે ખરું ? વાંચી એક વિચાર આવ્યો “બધું જાણવા છતાં ઘણી વાર આપણે તે પ્રમાણે કરી શકતા નથી ઉ.દા. ગુટખા ની પડીકી ઉપર મોટો વીંછી દોરેલો હોય છે તો પણ આપણે ખાઈ એ છીએ”

 5. trupti says:

  દરેક કણિકા ઓઅ સરસ.

  ૧. લેખકે હસતા-હસતા આજના ડોકટરો અને આપણે ત્યાં ની હોસ્પિટલો ની નિતી તાદશ કરી દિધી. બિચારા ગરિબો ની હાલત તો ખરાબ છે જ પણ આપણા જેવા સુખિઘર ના લોકો ની સ્થિતી પણ કાંઈ વખાણવા લાયક તો નથી જ. અડધી રાતે પૈસા ભરવાનુ કહે તો એટલા પૈસા ક્યાંથી લાવવા.
  મારી મમ્મી ને ૨૦૦૯ જાન્યુ. મા હાર્ટ એટેક આવ્યો હતો, રાત્રે ડોકટર ને ઘરે બોલાવ્યા તેમને કાંઈ સમજ ના પડી અને મસલ્સ પેઈન છે તે કહી ને તેની ટ્રિટમેન્ટ કરી, સવારે અમને કાંઈ સ્થિતી મા ફરક ના લાગ્યો એટલે ફરી ડો. પાસે લઈ ગયા, તો તેમને એક નર્સીગહોમ મા કાડિયોગ્રામ કઢાવવા નુ કહ્યુ, અમે તેને ત્યાં લઈ ગયા. નર્સ મમ્મી ને કાડિયોગ્રામ માટે એક રુમ મા લઈ ગઈ અને તેના કપડા કાઢ્તી વખતે મમ્મી ને પૂછે કે તેનો મેડિક્લેમ છે કે નહીં, હું પાછળ ઊભેલી તે તેની નજર બહાર હતુ. આ બાજુ મમ્મી ને દર્દ થાય છે અને તેની પરવા કર્યા વગર પેલી બેશરમ નર્સ ને મેડિક્લેમ ની પડી છે, મે મેડિકલેમ હતો છતા નથી તેવો જવાબ આપી નર્સ ને ટાળી. કાડિયોગ્રામ નો રોપોર્ટ બરાબર ન હોવાને કારણે તેને નર્સિગહોમ વાળા એ એડમિટ કરવાની વાત કરી જે અમને મંજુર નહતુ માટે અમે તેને નજીક ની નાણાવટિ હોસ્પિટલ મા લઈ ગયા અને ત્યાં એડમિટ ક્રરિ ત્યાં ના ડો. એ રિપોર્ટ ચેક કરી ને તુરંત જ અએન્જિયોગ્રાફિની સલાહ આપી ને જોડે અમુક રકમ ની ડિપોસિટ માંગી. હું તો કુટુંબના લગ્ન માથી દોડિ ને આવી હતિ,મારો ભાઈ તે અરસામા જ ભારત પાછો આવ્યો હતો અને વાર હતો શનિ, તેની પાસે લોકલ કાર્ડ (ક્રેડિટ/ડેબિટ) પણ નહતુ. બેંકો બંધ થઈ ગયેલી, મારા એ.ટી.એમ કાર્ડ પર ૨૫,૦૦૦ નિ લિમીટ જ હતી. ના છુટકે મારા ભાઈ એ (બેંક મા પૈસા હોવા છ્તા) તેનુ અમેરિકા નુ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કર્યુ અને રૂ.૧,૭૫,૦૦૦/- ડિપોસિટ ખાતે જમા ક્રર્યા પછી ડો. કે ટ્રિટમેન્ટ ચાલુ કરિ ને , ઈમર્જનસી મા ટ્રિટમેન્ટ કરવિ પડિ કહી ને ૨૫% વધુ ચાર્જ લગાવ્યો. જ્યારે ફાઈનલ બિલ આવ્યુ ત્યારે તે આંકડો રૂ.૫,૦૦,૦૦૦/- ક્રોસ કરિ ગયો હતો અને ડો. ની ફિ જો અમે હોસ્પિટલ દ્વરા ના ચુકવિયે તો રૂ.૧,૦૦,૦૦૦/- અને જો હોસ્પિટલ દ્વરા ચુકવિયે તો રૂ.૧,૧૫,૦૦૦/-. અમારો મેડિક્લેમ હતો માટે અમે હોસ્પિટલ દ્વરા ચુકવવા નુ નક્કી કર્યુ. પણ જે માનસિક (શારિરિક પણ ખરી પણ તે માનસિક યાતના સામે તુચ્છ લાગે) યાતના અમે ભોગવિ છે તે આજે ૨ વરસ થવાના પણ જ્યારે યાદ કરીએ છીએ ત્યારે રુંવાડા ઊભા થઈ જાય છે.
  પ્રભુ ને એજ પ્રાથના કે “હે! પ્રભુ કોઈ દુશ્મન ને પણ કોઈ દિવસ હોસ્પિટલ ના પગથીયા ના ચઢાવે”

