કર્જા લે કર ખૂબ કમાઓ ! – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.]

મારું જ્યાં સેવિંગ્સ ખાતું છે એવી એક રાષ્ટ્રીયકૃત બૅંકના પ્રવેશદ્વાર પર એક બોર્ડ મૂકેલું છે. બોર્ડમાં હિન્દી ભાષામાં લખ્યું છે : ‘કર્જા લે કર ખૂબ કમાઓ ઔર ચુકા કર ઈજ્જત પાઓ.’ આમાં ‘દેવું કરો’ એ પડકાર છે, ‘ખૂબ કમાઓ’ એ શુભેચ્છાઓ છે અને દેવું ચૂકવીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો એ શ્રદ્ધા છે એમ હું સમજું છું. આ શ્રદ્ધા ફળવાનો ઘણો આધાર બૅંકના (અને એ રીતે બૅંકના ખાતેદારોના) ભાગ્ય પર છે.

હમણાં હમણાં લોકોને લોન આપવાના બૅંકોના ઉત્સાહમાં એકદમ ભરતી આવી છે. ફર્નિચર, ફ્રિઝ, મકાન, ટીવી, વી.સી.ડી., ડી.વી.ડી., બાઈક, કાર – જેને માટે જોઈએ તેને માટે લોન આપવા આપણી બૅંકો તત્પર છે. ‘લોન લઈને બૅંક ખાલી કરો અને ચીજવસ્તુઓથી તમારું ઘર ભરી દો’ આવી ભાવના આપણી બૅંકો સેવી રહી છે. સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણનાં કાર્ટૂનો પરથી તૈયાર થયેલી શ્રેણી ‘વાગલે કી દુનિયા’ દૂરદર્શન પરથી પ્રસારિત થઈ હતી. આ શ્રેણીનો એક હપતો બૅંકની લોનને લગતો હતો. બૅંકની ‘ઈઝી (સરળ) લોન સ્કીમ’ની જાહેરાત છાપામાં વાંચી એક માણસ બૅંકમાં લોન લેવા જાય છે. બૅંકમાં પ્રવેશીને એ માણસ સીધો તિજોરી પાસે જાય છે. એની સમજ એવી હતી કે, ‘ઈઝી લોન સ્કીમ’ છે એટલે તિજોરી ખોલીને પૈસા લઈ લેવાના હશે. એ માણસને તિજોરીનું હૅન્ડલ ફેરવવાનો પ્રયત્ન કરતો જોઈને બૅંકના મૅનેજર એને કહે છે ‘ઈટ ઈઝ નોટ ધેટ ઈઝી’ (લોન મેળવવાનું સહેલું છે, પણ તમે માનો છો એટલું બધું સહેલું નથી !)

આ તો ઘણાં વરસ પહેલાંની વાત છે. પણ હવે લોન મેળવવાનું સાવ સરળ થઈ ગયું છે. હવે લગભગ બધી બૅંકોમાં એ.ટી.એમ. દ્વારા પૈસા મેળવવાની સગવડ સુલભ બની છે. અત્યારે તો કદાચ તમારા જમા પૈસામાંથી જ એ.ટી.એમ. દ્વારા નાણાં મળતાં હશે, પણ જતે દહાડે તમારે જેટલી લોન જોઈતી હોય એટલી લોનનાં નાણાં એ.ટી.એમ દ્વારા મળતાં થઈ જશે. એ.ટી.એમ.ના અર્થની તો મને હજી ખબર નથી. પણ લોનનાં નાણાં જો એ.ટી.એમ દ્વારા મળતાં હોય કે મળતાં થાય તો એ.ટી.એમ.નો અર્થ ‘એની ટાઈમ મની’ (ગમે તે સમયે પૈસા) એવો થઈ શકે.

