ચોર – અનુ.શાંતિલાલ ગઢિયા

[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. મૂળ લેખક : રસ્કિન બોન્ડ.]

અનિલને મળવાનું થયું ત્યારે ચોર તરીકે મારો હાથ બરાબર બેસી ગયો હતો. પંદર વર્ષનો કિશોર હતો, પણ એ કામમાં સફળ અને અનુભવી. અનિલ કુસ્તી હરિફાઈ જોતો હતો. પચીસેક વર્ષનો ઊંચો ને પાતળો બાંધાનો યુવાન. સીધોસાદો નરમ માણસ. મારા કામને લાયક. કેટલાય દિવસથી નસીબ ઉઘડ્યું નહોતું. ચાલો, આ યુવાનનો વિશ્વાસ સહેલાઈથી જીતી શકાશે.

‘તમે પણ સશક્ત છો, કુસ્તીબાજ જેવા જ…’ મેં કહ્યું. સામી વ્યક્તિની પ્રશંસાથી વાત શરૂ કરીએ તો એને સારું લાગે.
‘ભઈલા, તું પણ,’ એણે પ્રત્યુત્તરમાં કહ્યું. પળભર હું છોભીલો પડી ગયો, કારણ કે તે વખતે હું સાવ સૂકલકડી હતો.
‘તારું નામ શું ?’
‘હરિસિંગ.’ હું જૂઠું બોલ્યો. દર મહિને હું નવું નામ ધારણ કરતો, જેથી પોલીસથી બચી શકાય અને અગાઉ જેમણે નોકરીએ રાખ્યો હતો એ માલિકોથી પણ. ઔપચારિક વાતો પછી અનિલ બે હૃષ્ટપુષ્ટ કુસ્તીબાજો વિશે ટિપ્પણી કરવા લાગ્યો : ‘બેઉ કેવા એકબીજાની સામે ઘુરકિયાં કરી દમ મારે છે !’ હું કશું બોલ્યો નહિ. અનિલ ઊભો થયો. હું એની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
થોડીવારે એ ચમક્યો, ‘કોણ છે ?’ પછી મને જોઈ કહ્યું : ‘અરે, તું જ છે ?’ મેં પ્રભાવકારી સ્મિત કર્યું અને કહ્યું :
‘તમે મને ઘરકામ માટે રાખો ?’
‘રાખું તો ખરો, પણ પૈસા નહિ મળે.’
હું વિચારમાં પડી ગયો. આ તો ખોટો માણસ ભટકાઈ ગયો.
‘ઠીક છે. ખાવાનું તો મળી રહેશે ને ?’ મેં પૂછ્યું.
‘તને રાંધતા આવડે છે ?’
‘હા’ ફરી હું જૂઠું બોલ્યો.
‘તો તને ખાવાનું મળી રહેશે.’

