શુભત્વનો સંસ્પર્શ – મૃગેશ શાહ

વિજ્ઞાનના વિકાસથી એક વાત તો સિદ્ધ થઈ છે કે સ્થૂળ કરતાં સૂક્ષ્મમાં ક્ષમતા વધુ છે. જે દેખાતું નથી, તે વધારે સક્ષમ છે. વાયર કરતાં ‘વાઈ-ફાઈ’ તથા અન્ય તરંગોની પદ્ધતિ પ્રત્યક્ષ પ્રમાણ છે. એ પ્રકારના ઉપકરણોનો આજે આપણે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. બરાબર એ રીતે જીવનનું છે. આનંદ મેળવવા માટેના ભૌતિક સાધનો ટૂંકા પડે છે ત્યારે એક નાનકડો વિચાર મનને પ્રફુલ્લિત કરી જાય છે. જેઓ બહારની દોડધામમાં વ્યસ્ત રહે છે તેઓ જલ્દી થાકે છે, જ્યારે સૂક્ષ્મનો આનંદ માણનારા હંમેશા પ્રસન્ન રહે છે. સંગીતકારને તમે કદી ઉદાસ જોયો છે ખરો ? મનને પ્રફુલ્લિત કરવા માટે પક્ષીનો એક ટહુકો કાફી છે ! સંગીત જ શું કામ ? જો રોજબરોજની વાતોમાંથી સૂક્ષ્મ આનંદ મેળવતાં આવડી જાય તો આઠેય પહોર પ્રસન્ન રહેવાની ચાવી હાથ લાગી જાય ! નાનકડી વાતો તથા સામાન્ય જીવનપ્રસંગો ક્યારેક પથપ્રદર્શક બની રહે છે. એને જો આત્મસાત કરી શકાય તો આપણા મનમાં કોઈક નવો વિચાર જરૂરથી પ્રગટાવી શકે. આ પ્રકારની કેટલીક વાતોનું સ્મરણ કરવાનું મન થાય છે.

ગઈકાલે સાહિત્યકાર કુન્દનિકાબેનને લઈને ગાડીમાં હું આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એમણે કહ્યું કે ‘વડોદરા આવ્યે વર્ષો વીતી ગયાં. બહુ બહાર નીકળવાનું થતું નથી. પરંતુ અભ્યાસકાળમાં થોડોક વખત વડોદરા રહેવાનું થયું હતું. એ સમયે જોયેલી વડોદરાની છબિ મનમાં વસી ગઈ છે. એ વખતે પોળો અને શેરીઓનું વર્ચસ્વ હતું. બધા એકમેકની નજીક હતાં. ત્યારે રેંટિયા બારસની આજુબાજુના દિવસોમાં દરેક પોળમાં ગાંધીજીની ઝૂંપડી બનતી. બધા દેશભક્તિનાં ગીતો ગાતાં. બાળકો આનંદથી રમતાં. ઉત્સવનું વાતાવરણ રહેતું. હવે ઘણું બધું બદલાયું છે.’ એ પછી થોડું અટકીને બહાર રસ્તા પર નજર કરતાં એમણે એક સુંદર વાક્ય કહ્યું : ‘જેમ માણસનો ચહેરો વર્ષો પછી બદલાય છે, તેમ શહેરને એક ચહેરો હોય છે. વર્ષો પછી જોઈએ તો એ સાવ બદલાયેલો લાગે છે. શહેરમાં રહેનારને એનો અણસાર નથી આવતો…’ કેવી સુંદર વાત ! શહેર જેવી ઘનવસ્તુ માટે આટલું ચૈતન્યસભર વિધાન ! આપણે એ જ શહેરમાં વસતા હોઈએ છીએ. પરંતુ એ શહેરના એક-એક ઝીણા બદલાવ પર આપણી નજર નથી હોતી. શહેરની તો વાત જ ક્યાં છે ? એક જ કુટુંબમાં રહેવા છતાં વધતી જતી વયને કારણે વડીલોની ચામડી પર પડતી કરચલીઓ આપણને ક્યાં દેખાય છે ? કદાચ માણસ પણ એમ એક-એક વિચારોના બદલાવથી જ બદલાઈ જતો હશે ને ? એટલે જ તો વર્ષો પછી કોઈને મળીએ ત્યારે સ્વભાવમાં થયેલો બદલાવ સ્પષ્ટ નજરે પડે છે.

