વાતોના વન – સંકલિત

[1] એ બિચારાનો શો વાંક ? – વૃજલાલ દાવડા

રોજબરોજ બનતા નાના મોટા પ્રસંગો તરફ આપણે બહુ લક્ષ નથી આપતા. પરંતુ ઘણી વાર આવા પ્રસંગો દ્વારા માનવસ્વભાવમાં રહેલી માનવતા-ઉદારતા આપણને દેખાઈ આવે છે. હું જામનગરથી પોરબંદર બસમાં જઈ રહ્યો હતો. રાણાવાવ બસ સ્ટેન્ડે બસ ઊભી રહી અને 13-14 વર્ષના બે-ત્રણ નાના કિશોરો મજૂરી માટે સામાન ઉતારવા માટે ઊતરનાર મુસાફરને વિનંતી કરવા લાગ્યા !

મારી પાછળ બેઠેલા ભાઈએ ઉપરથી પોતાની બૅગ ઉતારવા એક તેરેક વર્ષના છોકરાને કહ્યું. છોકરો ઝડપથી બસ ઉપર ચડી ગયો અને બૅગ ઉતારવા લાગ્યો. પેલી બૅગ જરા ભારે હશે. આથી એક બાજુથી સરકાવીને ઉતારવા પ્રયાસ કરવા લાગ્યો. નીચેથી પેલા ભાઈએ બૅગ લેવા હાથ ઊંચો કર્યો પરંતુ પેલા કિશોરના હાથમાંથી બૅગ છટકીને ઉપરથી નીચે પડી. ત્યાં ફૂટપાયરી તો હતી જ. અધૂરામાં પૂરું બૅગ નીચે એક પથરો આવ્યો. આથી બૅગ એક બાજુથી સાવ ભાંગી ગઈ. નકૂચો-ચાંપ બેવડાં વળી ગયાં અને અર્ધી ઊઘડી ગઈ. પેલા મજૂર છોકરાના હોશકોશ ઊડી ગયા, ધ્રૂજતો ધ્રૂજતો નીચે ઊતર્યો. બધાને થયું : ‘ખલાસ, આ છોકરાને આજ પૂરો માર મળશે. કદાચ કિંમત વસૂલ કરવા પ્રયાસ કરશે’ પરંતુ અમારા બધાંના આશ્ચર્ય વચ્ચે પેલા ભાઈએ પોતાનો ગુસ્સો કાબૂમાં લઈને પોતાનાં ગજવામાંથી મજૂરીનાં 21 રૂપિયા કાઢી છોકરાંને આપતાં કહ્યું : ‘જા, હવેથી બરાબર ખ્યાલ રાખજે.’

અમે તો આ ઉદાર દિલની વ્યક્તિને માનથી જોવા લાગ્યા. બાજુમાં ઊભેલા એક ભાઈએ પૂછ્યું : ‘તમને આટલું નુકશાન થયું છતાં…..?’
‘અરે ભઈ, 50-100 રૂ.ની બૅગ તૂટી એ રિપૅર થઈ જશે. 50 રૂપિયા જેટલું કંઈ તૂટ ભાંગ થઈ હશે, હવે ફક્ત 21 રૂ. માટે ક્યાં રડું ? એ બિચારાનો શો વાંક ! બૅગ ભારે હતી. આપણા હાથથી કે આપણા બાળકના હાથથી તૂટી જાય તો ?’ અમે આભારથી જોઈ રહ્યા ઉદાર દિલની એ વ્યક્તિને ! (‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર)

[2] કલા અને સુંદરતા જીવતરની – અજ્ઞાત

એક હોસ્પિટલની સામે એક નાનકડું મકાન. તેમાં નીચે એક બહેન રહે. ઉપરના ભાગના ઓરડાઓ હોસ્પિટલના દર્દીના સગાને ઉતરવા થોડો સમય રહેવા આપે જેના ભાડામાંથી આજીવિકા થાય અને લોકોને પણ સ્વજન દર્દીની નિકટમાં રહેવા મળે.

