સંયુક્ત કુટુંબના ‘તોડી નાખે’ એવા ફાયદા ! – ડૉ. નલિની ગણાત્રા

[વિવિધ જાણીતા સાહિત્યકારોની કલમે લખાયેલા સંયુક્ત પરિવારની ભાવનાને પ્રેરણા આપે એવા સુંદર લેખોનું તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું નામ છે ‘સુખનું સરનામું.’ આ પુસ્તકનું સંપાદન શ્રી રોહિતભાઈ શાહે કર્યું છે. પુસ્તકના તમામ લેખો મનનીય છે અને પુસ્તક શુભપ્રસંગે ભેટ આપવા લાયક બન્યું છે. પરંતુ હાલમાં આ પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી. તેમ છતાં, સંપર્ક માટેની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. આજે આ પુસ્તકમાંથી એક લેખ માણીએ. લેખિકા ડૉ. નલિનીબેનનો (અમદાવાદ) આપ આ નંબર પર +91 9428351120 સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

આજે જ્યાં પતિ-પત્ની (વન પ્લસ વન) સાથે નથી રહી શકતાં; અરે, લગ્નના છ મહિના માંડ થાય ત્યાં તો એમના રુદિયામાં છૂટાછેડાની શરણાઈ ગુંજવા માંડે છે, એ માહોલમાં મારે ‘સંયુક્ત કુટુંબ’ના મહિમાનો ઢોલ વગાડવાનો છે. જોકે હું આવો ઢોલ વગાડીશ અને અધિકારથી વગાડીશ, કારણ કે મારી પાસે સંયુક્ત કુટુંબની માત્ર ગ્રેજ્યુએશનની જ નહીં, પોસ્ટગ્રેજ્યુએશનની પણ ડિગ્રી છે. મતલબ પચીસ વર્ષ સાસુ સાથે રહી છું અને આજે ‘સાસુ થઈને’ પણ સાથે રહું છું. અલબત્ત હજુ મારાં સિનિયર પણ સાથે જ છે. અમે ત્રણ પેઢી સાથે રહીએ છીએ અને તોય ત્રેખડ નથી પડી. ત્રેખડ નથી પડી એનો મતલબ એવો નથી કે કોઈ તકલીફ નથી પડી; પણ અમે ‘તૂટ્યાં’ નથી.

આ લેખ લખી રહી છું ત્યારે સીતાફળની મજાની સિઝન ચાલી રહી છે. સંયુક્ત કુટુંબમાં રહેવું એ સીતાફળ ખાવા જેવું કઠિન અને સીતાફળ જેવું સ્વાદિષ્ટ પણ છે. એમાં જેટલો માવો એટલી જ સંખ્યામાં બીજ છે. એ બીજ કાઢીને માવો ખાવાનો છે. એમાં ધીરજ જોઈએ અને અનેરી મીઠાશનો આસ્વાદ લેવાની ધગશ (ઈચ્છા) પણ જોઈએ ! આ માવા અને બીજનું બોન્ડિંગ જ શાયદ સીતાફળને સ્વાદિષ્ટ બનાવતું હશે ! બસ, એમ સંસારનો બ્રાન્ડેડ સ્વાદ ચાખવો હોય તો સંયુક્ત કુટુંબનું બોન્ડિંગ જરૂરી છે.

સંયુક્ત કુટુંબમાં રહેવું આસાન હોત તો વિભક્તનો વિકલ્પ શોધાયો જ ન હોત ! એટલે સંયુક્ત કુટુંબમાં રહેવું અઘરું જ છે અને અઘરી પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થી જ પાર ઊતરે ! બોર્ડમાં ટોપ-ટેનમાં આવવું હોય એણે તનતોડ-મનતોડ મહેનત કરવી જ પડે, પણ એ વિજયસ્મિતની તોલે અન્ય કોઈ સ્મિત આવી પણ ન શકે. બારમામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મૂવી, મૉલ અને મેકડોનાલ્ડમાં જ રાચતો રહે તો ચાલીસ ટકા જ આવીને ઊભા રહે અને ડિપ્લોમાના ફૉર્મ માટે પણ લાંબી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે ! બરાબર એમ જ જે મનમાની કરવા માગતાં હોય અને મહેનતના નામે મીંડું હોય એના માટે ડિપ્લોમા જેવા વિભક્ત કુટુંબનો જ વિકલ્પ છે. ડિપ્લોમા અને ડૉક્ટરના ચહેરા પરની ચમકમાં જે તફાવત છે એ તફાવત અનુક્રમે વિભક્ત અને સંયુક્ત કુટુંબમાં રહેતાં સભ્યોના ચહેરા પર જોવા મળે છે. કિંતુ કિંતુ કિંતુ….
‘….નથી મફતમાં મળતાં, એનાં મૂલ ચૂકવવાં પડતાં….’
રાઈટ ?!
ઉપાધિ એ મનુષ્યજીવનનું અનિવાર્ય અંગ છે. એ ‘વગર લગ્ને’ આપણી સાથે જોડાયેલી રહે છે. નાજાયજ નોટ્ટી ! ફરક એટલો છે કે જીવનના દરેક તબક્કે ઉપાધિના પ્રકાર બદલાય છે. તેથી વિભક્ત રહેતાં હોય એનેય કાંઈ આંગળીના દરેક વેઢામાં વીંટી નથી હોતી. જેમ આપણો આખ્ખો દેશ આઝાદ થયો અને આપણે સ્વતંત્ર થયાં છતાં આપણે આપણી ઈચ્છાઓ, આગ્રહો, ફરજો અને જવાબદારીઓનાં ‘સ્વતંત્ર બંધનો’થી શું મુક્ત થઈ શકીએ છીએ ? એમ સ્વતંત્રતાનો કેફ માણવા કુટુંબથી વિભક્ત થયેલાંનેય અનેક સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે. ફરક એ પડે કે ફોજ મોટી હોય તો હુમલાનો સામનો કરવાની હિંમત રહે અને હિંમત હોય તો ‘અંત’નેય પાછો ઠેલી શકાય ! એમાંય અત્યારે તો આસમાની-સુલતાની આફતો અચાનક ત્રાટકે છે, ત્યારે એકમેકની હૂંફ હશે તો હાંફ નહીં ચડે. સન 2001માં ધરતીકંપ આવ્યો ત્યારે જેમને વર્ષોથી બોલ્યેય વહેવાર નહોતો એવા ભાઈઓ ભેગા થઈને ભેટી પડ્યા’તા અને ત્યારથી સાથે જ રહે છે. આમ આફત આસમાની હોય કે સુલતાની, એમાં રાહતફાળો સ્વજનોનો જ વિશેષ મળી રહે છે.

