નારાયણ દેસાઈ – મીરા ભટ્ટ

[ સ્વાતંત્ર્ય ચળવળ અને ભૂદાન આંદોલન દરમિયાન સમાજસેવાની ખેવના સેવતા હજારો કાર્યકરો સેવાધર્મની ધૂણી ધખાવીને સમર્પિતભાવે જીવન જીવ્યા. એવા ચોર્યાસી સેવાધારીઓના ચરિત્રચિત્રનું શ્રી મીરાબહેન ભટ્ટનું પુસ્તક ‘ગાંધીયુગની આકાશગંગા’ ગતવર્ષે પ્રકાશિત થયું હતું, જેમાંથી આપણે એક લેખ માણ્યો હતો. એ જ અનુસંધાનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગાંધીજન તો તેને રે કહીએ’માં પાંચ પરિવારનાં 41 સમાજનિષ્ઠ લોકાભિમુખ વ્યક્તિઓનાં રેખાચિત્રો આપવામાં આવ્યાં છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે મીરાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વિશ્વવિભૂતિઓની પ્રતિમાના સંગ્રહાલયમાં જ્યારે સિકંદરનું પૂતળું મૂકવાની વાત આવી ત્યારે તેણે કહ્યું કે, ‘હું નથી ઈચ્છતો કે ભવિષ્યની પેઢી મારી પ્રતિમા જોઈને પૂછે કે આ કોણ છે ? હું તો એમ ઈચ્છું છું કે સંગ્રહાલયની મુલાકાતે આવનારા પ્રવાસીઓ બધી પ્રતિમા જોઈ લઈને પૂછે કે અહીં સિકંદરનું પૂતળું કેમ નથી ?’ આવું જ નારાયણભાઈનું થયું. તાજેતરમાં પ્રગટ થયેલા મારા ‘ગાંધીયુગની આકાશગંગા’ પુસ્તકમાં વિવિધ વિશિષ્ટ વ્યક્તિઓનાં રેખાચિત્રોમાં ‘નારાયણભાઈનો સમાવેશ કેમ નથી ?’ એમ મને પૂછવામાં આવ્યું ત્યારે મને ઉપરનો પ્રસંગ યાદ આવી ગયો.

ગુર્જરભાષી અને ગુર્જરવાસી માટે નારાયણભાઈ હવે એટલા બધા પોતીકા થઈ ગયા છે કે એમ થાય કે એમનો શું પરિચય આપવો ? છતાંય સાઠ-સાઠ વર્ષના એમના પરિચય બાદ અંતરમાં જે છબિ ઊઠે છે તેનું આછુંપાતળું રેખાંકન તો કરવું જ રહ્યું ! પચાસ-પચાસ વર્ષોનો પડદો હઠાવીને જોઉં છું ત્યારે આ હકીકતનું ભાન થાય કે નારાયણભાઈ જ્યારે જુવાન હતા ત્યારે પ્રત્યેક જુવાનને થતું કે આપણે એમના જેવા થઈએ. સ્વરાજ્ય પછીના ભૂદાન-આંદોલનમાં દેશ આખામાં સૌથી વધારે જુવાનોને ખેંચી લાવ્યા હોય તો તે નારાયણભાઈ છે. ગુજરાતના સર્વોદય પરિવારના અધિકાધિક લોકો એ જમાનામાં પોતપોતાના નોકરી-ધંધા છોડીને સમાજને સમર્પિત થયા હોય, તો તેમાં નિમિત્તરૂપ હતા નારાયણભાઈ. આખી જુવાની ભારતભરનાં ગામડાં ખૂંદવામાં વિતાવી, થોડા વધુ પાકટ બની શાંતિકાર્ય માટે દેશદેશાવર ઘૂમવા માંડ્યા. સમાજના જાગ્રત વર્ગના અગ્રણી બનીને વિશ્વશાંતિ-મિશનના અધ્યક્ષ બન્યા. હવે જ્યારે જીવનની સાંજ ઢળુંઢળું થઈ રહી છે ત્યારે પંચાશી વર્ષની વયે પણ ગાંધીપ્રેમથી પ્લાવિત ઉમંગની લહાણી કરવા દેશ-વિદેશમાં ‘ગાંધી-કથા’ વહેવડાવી અનેક તરુણો ઉપરાંત વયસ્કોનાં પણ અંતઃકરણપૂર્વકના પ્રણામ ઝીલી રહ્યા છે. એમની વિશિષ્ટતા જોઈ જયપ્રકાશજી યાદ આવે. જે.પી. યુવાનોના મસીહા તો હતા જ, જીવનની પ્રત્યેક નવી વાટે અને નવા ઘાટે તેઓ લોકહૃદયના લોકનાયક બનીને જીવી ગયા.