એક સાંજે કોઈએ બારણે ટકોરા માર્યા. બહેને બારણું ખોલ્યું, એ ચોંકી ગયા. એક ભયંકર દેખાતો માણસ હતો. ચહેરો ખૂબ વિરૂપ હતો. સૂજી ગયેલું, લાલચોળ મોઢું જાણે માંચનો લોચો ! પરંતુ જ્યારે એણે કહ્યું, ‘નમસ્તે બહેન, એક રાત ગાળવા માટે રૂમ ભાડે જોઈએ છે. હું મારી ટ્રીટમેન્ટ લેવા આવેલો પણ હવે સવાર સુધી કોઈ બસ કે ગાડી નહીં મળે, હું ક્યારનો રૂમ શોધું છું પણ કોણ જાણે આ ચહેરો જોઈને બધા…. પણ ડૉક્ટરે તો કહ્યું છે કે ધીરે ધીરે સારું થઈ જશે.’ તેનો સ્વર મધુર હતો અને આંખોમાં આશાનો તણખો. પેલી બહેને હા પાડી. સૂવાની સગવડ કરી આપી અને જમવાનું કહ્યું. પેલા માણસે જમવાની તો વિનયપૂર્વક ના કહી. વાતો કરતાં જાણ્યું કે આ ઉંમરે તેની પુત્રી અને પુત્રીના પાંચ બાળકોના ભરણપોષણ માટે ભારે પરિશ્રમ કરે છે. જમાઈ અકસ્માત થવાથી સાવ અપંગ બની ગયો હતો. આ માણસ જીવનનો ભારે બોજ ઉપાડી રહ્યો હતો. ચામડીના કેન્સરની કે કદરૂપાપણાની કોઈ ફરિયાદ ન કરતો. ઉલટું કહેતો હતો ઈશ્વરનો કેટલો મહાન ઉપકાર કે હજુ હું સશક્ત છું અને આ લબડતા ચહેરાની મને કોઈ વેદના થતી નથી. આવી સ્થિતિમાં ફરિયાદ ન કરવી પણ ક્ષણે ક્ષણે ઈશ્વરનો આભાર માન્યા કરવો અને પરિસ્થિતિને સહન કરી લેવી તેને જ જીવન જીવવાની સાચી કળા કહેવાય. આ કળા કોઈ શાસ્ત્ર વાંચ્યા વિના કે કથામૃતનું પાન કર્યા વિના પોતાની સમજથી આ માણસે આત્મસાત કરી હતી. બહેનના મનમાં તે માણસ પ્રત્યે માન ઉપજ્યું. તેમણે કહ્યું : ‘હવે જ્યારે જરૂર પડે ત્યારે અહીં આવજો. સગવડ થઈ જશે.’

પછી તો ઘણીવાર આ માણસ ત્યાં આવે ત્યારે આ બહેનને ત્યાં જ રાતવાસો કરે. જ્યારે આવે ત્યારે પોતાના ખેતરમાં ઊગેલાં શાકભાજી, ફળો વગેરે લઈ આવે અને પ્રેમથી તે બહેનને આપે. તેનો ચહેરો પણ ધીમે ધીમે સારો થઈ રહ્યો હતો. પેલાં બહેન કહે છે, ‘અમે શીખ્યા કે દુઃખને કેમ સ્વીકારીને જીવવું અને જે કંઈ સુખસગવડ મળે તે માટે ઈશ્વરનો ઉપકાર માનવો.’ એકવાર બહેન પોતાના મિત્રને ત્યાં ગયાં. મિત્ર બાગકામ કરી રહ્યા હતા. એક તૂટેલા કૂંડામાં સુંદર ગુલાબ હતાં. બહેન જોતાં હતાં ત્યાં મિત્રે કહ્યું : ‘આ છોડ માટે ભલે આવું કૂડું મળ્યું પણ ફૂલ કેવા સુંદર ખીલ્યાં છે જો !’ બહેનને પેલા માણસનું સ્મરણ થયું કે ઈશ્વરે ભલે કદરૂપો દેહ દીધો પેલા ગામડિયા માણસને, પણ એનો આત્મા કેટલો સુંદર હતો ! (ઈન્ટરનેટ પરથી અનુવાદિત, ‘વિચાર વલોણું’ સામાયિકમાં પ્રકાશિત).

