- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે – મૃગેશ શાહ

દૈનિક જીવનમાંથી થોડી ફૂરસદ મળે એટલે પ્રવાસનો વિચાર આપણને પહેલો આવે. ખાસ કરીને તહેવારોની રજાઓ કે વેકેશનના દિવસોમાં ઘરમાં બેસી રહેવું કોને ગમે ? થોડાક દિવસો માટે એમ થાય કે ક્યાંક ફરી આવીએ… પરંતુ આજના સમયમાં પ્રવાસ એટલો સરળ નથી કે બેગો ભરીને સ્ટેશને પહોંચી ગયા ! હવે તો પ્રવાસનું બરાબર આયોજન કરવું પડે છે. મહિનાઓ પહેલાં ટૂર ઑપરેટરને મળીને જુદા-જુદા પેકેજોની માહિતી મેળવવી પડે. ટ્રેન-પ્લેન અને હોટલોના બુકિંગ કરાવવા પડે. આ બધા માટે સારી એવી કિંમત ચૂકવવી પડે અને તે પછી પ્રવાસ દરમિયાન અન્ય ખર્ચ તો વધારામાં… ! ઘણાં મોંઘા પેકેજો માટે તો લૉન લેવી પડે ! સરવાળે, થોડા સમયના આનંદ બાદ ફરીથી એની એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહે.

ઘણીવાર પ્રવાસના નામે આપણે ફક્ત દોડધામ કરીને પાછા આવીએ છીએ. ત્યાં કઈ સુવિધા હતી અને કઈ સુવિધા નહોતી, ક્યા ટૂર ઑપરેટરે બે વસ્તુ વધારે બતાવી અને કઈ જગ્યા જોવાની રહી ગઈ ? – એ બધામાં આપણે પ્રકૃતિનું સાંનિધ્ય માણવાનું ચૂકી જઈએ છીએ. મોટાભાગનો સમય ફોટોગ્રાફ્સ લેવામાં કે એકમેક સાથે ગપ્પાંબાજી કરવામાં વીતી જાય છે. આ બધા કારણોને લીધે જે તે સ્થળને આપણે બરાબર આત્મસાત કરી શકતાં નથી. આ પ્રકારના પ્રવાસોના ખર્ચને સરભર કરવા માટે આગામી બે-ત્રણ વર્ષ સુધી ઘરમાં પુરાઈ રહેવું પડે એ તો નફામાં ! એને બદલે જો ખરેખર પ્રકૃતિનું સામીપ્ય માણવાની ઝંખના હોય તો આપણા જ શહેરની આસપાસ એવા કેટલાંય સ્થળો આવેલાં હોય છે જ્યાં સાવ નજીવા ખર્ચે સરસ મજાના પ્રવાસનું આયોજન કરી શકાય છે. આજે એવા જ એક સ્થળ વિશે મારે આપને વાત કરવી છે, જેની મેં તાજેતરમાં મુલાકાત લીધી હતી.

વડોદરાથી માત્ર 15 કિ.મી.ના અંતરે (એટલે કે આમ તો વડોદરામાં જ !) સિંધરોટ મુકામે આવેલ આ સ્થળનું નામ છે ‘નેચર એજ્યુકેશન પાર્ક’. મોટે ભાગે તે ‘પ્રકૃતિ ઉદ્યાન’ નામથી ઓળખાય છે. મહી નદીના કોતરોમાં વસેલું વડોદરા નજીકનું આ એક માત્ર જંગલ છે. વધતો જતો શહેરનો વ્યાપ હજુ અહીં સુધી પહોંચી નથી શક્યો. ‘નેચર પાર્ક’ અનેક એકરમાં ફેલાયેલું ગાઢ જંગલ છે. ખૂબ જ શાંત, રમણીય અને ઓછો જાણીતો આ વિસ્તાર છે. વડોદરાથી ગોત્રી તરફ થઈને સિંધરોટના વાંકાચૂંકા ભેખડોવાળા રસ્તે ફક્ત 20-25 મિનિટમાં ત્યાં પહોંચી શકાય છે. બરાબર નાના પુલને પાર કરતાં ‘નેચર એજ્યુકેશન પાર્ક’નું બોર્ડ દેખાય છે. ત્યાંથી એકાદ કિલોમીટર અંદર જંગલના રસ્તે આ સંસ્થાની ઑફિસ સુધી પહોંચી શકાય છે. આમ જોવા જઈએ તો આ ઉદ્યાન પર્યટન સ્થળ નથી. આ પાર્કનો ઉદ્દેશ પ્રકૃતિને ઓળખવાનો, તેનું જતન કરવાનો અને પ્રકૃતિના વિવિધ સ્વરૂપોને નજીકથી માણવાનો છે. પરંતુ તેમ કરતાં એ સાથે એક નાનકડા પ્રવાસનો આનંદ તો સહજ પણે મળી રહે છે.