થોડા સમય પહેલાં બનેલી એક ઘટના કહું : 85 વર્ષનાં એક માજી ગુજરી ગયાં. એમના બે મોટા દીકરા અને બે નાના દીકરા હાજર હતા. વચેટ દીકરો પરદેશ હતો. અચાનક ગુજરી ગયાં હતાં એટલે પરદેશ ગયેલો દીકરો તાબડતોડ પહોંચી શકે એમ નહોતો. એની ગેરહાજરીમાં અગ્નિસંસ્કાર પણ પતી ગયા. એટલે માનાં અંતિમ દર્શન કરવાનો લાભ પણ મળવાનો નહોતો. હવે ઈન્ડિયા આવીને શું કરવાનું ? છતાં એ દીકરો ત્રીજે દિવસે વતનમાં આવી ગયો. કારણ કે, ભલે પંચ્યાશી વર્ષની, પણ ‘મા’ હતી. એટલે એને પોતાને આ આઘાતમાં આશ્વાસનની જરૂર હતી અને એ આશ્વાસન એને એનાં ભાઈબહેનો પાસે જ મળે એમ હતું. સ્વજનો મળ્યાં અને ઉભયપક્ષે રાહતની લાગણી અનુભવી. સ્વજનોની દુઃખમાં જરૂર હોય છે એટલી જ સુખમાં પણ હોય છે. તમે કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડમૅડલ જીતો કે દસ હજારના પગારવધારા સાથે તમને પ્રમોશન મળે ત્યારે તમારી એ ખુશી વધાવનારાં સ્વજનો વધારે હોય તો એ ખુશી સેલિબ્રેશનમાં ફેરવાઈ જાય છે અને કુટુંબ બે જણનું જ હોય તો એ ગુડ ન્યુઝ બે મિનિટના બુલેટિન જેવા બનીને રહી જાય છે. પણ સંયુક્ત કુટુંબમાંય તમારાં આવાં સુખ-દુઃખમાં બધાં ભાગીદાર ક્યારે બને ? ભણતા દિયરને રાત્રે બે વાગે ઊઠીને ચા બનાવી દીધી હોય; જરૂર પડ્યે જેઠાણીને તમારી ભારે સાડી કે સોનાનો સેટ પહેરવા આપ્યો હોય; ઘરમાં આર્થિક સંકટ આવી પડ્યું હોય ત્યારે તમારા ભાઈબીજ કે રક્ષાબંધનના બચાવેલા પૈસા ગણ્યા વગર વડીલને આપી દીધા હોય અને બાપ બીમાર હોય ત્યારે ચારેય ભાઈઓ ‘પહલે મૈં…. પહલે મૈં…’ કહીને સેવા કરવા ખડે પગે રહ્યા હોય; આવું જિવાયું હોય ત્યારે પ્રેમનો વેલો પાંગરે છે ! એ તો ‘અન્ન ભેગાં એનાં મન ભેગાં….’ ટૂંકમાં ઉપાધિ તો બદ્ધાંને આવે અને ગમ્મે ત્યારે આવે, પણ સ્નેહથી સંયુક્ત હોય એની ઉપાધિ આધી થઈ જાય કે અડધી કાઢીએ થઈ જાય !

આજે સંયુક્ત કુટુંબ તૂટતાં જાય છે એનું એક કારણ એ છે કે આજની યુવાપેઢી એવા ભ્રમમાં રાચે છે કે અમે સારું ભણેલાં છીએ; બંને સારું કમાઈએ છીએ; સ્વાવલંબી છીએ; એન્ડ અવર લાઈફ ઈઝ ઈઝી ગોઈંગ. એટલે અમારે ક્યાં કોઈની જરૂર છે ? Why Should We…? પણ મહેરબાનો, સ્કૂલ-કૉલેજમાંથી મળેલું શિક્ષણ તમને ફક્ત આજીવિકા પેદા કરવા માટે કામ લાગે છે. જીવનનું શિક્ષણ તમને ‘સંયુક્ત કુટુંબ’ નામની પાઠશાળામાંથી જ મળે છે. ઍકેડેમિક સંસ્થામાં તો ત્રણ મહિને, છ મહિને કે વર્ષે કસોટી (પરીક્ષા) લેવાય, પણ જીવનમાં તો…. ‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી….’ એટલે આકરી અને અકારી, અચાનક અને અનેક કસોટીઓ આવીને ઊભી રહે ત્યારે વડીલો જ ગાઈડ કે ટ્યૂશનિયા શિક્ષકની ગરજ સારે છે !

એમાંય અત્યારે તો નાની નાની વાતમાં નિરાશ (ડિપ્રેસ) થઈ જવાની ફૅશન છે. યુવાનો સ્વાભાવિક જ થોડા ઉતાવળિયા હોય, જલદી ઉશ્કેરાઈ જાય, જલદી ટૅન્શનમાં આવી જાય ત્યારે ઘરમાં વડીલ હશે તો કહેશે…. ‘ઉપાધિ નહીં કરવાની…. શાંતિ રાખ….. સહુ સારાં વાનાં થશે…મૂઉં ના મળ્યું તો….આજે નહીં તો કાલે મળશે… આપણે ક્યાં બહાર બેઠાં છીએ… જે થાય એ સારા માટે…. જીવનમાં ચડ-ઊતર તો ચાલ્યા કરે… કશ્શો વાંધો નહીં બેટા…..!’ શું ઈતિહાસ-ભૂગોળમાં આવાં આશ્વાસન-વાક્યો ભણવામાં આવ્યાં’તાં ! આ સુવાક્યો કદાચ વાંચવામાં સાદાં લાગે, પણ ટૅન્શનમાં હો ત્યારે દાઝ્યા પર મલમનું કામ કરે છે. અને માણસનું મગજ એક વાર શાંત થઈ જાય તો પછી ઉકેલ સૂઝે. આમ વડીલોનું ઠરેલપણું ફાયરબ્રિગેડનું કામ કરે, મગજ શાંત કરે. ‘ઘરડાં ગાડાં વાળે’ એ કહેવત અમથી અમલી નથી બની. એ લોકોએ ભણવામાં બુદ્ધિ વાપરી નાખી નહોતી, એટલે એમની પાસે બુદ્ધિનો બફર સ્ટોક રહેતો અને આગવી સૂઝથી એ કોઈ પણ મુશ્કેલીને આસાન બનાવી શકતાં. જોકે સમય જતાં ઘસારાને કારણે આ જ ઘરડાં ‘ગાંડા કાઢે’ એવુંય બને ! અનુસ્વાર સ્થાનચ્યૂત થઈ જાય. (ગાડાંનું ગાંડા) પણ ત્યારે એમને ઘરડાંઘરમાં મૂકવાને બદલે તમારું તોફાની બાળક સમજીને સંભાળી લેજો. હાર્ડ ફાસ્ટ લાઈફમાં જરા અઘરું પડશે, પણ આવા શુભ કાર્ય બદલ સમાજ તમને શાબાશી આપશે અને પ્રેરણા પણ લેશે. અને ઈશ્વર તમને ઘડપણ નહીં આપે, મતલબ એવું ‘લૂઝ’ ઘડપણ નહીં આપે ! મારી આ વાણી ખોટી પડે તો મને ઘરડાંઘરમાં મૂકી આવજો બૉસ, જાવ ! મને તો ઘરડાંઘરમાં જવાનો નાનપણથી એટલે કે ઘોડિયાઘરમાં હતી ત્યારથી જ શોખ છે ! એટલે મારે તો સજા મહીં જ શોખ પૂરો થયા જેવો ઘાટ થશે.

