ગળ્યાં ગળ્યાં કારેલાં ! – ગુણવંત શાહ

શેરડીના રસમાં એક ચમચી ખાંડ નાખીને પીવાનો રિવાજ હજી શરૂ થયો નથી, પરંતુ એ દિવસ કદાચ બહુ દૂર નથી. ખાંડ વગરની વાનગીઓ બહુ ઓછી બચી છે. લોકો હવે મરચાંમાં પણ ખાંડ નાખતા થયા છે. કેન્યામાં એક ગુજરાતી પરિવારમાં જમતી વખતે મને સફરજનનું અથાણું પીરસવામાં આવેલું. ઘણી વાર બે પ્રશ્નો મનમાં ઊઠ્યા છે : દુનિયામાં એવો કયો ખાદ્ય પદાર્થ છે, જેનું અથાણું ન થઈ શકે ? વળી એવો કોઈ ખાદ્ય પદાર્થ ખરો જેનાં ભજિયાં ન થઈ શકે ? તરલા દલાલ જાણે. બાકી નંદીગ્રામમાં ઈશા કુન્દનિકા કાપડીઆ ક્યારેક સવારની ખીચડીનાં ભજિયાં સાંજે બનાવે તે ખાધાં છે. આ ભજિયાં ખાતી વખતે મકરન્દ દવે આંખ મીંચકારીને અચૂક કહે કે : ‘ભજિયાં’ મૂળે ભજ્ ધાતુ પરથી બનેલો શબ્દ છે. ભજિયાં અને ભક્તિ વચ્ચેનો અનુબંધ સ્પષ્ટ છે. મકરન્દભાઈ પાછા કહે કે ગાંઠિયાં ખાઈને ગ્રંથિઓ એટલે કે મનની ગાંઠો ઓગાળવાની કળા શીખવી રહી.

લોકો ખૂબ ખાંડ ખાતા થયા છે. વેડમી ઉર્ફે પુરણપોળી ગોળદાળ પણ હવે વાસ્તવમાં ખાંડદાળ હોય છે. સુરતમાં દહીંવડાં ખાસાં ગળ્યાં હોય છે અને ભેળપૂરીમાં પણ ગળપણ હોય છે. કારેલાંનું શાક ધીરે ધીરે પોતાનું કડવાપણું ગુમાવતું જાય છે. ગુજરાતીઓની કઢી પણ હવે ગળપણના પ્રભાવ હેઠળ આવી ગઈ છે. કેળાંની વાનગીમાં અને કેરીના રસમાં પણ ખાંડ ઉમેરવામાં આવે છે. શક્કર પરથી નામ પડ્યું શક્કરટેટી. એના ફોડવા પર પણ ખાંડ ભભરાવવામાં આવે છે. ખાંડ દ્વારા થતી અપ્રગટ હત્યાઓનો અંદાજ લગાવી શકાય તેમ નથી. ગાગરિયું પેટ અધૂરાં જીવનની નિશાની છે. ડાયબિટીઝ ગળ્યા રોગનું નામ છે. વાનગીઓ પર ખાંડનો પ્રભાવ પડ્યો તેવો જ પ્રભાવ આપણા રોજબરોજના પ્રત્યાયનમાં માંહ્યલાની મીઠાશના સથવારા વગરનાં મીઠાં વાક્યોનો પડ્યો છે. પ્રશંસા દ્વારા થતી હત્યાઓનો કોઈ પાર નથી. શેક્સપિયરે સાચું કહેલું : ‘અ મૅન મે લાફ એન્ડ લાફ એન્ડ બી એ વિલન.’ સુધરેલા માણસની એક મૌલિક વ્યાખ્યા મને જડી છે. પોતાનો સાવ સાચકલો અણગમો છુપાવવામાં પાવરધો બની જાય ત્યારે માણસ સુધરેલો ગણાય.