‘નેચર પાર્ક’નો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. વિવિધ પ્રકારના પક્ષીઓને સાંભળવા માટે સવારનો સમય ઉત્તમ છે. આથી અમે સવારથી જ ત્યાં જઈ પહોંચ્યા. અહીં પ્રવેશતાની સાથે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. સાવ સામાન્ય નોંધણી ફી ચૂકવ્યા બાદ અહીં આખો દિવસ પસાર કરી શકાય છે. મુલાકાતીઓ પોતાનું ભાથું સાથે લઈને આવી શકે છે. તદુપરાંત, જો વધારે વ્યક્તિઓનો સમુહ કે સંગઠન મુલાકાત લેવા ઈચ્છતા હોય તો તેઓ માટે તંબૂમાં રાત્રિ રોકાણ, કેમ્પ ફાયર અને નાસ્તો-ભોજનની તમામ વ્યવસ્થા સામાન્ય દરથી કરી આપવામાં આવે છે. જંગલના વિસ્તારોમાં પરિભ્રમણ કરવા માટે, વન્સ્પતિ-ઔષધિઓ અને પક્ષીઓની ઓળખ માટે ‘નેચર પાર્ક’ તરફથી સાથે માર્ગદર્શક પણ આપવામાં આવે છે.

અહીં પ્રવેશ કરતાંની સાથે જાણે કોઈ શાંત ઉપવનમાં આવી પહોંચ્યા હોઈએ એવો અનુભવ થાય છે. ન તો કોઈ વાહનોની અવરજવર કે ન તો કોઈ પણ પ્રકારનો શહેરી ઘોંઘાટ ! માત્ર પક્ષીઓના કલરવ સિવાય બીજું કશું જ નહીં. ગીચ વૃક્ષોની વનરાજીમાંથી ગળાઈને આવતો સવારનો કૂણો તડકો, વૃક્ષો ફરતે માટીની ઓટલીઓ, આસપાસ દેખાતી નાની ઝૂંપડીઓ આપણા ગ્રામ્ય જીવનને તાદર્શ કરે છે. એક તરફ મુલાકાતીઓના રાત્રિ રોકાણ માટે તંબુઓ બાંધેલા છે તો બીજી તરફ નજીકમાં સંસ્થાની ઑફિસ આવેલી છે. ‘નેચર પાર્ક’ની પ્રવૃત્તિઓ, તેની સ્થાપના તેમજ તેને પ્રાપ્ત થયેલા એવોર્ડ્સ વિશેની માહિતી અહીંથી મળી શકે છે. આ વિસ્તારમાં ક્યા ક્યા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે, તેની યાદી અહીં મૂકવામાં આવી છે. ઑફિસની પાછળના ભાગમાં બાળકો માટે વૃક્ષોની ડાળીએ ઝૂલા બાંધવામાં આવ્યા છે. નાના-નાના મનોરમ્ય તળાવોની રચના કરવામાં આવી છે. બાર વર્ષથી નાના બાળકો માટે ‘છબછબિયાં’ નામનો તરણકૂંડ આવેલો છે. છેક પાછળની બાજુએ કોતરોના વિસ્તાર પાસે કાથીના ખાટલા મૂકવામાં આવ્યા છે. લીમડાંની છાયામાં, પક્ષીઓના કલબલાટ વચ્ચે આ ખાટલા પર સૂતાં હોઈએ ત્યારે પ્રકૃતિની ગોદ કોને કહેવાય તેનો અહેસાસ થાય છે. ત્યાંથી સહેજ આગળ જતાં કોતરો અને કંદરાઓનો આરંભ થાય છે. અમે સૌ એ જંગલની કુંજ કુંજ ભમવા માટે પહેલેથી સજ્જ હતાં.