નારાયણભાઈના નસીબમાં નાનપણથી જ જે કાંઈ ખૂલ્યું તે ‘વિશ્વ’થી ઓછું નહોતું. જ્યારે એમનું પદાર્પણ વિશ્વના તખતા પર થયું તે વેળા પિતા મહાદેવભાઈ વિશ્વવંદ્ય બાપુને સમર્પિત હતા, તો ‘બાબલા’-નારાયણ માટે ભલે બાપુનો ખોળો ખૂંદવો એ બાળલીલા હોય, છતાંય બાપુનો ખોળો નાનકડા બાબલા માટે વિશ્વ-પરિવાર સાથેની સગાઈ બાંધી આપનારી પ્રેમસગાઈરૂપ બની ગયો. આ બાબલો કદી નિશાળનાં પગથિયાં ચઢ્યો નથી, છતાંય દુનિયાની પ્રથમ હરોળમાં બેસી શકે તેવા પ્રખર કેળવણીકારો દ્વારા એનું જીવનશિક્ષણ થયું. માતાપિતા ઘરમાં સત્યાગ્રહ અને જેલવાસની વાતો કરી ભાઈબંધ-દોસ્તારો સાથે ચરખો-કોદાળી-પાવડા જેવાં કામકડાં જ રમકડાંથી ખેલવાનું હોય, શબ્દલેખનમાં બાપુના પત્રો લખવાના હોય અને પ્રશ્ન પૂછવાનું ઠેકાણું પણ ‘બાપુ’ જ હોય ત્યારે આ વિરાટનું વિશ્વ કેવડું વ્યાપક હશે, તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

આરંભે જીવનકાર્યરૂપે વેડછીમાં પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્ય સ્વીકાર્યું ત્યારે પણ ઊઠતા પ્રશ્નોના ઉકેલ આપનારા આ દિગ્ગજ મહાનુભાવો જ હતા. આશ્રમમાં બાપુ બાળકોને પત્રો લખતા. બાળકો ભેળો બાબલો પણ ક્યારેક પ્રશ્નો પૂછી પાડે અને બાપુ જવાબ પણ આપે. ત્યારે ક્યારેક આવું પણ પૂછી પાડે કે બાપુ, ભગવાન કૃષ્ણે તો અર્જુનના એક નાનકડા પ્રશ્નના જવાબમાં અઢાર અધ્યાયની ગીતા કહી સંભળાવી. ત્યારે તમે તો સાવ ટૂંકા ને ટચ જવાબ આપો છો, એમ કેમ ? તો બાપુને સમાધાન કરાવવું પડ્યું કે ભાઈલા, કૃષ્ણ સામે તો એક જ અર્જુન હતો, મારે સામે સવાલદારોની સેના ઊભી છે ! આ જ શિક્ષણકાર્ય દરમિયાન આ નવનીત શિક્ષકે જન્મજાત શિક્ષક વિનોબાને પ્રશ્ન પૂછેલો કે, વર્ગમાં બાળકોને ભણાવીએ છીએ ત્યારે ઉત્તમ, મધ્યમ ને સામાન્ય કક્ષાનું વૈવિધ્ય હોય છે, તો શિક્ષકે કોનું ધ્યાન રાખીને ભણાવવું ? ત્યારે વિનોબાનો આગવી શૈલીમાં જવાબ મળ્યો:

તત્વજ્ઞાની ઉત્તમોને ધ્યાનમાં રાખે છે.
સમાજશાસ્ત્રી મધ્યમોને ધ્યાનમાં રાખે છે.
સમાજસેવક સામાન્યોને ધ્યાનમાં રાખે છે.