એ પછી અમે મીરાબેન ભટ્ટની ઘરે પહોંચ્યા. થોડા વિશ્રામ બાદ શિયાળાની સવારના કૂણા તડકાને આરોગતાં સૌ કોઈ પોતાના જીવનપ્રસંગો કહી રહ્યાં હતાં. કુન્દનિકાબેન મકરંદભાઈ અને નંદિગ્રામની વાતો કરતાં હતાં. મીરાબેન-અરૂણભાઈ વિનોબાજી સાથેના એમનાં જીવનપ્રસંગો વાગોળી રહ્યાં હતાં. મને સૌનાં સાનિધ્યનો લાભ મળી રહ્યો હતો. વાતવાતમાં અરૂણભાઈએ એક પ્રસંગ કહ્યો. કેવો તાજગીસભર પ્રસંગ ! આજે જ્યારે અખબારોમાં ચોરી, હિંસા, બળાત્કાર, ભષ્ટાચારની ખબરો વાંચીને આપણે માનસિક અવસ્થ બની રહ્યાં છીએ ત્યારે આવા પ્રસંગો હૃદયને શાતા આપે છે. એમણે એમ કહ્યું કે : ‘લગભગ 2005ની સાલમાં અમે સૌ ભાઈઓએ અમારા પૂર્વજોએ બનાવેલું ભાવનગરનું મકાન વેચવાનું નક્કી કર્યું. સૌને સહજ રીતે પોતાના નોકરી-ધંધા અર્થે અલગ શહેરોમાં વસવાનું થાય તેમ હતું. આથી એ મકાનને રાખવાનો હવે કોઈ અર્થ નહોતો. બધા ભાઈઓ એકવાર એ ઘરમાં ભેગા થયાં. હું તો જો કે ત્યાં જ રહેતો હતો. બે જ મિનિટમાં સર્વાનુમતે એ મકાન વેચવાનું નક્કી થઈ ગયું. વિરોધનો તો અમારા કુટુંબમાં સવાલ જ નહોતો. કોઈ પણ યોગ્ય કામમાં સર્વની સંમતિ આપમેળે સધાઈ જતી.

અમારું મકાન વેચવાનું છે એવી આસપાસમાં ખબર ફેલાઈ એટલે બે-ત્રણ દિવસ પછી એક ભાઈ અમારે ત્યાં આવ્યાં. એમણે અમારું મકાન લેવા માટેની દરખાસ્ત મૂકી. મેં એમને કિંમત કહી એટલે તેઓ બે ઘડીમાં જ સંમત થઈ ગયાં. બધુ કામ ખૂબ સરળતાથી થઈ ગયું. લગભગ બીજા ત્રણેક દિવસમાં તો એમણે નક્કી કરેલી તમામ રકમ ચૂકવી દીધી અને મને પૂછ્યું કે :
‘તમે ક્યારે મકાન ખાલી કરી શકશો ?’
મેં એમને કહ્યું કે : ‘સ્વાભાવિક છે કે તમે પૂરી રકમ ચૂકવી દીધી એટલે મારે તમને મકાન ખાલી કરી આપવું જોઈએ. પરંતુ આ બધું અચાનક થઈ ગયું અને મારે હજી બીજું મકાન શોધવાનું બાકી છે. તેથી મને થોડો સમય આપો.’
‘ઠીક છે. તમને કેટલો સમય લાગશે ?’
‘લગભગ બે મહિના જેવું થશે.’ મેં કહ્યું. વાત એમ હતી કે અન્ય ભાઈઓ પોતાની રીતે સ્થાયી થઈ ગયા હતાં. એક માત્ર પ્રશ્ન મારો હતો. નવું મકાન તાત્કાલિક શોધવું મુશ્કેલ હતું. તેમણે મારી વાત સાંભળી અને કોઈ પણ જાતની ઓળખાણ વગર માત્ર માનવતાના નાતે તેઓ મારી સાથે સંમત થયા. માત્ર એટલું જ નહિ, અઠવાડિયા પછી તેઓ ફરી ઘરે આવ્યા. મારા ખભે હાથ મૂકીને કહ્યું, ‘અરૂણભાઈ, બે મહિનાને બદલે છ મહિના થાય તો પણ વાંધો નહિ પરંતુ તમે શાંતિથી તમારે યોગ્ય હોય એવું જ મકાન શોધજો….’ જેણે મકાનના પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા છે અને દસ્તાવેજ પણ થઈ ગયો છે, એ વ્યક્તિ જરાય ઉતાવળ કર્યા વગર અમને જોઈએ તેટલો સમય આપવા તૈયાર હતા. આ માનવતાના શિખરો છે.