જરાક વિચારી જોવા જેવું છે. અપ્રગટ અને અણપ્રીછ્યો અણગમો લગભગ અણુકચરા જેવો છે, જેનો નિકાલ અનેક સમસ્યાઓ ઊભી કરે છે. એ અણગમો ક્યારેક પ્રસ્તુત વ્યક્તિની ગેરહાજરીમાં થતી નિંદાકૂથલી દ્વારા પ્રગટ થાય છે. ક્યારેક એ અણગમો નનામા પત્ર દ્વારા, કાનભંભેરણી દ્વારા, છૂપા કારસ્તાન દ્વારા અને કોઈને ખબર પણ ન પડે એવી પ્રતિશોધ (બદલા) દ્વારા વ્યક્ત થતો હોય છે. આવો અણગમો સરવાળે ખૂબ મોંઘો પડતો હોય છે. અણગમો વ્યક્ત કરવા માટે ઓચરાયેલું એક કડવું વેણ પ્રમાણમાં ખૂબ સસ્તું પડે છે. પ્રગટ હિંસા પર થોડીકે લગામ રહેવાનો સંભવ છે, પરંતુ પડદા પાછળ થતી મનોવૈજ્ઞાનિક ખૂનામરકી સામાજિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંદો પ્રભાવ પાડનાર સાબિત થાય છે. ક્યારેક તો લોકો પોતાનો અણગમો છુપાવવા માટે મીઠું મીઠું બોલે છે. આજનો સુધરેલો સમાજ આવા મીઠાં ઝેરથી પીડાતો રહે છે. સમાજના સભ્યો વચ્ચે ચાલતા રોજિંદા લસણકોથમીરિયા પ્રત્યાયનને પણ હવે પોલિટિક્સનો રંગ લાગી ગયો છે. પરિવારમાં પણ ગલ્ફસ્ટ્રીમના ગરમ પ્રવાહો અને લાબ્રાડોરના ઠંડા પ્રવાહો ભોંયભીતર વહેતા રહે છે. કદાચ આવા પ્રવાહોના મનોવિશ્લેષણ પછી રોનાલ્ડ લેઈંગ જેવા મનોવિદ્ તરફથી આપણને પુસ્તક મળ્યું : ‘પોલિટિક્સ ઑફ ધ ફેમિલી.’

વાસ્તવમાં એક માણસ બીજા માણસને ભાગ્યે જ મળતો હોય છે. ઘણુંખરું એક પ્રચ્છન્ન પોલિટિશિયનને મળતો હોય છે. સામી વ્યક્તિને ગણતરીમુક્ત, ઈરાદામુક્ત અને ગ્રંથિમુક્ત થઈને મળવાનું દોહ્યલું બનતું જાય છે. આવું પરિશુદ્ધ ‘મળવું’ શક્ય બને ત્યારે જે પ્રત્યાયન થાય તેમાં ઉદ્દગારાયેલો શબ્દ કેળના પાન પર પડેલા ઝાકળબિંદુ જેવો સ્વચ્છ હોય છે. મનની વિરુદ્ધ થતી બેજવાબદાર પ્રશંસા પણ આરોગ્ય માટે ઉપકારક નથી. ‘મિરઝા ગાલિબ’ ટીવી સિરિયલમાં નગરનો કોટવાળ તવાયફ નવાબજાનને ત્યાં જાય છે. નવાબજાન પોતાની હથેળી પરનાં છૂંદણાં બતાવે છે અને ઉર્દૂમાં લખાયેલા શબ્દો કોટવાળ વાંચે છે : ‘મિરઝા ગાલિબ.’ એ નવાબજાનને કહે છે : ‘યે કિસ કંગાલ સે દિલ લગા બૈઠી હો, કરજદાર હૈ જમાને કે.’ જવાબમાં નવાબજાન જે વેણ ઉદ્દગારે છે તેમાં માંહ્યલાના સથવારે પામેલા શબ્દોની ઝલક પ્રાપ્ત થાય છે. નવાબજાન કહે છે : ‘ઔર ઉનકા કર્જ જો ચડ રહા હૈ જમાને પે, ઉસકો ચુકાતે ચુકાતે તો દિલ્હી કી નસલેં ગુજર જાયેગી, ફિર ભી ચૂકતા ન હોગા.’ (સંવાદ યાદદાસ્ત પરથી લખ્યો છે માટે ભૂલચૂક લેવીદેવી).

સમય અને અવકાશ વચ્ચેની કોઈ અનોખી ગુફતેગોને કારણે આપણને જીવન નામની મૂલ્યવાન ભેટ પ્રાપ્ત થઈ છે. કર્ટ લ્યુઈન જેવો મનોવિજ્ઞાની જેને જીવનાકાશ (લાઈફસ્પેસ) કહે છે, તે છે આપણું ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર (કર્મક્ષેત્ર). આપણને મળેલા આ જીવનાકાશમાં એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ, જેની સાથે ગણતરીમુક્ત, ઈરાદામુક્ત અને ગ્રંથિમુક્ત પ્રત્યાયન શક્ય બને. આવું નોનપોલિટિકલ ‘મળવું’ દોહ્યલું બની જાય ત્યારે કહેવાતા સુધરેલા સમાજનું નિર્માણ થતું હોય છે. આપણો સમાજ આજકાલ કારેલાંના શાકમાં ઠાંસીઠાંસીને ઉમેરાયેલા ગળપણની પીડા ભોગવી રહ્યો છે. સદગત ચંદ્રવદન મહેતા ઉર્ફે ચં.ચી. આવી પીડાથી મુક્ત હતા. સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ પણ એવી પીડાથી મુક્ત હતા. બેજવાબદાર પ્રશંસા કરવાથી દૂર રહેવું એ પણ વાણીનું તપ છે. બેજવાબદાર પ્રશંસા કરનારી જીભને માંહ્યલાનો ટેકો હોતો નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પોતાની એક નાનકડી દુનિયા – વર્ષા અડાલજા
અજબ ગજબનું જંતર – લલિત વર્મા Next »   