બાપુનું તાવીજ યાદ આવી જાય – જ્યારે પ્રશ્ન થાય કે કોની સાથે ચાલવું, તો સમાજના સાવ છેવાડે ઊભેલા માણસને યાદ રાખી પોતાના કામને તપાસવું. નારાયણભાઈના જીવનમાં પણ આ છેવાડાનો માણસ પલાંઠી વાળીને બેઠેલો. એટલે જ વિનોબાના ભૂદાનયજ્ઞ દ્વારા રાષ્ટ્રના સૌથી છેવાડાના ગરીબ ભૂમિહીનોને ભૂમિ પહોંચાડવાના ક્રાંતિકાર્યમાં લાગી ગયા. જ્યારે ગુજરાતના મોવડીઓ હજુ કાંઠા પર ઊભા રહીને આ આંદોલનને મૂલવી-તોળી રહ્યા હતા ત્યારે આ નવજુવાને ગુજરાતભરની વ્યાપક પદયાત્રા દ્વારા ધરતીનો ખોળો ખૂંદી, એકરોનું ભૂદાન પ્રાપ્ત કરી, આંદોલનની સંભાવનાને સાકાર કરી. ‘મા ધરતીને ખોળે’ પુસ્તકમાં પ્રગટ થયેલી ઘટનાઓ એક નવયુવકના હૃદયમાં નવી અહિંસક સમાજરચનાના કેવા મજબૂત પાયા ખોડી આપે છે તેનું દર્શન કરાવે છે. ભૂદાન માટે પદયાત્રા જરૂરી હતી તો ભૂદાનનો વિચાર ફેલાવવા વિચાર-પત્રની જરૂર હતી. તેથી પ્રબોધ ચોકસી ને ચુનીભાઈ વૈદ્ય સાથે ખભેખભો મિલાવી ‘ભૂમિપુત્ર’નાં મંગળાચરણ કર્યાં. પછી તો પૂછવું શું ? આંદોલનનાં મોજાં ગજગજ ઊછળ્યાં, તો આ ક્રાંતિવીરે પણ પોતાના ગજાને વધુ ને વધુ વિસ્તાર્યું. કેવળ ગુજરાતના અગ્રસ્થાને નહીં, રાષ્ટ્રનું ભૂદાનકાર્ય સંભાળતી ‘સર્વ સેવા સંઘ’ની સંસ્થાનું પણ નેતૃત્વ સંભાળ્યું. ભૂદાનયજ્ઞના વિધવિધ મોરચે હંમેશાં આગળ રહીને જવાબદારીઓ નિભાવી. વિનોબાની ગુજરાતયાત્રામાં પણ આગળ-પાછળ સમેત તમામ જવાબદારી માથે રાખી યાત્રાને સંપન્ન બનાવી. ગુજરાતમાંથી રોજના એક લેખે એકસો દસ શાંતિસૈનિકોની વિનોબાની માગણી હતી તે પૂરી કરી. છોગામાં ગ્રામદાન પણ સમર્પણ કર્યાં.