એ પછી વડોદરાના અમારા એક પરિચિત સ્નેહીનો ફોન આવ્યો કે ‘અમારું ઘર સાવ ખાલી પડ્યું છે. ખબરદાર જો તમે બીજે ક્યાંય ગયા તો ! એ ઘર તમારે આજીવન વાપરવાનું છે. તમારે કંઈ મકાનની શોધ કરવાની હોય ?….’ આમ, અમારું વડોદરા આવવાનું નક્કી થઈ ગયું. તેથી જેમણે મકાન રાખ્યું હતું એ ભાઈને બોલાવીને મેં અમારી વડોદરા જવાની તારીખ આપી દીધી. એમણે મને કહ્યું : ‘તમારે કોઈ સામાનને હાથ લગાવવાની જરૂર નથી. મારા એક મિત્રનો ટેમ્પો છે, એ તમારો તમામ સમાન વડોદરા સહીસલામત પહોંચાડી દેશે….’ આ રીતે અમારો સામાન વડોદરા પહોંચી ગયો. માત્ર એટલું જ નહિ, એ ભાઈ પોતે પોતાની ગાડી લઈને અમને ભાવનગરથી વડોદરા મૂકી ગયા ! કોઈ પણ જાતના પરિચય વગર એક મકાન ખરીદનાર વ્યક્તિ સાથે આજે એવા સંબંધો છે કે જો અમે ભાવનગર જઈએ તો તેઓ એમ જ કહે કે તમારે તો આ તમારા ઘરમાં જ ઉતરવાનું. આ તમારું જ મકાન છે !!…’ કેવી ઉદ્દાત હૃદયની ભાવના અને કેવા સુંદર સંબંધો. આ બધી કંઈ કાલ્પનિક કથાઓ નથી. આપણા યુગમાં, આપણી જ આસપાસ બની રહેલી ઉત્તમ ઘટનાઓ છે. સૂક્ષ્મતાને જોવાની દષ્ટિ કેળવીએ તો જીવન આનંદસભર છે. પરંતુ જેને રોદણાં જ રોવાં હોય એની માટે આખી દુનિયા ખરાબ છે !

ડિસેમ્બર મહિનામાં અમારી ઘરે પરદેશથી ઘણાં મુલાકાતીઓ આવે. ઘણા વાચકો મળવા આવે અને પોતાના જીવનનો કોઈ સુંદર અનુભવ વહેંચતા જાય. એ રીતે એક વાચકબેન થોડા દિવસો અગાઉ ઘરે આવ્યાં. વાતવાતમાં એમણે પોતાના પિતાજીના જીવનનો એક પ્રસંગ કહી સંભળાવ્યો. તેમણે કહ્યું કે : ‘મારા પિતાજી વર્ષો અગાઉ કડી તાલુકાના ધારાસભ્ય હતા. આજે કોઈ પ્રધાનના સંતાનને શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે પણ એ સમયે તો અમે ગર્વથી કહી શકતા કે અમારા પિતા રાજકારણમાં છે. એમનું નખશિખ શુદ્ધ વ્યક્તિત્વ તો એવું કે આજે માન્યામાં ન આવે. એક વાર મારા પિતાજી ધારાસભ્ય બન્યા બાદ બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ સમયે બસમાં ‘ધારાસભ્ય માટે’ એમ લખેલી ખાસ સીટ ફાળવવામાં આવતી હતી. ધારાસભ્યનો પાસ બતાવે એટલે તેમને ત્યાં બેસવા મળતું. એમને કોઈ ટિકિટ લેવાની નહોતી. આ કાયદેસર હતું. ત્યારે તેઓ કામ પતાવીને મોડી રાતે ઘરે પાછા ફર્યા. સવારે ઊઠીને અખબારમાં જોયું તો કોઈક કારણોસર વિધાનસભા તાત્કાલિક અમલથી બરખાસ્ત કરવામાં આવેલી. એમણે અખબારમાં બરાબર સમય જોયો અને તુરંત કોટ પહેરીને કંઈ પણ કહ્યા વગર વહેલી સવારમાં એસ.ટી. ડેપો તરફ નીકળી ગયાં. ત્યાં જઈને જે તે વિભાગના અધિકારીને સાડા ચાર રૂપિયા આપીને કહ્યું, ‘આ મારી ટિકિટના પૈસા તમે લઈ લો. કારણ કે મેં જે સમયે પાસ બતાવીને મુસાફરી કરી હતી ત્યારે તો વિધાનસભા બરખાસ્ત થઈ ગયેલી. તો પછી હું ધારાસભ્ય ક્યાંનો રહ્યો ? મને પાસ બતાવવાનો અધિકાર નથી.’