એની રૂમ પર એ મને લઈ ગયો. મને કહે, બાલ્કનીમાં સૂઈ રહેજે. પહેલી રાત્રે મેં રસોઈ કરી. એ સ્વાદમાં ભયંકર હશે. તેથીસ્તો એણે ખાવાનું કૂતરાને આપી દીધું હતું અને મને ચાલતી પકડવાનું કહ્યું હતું. પણ પતંગિયું દીવાની આસપાસ ઘૂમરીઓ લે, એમ હું અનિલની આજુબાજુ ફરતો રહ્યો. એ જ મારું પ્રભાવકારી સ્મિત, અને અનિલ હસ્યા વગર ન રહી શક્યો. પ્રેમથી મારા માથે હાથ ફેરવતાં અનિલે કહ્યું :
‘સારું, હું તને રાંધતા શીખવીશ. ચિંતા ના કરીશ.’ અને હા, એણે મને મારું નામ લખતા શીખવ્યું અને વહેલાસર આખા વાક્યો લખતા અને સંખ્યાઓના સરવાળા કરતા પણ શીખવશે, એમ ઉત્સાહપૂર્વક જણાવ્યું. મારો આનંદ ક્યાંય માતો નહોતો. મને થયું, ભણેલા બાબુની જેમ મનેય લખતા આવડી જશે, પછી હું ક્યાંનો ક્યાં પહોંચી જઈશ ! અનિલને ત્યાં કામ કરવાનો મને આનંદ હતો. સવારમાં ચા બનાવું. પછી પરવારીને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જઉં. દિવસનો એક રૂપિયો એમાંથી હું રળી લેતો. મને લાગે છે, અનિલ આ જાણતો હતો, પણ એને કશો વાંધો હોય એમ લાગતું નહોતું. અનિલની આવક એકધારી ન હતી. ચડઉતર થયા કરે. એક અઠવાડિયે કોઈની પાસેથી ઉધાર લે, તો બીજા અઠવાડિયે કોઈને ઉધાર આપવા જેટલો સદ્ધર હોય. કડકીમાં હોય ત્યારે નવા ચેકની રાહ જુએ અને જેવો ચેક આવે કે ભાઈસાહેબ મોજમજામાં વાપરી નાખે. એ દૈનિકો અને સામાયિકોમાં લખતો એવી મને જાણ થઈ. લખવાથી પૈસા મળે એ મારા માટે નવાઈની વાત હતી.

એક સાંજે અનિલ ઘેર આવ્યો. હાથમાં નોટોનું બંડલ હતું. સહજ રીતે એણે કહ્યું કે એક પ્રકાશકે એનું પુસ્તક ખરીદતાં થોડી કમાણી થઈ છે. રાત્રે મેં એને નોટોનું બંડલ પથારીના ગાદલા નીચે સરકાવતાં જોયો. અનિલને ત્યાં કામ કરતાં લગભગ મહિનો થયો હશે, પણ ઘરની પરચૂરણ ખરીદીમાંથી મામૂલી પૈસા સેરવવા સિવાય કોઈ છેતરપિંડી મેં કરી નહોતી, કરવાની તક હતી છતાં. અનિલે ઘરની ચાવી મને આપી રાખી હતી. હું ઈચ્છું ત્યારે આવજા કરી શકતો. મારા પર આટલો વિશ્વાસ મૂકનાર પહેલો માણસ મેં જોયો હતો. તેથીસ્તો એને ત્યાં ચોરી કરવાનું મુશ્કેલ હતું. કંજૂસ અને લોભીને ત્યાં ચોરી કરવાનું સહેલું છે, કારણ કે પૈસા ગુમાવવાનું એને પોસાય, પરંતુ બેપરવા નિશ્ચિંત માણસને ત્યાં ચોરી કરવી સહેલું નથી. એને બિચારાને ક્યારેક ખબર જ હોતી નથી કે એ લૂંટાયો છે. એટલે ચોરી કરવાની મજા જ મારી જાય. ખેર ! મારું મન કહેતું હતું, હાથ અજમાવવાનો સમય પાકી ગયો છે. પ્રેક્ટિસ છૂટી જાય તે કેમ ચાલે ? વળી હું આ પૈસા નહિ લઉં તો અનિલ એનો ઉપયોગ મિત્રો પાછળ ખાણીપીણીમાં કરી નાખશે. અનિલ મને પગાર પણ ક્યાં આપે છે ?