દેશ-વિદેશે થતાં શાંતિકાર્યોમાં જયપ્રકાશની સાથોસાથ રહી પૂર્ણ જવાબદારી નિભાવી. જયપ્રકાશના ‘સંપૂર્ણ ક્રાંતિ’ના ઉદ્દગારને ન્યાય આપવા વેડછીમાં ‘સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય’ શરૂ કરી, દેશભરના કાર્યકરોનું ઘડતર કર્યું. કટોકટી-પર્વમાં પણ જે.પી. સાથે ખભેખભો મિલાવી કામ કર્યું અને વિનોબા જેવા વિચારપુરુષ સાથે પણ વિચારભેદ, મતભેદ ઊભો થતાં રાહ બદલી નવો ચીલો પાડવાનો પડકાર ઝીલ્યો. ભૂદાન કાર્યકરો માટે આ કટોકટી-પર્વ નહીં, કસોટી-પર્વ જ હતું. સામાજિક ક્રાંતિની પરથારમાં પોતે કયા પગથિયે ઊભા છે તેનું ભાન કરાવવાનું ‘કસોટી-પર્વ’ હતું. સામાજિક કાર્યકરોએ વચ્ચે વચ્ચે પોતાના ચહેરાનું પ્રતિબિંબ આયનામાં જોતાં રહેવું જોઈએ એ શીખવા માટે આ કસોટી ઊભી થઈ હતી. ત્યારે નારાયણભાઈએ પણ પોતાના અંતરાત્માને ઢંઢોળી, સ્વધર્મને ઓળખી, ધર્મપાલન કર્યું. નારાયણભાઈ માટે જીવન એક આરોહણ હતું. નિત નવાં પર્વોનો ઉઘાડ થતો રહ્યો. સમયનો તકાદો આવ્યો કે મહાદેવભાઈનું જીવનચરિત્ર લખવું. તો પિતાનું જીવનચરિત્ર લખવાનું દુષ્કર કાર્ય કરવાની દીકરાએ હામ ભીડી, અને ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’નું સર્જન એવું તો સુંદર થયું કે મકરંદભાઈ દવે જેવાને ‘નારાયણ-સરોવર’ની યાત્રાની પ્રતીતિ થઈ. આ પુસ્તકને પુરષ્કાર ન મળે તો જ નવાઈ હતી, પરંતુ મુખ્ય ફળશ્રુતિ તો એ હતી કે જીવતરે અગન જ્વાળનો ગુલાબી રંગ આત્મસાત કરી જીવનપુષ્પને ખીલવ્યું, તે યજ્ઞરૂપ ગાંધીનાં અનેક અગ્નિસ્થાનોનો પરિચય પણ વાચકોને કરાવ્યો. ગાંધી અમથા વિશ્વના સર્વાધિક માન્યપુરુષ નથી થયા, તેનું થોડુંઘણું ભાન આ પુસ્તકે કરાવ્યું. પછી તો એની પાછળ પાછળ જ ‘મારું જીવન, એ જ મારી વાણી’ના 1500 પાનાંના ચાર મહાગ્રંથ આવ્યા.

મેં ઘણી વાર લખ્યું છે કે રેંટિયો કાંતતી બે વ્યક્તિ મારા હૈયે જડાઈ ગઈ છે. એક તો, વિનોબા પોતે અને બીજા નારાયણભાઈ. એ રેંટિયો કાંતતા હોય ત્યારે એમના ચહેરા પર જાણે ભીતરના ઘૂઘવતા દરિયાનાં મોજાંની જે રૂપેરી કોર બંધાય તે ચહેરા પર આલેખાતી હોય તેવું લાગે. રેંટિયાના તારે તારે બીજું ઘણું બધું કંતાતું, સંધાતું, ઊતરતું આવે છે, એવું લાગે. તો આ સૃજનકાર્ય પણ સૂતરના તાર કાંતવા જેવું જ થયું. અનેક વર્ષોની દિવસ-રાતની જહેમત બાદ આ એક યુગકાર્ય નિષ્પન્ન થયું, જેના માટે વિશ્વજનો નારાયણભાઈના ઋણી રહેશે. આ ગ્રંથોની પાછળ પાછળ જ ‘કથા’નો તંતુ કંતાયો. કોઈ પણ સર્જન પોતાની સાથે આનંદ અને સાર્થકતાનો અનુભવ ન કરાવે તો તે કાચું સર્જન ગણાય. ગાંધીજીવનના સર્જને નારાયણભાઈના અંતરમાં ઊર્મિઓ અને ઉમંગોનો એવો મહાસાગર રેલાવ્યો કે એની ઊજાણી કર્યા વગર જીવી ન શકવાની લાચારી ઊભી થઈ ગઈ. બસ, પછી તો મીરાંબાઈને ‘રામરમકડું જડ્યું રે મુને, રામરમકડું જડ્યું’, એમ નારાયણભાઈને ગાંધી-કથા રૂપે એવું સુંદર સાધન હાથ લાગી ગયું કે, જેનાથી પોતે તો સમૃદ્ધ-સાર્થક થાય જ, લોક પણ સમૃદ્ધ અને સાર્થક થાય છે.

