પુરુષ સ્ત્રી-સમોવડો થઈ શકશે ? – મોહમ્મદ માંકડ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘આવકાર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

એક અંગ્રેજી લખાણ વાંચતાં જ મને ગમી ગયું એટલે એનું ગુજરાતી રૂપાંતર કરીને અહીં ઉતાર્યું છે : ‘હમણાં જ અમે એક પુસ્તક વાંચ્યું. વાંચતાં-વાંચતાં જ અમારું હૃદય આંસુ બનીને પીગળવા લાગ્યું. વિજ્ઞાનનું પુસ્તક વાંચો ત્યારે જ તમને ખબર પડે છે કે વિજ્ઞાનના કેવા-કેવા નિયમો વચ્ચે તમે જીવી રહ્યા છો ! આખી જિંદગી જો તમે વિજ્ઞાન જાણો જ નહીં, તો ગુરુત્વાકર્ષણના મહાન નિયમનું પણ તમને ભાન થાય નહીં. એવું જ બીજી કેટલીક બાબતોનું પણ છે. અમે જે પુસ્તક વાંચ્યું એનું નામ હતું ‘સ્ત્રીની ભૂલ’. એ વાંચતાં જ અમારી આંખોનાં પડળ ખૂલવા લાગ્યાં. આદમથી લઈને આજ સુધી પુરુષના કેવા-કેવા જુલમોનો સ્ત્રી ભોગ બની છે – અને ખાસ તો પોતે પોતાની મેળે જ કેવી-કેવી ભૂલો કરીને પુરુષની ઓશિયાળી બની છે એની વાત એ પુસ્તકમાં હતી.

સ્ત્રીએ ખરેખર તો પુરુષ-સમોવડી બનવાની જરૂર હતી. અરે, પુરુષ ઉપર આધિપત્ય ભોગવવાની જરૂર હતી, એના બદલે એક પછી એક ભૂલ કરીને, પોતાની સ્વતંત્રતા અને સ્વમાન ગુમાવીને એ પુરુષોના ઘરમાં માત્ર ક્યારેક સેક્રેટરી, ક્યારેક નોકર, ક્યારેક રસોયણ, તો ક્યારેક ઘરઘાટી બની રહી હતી. પુસ્તકની લેખિકાએ સ્ત્રીસમાજને પુરુષ સામે ખુલ્લો બળવો કરવાનું એલાન આપ્યું હતું અને સાથેસાથે સારા સમભાવી પુરુષના હૃદયને ઢંઢોળીને સ્ત્રીની આવી હાલત સત્વર દૂર કરવા અપીલ કરી હતી અને એ અપીલ પુસ્તક પૂરું વાંચ્યાં પહેલાં જ અમારા હૃદયને સ્પર્શી ગઈ હતી.

એટલે પુસ્તક મૂકીને જ્યારે અમે રૂમ બહાર નીકળ્યા ત્યારે અમારી નજરે જે દશ્ય પડ્યું એ પણ હૃદયને વલોવી નાખે એવું જ હતું. શ્રીમતીજી ડોલમાં પાણી લઈને ફરસ પર પોતાં કરી રહ્યાં હતાં.
‘આ બધું હવે બંધ કરવું જોઈએ.’ અમે કહ્યું.
‘શું ?’ આશ્ચર્યથી એણે પૂછ્યું.
‘સ્ત્રીએ જાગૃત થવાની જરૂર છે. આ મહામૂલું જીવન આમ જ વેડફી નાખવાનું છે ?’
‘કેમ, શી વાત છે ?’
‘તું કોણ છે, એનો વિચાર કર. તું જાણે છે, તું કોણ છે ? તું સ્ત્રી છે, માતા છે, જનની છે !’
‘બસ, ત્યાં જ ઊભા રહેજો. તમે જો પગલાં પાડશો તો મારે ફરીથી બધે પોતું કરવું પડશે.’
‘તારે પોતું કરવાનું ? શા માટે ? કચરા, પોતાં, રસોઈ, વાસણ – તારું જીવન શું આ રીતે વેડફી નાખવા માટે છે ?’
‘મગજ તો ઠેકાણે છે ને ?’
‘આજ સુધી ઠેકાણે નહોતું. અમારો કોઈ પૂર્વજનો પૂર્વજનો પૂર્વજ એ હોવું જોઈએ એના કરતાં વધારે ઊંચે લઈ ગયો હતો. આજે હું એને એના ખરા ઠેકાણે પાછું લાવવા માગું છું.’
‘મહેરબાની કરીને પહેલાં તમારા પગ ખરા ઠેકાણે રાખો. ત્યાં ઊભા રહીને જ વાત કરો. બોલો, શું વાત છે ?’
‘વાત એટલી જ છે કે તારે હવે તારી જાતને ઓળખવી જોઈએ. તારે જાગૃત થવું જોઈએ. ઘરકૂકડી થઈને, ઘરની ચાર દીવાલો વચ્ચે પુરાઈને, તારી જિંદગી તારે વેડફી ન નાખવી જોઈએ.’

