કાલેલકરના લલિત નિબંધો – સં. ચિમનલાલ ત્રિવેદી

[લલિત નિબંધોમાં કાકાસાહેબ કાલેલકરની શૈલી જાણે કોઈ અન્ય લોકની સફર કરાવે છે. તેમની આંખે જોતાં નાનામાં નાની વસ્તુ સુંદર ભાસે છે. તાજેતરમાં તેમના ચૂંટેલા લલિત નિબંધોનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું નામ છે : ‘કાલેલકરના લલિત નિબંધો’. આજે તેમાંથી બે નિબંધો માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બારીમાંથી ડોકિયું

(ક્ષયરોગની બીમારીને કારણે સિંહગઢ પર જઈ રહ્યો હતો. હરવાફરવાની છૂટ ન હતી. ફક્ત બારીમાંથી ડોકિયું કરી આસપાસના પહાડો અને કરાડો જોઈ શકાતાં. તે વખતનું આ મનોરાજ્ય છે.)

હું પક્ષી થાઉં તો કેવી મજા પડે !
પેલો પથરો જુઓ ! હજારો વરસ થયાં જ્યાં પડ્યો છે ત્યાંનો ત્યાં જ છે. આટલાં વરસથી ત્યાં ઊભો છે છતાં પેલી કરાડ નીચે શું છે એની એને ખબર નથી. ટાઢ, તડકો, પવન, વરસાદ – બધું જ એને સહન કરવું પડે છે. એના કરતાં એની બાજુએ ઊગેલું પેલું ઝાડ હજારગણું સારું. પવન આવે ત્યારે કેવું ડોલે છે ! જેમ ઋતુ બદલાય તેમ એનાં પાંદડાંનો રંગ પણ બદલે છે. પાંદડાં ઘરડાં થયાં એટલે એ ખંખેરી નાખે છે. જરા રાહ જુઓ એટલે કૂંપળો અને નવાં પાંદડાં તૈયાર ! શિયાળો ગયો, વસંત વધ્યો, એટલે કે ઝાડ ખડખડાટ હસે છે. હસતાં-હસતાં જુઓ કેટલાં ફૂલ એને ફૂટી નીકળ્યાં છે !

ચોમાસામાં તો એને પાણી જોઈએ તેટલું મળે છે. ઉનાળામાં શું થાય ? અરેરે ! બિચારું ઝાડ એક ડગલુંય ચાલી શકતું નથી. દાવાનળ સળગે તોયે એ નાસી ન શકે અને કોઈ કુહાડી ઉગામે તોયે એ જરા સરખું ખસી શકતું નથી. એનાં ફળ અને ફૂલ શા કામનાં ? છતાં એ પોતાનાં મૂળિયાં જમીનમાં ખૂબ ઊંડાણમાં ફેલાવી દે છે અને ગમે ત્યાંથી પીવાનું પાણી મેળવે છે. જે ઝાડને પાણી ખૂબ અને પાસે જ મળે છે તેનાં મૂળિયાં બહુ ટૂંકાં હોય છે. કેળનું ઝાડ જ્યારે પડે ત્યારે એનાં મૂળિયાં કેવાં ટૂંકાં-ટૂંકાં દેખાય છે ! રણમાં જે ઝાડ ઊગે છે તેમનાં મૂળિયાં કેટલાંય દૂર જાય છે. વડ અને પીપળાનાં મૂળિયાં તો એકબે ગાઉ પણ દૂર જઈ શકે છે એમ કહેવાય છે. મૂળિયાં આટલાં દૂર ફેલાવે પણ ઝાડ બિચારું ખસી ન શકે !

એના કરતાં તો પેલો જીવડો હજાર દરજ્જે સારો ! એ ભલે નાનો હોય, ભલે એ રૂપાળો ન હોય, ભલે એને પેટે ચાલવું પડતું હોય, પણ એ પોતાની જગા તો બદલી શકે છે ! એક ઠેકાણે ખાવાનું ન મળ્યું તો ચાલ્યો બીજે ઠેકાણે. ઝાડ આગળ કીડાઓ તુચ્છ દેખાય છે, પણ એ જ કીડાઓ આખા ઝાડને ખાઈ પણ જાય છે. પણ બિચારા કીડાઓ કેટલા અસહાય ! દુઃખની પહેલી વાત એ કે એમને પેટે ચાલવું પડે છે. કોઈનો પગ પડ્યો તો ચગદાઈ જાય. ભાંગવા માટે એમની પાસે હાડકું પણ ન મળે. એ પોતાનો બચાવ શી રીતે કરે ?