અનિલ નિદ્રાધીન હતો. ચન્દ્રનાં કિરણો બાલ્કનીમાં થઈ બિછાના પર પડતા હતા. પરિસ્થિતિનો તાગ મેળવતો હું ભોંય પર બેઠો હતો. દલ્લો હાથ લાગે તો હું સાડા દસની લખનૌ એક્સપ્રેસ પકડી શકું. ધીરે રહીને શરીર પરથી કામળો દૂર કરી હું અનિલના બિછાના તરફ સરક્યો. ધીમા શ્વાસ લેતો એ શાંતિથી ઊંઘતો હતો. સાફ
ચળકતો ચહેરો. મારા ચહેરા પર તો કેટલા ઘસરકા હતા ! મેં કાળજીપૂર્વક હાથ ગાદલા નીચે સરકાવ્યો. આમતેમ ફંફોસતાં નોટોનું બંડલ અવાજ ન થાય તે રીતે કાઢી લીધું. અનિલે ઊંઘમાં પાસું ફેરવ્યું. હું ચમક્યો. ઝટપટ ચૂપકીથી રૂમમાંથી બહાર આવ્યો. રસ્તા પર આવી હું દોડવા લાગ્યો. કમર અને પાયજામાના નેફા વચ્ચે નોટોનું બંડલ ખોસ્યું હતું. દોડવાનું થંભાવી હવે ધીમી ગતિએ ચાલવા લાગ્યો. મારી આંગળીઓ થોડી થોડી વારે પચાસ-પચાસની બાર નોટોને રોમાંચક સ્પર્શ કરતી હતી. આજે તો ‘ઉપરવાલેને છપ્પર ફાડ કે દિયા !’ એક બે અઠવાડિયા બંદા ધનવાન આરબની જેમ જીવશે. હું સ્ટેશને પહોંચ્યો. ટિકિટ તો લેવાની નહોતી. (જિંદગીમાં કદી લીધી જ નહોતી) સીધો પ્લેટફોર્મ પર ધસી ગયો. લખનૌ એક્સપ્રેસ ઊપડી રહી હતી. હજુ સ્પીડ પકડી નહોતી અને હું કોઈ પણ ડબ્બામાં ચડી જઈ શક્યો હોત, પણ હું અચકાયો. શા માટે, સમજાવી શકતો નથી. છટકવાની તક છટકી ગઈ.

ટ્રેન ઊપડી ગઈ. સૂમસામ પ્લેટફોર્મ પર એકલો હું ઊભો હતો. રાત ક્યાં પસાર કરીશ ? મારો કોઈ મિત્ર ન હતો. મિત્રો કશા કામના હોતા નથી, બલ્કે આપત્તિરૂપ હોય છે એમ હું માનતો. સ્ટેશન પાસેની કોઈ હોટલમાં રહેવું પણ હિતાવહ નહોતું, કારણ કે આસપાસના લોકોમાં નાહક કુતૂહલ જાગે. જેને હું નજીકથી સારી રીતે ઓળખતો હતો એવો એક જ માણસ હતો, જેને ત્યાં મેં ચોરી કરી હતી એ. સ્ટેશન છોડી બજારના મુખ્ય રસ્તે હું ચાલી નીકળ્યો. લોકોની માલમિલકત તફડાવી લેવાની મારી ટૂંકી કારકિર્દીમાં હું એટલું જાણી શક્યો હતો કે કંઈક ગુમાવતી વખતે લોકોના ચહેરા પર વિશિષ્ટ ભાવ દેખાય છે. લોભી વ્યક્તિ ભયભીત થઈ જશે, પૈસાદાર ક્રોધ બતાવશે, ગરીબ વિવશ થઈ પરિસ્થિતિ સ્વીકારી લેશે. પણ અનિલની વાત જુદી હતી. જ્યારે એને ચોરીની જાણ થશે ત્યારે એના ચહેરા પર વિષાદની ઝલક હશે – પૈસા ગુમાવવાનો વિષાદ નહિ, વિશ્વાસ તૂટી પડવાનો વિષાદ.