સ્વતંત્ર રહેતાં પતિ-પત્ની બેયને પોતપોતાનાં ટૅન્શન હોય છે અને સ્વાર્થી હોય એને પોતાનાં જ ટૅન્શનો વહાલાં હોય. (સ્વાર્થી હોય તો જ સ્વતંત્ર – અલગ રહેતાં હોય ને ?!) એટલે કોણ કોને ધરપત આપે ? પછી ઝઘડા શરૂ થાય….! ‘….તને તો હવે મારી પડી જ નથી… પહેલાં તો કેવો પ્રેમ હતો કે હું પડી જતી તોય ઊભો તું થઈ જતો… હવે તો હું જાતે પડીને જાતે ઊભી થઈ જઉં તોય તારું ધ્યાન પણ હોતું નથી…. વગેરે. (જેનો અંત ન હોય ત્યાં ‘વગેરે’ વાપરવું જ પડે !) પ્રેમ ઓસરી જાય એના બીજા જ દિવસથી બંને વચ્ચે આવા ‘બ્લોગ’ ચાલુ થઈ જાય છે અને પ્રેમ ઓસરવા માટે પાંચ મહિના તો બહુ થઈ ગયા. એટલે મેં અગાઉ કહ્યું એમ છઠ્ઠા મહિનાથી જ છૂટાછેડાની તૈયારી ધામધૂમથી ચાલુ થઈ જાય છે. ટૂંકમાં સ્વાર્થી માણસનો પ્રેમ તદ્દન અલ્પજીવી હોય છે.
એક રોગ થવાનાં અનેક કારણો હોય છે એમ જ કુટુંબો વિભક્ત થવાનાં પણ અનેક કારણો છે. બે પેઢીની આગવી જીવનશૈલી, પૈસાની કટોકટી, ‘લેટ-ગો’ની પોલિસીનો અભાવ, બાપ-દીકરા વચ્ચે કે સાસુ-વહુ વચ્ચે અહમનો ટકરાવ, બાળકોના ઝઘડાનો પ્રૉબ્લેમ, નણંદનું નાગિનત્વ કે મહેમાનોની વણથંભી વણઝાર, ઘરડાંઓનો ઘોંચપરોણો, સ્વતંત્રતા પર કાપ, કચકચિયો સ્વભાવ, સહકારનો અભાવ, ‘નો કૉમ્પ્રોમાઈઝ’ની નીતિ, વગેરે…. આમ કુટુંબની સંયુક્તતાને ઊધઈની જેમ કોરી ખાતાં અનેક કારણો છે, પરંતુ ચોપાસ જોતાં અને ચિંતન કરતાં મને એવું જણાયું કે કુટુંબો વિભક્ત થવામાં મુખ્ય અને મૂળ કારણ છે પ્રેમનો અભાવ ! અને પ્રેમના અભાવનું કારણ છે, કળિયુગનો પ્રભાવ ! હવે આખા યુગનું સમારકામ તો નામાંકિત મિસ્ત્રી પણ ન જ કરી શકે ને ? પણ માણસ ધારે તો પોતાના ઘરનું નાનું-મોટું ‘મિસ્ત્રીકામ’ તો જાતે કરી જ શકે. આપણે ફક્ત એક ખૂબસૂરત જોખમ કરવાનું છે અને તે એ કે ઘરમાં બધાંએ એક-બીજાના પ્રેમમાં પડી જવાનું છે. કારણ કે અગાઉ વાત કરી તેમ સીતાફળમાં ‘ઠળિયા’ તો અનેક હોવાના જ, પણ પ્રેમ (મીઠો માવો) હોય ત્યાં દોષ કઠતા નથી. સવારે ઊઠીને બધાંને જયશ્રીકૃષ્ણ કે જય જિનેન્દ્ર કર્યા પછી બીજું વાક્ય ‘With thy all fault I love you !’ બોલવાનું રાખો તો ‘જીવનં શિવમ સુંદરમ’ થઈ જાય ! અને ‘કુટુંબ સંયુક્ત સફલમ’ થઈ જાય ! જોકે પ્રેમ અને હાસ્યની વિટંબણા એ છે કે બંને પ્રવૃત્તિ સાવ સહેલી છે. છતાં સાવ સહેલાઈથી નિષ્પન્ન થઈ શકતી નથી. અરે, હાસ્યની દુર્દશા દર્શાવવા હું લેખિકા હોવા છતાં બે ઘડી કવિ બની (દુર્દશા વહોરી)ને મેં બે પંક્તિની રચના કરી છે, તમેય આસ્વાદો :

‘હર ચહેરે પે સિર્ફ મુસ્કાન અચ્છી લગતી હૈ, પર ટિકતી નહીં,
બિલકુલ મુફ્ત કી ચીજ હૈ યારો, પર વો બિકતી નહીં !’

પ્રેમ માટે પણ આવું કહી જ શકાય ને ? સંપૂર્ણ પ્રેમ સાસુ-વહુને પણ બંધનમાં રાખે છે. એક સત્ય ઘટના જણાવું, એક સાસુમા અચાનક કોમામાં સરી પડ્યાં. તાત્કાલિક હૉસ્પિટલાઈઝ કરાયાં. એક દિવસ… બે દિવસ… સાત દિવસ થયા… કંડીશન ક્રિટીકલ થતી જતી હતી. બધાં ટૅન્શનમાં હતાં. સહુની સાથે વહુ પણ દુઃખી હતી. દુઃખી એટલે કેવી ! એનું એક જ રટણ રહેતું કે ‘બસ્સ એક વાર… મમ્મીજી એક વાર સાજાં થઈને ઘેર આવી જાય પછી હું એમને ફૂલની જેમ સાચવીશ !’ આનાથી વધુ ઉત્કૃષ્ટ ફેમિલીફોટો કયો હોઈ શકે ? મારું-તારું ભૂલી જઈએ ત્યારે નાનકડું એવું ‘આપણું વિશ્વ’ બનાવી શકાય છે. વિભક્ત રહેલી સાસુ માટે આવી ભાવના સંભવી જ ન શકે. એ તો સહવાસથી જ પ્રેમ પ્રકટ થાય ! કેટલીય દીકરીઓને સાસરીમાં એટલો પ્રેમ મળે છે કે એને પિયર જવાનીયે ઈચ્છા થતી નથી. એક દીકરીએ એની માને હિંમતથી એવું પણ કહી દીધું’તું કે તારા કરતાં તો મારાં સાસુ મને વધારે સાચવે છે ! સામે પક્ષે એવુંયે અહીં જ બને છે કે વહુ પિયર જાય તો સાસુને અહંગરાનો તાવ આવી જાય છે ! આનું નામ Joy of Loving ! હમણાં થોડા સમય પહેલાં અખબારમાં એક આખ્ખું પાનું ભરીને સાસુ-વહુની એવી જોડીઓનો પરિચય ફોટા સાથે છપાયો હતો કે જેઓ મા-દીકરી કે બહેનપણીની જેમ સાથે રહેતી’તી ! વિભક્ત રહેતી વહુઓએ એ પરિચય વધુ રસ લઈને વાંચ્યો’તો. (ફરજ-ધર્મ ન બજાવ્યો હોય એટલે છાને ખૂણે ખટકતું તો હોય જ ને ?!) એની વે, આ સિલસિલો દિન-પ્રતિદિન આગળ ધપતો રહેશે તો સમજો સતયુગ સામને હી ખડા હૈ ! મહોબ્બત રંગ લાયેગી જનાબ…. આહિસ્તા આહિસ્તા !!

સંયુક્ત કુટુંબમાં પોપલાને પાવરફૂલ બનાવવાનો પાવર પણ છે. એક છોકરી અતિશય લાડકોડમાં ઊછરેલી. જમીને એ પોતાની થાળી ઉઠાવે તોય એનો પપ્પો કહે, ‘મૂકી દે, તેં શું કામ ઉઠાવી ? તારે કશું જ કામ નહીં કરવાનું.’ બાપ, દીકરીને લાડ લડાવે પણ એના ભાગ્યને તો લાડ લડાવી ન શકે ને ? એ દીકરીને હેન્ડસમ (લાંબું પહોળું) અને પાછું સાવ દેશી સાસરું મળ્યું. અહીં તેને દિવસના દસથી બાર કલાક કામ કરવું પડતું. એટલું જ નહીં, પણ જેણે ક્યારેય મમરા પણ સાફ નહોતા કર્યા એને દર મહિને માળિયું પણ સાફ કરવું પડતું (સાસુ દેશી !) ! શરૂ શરૂમાં તો એને આ ઉદ્યોગ ઘણો એટલે ઘણો કાઠો પડ્યો. તેથી અવારનવાર પિયર ભાગી આવતી. નોબત છૂટાછેડા સુધી પણ આવી ગયેલી. પરંતુ માના સંસ્કાર અને સમજાવટથી તથા પતિના પ્રેમને કારણે ટકી રહી. આમ પૂ….રાં દસ વર્ષ ‘ગબ્બરસિંગ’ના અડ્ડામાં ગાળ્યાં. પણ એવી ટકોરાબંધ તૈયાર થઈ ગઈ કે આજે અલગ રહે છે તો બે બાળકો અને પતિ-પત્ની એમ ચાર જણની જવાબદારી સાથે ગૃહઉદ્યોગ પણ કરે છે. યે પાપડ કો પહેલવાન કિસને બનાયા ? એક સાસુને…!

સંયુક્ત કુટુંબ એ નારી માટે શક્તિની પાઠશાળા છે અને બાળકો માટે મસ્તીની પાઠશાળા છે. બાળકોને એના જેવડાં બાળકો સાથે મોજ-મસ્તી કરવા મળે તો એ ખાધા વગર પણ અલમસ્ત રહે. પણ એ તો સંયુક્ત કુટુંબ હોય તો જ સંભવ બને. અત્યારે અત્ર તત્ર સર્વત્ર બાળકોના નામની બહુ બૂમો પડી રહી છે. એક બાળકને મોટું કરવું એ મા-બાપ માટે રીતસર માથાનો દુખાવો બની ગયું છે. દરેક બાબતમાં જીદ અને તોફાન તો નોન-સ્ટોપ. એને એક એક કોળિયો ખવડાવવા માટે એની પાછળ ફરવું પડે. કપડાં પહેરાવવાની શરૂઆત કરે કે તરત એક રૂમમાંથી બીજા રૂમમાં દોડાદોડ કરી મૂકે. નહાવા-ધોવાથી માંડી સૂવડાવવા સુધીની બધી બાબતોમાં એ નર્યા ઉટપટાંગવેડા કરે. નર્સરીના એક બાળકે એની ટિચરને થપ્પ્ડ ઝીંકી દીધી. એનાં પૅરન્ટ્સને ફરિયાદ કરી તો પૅરન્ટ્સ કહે, ‘તમે ત્રણ કલાકમાં ત્રાસી જાવ છો તો આખો દિવસ અમારું શું થતું હશે ?’ આજનું બાળક વિદ્રોહી થઈ ગયું છે. જેને ઈચ્છિત વસ્તુ અને પ્રેમ ન મળે એ વિદ્રોહી જ થાય.