એના કરતાં પેલાં પશુઓ સારાં ! એમની પાસે દોડવા માટે પગ છે, કરડવા માટે દાંત છે, પોતાનો બચાવ કરવા માટે કેટલાંક પાસે શિંગડાંઓ પણ હોય છે. અને દરેક પાસે કંઈક જુદી જ ખૂબી ! ઊંટે પોતાના પગ લાંબા કર્યા. કાંગારુએ પોતાની પૂંછડીનો જ એક વધારાનો પગ બનાવ્યો. જિરાફે પોતાની ડોક લાંબી કરી. હાથીએ પોતાનું નાક લંબાવ્યું, તે એટલે સુધી કે યોગીની પેઠે એ નાકમાંથી પાણી પીએ છે, નાક વતી જ શેરડી ઉખેડે છે. નાક લાંબું થયું એટલે હાથીને થયું કે ચાલો, આપણે દાંત પણ લાંબા કરીએ. પણ એ દાંત જ એને નડ્યા. ખાવાના દાંત તો ઠીક અંદર રહ્યાસહ્યા કામ કરવા લાગ્યા, પણ બતાવવાના બહારના દાંત જ એના શત્રુ થઈ પડ્યા. એના દાંતને માટે જ એનો શિકાર થવા લાગ્યો. હાથી આવડું મોટું જાનવર છે, પણ મને લાગે છે કે એના કરતાં પેલો વાંદરોય સારો. ગમે ત્યાંથી ગમે ત્યાં કૂદી શકે છે, ફળો વીણીવીણીને ખાઈ શકે છે અને ઉતાવળમાં ખાવું હોય ત્યારે બંને ગલોફાં ભરી રાખી શકે છે. બધાં જંગલો એનાં જ. ઘણાં જાનવરોને પૂંછડી હોય છે, પણ પૂંછડીની સાચી શોભા તો વાંદરાની જ ! ચાલવા દોડવા માટે ચારેચાર પગ વાપરવા એ ઉડાઉપણું ગણાય. કૂતરું જ જુઓ ને, ઘણી વાર ત્રણ પગે દોડે છે અને એક પગ સિલકમાં અધ્ધર રાખે છે.

આપણે માણસો રહ્યા. હાથીએ નાક વતી જે કામ લીધું તે આપણે ઊભા ચાલીને આગલા બે પગ વતી કરવાનું શરૂ કર્યું. પછી એને પગ કોણ કહે ? એ તો હાથ થયા. પગના હાથ થયા અને હાથની આંગળીઓમાંથી અંગૂઠો જુદો પડ્યો, તેથી જ માણસ દુનિયાનો માલિક બન્યો. માણસની બધી મહત્તા એના હાથમાં જ છે અને હાથમાંયે એના અંગૂઠામાં છે. આપણો અંગૂઠો કપાઈ જાય તો શું-શું કરતાં નડે એ એક વાર ‘મહાભારત’ના એકલવ્યને પૂછી જુઓ. બે પગ ઉપર આપણે ચાલતા થયા તેથી જ આપણે છાતી કાઢી શક્યા અને માથું ઊંચું કરી શક્યા. માથું ઊંચું થયું એટલે આપણે વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં જણાયું કે આપણે ઉઘાડા છીએ; કપડાં વતી શરીર ઢાંકી શકાય, ટાઢ સામે રક્ષણ કરી શકાય. હાથ હતા એટલે કાંતવાનું સૂઝ્યું, ગૂંથવાનું સૂઝ્યું. પેલો અંગૂઠો વાપર્યા વગર જરા તકલી ચલાવી બતાવો તો ખરા ! પણ શું માણસ કરતાં કોઈ મોટું નથી ? માછલીઓને આપણા કરતાં મોટી ન ગણો. એમને પાણીમાં રહેતાં આવડે છે તો આપણનેયે પ્રયત્ન કર્યે તરતાં આવડે છે. માછલીઓ પાણીમાં જોઈ શકે છે તો આપણે આંખો ઉઘાડીને તળાવમાં ડૂબકી મારી શકીએ છીએ. સમુદ્રનાં મોતી શું અમસ્તાં મળતાં હશે ?

પણ મને તો પક્ષી થવું જ ગમે ! પહેલો લાભ એ છે કે પંડિતજી પાસે શીખવ્યા વગર ગાતાં આવડે. બીજી વાત, કાંત્યા વગર સરસ કપડાં પહેરવાને મળે. સાબુ વગર એ સ્વચ્છ રહે. બદલવાંય ન પડે. બટન કાઢવા-ઘાલવાની પંચાત નહીં. અબોટિયું પહેરવાની કશી જરૂર ન મળે. જેવા હોઈએ તેવા પવિત્ર. અરે, કપડાં ઉતાર્યા વગર જ નવાય ! આચાર્ય રૉયને પણ ન સૂઝે એવા દેશી રંગનાં કપડાં ! પહેલેથી જ પોતાનો મનગમતો રંગ પસંદ કરી લેવો. કાગડો વિલાયતનો માણસ દેખાય છે. એને કાળાં કપડાં જ પસંદ પડે છે. અથવા મિલમજૂર હશે. કોલસામાં કામ કરવું અને ધોળાં કપડાં પહેરવાં એ કેમ પોસાય ? પેલા બગલા ગાંધીપંથમાં ભળ્યા દેખાય છે. એમને ધોળો જ રંગ ગમે. અને પોપટ શું મુસલમાન ? કેટલાકને બે રંગનો શોખ હોય તો કેટલાક પચરંગી હોય. કેટલાકનો રંગ ગરશિયાની પાઘડી જેવો તો કેટલાકનો પારસીની ટોપી જેવો. પણ રંગ ખાતર હું પક્ષી નહીં થાઉં. પક્ષી તો ઊડવા ખાતર થવાય. તળેટીથી ઊડ્યા કે પહાડના શિખર સુધી. ઉપરથી ભૂસકો માર્યો કે ફરી નીચે. નદી ગાંડા હાથીની પેઠે દોડતી હોય તોયે શું ? આપણે એ ચાલ્યા ભુરરરર્ સામે કાંઠે !