હું બાંકડા પર બેઠો. જેમ રાત વીતતી હતી, તેમ ઠંડી વધતી જતી હતી. નવેમ્બરની શરૂઆત હતી. અધૂરામાં પૂરું, ઝરમર વરસાદ શરૂ થયો. પછી જોશથી પડવા લાગ્યો. મારું શર્ટ અને પાયજામો ભીંજાવાથી શરીરને ચોંટી ગયા હતા. પવનના સૂસવાટાને લીધે વરસાદની ધાર ચહેરા પર ભોંકાતી હતી. ટાવરની ઓથે હું ઊભો રહ્યો. ત્યાં કેટલાક ભિખારીઓ અને રખડુઓ સૂતા હતા. ઠંડી ને વરસાદથી બચવા તેઓ ફાટેલી-તૂટેલી ચાદરોમાં ટૂંટિયું વળીને સૂતા હતા. ઘડિયાળમાં મધરાતના ટકોરા પડ્યા. મને નોટોના બંડલની ચિંતા હતી. વરસાદમાં ભીંજાઈ ગઈ હતી. અનિલના પૈસા. કદાચ સવારમાં એ મને બે-ત્રણ રૂપિયા ફિલ્મ જોવા આપે, પણ એટલામાં શું થાય ? પૂરી રકમ હાથ પર હોય તો છૂટથી વાપરી શકાય. ઘેર રસોઈપાણી નહિ કરવાના, બજારમાં આંટાફેરા નહિ મારવાના, નોટબુકમાં આખાં વાક્યો લખવાની માથાકૂટ નહિ કરવાની…. અરે, આખાં વાક્યો ! ચોરીના ઉન્માદમાં આ અનેરો આનંદ વિસરાઈ ગયો હતો. હા, આખા વાક્યો લખવાની આવડત એક દિવસ મને સો-બસો રૂપિયાથીય મોટી સિદ્ધિ અપાવવાની હતી. ચોરી કરવી એ કોઈ મોટી વાત નથી, પકડાઈ જવું એય મોટી વાત નથી, પણ મોટા માણસ બનવું, શાણા ને આદરણીય માણસ બનવું, સાચે જ મોટી વાત છે. મારું અંતર કહેતું હતું : મારે અનિલ પાસે જવું જોઈએ. હું લખવાનું-વાંચવાનું શીખીશ.

ગભરાટ અને ક્ષોભ સાથે જલદી હું ઘેર આવ્યો. વ્યક્તિને જાણ ન થાય એ રીતે ચોરી કરી નાખીએ, પણ ચોરેલી વસ્તુ પાછી આપતી વખતે પણ એને જાણ ન થાય, એ કેટલું મુશ્કેલ કાર્ય છે ! હળવેકથી મેં બારણું ખોલ્યું અને પ્રવેશમાર્ગ પર વાદળછાયા ચન્દ્રતેજમાં ઊભો રહ્યો. અનિલ હજુ સૂતો હતો. હું ધીરેથી બિછાના તરફ સરક્યો. મારા હાથમાં નોટો હતી. અનિલનો શ્વાસ મારા હાથ પર ઝીલાતો હતો. એક મિનિટ શાંતિમાં પસાર થઈ. પછી ગાદલાની કિનાર તરફ મારો હાથ ગયો અને નોટો ત્યાં સરકાવી દીધી.

સવારે હું મોટો ઊઠ્યો. જોયું તો અનિલે ચા બનાવી લીધી હતી. એણે પોતાનો હાથ મારા તરફ લંબાવ્યો. આંગળીઓ વચ્ચે પચાસ રૂપિયાની એક નોટ હતી. મારું મન અકથ્ય મૂંઝવણ અનુભવી રહ્યું. મને લાગ્યું, મારું કૃત્ય ખુલ્લું પડી ગયું છે.
‘ગઈકાલે થોડાક પૈસા કમાયો છું,’ અનિલે સ્પષ્ટતા કરી, ‘હવેથી તને નિયમિત પગાર મળશે.’ મારી ભીતર આનંદની લહેર દોડી ગઈ, પણ નોટ હાથમાં લેતાં જોયું કે વરસાદના પાણીથી હજુ ભીની હતી.
‘આજે આપણે વાક્યો લખવાનું ચાલુ કરીશું.’ અનિલે કહ્યું. એને ખબર પડી ગઈ હતી, પણ એના હોઠ કે એની આંખો કંઈ જ પ્રગટ કરતા નહોતા. મેં અનિલ તરફ અતિ પ્રભાવકારી સ્મિત વેર્યું…સહજ રીતે અનાયાસ પ્રગટેલું સ્મિત.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નારાયણ દેસાઈ – મીરા ભટ્ટ
‘વિનય સપ્તાહ’ નિમિત્તે – રિદ્ધિ દેસાઈ Next »   