[3] સદભાગ્ય – દેવેન્દ્ર પટેલ

સોક્રેટિસનો વિષપાનનો વખત નજીક હતો. એ વખતે બંદીખાનાનો પહેરેગીર એક કાવ્ય વાંચતો હતો. સોક્રેટિસને કાવ્ય સમજાતું ન હતું. તેમણે તેને કહ્યું :
‘મને આ કાવ્ય સમજાવોને.’
પહેરેગીરે કહ્યું : ‘ઝેર પીવાનો વખત થવા આવ્યો છે, હવે તમારે કાવ્ય સમજીને શું કરવું છે ?’
‘મરતાં મરતાં પણ એકાદ વધુ વસ્તુ જાણવાની મને મળે તો તે મારું સદભાગ્ય કહેવાય.’ સોક્રેટિસે કહ્યું.

[4] સાત ગુણ્યા સાત – સંત ‘પુનિત’

‘જુઓ મિ. વોલ્ટર, તમને સોંપાયેલું કામ તમારે જ પૂરું કરવું જોઈએ. સરળ સરળ કામ તમે તમારા ટેબલ પર મૂકો છો અને અઘરા કામનાં કાગળિયાં મારા ટેબલ તરફ ધકેલો છો. તમારી આ રીતભાત બરાબર નથી. તમે મારી સાથે બિલકુલ ખોટી રીતે ઘર્ષણમાં ઊતરી રહ્યા છો; મારા સહનશીલ સ્વભાવનો ગેરલાભ ઉઠાવી રહ્યા છો.’ સહકર્મચારી વોલ્ટરના અસહકારી વર્તન સામે ફરિયાદ કરતાં જોસેફે કહ્યું. જોસેફની આ આકરી આલોચનાથી ઉશ્કેરાયેલો વોલ્ટર બોલી ઊઠ્યો :
‘જોસેફ, તમે પૂરો વિચાર કર્યા વિના મારા પર ખોટું દોષારોપણ કરો છો. હું તો જવાબ આપવાની ટપાલના સરખા બે ભાગ કરી, તમારા ભાગની ટપાલ તમને આપું છું. પછી તમારા નસીબમાં અઘરા કાગળો આવે એમાં હું શું કરું ? તમે જ અત્યારે મારી સાથે બિલકુલ ખોટી રીતે ઘર્ષણમાં તો ઊતરી રહ્યા છો. એ ચલાવી લેવા હું હરગીજ તૈયાર નથી.’
‘તો હું પણ ચલાવી લેવા ક્યાં તૈયાર છું ?’ જોસેફે એટલા જ ઉગ્ર અવાજે કહ્યું, ‘રોજરોજની આ કચકચથી કંટાળી ગયો છું.’
‘હું પણ કંટાળી ગયો છું. ચાલો સાહેબ પાસે. અત્યારે ને અત્યારે આ વાતનો ફેંસલો લાવી દઈએ.’ બંને જણા ઝઘડતાં ઝઘડતાં સાહેબ પાસે ગયા.

