માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ

[બાળકેળવણી વિષયક લેખો આપનારાં ડૉ. ઊર્મિલાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘માબાપ સાથે ગોષ્ઠી’માંથી કેટલાક લેખો અહીં સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ટી.વી. જોયા વિના તો કેમ ચાલે ?

‘અરે શ્રીરાજ ! તું કેમ રોજ મોડો આવે છે ? પ્રાર્થનામાં તો તું એક પણ દિવસ હાજર રહેતો નથી. બધાં જ છોકરાંઓ પ્રાર્થનામાં હાજર રહે છે અને તું હાજર ન રહે તે કેમ ચાલે ? સ્કૂલમાં સમયસર આવવું તો જોઈએ ને !’
‘પણ બેન, હું તૈયાર કેવી રીતે થઉં ?’
‘કેમ વળી ? બધાં તૈયાર થાય એમ તારે પણ તૈયાર થવાનું હોય.’
‘પણ બેન…. હું તો ઊઠું છું જ દસ વાગે, અગિયાર વાગે સ્કૂલમાં કેવી રીતે આવી શકું ?’
‘શું કીધું ? શ્રીરાજ ! તું રોજ દસ વાગે ઊઠે છે ? બાપ રે ! એટલા મોડે સુધી ઊંઘ કેવી રીતે આવે ! તારી મમ્મી કે પપ્પા તને વહેલાં ઉઠાડતાં નથી ?’
‘પણ બેન ! મમ્મી પપ્પા પણ એવી જ રીતે ઊઠે છે. મને કોણ જગાડે ?’
‘સાવ ગાંડો છે તું. મમ્મી-પપ્પા તો વળી દસ વાગે ઊઠતાં હશે ? એમને કામ ન કરવાનું હોય ! મમ્મી દસ વાગે ઊઠે તો ઘર કેવી રીતે ચાલે ? પપ્પા નોકરી પર કેવી રીતે જાય ? એટલી બધી ઊંઘ કેવી રીતે આવે ?’
‘પણ બેન ! અમે બધાં જ બહુ મોડાં સૂઈ જઈએ છીએ.’
‘મોડાં ? શાને માટે ? મોડે સુધી શું કરો ?’
‘બેન ! મારી મમ્મી તો ટી.વી. પર સીરિયલો પૂરી ન થાય ત્યાં સુધી સૂઈ જતી જ નથી. પછી હું શું કામ સૂઈ જાઉં ? મનેય ટી.વી. જોવું બહુ ગમે છે.’

અને શ્રીરામની વાત સાંભળી મને એક ઘેરો આંચકો લાગ્યો. ટીવીએ સૌ કોઈને ખૂબ વ્યસની બનાવી દીધાં છે એ હું જાણું છું. અરે ! એક બેન તો કહે મને ટીવી વિના તો ઘડી પણ ન ચાલે. અરે ! પેલા સાત વર્ષના અનન્યને ચશ્માં આવ્યાં. રોજ માથું દુઃખે…. સાત વર્ષના છોકરાને તે વળી આવી મુશ્કેલી હોય ! કેવી રીતે ચાલે ? ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું, ‘એની આંખો ખૂબ નબળી થઈ ગઈ છે. જો એને સુધારવો હોય તો ટીવી જોવાનું બિલકુલ બંધ કરી દો. નહીં તો પંદર વર્ષનો થતાં તો એ આંખો સંપૂર્ણપણે ગુમાવી દેશે. અને એની મમ્મીને ઘેરો આઘાત લાગ્યો, ટીવી બંધ કરાવવાનું ડૉક્ટર તો કહે છે પણ ટીવી જોયા વિના હું અનન્યને ખવડાવીશ કેવી રીતે ? કારણ કે અનન્ય નાનો હતો ત્યારથી એના મમ્મીએ એને ટીવી સામે બેસાડીને જ જમવાની ટેવ પાડી હતી. ટીવી ચાલુ ન હોય તો અનન્ય ક્યારેય જમતો નથી. હવે કાલથી એને જમાડવો કેવી રીતે એ મોટી સમસ્યા એમની સમક્ષ આવીને ઊભી રહી ગઈ હતી. એક બાજુ આંખ ગુમાવી દેશે એનો ડર તો ખરો જ બીજી બાજુ ટીવી જોયા વિના ખાશે શું એની ચિંતા. અનન્યનાં મમ્મી તો સખત મુંઝાઈ ગયાં હતાં. પણ હવે એનો ઉપાય શું ?