  ૩. ભગવાન ની દરેક ક્રિયા મા ગણતરી હોય છે તે આ કાળા માથા ના માનવિ એ જરુર થી સમજવિ રહી.
  ૪. ચાંદલા જેવુ જ મિઠા નુ છેઃ

  એક દિવસ રાજા અકબર ને તેની રાણિ નિ કસોટી કરવા નુ મન થયુ. તેમને તેમની રાણિ ને પૂછ્યુ કે તમેને મન અકબરનુ મહ્ત્વ તેમની જીદગી મા કેટલુ? તેના જવાબ મા રાણિ એ જવાબ આપ્યો કે મિઠા જેટલુ. અકબર ને આવ્યો ગુસ્સો અને તેમને રાણિ ને સજા કરવા નુ નક્કી કર્યુ. રાણિ એ પણ અકબર ને પાઠ ભણાવવાનુ નક્કી કર્યુ, અને બીજા દિવસે તેમના ભોજન માથી મિઠા ની બદબાકી કરી નાખી. જેવો એક કોળિયો રાજા એ મોઢા મા મુક્યો તેવુ તેમનુ મોઢુ બગડ્યુ અને રાણિ ને બોલાવ્યા ને પૂછ્યુ કે, “ખાવાનુ કોણે બનાવ્યુ છે?” રાણિએ તેમના રસોઈયાનુ નામ કહ્યુ, રાજા એ તરત તેને હજર કરવાનુ ફરમાન મોકલાવ્યુ. રસોઈયા એ રાણિ ના કહેવાથી મિઠાની બાદબાકી કરી હોવાનુ કબુલ્યુ. ત્યારે રાણિ એ રાજા ને સમજાવ્યુ કે જેટલુ મહ્ત્વ મીઠા નુ ખાવાના મા છે તેટલુ જ મહ્ત્વ રાજાનુ તેમની જીદગી મા છે. મિઠા ની પૈસા ની દ્રસ્ટી એ મુલ્ય શુલ્લક સમાન છે પણ જેમ મિઠા વગર રસોઈ ફિક્કી તેમજ ચાંદલા વગર સ્ત્રિ ના દરેક શણગાર પણ ફિક્કા.
  કોઈ પણ વસ્તુ ની કિંમત ફક્ત તેના દામ થી જ નથી થતિ પણ તેના કામ થી થાય છે.