પક્ષીઓએ કુદરત ઉપર ભારે કાબૂ મેળવ્યો છે. મને તો આખો દિવસ પક્ષીઓને જોવાનું જ મન થાય છે. એ કેવાં ઊડે છે ! કેટલાંક પાંખ ફફડાવે છે. કેટલાંક તો બંને પાંખો ફેલાવીને જાણે હવા ઉપર તરતાં જ હોય ! ઘડીકમાં એ વિચાર ફેરવે, છાતી ફુલાવે અને હલકું થઈને એકદમ ઉપર જાય છે. ત્યાં મોટા મોટા ફેર ફરે છે. બે સમળીઓ આકાશમાં ફરતી હોય ત્યારે જોવાની તો ઓર જ મજા ! એનાં ગોળગોળ ચક્કર ઘડીકમાં એકબીજાને ‘કાપે’ છે. ઘડીકમાં એ સામે ફરે. ઉપર હોય એ નીચે જાય. નીચલી ઉપર આવે. ખૂબ આનંદ આવે ત્યારે કિલ કિલ કિલ અવાજ પણ કરે. એની આંખો પણ કેવી તીણી હશે ! નીચે કાંઈક જુએ એટલે ઝઅઅપ દઈને નીચે આવે. માથું નીચે ને પીંછાં ઉપર, એવી રીતે ઊતરતી સમળીને તમે જોઈ છે ? સમળી જ્યારે આમ નીચે ઊતરે ત્યારે એના ઉતારની રેષા જોવા લાયક હોય છે. ગણિતીઓ એ રેષાને ‘પૅરાબોલા’ કહે છે. પણ સમળી ધારે તો એને ‘હાઈપરબોલા’ પણ કરી શકે છે. કેટલાંક પક્ષીઓ કટકે-કટકે ઊડતાં હોય એમ દેખાય છે. જાણે તીડ પાસેથી જ એમણે ઊડવાના પાઠ લીધા હોય. એ લોકો મજામાં આવે એટલે મોજાંમાં ઊડે છે. અને બધાં જ મોજાં સરખા અંતરનાં. એક જાતની ‘પોકળી’ હોય છે. એ જાણે કરચલા પાસેથી પોતાની ગતિ શીખી છે. સામે જવાને બદલે બાજુબાજુ ઊડે છે. કેટલાંક ઊંચે ઊડનાર પક્ષીઓ જમણી પાંખ આકાશ તરફ અને ડાબી પાંખ પૃથ્વી તરફ રાખીને એક મોટું ચક્કર લગાવે છે અને ફરી સીધાં થઈ જાય છે. એમને એમાં શો આનંદ આવતો હશે ? તરવામાં જો એટલો આનંદ આપણને આવે છે તો એમને ઊડતાં કેટલો આવતો હશે !

કેટલાંક પક્ષીઓ ઊડતાં હોય ત્યારે જ ગાય છે. સ્થિર થઈને બેઠાં કે મૌની મુનિ ! કેટલાંકનો સાવ એથી ઊલટો સ્વભાવ. ગાવું હોય ત્યારે સરસ સ્થાન શોધીને ઠાવકું મોઢું કરીને બેસે છે અને પછી પોતાના ગાયનના ફુવારા ફેંક્યે જાય છે. એક વાર શરૂ કરે એટલે કલાકો સુધી ગયા જ કરે. કોયલ અને બપૈયા આ જાતનાં છે. સંસ્કૃત કાવ્યોમાં જ્યારે સર્ગ પૂરો થાય છે ત્યારે છેલ્લા શ્લોકનું વૃત્ત બદલાય છે. કોયલનું પણ એમ જ છે. એનું એક ગાયન પૂરું થયું એટલે તે વિશિષ્ટ રીતે અવાજ કરે છે, જરાક થોભી જાય છે અને પછી નવો રાગ શરૂ કરે છે. નાનાંનાનાં પક્ષીઓ ટૂંકા રાગ પસંદ કરે છે. તેઓ ડાળીએ-ડાળીએ કૂદતાં જ ગાય છે. કોક વખત જાણે પહેલેથી નક્કી કર્યું હોય તેમ ત્રણચાર જાતનાં પક્ષીઓ એક જ ઝાડ પર બેસીને એકસામટાં ગાયન શરૂ કરે છે. આ વૃંદ-ગાયનમાં તાલનું નામ ન મળે, છતાં એક જાતનું સંગીત અને માધુર્ય જામે છે ખરું. આ જાતનો આનંદ લેવાનું મન સૌથી વધારે લેલાંને થાય છે. બીજાં પક્ષીઓ ગાતાં હોય ત્યાં લલેડાં આવીને પોતાના રાગડા ભેળવવાનાં જ.