એવો એક અન્ય પ્રસંગ છે. હમણાં બે દિવસ અગાઉ એવા એક નિષ્ઠાવાન આચાર્ય ડભોઈથી અમારે ત્યાં આવ્યાં હતાં. એમણે પોતાના જીવનની કિતાબ ખોલીને કેટલીક વાતો કરી. એમણે કહ્યું કે : ‘ત્રણેક વર્ષ અગાઉ હું અમદાવાદની નોકરી છોડીને ડભોઈ આવ્યો. મારા સ્નેહીઓ આ નિર્ણયને મૂર્ખામીભર્યું પગલું ગણે છે ! ડભોઈમાં ઘણાં લોકો એમ કહે છે કે તમે આ કેવો નિર્ણય કર્યો ? લોકો તો ડભોઈથી અમદાવાદ જાય. મોટા શહેરો તરફ જવાની તક શોધે અને તમે અમદાવાદથી ડભોઈ આવ્યા ? આ કંઈ સમજાયું નહિ….!’ થોડું અટકીને એ સજ્જન મારી સામે જોઈને બોલ્યાં, ‘એમાં સમજવા જેવું કંઈ હતું નહિ. ડભોઈની પાસેના ગામમાં એક સુંદર કામ કરતી સંસ્થાએ મને કહ્યું કે અમે આસપાસના ગામડાના બાળકો માટે શાળા બાંધી રહ્યા છે. અડધું એકમ શરૂ થઈ ચૂક્યું છે અને અડધું હજી બાંધકામ હેઠળ છે. શોધ નિષ્ઠાવાન શિક્ષકોની હતી. મને ગામડાનાં બાળકોમાં કંઈક સત્વ દેખાતું હતું, એટલે મેં તુરંત ‘હા’ ભણી. મારો ઈન્ટરવ્યૂ ગોઠવાયો એટલે એમણે મને ફક્ત બે પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન એ કે તમે ક્યાં રહેશો ? વડોદરા રહેશો કે ડભોઈમાં ? મેં કહ્યું કે બેમાંથી એકેય જગ્યાએ નહિ. એટલે એ લોકો મૂંઝાયા. એમને થયું કે આ વ્યક્તિ અમદાવાદ છોડશે નહિ તો કામ શી રીતે થશે ? મેં તેમનો સંકોચ દૂર કરતાં કહ્યું કે હું જ્યાં શાળા છે ત્યાં જ એક ગાદલું નાખીને પડ્યો રહીશ ! કારણ કે ભણાવાવાનું ફક્ત વર્ગખંડમાં જ નથી હોતું, વર્ગખંડની બહાર પણ હોય છે અને શાળા કંઈ અમુક કલાકોમાં નથી ચાલતી, એ તો ચોવીસેય કલાક ચાલતી રહે છે. જો યોગ્ય કેળવણી આપવી હોય તો મારું ચોવીસ કલાક ત્યાં રહેવું અનિવાર્ય છે…. તેઓ મારા જવાબથી રાજી થયા. તેમણે બીજો પ્રશ્ન મને પૂછ્યો કે આપ પગાર કેટલો લેશો ?…. મેં કહ્યું કે તમે પહેલાં કામ જુઓ પછી પગારનું નક્કી કરજો…..’ એ નિષ્ઠાવાન આચાર્ય આજે પણ ડભોઈ પાસેના નાનકડા ગામની શાળાના એક રૂમમાં રહે છે. એમના મનમાં બસ એક જ ધ્યેય છે કે કેમ કરીને આ બાળકોનું ભવિષ્ય હું બનાવી શકું…. ધન્ય છે આવા સદગૃહસ્થોને !