શ્રીરાજનાં મમ્મીને પણ મળવા બોલાવ્યાં. માંડ માંડ ચાર પાંચ દિવસ પછી વારંવાર કહેવડાવ્યા પછી મળવા તો આવ્યાં, અને અનન્યની પરિસ્થિતિની વાત કરી. આખીય વાત અધૂરા ધ્યાનથી સાંભળતાં રહ્યાં અને વાતને અંતે પ્રતિભાવ આપ્યો, ‘બેન ! આટલાં બધાં લોકો ટીવી જુએ છે. શું કંઈ બધાંને એવું થાય છે ! એ તો થાય કોઈને, ટીવી જોયા વિના તો કેવી રીતે ચાલે ? ના, ના, બેન, મારાથી ટીવી જોયા વિના તો ન જ રહેવાય.’
‘પણ બેન ! આવડાં છોકરાં સીરિયલો જુએ ! પાછી બધી સીરિયલો બાળકને જોવાય એવી ય ક્યાં હોય છે ! અને એનાથી ય વધુ મુશ્કેલી તો એ મોડી રાત સુધી જાગે છે એટલે સવારે સ્કૂલમાં મોડો આવે છે ને સ્કૂલમાં ધ્યાનથી ભણી નથી શકતો, હવે શું કરીશું ? એને તમારે સારો ભણાવી એનું સારું ઘડતર કરવું છે કે પછી એમને એમ જ મોટો થવા દેવો છે !’
ત્યાં તો એના પપ્પા બોલી ઊઠ્યા, ‘બેન ! મને ય આવી જ ચિંતા થાય છે પણ એની મમ્મી માને તો ને !!’ અને મને થયું…. આ ટીવી એ આશીર્વાદ છે કે અભિશાપ !!

[2] માત્ર હાજરી

‘બહેન ! પાર્થને વર્ગમાંથી બોલાવી આપશો ? મારે તેને ઘેર લઈ જવો છે.’
‘કેમ એમ ? એકદમ શું થયું ? આજે તો શનિવાર છે. હજી હમણાં તો આવ્યો છે. એક જ પિરિયડ હજી સમૂહવ્યાયામનો પૂરો થયો ને હજી હમણાં જ બીજો પિરિયડ શરૂ થયો છે. આટલી જ વારમાં લઈ જવો છે ? તો પછી સ્કૂલમાં શું કામ મોકલ્યો ? નકામી તમને ય દોડાદોડ પહોંચે ને !’
‘હા બહેન, તમારી વાત તો બરાબર પણ એની હાજરી પુરાયને ! હાજરી માટે થઈને જ એ આજે સ્કૂલમાં આવ્યો છે. અમારે આજે બહાર જવાનું છે. મને સવારે પરવારતાં વાર થાય એવું હતું એટલે મેં જ એને સ્કૂલમાં મોકલ્યો કે જઈ આવ, બીજું કંઈ નહીં તો હાજરી તો પુરાશે… ઘેર મને કામમાં હેરાન કરે. એના કરતાં સ્કૂલમાં શું ખોટો ? એણે તો કહ્યું કે સમૂહવ્યાયામનો પિરિયડ છે પણ મને થયું કે એ સ્કૂલમાં જાય એટલે હાજરી ય પુરાઈ જાય, અને મારું કામેય શાંતિથી પતી જાય….’

પાર્થનાં મમ્મીની વાત સાંભળી મને એક ઘેરો આઘાત લાવ્યો… આપણી સામાન્ય માન્યતા એવી છે કે બાળકને સ્કૂલમાં ભણવા માટે મોકલીએ છીએ, પણ આજે તો એ ભણવાની પાછળનો હેતુ ય બદલાઈ ગયો છે. ‘ભણવાનું શાને માટે ?’ એ પણ આખું જ બદલાઈ ગયું છે. ભણવું એટલે જ્ઞાન મેળવવું એ ભણતર પાછળનો મુખ્ય ઉદ્દેશ હોય એને બદલે આજે તો ભણવું એટલે પરીક્ષાઓ આપવી અને સારા માર્કસ મેળવવા એ જ માત્ર અભિગમ રહ્યો છે. ભણતર જ્ઞાનલક્ષી મટી પરીક્ષાલક્ષી બની ગયું છે અને એટલે જ માત્ર ગોખણપટ્ટી કરી સારા માર્કસ લાવનારને આપણે હોશિયારમાં ખપાવીએ છીએ. પણ શું પરીક્ષાના માર્કસ એ જ બાળકની હોશિયારી માપવાની પારાશીશી છે ?

