મુલ્લા નસરુદ્દીન – રમણલાલ સોની

[‘મુલ્લા નસરુદ્દીન’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામ રમણલાલ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સાચો કે જૂઠો ?

એક વાર એક રાજાને તુક્કો સૂઝ્યો કે મારે સતવાદીનું જ ગામ વસાવવું એટલે એણે હુકમ કાઢ્યો કે સાચું બોલનારાને જ ગામમાં પેસવા દેવામાં આવશે; જૂઠાબોલાને શૂળીએ ચડાવવામાં આવશે. ગામની ભાગોળે શૂળીઓ રોપાઈ ગઈ અને ચોકીદારો બેસી ગયા. સામેથી મુલ્લાં આવતા દેખાયા.
ચોકીદારોએ પૂછ્યું : ‘ક્યાં જાઓ છો ?’
મુલ્લાંએ કહ્યું : ‘શૂળીએ ચડવા જાઉં છું.’
ચોકીદારોએ કહ્યું : ‘ખોટી વાત ! તું જૂઠું બોલે છે !’
મુલ્લાંએ કહ્યું : ‘હું જૂઠું બોલતો હોઉં તો રાજાના હુકમ પ્રમાણે મને શૂળીએ ચડાવો !’
ચોકીદારો કહે : ‘તો તારું બોલવું સત્ય ઠરે ! અને સાચાને શૂળીએ ચડાવવા બદલ અમને સજા થાય !’ ચોકીદારો મૂંઝાયા. તેઓ દોડતા રાજાની પાસે ગયા. કહે : ‘મહારાજ, આને સાચો કહેવો કે ખોટો ?’ રાજા પણ આનો જવાબ દઈ શક્યો નહિ. તેણે પોતાનો હુકમ પાછો ખેંચી લીધો.

[2] શરમનો માર્યો

એક વાર મુલ્લાં નસરુદ્દીનના ઘરમાં ચોર પેઠા. ચોરને જોઈ મુલ્લાંને બીક લાગી, એટલે મુલ્લાં એક જૂની લાકડાની પેટીમાં સંતાઈ ગયા. મુલ્લાં ગરીબ હતા. એમના ઘરમાં માલમિલકત જેવું કંઈ હતું નહિ. ચોરોને ક્યાંય કશું હાથ લાગ્યું નહિ. તેમણે એક ખૂણામાં લાકડાની પેટી પડેલી જોઈ. પેટીમાંથી કંઈ મળશે એમ સમજી તેમણે પેટી ઉઘાડી, તો તેમાંથી મુલ્લાનું માથું બહાર આવ્યું !
ચોરોએ કહ્યું : ‘કોણ છે તું ?’
મુલ્લાંએ કહ્યું : ‘ઘરનો ધણી !’
‘ઘરનો ધણી ? ક્યા ઘરનો ?’ ચોરોએ પૂછ્યું.
મુલ્લાંએ કહ્યું : ‘આ ઘરનો વળી !’
ચોરોએ કહ્યું : ‘તો ઘરનો ધણી થઈને તું આ પેટીમાં શું કામ પુરાયો છે ?’
મુલ્લાંએ કહ્યું : ‘શું કામ તે શરમનો માર્યો ! મને થયું કે આપ સજ્જનો કેટલી આશાએ મારા ઘરમાં પધાર્યા, પણ મારા ઘરમાં કશું છે નહિ ! આપનો સત્કાર કેવી રીતે કરવો ? એટલે શરમનો માર્યો હું આ પેટીમાં ભરાઈ ગયો છું.’ ચોર ખસિયાણા પડી ગયા અને કંઈ પણ બોલ્યા વગર ઘર છોડી ગયા.

[3] શું સમજી ?

મુલ્લાંની પડોશમાં એક ફક્કડ ભેંશ હતી.
એનાં વાંકડિયાં શિંગડાંની વચમાં શોભતું વિશાલ ભાલ જોઈ મુલ્લાં રોજ વિચાર કરતા કે સુલતાનનું સિંહાસન તો શું છે આની આગળ ! એક વાર આ ભેંશાસન પર બિરાજવું જોઈએ. ધીરે ધીરે આ વિચારે એવું જોર પકડ્યું કે એક દિવસ ભેંશ સૂતેલી હતી ને મુલ્લાં એનાં શિંગડાં વચ્ચે પગ લટકતા રાખી એના ભોડા પર સવાર થઈ ગયા ! વાહ, સુલતાનનું સિંહાસન તો શું છે આની આગળ ! પણ ભેંશ કોનું નામ ? મુલ્લાંએ તેનો માનમરતબો કેટલો વધારી દીધો છે તેની એને કંઈ ખબર પડી નહિ. ઝપ કરતી એ બેઠી થઈ ગઈ અને શિંગડાં ઉલાળી એણે મુલ્લાંને ભોંયભેગા કરી દીધા.