સવારનું શિરામણ આરોગીને અમે તૈયાર થયાં એટલે ગાઈડ મેલસિંગ અમારી સાથે જોડાઈ ગયા. ઝાડી-ઝાંખરાવાળા સપાટ પ્રદેશને વટાવીને અમે સહેજ આગળ વધ્યાં ત્યાં દૂર નીલગાયનું એક ઝૂંડ જોવા મળ્યું. એ પછી અમારો પહેલો મુકામ ‘વૉચ ટાવર’ પાસે હતો. આશરે ત્રણેક માળ જેટલા ઊંચા ટાવર પરથી આસપાસનું દશ્ય મનોરમ્ય હતું. દૂર દૂર સુધી ફેલાયેલી વનરાજી અને પક્ષીઓના ટહુકાઓથી ભરેલા આકાશ સિવાય કશું જ નજરે ચડતું નહોતું. ત્યાંથી આગળ વધીને મેલસિંગ સાથે અમે નાની કેડીઓના રસ્તે કોતરોમાં ઊતરવાનું શરૂ કર્યું. ક્યાંક નીચે ઊતરવાનું તો ક્યાંક સીધું ચઢાણ. ક્યારેક ડાળીઓ પકડીને તો ક્યારેક બેસતાં-બેસતાં ઊતરવું પડે એવા ઢોળાવો પસાર કરીને અમે ગીચ જંગલમાં સરી રહ્યાં હતાં. સૌના શ્વાસોશ્વાસ તીવ્ર બન્યાં હતાં. મેલસિંગ અમને વિવિધ પ્રકારની વનસ્પતિઓની ઓળખ આપી રહ્યાં હતાં. અમુક વિશિષ્ટ પ્રકારના વૃક્ષો અને વન્ય ઔષધિઓ અંગે ઘણી રસપ્રદ માહિતી અમને જાણવા મળી. કેટલાક વૃક્ષનાં થડ તો જાણે ઍરકન્ડિશન લગાડ્યું હોય એવા ઠંડા હતાં ! અમુક વૃક્ષોને કાતરા લાગ્યાં હતાં. ક્યાંક જંગલી ઉંદરના તો ક્યાંક સસલાનાં દર જોવા મળતાં હતાં. આ પ્રદેશમાં શિયાળ, ઝરખ, શાહુડી સહિત અનેક પ્રકારનાં અન્ય નાના-મોટાં જીવોની વસ્તી છે. ક્યારેક મોરના ટહુકા સાંભળવા મળે છે તો ક્યારેક વાંદરાઓનું ઝૂંડ આસપાસના વિસ્તારને ગજવી મૂકે છે. વન્ય પ્રાણીઓ માટે અંદરના વિસ્તારોમાં નાના-મોટાં વહેળાં ગાળવામાં આવ્યા છે. નાની કેડીઓ પરથી પસાર થતાં એક ઊંચા ટેકરા પર અમને નર નીલગાયના ઝૂંડ જોવાં મળ્યાં. વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ અને પ્રાણીઓની આ અદ્દભુત દુનિયાને માણતાં માણતાં અમે આ રીતે એક કલાકની સફર પૂરી કરી. ત્યારબાદ ભોજન કરીને વૃક્ષોની છાંયમાં મધ્યાહ્નની નીરવ શાંતિનો અનુભવ કર્યો.