પક્ષીઓ જ્યારે ફૂલઝાડ પર આવીને બેસે છે ત્યારે એમને શું થતું હશે ? ફળઝાડ ઉપરનો સવાલ તો સીધો છે. રસાળ ફળ જુએ એટલે એ સીધાં ખાવાને દોડે. ભક્ષ્યભક્ષકનો એ કુદરતનો મુખ્ય ન્યાય છે. પણ રંગબેરંગી ફૂલો જોઈને પક્ષીઓને શું થતું હશે ? પોતાના જેવાં જ રમતિયાળ અને રૂપાળાં ફૂલોને જોઈને એમનાં મનમાં મત્સર તો નહીં પેદા થતો હોય ? ના. મત્સર તો માણસને માટે જ છે. કુદરતી સૃષ્ટિમાં બીજા ગમે તે ભાવો હોય, મત્સર જોવામાં નથી આવતો. મત્સર એ માનવી કૃતિ છે. મને લાગે છે કે પક્ષીઓ ફૂલોને જોઈને સમભાવથી એમને ગાવા કે ઊડવા નોતરતાં હશે અને ફૂલો જવાબ ન આપે એ જોઈ મૂંઝાતાં હશે.

એક ભારદ્વાજ પરમ દિવસે ચંપાના ઝાડ પર ફૂલ આગળ બેસી બોલતો હતો, ‘તને જોઈને મને ગાવાનું મન થાય છે. તને કેમ ગાયન નથી સૂઝતું ? તારા જેવો સોનાનો રંગ મને હોત તો આ સંધ્યાકિરણમાં હું સૂરજની જ હરીફાઈ કરત. ચાલ, મારી પાછળ આવ, આપણે સાથે ઊડીએ.’ કેટલીયે વાર એણે ચંપાનો અનુનય કર્યો, પણ એ માને નહીં. ન ઊઠે, ન બોલે. એણે તો એક નન્નો ચલાવ્યો હતો. એટલામાં પોતાનું કંઈ ખોવાઈ ગયું હોય અને એકાએક સાંભર્યું હોય તેમ ભારદ્વાજે પોતાનું મન ખેંચી લીધું અને પોતાની ચળકતી પાંખો ફેલાવીને એ ઊડી ગયો.
એ મને બોલાવત તો ?
.

[2] વાદળાનંદ

કુદરતમાં જેમ ફળોની, ફૂલોની અને વનસ્પતિની વિવિધતા છે તેવી વાદળાંમાં નથી. સમુદ્રકિનારે જાતજાતના શંખલાઓ જોઈને જેમ આશ્ચર્ય થાય છે અને સૌંદર્યના નમૂનાઓ શોધી કાઢતાં કુદરતનું ભેજું કેમ ચાલે છે એની આપણે કલ્પનાઓ કરીએ છીએ તેમ વાદળાંઓનું નથી. વાદળાં બિચારાં આકાશમાં ફેલાય છે. ધોળાંધોળાં હોય તો જાણે હસી પડે છે. અને પાણીથી લબાલબ ભરેલાં હોવાથી શ્યામરંગ ધારણ કરે છે ત્યારે તો જરા સરખું કારણ મળતાંવેંત રડી પડે છે. અને ખૂબી એ છે કે જ્યારે વાદળાં રડે છે ત્યારે આપણું મન સહાનુભૂતિથી ગમગીન નથી થતું. વાદળાં રડીને પણ આપણને તો પ્રસન્ન કરે છે.

જ્યારે કાળાં-કાળાં વાદળાં આખા આકાશને ઘેરી લે છે ત્યારે હું ગમગીન નથી થતો પણ ગંભીર થાઉં છું. થોડો અસ્વસ્થ પણ થાઉં છું. એનું કારણ એટલું જ કે જ્યારે ઘેરાં વાદળાં નવેદિશ ફેલાય છે ત્યારે આકાશ જાણે સાંકડું થઈ જાય છે. આપણી સામે કાવતરું કરી ગૂંગળાવવા માગે છે એવી ભાવના અથવા બીક હૈયાને દબાવી દે છે અને એની સામે બળવો કેમ કરાય એવા વિચારો મનમાં આવે છે. ઘણી વાર વિચાર કરું છું કે આવું મને જ થાય છે કે બીજાને પણ થતું હશે ? મને તો નાનપણથી આજ સુધી હંમેશ અચૂક એ જ ભાવના અસ્વસ્થ કરતી આવી છે એટલે ‘હશે એક ક્ષણની કલ્પના’ કહી એને કાઢી મૂકી શકતો નથી. કાળાં વાદળાંથી ઘેરાયેલું આકાશ મેં ક્યાંક-ક્યાંક જોયું છે અને હું કેટલો ગૂંગળાઈ ગયો છું એના બધા પ્રસંગો અને તે-તે દેશો આજે પણ યાદ છે. આ જાતની ગૂંગળામણ મને સૌથી પહેલી થઈ હતી તે દિવસ પણ યાદ છે. હું શાળામાં ભણતો હોઈશ અને અમારી બેળગૂંદીથી શહાપુર જતો હતો. કામ કંઈ જ હતું નહીં. ઘણા દિવસ થયા, ચલો શહાપુર જઈએ, ઘરમાં બધાંને મળાશે – એ વિચારે ઊપડ્યો હતો. આકાશ વધુ ને વધુ કાળુંમેશ થવા લાગ્યું. મને થયું શહાપુર શા માટે જઈએ ? અહીં વગડામાં જ પલાંઠી વાળીને આ વાદળાંઓને પડકાર કેમ ન કરીએ ? એ આખી વાર્તા પૂરી કરવા ન બેસું.