જીવનને જો સુક્ષ્મતાથી માણીએ તો આપણી આસપાસ આવા અનેક સજ્જનો રોજ મળી આવે. યુગનું નિર્માણ માણસની વિચારધારાથી થતું હોય છે. જેને ગુણદર્શન કરવું છે એની માટે આજે પણ સતયુગ છે. થોડુંક સમાચારોમાંથી બહાર નીકળીને આપણી આસપાસ જીવતા લોકોના જીવનમાં ડોકિયું કરીએ તો શુભત્વનો સંસ્પર્શ પામી શકાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હસતારામનું હાસ્યામૃત – જયકુમાર દમણિયા ‘બિન્દાસ’
વિનોદકથા – વિનોદ ભટ્ટ Next »   

25 પ્રતિભાવો : શુભત્વનો સંસ્પર્શ – મૃગેશ શાહ

 1. raj says:

  very good
  and good people always get good people,they are blessed by GOD
  good
  raj

 2. trupti says:

  મૃગેશભાઈ ને અને તેમના વાચક ગણોને થયેલા સુંદર અનુભવો અહીં પ્રસતુત કરવા બદલ મૃગેશભાઈ નો ખૂબ આભાર.

 3. Kinjalgiri Goswami says:

  સાચેજ જીવનની હરેક ક્ષણમાં આનંદનો મહાસાગર છલકાય છે.
  જરુર છે માત્ર એ સાગરને ઉલેચવાની……

 4. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ.

 5. જગત દવે says:

  ખરેખર જોવા જાવતો……આપણી આસપાસ સારા બનાવો જ વધારે બને છે પણ તે સમાચાર નથી બનતા કા. કે. માણસનું સારા હોવું એ સ્વભાવિક છે તેમ માની લેવાય છે. પણ ખરાબ હોવું એ સમાચાર છે કારણ કે તે અસ્વભાવિક છે.

  સમાચાર પત્રો દ્વારા ખરાબ ઘટનાઓનું પ્રકાશન સામાજીક ચેતવણીનું કામ કરે છે….તેથી સમાચાર પત્રો પણ તેની જગ્યાએ સાચા છે. વાંક તો એ વાંચીને તેને સર્વવિદીત માની લેનાર નો છે. એવા વ્યક્તિઓ જાણ્યે અજાણ્યે તેમનાંમાં નકારત્મકતાનું સિંચન કરતાં થઈ જાય છે.

  મૃગેશભાઈએ અને તેમનાં પરિચિતો એ વર્ણવેલ પ્રસંગો મીઠી વિરડી જેવાં છે. જે આપણાં સમાજમાં છે તો ખરાં જ પણ તેને વિરડીની જેમ ગાળવા પડે છે. (અહિં ગાળવાનો મતલબ ખોદાય છે પણ સૌરાષ્ટ્રમાં વિરડી માટે ખોદાય તેમ નથી બોલાતું પણ ‘વિરડી ગળાય’ તેમ બોલાય છે)

 6. Rakesh Thakkar says:

  સરસ વાતો જાણવા મળી.

 7. Chintan says:

  ખુબ જ સુંદર અનુભવ થયો આપનો લેખ વાંચીને મૃગેશભાઈ.
  જીવનને માણવાની એક અનોખી રીત આપની પાસેથી જાણવા મળે છે…આપના લેખ દ્વારા વ્યક્તિત્વ વિકાસ અને જીવનને એક અલગ અંદાજથી નિહાળવાની રાહ મળે છે.
  ખુબ આભાર મૃગેશભાઈ.

 8. Umesh joshi says:

  આજે અખબાર ખોલતાજ ચોરી,લુંટ,મારફાડ ના સમાચાર વાંચવા મળે છે ત્યારે રીડગુજરાતી તરફથી પ્રેરણાદાયી તેમજ મગજને તરોતાજા લેખ આપવા બદલ ધન્યવાદ .

 9. nayan panchal says:

  મનડું ખુશ થઈ ગયું, વધુ કંઇ લખવુ નથી.

  ખૂબ આભાર, મૃગેશભાઈ. ક્યારેક તમારી ઇર્ષા આવે છે.
  નયન

 10. aravinad says:

  બહુજ સરસ સમાચરો ના કાદવ ઉપર કંકુ ના થાપ્પા

 11. મ્રુગેશભાઈ, દોક્તર શરદ થક્ક્ર્ર લિખિત સિન્હ્પુરુશ વિશે એકાદ લેખ મુક્શો, શક્ય હોય તો.