ધમાધમ સાંભળી બીબી ઘરમાંથી બહાર દોડી આવી. મુલ્લાંને ભોંય ભેગા થયેલા જોઈ એ બોલી, ‘હેં, ભેંશે શિંગડું માર્યું ? તમને વાગ્યું ?’
મુલ્લાંએ કહ્યું : ‘વાગ્યું જ છે, પણ મહત્વ મને વાગ્યું એનું નથી, મારી હોંશ પૂરી થઈ એનું છે ! શું સમજી ?’

[4] આ તે બિલાડી કે પુલાવ ?

એક વાર મુલ્લાં નસરુદ્દીને બીબીને પુલાવ બનાવવાનું કહ્યું. પુલાવ ફક્કડ થયો. ખાસ્સો ત્રણ શેર. બીબીને એ ચાખી જોવાનું મન થયું. ચાખવા જતાં બીબીને પુલાવ એવો ભાવ્યો કે બધો ય પુલાવ એ એકલી ખાઈ ગઈ. મુલ્લાં જમવા આવ્યા ત્યારે પુલાવ બુલાવ કંઈ મળે નહિ. મુલ્લાં કહે :
‘પુલાવ ક્યાં ગયો ?’
બીબી કહે : ‘આપણી બિલાડી ખાઈ ગઈ ! મૂઈ ત્રણ શેરે ત્રણ શેર ખાઈ ગઈ ! જુઓ આ તાવડી ! છે ને સફાચટ !’
મુલ્લાંએ તરત બિલાડીને પકડી ત્રાજવે તોળી, બરાબર ત્રણ શેર થઈ !
મુલ્લાં કહે : ‘હેં ! આ બિલાડી છે કે પુલાવ ! જો આ બિલાડી હોય તો પુલાવ ક્યાં ગયો ? અને જો આ પુલાવ હોય તો બિલાડી ક્યાં ગઈ ?’ બીબી હવે શું બોલે ?

[5] તમારો એક પૈસો બચી ગયો !

સાત માણસો નદીકિનારે બેઠા હતા.
તેમને નદી પાર કરવી હતી, પણ નદીમાં પાણીનું તાણ ઘણું હતું, તેથી તેઓ કોઈની મદદની રાહ જોતા હતા. એવામાં મુલ્લાં નસરુદ્દીન ત્યાં આવી ચડ્યા. સાતે જણે કહ્યું :
‘તમે અમને નદી પાર કરાવી દો તો અમે સાત જણ તમને સાત પૈસા આપશું !’ મુલ્લાંએ વાત કબૂલ કરી. તેમણે એક પછી એક માણસનો હાથ પકડી તેને નદી પાર કરાવવા માંડી. એમ છ માણસો નદીના સામે કાંઠે પહોંચી ગયા. હવે મુલ્લાં સાતમા માણસને નદી પાર કરાવતા હતા. ત્યાં નદીમાં એ માણસનો પગ લપસ્યો અને નદીના વહેણમાં એ તણાઈ ગયો. કિનારા પર ઊભેલા છયે જણે બૂમ પાડી :
‘મુલ્લાં, શું થયું ?’
મુલ્લાંએ હાથ ઊંચો કરી કહ્યું : ‘તમારો એક પૈસો બચી ગયો !’

[6] ખુદાની રહેમ

વરસાદ ધોધમાર પડતો હતો.
મુલ્લાં નસરુદ્દીન ઘરમાં આરામથી બેઠા હતા. ત્યાં એમણે એક ફકીરને વરસાદથી બચવા માટે દોડતો જતો જોયો. તરત મુલ્લાંએ કહ્યું : ‘અરે સાંઈ, વરસાદ તો ખુદાની મહેરબાની કહેવાય ! ખુદાના માણસ થઈને તમે એ મહેરબાનીથી ડરીને ભાગો એ સારું ન કહેવાય ! ખુદાની રહેમ તો આનંદથી માથા પર ઝીલવી જોઈએ.’ ફકીરને પોતાની પ્રતિષ્ઠા ધૂળ થતી લાગી.
એણે કહ્યું : ‘વાત તો ખરી ! વરસાદ તો ખુદાની મહેરબાની છે, એના પર તો દુનિયા જીવે છે !’ એણે દોડવાનું બંધ કર્યું અને આખા શરીરે વરસાદથી ભીંજાતો ભીંજાતો એ ઘેર ગયો. બીજે દિવસે એને શરદી થઈ ગઈ.

