પરમ માતૃરૂપને પોકાર – રીના મહેતા

[જાણીતા સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના દીકરી રીનાબેન મહેતાનો તેમની માતાને અંજલિ રૂપે લખાયેલો આ લેખ છે. પ્રસ્તુત લેખ ‘તારું ચાલી જવું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન સંધ્યાબેન ભટ્ટે કર્યું છે.]

પચ્ચીસ નવ્વાણું બસો સાત…. આ નંબર ઘણી વાર મારી આંગળીઓ આદતવશ જોડી દેતી ને પછી રણકતી રિંગમાં સંભળાયા કરતો ખાલી ઘરનો સૂનકાર. કોઈ અવાજ સૂનકાર સંભળાવે ? ગઈ ધૂળેટીની બીજી રાતે રોજની જેમ બાનો ફોન આવ્યો. મા-દીકરીની સામાન્ય વાતો. ‘અમે રવિવારે તારે ત્યાં આવીશું’, કહી એણે ફોન મૂક્યો ત્યારે મને કે એને પણ ક્યાં ખબર હતી કે આ અમારી છેલ્લી જ વાત હતી ? હવે જ્યારે કોઈને પણ વિદાય આપું કે થોડા દિવસ પછીનું કોઈ આયોજન કરવાનું હોય ત્યારે ‘મૃત્યુ’ વીજળીના ચમકારાની જેમ મારી અંદર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી જાય.

દોઢેક કલાક પણ વીત્યો નહોતો ને ફરી ફોન આવ્યો : બા કંઈ બોલતી-ચાલતી નહોતી. છેલ્લાં વર્ષોમાં બા અનેક વાર માંદી પડેલી. પણ આ વખતે મને અંદરથી થયું : બા કદાચ નહિ હોય. અમે દોડતાં પહોંચ્યાં. બા એના ગમતાં પલંગમાં સૂતી હોય એમ જ મૃત્યુ પામેલી. ભાંગી પડેલી મોટીબહેને ‘બા…ઓ…બા…’ કહી ઢંઢોળી. ભાઈ-ભાભી-‘દાદા’ (મારા પિતા) રઘવાયા ચહેરે ઝળુંબ્યા. મેં પણ જાણવા છતાંયે નાના બાળક પેઠે એના ગાલ પર હાથ ફેરવી ‘બા…બા…’ કર્યું. એનો દુર્બળ હાથ કશાં પ્રત્યુત્તર વગર ઢળી પડ્યો, પહેલી વાર. જાત-જાતની કષ્ટદાયક બીમારીઓ ઝીલી સાવ જર્જરિત થઈ ગયેલું એનું શરીર જેને અમે આ દુનિયામાં આંખ ઉઘાડી ત્યારથી ‘બા’ કહી બોલાવતાં, જે અમારા અડધા બોલે બેઠું થઈ જતું, એ હવે ક્યારેય હોંકારો દેવાનું નહોતું એ વાત હૈયામાં એ પળથી આ પળ સુધી ચિરાડો પાડતી રહી છે.

પલક વારમાં માણસોથી ભરાઈ ગયેલો મોટોમસ ઓરડો ખાલીખમ અનુભવાયો. સંબંધીઓએ બાના શરીરને નવડાવવા લઈ જવાનું કહ્યું ને હું બોલી ઊઠી : ‘અરે ! જરાં તો થોભો, શ્વાસ તો ખાવા દો એને !’ ક્યો શ્વાસ ? અદશ્ય હવામાં ભળી ગયો હતો એ ? મેં આંખ બંધ કરી થોડી પળ એના માથે હાથ મૂક્યો. ભીતરની એ શાંત દુનિયામાં કશું જ નહોતું. જીવન-સુખ-મૃત્યુ-દુઃખ…. કેવળ મૌન – જેમાં મેં મારી અતિનિકટની ચેતના માટે પરમાત્માને પ્રાર્થના કરી જેના કોઈ શબ્દ નહોતા.

બાને નવડાવીને પહેરાવવાનાં નવાં વસ્ત્ર કબાટમાંથી કાઢવા માટે ચાવીઓની શોધાશોધ થઈ. બધી જગ્યા ફેંદી અમે થાક્યાં. સૂતેલી બા આગળ જાણે પુછાઈ જતું હતું : ‘બા ! ચાવી ક્યાં છે ?’ ચાવી મળી. હજી મહિના પહેલાં જ એણે મારી પાસે કબાટ ઉઘાડાવેલું અને બૉક્સમાં મૂકેલી જરીની બૉર્ડરવાળી બે સુંદર સાડીઓ કઢાવી’તી.
‘બેમાં કઈ વધારે સારી લાગશે ?’ એ ક્યાંક જવાની હોય ત્યારે દ્વિધામાં અચૂક આ પ્રશ્ન પૂછતી. હવે ઝાઝું તો ક્યાંય જવાતું નહિ એટલે મેં આશ્ચર્યથી એને સામું પૂછ્યું, ‘કેમ ?’
‘જાઉં ત્યારે પહેરાવવા….’
આ સાંભળી હું ખડખડાટ હસું કંઈ હસું. એય હસે ને કહે, ‘સારી સાડી પહેરીને જ જાઉં ને ?’
‘આ છોકરાઓ (પૌત્ર-દોહિત્ર)નું કંઈ નક્કી થાય ત્યારે જ પહેરજે ને ! જીવતાં….’
‘હવે મારો કંઈ ભરોસો નથી. ગમે ત્યારે ટપ્પ. બહુ જીવ્યા, ખાધું-પીધું. કેટલું જીવવાનું ? કશી બીકે નથી લાગતી મરવાની. ભગવાન બોલાવે કે જતાં રહેવાનું. હવે તો તારા બાપાનીયે ચિંતા નથી. તમે બધાં છો ને !’ બે મહિના પહેલાં બહુ માંદી પડેલી ત્યારે વારંવાર કહેતી, ‘આ મારી છેલ્લી માંદગી….’ ને એમ જ બન્યું. બચવાની બહુ આશા નહોતી, પણ ઘરે આવીને ધીરે ધીરે હરતી-ફરતી થઈ ગઈ.

ત્રણેક વર્ષ પહેલાય બહુ માંદી હતી ત્યારે ભાઈને ઘરે એને નવડાવવા રોજ સવારે જાઉં. અમે બે-ત્રણ જણ માંડ એને બેસાડતા. નહાવાની એને ભારે ચટ. બધે ઘસી-ઘસીને સાબુ લગાડાવે. લંબાયેલી માંદગીથી અમે બધાં ઢીલાં થઈ જતાં. એને માટે આખા દિવસની બાઈ રાખવા વિચાર્યું. એને કદાચ અંદરથી સહેજ ધક્કો લાગ્યો. બીજી સવારે બાથરૂમમાં ભારે પોપચાં ઊંચાં કરી મને પૂછે : ‘બહુ મહેનત પડે છે નવડાવવામાં ?’ હું નીચું જોઈ ગઈ. કઈ રીતે એને કહું કે કેટલી મોટી ઢાંઢા જેવડી થઈ તોય બા પાસે નહાતી તેથી મારી બહેનપણીઓ મશ્કરી કરતી. માથું તો એ જ ધોઈ આપતી ગમે તેટલાં કામમાંય.
‘લો ! તમે જ નવડાવી દો ! અમે પાણી રેડીએ છીએ….’ પ્લાસ્ટીકની સાદડી પર જેમ ફેરવો તેમ સૂવે એવો નિશ્વેત દેહ… મારી આંખોમાં પાણી આવ્યાં. ‘ઓ બા રે…..’ કહી મેં ડૂસકું મૂક્યું ને એના હાથ, પગ, મોં, પેટ બધે છેલ્લી વાર હાથ ફેરવ્યો. ‘અહીં સાબુ ઘસ…’ એ બોલતી સંભળાઈ. આ જ દેહમાંથી મારો દેહ બન્યો હતો. મને નવજાત શિશુની અનાથાવસ્થા વીંટળાઈ વળી. જેમ તેમ પેલી સાડી વીંટાળી, નીચે મુકાયેલા હીંચકા પર સુવડાવી ત્યારે થયું કે ગાદી વગર એને વાગશે. ‘તુલસી મોંમાં મૂકો ને બધાં ગંગાજળ પાવ’. કોઈએ અબૂધ એવાં અમને સૂચના આપી.