કોઈ ગાંડા સામે જોઈને હસતી હોય એમ એ હસી પડી, ‘આજે સાંજે કોઈ સભામાં ભાષણ કરવાનું છે કે શું ? આ બધી શાની પ્રૅક્ટિસ કરો છો ?’
‘તું એમ માને છે કે આ બધો મારો વ્યર્થ બબડાટ છે ? તું એમ માને છે કે….’
‘તમે ખરેખર એમ માનો છો કે મારું જીવન વેડફાઈ રહ્યું છે ?’
‘હા. અને એમ ન થવું જોઈએ. આ ગુલામીમાંથી તારે મુક્ત થવું જ જોઈએ.’
વળી એ હસી પડી, ‘મને પોતાં કરી લેવા દો. હજી મારે રસોઈ કરવાની છે. છોકરાંઓને સ્કૂલે મોકલવાનાં છે.’
‘સંસારના આ રથને આપણે બંનેએ ચલાવવો જોઈએ. તારે એકલીએ મજૂરી શા માટે કરવી જોઈએ ?’
‘વાહ ! તમે તો બહુ મોટા જ્ઞાની જેવી વાત કરો છો ! જો બહુ લાગી આવતું હોય તો, હું પોતાં કરી લઉં એટલી વારમાં મને શાક સુધારી આપો ને.’
‘કેવી વાત કરે છે ? લાગણીનો આમાં કોઈ પ્રશ્ન જ નથી. એ તારો અધિકાર છે. ઘર જેમ તારું એમ મારું પણ છે. ઘરકામ જેમ તું કરે છે એમ મારે પણ કરવું જોઈએ. ચાલ, હું શાક સમારી આપું છું. પછી બીજું શું કરું, બોલ ?’
ફરી એ હસી, ‘શાક તો સુધારી આપો, પછી જોઈએ.’
‘પછી જોઈશું એમ નહીં. ઘરકામનો બોજો અડધોઅડધ મારે જ ઉપાડવો જોઈએ, એ તારો અધિકાર છે. હું થોડા કલાક નોકરી કરું અને પૈસા કમાઈ આપું એટલે તને કાયમ માટે ગુલામ બનાવી દેવાનો મને કોઈ હક્ક નથી.’ એ કશું બોલી નહીં. બોલ્યા વિના જ લાદી ઘસવા લાગી.