 12. Dipti Trivedi says:

  શિર્ષક વાંચીને તાત્વિક ચિંતનાત્મક લેખ વાંચવાની તૈયારી સાથે ક્લિક કર્યું પણ આ લેખ અલગ જ મજેદાર અને વળી પ્રેરણાત્મક પણ રહ્યો. મકાન ખરીદનાર ખરેખર ખૂબ જ ઉદાર કહેવાય .બાકી અત્યારે સમન્ય માણસ છ માસનુ વ્યાજ ગણતો હોય .જ્યારે અહી એકેને ખાલી કરાવવાની ઉતાવળ નથી અને બીજા આજીવન રહેવાનો આગ્રહ કરે છે. મારો મકાન વેચવાનો અનુભવ કહુ તો ભરુચમાં ખરીદનારને સરકારી લોન મંજૂર થયેલી એટલે તાત્કાલિક મકાન ખરીદીને પેપર રજૂ કરવાના હતા અને અમે એને વેચ્યુ ત્યારે કિંમત અંગે વાત કરતાં મેં ઘરમાં જડેલા બે નવા સીલીંગ ફેન રહેવા દેવાનુ કહ્યું. ઘરમાં એક બારણું જે બારસાખમાં જડેલુ નહી પણ પાછળ વાડામાં જવાની જગ્યાએ વધુ મજબૂત બારણું લગાવેલુ તેથી વધારાનુ એમ જ લાદી પર પડેલુ હતુ. ખરીદનાર ગામમાં બધી સરકારી ઑફિસોની નજીક એટ્લે એને ઘેર જઈ પછી ઑફિસોમાં જઈ બધા દસ્તાવેજ પૂરા કર્યા દરમિયાન તેના ઘરના વડિલ સારી સારી વાતો કરતા અમારુ ઘર તેમના માટે શુકનિયાળ નીવડે એવી બધી આશાઓ અને પરિવારની વાતો કરી. ગરમી હતી તે મલાઈદાર લસ્સી પીવડાવી અને એક વાર બધુ પતી ગયુ પછી ખરીદારનુ વર્તન બદલાઈ ગયું. એણે તરત ઘરની ચાવી માંગી અને મેં મારે ઘેર ચાવી છે એમ જણાવતાં હું ઘેર પહોંચી કે તરત જ ચાવી લેવા આવ્યા. એમના તાળા હતા નહી એટલે મારા જ ત્રણ મોટા સારી બ્રાન્ડના તાળા એમણે રાખી લીધા. વળી મેં દસ્તાવેજની કૉપી માંગી તો કહે કે બધી કૉપી જે તે ઑફિસમા આપી દીધી છે , ઍમની પાસે વધારાની કૉપી નથી. મેં જાતે ઝેરોક્ષ કઢાવવાની વાત કરી પણ પત્ની કાયમ કાગળોની ખબર નથી એમ કહે અને ભાઈ ઘેર મળે નહી. વળી જ્યારે એ લોકો થોડુ વધારાનુ બાંધકામ કરાવતા હતા ત્યારે મેં પેલુ વધારાનુ બારણુ જે આપી દેવાની કોઈ વાત નહતી કરી તે મારા ઘેર (બંને મકાન પાંચ મિનિટના જ અંતરે હતા) લેવડાવી લીધુ ત્યારે તેણે મજૂરોને વાંક કાઢીને બારણું લેવા કેમ દીધુ? પાછુ લઈ આવો નહીતો મજૂરી કાપી લઈશ કહીને મારે ઘેર ઊઘરાણી કરવા મોકલ્યા. મેં વેચાણ જેની જોડે કર્યૂ છે ત જાતે આવે એમ કહ્યુ પણ તે ગરીબ મજૂરોને દબડાવતા રહ્યા અને મોઢું પણ બતાવ્યુ નહી. મારા સાસુ થોડા દિવસ અમારે ત્યાં રહેવા આવેલા અને અમે નોકરી પર હોઈએ ત્યારે મજૂર બપોરે આવે તે ઘરનાને પસંદ નહી પડતા બારણુ અમે આપી દીધું.
  બીજો એક સારો અને નરસો અનુભવ મારા મમ્મી પપ્પાને થયો તે કહુ તો ટેમ્પામાં થોડો સામાન ભરુચથી વડોદરા લઈ જવાનો હતો. સોસાયટી માં પાણી છોડવાનુ કામ કરનાર અને નાની મોટી મજૂરી કરનાર સાથે સામાન ટેમ્પામાં ભરવાનુ ભાવ અને ટાઈમ નક્કી કર્યા પણ છેલ્લી ઘડીએ એ” પાણીનો સમય”નુ બહાનુ કાઢીને છટકી ગયો. પણ એક પાડોશી, ટેમ્પોના માલિક અને ટેમ્પો ડ્રાઈવર વગેરેએ જરા પણ ચિંતા ન કરવાનુ કહીને ફટાફટ સામાન ચઢાવી દીધો વધારાનો ચાર્જ લીધા વગર . એ જ સામાન વડોદરા ઊતારતી વખતે ૨૫૦ રુપિયા ચૂકવ્યા.
  હવે ધારાસભ્યો બસનો પાસ ક્યારેય નથી વાપરતા તે કેમ ભૂલાય? બલ્કે બસ સામે જોતાંય નથી., તેઓ હવામાં ઉડે છે.!!!!!!
  ધારાસભ્ય અને બસનો પાસ, બસ કરો હવે બહુ થયુ , એવો સમય છે.
  શાળાને આટલા બધા સમર્પિત એ વડિલનુ નામ આપ્યુ હોત તો?
  આજના કેળવણીકારો પણ પડ્યા પાથર્યા રહી શકે છે, તેમના પોતાના પ્રાઈવેટ ટ્યુશન ક્લાસીસમાં!!!!