સાહેબ એમના કામમાં રત હતા. એટલે એમનું કામ પૂરું થાય એની પ્રતીક્ષા કરતા બંને જણા એમના ટેબલ પાસે જ ઊભા રહ્યા. બંનેની નજર એકબીજા સામે એવી કાતરિયાં ખાતી હતી કે, કવિઓની કલ્પનાનાં નયનબાણ પુરુષો મારી શક્યાં હોત તો, બંને જણા બાણોની વર્ષા વરસાવી એકબીજાને વીંધી નાખ્યા વિના રહેત નહિ. પોતાનું કામ પૂરું થયું એટલે સાહેબે સૂચક દષ્ટિ કરી પૂછ્યું :
‘કેમ, શું કામ છે ?’
જોસેફે તરત જ તક ઝડપી લઈ, વોલ્ટર કંઈ પણ બોલે એ પહેલાં, પોતે જ બોલવાનું શરૂ કર્યું : ‘સાહેબ, હવે તો હદ થાય છે. આ વોલ્ટર મને રોજ પરેશાન કરે છે. એના ભાગનું કામ પણ મારે માથે મારે છે. સાહેબ, આટલા દિવસ તો મેં સહન કર્યા કર્યું, પણ હવે મારી સહનશક્તિની સરહદ આવી ગઈ છે. મારું ટેબલ બદલી નાખી, મને બીજા ખાતમાં ફેરવી નાખો તો, સાહેબ, હું શાંતિનો શ્વાસ લઈ શકું.’

સાહેબે સહાનુભૂતિપૂર્વક કહ્યું : ‘મિ. જોસેફ, એમ આકળા ન થાવ. તમારું ટેબલ એનું એ જ રહેવાનું છે. તમારે બંનેએ સલાહસંપથી કામ કરવાનું છે. તમે એને ક્ષમા આપી દઈ, ખૂબ જ પ્રેમપૂર્વક વર્તો. પછી જુઓ કે આનું પરિણામ કેવું સુંદર આવે છે !’
જોસેફ તરત જ બોલી ઊઠ્યો : ‘સાહેબ, અત્યાર સુધીમાં મેં એને સાતસાત વાર તો ક્ષમા આપી છે. તમે જ કહો, એથી વધુ ક્ષમા કેટલી વાર અપાતી હશે ?’
જોસેફ સામે વેધક દષ્ટિ કરી સાહેબે કહ્યું : ‘ભાઈ, તમે બંને તો ખ્રિસ્તી ધર્મના અનુયાયી છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખૂબ જ ભારપૂર્વક કહ્યું છે કે, ‘તમે તમારા વિરોધીને સાત વાર નહિ પણ સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ વાર ક્ષમા આપો. પછી એ વિરોધી વિરોધી મટીને તમારો પરમ પ્રેમી બની ગયો હશે.’ પોતાના જ ધર્મમાંથી પોતાને જીવન-આચરણ શિખવાડનાર એ હિન્દુધર્મી સાહેબને બંને જણા ખૂબ જ આદરપૂર્વક વંદી રહ્યા. બંનેનાં હૈયામાંથી કલહનું વિષ નીતરી ગયું હતું, અને પ્રેમનું અમૃત વહેવા માંડ્યું હતું.

એ સાહેબ હતા બનારસ વિશ્વવિદ્યાલયના એક વિભાગના વડા અને ગરવા ગુજરાતી આચાર્ય આનંદશંકર ધ્રુવ. (‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.)

[5] સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે…. – યશવન્ત મહેતા

સંસ્કૃત ભાષા કેટલાકને અઘરી લાગવાનું એક કારણ કદાચે એ હશે કે એમાં જે કાંઈ લખાયું છે તે સમકાલીન લોકપ્રિય ઘટનાઓ, કૃતિઓ અને અભિવ્યક્તિઓથી ભિન્ન છે. હવે વાંચવા મળ્યું છે કે અમદાવાદમાં ‘એકલવ્ય સંસ્કૃત અકાદમી’ નામની સંસ્થા સંસ્કૃતને સમકાલીન સાથે જોડવા કોશિશ કરી રહી છે. એટલે જ એણે અભિતાભ બચ્ચન તથા શશીકપૂરનો ફિલ્મ ‘દીવાર’નો સંવાદ સંસ્કૃતમાં ઢાળ્યો છે :
‘मम समीपे यानमस्ति, धनमस्ति भवनमस्ति, सर्वमस्ति….. भवतः समीपे किमस्ति ?’
‘मम समीपे माताडस्ति.’
હવે આખી ‘દીવાર’ ફિલ્મ સંસ્કૃતમાં ડબ થાય તો બાકીના સંવાદ કેવા હોય એ તમે કલ્પી લો ! (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)

[6] કચ્છનું મૂળ ચલણ – નિરંજન બુચ

[ રીડગુજરાતીને આ માહિતી મોકલવા માટે શ્રી નિરંજનભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે niranjan_buch@hotmail.com સંપર્ક કરી શકો છો.]