21 પ્રતિભાવો : ગળ્યાં ગળ્યાં કારેલાં ! – ગુણવંત શાહ

 1. અશોક જાની 'આનંદ' says:

  વાહ, ગુણવંતભાઇએ સવાર અને શનિવાર બન્ને સુધારી નાંખ્યા, ચોટદાર લેખ…

  મ્રુગેશભાઇ,

  એક વિનંતી, અણપ્રીછ્યો = ન ઓળખાયેલો, અને પ્રચ્છન્ન = છુપાયેલો/સંતાયેલો (મારી સમજ પ્રમાણે) જેવા ઓછા વપરાતાં શબ્દોના અર્થ લેખના અંતે નવી પેઢીના લાભાર્થે આપો તો તેઓ પણ આવા લેખને સુપેરે માણી શકે….

 2. Rakesh Dave says:

  “વાસ્તવમાં એક માણસ બીજા માણસને ભાગ્યે જ મળતો હોય છે. ઘણુંખરું એક પ્રચ્છન્ન પોલિટિશિયનને મળતો હોય છે. સામી વ્યક્તિને ગણતરીમુક્ત, ઈરાદામુક્ત અને ગ્રંથિમુક્ત થઈને મળવાનું દોહ્યલું બનતું જાય છે. આવું પરિશુદ્ધ ‘મળવું’ શક્ય બને ત્યારે જે પ્રત્યાયન થાય તેમાં ઉદ્દગારાયેલો શબ્દ કેળના પાન પર પડેલા ઝાકળબિંદુ જેવો સ્વચ્છ હોય છે.”
  સાચી વાત છે !

  દિવ્ય ભાસ્કર રવિવારે મળે કે તરત આપનો લેખ એક શ્વાસે વાંચી નાખીએ છે !

 3. Moxesh Shah says:

  “સુધરેલા માણસની એક મૌલિક વ્યાખ્યા મને જડી છે. પોતાનો સાવ સાચકલો અણગમો છુપાવવામાં પાવરધો બની જાય ત્યારે માણસ સુધરેલો ગણાય.”

  શ્રી ગુણવંતભાઈ નો લેખ વાંચતા તે ક્યારે પુરો થઈ ગયો તેની ખબર જ ના પડે. “યે દિલ માંગે મોર”.

  અણિશુધ્ધ, પરિશુધ્ધ સાચી અને મગજ મા ઉતરી જાય તેવી મૌલિક શૈલી. અદભુત.

 4. aashay says:

  પ્રત્યાયન નો અર્થ ના ખબર પડી..તે સમ્જાવો.આભાર્..i think it means ‘to talk’..

 5. aashay says:

  અશોક ભાઈએ કહ્યુ તેમ જો અઘ્રા શબ્દો નો અર્થ પણ મુક્વામા આવે તો મારા જેવા યુવનોનુ શબ્દ ભન્દૌર વિકસ્સે..thanks..

 6. Jay says:

  અત્યંત અર્થસભર લેખ… આપનું લેખન દરવિવારે પ્રેમ થી માણીએ છીએ. હું દ્વિધા માં છું… કે… લેખન ગ્રાહ્ય ભાષા માં કે પછી તે અણીશુદ્ધ ભાષા માં હોવું જોઈએ???

 7. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 8. Anila Amin says:

  વખાણ ખાડ ભરેલા કારેલાની જેમ નથી કરવા પણ વિચારો ખૂબ ગમ્યા. સામાન્ય માણસ કે પરદેશમા ભણેલા કે વર્ષોથી

  વસી ચૂકેલા માણસો મટે આપની ભાષા સમજવી અઘરી થઈ પડૅ જોકે આપે તો આપની આગવી શૈલીથીજ લખ્યો છે એ

  સમજવામા આવ્યા વગર રહેયતુ નથી . આ લેખ વાચતા ચન્દ્રકાન્ત શેઠનુ એક કાવ્ય યાદ આવી ગયુ જેના શબ્દો કઈક આ

  પ્રમાણેના છે, ” અર્થછે ખરો આપણા આ ગોઠવાયેલા સમ્બધોનો, આગમન પણ ગોઠવાયેલુ, ચાનો ધૂટ પણ ગોઠવાયેલો.” બધી

  કડીઓ બરાબર યાદ નથી પણ આખા કાવ્યનો ભાવાર્થ કઈક અન્શે આ લેખને મળતો છે.