ત્યાગ-ફનાગીરી, સ્વાર્થ-ત્યાગ અને સતત લોકચર્યામાંથી સહજ ફૂટતી વૈવિધ્યપૂર્ણ રંગવાદળીઓને રૂપેરી કોર ફૂટે એમ પદ-પ્રતિષ્ઠા-પુરસ્કાર પાછળ પાછળ આવે જ. આ અંતિમ પર્વમાં ગુજરાતે પણ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષસ્થાને અને ગાંધી-સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિરૂપે એમની વરણી કરી. નારાયણભાઈ કામને તો ન્યાય આપવાના જ હતા, પરંતુ જૈફ વયે જે રીતે સતત પરિભ્રમણ કરવાનું ચાલુ રાખ્યું છે, તેમાં એમના જીવનયોગની સિદ્ધિનાં દર્શન પણ થાય છે. જ્યારે એમને હૃદયાઘાત થયો ત્યારે પણ ‘ચાલો, મારે હૃદય છે એટલું તો સિદ્ધ થયું.’ – કહીને એમણે આફતને પચાવી લીધી હતી. સમય પાકે અને ખાટી કેરી મીઠી રસદાર, કસદાર કેરીમાં ફેરવાય તેમ જુવાનીની કેટલીય મર્યાદાઓને તેઓ પાર કરી ગયા છે અને ઉત્તરોત્તર વાણી-વ્યવહારમાં સૌજન્યતા, મૃદુતા, મધુરતા પ્રસારતા જાય છે. આ બધું એમના જીવનમંદિરની ટોચે ઝળહળતા સુવર્ણકળશ સમું છે. આમ તો એમનું વ્યક્તિત્વ રાષ્ટ્રવ્યાપી, શાંતિ ચાહકરૂપે વિશ્વવ્યાપી પણ ખરું, તેમ છતાંય એમના દ્વારા ગુજરાત અને ગુજરાતી ભાષાની જે સેવા થઈ છે તે જોતાં તેઓ સાચે જ ધન્ય ગુર્જર-દીપ છે.

ગાંધી-વિનોબાના વિચારને પૂરેપૂરા આત્મસાત કરી લીધા, તેમ છતાંય પોતાની વૈચારિક ધારાને એમણે સદંતર સ્વાધીન રાખી છે.

[કુલ પાન : 228. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : બૂકમાર્ક, 202, પૅલિકન હાઉસ, નટરાજ સિનેમા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 26583787.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ
ચોર – અનુ.શાંતિલાલ ગઢિયા Next »   

6 પ્રતિભાવો : નારાયણ દેસાઈ – મીરા ભટ્ટ

 1. dhiraj says:

  શ્રી નારાયણભાઈ દેસાઈ વિષે જાણી ને ખુબ આનંદ થયો
  આવા કૈક મહાપુરુષો આપણી વચ્ચે જીવી રહ્યા છે, જીવી ગયા છે, પણ આપણને તેમના વિષે જાણવાનો સમયજ નથી
  મારી કોલેજ ના ફક્ત નવયુવાન વિદ્યાર્થી જ નથી પરંતુ ઘણા પ્રોફેસરો ને પણ ખબર નથી કે “વિનોબાજી પુરુષ હતા” તો નારાયણભાઈ વિષે તો ક્યાંથી ખબર હોય ?
  લોકો ખાનો, કપૂરો, કે કુમારો થી નવરા પડે તો આ મહાપુરુષો વિષે જાણે ને.
  ધન્ય છે મૃગેશભાઈ ને કે ઈન્ટરનેટ ના નગર માં સાહિત્યની મઢૂલી ખોલે ને બેઠા છે અને બધાને સાહિત્યનુ રસપાન કરાવે છે

 2. nayan panchal says:

  નારાયણભાઈને શત શત વંદન. ધીરજભાઈના મંતવ્ય સાથે સહમત.

