- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

આનું નામ તે સુહૃદ ! – જયશ્રી

[સત્ય ઘટના પર આધારિત કૃતિ ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

અન્બુ અમને બધાયને ખૂબ જ વહાલો, અત્યંત પ્રિય. અને કેમ ન હોય ! જેનું નામ જ અન્બુ (તામિલ ભાષામાં અન્બુ એટલે પ્રેમ) હોય તે પ્રેમ અને આનંદની લહાણી કર્યા વગર રહી જ ન શકે ! એ બાર વર્ષનો હતો અને આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારથી અમે એને ઓળખીએ. અરે ઓળખીએ શું, એ તો અમારામાંનો એક જ થઈ ગયો હતો, જાણે અમારા આખા કૉમ્પ્લેક્સે એને દત્તક લઈ લીધો હતો ! કૉમ્પ્લેક્સમાં કોઈનો જન્મદિવસ હોય કે કોઈના ઘરમાં સારો માઠો પ્રસંગ હોય અન્બુ મદદ કરવા હાજર જ હોય ! કોઈ દિવસ મોઢું બગાડે નહીં, હંમેશાં હસતાં હસતાં કામ કરે અને બધાયને ખુશ કરી દે ! બેબી-સીટિંગમાં તો એ એક્કો ! કોઈના મા-બાપને બે-ચાર કલાક બહાર જવું હોય અથવા પિકનિક પર જવું હોય તો બચ્ચાંઓને સાચવવા માટે અન્બુને જ બોલાવે. એટલે બધા જ એના પર હેત રાખે. વાર તહેવારે સારાં સારાં કપડાં આપે, જરૂરિયાતની વસ્તુઓ આપે અને પોતાનો ગણીને ખવડાવે-પિવડાવે !

અમારા કૉમ્પ્લેક્સમાં એની એન્ટ્રી પણ નાટકીય હતી. અમારી બિલ્ડિંગમાં ભોંયતળિયે રહેતાં રેખાબહેન અમારી ગલીના નાકે બેસતી શાકવાળી પાસેથી શાક લેવા ગયાં હતાં. એની રેકડી ફૂટપાથ પર ચઢાવેલી હોય એટલે આપણે ફૂટપાથ પર ચઢીને શાકભાજી ખરીદવાનાં. ઊભા રહેવાની જગ્યા બહુ જ સાંકડી. તે દિવસે રેખાબહેન શાકભાજી ખરીદીને ફૂટપાથ પરથી ઊતરતાં હતાં અને લથડિયું ખાધું. ઠીક એ જ સમયે 12-13 વર્ષના એક છોકરાએ એમને જાણે ઝીલી લીધાં અને પડતાં બચાવ્યાં. રેખાબહેનની આંખમાં કૃતજ્ઞતાનાં આંસુ છલકી ગયાં. ‘અરે, મારા બાલગોપાલે મને ઝીલી લીધી, હું પડી ગઈ હોત તો ! મારું મોઢું છોલાઈ ગયું હોત, માથામાં વાગ્યું હોત તો ! માથે પાટાપિંડી બાંધીને ઘરમાં બેસી રહેવું પડતે. વાહ, મારા બાલગોપાળ, તેં અણીને વખતે મને ઝીલી લીધી !’