છેલ્લી વાર મારે ઘરે આવી ત્યારે મેં એના માટે તુલસી-બારમાસીના કુંડાં તૈયાર કરી રાખેલાં. એ ઘણાં વખતથી કહેતી, ‘ઘરમાં તુલસી ન હોય એ કેવું ?’ કુંડા એની અગાસીમાં ગોઠવ્યા એટલે એ રાજી-રાજી થઈ મારો ખભો થાબડી કહે, ‘આ તેં બહુ સારું કામ કર્યું.’ બીજી વાર હું ગઈ ત્યારે તુલસી લાગી ગયેલા અને બારમાસીના ફૂલ પણ હસી રહેલાં એના ચહેરાની જેમ. ત્યારે મને ક્યાં ખબર હતી કે આવતા અઠવાડિયે મારે આ જ તુલસીપર્ણ મૂકવાના છે એના મુખમાં…… મેં દાદાનો હાથ ઝાલી બાના મુખમાં તુલસીપત્ર મુકાવ્યાં ને ગંગાજળ રેડાવ્યું. છેલ્લે એ તો જાતે જ પાણી પીને સૂતેલી. હોળી હતી એટલે બધાંને ઘેર જાતે લાડુ બનાવી મોકલેલા. એ અદ્દભુત સરસ લાડુનો સ્વાદ હજી અમારી જીભે હતો ને એની જીભે સોનાનો તાર…. એ કદી ઘરેણાં વિના ન રહેતી. એની સોનાની બંગડી, મંગળસૂત્ર, બુટ્ટી અમે ભારે હૈયે ઉતાર્યાં. દેહની સજીવતા વિના સોનું કશાં મૂલ્ય વિનાનું હતું. જે કબાટો, લૉકરોનું એ જીવથી જતન કરતી એ ક્ષણાર્ધમાં ઉઘાડુંફટ્ટ થઈ ગયું હતું. પછીથી ભાભીએ જ્યારે અમને બન્ને બહેનોને ‘સજ્યા’ પેટે આપવા ઘરેણાંનો આખો ડબ્બો અમારી સમક્ષ ઉઘાડો મૂક્યો ત્યારે દાદા સહિત બધાંની આંખ ભરાઈ ગઈ. બા વિનાનાં આ ઘરેણાંમાં કોઈ સોનાપણું ક્યાં હતું ? હતો તો કેવળ શેષ અરસપરસને જોડતો એનો સોના જેવો પ્રેમ. મૃત્યુએ સમજાવ્યું કે પ્રેમથી મૂલ્યવાન બીજું કશું જ નથી.

મોડી રાતે બધાં વિખેરાયાં અને ઓરડાની વચોવચ બા, સળગતો દીવો અને અમે કુટુંબીજનો રાત્રિને પસાર થતી જોઈ રહ્યાં. બા નિશ્વેતન હતી છતાં ખરેખર એ મૃત્યુ પામી છે એમ સ્વીકારાતું જ નહોતું. ક્યાંય સુધી બેઠા રહ્યા પછી દીવાલ ફરતે અમે ઢળીને સૂતા. નાની હતી ને ઊંઘ ન આવે ત્યારે મોટીબહેન મારો વાંસો પસવારતી અને હું થોડી વારમાં જંપી જતી. બે-ત્રણ દિવસ પહેલાં જ મને એ સ્પર્શ યાદ આવ્યો હતો. એણે વર્ષો પછી બંધ આંખમાં ઊંઘને બદલે આંસુ સાથે મારો વાંસો પસવાર્યો ને શાંત થવાને બદલે હું વધુ ડૂસકાં ભરવા લાગી. છેવટે બાના માથા આગળ આંખ બંધ કરી બેસી પડી. કલાક વીત્યો ને ધ્યાનમાં મેં અનુભવ્યું કે અત્યંત પીડાને સ્થાને મારું આખું અસ્તિત્વ કોઈ અવર્ણનીય આનંદથી ભરાઈ ગયું છે. બા ખડખડાટ હસતી. એવું જ અવાજ વિનાનું હાસ્ય મારી નાભિમાંથી ફૂટવા માંડ્યાં. મને થયું કે મૃત્યુની આ સ્તબ્ધતામાં હું જોરથી હસી પડીશ કે શું ? એ આનંદ શાનો હતો ? શરીરની મુક્તિનો ? જ્યોતિ જ્યોતિમાં સમાઈ ગઈ એનો ? એક વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે વ્યક્તિ એકલી નથી મરતી. તેની સાથે સંબંધિત બધાં જ એ અર્થમાં થોડા થોડા મરી જાય છે. એક મા મૃત્યુ પામી ત્યારે સ્થૂળ અર્થમાં મારું દીકરી હોવું મૃત્યુ પામ્યું. માતા મૃત્યુ પામી પણ માતૃત્વ અકબંધ હતું. બા જીવશે જ, હું જીવીશ ત્યાં સુધી મારામાં ને મારામાં કેવળ હું જીવતી નથી એકલી ! મારી મા, મારા પિતા, બાળકો, સ્વજનો, મિત્રો, સ્થળો, વસ્તુઓ, વૃક્ષો, જીવ-જંતુઓ અને સમગ્ર સૃષ્ટિ જીવે છે. આ બધાંથી હું મને ભિન્ન જોવા જાઉં તો હું રહું જ નહિ.

પરોઢિયું થયું ને કોઈ અખબાર લઈ આવ્યું જેમાં બા ફોટો થઈ ગઈ હતી. જે હાથ રોજ રસપૂર્વક અખબાર ખોલતા એ નિષ્પ્રાણ પડ્યા હતા. કોઈ સંબંધી ચા લઈ આવ્યું ને અમે એને મૂકીને એને ગમતી ચા પીધી. મુંબઈથી માર-માર આવેલો અદ્વૈત હૈયાફાટ રડ્યો. અંતિમયાત્રાની તૈયારી થઈ ગઈ. બાની અંતિમયાત્રા ? ફૂલોના ઢગલાથી લદાઈ ગઈ હતી આજે, એ અમારી બા હતી ? જેની પ્રદક્ષિણા કરી અંતિમ પ્રણામ કર્યા એ અમારી બા હતી ? ના ! ના ! એ તો હતી સદા જીવતી-જાગતી, હસતી-ફરતી બા ! આગલે દિવસે જ મોતિયો ઉતરાવેલી આંખે રડતાં મારાં સાસુ આવ્યાં કે તરત દાદા એકદમ જ ભાંગી પડ્યા. એમના સાવ એકાકી અને વધુ દુર્બળ બનેલા ખભા પર થોડી પળ માટે મુકાયેલી બાની નનામી બહુ કરુણ દશ્ય સર્જતી હતી. ભૌમિકે પકડેલી દોણીનો ધુમાડો અમારી આંખોમાં અંજાઈ ગયો – હંમેશ માટે. બા ગઈ આ ઘરમાંથી સદા માટે ને અમે ચાર રસ્તા સુધી ગયાં, શબવાહિની અદશ્ય થઈ ત્યાં સુધી જોતાં રહ્યાં. પછી બા વિનાના ઘરમાં આવ્યાં – આગંતુક જેવાં.