અત્યારે અલગ રહેતું વર્કિંગ કપલ બાળકને ક્વૉલિટી સમય અને પ્રેમ આપી શકતું નથી. બાળક સતત કંપની અને કાળજી ઝંખે છે. એ ન મળે તો ‘ચાઈલ્ડ વાઈલ્ડ’ બની જાય છે. એક રાજસ્થાની કુટુંબ છે. અમારું પરિચિત છે. બા-દાદા, ત્રણ દીકરા અને ત્રણ વહુ, ત્રણેયનાં બબ્બે બાળકો, આમ ચૌદ જણનું ફૅમિલી છે. એક વહુ સવારે છયે છોકરાંને બ્રશ અને નવડાવવાનું કામ કરે. બીજી વહુ બધાંને માથાં ઓળીને તૈયાર કરી આપે અને ત્રીજી વહુ બધાંને ચા-દૂધ-નાસ્તો તૈયાર કરી લંચબૉક્સ ભરી આપે. અહીં મજાની વાત ફક્ત એટલી જ બને કે આ બધાં કામમાં છોકરાંઓ પહેલાં હું…. પહેલાં મને…. એમ એકબીજાથી આગળ થવાની હરીફાઈનો આનંદ લેતાં લેતાં ઝટપટ અને આસાનીથી તૈયાર થઈ જાય. એમાં વળી બા-દાદા ‘બટા-બટા’ કરે એટલે બે ઘડી એમનાય ખોળા ખૂંદી આવે અને હસી-ખુશીથી સ્કૂલે જાય. આવું બચપણ માણ્યું હોય એ જ ગીત લખી શકે…. ‘યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો,… ભલે છિન લો મુજ સે મેરી જવાની, મગર મુજકો લૌટા દો, બચપન કા સાવન ….વો કાગજ કી કશ્તી વો બારિશ કા પાની….’ દાળ ભેગી ઢોકળી ચડી જાય એમ સંયુક્ત કુટુંબમાં બાળક ઊછરી જાય છે. સંયુક્ત કુટુંબમાં ઊછરેલા બાળકની પર્સનાલિટી મધ જેવી બને છે. જેમ મધમાખી પ્રત્યેક પુષ્પમાંથી રસ ચૂસી સર્વગુણસંપન્ન મધ તૈયાર કરે છે, એમ બાળક પણ બધાંની સાથે રહેતાં રહેતાં દરેકના ગુણો આત્મસાત કરતું રહે છે અને તેથી મધ જેવું મધુરું અને ગુણભૂયિષ્ઠ બને છે. જેમ આપણને મીઠાઈની વેરાઈટીસ આરોગવી ગમે છે એમ બાળકોને વિવિધ પ્રકારનો પ્રેમ આકર્ષે છે. એ પણ એને સંયુક્ત કુટુંબમાં જ સુલભ થાય છે. એનો કાકો એને ‘ધૂમ’ બાઈક પર ફરવા લઈ જાય, તો ફોઈ એને લાડ લડાવતાં ભણાવે. દાદા-દાદી વાર્તા કહી એને રસતરબોળ કરે તો એનાથી મોટા કઝિન્સ એને ગલીપચી કરીને હસાવે. તો કોઈ વળી ઘોડો બની જઈ એને ઘેર બેઠાં ઘોડેસવારી કરાવે. વળી જે કોઈ બહાર જઈને આવે એ રમકડાં અને ચૉકલેટ લેતાં આવે અને પપ્પી-બચીથી એને નવડાવતાં રહે. આવું બાળક ખીલેલું, પ્રેમાળ અને કહ્યાગરું ન થાય તો જ નવાઈ !

બીડી કે બીમારીનો મહિમા ન ગવાય. મહિમા એનો જ ગવાય જે જીવનને પુષ્ટ કરતું હોય ! એટલે જ મેં સંયુક્ત કુટુંબનો મહિમા ગાયો. મને લાગે છે કે લાફિંગ ક્લબ ખોલવી પડે અને સંયુક્ત કુટુંબનો મહિમા સમજાવવો પડે – એ કળિયુગના ભાગ્યોદયની નિશાની છે. આ બંનેનો સમન્વય સાધતાં એવી શંકા થાય છે કે કુટુંબો વિભક્ત થયાં એટલે તો હાસ્ય નહીં રિસાયું હોય ?! કારણ કે હાસ્ય અને બાળકનું બ્લડગ્રૂપ એક જ છે. એ બંને સમૂહમાં જ ખીલે છે. અત્યારે ન્યૂકલીઅર ફૅમિલી થઈ રહ્યાં છે અને એટલે જ બાળકોના ચહેરા પરથી હાસ્ય ઊડી ગયું છે. પણ ઊડતી રકાબી જેવું એમનું ઊડી જતું હાસ્ય જુએ કોણ ? કારણ કે દાદા-દાદી એની પાસે નથી અને એનાં મૉમ-ડેડ પાસે સમય નથી. બે પેઢી સાથે નથી રહેતી એનું નુકશાન ત્રીજી પેઢી વેઠી રહી છે. આ પ્લેગ્રૂપ પેઢીના જિર્ણોદ્ધાર માટે બે પેઢી, ‘….દો કદમ તુમ ભી ચલો…. દો કદમ હમ ભી ચલેં….’ની થિયરી અપનાવી લે તો કેવું ?

અને હે દાદીમા, તમારા દીકરાનો દીકરો પારકી બાઈ અને થાકેલી માઈ વચ્ચે ઊછરી રહ્યો છે. એને ગુજરાતી નથી આવડતું એટલે એ તમને અંગ્રેજીમાં કાકલૂદી કરતાં કહે છે કે, ‘દાદી પ્લીઝ Save Me.’ તમે એનું થોડું ઈંગ્લિશ સમજતાં શીખી લો અને એને વાર્તાઓ કહીને એનામાં ગુજરાતી જીવતું રાખો તો ભૂલકાં ભેગી ભાષાનીયે સેવા થશે !

છમ્મવડું : મકાનોના ભાવ અમથા નથી વધ્યા. બે બિલાડીના ઝઘડામાં બિલ્ડરો ફાવી જાય છે !

[કુલ પાન : 208. (સચિત્ર, મોટી સાઈઝ, પાકું પૂઠું.) કિંમત રૂ.— પ્રકાશક : ડૉ. જે. એમ. શાહ. પ્રેમજયંતી બંગલોઝ, 7/બી, જીવનદીપ સોસાયટી. મીરામ્બિકા સ્કૂલ રોડ, નારણપુરા. અમદાવાદ-380013. ફોન : +91 9327540956.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આનું નામ તે સુહૃદ ! – જયશ્રી
રસજ્યોત – ન્હાનાલાલ Next »   

50 પ્રતિભાવો : સંયુક્ત કુટુંબના ‘તોડી નાખે’ એવા ફાયદા ! – ડૉ. નલિની ગણાત્રા

 1. raj says:

  very nice and true also.
  I enjoyed some part of it.
  raj

 2. Jigar Bhatt says:

  મકાનોના ભાવ અમથા નથી વધ્યા. બે બિલાડીના ઝઘડામાં બિલ્ડરો ફાવી જાય છે !

  Never thought, this also could be a reason of TOO high rate of Flats…………………………

 3. કુણાલ says:

  fantastic as always … 🙂 must read for all ..