હજી આ વિમાસણમાંથી તો હું બહાર આવી નથી ત્યાં માત્ર હાજરી માટે સ્કૂલમાં મોકલતાં મા-બાપ હવે મને મળતાં થઈ ગયાં છે ને મને એક ઘેરો આઘાત લાગ્યો છે…. ‘શું થશે આ શિક્ષણનું ? શું થશે આ ઊગતી પેઢીનું ?’ શિક્ષણ બાળકનાં ભણતર અને ઘડતર માટે મટીને માત્ર પરીક્ષા માટે અને સ્કૂલમાં ભણવા કરતાં ય હાજરીની અગત્ય વધુ મૂલવતાં આ મા-બાપને શું કહેવું ? ખરેખર તો શાળામાં આવી તે યોગ્ય રીતે ભણ્યાં ન હોય, જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો એવા વિદ્યાર્થીને શાળાની હાજરીનો લાભ લેવાનો કોઈ અધિકાર જ ન હોઈ શકે. શાળા એ તો સરસ્વતીદેવીનું મંદિર છે. એમાં મા સરસ્વતીની સાધના કરવા જવાનું હોય, અને એ સાધનાથી વિદ્યાર્થીનું ભણતર અને ઘડતર થાય, એ કંઈ સરકારી ઑફિસ ઓછી જ છે કે ફક્ત હાજરી પુરાવી, પાસ થાય એટલું કામ કર્યું ન કર્યું ને પગાર લઈ લેવાય ? આપણી ઊગતી પેઢીમાં આવી વિચારસરણી આરોપીને આપણે એમનું કેટલું મોટું અહિત કરી રહ્યાં છીએ !

[3] બાળકને રજાની મજા માણવા દો

‘બહેન ! આ વખતે તમે વૅકેશનમાં કોઈ શિબિર કે વર્ગો નથી કરવાનાં ? મારે મારા બાબાને તેમાં મૂકવો છે.’
‘તમારો બાબો કેટલા વર્ષનો છે ? એ પ્રમાણે હું સલાહ આપી શકું ને !’
‘જુઓને…. આ પહેલા ધોરણની પરીક્ષા આપશે. આ તમે સ્કૂલવાળા પરીક્ષા તો 10મી-15મી એપ્રિલ સુધીમાં પતાવી દો છો ને વૅકેશન પૂરું થાય જૂનની પંદરમી લગભગ. છોકરાં બે-બે મહિના કરે શું ? કંટાળી ન જાય ? સાચું કહું ? વૅકેશન આવે છે ને મારું તો માથું ફરી જાય છે. આખો દિવસ છોકરાં ધમાચકડી કરે છે. એના કરતાં તો સ્કૂલ ચાલુ હોય તો શાંતિ રહે છે. સાડાદશથી સાડાપાંચ સુધી એવી નિરાંત રહે છે… એક તો ઉનાળાના દિવસો, બપોર પડે જમીને ઘડીક સૂવાનું તો મન થાય જ અને છોકરાં ઘડીક જરા આંખેય મીંચાવા દે તો ને ! એના કરતા તો આવા વર્ગો કે શિબિરમાં મૂકી દઈએ તો એટલા કલાક તો શાંતિ…..’