કચ્છમાં મહારાજાઓશ્રીના વખતમાં અલગ જ ચલણ હતું, જેનો ઘણાને ખ્યાલ તો હશે પરંતુ જોયેલ નહિ હોય. કચ્છમાં કોઈ કાગળની નોટો કે એવું કોઈ ચલણ નહોતું પરંતુ નક્કર સિક્કાઓ જ હતા અને તે પણ ચાંદીના. આમાં નીચે પ્રમાણેના સિક્કાઓ હતા :

૧. પાંચિયું : જે પાંચ કોરીનો સિક્કો હતો અને શુદ્ધ ચાંદીનો મોટા રૂપિયા જેવડો ઘટ્ટ જાડો હતો.
૨. કોરી : જે નાની પાવલી જેવડી પણ શુદ્ધ ચાંદીની નક્કર જાડી હતી.
૩. આધિયું : આ મોટા રૂપિયા જેવડો ત્રાંબાનો સિક્કો હતો ને તેની કિંમત અરધી કોરી જેટલી હતી.
૪. પાયલું : આ પણ ત્રાંબાનું અને તેની કિંમત કોરીના ચોથા ભાગ જેટલી હતી.
૫. ઢબુ : ઢબુ પણ ત્રાંબાનો હતો અને તેની કિંમત કોરીના આઠમા ભાગની હતી.
૬. ઢીંગલો : આ પણ ત્રાંબાનો હતો અને તેની કિંમત કોરીના સોળમા ભાગની હતી.
૭. દોકડો : આ નાનો ત્રાંબાનો હતો અને તેની કિંમત કોરીના બત્રીસમાં ભાગની હતી.

આ ઉપરાતં ‘ત્રામ્બીયો’ નામનો પણ એક સિક્કો હતો. આઝાદી આવ્યા પછી રૂપિયા, આના, પાઈનું ચલણ આવ્યું એટલે કચ્છનું ચલણ નાબુદ થયું .જેણે આ સંગ્રહ કર્યો હશે તેની પાસે જોવા મળશે. આ રૂપિયા, આના પાઈના ચલણમાં ૧૬ પાઈ/પૈસો એટલે એક રૂપિયો થતો અને તે પણ દશાંશ પદ્ધતિ આવતાં ગયું અને ‘નયો પૈસો’ આવ્યો, જેમાં ૧૦૦ પૈસા એટલે એક રૂપિયો થયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરમ માતૃરૂપને પોકાર – રીના મહેતા
નેત્રાનું ફ્રોક – પૂજા તત્સત્ Next »   

9 પ્રતિભાવો : વાતોના વન – સંકલિત

 1. raj says:

  very intresting and last one is very infermative
  thanks
  raj

 2. ramesh prajapati says:

  bus stand par na chhokrano prasang mane gamyo pan me e ek gussavara teacher ne kahevo yogya samjyo. je hu kahesh .

 3. સુંદર સંકલન્.

 4. Jigisha says:

  nice article…. have neve seen such currency everbefore….

 5. Deval Nakshiwala says:

  સુંદર સંકલન છે. એમાં પણ કચ્છના ચલણી સિક્કા વિશે જાણવાની મજા આવી.

 6. pragnaju says:

  કચ્છના સિક્કાની સરસ માહિતી
  બધા લેખોનુ સુંદર સંકલન

 7. nayan panchal says:

  સુંદર સંકલન. બીજો પ્રસંગ સવિશેષ ગમ્યો.

  આભાર,
  નયન

 8. nimish narshana says:

  good compilation……………….
  1 to 4:- thought-provoking and stimulating articles
  5 & 6:- informative

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.