મારું ખાતું જે બૅંકમાં છે એ બૅંકમાં ‘કર્જા લે કર ખૂબ કમાઓ’ એવું પાટિયું જોઈ મને થોડી ચિંતા થઈ. બૅંક આ રીતે લોન લેવા માટે લોકોને ઉશ્કેરી રહી છે. એ તો ખૂબ કમાવા માટે લોન આપે છે. પરંતુ લોકો ખૂબ કમાવા માટે નહિ ઉશ્કેરાય કદાચ, પણ લોન લેવા માટે ચોક્કસ ઉશ્કેરાશે અને લોન લીધા કરશે અને બૅંક પાસે પૈસા નહિ રહે તો શું થશે ? બૅંક મૅનેજર મારા પરિચિત છે. મેં એમની પાસે જઈને કહ્યું, ‘લોન લેવા અંગેનું બોર્ડ વાંચીને તમારી પાસે મારી મૂંઝવણ રજૂ કરવા આવ્યો છું.’
‘લોન લેવી છે ?’
‘ના, પણ આ બોર્ડ વાંચીને બધા લોન લેવા માંડશે ને બૅંકના પૈસા ખલાસ થઈ જશે તો મારે મારા ખાતામાંથી પૈસા ઉપાડવા હશે ત્યારે મળશે ને ?’
‘તમારા ખાતામાં કેટલા પૈસા છે તે મૅનેજર તરીકે મારાથી પુછાય નહિ. પણ તમે પરિચિત છો એટલે પૂછું છું. તમારા ખાતામાં કેટલી રકમ છે ?’
‘હજાર રૂપિયા મિનિમમ રાખવાનો નિયમ છે એટલે એટલા તો ખરા જ. બીજી તો વ્યાજની રકમ જમા થાય – બે-ત્રણ હજાર – એ ઉપાડ્યા કરવાની થાય છે દર મહિને. એટલે સમજોને કે ચારેક હજાર જેટલું જોખમ કહેવાય.’ મારી વાત સાંભળી મૅનેજર હસી પડ્યા ને બોલ્યા,
‘તમે ચિંતા ન કરો. તમારા ચારેક હજાર પણ આપી નહિ શકાય, એવી બૅંકની સ્થિતિ ક્યારેય નહિ થાય તેની ખાતરી રાખજો.’ મૅનેજરના વચનમાં શ્રદ્ધા રાખવા સિવાય બીજો છૂટકો ન હતો. પણ આ બોર્ડ વાંચ્યા પછી મને બૅંકમાં મૂકેલા મારા પૈસાની ચિંતા થવા માંડી છે.

લોન લેવા વિશેનું બોર્ડ વાંચી મને જેમ ચિંતા થાય છે, એમ આ લોન લેનારાંઓની ઈર્ષા પણ થાય છે. એક સમય હતો જ્યારે મારા જીવનમાં લોનની વસંત બેઠી હતી. લોનની આ એવી વસંત હતી, જેમાં પાનખર આવવાની કોઈ શક્યતા જ નહોતી ! લોનના મારા આ મધ્યાહ્ન સમયે લોનો જલદી મળતી નહોતી. આપણા વિખ્યાત ક્રિકેટર વિજય મર્ચન્ટ એકવાર ટેસ્ટ મેચની કૉમેન્ટરી આપી રહ્યા હતા. (એ સમયના બધા કૉમેન્ટેટરોમાં મને વિજય મર્ચન્ટનું અંગ્રેજી જ સમજાતું હતું.) એક ક્રિકેટરે (મને યાદ છે ત્યાં સુધી અબ્બાસ અલી બેગે) એક જોરદાર ફટકો માર્યો ને એક છોકરી મેદાન પર ધસી આવી અને ક્રીઝ પર જ ક્રિકેટરને ભેટી પડી. એ વખતે વિજય મર્ચન્ટે કહેલું : ‘અમેય અમારા જમાનામાં આવા ફટકા કેટલીય વાર મારેલા. એ વખતે આવી છોકરીઓ ક્યાં ગઈ હતી ?’ લોન આપવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મનેય વિજય મર્ચન્ટની જેમ થાય છે કે ‘અમારા જમાનામાં અમેય અનેક વાર લોન લીધેલી. એ વખતે આ બૅંકો ક્યાં ગઈ હતી ?’

બૅંકમાં મૂકેલા બૉર્ડનો પૂર્વાર્ધ ‘કર્જા લે કર ખૂબ કમાઓ’ તો ઘણો આનંદદાયક છે. લોન લેવાની પ્રવૃત્તિ જીવનની આનંદદાયક પ્રવૃત્તિ છે એ હું સ્વાનુભાવે કહી શકું એમ છું. પણ બોર્ડનો ઉત્તરાર્ધ ‘ઔર ચુકા કર ઈજ્જત પાઓ’ ઘણો દુઃખદાયક છે. જોકે, લોન લેનારા કેટલાક હિંમતવાન લોકો આ દુઃખમાં પડતા જ નથી. લોન લીધા પછી એમને સારી ઊંઘ આવે છે. લોન આપ્યા પછી જાગવાનો વારો બૅંક મૅનેજરોનો આવે છે. જોકે લોન લીધા પછી ચૂકવવી પણ જોઈએ એવું માનનારો વર્ગ પણ ઘણો મોટો છે. એમને હું કેટલુંક માર્ગદર્શન (કશી પણ ફી લીધા વગર) આપવા માગું છું. આ બાબતનો મારો અનુભવ લોન લેનારાઓને ખપમાં આવશે એવી મને શ્રદ્ધા છે.