થોડા દિવસ પછી ફકીર પોતાના ઘરના આંગણામાં બેઠો હતો. વરસાદ જોરથી પડતો હતો. એવામાં એણે મુલ્લાં નસરુદ્દીનને વરસાદથી બચવા દોટ કાઢીને જતા જોયા. ફકીરે બૂમ પાડી કહ્યું : ‘અરે મુલ્લાં, વરસાદ તો ખુદાની મહેરબાની કહેવાય ! ખુદાની રહેમ તો આનંદથી માથા પર ઝીલવી જોઈએ ! તમે આમ ભાગો તે સારું નહિ !’ મુલ્લાંએ કહ્યું :
‘ભાગતો નથી, પણ ખુદાની રહેમ પર મારો પગ પડે અને એ અપવિત્ર થાય એ મને ગમતું નથી, એટલે દોડું છું.’ આમ કહી મુલ્લાં ઝટ ઝટ ઘરભેગા થઈ ગયા.

[7] કબરમાં સંતાયા !

મુલ્લાં નસરુદ્દીન એક વાર ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં સાંજ પડી ગઈ ને અંધારું થવા આવ્યું. એવામાં એમણે દૂરથી કેટલાક ઘોડેસવારોને આવતા જોયા. મુલ્લાંને થયું કે દુશ્મનનું લશ્કર આવે છે ! મને પકડી જશે ને ગુલામ તરીકે વેચી દેશે ! એમને એવી બીક લાગી કે મૂઠીઓ વાળી એ નાઠા અને નજીકમાં એક કબ્રસ્તાન હતું તેમાં ઘૂસી ગયા. કબ્રસ્તાનમાં એક તાજી ખોદેલી ખાલી કબર હતી. મુલ્લાં કોકડું વળી એ કબરમાં સૂઈ ગયા. પેલા ઘોડેસવારો લશ્કરના માણસો નહોતા, માત્ર મુસાફરો હતા. એક માણસ એમને જોઈને નાઠો એથી એમને નવાઈ લાગી. તેઓ તેની પાછળ કબ્રસ્તાનમાં પેઠા. શોધતાં શોધતાં તેમણે એને કબરમાં સૂતેલો જોયો. બાપડો બીકથી ફફડતો હતો. એ જોઈ ઘોડેસવારોને તેની દયા આવી.

તેમણે કહ્યું : ‘અરે ભાઈ, તું કોણ છે ? અમને અજાણ્યા મુસાફરોને જોઈને તું નાઠો કેમ અને આ કબરમાં આવી સંતાયો કેમ ?’ મુલ્લાં હવે સમજી ગયા કે આમાં બીવા જેવું કશું નથી. એમણે ઊભા થઈ જઈ કહ્યું : ‘સવાલ પૂછવો સહેલો છે; સવાલ તો ગમે તે કોઈ પૂછી શકે. પણ કોઈ સવાલ પૂછે એટલે એનો સીધો જવાબ હોય જ એવું કંઈ નથી !’
મુસાફરો આ જવાબમાં કંઈ સમજ્યા નહિ. તેમણે ગૂંચવાઈને કહ્યું : ‘છતાં…’
મુલ્લાંએ કહ્યું : ‘છતાં તમારે તમારા સવાલનો જવાબ જોઈએ છે, એમને ? તો સાંભળો ! હું અહીં છું તેનું કારણ તમે છો, અને તમે અહીં છો એનું કારણ હું છું !’ આમ કહી મુલ્લાંએ કબરમાંથી નીકળી ઘર ભણી ચાલવા માંડ્યું.

[8] બુદ્ધિ કે ધન ?