 9. જય પટેલ says:

  અર્વાચીન ઋષિ શ્રી ગુણવંત શાહની વિચારયાત્રાથી ગુણવંતી ગુજરાતની નવી પેઢી ઘણું પામી છે.

  સુધરેલા માણસની વ્યાખ્યા ખુબ સરસ કરી. આજના ઈ-યુગના જમાનામાં માણસનું માણસને મળવું પણ એક અકસ્માત છે.

  માણસના આ મળવાપણામાં સહજતા મોટેભાગે ગાયબ હોય છે. પ્રસંશા તો ઈશ્વરને પણ વ્હાલી. ઈશ્વરની વ્હાલી પ્રસંશાનો

  ત્યાગ તો ફક્ત ગુર્જર રત્નો…સર્વશ્રી સરદાર પટેલ..મોરારજી દેસાઈ..ચંચી જ કરી શકે.

  સારંગીવાદનનો ત્યાગ એટલે જ વાણીનું તપ.

  આભાર.

 10. pragnaju says:

  પ્રત્યાયન એ માહિતીને એક સ્ત્રોત પાસેથી લઇને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. પ્રત્યાયન પ્રક્રિયાઓ, સંકેતના માધ્યમ થકી સંકેતો અને બે પરિબળો વચ્ચે સમાન સંકેતો અને સંકેત સંબંધી સંગ્રહ છે. પ્રત્યાયન એટલે “વિચારો અને મતને વ્યક્ત કરવા કે તેનું આદાનપ્રદાન કરવું અથવા તો ભાષણ, લેખન કે ઇશારા દ્વારા માહિતી આપવી.” પ્રત્યાયન એ એવી દ્વિપક્ષી પ્રક્રિયા છે જેમાં પરસ્પર સ્વીકારાયેલાઢાંચો:Clarify me લક્ષ્ય કે દિશા તરફ વિચારો, લાગણીઓ કે ખ્યાલોનું આદાનપ્રદાન કે પ્રગતિ સધાય છે. વિદ્યાશાખાતરીકે પ્રત્યાયનનો ઇતિહાસ ઘણો જૂનો છે
  ‘સમય અને અવકાશ વચ્ચેની કોઈ અનોખી ગુફતેગોને કારણે આપણને જીવન નામની મૂલ્યવાન ભેટ પ્રાપ્ત થઈ છે. કર્ટ લ્યુઈન જેવો મનોવિજ્ઞાની જેને જીવનાકાશ (લાઈફસ્પેસ) કહે છે, તે છે આપણું ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર (કર્મક્ષેત્ર). આપણને મળેલા આ જીવનાકાશમાં એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ, જેની સાથે ગણતરીમુક્ત, ઈરાદામુક્ત અને ગ્રંથિમુક્ત પ્રત્યાયન શક્ય બને.’ ચિંતન માંગતો વિચાર

 11. લેખકનુઁ લખેલુઁ છેલ્લુઁ વાક્ય બહુ ગમે તેવુઁ છે.
  આભાર !

 12. ‘બેજવાબદાર પ્રશઁસા કરનારી જીભને માઁહ્યલાનો ટેકો હોતો નથી.”

 13. Vraj Dave says:

  થોડામાં ઘણું એ સરસ રીતે આપી છે.

 14. dhiraj says:

  ગુજરાતી ભાષા ના અઘરા શબ્દો ના અર્થ જાણવા માટે
  ભગવદ્ગોમંડલ પર ક્લિક કરો http://www.bhagwadgomandal.com/

  • અશોક જાની 'આનંદ' says:

   ‘અણપ્રીછ્યો’ જેવાં કેટલાંક શબ્દોનો અર્થ ત્યાં પણ નહીં મળે, પ્રયાસ કરી જોજો..!!!

   જો કે તમે મોકલેલી લીન્ક માટે આભાર,

  • Veena Dave. USA says:

   સરસ માહિતિ.
   આભાર.