મારી ખરી દોસ્તી બે જ જાતનાં વાદળાં સાથે થાય છે. કોક-કોક વાર આકાશમાં સફેદ ગોળમટોળ વાદળાંના એવા તો ઊંચાઊંચા ઢગલા થાય છે કે જાણે પહાડોનું અનુકરણ કરવાનું એમને સૂઝ્યું છે. નીચેથી સીધાં સપાટ અને ઉપર જાણે ઢગલાનાં શિખરો જામતાં જાય છે. (મરાઠીમાં વાદળાને ‘ઢગ’ કહે છે. એટલે આવાં વાદળાંનું ઉત્સાહપૂર્વક વર્ણન કરું ત્યારે ढगाचे ढीग કહેવાનું જ મન થતું હતું.) નાનપણથી જ આવાં વાદળાંના ઢગલા એટલા બધા જોયા છે કે હું ધારત તો પહાડોનાં વર્ણનોની પેઠે આવાં વાદળાંનાં વર્ણનો પણ બારીકાઈથી કરી શકું, પણ છેલ્લાં કેટલાંક વર્ષો થયાં મેં જોયું કે નાનપણની એ કારાવાસ – ધવલસૃષ્ટિની અર્ધી શોભા હું જાણતો હતો.

એક વખત પૂનાથી સોળ માઈલ ઉપર આવેલા સિંહગઢ ઉપર રહેવા ગયો હતો. એ ઊંચાઈએથી એક વાર જોયું તો પૂના તરફનો આખો પ્રદેશ વાદળાંથી ઢંકાઈ ગયો છે અને અમે સિંહગઢનિવાસી એ વાદળાંઓને ઉપરથી જોઈએ છીએ. સિંહગઢથી પૂના સુધીનો આખો પ્રદેશ વાદળાંથી એવો તો ઢંકાઈ ગયો હતો અને વાદળાંની એ શોભા જાણે પગ તળે ફેલાઈ છે એવું લાગતું હતું. નાનપણમાં જેમ તડકામાં સુકાવા મૂકેલાં ગાદલાંઓ પર અમે આળોટતા હતા તેમ જ સિંહગઢ પરથી ભૂસકો મારી એ વાદળાંનાં ગાદલાંઓ પર થઈને આળોટતા-આળોટતા પૂના પાસેની પર્વતી ટેકરી સુધી જવાનું મન થયું.

વાદળાં નીચે અને આપણે એમનાથીયે ઉપર આકાશમાં પહોંચ્યા છીએ એ જાતના ગૌરવની ફક્ત આગાહી જ હતી. જ્યારે હવાઈ જહાજમાં – વિમાનમાં બેસી વ્યોમવિહાર કરવાની તક મળી ત્યારે વરસાદી આકાશમાં ઊડીને વાદળાંઓ વીંધીને ઉપરના સ્વચ્છ નીલ આકાશમાં જ્યારે પહોંચી શકાયું ત્યારે તે વખતનો આનંદ ઓર જ હતો. જ્યાં જુઓ ત્યાં વાદળાં ફેલાયેલાં છે. વચમાં-વચમાં એમાંથી એકાદ બાકોરું છે અને એમાંથી નીચલી લીલી ધરતી દેખાય છે, પણ જોતજોતામાં એ બાકોરું વટાવીને આગળ ગયા છીએ એવો અનુભવ થતાં જાતજાતના વિચાર-તરંગો મનમાં ઊઠવા લાગ્યા. નીચેના લોકો ધોધમાર વરસાદથી હેરાન પણ થાય છે અને ધન્ય પણ થાય છે, ત્યારે આપણે અલિપ્ત-ભાવે તેને નીચે રાખી આકાશના તારાઓ જોઈએ છીએ અને એક જ બાજુ ચાંદામામાને હસતો જોઈએ છીએ. એવા દશ્ય સાથે લાગ્યું કે પૃથ્વી અને એની ચિંતાઓ આપણે માટે છે જ નહીં. પૃથ્વી પરના લોકો જે ચાંદ અને તારાઓ જોઈ શકતા નથી તે બધા અમારે માટે ચારેકોર ફેલાયા છે એમ જોઈએ ત્યારે પૃથ્વી પરનું જીવન જાણે એક ભ્રમજાળ છે – માયાજાળ છે, આપણે એમાંથી મુક્ત થયા છીએ, આપણું જીવન તો સ્વચ્છ આકાશનું જ છે, એવો અનુભવ થવાથી મનમાં શંકા ઊઠે છે કે શું મુક્તિનું સુખ આવું જ હશે ? પૃથ્વી પરની વિમાસણ વાદળાંઓને કારણે છે. ચંદ્ર અને તારાઓ તો હંમેશ માટે સ્વચ્છ, શાંત અને ચળકતા છે જ. એ કોઈ કાળે ઘેરાયા હતા જ નહીં. ઘેરાઈ હતી પૃથ્વી અને આપણે કહેતા હતા કે ચાંદ, સૂરજ અને તારાઓ અલોપ થાય છે. શુદ્ધ દષ્ટિ મળ્યા પછી સાચી વસ્તુસ્થિતિ સમજાય છે, પણ પૂરતા ઊંચે ચડ્યા વગર એ શુદ્ધ દષ્ટિ આવતી નથી એ જ ખરું. હવાઈ જહાજની મુસાફરી મેં ચારે ખંડમાં કરી છે અને લગભગ બધા જ મહાસાગરો વિમાન દ્વારા મેં ઓળંગ્યા, પણ વાદળાંના વૈભવને તોલે આવે એવું સાગરદર્શન અમેરિકાથી જમૈકા અને ટ્રિનિડાડ જતી વખતે જ જોયું હતું, પણ એનું વર્ણન કરવા જતાં વિષયાંતર થાય.