 4. trupti says:

  સરસ લેખ પણ લેખિકા બહેન ના આ વિધાન જોડે સંમત નથીઃ

  હમણાં થોડા સમય પહેલાં અખબારમાં એક આખ્ખું પાનું ભરીને સાસુ-વહુની એવી જોડીઓનો પરિચય ફોટા સાથે છપાયો હતો કે જેઓ મા-દીકરી કે બહેનપણીની જેમ સાથે રહેતી’તી ! વિભક્ત રહેતી વહુઓએ એ પરિચય વધુ રસ લઈને વાંચ્યો’તો. (ફરજ-ધર્મ ન બજાવ્યો હોય એટલે છાને ખૂણે ખટકતું તો હોય જ ને ?!)

  જુદા થવામા ફક્ત વાંક વહુઓ નો જ શામાટે? તાળી શું એક ક હાથે વાગે છે?

 5. swati says:

  ખુબ સરસ લેખ .

 6. swati says:

  ત્રુપ્તિબેન તાલિ તો બે હાથે જ વાગે પન ૧ હાથ ઉન્ચો ન થાય તો ૨ જો હાથ ધિમે ધિમે નિચે બેસિ જાય .દરેક વ્યક્તિએ સ્વભાવ બદલવો જ રહ્યો.સાસુ ના બદલે તો વહુએ બદલવો .એનો વિકલ્પ વિભક્ત કુતુમ્બ નથિ.ખરાબ લાગ્યુ હોય તો માફ કરજો.

  • trupti says:

   સ્વાતિ બહેન્,
   આભાર, ખરાબ લાગવા નો સવાલ નથી, પણ કાયમ વહુઓ એ જ શામાટે બદલવાનુ? જો બન્ને પક્ષે સરખિ બાંધછોડ હોય તો કોઈને પણ ખરાબ ના લાગે અને બેલેન્સ જળવાય રહે. બાંધછોડ અને તડજોડ કરી ને વિકસેલા કે રહેલા સંબધો મા મઝા નથી હોતિ, જેમ કાગળ ના પુષ્પો સુવાસ ન આપી શકે તેમજ, તડજોડ ને ઔપચારિક સંબધો મા પણ મઝા નથૈ હોતી.
   જીદગી નુ બીજુ નામ સમજોતો છે પણ જો તે ફક્ત એક જ વ્યક્તિએ કરવાનો હોય તો જેને તે કરવો પડે છે તેને સબંધો એક બેડી થી ઓછા ખરાબ નથી લાગ્યા. તમે જો ફક્ત લેવાનિ જ વ્રુતિ રાખો અને સામે આપવાની દાનત ન રાખો તો તમને આપનાર કોઈક વાર તો કંટાળશે જ કારણ કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ તો નથી જ અને દરેક ને દરેક સંબધોથી અપેક્ષા તો હોય છે, અપેક્ષા વગરનુ જીવન પણ નકામુ.
   The relation is like two way traffic, one who is going forward, should keep his mind open that he has to take a reverse one day, if the traffic is only one way, there will be definitely traffic jam and the result would be disaster.
   One who takes should have habit of giving also.
   તમને કદાચ મારિ વાતો ન ગમે પણ જેને ભોગવ્યુ હોય તેને જ ખબર હોય કે યાતના કોને કહેવાય બાકી ઊપદેશો આપવા ના ઘણા સહેલા છે પણ પોતાનાજ ઊપદેશો પર અમલ કરવો એટલોજ અઘરો છે.
   તમને ખરાબ લાગ્યુ હોય તો બહેન સમજી ને માફ કરી દેશો.

   • jigna says:

    i totaly agree with you.
    તમે જો ફક્ત લેવાનિ જ વ્રુતિ રાખો અને સામે આપવાની દાનત ન રાખો તો તમને આપનાર કોઈક વાર તો કંટાળશે જ કારણ કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ તો નથી જ અને દરેક ને દરેક સંબધોથી અપેક્ષા તો હોય છેજેને ભોગવ્યુ હોય તેને જ ખબર હોય કે યાતના કોને કહેવાય બાકી ઊપદેશો આપવા ના ઘણા સહેલા છે પણ પોતાનાજ ઊપદેશો પર અમલ કરવો એટલોજ અઘરો છે

   • Priyank says:

    ત્રુપ્તિબેન ,
    Once day you will be sasu as well and your vahu might be telling same about you but you will not agree.

    The real reason is that Young Generation do not have a power to tolerate. They are elders.

    It’s same case with everyone.

 7. brinda says:

  the article though written with very good intention and in a humorous way, is not fully convincing. life can not be seen in just back (here nuclear family) and white (joint family). there are many factors responsible for nuclear families –
  a. after certain education & work experience, it becomes difficult to get appropriate opportunities (and it is true for
  Ahmedabad, Vadodara and other cities),
  b. also small size of houses in cities sometimes can not accommodate 2-3 young couples with parents &
  children, so they have to separate.
  c. sometimes, because one of the spouses moves out of city for job, the other has to follow – mostly women follow their husbands though they may not like to separate from the joint family.

  these are economic reasons, there are social reasons to why joint families break. and we all see them happening around us, so i need not give examples.

  so i believe, blaming or holding young couples responsible for nuclear families, labeling them to be independent, self centered/selfish, unconcerned for the parents/ their own children is not fair. working couples do love their children, do give them quality time and all opportunities, which joint family may not be able to offer. so let’s not label one as good and the other bad.

  • trupti says:

   Brinda,

   Very true.
   In many houses, I have seen the mother-in-law gives importance to only her daughter and her children and side tracks the children of her son.

   In my office there is on Keralite-Hindu girl is working, her mother-in-law has transferred all her property including her jewellery to her only daughter and nothing is given to either her or her co-sister(jethani). She bought one house for in New Bombay and was also staying with her because her daughter was working and there was no one to take care of her children. She never took care of her son’s children (i.e. my colleague’s children) and on week ends when daughter is having a weekly off they would come to son’s house and during the week the father would come to the place where the son is staying (it nearly 20 km from their daughter’s house) to operate the banking account and withdraw the money. The house where my colleague is staying is in the name of the mother-in-law. Since my colleague also has small children, she had to shift to her mother house as husband was transferred to other city from his office and it was difficult for my colleague to manage alone. The mother-in-law decided to transfer the flat in the name of my colleague’s husband as her elder son is settled abroad and no plans to come back. She asked her this son to pay her the market price of the flat minus the 1/4 of the cost, as the 1/4 is this son’s share and balance 3/4 she divided between herself, her other son and her daughter. She gave share to her daughter from this house also, though she has been given the flat by her mother. Mother transferred her share also to the daughter. My colleague is also having two sons and her sister-in-law is also having tow sons. Both the sets of children are of equal age. Once the daughter’s children striated growing, mother-in-law shifted to her son’s house. Though the entire share is paid by my colleague’s husband the property is not transferred in his name and he is made only the nominee. The sister-in-law started coming to her mother house (my colleagues’ hose) during the week ends and vacation. Mother-in-law does everything for the son’s children and buys all kinds of fruits and other goodies for her daughter’s children but never buys for her son’s children, with whom she is now staying. My colleague is little soft by nature, hence does not open her mouth in the house, but obviously feel rejected in her house, though the house is run at the expense of her husband and the father-in-law does not contribute to the hose expenses, which he used to do when they were staying at their daughter’s house.

   Now looking at the above seen, would anybody be happy to stay in a joint family? If any in justice is done to you, you would tolerate, but any injustice to your children would be the last stroke which may break the camel’s back.

 8. dr.rajnikantpatel says:

  thought provoking

 9. vaishali says:

  સુન્દ્રર્ ક્રુતિ .

 10. Navin N Modi says:

  સંયુક્ત કુટુંબના ફાયદા સમજાવતો આ લેખ વાંચ્યા બાદ તેના પ્રતિભાવમાં થયેલ ચર્ચા વાંચી એક સૂચન કરવાનું મન થયું. દરેક પ્રથામાં ફાયદા અને ગેરફાયદા બંને હોય જ છે. આથી મારી નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો વિભક્ત કુતુંબના ફાયદા સમજાવતો એક લેખ પણ આપો. બંને લેખમાંની વિગતોની નોંધ લઈ વ્યક્તિ પોતાની પરિસ્થિતિમાં સુખ-શાંતિથી રહેવા કઈ પ્રથા વધુ ઉપયોગી અને યોગ્ય રહેશે એ નક્કી કરી શકે. પ્રથાઓ માનવીને સુખ-શાંતિથી રહેવા માટે નિર્માણ કરેલ હોય છે, માનવી પ્રથાઓ માટે નિર્માણ નથી થયો એ સત્ય ભુલાવું ન જોઈએ.