અંકિતનાં મમ્મીની આ વાત સાંભળી મને આશ્ચર્ય પણ થયું ને દુઃખ પણ થયું…. શું છોકરાંઓ માબાપને ખમાતાં જ નથી ! બાળકની આ કેવી ઉપેક્ષા ! વૅકેશન પડવાનું હોય ત્યારથી બાળક રજાની મજા માણવા ઝંખતું હોય, પરીક્ષા ચાલુ હોય ત્યારે ભણતાં ભણતાં ય કદીક તો વૅકેશનમાં શું શું રમીશું તેનાં દિવાસ્વપ્નોમાં રાચતું હોય ત્યારે બીજી બાજુ એ દિવસોમાં તેની મા તેને વ્યસ્ત કેવી રીતે રાખવો તેની મથામણ કરતી હોય. કેવી કમનસીબી ! બાળકનાં બાળપણને આપણે શું કરી રહ્યાં છીએ ! એને બાળપણ માણવાનું જ નહીં ! ચાલુ શાળાઓ હોય ત્યારે તો સવારથી ઊઠીને સ્કૂલ અને ‘ભણ ભણ’ના નગારા સતત કાન પર વાગતાં જ હોય. ‘ભણ’ નહીં તો ‘ઢ’ રહેવાનો છે. ભણવાનું જ ક્યાં ગમે છે ?’ આ બધું સાંભળી સાંભળી એવો તો કંટાળ્યો હોય કે પરીક્ષા પતે એટલે ‘હાશ’ અનુભવવાની રાહ જોતો હોય પણ એને ‘હાશ’ મળવાની ખરી ? એને આપણે મન થાય ત્યારે અને જે મન થાય તે રમવાનો અધિકાર આપ્યો છે ખરો !

આજની કહેવાતી સુશિક્ષિત માતાઓના મગજમાં તો એક જ ધૂન સવાર થઈ ગઈ છે ‘બસ ! મારે મારા બાળકને સર્વગુણસંપન્ન બનાવવું છે. એનો પરીક્ષામાં પહેલો નંબર જ આવવો જોઈએ. એને સ્કેટિંગ, ચિત્ર, સંગીત, કરાટે, ટેનીસ, ક્રિકેટ બધું જ આવડવું જોઈએ અને ચાલુ સ્કૂલ હોય ત્યારે સમયની મર્યાદા નડે એટલે વૅકેશન માટે એ રાહ જ જોતી હોય, પણ તો પછી બાળક તેના મિત્રો સાથે રમે ક્યારે ? એને ય ઘરમાં ક્યારેક મોકળા મને રમવાનું મન ન થાય ! ઘરનો ખૂણેખૂણો ખૂંદવાની તેને ય મજા માણવી ન હોય ! પણ તો પછી ઘર બગડી જાય ને ! ત્યારે મા એને લડે. ‘ઉધમાતિયો પાક્યો છે. ઘર રમણભમણ કરી નાંખે છે.’ ક્યારેક તો ખબર નથી પડતી ઘર આપણે માટે છે કે આપણે ઘરને માટે છીએ. પહેલાં તો વૅકેશન પડે એટલે છોકરાં મામાને ત્યાં, કાકાને ત્યાં રહેવા જતાં. ભેગાં મળી લહેર કરતાં. વૅકેશનની એ મજા જ કંઈ જુદી હતી. સ્વજનો સાથે આત્મીયતા સધાતી. પણ હવે ! હવે તો વૅકેશનમાં પાંચસાત કે દસ દિવસ બહારગામ જવાનું….. મોંઘીદાટ હોટલોમાં તે લાંબો પ્રવાસ કંઈ પોસાય ! શરીરને સુખાકારી મળે પણ મનની સુખાકારીનું શું ? બાળકને તો મનની મોકળાશ જોઈએ છે. એને બાળપણને માણવું છે. મિત્રો સાથે મજા માણવી છે. વૅકેશનમાં એની પ્રવૃત્તિનું પ્લાનીંગ કરો તોપણ એની રુચિ અરૂચિનો વિચાર કરીને કરો. એને એની રજાની મજા માણવા દો, એના બાળપણને ઝૂંટવી ન લો. વર્ગોના સમયના બંધનમાં એને બાંધી ન દો. બાળપણ જેવો અમૂલ્ય જીવનકાળ બીજો એકેય નથી.

[કુલ પાન : 158. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મુલ્લા નસરુદ્દીન – રમણલાલ સોની
નારાયણ દેસાઈ – મીરા ભટ્ટ Next »   

19 પ્રતિભાવો : માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ

 1. raj says:

  Last one is very good.
  kids has lost their natural plays.
  God help those parents
  raj

 2. dhiraj says:

  ખુબજ સુંદર અને વર્તમાન સ્થિતિ માં પ્રસ્તુત લેખ
  હે પ્રભુ !
  જે માં-બાપો યુવાની માં વિષય ભોગ કે પૈસા કમાવવા વગેરે માં નવરા નથી પડતા,
  રોજ નહીતો અઠવાડિયે પણ બાળક ને એક વાર્તા નથી કહેતા,
  રજા ના દિવસે બાળકો સાથે નથી રમતા
  તેવા ઘરડાઓ થી મારા શહેર નું વૃદ્ધાશ્રમ છલકાતું રહે .
  શહેરો માં વૃદ્ધાશ્રમ ની સંખ્યા વધતી જાય છે અને આ વૃદ્ધાશ્રમમાં કેટલીક માજીઓ શ્રીરાજ, પાર્થ કે અંકિત ની મમ્મીઓ નહિ હોય તે કેવી રીતે કહી શકાય.?