મારાં માનીતાં વાદળાંનો બીજો પ્રકાર તે ચીંથરેહાલ વાદળાંઓનો. વાદળાં જેમ ફાટીને ચીંથરેહાલ થઈ જાય છે એમ એની શોભા વધે છે. અને એના પ્રકારો પણ કેટલા ! વાદળાંઓ કહે, અમારી હેરાનગતિથી તમને આટલી મજા કેમ પડે છે ? હું કહું છું, હું વાયુપુત્ર હનુમાનનો ઉપાસક છું. વાયુ તમારી સાથે રમત રમે છે ત્યારે એને જે આનંદ આવે છે તે જ મને આવે છે. તમારી હેરાનગતિ જો સાચી હોત તો જરૂર સહાનુભૂતિથી હું ગમગીન થાત. પણ તમે તો ગમે ત્યારે છતાં થાઓ છો અને ગમે ત્યારે અલોપ !….. ફાટેલાં વાદળાં આકાશમાં ફેલાય છે ત્યારે આકાશની શોભા અબરી જેવી – મારબલ પેપર જેવી ખીલે છે. સંગેમરમરના સફેદ પથરામાં જે જાતજાતની રંગીન ભાત દેખાય છે તેનું જ અનુકરણ કરી લોકો મારબલ પેપર કરવા લાગ્યા. એને જ ઉર્દૂમાં અબરી કહે છે. કેવળ નીલ આકાશ પરબ્રહ્મ જેવું શાંત શીતળ અને પ્રસન્ન હોય છે ખરું, પણ એના ઉપર વાદળાંની ભાત જ્યારે છતી થાય છે ત્યારે જ એ પરબ્રહ્મ જાણે આપણું થયું એમ લાગે છે. સફેદ વાદળાંના ઢગલા અને ચીંથરેહાલ વાદળાં પ્રત્યેનો મારો પક્ષપાત જણાવ્યો ત્યારે સિંહગઢ પરથી જોયેલાં કાચાં વાદળાંઓનો ત્રીજો પ્રકાર તરત યાદ આવ્યો. એ પણ ઓછાં સુંદર ન હતાં અથવા એમ કહું કે ઉપરના બે પ્રકાર સ્થાયી ભલે ન હોય, પણ અચળ ખરા જ; જ્યારે સિંહગઢ પર જોયેલાં વાદળાં પહાડ પરથી પાસેની ખીણમાં મરણિયાં થઈને કૂદી પડતાં હતાં.

વાત એવી હતી કે પૂના તરફની ગરમીથી બચી જવા માટે અમે સિંહગઢની ઊંચાઈએ રહેવા ગયા હતા. ઉનાળો પૂરો થવાના દિવસો હતા. પૂનામાં જ્યારે બફારો થઈ પરસેવાથી અમે રેબઝેબ થતા હતા ત્યારે સિંહગઢ પર જાડો ઊની ડગલો પહેરીને અથવા કંબળ ઓઢીને ફરવા નીકળવું પડતું. ત્યાં સિંહગઢ પર હવાનો ભેજ થીજીને એનાં કાચાં વાદળાં થતાં હતાં અને પવન જાણે મોટી સાવરણી થઈને એ વાદળાંઓનું વાસીદું કાઢી નાખતો હતો. કાચાં વાદળાં પૂરાં સફેદ નથી હોતાં. એમનો રંગ જાણે તેલિયો સફેદ હોય છે. એવાં વાદળાંના ગોટેગોટા સિંહગઢ પરથી પાસેની ખીણમાં ધડધડ કૂદી પડતા હતા. આટલી ઊંચાઈએથી એકદમ નીચે પડવાની એમને જરાયે બીક લાગતી ન હતી, પણ અમારું મન અસ્વસ્થ હતું. પછી તરત સમજાયું કે જેટલા જોશથી એ ભૂસકો મારે છે તેટલી જ ત્વરિત ગતિથી નીચલી હવામાં એ ઓગળી જાય છે. એમને વાગવાની બીક નહીં. પછી તો એમની એ મજા જોતાં કશો સંકોચ ન રહ્યો. રોજ ઊઠીને એ ખીણ બાજુ ફરવા જતો હતો અને એમનું ભૂસકાપુરાણ નિહાળતો હતો. એ તેલિયા-સફેદ કાચાં વાદળાં પણ સાહિત્યિક સાધનાનાં અધિકારી ખરાં !