હું રસોડામાં ગયો અને શાક સમારવા બેઠો. એક મનુષ્ય તરીકેના સ્ત્રીના અધિકારોનો વિચાર મારા મનમાં સતતપણે ઘોળાઈ રહ્યો હતો. મેં બટેટાની છાલ ઉતારવાનું શરૂ કર્યું, પરંતુ હજુ મારા લોહીમાંથી પુરુષના સંસ્કાર ગયા નહોતા. મારા હાથમાં છરી હતી અને મારી નસોમાં પુરુષનું લોહી ઊછળતું હતું. ફટ દઈને મેં મારા હાથમાં છરી વગાડી દીધી. મોઢામાંથી એ જ વખતે ચીસ નીકળી ગઈ.
‘વાગી ગયું ને ?’ એ દોડતી-દોડતી આવી. ‘મને હતું જ કે…….’
‘પુરુષજાતની કોઈ ચિંતા સ્ત્રીએ કરવી ન જોઈએ. એના બદલે….’ એટલું તો હું માંડ બોલી શક્યો. કશું જ સાંભળ્યા વિના એણે મને હાથ પકડીને ઊભો કરી દીધો. અને મેં ઘણી હા-ના કરી છતાં ઘા ધોઈને પરાણે એના ઉપર પાટો બાંધી દીધો. મેં એને સમજાવવા ઘણી કોશિશ કરી છતાં એ માન્યા વિના જ મને ધકેલીને એણે મને મારા રૂમમાં પૂરી દીધો. ખરેખર, પેલી લેખિકા સાચી હતી. સ્ત્રી પોતે જ પોતાના હાથે દુઃખ વહોરી લેતી હતી. લાગણીના પ્રવાહમાં ખેંચાઈને એ ભૂલ ઉપર ભૂલ કરી રહી હતી અને પુરુષને પોતાના ઉપર આધિપત્ય ભોગવવા માટેની તકો આપી રહી હતી. પણ લાચાર, મારી પત્ની મારું કશું સાંભળે તેમ નહોતી. છતાં, મારે તેને તેના સ્વમાનનું, ગૌરવનું, સમાનતાનું ભાન તો કરાવવું જોઈએ.

જમ્યા પછી મેં વાસણો માંજવાનો આગ્રહ રાખ્યો, ‘વર્ષોથી તું વાસણો માંજે છે, થોડા દિવસ એ કામ હવે હું કરીશ તો….’
‘અંગૂઠાનો ઘા પાકી પડશે.’
‘ભલે પાકી પડે ! બધાં નહીં તો મારાં પોતાનાં વાસણો તો હું જ માંજીશ.’
‘ડૉક્ટરને બોલાવું ?’
‘સાંભળ, અને બરાબર સમજી લે કે મારું મગજ તદ્દન ઠેકાણે છે. મને માત્ર સાચું જ્ઞાન થયું છે અને જેને એક વાર જ્ઞાન થાય છે એ કદી પાછો ફરીને અજ્ઞાનમાં ફસાતો નથી.’
ફરી એ જ ગૂઢ હાસ્ય એના હોઠો પર ફરકવા લાગ્યું : ‘એમ કરો, આજે રવિવાર છે, બેય છોકરાંઓ એમની માસીને ત્યાં જવાનાં છે. તમે નિરાંતે ઘરકામ કરો. હું ત્રણથી છમાં પિક્ચર જોઈ આવું.’ કોઈ જાણે મને આખીયે પુરુષજાતિનાં પાપ ધોવાની તક આપી રહ્યું હોય એમ લાગ્યું. બહુ જ આનંદથી એની વાત મેં સ્વીકારી લીધી. છોકરાંઓ એમની માસીને ત્યાં ગયાં અને અઢી વાગ્યે એ પણ ઘરેથી નીકળી ગઈ. જતાં જતાં પણ એ હસતી ગઈ.