  • ૫ વર્ષ તમારી પાસે ભણ્યા છતા આજે તમારા વિષે જાણકારી મળી અમને તો વાંચતા તમે જ કર્યા છે. કોલેજ શરૂ થતા જ તમારો પહેલો સવાલ કેટલા પુસ્તકો વાંચ્યા.? એ જવાબ આપવા માટે ઘણુ વાચતી. આજે એનો ફાયદો થાય છે. હું પણ સ્કુલમા છોકરાઓને વધુ વાચવાની સલાહ આપુ છુ. તમને આજે વાંચીને કોલેજ ના તમારા વર્ગ યાદ આવ્યા.
   Falguni Patel Brahambhatt

   she was reading loudly that article and i was doing my work, listening, i got attracted and spellbound, well
   i am also from Saurastra now settled in Surat.
   very well
   Manish N Brahambhatt

 3. trupti says:

  આજના વાતાવરણ ને અનુરુપ સરસ લેખ.

  આજે બાળકોનુ બાળપણ એક તો ટિ.વી.બીજુ કોમ્પ્યુટર અને ત્રીજુ ભણતર ને લીધે છિનવાય ગયુ છે. આજના બાળકો મા સ્ફુર્તિ નો અભાવ જોવા મળે છે કારણ કે ફિઝિકલ કસ્રઋતો ઓછી અથવા તદ્દન બંધ થઈ ગઈ છે, તેમને જરાક સમય મળે કાંતો ટિ.વી. કાંતો કમ્પ્યુટર સામે બેસી જાય છે, અધુરા મા પુરુ હવે મોબાઈલો પણ એવા ફાયફાય આવે છે જેમા અઢળક સુવિધા ઓ ઉપલબધ્ધ છે એટલે તેમની ફેસેલિટી પણ મોબાઈલ થઈ ગઈ છે.
  ડોકટરો નુ માનવુ છે કે જે બાળકો ટિ.વી. ની સામે બેસી ને જમે છે તે ઓઅબેસિતી અને અપચા ના શિકાર બને છે, કારણકે ટિ.વી. જોવા મા તેઓ શુ અને કકેટલુ ખાય છે તેનુ તમને ધ્યાન નથી હોતુ. બાળકો ને ટિ.વી. સામે ન બેસાડિ દેતા તમને રમતા રમતા ખાવની ટેવ પાડો તો પણ બાળક એકટિવ થશે. મારી બેબી જ્યારે નાની હતિ ત્યારે અમે તેને વરસ ની થઈ ત્યાં સુધી ટિ.વી. ની સ્ક્રિન સામે જવા નથી દિધી. જ્યારે તેને ખવડાવવાનો વખત થાય ત્યારે અમે(હું કાંતો મમ્મી) તેની થાળી લઈ ને એક બાજુ બેસી જઈએ અને તેને કોળિયો ભરાવિયે, તેની ચંચળ પ્રક્રુતિ ને લિધે તે એક જ્ગ્યા એ બેસી ના શકે એટલે તે ફરતી રહે પણ અમે તેની સાથે ફરિયે નહીં અને જેવો તેનો કોળિયો ચાવવાનુ ખલાસ થાય એટલે તેજ અમે જ્યાં બેઠા હોઈએ ત્યાં પાછી આવિને કોળિયો ભરાવિ જાય.આમ તેનુ જમવાનુ લગભગ કલાકે પતે પણ જરા પણ કંટાળ્યા વગર અમે તેને આરિતે જમાડતા. કોઈકવાર બારીની પાસે બેસાડિ બહાર નો નજારો બતાવતા જમાડીયે પણ ટિ.વી. સામે તો કદી નહી. આજે એ ૧૪ વરસ ની થઈ છતા હજી અમારા ઘરે ટિ.વી. સામે બેસી ને જમવાનો રિવાજ નથી.