મારા સમયમાં અત્યારે છે એવી લોન આપવામાં ઉદાર એવી બૅંકોનો જન્મ થયો નહોતો. એટલે મારે મિત્રો પાસેથી નાની-મોટી લોનો લેવી પડતી. આ લોનો હું સમયસર પાછી ભરી પણ દેતો. આ કારણે મિત્રોમાં એક પ્રમાણિક માણસ તરીકેની મારી છાપ હતી. આ છાપ ખોટી નહોતી. પણ આ પ્રમાણિકતા પાછળ એક રહસ્ય હતું. આ રહસ્ય આજે લોન લેનારાઓના લાભાર્થે છતું કરું છું. જોકે, વાત એકદમ સીધીસાદી ને સરળ છે. જેની પાસેથી લોન લીધી હોય એવા મિત્રને ધારો કે અગિયારમી તારીખે અગિયાર વાગે લોન પરત કરવાનું પ્રૉમિસ કર્યું હોય તો બીજા મિત્ર પાસેથી અગિયારમી તારીખે પોણા અગિયાર વાગ્યે એટલી જ રકમની લોન લેવાની. બસ, તમારે પણ એ જ રીતે એક બૅંકની લોન ભરપાઈ કરવા બીજી બૅંકની લોન લેવાની. બૅંકો અત્યારે લોન આપવા માટે એટલી બધી ઉત્સાહમાં છે કે કદાચ એક દિવસ એવો આવશે કે તમે લોન લેવા માટે ફોન કરો ને પછીના કલાકમાં બૅંકનો કલાર્ક લોનનો ચેક લઈને તમારે આંગણે આવી જશે. તો બેસ્ટ લક ! ‘કર્જ લે કર ખૂબ કમાઓ, ઔર ચુકા કર ઈજ્જત પાઓ !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક વિરામ…-તંત્રી
કાલેલકરના લલિત નિબંધો – સં. ચિમનલાલ ત્રિવેદી Next »   

11 પ્રતિભાવો : કર્જા લે કર ખૂબ કમાઓ ! – રતિલાલ બોરીસાગર

 1. Bhavin Shah says:

  ખુબ જ સરસ.. એક બેન્ક નિ લોન ચુકવવા માટે બીજી બેન્ક પાસેથી લોન લેવાનો આઇડીયા ખુબ જ ગમ્યો… by the way ATM = automated teller machine… 🙂

 2. 🙂

  હું પણ લોન લેવાનો વિચાર કરુ છું…….

 3. Deval Nakshiwala says:

  સરસ લેખ હતો. હાસ્ય ઓછું છે પણ વાંચવાની મજા આવી.

 4. Anila Amin says:

  વાચવાની ખૂબ મઝા આવેછે, લોન આપવા વાળી બેન્કો વિષે સરસ હાસ્ય નિપજાવ્યુ.વખણવા લાયક.

  હુ લેખકશ્રીને વિનન્તી કરુકે લોન ન લેવાવાળા વિષે હાસ્યલેખ લખશો અને એ તમેજ કરી શકો.

 5. nayan panchal says:

  સારો હાસ્યલેખ છે. એક સમયે લોન ચૂકવવા માટે પણ લોન લેવી પડશે. દેવુ કરો અને ઘી પીઓ.

  આભાર,
  નયન

 6. Vaishali Maheshwari says:

  Good one Ratilalji Borisagar. Enjoyed reading “‘કર્જ લે કર ખૂબ કમાઓ, ઔર ચુકા કર ઈજ્જત પાઓ !’”

 7. pragnaju says:

  હાલની સમસ્યાની કટાક્ષમય
  મરક મરક હાસ્ય લાવે તેવી
  મઝાની રજુઆત્

 8. જગત દવે says:

  આ અમેરીકાએ શરુ કરેલાં લોન લેવા-દેવાનાં ચક્કરમાં જ આજે દુનિયાભરનાં અર્થતંત્રો ને ઠંડી લાગી ગઈ છે.

 9. Gayatri dekavadiya says:

  Mare pan lon levano vichar 6:-)good artical 6.real condiction batavi che hasy vade:-)

 10. hit desai says:

  બેસ્ટ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.