  ખૂબ આભાર,
  નયન

 3. Anila Amin says:

  સન્સ્ક્રુતમા નારાયણનો એક અર્થ (નાર એટલે પાણી અને અયન એટલે રહેનાર) વિષ્ણુ,આપણા સહુનુ પાલન કરનાર તેમ

  નારાયણભાઈ ગાધીજી જેવા મહાપુરૂષના હ્રદયમા વસીને એમના વિચારોનુ પાલન અને સન્વર્ધન કરીને લેખન અને વક્તવ્ય દ્વારા

  આપણને આ ઉંમરે પણ આપી રહ્યાછે એ કાઈ નાની સૂની વાત ના કહેવાય.આપણનેતો આવા લેખકો મળ્યાછે તે આપણુ ધન્ય્ભાગ્ય

  કહેવાય પણ ભવિષ્યની પેઢીને કયા મહાપુરૂષોના જીવન ચરિત્રો મળશે. ધીરજ ભાઈએ બહુ સરસ અભિપ્રાય આપ્યોછે. એમની વાત

  તદ્દન સાચી છે. મ્રુગેશભાઈ ન હોતતો પરદેશમા વસતા અમારાજેવા અનેકોને આવુ સરસ અમૂલ્ય વાચન ક્યાથી મળત.

 4. pragnaju says:

  સમાજસેવક સામાન્યોને ધ્યાનમાં રાખે છે.
  બાપુનું તાવીજ યાદ આવી જાય – જ્યારે પ્રશ્ન થાય કે કોની સાથે ચાલવું, તો સમાજના સાવ છેવાડે ઊભેલા માણસને યાદ રાખી પોતાના કામને તપાસવું. નારાયણભાઈના જીવનમાં પણ આ છેવાડાનો માણસ પલાંઠી વાળીને બેઠેલો. એટલે જ વિનોબાના ભૂદાનયજ્ઞ દ્વારા રાષ્ટ્રના સૌથી છેવાડાના ગરીબ ભૂમિહીનોને ભૂમિ પહોંચાડવાના ક્રાંતિકાર્યમાં લાગી ગયા. જ્યારે ગુજરાતના મોવડીઓ હજુ કાંઠા પર ઊભા રહીને આ આંદોલનને મૂલવી-તોળી રહ્યા હતા ત્યારે આ નવજુવાને ગુજરાતભરની વ્યાપક પદયાત્રા દ્વારા ધરતીનો ખોળો ખૂંદી, એકરોનું ભૂદાન પ્રાપ્ત કરી, આંદોલનની સંભાવનાને સાકાર કરી. ‘મા ધરતીને ખોળે’ પુસ્તકમાં પ્રગટ થયેલી ઘટનાઓ એક નવયુવકના હૃદયમાં નવી અહિંસક સમાજરચનાના કેવા મજબૂત પાયા ખોડી આપે છે તેનું દર્શન કરાવે છે.
  સત સત વંદન

 5. jasama says:

  dear mrugesh bhai, hello! happy new year to u all & yr family. thank u for giving this nice information about respected narayan desai. i listen his gandhi katha in ATUL—VALSAD—GUJARAT-INDIA. at that time i’was very happy to see him nearly. i got a chance. to day i read his life . jsk .jasama gandhi. usa.

 6. Ashish Dave, Sunnyvale, California says:

  Long live Narayanbhai… Some day I will also get a chance to listen to him in person.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.