પરંતુ મારી નિષ્ઠા સાફ હતી. ઘરમાં મેં નજર દોડાવી. પહેલાં કપડાં ધોવાનું નક્કી કર્યું. મને લાગ્યું કે મારી પત્ની પહોંચી શકતી નહોતી એટલે જેટલી સ્વચ્છતા રહેવી જોઈએ એટલી રહેતી નહોતી. લીનન બૉક્સમાંથી મેં અનેક જૂનાં કપડાં કાઢ્યાં. પલંગની ચાદરો, ટેબલ-ક્લોથ, ગાદીનાં કવર એક પછી એક પાણીમાં બોળવાનું શરૂ કર્યું. બારીના પડદા ઉતારવાની ઈચ્છા થઈ, પણ એકસાથે કદાચ પહોંચી નહીં શકાય એમ માનીને એ કામ બીજા દિવસ ઉપર છોડી દીધું. કપડાં ધોયા પછી ઘરની વધારે સાફસૂફી કરવાનું, સાંજની રસોઈની તૈયારી કરવાનું અને બીજી અનેક રીતે ઘરકામમાં મદદરૂપ થવાનું નક્કી કરી લીધું. પરંતુ કપડાં ધોવાનું કામ લંબાતું જ ગયું. જાદુગરની હૅટમાંથી સસલાં નીકળતાં હોય એમ એક પછી એક કપડાં નીકળવા જ માંડ્યાં અને એ સાથે જ મારા ઘવાયેલા અંગૂઠામાં સણકા પણ શરૂ થયા.
કામ છોડી દઉં ?
છટ્ જે કામ એક સ્ત્રી કાયમ કરે છે અને હસતાંરમતાં કરે છે તે હું પ્રયત્નપૂર્વક પણ ન કરી શકું ? – મેં અભિમાનપૂર્વક કામ ચાલુ રાખ્યું ત્યાં એકાએક એમની માસીને ત્યાં ગયેલાં બંને છોકરાંઓ આવી પહોંચ્યાં અને મને કપડાં ધોતો જોઈને હેબતાઈ ગયાં, ‘મમ્મી ક્યાં છે ?’
‘તમે કેમ માસીને ત્યાંથી આટલાં વહેલાં આવ્યાં ?’ મેં સામો પ્રશ્ન કર્યો.
‘માસીને એમની બહેનપણીને ત્યાં જવાનું હતું. અમારે નહોતું જવું એટલે અમે ઘેર આવતાં રહ્યાં. મમ્મી ક્યાં છે ?’
‘મમ્મીનું તમારે શું કામ છે ? મને કહો, જે કહેવું હોય તે.’
‘અમને ભૂખ લાગી છે.’
હું મૂંઝાઈ ગયો. માથું ખંજવાળવા લાગ્યો, ‘તમને ભૂખ લાગી છે એટલે….’
‘અમારે નાસ્તો કરવો છે. અમને કાંઈક બનાવી દો.’
કાંઈક એટલે શું ? હું ગૂંચવણમાંથી માર્ગ શોધવા પ્રયત્ન કરતો હતો ત્યાં જ ખખડાટ થયો અને ફિલ્મ જોવા ગયેલી પત્ની પાછી આવી.
‘મમ્મી આવી ! મમ્મી આવી !’ છોકરાંઓ કૂદવા લાગ્યાં.
‘કેમ તું ?’ હું આશ્ચર્યથી પત્ની સામે જોઈ રહ્યો.
‘હું તો બાજુમાં હંસાબહેનના ઘરે બેઠી હતી. એમણે છોકરાંઓનો અવાજ સાંભળ્યો એટલે મને કહ્યું’ અને એકાએક અટકીને બોલી, ‘બાપ રે ! એક મહિનાનાં કપડાં એકસાથે પલાળી દીધાં છે ?!’
‘મમ્મી, નાસ્તો કરવો છે !’
‘તમારા પપ્પાને કહો !’ એ હસીને બોલી.
‘પપ્પાને ?’ થોડા આશ્ચર્ય અને થોડા તુચ્છકારથી છોકરાંઓ બોલ્યાં, ‘પપ્પા શું કરી શકવાના હતા ?’
‘આહા ! આટલી વારમાં તમે ઘરની શું હાલત કરી મૂકી છે ! લીનન-બૉક્સ રસ્તામાં, ગાદલાં ઉઘાડાં, ગાદીઓ ઉપર-નીચે…. તમે ધાર્યું છે શું ?’