 11. angel says:

  આજના યુગમાં સંયુક્ત કુટુંબમાં રેહવું થોડૂ મુસ્કેલ બને છે કારણ કે આ યુગ માં નાનપણથી બાળક ને એકદમ બિઝી બનાવી આપવામાં આવે છે, જેમ કે, સ્કૂલ, ટૂયુશન, dance & music classes etc. એટલે કે છોકરું આખો દિવસ ઘરની બહાર રહે છે, ઘરમાં દાદા-દાદી, માં-બાપ શું/કેવી રીતે રહે છે, તે ખ્યાલ નથી આવતો અને ઘરના કરતા બહાર ના સાથે વધારે રેહવાનું થાય છે અને અભ્યાસ બાદ નૌકરી-ધંધા માટે પણ આખો દિવસ બહાર જ રેહવું પડે છે, સરકારી નૌકરી કે ઘરમાં જ ધંધો હોય તો જુદી વાત છે બાકી તો ઘર કરતા બહાર વધારે રહે છે માટે જ સગા કરતા મિત્ર વધારે વાહલા લાગે. જયારે જોઇન્ટમાં રેહવું પડે તો આકરું તો પડે જ કારણ કે કદી ઘરના રીત રીવાજ, સમસ્યાઓ નો, સામનો કર્યો હોતો નથી. આ ઉપરાંત માં-બાપ નો પણ થોડો વાંક હોય છે કારણ કે આપને બાળકોને નાનપણથી જ ઈંગ્લીશ મિડિયમમાં ભણાવી છે, friendship day, valentine day, વગેરેની મંજૂરી આપી છે અને પછી કહી કે છોકરાવ બગડી ગયા છે પણ વાંક કોનો? તમેની રીતે જ રેહવા ની પહેલા છૂટ આપે છે અને પછી ફરીયાદ કરીએ છે. આપને પેહલા વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ છૂટ આપી છે અને પછી ફરિયાદ……

  આજે પણ ઘણા જોઇન્ટ ફેમિલી છે, પણ તેમાંથી ઘણા ખુશ નથી, મનમાં ક્રોધ, ગુસ્સો હોય છે પણ સમાજમાં ખરાબ ના લાગે ઈ માટે કરવું પડે એમ કરી ને રેહતા હોઈ છે,ઘરમાં બોલવાના પણ વ્યવહાર હોતા નથી પણ સમાજમાં ખરાબ ના લાગે ઈ માટે સાથે રહે છે. થોડા દુર રહી તો આવવા-જવાના અને બોલવાના વ્યવહાર તો રહે!અને પુરુષો તો ઘરની બહાર જ હોય છે તેમેને તો ખાલી બોલવાનું જ હોય છે કે એવું તો ચાલે રાખે, પણ કોઈ વાર ઘરમાં રહી ને જોવે તો ખબર પડે. અને લેખમાં જણાવ્યા મુજબ એક કામ મોટી વહુ કરે, એક નાની વગેરે વગેરે પણ પુરુષો એ શું કરવાનું. અખો દિવસ શું સ્ત્રી એ આ બાધાનું ધ્યાન જ રાખવાનું? પોતે થાકી ગઈ હોય તો પણ પતિ કે ઘરના પુરુષો આવે ત્યારે ગરમ જમવાનું આપે અને કહે બિચારા આખો દિવસ ના થાકી ગયા હોય તો ગરમ ગરમ તો જમાડવા જ જોય ને અને ઘરના સભ્યો પણ આવી આશા રાખે, સ્ત્રી થાકી હોય ન થાકી હોય એ તો કરવાનું જ અને પોતે થાકેલી હોય તો પણ કામ કરશે & પોતાને ગરમ ગરમ જમવાનો કદી મોકો ના મળે. અને જો આ જ બધું સ્ત્રી એ કરવાનું હોય તો પછી શા માટે છોકરી ને ભણાવી જોય. આજે જમાનો બદલાય ગયો છે, સ્ત્રી પણ પોતાના સપના સાચા પડે એ માટે ઝંખે છે.

  સ્વાતીબેન
  તમે જે વાત કરી ઈ માટે કહું કે વધારે પડતું વહુ ને જ ભોગવું પડે છે. ઉદા. ઘરમાં છોકરું નાનું હોય તો માં-બાપ ને બોલતા સાંભળ્યા છે વેકેશન કરતા તો સ્કૂલ ચાલુ હોય તો સારું, આખો દિવસ તેમની પાછળ આખો દિવસ થાકી જવાય છે & થોડી વાર બહાર હોય તો ઘરનું કામ પણ થઇ જાય છે. અહી મા/સ્ત્રી ની વાત બરાબર લાગે છે, હવે એક વહુ તરીકે………ઘરમાં સાસુ-સસરાની બધી જ સેવા કરવી પડતી હોય(કોઈ મજ્બુરી થી નહિ, રાજીખુશી થી) તે થાકી જતી હોય તે અને તેના પતિ એમ કહે કે થોડી વાર બ-બાપુજી મંદિરે કે બહાર એમ જાય તો બધું કામ થઈ જાય & થોડીક શાંતિ લાગે તો અહીબધા ને ખરાબ લાગે કારણ કે વહુ તો એમ વિચારે છે કે એ લોકો બહાર હોય તો સારું.(અહી તેનો ઈરાદો જે બાળકો માટે હતો એવો જ છે)બને પ્રસંગમાં સ્ત્રી થાકી જતી હોય તે માટે ની વાત છે પણ એક વખતે તે માં છે & એક વખતે વહું છે. પણ વહુ ખરાબ……….અને દિકરો વહુ ઘેલો. કિરન બેદિ જેવિ નારિ આપનિ આદર્શ હોવિ જોય આપ્ને ત્યા ઘના હજુ ઘર મા બોલતા પન ગભરાય છે, હુ તો એવુ કહિશ કે જાગો નારિ જાગો.

 12. The article is totally one sided –It is fashion to blame on new generation –and i think it is very easy as that is now very common topic of day to day life !!!!!!!–but i think INDIA is developed by this so called બગદેલા families as if they have not migrated to other citi shall we import from outside required learnred manpower?
  since they left their houses and realtions –they also have to suffer a lot —but our ppl only sees the one way –that they should be always protected and only younger generation should work for them —

 13. angel says:

  સ્વાતિબેન,
  તાળી તો બે હાથે અને સાથે જ પડે તો જ તાળી કેહવાય. જો એક હાથ ઉંચો/નીચો ના થતો હોય તો એક હાથે પણ કામ કરતા શીખવું પડે છે, કારણ કે હાથ નીંચો કરવામાં પણ તકલીફ તો પડે જ છે તો પછી એક હાથે કામ કરવામાં શું ખોટૂ? જ્યાં સુધી એક સ્ત્રી એક સ્ત્રી ને નહિ સમજે ત્યાં સુધી આ પ્રશ્નો નો કોઈ અંત નથી. સાસુ પણ એક વાર વહુ હતી, પોતે જે ભોગવેલું તે ભૂલી ને વહુ ને તે ના ભોગવવું પડે તેવા વિચાર કરવા જોય. વહુ તો લક્ષ્મી/દીકરી કેહવાય તો પછી તેની સાથે કેમ ગામો-અણગમો રાખવામાં આવે છે. કઈ ખરાબ લાગ્યું હોય તો માફ કરજો……

 14. Krutika says:

  apart from the debate on joint family and nuclear family, one very bad comparison made is about diploma holder and a doctor. there can be many reasons why a person would go for diploma. children should be sincere and should study that is one aspect but is becoming a doctor the only good thing that a science student can do? there are many students who are not doctors and still they have the spark on their face.

  my question is only students who get 40% opt for diploma???

