આવડત અને તેનો ઉપયોગ – તારાબહેન મોડક

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

દરેક કામ કે વર્તન માટે યોગ્ય સ્થળ-કાળ હોય છે. તે તે વખતે ને તે તે સ્થળે જો તે તે કામ કે તે તે વર્તન ન થાય તો તે થયું ન થયું સરખું થાય છે. ટૂંકમાં કામની આવડત પણ નકામી જાય છે ને થયું કામ પણ નકામું જાય છે.

બાળકોનું ઘણી વાર એમ બને છે. અમુક પ્રસંગે કે અમુક જગ્યાએ અમુક પ્રકારનું વર્તન હોવું જોઈએ. અમુક કામ અમુક વખતે જ થવું જોઈએ. અમુક કામ અમુક સ્થળે ન જ થાય વગેરે સામાજિક સગવડ અગવડમાંથી ઉત્પન્ન થએલાં ઘણા રીતરિવાજો સમાજમાં પ્રચલિત હોય છે. ને તે મોટાઓ પ્રસ્થાપિત કરે છે. બાળકોથી બરાબર જે વખતે કે જે સ્થળે જે બનવું જોઈએ તે થતું નથી ને તેથી તેને મોટાંઓનો ઠપકો ખાવો પડે છે, સામાજિક હાંસીને પાત્ર થવું પડે છે. બાળજીવનના ઘણા કરુણ કે દુઃખમય પ્રસંગો આ બાબતને લગતા હોય છે. ચાર માણસ વચ્ચે તેને ઠપકો મળે અથવા તે પોતાના આવેગથી કાંઈક કરતું હોય ત્યાં તેને એકાએક અટકવું પડે કે કામ છોડવું પડે વગેરે પ્રસંગો તેને માટે બહુ જ દુઃખદાયી હોય છે ને તે શા માટે બને છે તે ન સમજવાથી દુઃખ સાથે મૂંઝવણ પણ ઘણી વાર હોય છે. માટે મોટાઓએ આવી બાબતોમાં બાળકોને પહેલેથી નિયમો બાંધી દેવા જોઈએ, એટલે તેનો રસ્તો સરળ થાય છે ને તેના જીવનની ઘણી મૂંઝવણ ટળે છે. બાળકોને નિયમો આપવાની સાથે સમજી શકે એવી ઉંમરે તેમને ટૂંકમાં તેનાં કારણો પણ આપતાં જવાં જોઈએ. તેથી આંખ મીંચીને માત્ર મોટાંઓની સત્તાથી કાયદા પાળવામાં જે એક જાતની માનસિક ગુલામી છે તેમાંથી તેઓ મુક્ત થઈ, સમજીને વર્તવાની કળા તેમનામાં આવે છે.

એકાદ સાદો દાખલો લઈએ. બહુ તાણીને ન બોલવા સંબંધે કે અવાજ ને ગડબડ ન કરવા સંબંધે બાળકોને ઘણી વાર ટોકવું પડે છે. આ સંબંધમાં આપણા દેશનું સામાન્ય ધોરણ તો ધોરણ નો અભાવ જ છે. મોટાંઓ ફાવે ત્યારે ઘાંટો કાઢીને બોલે છે. ગડબડ મચાવી મૂકે છે. આસપાસનાં ચાર ઘરોમાં સંભળાય એવી રીતે આપણા ઘરની વાતો ચલાવવાનો સામાન્ય રિવાજ છે. છતાં બાળકો હસાહસ કરે કે તાણીને બોલે કરાવે ત્યારે વારંવાર તેને ઠપકો દઈને અટકાવવાનો આપણો રિવાજ છે. એ બાબતમાં પ્રથમ તો મોટાંઓએ પોતાના વર્તન પરત્વે જ ધોરણ બાંધવાની જરૂર છે. પછી જ બાળકોને પણ ધોરણસર ચાલવાનું તેઓ કહી શકે છે. ધારો કે આપણે બાળકોને નિયમ આપ્યો કે આ આ ઓરડામાં કે જ્યાં સૌ પોતપોતાના વાંચવા લખવાનું કામ કરે છે ત્યાં તમારે ધીમે ધીમે વાત ચલાવવી અથવા બહાર જઈને વાત કરવી. ત્યાં દડાની રમત ન રમાય કે ત્યાં બારી પરથી કૂદવાનું કામ ન ચાલી શકે વગેરે વગેરે… તો ઘણાં ખરાં બાળકો તે નિયમનો બરાબર અમલ કરી કોઈ દિવસ વાંકમાં ન આવે પણ આપણું સામાન્ય ધોરણ કોઈ વાર તેમને રમવા દેવાં, કોઈ વાર તેમને રાડો પાડવા દેવી કે કોઈ વાર સખત ઠપકો દેવો, એવું હોય છે. ટૂંકમાં, તદ્દન ધોરણ વગર ઠપકો ને ચલવી લેવાપણું ચલાવવાથી બાળકો મોટાઓના ઠપકાને જીવનના અનિવાર્ય અકસ્માતો ગણી કાઢે છે ને પોતાના જીવનમાં કોઈ પણ જાતનું વર્તનનું ધોરણ દાખલ કરી શકતાં નથી.