અહીં જે વન્યપક્ષીઓ જોવા મળે છે તેમાં નાનો કલકલિયો, ટિટોડી, ફૂલ સુંઘણી, દેવચકલી, સોનેરી લક્કડખોદ, મોર, ઢેલ, કંસારો, ટપકીલી નાચણ, મોટો કશ્યો, પતરંગો, ગીરનારી કાગડો, લીલી બગલી, બુલબુલ, કોયલ, કાબર, ચકલી, દૈયડ, ખેરખટ્ટો, ભોંયચકલી, કાળી કંકણસાર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાણીઓમાં નીલગાય, પાટલા ઘો, સસલાં, વિવિધ જાતિના સર્પો, શિયાળ, શાહુડી વગેરે અહીં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વૃક્ષો અને વન્સ્પતિઓ વિશે વાત કરીએ તો અહીં ખાટી આમલી, ગાંડો બાવળ, બોરસલ્લી, ચંદન, ગોરસઆમલી, શંખપુષ્પી, બોરડી, રૂખડો, આવડ, સીતાફળ, ગુગળ, ગરમાળો, કંકાસણી, કેસુડો, કંબોઈ વગેરે જાતિના વૃક્ષો અને વનસ્પતિઓ જોવા મળે છે. અહીં આ વન્ય સંપત્તિનું ખૂબ કાળજીપૂર્વક જતન કરવામાં આવે છે. તેમને કોઈ પણ રીતની ખલેલ ન પહોંચે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અહીંના ચીફ એજ્યુકેશન ઓફિસર શ્રી મુકેશભાઈ પાઠક જણાવે છે કે : ‘આ વન્ય સંપત્તિનું રક્ષણ એ જ અમારા માટે સર્વસ્વ છે. હવે ફક્ત આટલો જ વિસ્તાર બચ્યો છે. જે રીતે જંગલો કપાઈ રહ્યા છે તે જોતાં ખૂબ દુઃખ થાય છે. આ જંગલ વિસ્તરતું રહે અને વિકસતું રહે એ માટે અમારે ખૂબ મહેનત કરવી પડે છે. અમે ઈચ્છીએ છીએ કે શહેરના શિક્ષિત લોકો અહીં આવીને આ જંગલને માણે. તેઓ પોતાના બાળકોને પ્રકૃતિનો પરિચય કરાવીને જંગલોની જાળવણી માટે જાગૃત કરે. પરંતુ હંમેશા એમ નથી બનતું. ક્યારેક ફક્ત પિકનિકના દષ્ટિકોણથી તેનો દૂરઉપયોગ થાય ત્યારે અમને લોકપ્રચારથી દૂર રહેવાની ઈચ્છા થાય છે. આ આપણી સૌની અમૂલ્ય સંપત્તિ છે. નવી પેઢી જો એની કિંમત નહીં સમજે તો આ જંગલોને કોણ બચાવશે ?’