 13. sunil u s a says:

  મ્રુગેશભાઈ ની વાત બિલકુલ સાચિ છે. મને સને ૧૯૯૦ ના સમય ની મકાન ભાડૅ રાખવા બાબત નો અનુભવ જીવનનો સુખદ અનુભવ છે મકાનમાલિકે બીજા વ્યક્તિના અભિપ્રાય આધારે વિના મૂલ્યે મકાન રહેવા મળૅલ અને એકાદ વરશ રહેલ ત્યારબાદ મકાન ની વ્યવસ્થા થતા મકાન ખાલી કરેલ પણ મકાનમાલિકે ખાલી કરવાની ના પાડૅલ આજે પણ મકાનમાલિક સાથે ઘર જેવો સમ્બધ છે. આવા ઘણા અનુભવો છે. આપ ભલા તો જગ ભલા બિલકુલ સાચિ વાત છે.

 14. Anila Amin says:

  મ્રુગેશ ભાઈ,

  આપનો લેખ વાચીને મને મારા અને મારા પિતાજીના અનેક પ્રસન્ગો યાદ આવી ગયા મારો વિચાર છેકે હુ વદોદરા આવીશ્

  ત્યારે તમને જરુર મળીશ ટૂકમા તમને જણાવીશ હુ લખવાનો પ્રયત્ન કરિ રહી છુ લખાઈ જશે તો તે આપીશ તમને તેમાથી રજૂ કરવાનુ

  જરુર ગમશે આપ મને મળવાની અનુમતિ તો આપશોને? તાત્કાલિક નથી આવવાની દોઢેક વર્ષતો થશેજ. આપના લેખો

  મનુષ્યનુ જીવન બદલી શકે એવા હોયછે.

 15. જય પટેલ says:

  સુખદ અનુભવોનો ગુલાલ કરવા બદલ ખૂબ આભાર.

  સંસારમાં સુખદ અને મન વિચલીત કરી મૂકે તેવા અનુભવો સતત થયા જ કરે છે.
  સંસારને આપણે કેવા પ્રિઝમમાંથી જોઈએ છીએ તેના પર આપણા આનંદ મંગલમનો આધાર છે.
  આપણે જો રીએકશનરી..સંવેદનશીલ સ્વભાવવાળા હોઈ તો નાના સરખા અવાંછિત પ્રસંગથી દુઃખી થઈ જવાના.
  આચાર્યશ્રીએ મેગાસીટી અમદાવાદ ત્યજી અને ડભોઈવાસી થયા અને તે પણ શિક્ષણની ધૂણી ધખાવવા..!! સલામ.
  શ્રી મૃગેશભાઈ બડભાગી કે આવા દિવ્યાત્માઓને મળી શક્યા.