હારેલા યોદ્ધા જેવો હું બાથરૂમમાંથી બહાર નીકળ્યો.
‘ચાલો, હું તમને નાસ્તો આપું. દૂધીનો હલવો આપું. પૌંઆ તળી આપું.’ છોકરાંઓ સામે જોઈને એ બોલી; પણ રસોડામાં પગ મૂકતાં જ ફરી જાણે ચીસ પાડી ઊઠી, ‘આ શું ? વાસણનું પ્રદર્શન ગોઠવ્યું છે ? તમે પણ… આ બધું શું માંડ્યું છે ?’ કશું જ બોલ્યા વિના હું મારા રૂમમાં ઘૂસી ગયો. સાંજ સુધી એ કાંઈક ને કાંઈક બોલતી રહી અને એની રીતે બધું ઠીકઠાક કરતી રહી. મોડી સાંજે એ મારા રૂમમાં આવી ત્યારે દુખતા અંગૂઠાથી પેન પકડીને હું લખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
‘શું કરો છો ?’ પ્રૉબ્લેમ ચાઈલ્ડ સામે જોતી હોય એ રીતે મારા સામે તાકીને એ બોલી.
‘એક પુસ્તક લખવાનો વિચાર કરી રહ્યો છું.’
એ નજીક આવી. મેં કાગળ ઉપર હજી માત્ર પુસ્તકનું નામ લખ્યું હતું : ‘પુરુષની ભૂલ’ ક્યારેય ન સમજી શકાય એવું ગૂઢ હાસ્ય એના હોઠ પર ફરક્યું. એમાં થોડી ટકોર, થોડી સંમતિ જાણે કહેતી હતી : લખો. એ કામ તમે કરી શકશો. બીજું કશું તમારાથી નહીં થાય… હસીને એ ચાલી ગઈ. વાત વિચારવા જેવી છે. પુરુષ જે કામ કરે છે એ કામ સ્ત્રી કરી શકે છે, આસાનીથી કરી શકે છે, પરંતુ સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ કરી શકતો નથી. એ સ્ત્રી ભારતની હોય કે યુરોપ-અમેરિકાની. સ્ત્રી તો ક્યારનીય પુરુષ-સમોવડી બની ગઈ છે, પણ પુરુષને સ્ત્રી-સમોવડો બનતાં વર્ષો નીકળી જશે.’

ઉપરનું લખાણ રમૂજી છે, પરંતુ તેમાં ગંભીરતા રહેલી છે. વાત માત્ર ઘરકામની નથી. વાત સ્ત્રીની ધીરજ, પ્રેમ અને માતૃત્વની છે અને ભારતીય નારીમાં એ ગુણો બહુ ઉત્કટતાથી પ્રગટ થાય છે.

[કુલ પાન : 154. (પાકું પૂઠું). કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિનોદકથા – વિનોદ ભટ્ટ
પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે – મૃગેશ શાહ Next »   

28 પ્રતિભાવો : પુરુષ સ્ત્રી-સમોવડો થઈ શકશે ? – મોહમ્મદ માંકડ

 1. bina p warier says:

  Mrugesh Bhai,
  no i dont agreed !

 2. Tamanna says:

  ઃ)

  exacly..atle j science ma avu proove thayu 6e k female male thi utkranti ma pan 5 years aagad 6e…

 3. ખરેખર તો વાત સ્ત્રી પુરુષ સમોવડી થાય કે પુરુષ સ્ત્રી સમોવડો થાય તેની નથી…પણ સાથે જીવતી બે વ્યક્તિ સાથે ચાલે અને સાચો વિકાસ સાધી શકે તેમ હોવી જોઇએ.

  આ કામ તો પુરુષ જ કરી શકે ને પેલું કામ તો સ્ત્રી નું જ છે.. એવા ભાગલા પાડી દેવાથી શું ફાયદો. ઘરનું કામ કરવું એ નાનમ અનુભવવા જેવું નથી…પણ એ ક્ર્યા પછી જ્યારે એમ કહેવામાં આવે કે એમાં શું…એતો તારું કામ છે ને તેં કર્યું….એ બરાબર નથી….

  એકબીજાના કામ ની કદર કરવાથી કામ કરવાનો ઉત્સાહ વધે જ. સ્ત્રીને પુરુષ બન્ને માણસ છે…જો થાક પુરુષને લાગે તો સ્ત્રી ને પણ લાગતો જ હોય છે.. હજૂ એ સમજણ બધામાં આવી નથી……આવશે એ દિવસે “સમોવડા” બનવાની દોડનો અંત આવશે.