  • yogesh says:

   તૃપ્તિ બેન્ હુ પણ એક ડોક્ટર છુ અને સમજી શકુ છુ કે ડોકટરી ના વ્યવ્સાય મા ઘણા અનિષ્ટ તત્વો ઘુસી ગયા છે એટ્લે અને આપ્ણે એવા ઘણા પ્રસન્ગો સામ્ભળ્વા મળતા હોય છે, જેથી કરી ને, જેટ્લી વાર ડોક્ટર ના ત્યા જવાનુ થાય તેટ્લી વાર ભયાનક વિચારો આવવા યોગ્ય હોય છે. હુ માનુ છુ કે દરેક વ્યવ્સાય મા સારા અને ખરાબ માણ્સો હોવા ના જ્ અને તમારી પ્રાર્થ્ના સાથે પણ સમ્મત છુ.

   આભાર્

   યોગેશ્.

   • trupti says:

    યોગેશ ભાઈ,
    તમારી વાત જોદે સંમત છુ કે જ્યાં ખરાબ માણસો હોય છે ત્યાં સારા પણ હોય છે ને અમારા ફેમિલી ડો. ક્નુભાઈ શાહ જે હવે આદુનિયા મા નથી તેઓ તેનુ ઊત્તમ ઊદાહરણ હતા, પણ આજ ના સમયે ૧૦૦ માથી ૮૦ જણ ને ડોકટરો ના ખરાબ અનુભવો થતા જોયા છે તેમા ખાસ કરી ને સ્પેસિયલીટ ડોકટરો નો તેમા કાર્ડિયોલોજીસ્ટ નો નંબર પહેલો આવે કારણ કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વજન જોડે ખોટુ થાય તે ઈચ્છતુ નથી હોતુ, અને ડોકટર ને જરા પણ બ્લોકેજ જેવુ લાગે એટલે તેઓ તેમના સ્વજનો ને એટલા ગભરાવી દે કે જરુર નહોય તો પણ તેઓ એન્જીયો પ્લાસ્ટી કે ઓપન હાર્ટ સર્જરી કરાવવા તૈયાર થઈ જાય છે.

  • Vraj Dave says:

   ખુબજ સરસ પ્રતિભાવ. હવે ગુજરાતી પણ સરસ લખતા થૈ ગયા.
   વ્રજ દવે

  • જય પટેલ says:

   તૃપ્તિ

   દાકતર સાથે કડવો પ્રસંગ કદી સંસ્મરણોમાંથી ભૂલાતો નથી.
   આપણી જીવન પધ્ધ્તિ અને આહાર પર નિયત્રણ રાખી શકીએ તો દાકતરભાઈના ચમકદમક
   ઓછાં થઈ શકે.દાકતર સાહિબને ૪ વ્હીલરથી ૨ વ્હીલર પર લાવવા આપના હાથમાં છે.

   દૈનિક આહારમાંથી અમુક પદાર્થ ટાળી શકીએ તો કોસ્ટરોલ…ચરબી ઘણી ઓછી થઈ જાય..જેમ કે
   રોટલી ગેસ પરની સીધી જ ઉપયોગમાં લઈ શકાય જેથી ધી…તેલ શરીરમાં ઓછાં જાય અને નળીઓ
   જલ્દી બ્લોક ના થાય. ૫ ભાખરી આરોગો તો ૫ ચમચી તેલ અને ૫ રોટલી આરોગો તો ૫ ચમચી ઘી
   શરીરમાં ગયું..એક જ ટાણામાં..!! મીઠાનો ઉપયોગ ક્રમશઃ ઓછો કરી શકાય.
   ફ્રૂટ અને સલાડ નું નિયમીત સેવન કરવું જોઈએ.

   નિયમીત કસરત અને આહાર પર નિયત્રંણ દાકતરસાહિબને દૂર રાખી શકે.
   દાકતર સાહેબનું ભલું થાઓ.