નિયમો આપીએ એટલે આપણું કામ પૂરું થતું નથી. તેમ જ બાળકોના જીવનમાં તે ઊતરી જતા નથી. વારંવાર નિયમભંગના પ્રસંગો આવે છે ને તે તે વખતે નિયમભંગનાં કારણો શોધી કાઢી ઉપાયો યોજવાની આવશ્યકતા રહે છે. નિયમભંગનું પહેલું જ કારણ જાણવામાં આવે છે તે આવડતનો અભાવ. આપણે કહીએ કે આમ કરવાનું છે અને આમ કરવાનું નથી એટલે તે બની શકે છે એમ નથી. જેમ બાળકોને તરવા લઈ જઈએ અને કહીએ કે કોઈએ ડૂબવાનું નથી પણ તરવાનું છે તો બાળકો એકદમ તરવા લાગી શકતાં નથી. તરવાની આવડત આવતાં વખત લાગે છે. તેમ જ બાળકો પરત્વે બધી બાબતોમાં સમજવું. બાળકોને કહીએ કે ધીમે સાદે વાતચીત કરવી, અવાજ ઉપર કાબૂ મેળવવો, જોઈએ તેટલો જ ઘાંટો કાઢવો, એ કામ કાંઈ સહેલું નથી. મોટા મોટા વક્તાઓ ને શિક્ષકોને પણ તે આવડતું નથી. બાળકો સાથે કામ પાડનારને એનો અનુભવ હોય છે. બાળક ધીમેથી બોલવાનો પ્રયત્ન કરી ઘાંટો કાઢે છે તે સહેજે આખા ઓરડામાં સંભળાય એવો નીકળી જાય છે. જ્યારે કોઈ બાળક એવું બોલે છે કે આપણને સંભળાતું જ નથી એટલે જરા મોટેથી બોલો એમ કહેવું પડે તે પછી મોટો એટલે બહુ જ મોટો અવાજ નીકળી જાય છે. ત્યારે બાળક પોતે મૂંઝાય છે કે ધીમે સાદે કેમ બોલાતું હશે. આ જ રીતે દરેક બાબતમાં બાળકનું બને છે. જમતી વખતે નીચે ન પડવા બાબતમાં કે પાણીનો પ્યાલો ઉપાડી જતાં નીચે ન ઢોળવા બાબતમાં કે બીજી બધી બાબતમાં આવડત કેળવવી પડે છે. માટે મોટાંઓએ બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ કે આમ કર ને આમ કરીશ મા એટલું રોફથી કહેવાથી તેમની ફરજ પૂરી થતી નથી. પણ બાળકમાં તે પરત્વે આવડત આવે માટે ધીરજથી રાહ જોવી જોઈએ ને જરૂર હોય ત્યારે ત્યારે તે કેમ બને છે તે કરી બતાવવું જોઈએ. કેમ બોલાય, કેમ ચલાય, કેમ ઉપાડાય, કેમ મુકાય, કેમ બેસાય, કેમ ઉઠાય, કેમ ઊભું રહેવાય વગેરે દરેકે દરેક બાબત આપણે યોગ્ય વખતે યોગ્ય રીતે કરી બતાવવી પછી તે વસ્તુ બાળક શીખી લે ત્યાં સુધી શાંતિથી રાહ જોવી જોઈએ. વારંવાર ને જ્યારે ત્યારે ટોકવાથી પણ ઈષ્ટ પરિણામ દૂર જાય અથવા ન જ આવે. વારંવાર ને એક સરખું આપણે ધ્યાન રાખ્યા કરીએ તો પણ બાળક તે બાબતમાં બીકણ અથવા અસમતોલ બનીને આવડતથી દૂર ને દૂર જ રહે એ પણ સંભવિત છે. માટે બાળક આવડત મેળવે ત્યાં સુધી ખૂબ સંભાળથી કામ લેવાની જરૂર રહે છે.