  As far as the comparison of joint family and nuclear family goes, the ultimate goal is to remain peacefully, happy and contented whichever way you live. There are many things in life to do rather than fighting at home for basics and for your existence.

 15. Raj says:

  ઠિસ ઇસ અ જુસ્ત અમેઝિન્ગ્

 16. Veena Dave. USA says:

  એક સંયુક્ત કુટુંબ કેવી રીતે વિભક્ત થયુ એ સત્ય ઘટના અહિ લખુ છુ.

  સાસુ, સસરા,જેઠ અને જેઠાણી સાથે રહેતા હતા દિયર દેરાણી જે બન્ને સરસ નોકરી કરતા હતા તેમને સાસુએ બદલી કરાવી સાથે બોલાવી લીધા. જેઠાણીને ૮ મહિનાનો દિકરો અને દેરાણી પ્રેગનન્ટ્. શનિ-રવિમાં બાર મહિનાના ઘઊ ચાળવા સાસુ-દેરાણી બપોરે બેઠેલા ત્યારે કામવાળો ના આવ્યો તો પોતાના ત્રણ જણના કપડા ધોઇ જેઠાણિ સુઈ ગયા.
  પછી દેરાણિને દિકરી આવિ અને રજા પુરી થતા નોકરીએ જવાનુ થયુ ત્યારે દિકરીને ઘોડીયાઘરમાં મુકાવાનુ નક્કિ થયુ. દેરાણી સવારે ૬ જણની દાળ્,ભાત્,બે શાક અને રોટલી કરીને જાય્ કપડા પલાળીને, વોશબેસીન્ , પ્લેટફોર્મ સાફ કરીને જાય્ સાજે ૭ વાગ્યાની બસમાં આવે ત્યારે બસ સ્ટેન્ડ પર દિયર પોતાની દિકરીને સરસ તૈયાર કરીને લઈને આવે. ઘરે જાય ત્યારે જેઠાણી બાબાગાડી લઈને ફરવા ગયા હોય એટ્લે નોકરી કરતા સાસુમાં દેરાણીને કહે સાંજે શુ ખાવાનુ બનાવશૉ?????!!!!!!
  સાસુની જાણ બહાર જેઠાણીએ દેરાણીને કહિ દિધેલુ કે આ બે ભાઈઓ છે આપણે બહેનો નથી એટલે આપણને નહિ ફાવે તમે જુદા રહેવા જતા રહો. છેવટે લાખો રુપિયાનો બંગલો છોડી જુદા થયા અને ૪ વરસ દિકરીને ઘોડિયા ઘરમાં રાખી. પછી કોઈ માજી દિકરી સાચવવા ઘરે રાખેલ.
  સસરાને ખુબ મોટા ઓપરેશન વખતે અને એક્સિડેન્ટ પછિ મેમરી જતી રહી ત્યારે દિયરે બાપાની જે સેવા કરી છે તે તો જોનાર જ સમજે પણ દવાખાના પાસે સારી હોટલંમાં બધા જમવા ગયા ત્યારે દેરાણીને દિયરને ઘરેથી જમાડીને મોકલજે એવો જેઠાણીએ ફોન કરેલો.
  આવા તો આ ફેમીલીના અનેક કિસ્સા છે .

 17. hiral says:

  મને આ લેખ ખૂબ ગમ્યો. એકદમ સાચી વાત ‘હાસ્ય અને બાળકનું બ્લડગ્રૂપ એક જ છે. એ બંને સમૂહમાં જ ખીલે છે’.
  ‘અન્ન ભેગાં એનાં મન ભેગાં….’

  હમણાંની જ એક વહુનો (મારી ખાસ બહેનપણીની વાત કરીશ).
  એ લોકોના લવ-મેરેજ હતા. એટલે એ ઘરમાં સાસુને દીઠી નહોતી ગમતી. જેઠાણી પહેલેથી (સાત-આઠ વરસથી) ઘર પ્રમાણે ટેવાઇ ગયેલી.
  શરુઆતમાં સાસુએ ઘણું દુઃખ દીધું. પણ નાની વહુએ બધું હસવામાં કાઢી કાઢીને જતું કર્યું. (મન હળવું કરવા રડી લે ક્યારેક . ક્યારેક અમારી સામે મનનો ઉભરો ઠાલવી દે) અને પછી મસ્ત મજા માડી! મનમાં સાસુ માટે કશું વેર-ઝેર ના રાખે.
  આજે અઢી વરસે હવે એનાં સાસુ જ ઢીલા પડી ગયા આ નાનકીની સહનશક્તિ સામે.
  પૈસે પણ ઘસાઇ અને જાતે પણ. (લગભગ એનો એકાદ વરસનો પગાર ગણી લો. જે માત્ર સાસરીનાં ઘર (રિનોવેશન), ગાડી, ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં વપરાઇ ગયો). પણ નાની વહુ એમ જ વિચારતી કે મારો કમાયેલો અનુભવ થોડો કોઇ લઇ શકવાનું છે? (આઇ જસ્ટ સેલ્યુટ હર).

  હવે પરિસ્થિતિ બદલાઇ છે. સાસુએ માફી પણ માંગી લીધી અને વહુએ જાણે કશું બન્યું જ ના હોય એમ…”ઘી ઢોળાયું તો પણ ઘરમાં જ ને”. વાત ભૂલી પણ ગઇ.
  હવે એનાંથી વાત થાય છે તો પણ ઘરમાં બધાં એનાંથી કેટલાં ખુશ છે એની જ વાત કરે છે. ઃ)

 18. Realities & Fictions like south & north pole.
  In Joint family now a days Caring sharing and feelings has been disappeaed.
  Selfishness-no tolerance-self dependancy are in charge of the joint family.
  Irevocable damage has been done to our old traditional ” Bhartiya Kutumb Vyavstha”, and thats the price we have to pay in order to achive prosperity and materialistic happiness

 19. Vaishali Maheshwari says:

  I simply loved this article. Many readers have made interesting comments on this article, on which I would prefer not commenting anything, as I agree with some of them, but not with all.

  However, as I have been born and brought up in a joint family of 18 members including (Grandma, Mom-Dad, 3 uncles-3 aunties and 9 kids in all), this article was very interesting for me. It has helped me cherish all sweet childhood memories. By God’s grace, we are able to stay happily with each other and have developed strong mutual understanding over the course of time.

  It is really a wonderful experience to stay all together. I have many friends visiting our home and they just feel so good to be at our home, as ours is a huge family, so there are so many members to welcome them and talk to them 🙂 It is a celebration for us all the time. In fact, now if we even think of being separated sometime in the future, we just cannot imagine how we will live without each other. I am the eldest of all the nine kids. I and all other kids have equal respect for all the elders. We all just pray to God to keep us all together in all good and bad times.

  Thank you so much Dr. Nalini Ganatra for this article. This article was humorous at few instances, which made it more interesting to read and it has incorporated many good sides of being in a joint family.

 20. જય પટેલ says:

  અર્વાચીન યુગમાં સંયુકત કુટુંબ અથવા વિભક્ત કુટુંબ વિષે લેખિકાના વિચારો રસપ્રદ.

  ગુજરાતી સાહિત્યમાં સંયુક્ત કુટુંબ વિષે ઘણું લખાયું છે. આજ સુધી સંયુકત કુટુંબના ગેરફાયદા જાણવામાં આવ્યા નથી.
  પરિસ્થિતી અનુસાર વ્યવસ્થા સ્વીકારવી પડે તે જરૂરિયાતનો પ્રત્યાઘાત છે. આજના યુગમાં જરૂરિયાતના પ્રત્યાઘાતમાં
  પણ પરસ્પર પ્રેમનું બાષ્પીભવન ટળે તો જ ઘરડાંઘર ટળે.

  સામાન્ય રીતે The joint family system is an enmy of the capitalism.
  The Nuclear family is the foundation of the capitalism.

  વિસર્જતા..વિખરાતાં પરિવારો એક બુનિયાદી બાબત પ્રત્યે દુર્લક્ષ સેવે છે.
  સંયુકત પરિવારમાં સામંજ્યશતા જળવાઈ રહે તે માટે વાણી પર નિયંત્રણ જરૂરી છે.