  • trupti says:

   હિરલબહેન્,

   તમારી કમેન્ટ બહુજ સરસ છે.

   એવુ કયા શાસ્ત્ર મા લખ્યુ છે કે અમુક કામ ફ્ક્ત સ્ત્રી કરે અને અમુક પુરુષ. સ્ત્રી અને પુરુષ એક બિજા ના પૂરક છે અને સંસારી રથ ના બે પૈડા છે, અને પૈડાઓ એ સાથે જ ચાલવુ રહ્યુ. જો એક આગળ ને એક પાછળ ચાલશે તો ગાડિ કેવિ રિતે ચાલી શકે? પણ આપણો ભારતિય અને ખાસ કરી ને ગુજરાતી સમાજ હજી પણ જુના જમાના મા જીવે છે, આ બદલવાની જરુર છે. હજી આજની તારિખે પણ ગુજરાતી ઘરો મા પુરુષો નુ કામ કરવુ નાનમ જેવુ ગણાય છે અને તેના મુળ મા છે સંસ્કાર, નાનપણ થી તેમને શિખડાવવા મા અવે છે કે ઘર ના કામ તો સ્ત્રી ને જ શોભે અને તેને પુરુષો એ હાથ ન લગાડવાનો હોય. જ્યાં સુધી આવા વિચારો મા બદલાવ નહીં આવે ત્યાં સુધી સ્ત્રી ની પરિસ્થિતી મા બદલાવ નહીં આવે. આપણે વેસ્ટન કંટ્રી ની આંધળી કોપી કરીએ છિએ પણ તેમની સારિ બાબતો અપનાવતા નથી. અમેરિકા અને બીજા વેસ્ટન કટ્રી ઓ મા પુરુષો કદમ પર કદમ મિલાવિ ને સ્ત્રી ઓ નિ જોડે ચાલે છે અને ઘરના કોઈ પણ કામ કરવા મા તેમને નાનપ નથી લાગતી. જમાનો બદલાયો સાથે સ્ત્રી ઓ બદલાઈ તેમનો પહેરવેસ બદલાયો વિચારો બદલાયા, તેમને શિક્ષણ લેવાનુ ચાલુ કર્યુ અને ઘરની ચાર દિવાલ ની બહાર નિકળી પુરુષો જોડે ખભેખભા મિલાવી ને દરેક ક્ષેત્રે પોતાનુ નામ કર્યુ અને કદાચ પુરોષો કરતા એક કદમ વધુ આગળ પણ વધી ગઈ પણ તેમને માથે આ પરિવર્તન ને લિધે બેવડિ નહીં ત્રણ ગણી જવાબદારી આવી ગઈ. બહાર ના કામની સાથે ઘરના કામની જવાબદારી તો તેટલીજ રહી અને સાથે છોકરા ઉછેરવાની જવાબદારી તો ખરિજ કારણ હવે વધુ ને વધુ કુટુંબો જોઈન્ટ માથી ન્યુકલિયર ફેમિલી તરફ વધ્યા છે માટે બાળકો ને સંભાળવાની જવાબદારી પણ સ્ત્રી એજ ઊઠાવવી પડે.
   આ એવો ટોપિક છે કે જેની પર પાના ના પાના ભરિ ને કહી શકાય પણ આટલેથી જ અટક્વાનુ મુનાશિબ રહેશે.

  • Namrata says:

   હિરલ બહેન બહુ જ સરસ કમેન્ટ છે. બહુ જ સુંદર અને સચોટ લખ્યુ છે.

  • Ashish Dave, Sunnyvale, California says:

   Hiralbahen,

   Thanks for sharing…

   Ashish Dave

 4. જગત દવે says:

  સ્ત્રી અને પુરુષની સરખામણી જ ન કરી શકાય. બંનેની શારીરીક અને માનસિક રચના અલગ છે. બંને તેમની જગ્યા એ મહાન છે. ત્યાં સુધી કે…… પુરુષની રચના પણ સ્ત્રીને આધિન છે કેમ કે તે જ “જનની” છે. બધી જ મહાન હસ્તીઓ છેવટે તો માં નાં ખોળામાં થી જ પા પા પગલી શિખી ને આગળ વધતી હોય છે.