રેખાબહેન ગદગદિત થઈ ગયાં અને પેલા છોકરાને ભેટી પડ્યાં. એ છોકરો પણ હસતો હસતો એમને જોઈ રહ્યો. પછી કહ્યું : ‘લાવો અમ્મા, તમારી થેલી મને આપો. હું તમને ઘેર સુધી પહોંચાડી આવું.’ રેખાબહેને એને થેલી સોંપી અને બન્ને ઘરે આવ્યાં. જાણે બાલગોપાલને નૈવેદ્ય ધરાવતાં હોય તેમ તેઓ ઘરમાં રાખેલ પેંડા, બરફી, સેવ, ચેવડો એક મોટી રકાબીમાં લઈ આવ્યાં અને એ છોકરાની પાસે બેસીને ખાવા કહ્યું. છોકરાને ખૂબ જ સંકોચ થયો, ‘નહીં અમ્મા, હું આટલું બધું નહીં ખાઈ શકું. મેં થોડી વાર પહેલાં જ બ્રેકફાસ્ટ કર્યો છે.’
‘કંઈ નહીં, હું તને બધું પૅકેટમાં ભરી આપીશ, પણ હમણાં તારે આ પેંડો તો ખાવો જ પડશે.’ એમણે પ્રેમપૂર્વક છોકરાના મોઢામાં પેંડો મૂક્યો. પછી પૂછ્યું : ‘બેટા, તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ? ક્યા ધોરણમાં ભણે છે ?’ એમણે એકસામટા સવાલ પૂછી નાખ્યા.
‘અમ્મા, મારું નામ અન્બુ છે, મેં આઠમા ધોરણની પરીક્ષા આપી છે. તમે જેની પાસેથી શાકભાજી લીધાં તે મારી મા છે અને અમે વેંકટનગરના સરકારી આવાસમાં રહીએ છીએ.’ અન્બુએ બધાય સવાલના વ્યવસ્થિત જવાબ આપ્યા. રેખાબહેન બહુ જ ખુશ થયાં અને નાસ્તાનું પૅકેટ એને પકડાવતાં કહ્યું, ‘બેટા અન્બુ, તું અવારનવાર મારે ત્યાં આવતો રહેજે. મને તારી થોડી થોડી મદદ જોઈએ છે.’
‘જરૂર અમ્મા, હું રોજ સાંજે એક આંટો મારી જઈશ.’ કહીને અન્બુ જતો રહ્યો.

બે-ત્રણ દિવસ થઈ ગયા પણ અન્બુ આવ્યો નહિ. રેખાબહેનને ચિંતા થવા માંડી. એક દિવસ સાંજના એ શાકવાળી પાસે પહોંચી ગયાં અને પૂછ્યું : ‘કેમ ચિત્રા, તારો દીકરો મારે ત્યાં આવતો નથી ?’
‘અમ્મા, એ તો ત્રણ દિવસથી માંદો છે. સખત તાવ આવે છે. સરકારી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ટીકડીઓ આપી છે પણ હજુ તાવ ઊતરતો જ નથી.’ ચિત્રાએ સચિંત કહ્યું.
‘તું એક કામ કર, એને રિક્ષામાં બેસાડીને મારે ત્યાં લઈ આવ. હું સારા ડૉક્ટરને બતાવીને એની દવા કરાવીશ.’
‘સારું અમ્મા, હું આ રેકડી બંધ કરીને એને તમારે ત્યાં લઈ આવીશ.’

ચિત્રા મોડી સાંજે અન્બુને રિક્ષામાં બેસાડીને લઈ આવી અને ત્રણે જણા એમના ફૅમિલી ડૉક્ટર પાસે ગયાં. એમણે એને તપાસ્યો અને કહ્યું કે ગભરાવા જેવું કંઈ નથી. વાઈરલ ફીવર છે. ચાર દિવસમાં મટી જશે. એમણે કેટલીક મોંઘી ઍન્ટીબાયોટિક અને વિટામિનની ગોળીઓ લખી આપ્યાં. ચારેક દિવસમાં તો અન્બુ પાછો હરતો ફરતો થઈ ગયો. અને રોજ સાંજનાં રેખાબહેનને ત્યાં આવવા માંડ્યો. રેખાબહેન પોતે એક નિવૃત્ત શિક્ષિકા હતાં. શિક્ષણ આપવું અને બાળકોમાં સારા સંસ્કાર સીંચવા એ તો જાણે એમની રગેરગમાં હતું. તેઓ બુકસ્ટોલ પરથી સરળ અંગ્રેજીની નાની નાની વાર્તાઓની ચોપડીઓ લઈ આવ્યાં અને શરૂ થયું એમનું અંગ્રેજીનું શિક્ષણ. અન્બુને તો બહુ મજા પડી ગઈ. એ હોંશે હોંશે સાંજના તૈયાર થઈને આવતો. રેખાબહેન જે શિખવાડે તે ધ્યાનથી શીખતો અને સરસ જવાબો આપતો.