  એક ગુજરાતી કહેવત….
  જે જીભ જીતે તે જગ જીતે.

  અહીં જીભ જીતવી બે અર્થમાં કહેવાયું છે.
  ૧) જીભ જીતવી મતલબ વાણી પર નિયંત્રણ…વાણીમાં મિઠાસ હોય તો અપ્રિય શબ્દો ટળે અને
  અપ્રિય શબ્દો ટળે તો સંઘર્ષ ટળે.

  ૨) જીભ જીતવી મતલબ આહાર પર નિયંત્રણ. આહાર પર સ્વ-નિયંત્રણ હોય તો યમરાજ ટળે.

  સાસુ-વહુના સંબધોમાં જે જીભ જીતે તે જગ જીતે…. બુનિયાદી મંત્ર છે.
  આભાર.

 21. kirtida says:

  સરસ લેખ .સાથે ઉમદા પ્રતિભાવો. સુખનું સરનામું ટાઈટલ ગમ્યું.
  સ્ંયુક્ત પરિવારની મૂલવણી સરસ કરી .પરંતુ સંયુકત કુટુંબ અને વિભક્ત કુટુંબના પોતાના અલગ ફાયદા છે. કોઈ એક પ્રથાને ઉત્ત્મ છે નું લેબલ ન મારી શકાય્ બાકી નયુવાનો સમય અનુસાર કેટલા સરળ અને ચોખ્ખા મન ના છે એ દરક વ્યક્તિ એ પોતાના સંતાનો દ્વારા અનુભવ્યું હશે. કોઈ પણ પ્રથા સમય ને અનુરૂપ બદલાતી હોય છે. સારા સંસ્કારો મેળવેલા કે પામેલા લોકો ગમે તે પ્રથા માટે કાયમ યોગ્ય સાબિત થાય છે. અને એજ સાચી સમજ છે. બાકી સમાજની વિચારધારા હંમેશા એક સરખી જ ભાસે. .દરેક વ્યક્તિ સમજના ક્યા કિનારે ઉભો છે તે કામનુ છે. નહી કે કાયમ કોઈ પ્રથાને વળગી રહે.
  લેખ ગમ્યો.

 22. Manisha says:

  Dear Naliniben,

  Mazza padi tau gayi, as usual, ..pan ena karta vadhare… comments vanchavani padi,

  I agree with Ms. Kritida… SAMJAN j ek jama paasu chhe.

  Re
  Manisha

 23. H.D.RATHOD says:

  ઘનો જ સુન્દર લાગ્યો લેખ મનનિય સમાજ માતે ઉપયોગિ આભાર

 24. Moxesh Shah says:

  ડૉ. નલિનીબેન,

  ‘તોડી નાખે’ એવા અસંયુક્ત પ્રતિભાવો વાંચી ને તમે ભુલી ગયા ને કે તમે હાસ્ય લેખ લખ્યો હતો?

  મ્રુગેશભાઈ,

  પ્રતિભાવો વાંચી ને નથી લાગતુ કે એક લેખ “હાસ્ય પ્રતિભાવો” ઉપર થઈ જાય.

 25. Darshan Bhatt says:

  i am fully agreeing with this. i have been brought up in a joint family all the things are really true and i am really missing that good old days with my cousins and Grand pa and Grand ma. I hope Joint Family culture will retrun again.

 26. જગત દવે says:

  સંયુક્ત કુટુંબ એક આદર્શ વ્યવસ્થા છે અને દરેક આદર્શ વ્યવસ્થાની જેમ તેમાં પણ મુશ્કેલી એ છે કે બાકીની બધી જ પરિસ્થિતીઓ આદર્શ હોય તો જ તે વ્યવસ્થિત રીતે ચાલી શકે છે.

  બિલકુલ આપણી લોકશાહીની જેમ જ…..મોટાભાગનાં સંયુક્ત કુટુંબો આપણી સંસદની જેમ જ ચાલે છે. અને કેવું સામ્ય છે તે જુઓ……દરેક સાસુઓની જેમ જ આપણાં વડાપ્રધાન પણ ગાય છે……”વિપક્ષે (વહુ એ) વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ….” 🙂

  મે અગાઊ પણ લખ્યું હતું કે….સાથે રહીને રોજ રમખાણો કરવા કરતાં પ્રેમથી અલગ રહેવું વધારે સારું. જો કે ઘણાં જુદા થયા પછી પણ ભારત-પાકિસ્તાનની જેમ રહેતાં હોય છે. 🙂

 27. pradipsinh says:

  ખુબ સરસ લેખ 6.

 28. Rajni Gohil says:

  જે માંગવાથી નથી મળતું પણ આપવાથી મળે છે તે માન. આ સમજીને સંયુક્ત કુટુંબમાં રહે તો વાંધો ક્યાંથી આવે? અહંકાર દૂર થાય તો જ ભગવાન મળે ને! આની સૌથી સારી training સંયુક્ત કુટુંબ સિવાય બીજે ક્યાં સહેલાયથી મળે?

  પોતાની જાત અને ભગવન પરના અતુટ વિશ્વાસ અને Positive Thinking ને અમલમાં મૂકવામાં આવે તો સંયુક્ત કુટુંબ તો શુ! આખું ગામ એક કુટુંબ થઇ શકે.

  સુંદર લેખ બદલ નલિનીબેનને અભિનંદન.

 29. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ અને હિરલબેનની કોમેન્ટ પણ એટલી જ સરસ.

  સ્વાર્થવૃતિ છોડો અને સહનશક્તિ રાખો, સામેવાળાને જીતવુ અઘરું નથી. સ્વાર્થી હોય એને પોતાનાં જ ટૅન્શનો વહાલાં હોય, ક્યારેક બીજાના ટેન્શનોને પણ વ્હાલાં કરવા જોઈએ.

  પતિ ખરાબ વર્તાવ કરે તો પણ તમે થોડું ઘણુ નિભાવી લો છો ને, કારણ કે પતિ માટે ભરપૂર પ્રેમ છે. આ જ વાત સાસુ અને અન્ય સભ્યો માટે લાગુ ન પાડી શકાય.

  ખૂબ આભાર,
  નયન

 30. Ami Patel says:

  Lekh is good. Comments are supergood.

 31. Jagruti Vaghela U.S.A. says:

  સંયુક્ત કુટુમ્બની ભાવના સારી છે પણ સંયુક્ત કુટુમ્બના ફાયદા તો જ છે જો……..દરેક સભ્ય પ્રેમાળ. સમજુ, સહનશીલ, અહંકાર વગરના હોય તો.

 32. Rajan Soni says:

  If young boy/girl was not lucky enough to live in joint family, he/she should live in hostel. “Papad” will become “pehelvan” 😉
  Very nice article. loved it…!!

 33. Yamraj Pandya says:

  Nice article and very true…

  Thanks for good knowledge sharing…..

 34. Ashish Dave, Sunnyvale, California says:

  નલિનીબહેન લખે એટલે વાંચવાની તો મજા જ પડે… દરેક વ્યવસ્થાના ફાયદા અને ગેરફાયદા હોય જ છે. જતુ કરવાની ભાવના દરેકે કેળવવીજ જોઈએ તો જ દરેક વ્યવસ્થામા ટકી શકાય.

  લેખ કરતા કોમેન્ટ્સ વાચવામા વધારે સમય ગયો. દરેક કોમેન્ટ્સ પોત પોતાની જગ્યાએ યોગ્ય જ છે. હવે તો કોમેન્ટ્સ વાંચવાની પણ ટેવ પડી ગઈ છે. અમુક મિત્રોની કોમેન્ટ ન હોય તો વિચાર આવે કે તેમણે લેખ વાંચ્યો તો હશેને?

  Ashish Dave

 35. વિમલ જનાર્દન દેસાઈ says:

  બહેન્,
  લેખ નથિ આ જુના સ્મરનોનુ પ્રતિબિમ્બ ચે…..

  આન્ખો ભિનિ થયિ ગયિ….આભાર્

 36. dipak says:

  jigar bhai sachu boliya hata મકાનોના ભાવ અમથા નથી વધ્યા. બે બિલાડીના ઝઘડામાં બિલ્ડરો ફાવી જાય છે !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.