19 પ્રતિભાવો : ચોર – અનુ.શાંતિલાલ ગઢિયા

 1. Tamanna says:

  ખુબ સુન્દર્

 2. pragnaju says:

  સરસ પ્રેરણાદાયક વાર્તા

 3. સુંદર વાર્તા.

  આવી જ એક વાત મેં થોડા સમય પહેલાં સમાચારમાં સાંભળી હતી…..કોક રાજ્યમાં ચોરોને જ જેલમાં પૂરી રાખવાની જગ્યાએ ચોકી કરવા નિમવામાં આવ્યા….એમાંથી એક ચોરનો ઇન્ટર્વ્યુ પણ આવેલો….”જે અમારા પર આટલો વિશ્વાસ મૂકી ને રખેવાળી કરવા રાખે એને ત્યાં ચોરી કેમ કરાય??”…

 4. trupti says:

  નિશ્બ્દ રહી ને જે કહી શકાય છે તે શબ્દો દ્વવારા પણ નથી કહી શકાતુ.
  ચોરો ને પણ કાંઈ સિધ્ધાંત જેવુ હોય છે.
  આ વાત ઉપરની વાર્તા પરથી શાબિત થઈ ગઈ.
  ખરેખર વાર્તા સુંદર જ નહીં પરંતુ હેતુ લક્ષી પણ છે.
  લેખક શ્રી નો આભાર.

 5. dhiraj says:

  ખુબ સુંદર વાર્તા
  પણ આચરણ માં મુકાવું બહુ અઘરું છે
  અનિલભાઈ એ જે કર્યું તેને જ ગાંધીગીરી કહેવાય ને ?

  • hardik says:

   તૉ પછી ગાંધીજી એ જે કર્યું એ કઈ ગીરી કહેશૉ?
   અનીલભાઈ એ અનીલગીરી કરી અને એના અનેક નામ માનું એક નામ છે “માણસાઈ”.

   • જય પટેલ says:

    શ્રી હાર્દિકભાઈ

    ગાંધીજીએ જે કર્યુ તેને કોપીગીરી કહેવાય..!!
    પશ્ચિમી સભ્ય સમાજમાં રહીને સભ્યતાથી સરકારી નીતિઓનો વિરોધ કરતાં સભ્ય સમાજ પાસેથી શીખ્યા.
    સભ્ય સમાજના સભ્ય વિરોધના વિચારનો પ્રયોગ તેમણે સભ્ય સમાજ સામે કર્યો અને હીરો બની ગયા.
    પોતાની સભ્યતાની ઉઠાંતરી કરી કોઈ હીરો બની પોતાના જ સામે કરે તેને કોઈ નોબલ પીસ પ્રાઈસ આપે ?

    પશ્ચિમમાં આજે પણ સરકારી નીતિઓ લાગુ થતાં પહેલાં પ્રજાનો મત જાણવા પબ્લિક હીયરિંગ થાય છે.
    અમલમાં આવેલી નીતિઓ જો પ્રજાને પસંદ ના પડે રેડિયો…અખબાર અને હવે નેટ પર શાંતિથી સભ્ય વિરોધ
    થાય છે…કોઈ જ કોલાહલ નહિ. મોહનદાસે પશ્ચિમમાં રહીને સભ્ય વિરોધ શીખી આપણને શિખવવાની કોષિશ કરી
    પણ પેઢી બદલાતાં મૂલ્યો બદલાયાં કારણ જે આ સભ્ય વિરોધનો વિચાર આપણો ન્હોતો.