આ બાનું ઘર હતું. દુનિયામાં ભલે એ ભગવતીકુમાર શર્માના મસમોટા નામથી ઓળખાતું. હજી વળગણી ઉપર એનાં કપડાં લટકતાં હતાં ને હવાના સ્પર્શથી જરી જરી હાલતાં હતાં. રસોડામાં ગૅસનો ચૂલો લાઈટરના તણખાની પ્રતીક્ષા કરતો બેઠો હતો. ભરેલું માટલું એની તરસ વિના ખાલીખમ લાગતું હતું. ડાઈનિંગ ટેબલ પરના કૅસરોલમાં રાતની વધેલી ભાખરીના ટુકડા ખાવા ચકલીઓ ચીં….ચીં…. કરી નિમાણું ઊડાઊડ કરતી હતી. મેં નહાવા માટે બાથરૂમ ખોલ્યું ને એ કાયમ વાપરતી એ સાબુની સુગંધ મને ભેટી પડી. નળ ખોલી. મેં ડોલ ભરી. પછી ડબલામાં પાણી ભર્યું ને માથું નમાવ્યું – ધોવા માટે – જાણે બા સમક્ષ. મારાં આંસુ પાણીમાં ભળી ગયાં. હજી આ ઘરમાં અમે પંદર-વીસ દિવસ રહેવાનાં હતાં. એ જેમાં બહુ શ્રદ્ધા રાખતી તે બધી વિધિઓમાં ભાગ લેવાના હતા. રસોઈ કરતાં એને ચાખી જોવાનું કહેવાના હતા, બધાંને આગ્રહ કરી કરી ચા પીવડાવવાનાં હતાં. ઉઠમણામાં ઉમટેલા છસો-સાતસો માણસોમાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે એના હાથના ચા-શરબત ન પીધાં હોય. સાહિત્ય, સંગીત, નાટક, ચિત્રકળા, નૃત્ય, પત્રકારત્વ, શિક્ષણ, તબીબ, રાજકારણ, સમાજસેવા જેવી દરેક ક્ષેત્રની વ્યક્તિઓ સાથે તે મારા પિતાને કારણે સંકળાઈ હોવા છતાં બધાં જોડે તેનો અલગ નાતો. એ ચાહે પટાવાળો હોય કે મોટા લેખક. અમારે ત્યાં લેખકોનો જે મેળો જામતો એનું પરોક્ષ કારણ બા. એ શરબતના બાટલે-બાટલા બનાવતી અને હું ને દાદા એને ‘શરબતે આઝમ’ કહેતાં ! સિત્તેર માણસોના બટાકાપૌંઆ-મોહનથાળ કરતાં તો મેં એને જોઈ છે.

છેલ્લી વાર હું ગઈ ત્યારે ઘરેથી આમ જ થોડાં પુલાવ-કઢી, ઈદડાં ચાખવા લઈ ગયેલી. બપોરે એક વાગી ગયો હતો ને અચાનક ટિફિન ન આવતા બન્ને જણ જમ્યા નહોતાં. બા ખીચડી કરવા જેમતેમ ઊભી થઈ ને હું પહોંચી. મેં થેલામાંથી ડબ્બા કાઢ્યા. પછી ધીરે રહીને પૂછે : ‘શું લાવી ? હજી અમે ખાધું જ નથી !’ મેં ક્ષોભ અને ઉચાટ સાથે ઝટ-ઝટ પીરસી દીધું. એ થોડાં ભોજનમાંથીય થોડું વધ્યું તે ઓટલે કાયમ પડી રહેતી નિરાધાર વૃદ્ધાને મોકલ્યું. થોડા કલાક પછી હું ઘરે જવા નીકળી એટલે પૂછે, ‘તને કેવી રીતે ખબર પડી કે અમે જમ્યા નથી ?’ એના સવાલથી હું જરા ચોંકી ને પછી હસી. ‘તને જેમ ખબર પડતી મારા બાળપણમાં એમ તો મને ક્યાંથી પડે ? ભગવાને મોકલી……’ મેં મનમાં કહ્યું. નીચે દાદર ઊતરી ને રસ્તે ચાલતા મારું હૈયું ભરાઈ આવ્યું. ‘રે ! આ બે જણ કોઈને તકલીફ ન પડે એટલે કંઈ બોલ્યા નહિ ! અમે આટઆટલાં કરવાવાળા ને છતાં….’ તેરમાને દહાડે પેલી વૃદ્ધાને જમવાની થાળી આપવા ગયા કે એ મોટે મોટેથી રડે : ‘મારાથી નહિ ખવાય આજે. બા રોજ મને પૂછતા – ખાધું કે નહિ ? એનાથી દાદર ન ઉતરાય તો કોઈ જોડેય મોકલાવે. ઓટલે તડકો આવે એટલે રોજ કહે અંદર રૂમમાં બેસ. આજે સગ્ગા છોકરા મને નથી કે’તા એ જમાનામાં…. હું અંદર નહિ બેસું પણ એણે કીધું એ જ બહુ છે.’

ઉઠમણા પછી ઘરે આવીને ચોવીસ કલાકમાં તો જાણે મારી દુનિયા બદલાઈ ગઈ. કેમ કે એ દુનિયામાં બા નહોતી. મારા ઘરમાં પણ બાની સ્મૃતિઓ ઠેર ઠેર હતી. હું મારા સાસુના ઓરડામાં ગઈ, ને એમની બાજુની પથારીમાં બેસી પડી. બા જ્યારે અમારે ઘેર આવે ત્યારે હંમેશાં અહીં સૂઈ રહેતી. એ જગ્યા પણ ખાલી થઈ ગઈ હતી. હું નીચું જોઈ રહી. મારા સાસુએ મારે માથે હાથ ફેરવ્યો. મારી દીકરી દ્વિજા પણ મને ભેટીને બહુ રડી. અમે એકમેકને વળગીને સૂતાં ત્યારે સમજાતું નહોતું કે કોણ મા, કોણ દીકરી ? આ જ દ્વિજા જન્મી ત્યારે મારી લાંબી માંદગીથી કંટાળી મેં કહેલું, ‘બા ! હું મરી જવાની…. આને જોજે !’ એ કહે, ‘તને સત્તાવીસ વરસેય બા-બા થાય છે તો એને કેમ ચાલશે ? એવું ન બોલીએ.’ કપરા સંજોગોમાં કઈ રીતે ઝૂઝવું એ તેણે શીખવ્યું. અમારા વિચારો, વ્યક્તિત્વ જુદાં પણ મા તરીકે એણે મને હંમેશાં પાલવમાં ઢબૂરી. એના ભેજિયલ સુતરાઉ સાડલાના પાલવનો ટાઢકભર્યો સ્પર્શ મારા હોવામાં વણાઈ ગયો. મારી આંતરશોધનું પ્રથમ પગથિયું છે એ. હું મને સ્મૃતિઓના અંધારામાં ફંફોસું છું ત્યારે સાવ નાની બાળકીરૂપે મને જ દેખાઉં છું. ત્યારે બા પણ તે જ સમયની યુવાન દેખાય છે. ત્યાંથી પાછળ ખસતા તેના ઉદરમાં અને ત્યાંથી પાછળ. જ્યારે મારું શરીર ન હતું ને છતાં હું હતી – ત્યાં સુધી પહોંચવું છે મારે. બાના મૃત્યુએ મને પ્રથમ વાર જ મૃત્યુનો ચહેરો નજીકથી દેખાડ્યો. મારા પતિ ચિંતનને મેં કહેલું, ‘હું તો એમ જીવી રહી છું કે જાણે કદી મરવાની જ નથી. મરી જવાના છીએ, મરી જવાના છીએ….નો મંત્ર સતત મનમાં રહે તો કેટલી બધી વ્યર્થની પીડામાંથી ઊગરી જઈએ !’ બાનું મૃત્યુ જાણે મારા મૃત્યુને નિહાળવાનો અરીસો બની ગયું મારે માટે.