 15. Ami Patel says:

  Nice lekh. Just wondering where are all girls from readgujarati comment section?
  Talking about sugar, you will realize how much sugar we eat only when you invite non-gujju friend or you go to their place for meal. Sometimes it is so embarrasing that we are using so much sugar in non-sweet items also, which can be deffinitely be reduced. Gujarati dal has more sugar than Sheero sometimes…..when you use more sugar, you need to put more salt also…we are invinting diabetes and High BP at the same time…:))
  I think we started putting sweetness in each item to make it full of all nine(?) ras, which may have importance from ayurveda perspective, but I think now level of sweetness has been brought to another level over the time. anybody any comment on nine ras?

  • Ashish Dave, Sunnyvale, California says:

   I agree with your comment Amibahen. There are 3 white poisons and they are: Sugar, Salt, Wheat flour.

   Ashish Dave

  • trupti says:

   અમિતા બહેન,

   તમારી વાત સાચી છે, કે આપણે ગુજરાતી ઓ ગળ્યુ વધારે ખાઈ એ છીએ, પણ આજે મારામતે દરેક ના મન મા એક ભ્રમણા (myth) છે કે ગળૂ ખાવા થી ડાયાબિટીસ થાય છે, પણ સાયન્સે અને રિસર્ચે સાબિત કર્યુ છે કે. ગળુ ખાવાથી ડાયાબીટીસ નથી થતો પણ જો હોય તો ગળુ તેમને માટે ઝેર સાબિત થઈ શકે છે.

   દરેક જાતી અને પ્રજા એ પોતાના ખોરાક ના નિયમો નક્કી કર્યા છે અને આપણે ગુજરાતી ઓ એ ગળ્યુ અપનાવ્યુ છે અને તે આપણૉ ટ્રેડમાર્ક છે, તેમા embarras થવા જેવુ મારા મતે નથી લાગતુ. મોટે ભાગે ગુજરાતીઓ શાકાહારી છે અને ઘણા ખરા લોકો નોન-વેજ ને પાપ ગણે છે, પણ જે પ્રજા બિનશાકાહારી છે તેઓ એ કદી નોન-વેજ ખાવાને માટે embarras ફિલ કર્યુ હોય તેવૂ મને લાગતુ નથી. દરેક વસ્તુ નુ પ્રમાણ જળવાય રહેવુ જોઈએ. અતી સ્રર્વદા વ્રજ્ય પણ પ્રમાણસરનૂ બધુ જ સારુ લાગે.

   તમને એક બીજી વિનંતી- ગુજ્જુ શબ્દ બહુજ તોછ્ડો શબ્દ છે ને આપણે ગુજરાતી થઈ ને આપ્ણી જાત ને ગુજ્જુ કહેવડાવી ને આપણૂ અપમાન કરીયે છીએ, માટે તે શબ્દો નો ઊપયોગ ન કરવા માટે તમને વિનંતી એ , આશા છે તમે આ વિન્મ્તી ને પોસેટીવલી લેશો.

   • જય પટેલ says:

    તૃપ્તિ

    સુગર અને ડાયાબિટીઝનું પૃથ્થકરણ આપે સચોટ કર્યું છે. ડાયાબિટીઝ શરીરમાં ઈન્સ્યુલિનની ઉણપને કારણે થાય છે.
    ડાયાબિટીઝ…રાજરોગ થયા બાદ સુગરનો વપરાશ ક્રમશઃ ઓછો કરીએ તો આપણને જ તકલીફ ઓછી પડે.

    બીજું કે અમીએ ગુજ્જુ શબ્દ એડ્રેસ કર્યો છે તે બિન-ગુજરાતીઓ ગુજરાતીઓ પ્રત્યે ઘૃણા અને નફરતના ભાવથી કરે છે.
    મારી સાથે કામ કરતા એક પંજાબીના બે બાળકોને મોટા કરવા એક ગુજરાતી ભાઈએ (ઉંમર ૭૦) પોતાનું યોગદાન આપેલું.
    ફક્ત સેવાના ભાવથી બે બાળકોના બાળોતિયાંથી માંડીને સઘળી બાબતોનું ધ્યાન રાખી બાળકો મોટા કરી આપેલા.

    કોઈ એક પ્રસંગે પંજાબીએ તે ભાઈને યાદ કરતા કહ્યું કે…કલ વો ગુજ્જુ કે ઘર તુલસી કો પાની ડાલને જાના હૈ.
    નફરત અને ઘૃણાથી પિડાતા માણસના શ્રી મુખેથી અનાયાસ અપમાનીત શબ્દો નીકળતા જ હોય છે.

 16. Jagruti Vaghela says:

  સરસ લેખ્. ખૂબ સાચી વાત કરી છે આ લેખમાં કે આજના જમાનામાં લોકો એકબીજાને સહજતાથી મળતા નથી. બધી ખાલી ઉપરછલ્લી મિઠાશ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.