‘નેચર પાર્ક’ જેટલું વનદર્શન માટે જાણીતું છે એટલું જ એક અભ્યાસકેન્દ્ર તરીકે સુપ્રસિદ્ધ છે. મોટા ટેલિસ્કોપ દ્વારા અહીં રાત્રે આકાશદર્શન કરાવવામાં આવે છે. તારાઓની દુનિયા, એમની ભ્રમણકક્ષાઓનો પરિચય આપવામાં આવે છે. નિશાચર પ્રાણીઓના અવાજો ઓળખવા માટે તેમજ જંગલનું રાત્રિસૌંદર્ય માણવા માટે કેટલાક અભ્યાસુઓ અહીં રાતવાસો કરતાં હોય છે. જમીનને કોઈપણ જાતની દખલ કર્યા વિના, ઢોરો અને માણસોથી રક્ષણ આપીએ તો કુદરત પોતાની જાતે જ કેવું જંગલ ઊભું કરે છે તેની માહિતી અહીં આપવામાં આવે છે. આખું આ ‘પ્રકૃતિ ઉદ્યાન’ સૂર્યઊર્જા પર ચાલે છે. અહીંની લાઈટોથી લઈને રસોઈ બનાવવા સુધીના તમામ સાધનો સૂર્યઊર્જાથી સંચાલિત છે. માત્ર એટલું જ નહિ, અહીં સૂર્યપ્રકાશ પર આધારિત ઘડિયાળ પણ બનાવવામાં આવી છે. વળી, અહીં હવામાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. તેની મદદથી પવનની દિશા, હવામાં રહેલો ભેજ, વરસાદની સ્થિતિ વગેરે જેવી માહિતી મેળવવામાં આવે છે અને બાળકોને આ અંગે જ્ઞાન આપવામાં આવે છે. ઘણી શાળાઓ તેમજ પ્રકૃતિના અભ્યાસીઓ આ સ્થળની મુલાકાત લેતાં રહે છે.

‘નેચર પાર્ક’ની તમામ પ્રવૃત્તિઓ ‘ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી’ હેઠળ કાર્યરત છે. આ સોસાયટીની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. આ બિનનફાકીય હેતુથી કાર્ય કરતી સંસ્થા છે. તેનો ઉદ્દેશ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રહેલી વન્યસંપત્તિ તથા પ્રકૃતિની જાળવણી, તેનો અભ્યાસ અને વિકાસનો છે. આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીં જુદા જુદા કેમ્પ, શૈક્ષણિક કાર્યક્રમો તથા પ્રાકૃતિક શિબિરોનું આયોજન થતું રહે છે. આ ઉદ્યાન તરફથી ‘પાંદડું’ નામનું માસિક પ્રકાશિત કરવામાં આવે છે જેમાં અહીંની વિવિધ પ્રવૃત્તિઓ અને શિબિરો વિશે જાણકારી તો મળે જ છે પરંતુ તે સાથે ક્યા પક્ષીએ ઈંડા મૂક્યાં છે, ક્યા વિદેશી પક્ષીઓનું આગમન થયું છે, ક્યા પ્રાણીઓએ સ્થળાંતર કર્યું છે તથા ક્યા વૃક્ષને કેવા પ્રકારનાં ફળ લાગ્યાં છે….જેવી રસપ્રદ માહિતી પણ આપવામાં આવે છે. ‘નેચર પાર્ક’ આ રીતે લોકજાગૃતિ માટે સતત કાર્યરત રહે છે.

કુદરતને ખોળે આખો દિવસ પસાર કરીને જ્યારે અમે સમીસાંજે પરત ફરી રહ્યાં હતાં ત્યારે જાણે માથેરાન-મહાબળેશ્વરનો પ્રવાસ કર્યો હોય એટલો આનંદ સૌના મુખ પર વર્તાતો હતો. શહેરથી સાવ નજીક પરંતુ શહેરી ઘોંઘાટથી એકદમ દૂર રહીને પ્રકૃતિનો આનંદ માણતાં વન્ય જીવસૃષ્ટિ સાથે સંવાદ સાધવા માટે ‘નેચર પાર્ક’ એક આદર્શ સ્થળ છે. વડોદરા આવો ત્યારે તેની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે. ‘નેચર પાર્ક’નું સરનામું આ પ્રમાણે છે : ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી. પો.ઓ. સિંધરોટ. જિ. વડોદરા-391330. ફોન : +91 265 2972601. ત્યાંના ચીફ એજ્યુકેશન ઑફિસર શ્રીમુકેશભાઈનો આ નંબર પર સંપર્ક કરી શકાય છે : +91 9327233176. ‘નેચર પાર્ક’ વિશે વધુ માહિતી માટે આ જુઓ : http://gncsvadodara.com અથવા ઈ-મેઈલ કરો :
mukeshmpathak@yahoo.co.in
.