આવડત કે માહિતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવાના દાખલાઓ પણ ઓછા હોતા નથી. આવા દાખલાઓ મોટે ભાગે મોટાં બાળકોમાં બને છે. આવડત હોય પણ તે વાપરવાની બેદરકારી તેમનામાં દેખાય છે. કારણ તેઓ નિયમ જાણે છે પણ નિયમ પાછળનું કારણ જો તેમને કહેવામાં ન આવ્યું હોય તો જાણે અજાણે તેમના મનમાં આવે કે ‘શા માટે ?’ ‘શા માટે આમ કરવું ?’ ‘શા માટે મોટેથી ન બોલાય ?’ ‘શા માટે વાસણ ન ખખડાવાય ?’ એમ દરેક બાબતમાં તેના મનમાં પ્રશ્ન ઊપજે છે કે શું કામ નહિ ? ને પોતાનામાં જવાબ દેવાની શક્તિ ન હોવાથી ઘણી વાર પ્રયોગ ખાતર બાળકો નિયમો તોડી જુએ છે ને તેમના મનથી કાંઈ વાંધા ભર્યું લાગતું નથી એટલે આવડતનો ઉપયોગ કરતાં નથી ને તે જ પછી ટેવ થઈ જાય છે. ઘણી વાર પ્રયોગની દષ્ટિ હોતી નથી પણ બેદરકારી જ હોય છે. ‘શું કામ જોઈએ ?’ એ પ્રશ્ન ઊપજે કે તરત જાણે પોતે જ જવાબ દેતાં હોય કે કાંઈ જરૂર નથી ને તેથી તે નિયમ પાળવા પરત્વે બેદરકારી તેઓ રાખ્યા કરે છે. આવાંઓને નિયમોનાં કારણો આપીએ કે સમજાવીએ તો તેઓ નિયમ પાળવાની ચિવટ રાખે છે. એટલે નિયમોનાં કારણો અર્થાત તેના યોગ્યાયોગ્યપણા સંબંધી બાળક જાણવાની સ્થિતિમાં આવે કે તેને તે સમજાવવાની જરૂર રહે છે; ને કારણો કે આવશ્યકતા જાણે એટલે બાળકો તે નિયમો પાળવા કબૂલે છે.

કારણો જાણવાં કે સમજવાં એ બુદ્ધિનો પ્રદેશ છે. ઘણીવાર એમ પણ જોવામાં આવે છે કે બાળકો નિયમો જાણતાં હોય છે. તેનાં કારણો પણ સમજે છે ને છતાં આચરણમાં તેઓ બેદરકાર જ રહે છે. જેમ કે ઉપરથી ચાલતો આવ્યો અવાજનો દાખલો લઈએ તો તેઓ ધારે ત્યારે ધીમેથી બોલી શકે છે. દરેક જણ ધીમેથી ન બોલે તો ઓરડામાં ગડબડ થાય ને બધાં પોતાનું કામ કરી ન શકે એ વાત તેઓ જાણે છે, એટલું જ નહિ પણ બીજાં બધાં એ નિયમનું પાલન કરે એમ તેઓ ઈચ્છે છે. છતાં જ્યારે પોતે બોલે છે ત્યારે ત્રણ માળ સંભળાય એવી રાડ પાડે છે. આનું કારણ શું ? આનાં કારણો બે પ્રકારનાં હોય છે. બુદ્ધિથી કોઈ વસ્તુ સમજવી એ એક વાત છે ને વખત આવ્યે બરાબર આચરણમાં ઉતારવી એ બીજી વાત છે. આચરણમાં મૂકવા માટે ક્રિયાશક્તિની જરૂર હોય છે. વારંવાર કરવાથી ક્રિયાશક્તિ ખીલે છે. એટલે ધ્યાન રાખીને બાળકો કોઈ પણ વાત વારંવાર કરે તો તેની ટેવ પડે છે. પરિણામે તે વાત માત્ર બુદ્ધિના પ્રદેશમાં રહેતી નથી પણ ક્રિયા શક્તિની મદદથી સિદ્ધ થાય છે. માટે બાળકોને નિયમ આપીએ ને નિયમનું પાલન કેમ કરવું તેની આવડત આપીએ એટલું જ બસ નથી પણ તેનો જ્યારે જ્યારે અમલ કરવાનો વખત આવે ત્યારે ત્યારે તેઓ તે કરે જ, એ વસ્તુ તેમની આગળ મૂકવાની જરૂર છે. ને તેઓ તે હંમેશની ટેવ તરીકે સિદ્ધ કરી લે એ ધોરણે તેમને મૂકવાની જરૂર છે.