નોમિયું, દસમું, અગિયારમું, બારમું, તેરમું…… ભાઈનું મુંડન કરેલું માથું, અમારાં ધોળાં વસ્ત્રો, પિંડ વહેરાવા, પંથીને દાન, વાસણો પર કોતરાઈ ગયેલું બાનું નામ…. બધું જ મૃત્યુને વારંવાર યાદ કરાવતું હતું. દાદા વારે વારે ભાંગી પડીને ઠૂંઠવો મૂકતા હતા. અમે એમને આમ રડતા ક્યારેય નહોતા જોયા. દામ્પત્ય જીવનના અમુક વર્ષ પછી પતિ-પત્ની, માતા અને પુત્ર અથવા પિતા અને પુત્રી બની જાય છે. અમે ત્રણ ભાઈ-બહેને જ નહિ દાદાએ પણ મા ગુમાવી હતી. ને એ જાણે સૌથી નાનું-ધાવણું બાળક હતા. મૃત્યુનો સ્વીકાર એ જીવનની દરેક બાબતના સ્વીકારની ચરમ સીમા છે. નદીના પ્રવાહમાં તરવાને બદલે વહી શકાય તો, જીવન જે છે – જેવું છે તેનો સ્વીકાર કરી શકીએ તો જ આમ બને. અસ્તિત્વ પરત્વેની આપણી પરમ શરણાગતિ વિના આ શક્ય નથી. આ બધું કહેવું સહેલું પણ કરવું કેટલું દુષ્કર !

સૌથી કપરી ક્ષણ તો હવેની હતી – અડસઠ વર્ષથી ધબકતા આ ઘરને તાળાં મારી બા વિનાના દાદાને હંમેશ માટે ભાઈને ઘેર લઈ આવવાનું. આ તો એક મોટા વૃક્ષને મૂળસોતું ઉખાડી બીજે રોપવા જેવું હતું. બા ગયાના દુઃખ જેવું જ હતું એમને એકલા જોવાનું દુઃખ. અમે હૃદય પર પથ્થર મૂકી ઘરને સમેટવાના કાર્યમાં જીવ પરોવ્યો. પણ ભીતર આ ઘરને ક્યાં સમેટવું ? કેટલીયે ચીજો વહેંચી દીધી. માટલું ઊંધું વાળ્યું. સદાયે મીઠાઈથી મઘમઘતા ફ્રિજની સ્વીચ ઑફ કરી. મુખ્ય ખંડનો દરવાજો બંધ કરી દાદર ઊતરવા લાગ્યા. આ દાદર પર મારા પિતાની અને અમારી પણ નાની-નાની પગલીઓ પડી હતી. બાના ઝાંઝરવાળા નવોઢાના ઉમંગભર્યાં પગલાં પડ્યાં હશે. એ ગઈ – પગલુંયે પાડ્યા વિના સદા માટે. ઘર પણ મૃત્યુ પામ્યું. સામાનથી ખીચોખીચ ગાડીમાં દાદાને બાનો ફોટો લઈ બેસાડ્યા. અમે એમને કદી બા વિનાના જોયા નહોતા. ચિંતન પાછળથી એકવીસ દિવસના મૌનમાં ઋષિકેશ ગયો. અમે પહેલી જ વાર આટલા દિવસ માટે છૂટાં પડ્યાં ત્યારે પહેલી જ રાતે લાઈટ બંધ કરી હું જેવી ડબલબેડમાં એકલી સૂતી કે તરત દાદાની એકલતા તીરની જેમ મને વીંધી ગઈ.

નવા ઘરે દિવસો ગણી-ગણીને પસાર કરતા દાદાને બધા નાના, માંદા બાળકની જેમ સાચવતા. વારે વારે તેઓ રડી પડતા. બાનાં સ્મરણોમાં લખાતા સૉનેટ વાંચી સંભળાવતા. વચ્ચે વચ્ચે અક્ષર ન ઉકલવાને બહાને હું આંસુ ખાળી દેતી. મને ડગલે ને પગલે એમ જ થતું બા મૃત્યુ નથી પામી. એ તો હજી એ બેઠી પેલા ઘરમાં…. એક વાર એ ઘરની સાફ-સફાઈ કરાવવા હું અને દાદા ગયા. ઘરમાં માણસને બદલે ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયેલું. પગ મૂકતા જ મને સંભળાયું, ‘આવી ?’ મેં કામમાં જીવ પરોવ્યો તોય હૈયું ધીમે ધીમે બેસવા માંડ્યું. દાદાએ કશુંક કહી નિઃશ્વાસ નાંખ્યો. મેં કહ્યું, ‘આપણે બે સશરીર, પણ અહીં નથી. અહીં તો બધે બા જ બા છે.’ ભીંતે ટીંગાડેલા જૂના અરીસામાં જોતાં તો હું ચોંકી ગઈ. મને સાચે જ એમાં બાનો જ ચહેરો દેખાયો ! બધું કામ પત્યું એટલે છેલ્લે યાદ આવ્યાં પેલા તુલસી જેને જોડે લઈ જવાનું વિસરાઈ ગયેલું. આટલા દહાડામાં તો એ સાવ સુકાઈ ગયા હશે. હું અગાસીમાં ગઈ. અહીં મારાં દાદીના જમાનાથી તુલસીની કેટલીયે પેઢીઓ ઊછરી હતી. મેં જોયું તુલસીનું સુક્કું ઠૂંઠું. પછી નીચે બેસી પડી, જોયું તો પહેલા વરસાદ પછી ઝીણાં ઝીણાં કેટલાંયે માંજર કોળી ઊઠ્યાં હતાં. અસ્તિત્વની માટી જીવનના માંજરને આમ જ ફણગાવી રહી છે અવિરત, ચૂપચાપ. આપણને એની કંઈ જ ખબર નથી, કંઈ જ સમજણ નથી.

સમય વીતતો રહે છે બહારથી. આજે ધૂળેટી છે. એક આખું વર્ષ પૂરું થઈ ગયું છે, પણ બાની જીવંતતા અકબંધ છે. આવતી કાલે બાની પહેલી પુણ્યતિથિ. અમે બધાં કુટુંબીજનો ભેગાં થઈશું. તેની તસવીરને પગે લાગીશું. એને બહુ ભાવતું મિષ્ટાન્ન સહિતનું ભોજન બનાવીશું. હજી હમણાં સુધી બધાં પિતૃઓના શ્રાદ્ધ-સમચરી શ્રદ્ધાપૂર્વક કરતી, લંગડાતા પગેય અગાસીમાં જઈ કાગવાસ નાંખતી એ બાનું ‘સમચરી’ ? એ બાનું શ્રાદ્ધ ? પહેલે જ કોળિયે આંખ ભરાઈ આવશે ને ફરી ફરી બધાંને થશે – બા મૃત્યુ નથી પામી. બા મૃત્યુ નથી પામી.