   • trupti says:

    જય,
    તમારી વાત ૧૦૦% સાચ્ચી પણ ખોરાક પર નિયત્રંણ રાખવા છતા અમુક રોગો તે ખાળી શકાતા નથી. મારી મમ્મી તે માટે નો ઊત્તમ દાખલો છે. તે વરસો થી ઘી વગર ની ૨ રોટલી ખાતી, ઉંમર વધતા ૨ નિ એક થઈ ગઈ, દાળ-ભાત વરસો થી નિયમીત રુપે નથી ખાતી, તેલ નો વપરાસ નહીં જેવો અને મિઠાઈ પણ પ્રસંગો પાત કોઈકજ વાર ખાય પહેલા આઈસક્રિમ બહૂ ભાવતો એટલે ઘરે બનાવી ને ખાતી અને બહાર નો પણ ખાતી, પણ થોડા વરસો પહેલા પગ મા બ્લડ જામી જવાને કારણે તે પણ ૯૦% ટકા ઓચુ થઈ ગયુ, બપોરે નાસ્તો પણ પહેલા નહોતિ કરતી પણ હવે દવા પીવાની હોય માટે કાંતોમારી બિસ્કીટ કે મમરા કે પૌઆ નો નાસ્તો કરે. રાતના જમણ મા કાંતો ૧ ખાખરો કે મુઠીયા કે ઊપમા જેવો હલકો ખોરાક લે છે. તેનો અન્ન પર નો કંત્ટ્રોલ જોઈ ને ભલભલા જુવાનિયા શરમાય જાય. ઘણિ વાર બહુ ચિંતા વાળા સ્વભાવ વાળા ને હાર્ટ એટેક જેવા રોગો ઘેરી લેતા હોય છે. મમ્મી નિયમીત ચાલવા પણ જાય છે અને આજે ૭૧ વરસ ની ઊંમરે ઘરનુ બધુ કામ પણ જાતે કરે છે.

 6. ‘જરુરિયાત કરતા વધારે દારુ પીધો હતો . . . . .’ – મજા આવી ગઈ.

 7. રામદેવજી ના યોગ કરો માન્દા નહિ પદો ને ડોક્ટાર થી બચશો

 8. Deval Nakshiwala says:

  સરસ કૃતિઓ છે. પણ આ હાસ્યલેખોને બદલે ચિંતનાત્મક લેખો વધુ લાગ્યા. જીવન-ઉપયોગી શીખો ઘણી છે પણ હાસ્ય જરાય નથી.

 9. nayan panchal says:

  સરસ મજાના ચિંતનાત્મક લેખો. પ્રસંગો વહેંચવા બદલ તૃપ્તિબેનનો પણ આભાર.

  નયન

 10. Haribhai Halai says:

  After a very long time I opened up Gujarati vancho site; it was very pleaseing experiance to read some very interesting articles. I think I will get in to habit of doing so regularly. Keep up the good work. Sorry I could not use Gujarati key board this time round but I will keep prectising and come up with Gujarati text on next visit. Wonderful, Namaste.

 11. વાહ ભાઇ વાહ. સારા ચાબખા માર્યા હો.

 12. pragnaju says:

  મઝાનુ રમુજી સમ્કલન
  (દર્દીને) દિલ દિયા, દર્દ લિયા !
  (ડૉક્ટરને) બિલ દિયા, દર્દ કિયા !!
  રમુજમા હકીકત કહી!
  કદાચ તેથી જ તગડી ડીપોઝીટની પ્રથા થઇ હશે
  …………………………………………………
  મડદું બોલે…
  રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા;
  કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.
  વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં;
  હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
  …………………………………………………..
  મૃત્યુ ના આવે…
  મ્હેક માં મ્હેક મળી જાય તો મૃત્યુ ના કહો
  તેજ માં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો
  રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો
  શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો

 13. Prerana says:

  ખુબજ સુન્દેર લેખ્.

 14. Dhruv Parekh says:

  ખુબ સરસ ફુઆજિ, ઘણોજ્ ચોટ્દાર લેખ છ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.