    • hardik says:

     કૉપીગીરી તો ખબર નહીં પરંતુ અમુક પશ્ચિમના ફિલસોફર પણ ક્યાં તૉ પુર્વ કે પશ્ચિમ ના કંટેપરરી ની કૉપી કરે છે. અનુભવ વગર માણસ વિચારી શકતૉ નથી. અને એ વિચારૉ પણ અનુભવ થી જ બનેલાં હૉય છે. અત્યારે અમેરિકા ભલે ફ્રાંસ ને મુર્ખામાં ખપાવતું હૉય પરંતુ ફ્રાંસ ના રીવૉલ્યુશનરી એલીટ(વૉલ્ટેર, લોકે, જેક રુઝૉ) ન વિચારૉ પર જ અમેરિકા ના(ફ્રાંસના પણ) રીવોલ્યુશન ને પછી કૉન્સ્ટીટ્યુશન ની દિશા મળી હતી. અમેરિકા આઝાદ પણ ના થયું હૉત જૉ ફ્રાંસે બ્રિટન ને હરાવા માટૅ મદદ ના કરી હૉત સ્ટેટ્યુ ઑફ લિબર્ટી તેનું પ્રતીક છે.પ્લેટૉ ના વિચારૉ વેસ્ટર્ન વર્લ્ડ ના પાયાં મા છે. જેને પ્લૅટૉનીસીટી કહેવાય છે. ગાંધીજી ના વિચારૉ પ્લેટૉનીસીટી થી ઘણાં અલગ છે.

 6. જગત દવે says:

  ગાંધીજીમાં આવી જ…….લોકો જેને ખરાબમાં ખરાબ માનતા હોય તેનાં માંથી પણ સારપ બહાર લાવવાની ક્ષમતા હતી. માટે જ એ મુઠ્ઠી હાડકાંનાં માનવીએ પ્રબળ આકર્ષણ ઊભું કર્યું હતું.

 7. Deval Nakshiwala says:

  સરસ વાર્તા છે. આ વાર્તા મેં પહેલાં ‘જનક્લ્યાણ’ મેગેઝિનમાં લગભગ પાંચ-છ મહિના પહેલાં વાંચી હતી.

 8. Chetan says:

  ખૂબ સરસ વાર્તા.પ્રેરણાદાયી.

 9. Bhavin Shah says:

  ખોટુ ના માનતા, સાચુ કહુ તો મને સામાન્ય વાત જ લાગી કેમ કે આવી તો ઘણી વાર્તા પહેલા લખાઇ ચુકી છે

 10. nayan panchal says:

  સુંદર વાર્તા. દરેકને બીજી તક આપવી જ જોઇએ, પરંતુ એ પહેલા ગુનેગાર ખુદ પોતાને બીજી તક આપવા માટે તૈયાર હોવો જોઈએ.

  આભાર,
  નયન

 11. Dipt Trivedi says:

  આ વાર્તા બતાવે છે કે માણસ શિક્ષણથી સુધરી શકે, લખવા વાંચવાનો મોહ એને પાછો લઈ આવ્યો, પણ આપણા સમાજમાં સિક્કાની બીજી બાજુ જેવી વાત એ પણ છે કે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા પ્રામાણિકતા વિસારે પાડી દે.

 12. Nirav says:

  very nicely written. જ્યારે અન્તરાત્મા પુકારે તયારે જ સાચિ દિશા દેખાય

 13. Vaishali Maheshwari says:

  Nice story. Thanks for sharing.

 14. Ashish Dave, Sunnyvale, California says:

  અનુવાદ કાબિલે તારીફ છે…

 15. sonali says:

  સરસ વાર્તા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.