વારે વારે રાતના અંધારામાં કે વહેલી પરોઢે વાડાના આકાશ નીચે છપ્પરખાટમાં સૂતી આંખ બંધ કરું છું. શાંત ક્ષણોમાં અસ્તિત્વની રહસ્યમયતાની અડોઅડ આવી જાઉં છું. વિચારોના આછા બુદ્દબુદા વચ્ચે ‘ક્યાં હશે બા ? ક્યાં હશે બા ?’ નો ધ્વનિ સંભળાય છે ને મારું હૃદય કોઈ અતલ ઉંડાણમાંથી નાના બાળક પેઠે ‘બા….બા….બા….બા…’નો પોકાર કરી ઊઠે છે. હવે મને અનુભવાય છે કે આ કોઈ વ્યક્તિનો બીજી વ્યક્તિ માટેનો પોકાર નથી. એક દીકરીનો કેવળ મા માટેનો પોકાર નથી. પણ મને થાય છે કે છેવટે તો એ એક સામાન્ય માનવીનો પ્રકૃતિના પરમ માતૃરૂપ માટેનો પોકાર છે. એક અંશનો સમગ્ર અસ્તિત્વ માટેનો પોકાર છે. એક આત્માનો પરમ આત્મા સુધી પહોંચાડી શકતો ચરમ આર્દ્ર પોકાર છે. આ પોકારના મૂળમાં, અજંપાના મૂળમાં પ્રકૃતિના ધાવણની તૃપ્તિની પરમોચ્ચ ઝંખના છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિનું ઠામ ચીંધતું કાવ્ય – દર્શના ધોળકિયા
વાતોના વન – સંકલિત Next »   

47 પ્રતિભાવો : પરમ માતૃરૂપને પોકાર – રીના મહેતા

 1. Hitesh Mehta says:

  જો આ દુનિયા મા, મા ના હોય તો કોઇ જ વસ્તુ મા દિલ લાગે નહી, અરે જુવો તો ખરા દરેક વસ્તુનુ નામ બોલિયે તો મા વગર ના બોલિ…….. બહુ જ સુન્દર …
  હિતેશ મહેતા
  ભારતી વિધાલય મોરબી

 2. Umesh joshi says:

  મા તે મા બીજા વગડાનાં વા .

 3. વાંચીને આંખને ડબદબની રોકી શકાતિ નથી…..મને તો સાસરે જ મા એટલી યાદ આવે છે..તો જેની મા નથી એને કેમ થતુ હશે એ કલ્પના જ અશક્ય છે.

 4. તૃપ્તિ says:

  માનનીય રીનાબેન ,
  શું કહું? મારાથી પુરો લેખ વંચાયો નથી અધવચ્ચેથી પ્રતિભાવ આપું છુ. તમે મને રડાવી દીધી. પોકે પોકે!

 5. kirtida says:

  દિલને હચમચાવે તેવી વાત્ દરેકને પોતાની માતાની યાદ આપાવે .
  મારી મમ્મીને અમે બેન કહીને બોલાવતા કારણ મામા,માસી બધા બેન કહે તે અમે પણ બેન કહેતા.
  આજે એમના દેહ વિલયને ૧૮ વર્ષ થયા . આપની બાની વાતો એ મારી બેનને આજે જીવંત કરી દીધી.
  આપની બાની વાતો વાંચતા જ મારી બેનની સ્મ્રુતિમાં ખૂબ રડી પડાયું.
  આપનો ખુબ આભાર . માણસ ચાલ્યો જાય છે .સ્મ્રુતિઓ સદા જીવંત રહે છે. આવી રીતે સમયે સમયે ઉભરાય છે. ભલે રડી પડાય પરૂતુ એ રડવાનું પણ ગમે છે. કારણ આપણું પોતાનું સૌથી નજીકનું આપણને યાદ આવે છે.
  લેખિકાબેન નો આભાર્

 6. Jigisha says:

  ઘણી જ સંવેદનશીલ તથા વાસ્તવિક કૃતિ …..આવા લાગણીસભર સંબંધોમાં… જે તે વ્યક્તિની વિદાય પછી તેના જીવતાં તેનાં પ્રત્યે પ્રેમ ન દર્શાવી શકાયાની લાગણી મનોમન વ્યથિત કરી દેતી હોય છે……

 7. અશોક જાની 'આનંદ' says:

  ત્રણેક વર્ષ પહેલાં દિવાળીના દિવસે મ્રુત્યુ પામેલી મારી બેનની (અમે માને ‘બેન’ કહેતાં) યાદ આવી ગઇ. આજે પણ એ ઘરે જઇએ ત્યારે તેની ગેરહાજરી સાલે જ છે, આપણે ગમે તેટલાં પુખ્ત થઇએ પણ મા પાસે બાળક જ રહીએ અને મા વિના નમાયાં….!!!
  ભાગ્યે જ કોઇ આ લેખ કોરી આંખે પુરો કરી શકે…..

 8. trupti says:

  માનનિય રીના બહેન,

  સુંદર અને ભાવનાત્મક લેખ આપવા બદલ આભાર.

  મા નુ સ્થાન આ દુનિયા મા કોઈ ના લઈ શકે. કકેવાય છે દરેક દિકરી મા, મા એ પોતાનુ પ્રતિક જોય છે અને દરેક દિકરી પોતાનિ જાત મા પોતાની મા ને શોધતિ હોય છે. દરેક બાળકી પોતાની મા જેવા બનવાનુ જ વિચારતી હોય છે અને કોઈ તેને કહે કે, “અસ્સ્લ મા પર જ ગઈ છે” બસ આ એક જ વાક્ય બાળકી ને પ્રાઊડ ફિલ કરાવે છે.

  મારી દિકરી આજે ૧૪ વરસ ની થઈ, મારી મમ્મી મારા ઘર થી ૨ મકાનજ દુર રહે છે, પણ મારા વ્યસ્ત શેડ્યુલ ના હિસાબે હું ઘણિ વાર ૧૫ દિવસે પણ તેને મળવા પ્રતયક્ષ જઈ નથી શકતિ, કોઈ વાર કોઈ કામ હોય કે તેને ફોન્ કરી ને સોપ્યુ હોય તો ઉભા- ઉભા જઈ આવું. કોઈ પણ વાનગિ બનાવુ જે મમ્મી બનાવતી હોય અને મારી દિકરી ને તરત જ પૂછુ કે, “મમ્મા જેવુ થયુ છે?” (મારિ દિકરી મમ્મી ને મમ્મા કહિ ને બોલાવે છે), એટલે તરત એ કહેશે, “મમ્મી તુ પોતે આટલુ સરસ ખાવા નુ બનાવે છે છતા તુ કેમ કાયમ પૂછે છે કે મમ્મા જેવુ થયુ કે નહીં?” ત્યારે હું તેને કાયમ કહું કે, “બેટા દરેક છોકરી ને તેની મમ્મી જેવા થવુ હોય છે, આજે હું તને પૂછુ છું, કાલે તુ પણ તારા છોકરાઓ ને આજ પ્રશ્ન કરીશ,આ દુનિયા નો ક્રમ છે.”