  Time Decides Whom You Meet in Life…
  Your Heart Decides Whom You Want in Your Life…
  BUT
  Your Behaviour Decides Who Will Stay in Your Life.

  • hiral says:

   Very nice comment JayBhai.
   Especially
   “Time Decides Whom You Meet in Life…
   Your Heart Decides Whom You Want in Your Life…
   BUT
   Your Behaviour Decides Who Will Stay in Your Life.

  • trupti says:

   જય,
   તમારો અભિપ્રાય ખુબજ સરસ છે. સુખ ની વ્યાખ્યા શું? જેને તમે સુખ માનો છો તેજ સુખ બીના ને માટે દુઃખની વાત ગણાતી હોય છે. ને vice-a-versa.
   Many times, it is better to give quality time to your family memebers rather then giving bad quantitative time.

   A short walk is so difficult,
   when no one walks with you.
   But a long journey is just like few steps
   when you walk with someone
   who loves and cares for you

   We always look and care for the person
   whom we love the most.
   But we fail to look back at those
   who love us the most.

   Death’s not the greatest loss in life..
   The greatest loss is when
   relationships die inside us while
   we are still alive…

   Life is not about the people
   who act true on your face..
   Its about the people who
   remain true behind your back..

   You can win life by all means..
   Yes..
   If you simply avoid two things…
   1. Comparing – with others
   2. Expecting – from others
   Life will be more beautiful!!

 16. pragnaju says:

  ‘જેને ગુણદર્શન કરવું છે એની માટે આજે પણ સતયુગ છે
  . થોડુંક સમાચારોમાંથી બહાર નીકળીને આપણી આસપાસ
  જીવતા લોકોના જીવનમાં ડોકિયું કરીએ તો શુભત્વનો સંસ્પર્શ પામી શકાય.’
  દ્રશ્ટિ તેવી સૃષ્ટિનું શુભ દર્શન
  ધન્યવાદ

 17. nilam doshi says:

  khub saras..touchy… like this very much…

  thanks for ” gamatano gulal “

 18. Moxesh Shah says:

  મંગલ મંગલ…….મંગલ મંગલ…….મંગલ મંગલ…….હો!!!!!

  સર્વેન સુખીન સન્તુ, સર્વે સન્તુ નિરામયા!
  સર્વે ભદ્રાણી પશ્ચન્ત્યુ, મા કશ્ચીદ દુખભાદ્ભવે!!

 19. Pravin Shah says:

  આપણુ વર્તન સારુ હોય તો આપણને સારા માણસો મળી જ રહે છે.
  ખુબ સરસ લેખ.

 20. Vaishali Maheshwari says:

  Thank you Mrugeshbhai for sharing such inspirational and pleasing incidences with all of us. It is true that we can get happiness in little things that are happening around us, it is just that we need to observer and look for all good that is happening with us.

  Truptiben, the poem lines in your comment are also very nice and inspiring. Thanks for sharing. The last stanza is very impressive and true:
  ” You can win life by all means..
  Yes..
  If you simply avoid two things…
  1. Comparing – with others
  2. Expecting – from others
  Life will be more beautiful!!”

 21. Labhshankar Bharad says:

  હદયસ્પર્શી વાસ્તવિક ઘટનાઓનું નિરૂપણ કરતો સરસ સાહિત્ય લેખ. કળિયુગમાં પણ સતયુગની ઝલક તથા શુભત્વની અનુભૂતિ કરાવવા માટે શ્રીં મૃગેશભાઈ શાહને અભિનંદન ! !

 22. Nirav Bhinde says:

  મારા પપ્પા ઘણા સમય થી કુન્દનિકા બેન ના લેખો વાંચે છે . . .
  એમની ઈચ્છા ઘણા વખત થી “નંદીગ્રામ” ની મુલાકાત લેવાની હતી . . .

  ૨૦૦૪ ની સાલ માં અમે લોકો સહ-કુટુંબ નંદીગ્રામ માં ૩ દિવસ રોકવા ગયા હતા . . .

  મારા અને મારા નાના ભાઈ માટે એ ૩ દિવસ સૌથી સારા દિવસો રહ્યા હતા . . .
  ત્યાનું દેસી જમવાનું, સવાર-સાંજ મંદિર માં ભજન ગાવાના અને સાંજ પડ્યે આંબા ના ખેતર માં લટાર મારવા જવાનું . . .
  મજ્જા ની life 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.