  માટે સમોવડીયા થવાની વાતો ઘણીવાર હાસ્યાસ્પદ અને સ્ત્રી જાતિનાં અપમાન જેવી લાગે છે.

  એક આડવાત…..શક્તિ અને સમૃધ્ધિનાં પર્યાય એવા મોટા ભાગનાં શબ્દો સ્ત્રી-લિંગ છે. જેમ જે……શક્તિ….તાકાત…. મજબુતી….સત્તા……રિધ્ધિ…..સિધ્ધી…..લક્ષ્મી…..વિગેરે

  • Jagruti Vaghela says:

   શ્રી જગતભાઈ
   આપની આડવાત ઉપરથી એક રમૂજ સૂજી. થોડા પર્યાય જેવા કે…..લોભ, મોહ, ક્રોધ, ક્ષોભ……વિગેરે પુ-ર્લિંગ છે.

   • જગત દવે says:

    જાગૃતિબેન,

    એમ તો સાવ એવુંય નથી હોં……. 🙂 થોડા સ્ત્રીલિંગ શબ્દો મારા તરફથી…..

    લાલચ…..ઈર્ષ્યા…..માયા…..તુમાખી…..લાંચ….વિ.

 5. priyanka pathak says:

  nice one, i really liked it, and i appreciate the pain the author has taken atleast to accept the reality. i would not say that it is the mistake of a women to accept all the situaions and behaving in such manner, i would say it is a cultural effect plus the feeling and emotions she have for her husband, brother, father and so on. and it is not even a mistake of a male not to understand her situation becoz it is again the cultural treatment he has received .

 6. મને આ વિશય વાચઆ નિ મજ આ આવિ ગઇ

 7. Pinky says:

  Tottaly agree with Hiralben & Jagatbhai. Only woman can help herself by not feeling inferior to anyone else.

 8. ખૂબ જ સરસ અને સત્ય વાત – હું, અતુલ અને આસ્થા વાંચતા વાંચતા હસીને લોટ-પોટ થઈ ગયા. ક્યારેક અમારી સાથે પણ આવું જ બને છે અને આવી રમૂજ અને “અકળામણ” પણ થાય છે.

  કવિતા

 9. Dipti Trivedi says:

  ‘મને પોતાં કરી લેવા દો. હજી મારે રસોઈ કરવાની છે. છોકરાંઓને સ્કૂલે મોકલવાનાં છે.’

  ‘એમ કરો, આજે રવિવાર છે, બેય છોકરાંઓ એમની માસીને ત્યાં જવાનાં છે.

 10. Jagruti Vaghela says:

  સ્ત્રી અને પુરુષ બંનેને એકબીજાના સમોવડા બનાવવા કરતા એકબીજાને માન આપીને એમને પોતપોતાના સ્થાને રહેવા દઈએ એમાજ સાર છે.

 11. Hemant Jani says:

  અમેરિકા નાં એકલા (બેકલા નહીં) પસાર કરેલા ૮ વર્ષો પછી સ-જોડે શરૂ કરેલી જીંદગીમાં
  ખરા અર્થમાં ખભેથી ખભો મિલાવીને રસોડાથી લઈને તમામ ઘરકામ સાથે સાથે કરવાની
  મજા માણી રહ્યો છું… ખુબ મજા આવે છે, અને એમાંય જયારે પત્નીનું એપ્રિસિએશ મળે
  ત્યારે ખરેખર કશુંક મહાન કાર્ય કરી નાખ્યું હોય તેવું અનુભવાય છે…વાર્તા નાયકની મનોસ્થિતિ
  સુપેરે સમજાય છે…

 12. Ashish Dave, Sunnyvale, California says:

  ક્યારેય નહી…

  Ashish Dave

 13. Vraj Dave says:

  આમતો સરસ પણ …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.