એક વાર બાદશાહે મુલ્લાં નસરુદ્દીનને કહ્યું : ‘મુલ્લાં, ત્રાજવાના એક પલડામાં બુદ્ધિ અને બીજા પલડામાં ધન હોય તો તમે કયું પલડું માગો ?’
મુલ્લાંએ તરત કહ્યું : ‘ધનવાળું પલડું !’
બાદશાહે કહ્યું : ‘મુલ્લાં, હું તો તમને બુદ્ધિશાળી સમજતો હતો, પણ તમારા જવાબ પરથી તો તમે સાવ બુદ્ધિહીન લાગો છો.’
મુલ્લાંએ સામું પૂછ્યું : ‘સરકાર, તમારે પસંદગી કરવાની હોય તો તમે શું માગો ?’
બાદશાહે કહ્યું : ‘બુદ્ધિ વળી !’
મુલ્લાંએ કહ્યું : ‘હાસ્તો, માણસ પોતાની પાસે જેની અછત હોય તે જ માગે ને ! મેં પણ એવું જ માગ્યું છે !’

[કુલ પાન : 112. કિંમત રૂ. 45. (આવૃત્તિ : 1996 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાર્થક્ય – રવીન્દ્રનાથ ટાગોર
માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ Next »   

21 પ્રતિભાવો : મુલ્લા નસરુદ્દીન – રમણલાલ સોની

 1. ખુબ સુંદર.

  છેલ્લો પ્રસંગ સૌથી ચોટદાર.

 2. dhiraj says:

  આભાર મૃગેશભાઈ
  મજા આવી ગઈ
  મુલ્લા નસરુદ્દીન = બીરબલ = સોક્રેટીસ = તેનાલીરામન

 3. Rupal says:

  વાહ વાહ ………………..ખુબ સરસ .Amazing and mind bloying………………

 4. બાળસાહિત્ય હોવા છતાં આઠેય પ્રસંગો બુદ્ધિશાળી માણસને આનંદ આપનારા-બુદ્ધિને કસરત કરાવનારા છે.
  બીજો પ્રસંગ: શરમનો માર્યો: આજના ચોર તો ઘરમાંથી કંઈ ન મળે કે ડોકમાં પહેરેલો ચેઈન ખોટો નીકળે તો લાગ જોઈને માર મારે છે.

 5. Rachana says:

  પહેલે થી જ મુલ્લાનસરુદીન અને બીરબલ વાંચવાનો શોખ….ખુબ જ સરસ

 6. Deval Nakshiwala says:

  મુલ્લા નસરુદ્દીનના પરાક્રમો વાંચવાની ખુબ મજા આવી.

  ભેંસના માથા પર બેસવાની ઈચ્છા અને ફકીરને વરસાદ વિશે આપેલો જવાબ તો જોરદાર છે.

 7. Parul says:

  મજા આવી

 8. Payalsoni says:

  ખુબ જ સુન્દર પ્રસંગો છે. ઘણા લામ્બા સમય પછિ મુલ્લા ના પ્રસન્ગો વચવા મલ્યા.

  ૮ મો પ્રસંગ ખુબ જ સરસ છે.

 9. nayan panchal says:

  સરસ મજાનો લેખ. મુલ્લાની રમૂજવૃતિ બહુ જ સરસ છે.

  ખૂબ આભાર,
  નયન

 10. Vaishali Maheshwari says:

  All nice incidences. Enjoyed reading. I liked the 6th and the 8th incidences the most. Thank you for sharing.

 11. Jagruti Vaghela U.S.A. says:

  મજાના પ્રસંગો. ૧,૭,૮ વધુ ગમ્યા.

 12. aniket telang says:

  સરસ મજાનો લેખ. ૮ વધુ ગમ્યો

  ખૂબ આભાર,
  અનિકેત

 13. છેલ્લો અને ૩ નંબરનો પ્રસંગ ગુબ ગમ્યો….
  સરસ…

 14. yagnesh trivedi says:

  મને વાન્ચવાની ખુબ જ મજા આવી. આવી સરસ વાર્તા તો દરરોજ સાઁભળવી ગમે.

 15. Vipul Chauhan says:

  હાજરજવાબી તો મુલ્લા જ. બાળકોને આવી વાતો સંભળાવવી જોઈએ.

 16. naresh says:

  last once is superb………

 17. Ashish Dave, Sunnyvale, California says:

  ઓશોના મુલ્લા યાદ આવી ગયા…

  Ashish Dave

 18. Rishi says:

  માત્ર બાળકો નહિ પણ બધા ને ગમે તેવા પ્રસન્ગો છે.

 19. Om parmar says:

  આ બધી જ વાર્તા મને ખુબ ગમી. વાર્તા વાંચવાની ખુબ મજા આવી.

 20. harubhai Karia says:


  ત ઇસ વેર્ય વેર્ય ગોૂદ બહુજ સરસ ચ્હે. હરુભૈ ૨૦થ જન ૨૦૧૧,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.