ઘણી વાર આચરણમાં વસ્તુ લાવવાની બેદરકારીની પાછળ ક્રિયાશક્તિનો અભાવ નહિ પણ બીજું જ કારણ હોય છે. કોઈ કારણ સમજાવે તો બાળકો તે સમજે ખરાં પણ જો તેમની લાગણીને તે ન સ્પર્શે તો નિયમપાલન પરત્વેની બેદરકારી તેમનામાં આવી જાય છે. મોટે ભાગે નિયમો સામાજિક જીવનની સુલભતા કે સગવડ ખાતર ઉપજાવેલા હોય છે. સામાજિક જીવન એટલે Altruistic Life અથવા એકલા પોતા સિવાય બીજાંનો વિચાર કરીને ચાલવાનું જીવન. બીજાં તરફથી પોતાને અડચણ ન આવવી જોઈએ એ વાત સૌ કોઈ તરત સમજી શકે છે, જ્યારે પોતે બીજાંને અડચણ ન કરવી જોઈએ એ વાત ભુલાઈ જાય છે. બાલમંદિરનો એ એક હંમેશનો અનુભવ છે કે ઘણાં બાળકો આપણને આવીને કહે છે કે અમને ગડબડ થાય છે. અમારાથી વંચાતું નથી. અમારાથી ગણાતું નથી વગેરે. જ્યારે પોતે વાતોના રસ ઉપર ચડે છે ત્યારે પોતાની વાતથી બીજા વાંચનારાં, લખનારાં કે ગણનારાંને આપણી વાતોથી હરકત પહોંચતી હશે એ વાત તેઓ ભૂલી જાય છે. અથવા ખાસ ધ્યાન ઉપર લેવાની તેઓ તસ્દી લેતાં નથી. એટલે અમલમાં મૂકવા માટે તૈયાર છતાં મુકાતું નથી એવો વર્ગ આ વર્ગથી જુદો પડે છે. આમનામાં અમલમાં મૂકવાની ઈચ્છા કે તૈયારી જ ઓછી હોય છે. કારણ તેમની લાગણીને આ વસ્તુ સ્પર્શતી નથી. આનું કારણ altruistic – સામાજિક લાગણીઓનો વિકાસ સામાન્યતઃ જરા મોટી ઉંમરે થાય છે. બાલ્યાવસ્થામાં પોતા પરત્વેનો ખ્યાલ વહેલો આવે છે ને તેમનું લક્ષ જ પોતે આગળ વધવામાં હોવાથી બીજાંનો વિચાર તેઓ ભૂલી જાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે બાળકોમાં સામાજિક વિચાર કેવળ અશક્ય જ છે. તેમને તે રસ્તે મૂકીએ, તે રીતે વિચાર કરવાની સરણી પાડીએ તો તેમની સામાજિક લાગણીઓ પણ જાગૃત થાય છે. પાશ્ચાત્ય શિષ્ટને સંસ્કારી સમાજમાં જેને Christian attitude of life કહે છે એટલે કે બીજાં પ્રત્યે લાગણીભાવ ને ન્યાયથી વર્તવાની રીત ઘરમાં સામાન્ય હોય છે ને બાળકો આગળ પણ તે મૂકવામાં આવે છે તો તેમનામાં બીજાંની સગવડ અગવડનો વિચાર કરીને વર્તવાનું ધોરણ હંમેશનું થઈ ગયેલું દેખાય છે. તે સમાજમાં બતાવવાની બાહ્ય સભ્યતાના એક અંગ તરીકે રહેતું નથી પણ રગેરગમાં ભરાઈ ગયેલી સામાન્ય વાત હોય છે. આપણા દેશમાં સામાન્ય સમાજનું શિક્ષણ તપાસીએ તો ‘ગમે તે રીતે સ્વાર્થ સાધો’ અને ‘સમાજમાં ખોટી સભ્યતાનો ડોળ કરો’ એ બે સૂત્રોમાં તે સમાઈ જાય છે. બાળકોનાં વર્તનમાં તેનો પડઘો પડે તો નવાઈ નથી.

ટૂંકમાં આપણે બાળકોની આવડત અને તેના ઉપયોગ પરત્વે ઘણો ઝીણો વિચાર કરી શકીએ છીએ. બાળકોની આવડત વધે અને તેનો ઉપયોગ પણ વધે તે રસ્તે તેમને મૂકવાની જરૂર છે. તે માટે શિક્ષકો અને માબાપોએ એકમત થઈ બધે એક જ ધોરણસર નિયમો ઘડવાની જરૂર પણ છે જ. ઘણી વાર ઘરે મળતું શિક્ષણ નિશાળમાં ભૂંસાય છે ને ઘણી વાર નિશાળે મળતું શિક્ષણ ઘરે ભૂંસાય છે. ત્યારે એકેયનો કાયમી સંસ્કાર બાળકના મન પર રહેતો નથી એ આપણા બાલશિક્ષણની હાલની કફોડી સ્થિતિની કરુણતા છે. વહેલી તકે આપણે તે મટાડીએ ને બાળકોના જીવનને સ્થિર ધોરણ પર મૂકીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દ્વિદલ – સંકલિત
જીવનસંધ્યાનો ઉજાસ – જયવતી કાજી Next »   

2 પ્રતિભાવો : આવડત અને તેનો ઉપયોગ – તારાબહેન મોડક

  1. parul says:

    બહુજ સરસ વાત કહિ ચે. we need more article like this.

  2. dipakkumar says:

    ખુબજ સરસ ………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.