  એક વાર અમે ( હુ, મમ્મી, પપ્પા ને મારી બહેન્) શ્રિનાથજી ની જાત્રા કરવા ગયા હતા, મારા ૮૯ વરસના નાની જેને અમે દાદી કહેતા તે માંદા પડ્યા છે તેવો મેસેજ અમને આવ્યો, વરસાદ નિ સિઝન હતી, જેવા અમને ખબર પડ્યા અમે ટેક્ષી નિ તપાસ કરવા ગયા, મારા દાદી નવસારી રહેતા, અમને જણાવવા મા આવ્યુ કે વરસાદ ને લીધે ટેક્ષી મા જવાનૂ હિતાવહ્ નથી પરંતુ અમારે બસ દ્વરા જવુ, અમે જે પહેલી બસ મળી તેમા બેસી ને નવસારી તરફ જવા નિકળી ગયા, મારી મમ્મી એ તો ધારી લિધે લુ કે બા, નુ હવે ફક્ત મોઢુ જ જોવા મળશે. આખિ રાત ના પ્રવાસ દરમ્યાન તે ગુમસુમ બેસી રહિ અને કસુ ખાધુ નહીં સવારે અમે સુરત પહોંચ્યા અને ત્યાંથી અમે ટેક્ષી કરિ ને નવસારી પંહોચ્યા, ઘરે ગયા અને જોયુ તો ઘર એકદમ સુમસામ ખાલિ મામીજ ઘર મા હતા, મમ્મી એ તરત પૂછ્યુ, “બા ક્યાં?” મામી એ તેના જવાબ કહ્યુ કે તેમને સામેની હોસ્પિટલમા દાખલ ક્રર્યા છે, ત્યારે મમ્મી ના જીવ મા જીવ આવ્યો. પછી તો દાદીબિજા ૮ વરસ જીવ્યા તે પણ હરતા-ફ્રરતા.તેમને ૯૭ વરસે ઉંઘ મા દેહ છોડ્યો, પણ જ્યારે અમે શ્રિનાથજી થી દોડતા નવસારી આવ્યા હતા ત્યારે મારી મમ્મી ના જે હાવભાવ હ્તા તે હજી પણ યાદ છે, ૮૭ વરસની તેમની ઉંમર પણ કાઈ નાની નહતી પણ માને ગુમાવવાનુ દર્દ કોઈ પણ ઊંમરે તેટલુ જ ગહેરુ હોય છે જેટલુ નાની ઉંમરે હોય છે.

 9. nikita says:

  રિના બેન ,

 10. nikita says:

  dear reenaben ,

  extremely difficult to manage tears in the eyes . each sentence i was feeling who is wiritng its me or you .

  રદય ચિરય તે વિ વેદન થૈ. still wish to read again & again – wish to feel each & every words again & again –

  love you .

  regards

 11. Dhaval B. Shah says:

  બા નો પ્રેમ શબ્દથી પરે છે, એજ આ ક્રુતિમાથી વ્યક્ત થાય છે. અદભુત્!!

 12. Bhavna Gajjar says:

  its excellent. I also passed by this situation as my mother is also no more. Difference is that I lost my parents
  Mummy & papa within 10 days. We also very worried abot my papa that how could he managed now? but on the 11th day of my mummy he also went near to her & we lost both of them!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  Today reading this my eyes are with tears!!!!!!!!!!!!!!!!!!

 13. ખુબજ લાગનિ સભર લેખ દરેકને માનુ મ્રુત્યુ યાદ આવિ જાય

  • trupti says:

   પહેલા રડવુ આવે ત્યારે મા યાદ આવતી હતિ….અને હવે મા યાદ આવે ત્યારે રડવુ આવે છે……….

 14. Sohini says:

  I can’t stop my tears. I miss my mom toooooooo much. I love u mummy. I can’t say more. In each sentence I feel that I am there and I saw and feel all the things which u say.

 15. Bhaumik Trivedi says:

  ભૌમિકે પકડેલી દોણીનો ધુમાડો અમારી આંખોમાં અંજાઈ ગયો – હંમેશ માટે. …hits me hard ..really no words ..touchy story ..MAA tuje sab hai pata….

 16. Riti says:

  મા તે મા…

 17. Pravin Shah says:

  મને વર્ષો પહેલાનો મારી બાના મ્રુત્યુ નો પ્રસન્ગ યાદ આવીગયો.
  કુટુમ્બમા આટલી લાગણી હોવી એ ભારતીય સન્સ્ક્રુતિની દેન છે.

 18. nayan panchal says:

  જીવન અને મૃત્યુ બંનેને અંજલિરૂપ ખૂબ સુંદર લેખ.
  બાના મૃત્યુ સાથે ઘરનુ પણ મૃત્યુ થયુ છે. જ્યારે કોઈ સંબંધ મૃત્યુ પામે છે ત્યારે આપણો એક ભાગ પણ તેની સાથે મૃત્યુ પામે છે. કેટલી સચોટ વાતો!

  આ લેખ વિશે વધુ તો શું લખી શકાય. સંધ્યાબેન ભટ્ટ દ્રારા સંપાદિત આ પુસ્તકનો અન્ય લેખ અગાઊ રીડગુજરાતી પર વાંચ્યો છે. મૃત્યુ પર લખાયેલુ એક સુંદર પુસ્તક છે. જ્યારે કોઈ નજીકનુ સ્વજન સદાયને માટે છોડીને દૂર જતુ રહે ત્યારે થતો આઘાત જીરવવો ખૂબ મુશ્કેલ છે. આવા આઘાત પામનારા આપણે એકલા નથી અને આપણને આઘાત જીરવવાની શક્તિ મળી રહે એ આ પુસ્તકનુ મુખ્ય પ્રયોજન છે.

  બા ની કૃપાદ્રષ્ટિ તો રીનાબહેનના પરિવાર પર સદાય રહેવાની જ છે.

  આભાર,
  નયન

 19. Dipti Trivedi says:

  જીવનનો ઘટના ક્રમ સહજ રીતે લેખિકા દ્વારા અહી તુલસીના પ્રતિક સાથે વણાઈ ગયો છે.જીવનુ ઉગવું, ફાલવું, સુકાઈ જવુ અને ક્યાંક બીજે ફણગાવું —અવિરત ઘટનાચક્ર કાળની ગતિ સાથે ફર્યા જ કરે છે—” અહીં મારાં દાદીના જમાનાથી તુલસીની કેટલીયે પેઢીઓ ઊછરી હતી. મેં જોયું તુલસીનું સુક્કું ઠૂંઠું. પછી નીચે બેસી પડી, જોયું તો પહેલા વરસાદ પછી ઝીણાં ઝીણાં કેટલાંયે માંજર કોળી ઊઠ્યાં હતાં. અસ્તિત્વની માટી જીવનના માંજરને આમ જ ફણગાવી રહી છે અવિરત, ચૂપચાપ. આપણને એની કંઈ જ ખબર નથી, કંઈ જ સમજણ નથી”

 20. Veena Dave. USA says:

  લેખ વાંચતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ગયા એપ્રિલમા મારી મમ્મી અચાનક ગુજરી ગઈ જે વાત રાત્રે ફોન પર જાણી ત્યારે એ બાબત સ્વિકારતા પણ સમય લાગેલો કે આમ કોઈ બે-પાચ સેકન્ડ માં જતુ રહે? મારા પપ્પાના ઘરને મહેલ કહેતી . આખી જીંદગી ખુબ સાદાઈથી જીવી જેથી અમે બધા ભાંડરડા કોલેજમાં ભણી શક્યા અને એણે ફરજ અદા કરવામાં જીંદગી પસાર કરી દીધી. બાની જીવન્તતા અકબંધ છે સાચી વાત. પિયરના ઘરમા જઈએ ત્યારે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી માબાપની .

 21. Jagruti Vaghela says:

  લેખ વાંચતા ધ્રુસ્કે ધ્રુસ્કે રોઈ પડી. મા તે મા. જનની ની જોડ સખી નહી જડે..