હવે વાદળાંઓનો બીજો એક પ્રકાર અને એમાં ઉત્પન્ન થતો દષ્ટિભ્રમ : કોક વખતે આકાશમાં ખૂબ ઊંચેથી પવન વાય છે. બહુ જોરથી નહીં પણ સ્થિરપણે વાયુની સેરો છૂટે છે. પરિણામે આકાશમાં વાદળાંની સીધી લીટીઓ એક બાજુથી બીજી બાજુ ફેલાય છે. રેલવેના સમાંતર પાટા જોઈને આપણે અચૂક આગળપાછળ નિહાળીએ છીએ. આ પાટાઓ આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં એ જોયા વગર આપણને સંતોષ થતો નથી. જ્યારે કોઈ નદી આપણે જોઈએ છીએ ત્યારે જીવને જેમ જિજ્ઞાસા જાગે છે કે આ નદી આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં – એ જઈને જોવું જોઈએ. દુનિયાભરના યાત્રીઓને નદીનાં ઊગમ અને મુખ જોયા વગર સંતોષ થતો નથી તેમ જ રેલવેના પાટાનું પણ છે. પાટા આપણને બંને બાજુએ ચાલવા પ્રેરે છે. એ જ રીતે આકાશનાં વાદળાંના પાટા આપણને આગળપાછળ જોવાને આમંત્રે છે. આપણે જાણીએ છીએ કે રેલવેના પાટા સમાંતર હોય છે, એ ભેગા થવાના નથી, છતાં દષ્ટિભ્રમને કારણે આપણને લાગે છે કે દૂર જઈને એ પાટાઓ પાસેપાસે આવી એકબીજામાં ભળી જવાના છે. આવો અનુભવ આપણને હંમેશ થાય છે. આકાશનાં વાદળાંના પાટાઓનું પણ એમ જ છે. પવન જો પૂર્વ-પશ્ચિમ વહેતો હોય તો પૂર્વ તરફ વાદળાંના પાટા (અથવા પાટા જેવાં દેખાતાં વાદળાંઓ જેને Stratus કહે છે અને જેને આપણે સ્તરીમેઘ કહીએ છીએ એ. તેનું નવું નામ આપ્યું છે.) તે પણ એક કેન્દ્રમાં ભેગા થતા દેખાય છે. પશ્ચિમ તરફ જોઈએ તો એ જ સ્તરો અથવા પાટાઓ ત્યાં પણ ભેગા થયેલા જણાય છે. આ દષ્ટિભ્રમનું પરિણામ છે એ ન જાણવાથી આપણે કહીએ છીએ કે આકાશે પૂરવ તરફ એક હાથનાં આંગળાં ફેલાવ્યાં છે અને બીજી તરફ બીજા હાથમાં જાણે બે હાથ વચ્ચેનું આખું આકાશ સમાવી દેવાનો પ્રયત્ન છે.

વાદળાંઓના આવા અનેક પ્રકારો જોયા પછી મનમાં વિચાર આવ્યો કે આ અનુભવ અને આ આનંદ આપણા પૂર્વજોને પણ થતો હશે અને પશ્ચિમના લોકો તો આની ચિકિત્સા કર્યા વગર રહેવાના નથી, ત્યારે બંને તરફ સંશોધન ન કરીએ તો કેમ ચાલે ? અનંતકાળથી આ વાદળાંઓ આકાશમાં એવાં ને એવાં જ દેખાય છે અને છતાં દર વખતે એમનું રૂપ નવું નવું હોય છે. કોક વાર વાદળાંઓ આકાશમાં જોરથી દોડે છે એની વાત નોખી, પણ જે વાદળાંઓ આકાશમાં ઊંઘણશીની પેઠે સ્થિર છે એમ લાગે છે એમને ધ્યાનપૂર્વક જોતાં જણાય છે કે સ્થિર દેખાતાં છતાં ક્ષણેક્ષણે એમનું રૂપ બદલાય છે. ઘડીકમાં એ મોટાં થાય છે, ઘડીકમાં એ નાનકડાં ને પાતળાં થાય છે ને ઘડીકમાં છતાં થતાં એમને વાર નહીં અને જોતજોતામાં એ ક્યારે અલોપ થયાં એની પણ ખબર ન પડે. આપણા કવિઓએ આવાં વાદળાંઓનાં અનેક વર્ણનો કર્યાં છે – नवाम्बुभिर्भूरि विलम्बिनो घनाः જેવાં આબાદ વર્ણનો વાંચી આપણા અનુભવો તાજા થાય છે. પવન અને વાદળાંઓ બંનેની દોસ્તી હોવાથી બંને માટે કવિઓએ એક જ વખતે નામો તૈયાર કર્યાં હશે.