એમ કરતાં કરતાં અન્બુ દસમા ધોરણની બૉર્ડ પરીક્ષા અને પછી બારમા ધોરણની બૉર્ડની પરીક્ષામાં સારી રીતે પાસ થયો. એનું અંગ્રેજીનું જ્ઞાન સારું હોઈ બારમાની બૉર્ડની પરીક્ષામાં એને સર્વોચ્ચ ગુણ મળ્યા. હવે આગળ શું ? એને કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ઍડમિશન મળી ગયું. સીમેસ્ટર્સ પછી સીમેસ્ટર્સ પૂરાં થતાં ગયાં અને અન્બુ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો. કૉલેજનું છેલ્લું વર્ષ હતું. એક દિવસ અન્બુએ રેખાબહેનને કહ્યું :
‘અમ્મા, મારે તમારી પાસે કંઈક માંગવું છે.’
‘શું જોઈએ બેટા ?’
‘અમ્મા, તમે મને દર મહિને રૂ. 100 પૉકેટમની આપો છો તો આ મહિને રૂ. 200 આપશો ?’ અન્બુએ વિનંતિભર્યા સૂરે કહ્યું.
‘જરૂર આપીશ દીકરા, પણ તને વધારે પૈસા શા માટે જોઈએ છે ?’ રેખાબહેને કાળજી જણાવતાં પૂછ્યું.
‘અમ્મા, અમારે એક પુસ્તક ખરીદવાનું છે જેની કિંમત રૂ. 400 છે પણ કૉલેજ તરફથી અમને રૂ. 300માં આપશે. મારી બેન્ચ પર રવિ કરીને જે છોકરો બેસે છે એની પાસે ચોપડી લેવાના પૈસા નથી. ગયા વર્ષે એના બાપુજીને હાર્ટઍટેક આવ્યો અને એ અચાનક જ ગુજરી ગયા. રવિ સવારમાં છાપાં વહેંચવાનું કામ કરે છે અને જેમ તેમ કરીને કૉલેજની ફી ભરે છે. અમે ત્રણ મિત્રોએ મળીને એને માટે ચોપડી લેવાનો વિચાર કર્યો છે. દરેકે રૂ. 100નું કૉન્ટ્રીબ્યુશન કરવાનું છે.’ અન્બુએ વિસ્તારથી સમજાવ્યું.

રેખાબહેન અત્યંત ખુશ હતાં. એમને થયું આ છોકરો કેટલો પ્રેમાળ અને સહૃદયી છે કે પોતાના પૉકેટ-મની બીજાના હિતાર્થે વાપરવા તૈયાર થઈ ગયો છે. વાહ પ્રભુ, એક બાજુ તવંગરોના પુત્રો પાણીની જેમ પૈસા વેડફી નાખે છે…હોટલમાં, સિનેમામાં, નવાં કપડાં ખરીદવામાં. આ મારો સીધો સાદો છોકરો એ લોકોથી ક્યાંય ઊંચેરો છે. આનું નામ તે સુહૃદ ! એમણે અન્બુને કહ્યું : ‘બેટા, તારા પૉકેટમનીમાંથી કૉન્ટ્રીબ્યુટ કરવાની જરૂર નથી. હું બેઠી છું ને. રવિની ચોપડી ખરીદવાના રૂ. 300 હું જ આપી દઈશ એટલે મિત્રોએ પણ કંઈ જ નહીં આપવું પડે.’ સાંભળીને રવિ રાજીના રેડ થઈ ગયો અને કૃતજ્ઞતાપૂર્વક બોલ્યો : ‘થૅન્ક યુ અમ્મા, થૅન્ક યુ વેરી મચ.’