 22. yogesh says:

  મા, બા, બેન્ માતા, મમ્મી, મોમ્,
  આ દરેક શબ્દ નો અર્થ તો એક જ થાય છે. પોતાના બાળક નુ બધુ ખરાબ પોતાની પર લઇ ને, એક્દમ સારુ આપે એના માટે તો શબ્દો ઑછા પડે. આ લેખ એવા લોકો એ પણ વાન્ચ્વા ની જરુર છે, કે જેમણે, તેમની માતા ને તરછોડી છે, કે જે માતા ક્યાક આન્સુ સારતી બેઠી હશે, એના જીવ મા કેટ્લો વલોપાત થતો હશે. મોડુ થઐ જાય એ પહેલા મા ને દીલ અને ઘર મા કાયમ સ્થાન આપી દો.

  મા તુજે સલામ્.
  ખુબ આભાર રીના બેન આપ્ને.

  યોગેશ્.

 23. Jagruti Vaghela says:

  છેલા ત્રણ વર્ષમાં મારા મામ્મી અને પપ્પા બન્ને ભગવાનને ઘેર ચાલી ગયા. પપ્પાની તબિયત ન્હોતી સારી ત્યારે તો ઇન્ડિયા ગઈ હતી અને પપ્પાને મળી શકાયુ હતુ. મમ્મીના સમાચાર તો અચાનક જ આવ્યા હતા એટલે માન્યામા નહોતુ આવતુ કે મમ્મી જતી રહી. જ્યારે જ્યારે મમ્મી પપ્પાને યાદ કરુ છું ત્યારે રડી પડાય છે. બસ ભગવાનને પ્રાર્થના કરુ છું કે મમ્મીપપ્પાના આત્માને શાંતિ અર્પે.

  હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ
  શરણું મળે સાચુ તમારું એ હ્ર્દયથી માંગીએ
  જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
  પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

 24. DHAVAL PATEL says:

  I M Sorry hu Atyaare Vadhu Lakhi Nahi Shaku Pan Tame Mane Parane Radavi Didho……………jayare Mara Mummy Amne Mukine Aa Duniya Ma Thi Chalya Gaya Tyare Hu Radyo Noto Kem K Tyare Mane Evi Khabar Noti Padti Hu Tyare 10-11 Vars No Hato Pan Aaje Tamara Aaa Lekhe Mane Radavi Didho…………Plz Keep Writing…………..

 25. DHAVAL PATEL says:

  ………………?

 26. raj says:

  I have lost my mother at age 7.
  from that day ,untill now ,I still feel her absent in all area of my life.
  When I see my both kids at this age( grown up) they always ask for their mother and I got in tears.
  Love is flowless stream poured by GOD in mother any mother( not only yors)
  great reena ben
  thanks
  raj

 27. જય પટેલ says:

  વ્હાલી બાની અચાનક ચિરઃવિદાય પરનાં ભાવવહી સંસ્મરણો.

  દુનિયાના કોઈ આશ્વાસન વ્હાલા સ્વજનની વિદાયના હૈયાભારને હળવા કરી શકતાં નથી.
  સ્વજન અને તેમાંય વ્હાલી મા ની વિદાય…હૈયાને વજ્ર જેવું કરવું રહ્યું. આજના ઘરડાંઘર અને તેમાંય
  વેઈટિંગ લિસ્ટના જમાનામાં આવા સંસ્મરણો સમાજની આંખો ખોલનારા બની શકે.
  હજી મારી સમજ બહાર છે કે જે ખોળિયામાંથી પોતાનું સર્જન થયું તે મુઠી ઉચેરા માનવીને કઈ રીતે લોકો
  ઘરકંકાસને કારણે નરસિંગ હોમ અથવા પ્રોફેશનલ ઘરડાંઘરને હવાલે કરી શકે..!!

  સંસ્કારનું સિંચન કરતાં આવાં સંસ્મરણો આપતા રહેશો જે સમાજમાં ચિનગારીનું કામ કરી શકે.
  ગુજરાતી પ્રજા ઘરડાંઘરના દુષણથી મુકત થાય તે જ અભ્યર્થના.

  • hiral says:

   જય ભાઇ, તમારી વાત સાથે સહમત છું. તમારી જેમ મારી પણ સમજની બહાર છે કે ઘરડાંઘરનો વિચાર પણ કોઇ કેવી રીતે કરી શકતું હશે? એક વાર કોઇ મા વગરનાં છોકરાંની દશા વિચારી પણ જોઇએ તો ખ્યાલ આવે કે માતા-પિતા હંમેશા પૂજનીય જ છે.

   તમારી આ પ્રાર્થના ‘ગુજરાતી પ્રજા ઘરડાંઘરના દુષણથી મુકત થાય તે જ અભ્યર્થના.’ માં હું પણ દિલથી સામેલ છું.

 28. hiral says:

  મારામાં આ લેખ વાંચવાની બિલકુલ હિંમત નથી. માત્ર કમેન્ટસ વાંચીને જ માની અતિશય યાદ આવી ગઇ અને આંખ ભીની બની ગઇ. રાજભાઇ અને ધવલ પટેલની કમેન્ટસ વાંચીને તો વધારે વ્યથામાં સરી પડાયું.

  એક દિવસ એમ જ તબિયત ઠીક નહોતી અને અચાનક મને મમ્મીને પત્ર લખવાની ઇચ્છા થઇ ગયા વરસે. લખવા બેઠી તો પેન અને આંખનાં આંસુ રોકાયા જ નહિં. બે બેઠકમાં મોટો પત્ર લખ્યો અને છેલ્લે જોયું તો કુલ ૩૦ પાના (મોટા ફુલસ્કેપનાં) (બાળપણથી લઇને અત્યાર સુધીની નાની-મોટી ઘણી વાતો….)..બહાર અનરાધાર વરસાદ અને ઘરની અંદર મારી આંખોમાં પણ વરસાદ.
  સાંજે મારા પતિએ ઘણું પૂછ્યું, કેમ આજે આંખો આટલી સુઝેલી છે? છેવટે મમ્મીને કાગળ લખ્યાની વાત કરી, એણે એ કાગળ મને વાંચી સંભળાવવા કીધું. પહેલો ફકરો ભારે ર્હદયે માત્ર વાંચ્યો ત્યાં તો એ પણ ચોધાર આંસુએ રડી પડ્યો.

  આજે ફરીથી એટલું રડવાની કોઇ તાકાત નથી. લેખ ખૂબ ર્હદયસ્પર્શી જ હશે. લેખિકાનો અને મૃગેશભાઇનો આભાર.

 29. dhiraj says:

  જે વાચકોએ માં ગુમાવી છે તે વાચકો આ લેખ વાંચી ને રડવા માંડ્યા,
  બીજા વાચકો પણ રડી પડ્યા,
  પણ જેમના માં હજી જીવે છે,
  તેમને એક વાત કહેવી છે.
  જ્યાં સુધી માં છે ત્યાં સુધી સેવા કરી લેજો,
  પૈસા તો પછી પણ કમાંવાસે,
  કેરિયર તો પછી પણ બનશે,
  માં નહિ હોય ત્યારે,
  બહુ યાદ આવશે,
  માં ક્યારે યાદ આવશે ?
  ભૂખ્યા થયા હસો ત્યારે,
  માંદા પડ્યા હસો ત્યારે,
  નિષ્ફળ થયા હસો ત્યારે,
  વરસાદ માં પલળી ને ઘરે આવશો ત્યારે,
  શિયાળાની ઠંડી રાત માં બહાર નીકળતા હસો ત્યારે,
  ઘરે મોડી રાતે પાછા આવશો ત્યારે,…………
  …………………….ત્યારે માં યાદ આવશે

 30. Prutha says:

  અત્યંત હ્રદયસ્પશી લેખ..આંખોમાં આંસુ સમાતા જ નથી અને આગળ વધુ લખાતુ જ નથી ને! રીનાબેનને કોટિ કોટિ વંદન

 31. સૂચનો વાઁચીને લેખો જોઇ-વાઁચવાની ટેવ !
  વીણા બહેન જેવાઁને વાઁચી આઁખોએ પલળવુઁ
  શરુ કરેલૂ તે લેખ વાઁચી પૂરુઁ કર્યુઁ.વાતમાઁની
  શબ્દરચના બહુ જ સરસ છે.બધાઁ રુદનમાઁ
  મારુઁ ઉમેરી હવે મરેલા ઘરને યાદ કરીશ.
  કારણ મારી માને મારા સિવાય કોણ જાણે ?