પશ્ચિમના લોકોએ વાદળાંના ચાર પ્રકાર ગણાવ્યા છે, જેમનું વર્ણન એક યા બીજી રીતે ઉપર આવ્યું જ છે. એક વાર દક્ષિણમાં કોડાઈકેનાલ ગયો હતો ત્યાં સૂર્ય-ભગવાનનો ફોટો પડાવનારી એક વેધશાળા છે એ જોવા અમે ગયા તો ત્યાં કેવળ સૂર્યનું જ નહીં પણ પવનનું અને વાદળાંઓનું પણ અધ્યયન થાય છે એમ અમે જોયું. ઈંટોના સ્ટૂલ જેવા થાંભલા ઉપર કાળો કાચ બેસાડી, એમાં આકાશના તારાઓનું પ્રતિબિંબ કેમ પડે છે અને એ વાદળાં કાચનો કેટલો ભાગ ઘેરી લે છે તેનો હિસાબ રાખવામાં આવે છે. હવામાનના અધ્યયન માટે આ બધું ઉપયોગી છે. સમુદ્રમાં મુસાફરી કરનારાં વહાણોને અને હવે આકાશની મુસાફરી કરનાર વિમાનોને આ બધું અધ્યયન ઘણું કામનું હોય છે અને ખેતીના પાકનો હિસાબ કરનારા લોકો પણ આવા અધ્યયનમાંથી ઘણો લાભ ઉઠાવે છે. અને મારા જેવા તટસ્થ માણસ એવા અધ્યયનમાંથી ઊંડો કાવ્યાનંદ મેળવે છે.

મેં એક ચોપડી જોઈ હતી. આખી જાડી ચોપડીમાં કેવળ વાદળાંના જ અસંખ્ય ફોટા આપ્યા હતા અને એમને વિશે ખૂબ જ રોચક માહિતી પણ આપી હતી. ચોપડી તો જોઈ, પણ વાંચવા જેટલો વખત ન હતો એટલે દરિદ્રોના મનોરથની પેઠે એ બધું જ જ્ઞાન મેળવવાની ઈચ્છા જાગી અને વિલીન થઈ. પછી મન મનાવ્યું કે સમાનધર્મા લોકોનો આનંદ જાણવા મળત તો સારું થાત. પણ વાદળાઓનું મારું નિરીક્ષણ અને મારી ભક્તિ ક્યાં ઓછાં છે કે હું વીલું મોઢું કરું ? મારો વાદળાનંદ એક આખો જન્મારો વાગોળવા પૂરતો છે. હું જ બીજાઓને કેમ ન આમંત્રું કે તમે પણ વાદળાંઓની ભક્તિ કરો, તમે પણ એમના કૃપાપ્રસાદથી વ્યોમવિહાર કરવાની કળા વગર પૈસે કેળવો !

[કુલ પાન : 224. (પાકું પૂઠું). કિંમત રૂ. 130. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કર્જા લે કર ખૂબ કમાઓ ! – રતિલાલ બોરીસાગર
હરિનું ઠામ ચીંધતું કાવ્ય – દર્શના ધોળકિયા Next »   

7 પ્રતિભાવો : કાલેલકરના લલિત નિબંધો – સં. ચિમનલાલ ત્રિવેદી

 1. ખુબ જ સુંદર…પ્રથમ વાતમાં પક્ષીના રંગ વિશે ની વાત વિશેષ ગમી.

  વાદળોને પણ સુંદર ઉપમાઓ આપી છે…

 2. Rakesh Dave says:

  શ્રી કાકાસાહેબ કાલેલકર ના લેખ વાંચવા ની ખુબ મજા આવી.
  ઓતરાતી દીવાલો અને સ્મરણ યાત્રા માં થી કોઈક વાર લેખો મુકશો.
  હિમાલય નો પ્રવાસ પણ.
  સવાઈ ગુજરાતી ને ખુબ ખુબ વંદન !

 3. Mahek Bhanushali says:

  sudar maja na udaharn upar thi manav jagat taraf saru avu kidhu che…

 4. Anila Amin says:

  કાકાસાહેબના વર્ણનો ભવ્યાતીભવ્ય હોયછે , એમના કલ્પના વિહારને કોઈ પણ આબી શકવાને અસમર્થ છે, પ્રક્રુતિનુ

  સૂક્ષ્મ નિરીક્ષણ એમના જેટલી બારીકાઈથી ભાગ્યે જ કોઈ કરી શકે. અહીયા કરેલા પક્ષીઓના વિહારના અને વાદળોના જુદાજુદા

  પ્રકાર ના વર્ણનો હોયકે પછી જળ સ્થળ કે ચેતન,નદી પર્વતકે પ્રક્રુતિ ગમેતેનુ વર્ણન એ એટ્લુ આબેહૂબ કરેકે એ વસ્તુ આપણી

  સમક્ષ યથાતાથ સ્વરુપે ખડી થઈ જાય . ગુજરાતિ ભાષા પરનુ તેમનુ પ્રભુત્વ અદભુત રહ્યુછે માટૅજતો એ સવાઈ ગુજરાતિ કહેવાય છે.

 5. કાકાસાહેબ કવિ.ચિત્રકાર,સૂક્ષ્મદર્શી,તેમ જ
  દીર્ઘદૃષ્ટિ ધરાવનારા છે.તેઓને વાઁચવા
  જેવા છે જ ! સવાઇ ગુજરાતીને સલામ !

 6. Ashish Dave, Sunnyvale, California says:

  Simply outstanding…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.