  બાળકો ને શિબિર મા જરુરથી મોકલાવવા જોઈએ અને તેની પાછળ નુ કારણ તેમના થી છુટકારો મેળવવા માટે નો ન હોવો જોઈએ. શિબિર ના અનેક ફાયદા છે તેમાનો એક તે, આજે ઘણૂ ખરુ દંપતિઓ ને ૧ અથવા ૨ બાળકો જ હોય્ છે, સિંગલ ચાઈલ્ડની સંખ્યા વધુ છે, શિબિરમા જઈ બાળક બિજા બાળક જોડે હળતુ થશે, દરેક બાળક મા કોઈ પ્રતિભા છુપાયેલી હોય છે જે પોતાના ઊંમર ની વ્યક્તિ (બાળક) આગળ જલદીથી છતી થાય છે માટે તેઓ એક બીજા આગળ થી કાંઈ શિખશે અને ટોળામા ભળતા અને પોતાનિ વસ્તુ શેર કરતા પણ શિખશે તે ઉપરાંત શિબિર વાળા જે શિખડાવશે તે તો જુદુ.

  બાળકો ટિ.વી. આગળ ના બેસી રહે તે માટે મા-બાપે પણ ભોગ આપવો પડે, તો જો ટિ.વી. જોવાનુ ઓછુ કરિ ને બાળક પાસે બેસશે તો ઓટોમેટિક બાળક નુ ટિ.વી. જોવાનુ ઓછુ થઈ જશે.

 4. જગત દવે says:

  આ ટીવી એકલું ઓછું હતુ…….હવે તો…….

  મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, પ્લે સ્ટેશનો અને બીજા ઘણાં એટલાં સાધનો આવ્યા છે કે બાળકોતો શું? આપણે અને વડીલશ્રીઓ સુધ્ધા પણ લપસી પડ્યાં છે એટલી લીસ્સી સપાટી ધરાવતાં આ સાધનો છે.

  અધૂરામાં પૂરું……..તેનાં ઊપયોગની સભ્યતા અને વિવેક તો આપણે સાવ ભુલી જ ગયા છીએ. ઊ. ત. મોબાઈલ ફોન પર બોસ ગમે ત્યારે રીંગ વગાડે. (ઓફીસનાં કલાકો પછી અને રજાનાં દિવસે પણ) આપણે તો જીનની જેમ “હુકમ માલિક” જ કહેવાનું.

  ડીજે નો અવાજ ઓછો કરવા માટેની ફરિયાદ બદલ હમણાં જ એક આધેડ વ્યક્તિને અમદાવાદમાં મારી નાંખવામાં આવેલ. ટીવી નાં સ્પીકરોથી સોસાયટીઓ કેવી ગાજે છે તે આપણે સહું જાણીએ જ છીએ.

  તૃપ્તિબેનની કેળવણી આપણને અને સમગ્ર વાંચકોને માટે ઉદાહરણરુપ અને અભિનંદન ને પાત્ર છે. તેમણે લખ્યુ છે તેમ…..DISC (Double Income Single Child) કુટુંબો માં બાળકોની અને મા-બાપોની અલગ મનોવૈજ્ઞાનિક અને આર્થિક સમસ્યાઓ છે.

 5. kirtida says:

  સરસ લેખ .લેખિકાનો આભાર્.
  આ જે એવો સમય આવી ગયો છે કે બાલકને દોષ આપવો કે માબાપનો ? બાળક ક્યાંય દોષી નથી. માબાપ બાળક્નો ઉછેર કેવી રીતે કરવો તે ભૂલી રહ્યાં છે. બાળક્ને ટીવી નજોવાનું કહી પોતે નીરાંતે બાળક સ્કુલમાં જાય ત્યારે સિરિયલો જોયા કરે છે. પોતે જે કંઈ પણ નથિ કરી શક્યાં તે દરેક વસ્તું ની અપેક્ષા બાળક પાસે રાખે છે અને તેથી બાળપણ ચગદાઈ જાય છે તેનો પણ ખ્યાલ નથી રહેતો . ખુલ્લી હવાની રમતો જાણે ગાયબ થઈ ગઈ છે. ઘર્માં જાતજાતના રિમોટ પકડાવી દેવા માં આવે છે. મારુ બાળક બધું જ જાણે અને બધિ જ જાણકારી હોય તો જ બાળક સ્માર્ટ કહેવાય એ મનો ગ્રંથિ માબાપની છે અને તેને લીધે પણ બાળકને સાચા બાળપણથી વંચિત કરાય છે. વધારે પડતાં માબાપો પોતાનૅ રાહત મળે તે પ્રમાણે બાળકને ઉછેરે છે.
  અત્યારના સમયમાં માબાપને એક અથવાતો બે બાળક હોય અને બંને કામાનાર હોય તેથી બાળકને જે માગે તે મળે છે , અને આપવામાં પણ આવે છે. પરિણામે બાળક જીવનાના જે મૂલ્યો શીખવાનો સમય છે તે આપાતી બીનજરુરી વસ્તું માં વેડફે છે.
  તૃપ્તિબેન ની વાત સાચી છે. શિબિરોમાં બાળકને જે શીખ મળે તે જીવન ઉપયોગી હોય છે. પણ એ પહેલા માબાપે એ દરેક બાબતમાં રસ લેવો પડે .

 6. Deval Nakshiwala says:

  સરસ લેખ છે. આજના માતા-પિતાના પોતાના બાળકો પ્રત્યેના ખોટા વલણો સારી રીતે વર્ણવ્યા છે. આશા છે કે આ વાંચીને તેમને પોતાના વલણમાં સુધારો કરવાનું સુઝશે.

 7. I am a director of an activity center. I truly agree with you that now a days these young mothers want their child a perfect one so that they take pride for that, but they don’t listen their cry. the child come to us and says some diff story.so every one should understand the need of the child and co ordinate with school, activity center, parents and society all should awake and join hands for the betterment of future generations
  Thanks for good articles.

 8. Urvi pathak says:

  આજના યુગને સમજવો પણ જરુરી છે. આટલા વસ્તી વધારા બાદ the world is very competitive. તે સમયે બે મહિનાનુ વેકેશન વેડફવા માટે ન હોય. બે મહિનામાં દસ દિવસ પ્લાનિગ સાથે કોઈ શોખને લગતી પ્રવૃતિ જરુરી છે. બાળકના માનસિક કે શારિરીક વિકાસ માટે પણ. આધૂનિક મનોરંજનના સાધનો બાળકથી દૂર રાખવા પણ ગુનો છે. અતિરેક કશાનો નહિ. બધુ સંતુલિત હોવુ જોઈએ.

  બાળકોને extra activities માટે જાગૃત આધૂનિક મંમીઓ તેમના વિકાસને લઈને સભાન પણ હોય છે. જે ઘરે ટીવી નથી જોતી પણ બાકીના સમયમાં તેની સાથે નિર્દોષ બાળગોષ્ઠિ કરી પણ હોય. activities કરવા પાછળનો હેતુ બાળકોમાં રહેકલી આવડતને nourish કરવઆનો હોય છે. જો તે ના કરવામાં આવે તો પણ મા-બાપ તરીકેની હાર છે.

  ટુંકમાં, વધૂ પડતી બાળકોને થકવી નાખતી activities કરાવતી Career oriented for her and child અને બાળકોને બીજે ફેંકી ટીવીમાં ઓતપ્રોત મા.. બન્ને વચ્ચેનું સમતોલન કરતી બાળકને વધુ સમય આપતી છતાં આજના competivive યુગમાટે તૈયાર કરતી માતા હોવી જોઈએ.

  Thanks to Author – Urmilaben ….. giving me postivie enrgy when I am raising two modern and very talented girls and still I am not the mother described here. I feel good within and its gives me very positive thoughts for my motherhood.

 9. nayan panchal says:

  કોઈપણ વસ્તુને આશીર્વાદ કે અભિશાપમાં ફેરવવુ આપણા હાથમાં છે.

  આજે શાળાઓ સરસ્વતી માતાનુ મંદિર નહીં, પરંતુ લક્ષ્મી માતાને પ્રાપ્ત કરવાની એક પૂર્વતૈયારી છે.

  વેકેશનમાં શિબિરોમાં વ્યસ્ત રહેવુ ખોટું નથી, જો બાળકને તેમા રસ હોય અને તેનામાં એટલી ક્ષમતા હોય તો.