 32. કોઈ દિ’ સતાવે નહિ મા મને યાદ તારી આવે નહિ,
  ભુલી શકું તો યાદ કરું તને પલ-પલ માણતો મંહિ.
  મા મને યાદ તારી આવે નહિ.

 33. Harshad Patel says:

  Aricle was written from the heart. My eyes are wet!!

 34. pragnaju says:

  શાંત ક્ષણોમાં અસ્તિત્વની રહસ્યમયતાની અડોઅડ આવી જાઉં છું. વિચારોના આછા બુદ્દબુદા વચ્ચે ‘ક્યાં હશે બા ? ક્યાં હશે બા ?’ નો ધ્વનિ સંભળાય છે ને મારું હૃદય કોઈ અતલ ઉંડાણમાંથી નાના બાળક પેઠે ‘બા….બા….બા….બા…’નો પોકાર કરી ઊઠે છે. હવે મને અનુભવાય છે કે આ કોઈ વ્યક્તિનો બીજી વ્યક્તિ માટેનો પોકાર નથી. એક દીકરીનો કેવળ મા માટેનો પોકાર નથી. પણ મને થાય છે કે છેવટે તો એ એક સામાન્ય માનવીનો પ્રકૃતિના પરમ માતૃરૂપ માટેનો પોકાર છે. એક અંશનો સમગ્ર અસ્તિત્વ માટેનો પોકાર છે. એક આત્માનો પરમ આત્મા સુધી પહોંચાડી શકતો ચરમ આર્દ્ર પોકાર છે. આ પોકારના મૂળમાં, અજંપાના મૂળમાં પ્રકૃતિના ધાવણની તૃપ્તિની પરમોચ્ચ ઝંખના છે.
  અમે બન્ને બેનો અમેરિકામા અને વતનમા ગુજરી ગયેલ માના સમાચાર જાણી આવી જ કસક અનુભવેલી

 35. maitri vayeda says:

  શું લખું?? મારી મમ્મી તો હજી મારી સાથે જ છે પણ આ લેખ અને એની કમેન્ટ્સ વાંચી ને મમ્મી નહી હોય તો શું થશે એ સમજાઈ ગયુ… ખુબ સરસ લેખ છે, વાંચી ને રડી પડાયુ…

 36. Rakesh Dave says:

  દરેક માટે યાદગાર હોય છે – સારી અને નરસી ક્ષણો ! ફરી ફરી ને વાંચી જવાયું ! લાગણીવશ થઇ જવાયું !

 37. Rakesh Dave says:

  નિશાળ માં ” વળાવી બા આવ્યા ” (??) આવું કૈંક કાવ્ય વાંચેલું ! હું ગુજરાતી નાં શાળા નાં પાઠ્યપુસ્તકો ફરી વાંચું છું ! જયારે ભણતા હતા ત્યારે ગુજરાતી સાહિત્ય ઓછું ગમતું ! હવે વાંચવા નો મોકો શોધવો પડે છે ! જય જય ગરવી ગુજરાત !

 38. sandeep barot says:

  ……..

 39. Suchita says:

  બહુ સરસ લેખ! રડી પડી વાંચતા વાંચતા

 40. sanat says:

  This article is forwarded by my daughter. My mother is living alone at our hometown. We all (myself, wife & daughter) always try to stay with my mother. We love her…. she also love to stay with us but due to her certain ethics and principles she is not fulfilling our desire. As we are four brothers, she wants to give equal chance to all of us, but at the same time she may not be receiving a warm welcome from all my brothers, which compel her to live alone at hometown and keep herself busy with the activities which she likes……….

 41. Payal says:

  આજે મારા સાસુની બીજી માસિક પુણ્યતિથિ છે અને એમનો જન્મ દિવસ પણ. એ હમેશા માતાથી અધિક રહ્યા છે.

  જ્યારે આ લેખ હુ વાંચી રહી છુ ત્યારે લાગે છે કે અમારી જ વાતો છે. માતા ને ગુમાવવા જેટલુ દુઃખ કોઇ નથી. હુ સાચે જ લેખ પુરો થતા પહેલા ૩ વાર રડી ચુકી છુ.

  નાના માં નાની વાતો માટે એમને દરિયાપારથી ફોન કરતી હું, આજે બે મહિના પછી પણ હું રોજ એમની તસવીર જોડે સવારે વાતો કરું છુ. મને હમેશા એવું લાગે છે કે એ મને માર્ગદર્શન આપી રહ્યા છે.

  રીના બહેન ના રીડ ગુજરાતી પરના દરેક લેખ મેં વાંચ્યા હશે. આ લેખ એના જોગાનુજોગ માટે મને સૌથી પ્રિય રહેશે.

 42. RAMESH SHAH says:

  It’s a very touchy article. Realistically no one has seen GOD,
  but we have given understand by our Guru that our parents
  (Baa and Bapa) are GOD and he is in our heart, then why
  not to worship our parents, especially BAA the one who has
  brought us in this wolrd. God is in ourself, home and people
  are trying to find out GOD in the temples and other religious
  places. While reading the articles, I remembered my BAA
  and tears started falling, as I my BAA is in heaven.

 43. વિયોગનું દુ:ખ થાય એ તો સ્વાભાવિક છે અને સ્ત્રીઓ લાગણીશીલ હોવાથી રડે પણ ખરી! કોઈ પુરુષ રડે તો લોકો એને ‘સ્ત્રી જેવો’ કહે છે. પરંતુ ભગવાને ગાયેલી ગીતાના અભ્યાસીને ખબર છે કે મરનાર, ખખડી ગયેલી બોડીના બદલામાં કોઈ વીસ-પચ્ચીસ વર્ષની છોકરીના ગર્ભાશયમાં જઈને નવી નક્કોર બોડી લઈ આવે છે, એક કાર એક્ષચેંજ સ્કીમની જેમ. તેથી એ મરનારના સગાંને બહુ દુ:ખ થતું નથી.

 44. Ashish Dave, Sunnyvale, California says:

  દરેકને ક્યરેક ને ક્યારેક આ પ્રસંગ પાર પાડવો જ પડે છે… હમાણા લગભગ સાતેક મહિના ઉપર મારા સાસુનુ અવસાન થયલ ત્યારની બધીજ વાતો ફિલ્મની પટ્ટીની જેમ પાસાર થઈ ગઈ. મારી પત્નીને કોઈ ભાઈ નથી. મારી આઠ વર્ષની દીકરીએ અગ્નીદાહ આપ્યો હતો. અમારા ઘરની દરેક સ્ત્રીઓ તે સમયે હાજર હતી.

  ધીરજભાઈની વાત સાથે સો ટકા સંમતિ.

  Ashish Dave

 45. Shuchi says:

  Excellent!! Same feelings I was feeling when I lost my father in 2008. Today many a words written by you I want to tell or feel. Really very good feelings.. Even today I feel the existance of my father around me.. Even I can hear the voice of him.. Really very touchy… Thanks

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.