  મને એમ લાગે છે કે આજે ભલભલા કોર્સીસ ચાલે છે. એક કોર્સ વાલીઓ માટે બાળઉછેરની તાલીમનો પણ હોવો જોઈએ.

  ખૂબ આભાર,
  નયન

 10. pradipsinh says:

  સુન્દર લેખ .આવો બાળકોને બચપન આપિએ….

 11. pragnaju says:

  સુંદર પ્રેરણાદાયી લેખ

 12. trupti says:

  ટિ.વી. ની ઉપર થી એક વાર્તા કશે વાંચિ હતિ તે અહીં પ્રસતુત કરુ છુ.

  એક દિવસ શાળા ના શિક્ષીકા બહેને બાળકો ને એક નિબંધ લખવાનુ કહ્યુ ને વિષય આપ્યો——-“જો ભગવાન તમને કાંઈ માંગવાનુ કહે તો તમે શું માંગશો?”
  દરેક બાળકો એ ઉત્સાહ મા નિબંધ લખી આપ્યો. શિક્ષીકા ઘરે બેસી ને બાળકો એ લખેલા નિબંધ તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રુમ મા આવ્યા અને તેમને જોયુ કે શિક્ષિકા રડી રહ્યા હતા, તેમના પતિએ તેમને તેમના રડવા નુ કારણ પૂછ્યુ. શિક્ષિકા એ બાળકે લખેલો નિબંધ વાંચવા આપ્યો- પતિ એ નિબંધ વાંચ્યો……બાળકે લખેલુ…….
  ” હે પ્રેભુ જો તારે મને કાંઈ આપવુ જ હોય તો તુ મને ટેલિવિઝન ( ટી.વી) બનાવિ દે, હું તેનુ સ્થાન ગ્રહણ કરવા માંગુ છુ હું ટી.વી. ની જેમ ઘર મા રહેવા માંગુ છું, જેને માટે ઘર મા ખાસ જગ્યા હોય, મારી આસપાસ ઘરના દરેક સભ્યો હોય, અને હું સાચ્ચેજ ગંભીર રીતે આ કહુ છું જેથી મારા કુટૂંબના દરેક સભ્યો નુ હું મારા તરફ ધ્યાન ખેંચી શકુ. તેઓ કોઈ પણ ખલેલ વગર મએ એકચિત્તે સાંભળે અને કોઈ સવાલો નકરે. જ્યારે ટી.વી. બંધ હોય ત્યારે પણ લોકો તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ રાખે. જ્યારે પપ્પા કામ પર થી ધરે આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતા હું ટી.વી. બની ગયો હોવા થી મને તેમની કંપની મળી રહે. અને હુ મારી મમ્મી જ્યારે દુ;ખી હોય કે ટેન્શન માં હોય ત્યારે મને અવગણવા ને બદલે મને જ જોવા ઝંખે. અને મારી સાથે રહેવા માટે મારા ભાઈ-બહેનો લડાલડી કરે અને તેવુ હું અનુભવવા માંગુ છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકી ને કુટુંબના સભ્યો મારા માટે સમય ફાળવે અને છેલ્લે મને ટી.વી. બનાવી દો જેથી હું મારા કુટૂબને સુખ, આનંદ આપી શકું અને તેમનુ મનોરંજન કરી શકું”
  હે ભગવાન હું બીજુ કાંઈ નથી માંગતો પણ તમે મને ટી.વી. બનાવી દો.
  શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતાં. તેમના પતિ બોલ્યા, ” હે!!!!!!ભગવાન!!!!!!બિચારુ બાળક!!!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!!
  શિક્ષિકા ચોધાર આંસુ સારતા પોતાના પતિની સામે દયામણા મોઢે જોઈ રહ્યા અને બોલ્યા,” આ નિબંધ આપણા દીકરાએ લખ્યો છે.”

 13. Vaishali Maheshwari says:

  It is a very good narration of incidences by the author, but very sad to learn the bitter truth about Parent’s mentality these days.

  Parents are sending their kids to school just because they want some peace at home, or want their kid to be at the topmost position in this competitive world, etc. etc. None of these intentions of Parents behind sending the kids to schools will be helpful to kids in enjoying their childhood days.

  I wish God gives some wisdom to Parents who have this kind of mentality and change their minds so that they can help kids live their childhood in the best possible manner, where they can play, learn, grow and most importantly enjoy each and every moment.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.