- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

દ્વિદલ – સંકલિત

[1] ત્રણ મુદ્દા – વિનોબા ભાવે

કોઈ પણ કામ વ્યવસ્થિતપણે પાર પાડવું હોય તો તે માટે ત્રણ વસ્તુ આવશ્યક છે. પહેલી વસ્તુ એ કે તે કામ અંગેનો સંપૂર્ણ વેગ સાધવો જોઈએ. પરીક્ષામાં જે સવાલો પૂછવામાં આવે છે તેમના જવાબ નક્કી કરેલા સમયની અંદર લખાઈ રહેવા જોઈએ એવો નિયમ હોય છે. તેમાં આ જ મહત્વનો મુદ્દો રહેલો છે. અમુક માઈલ કૂચ કરીને જવાનું છે એટલો જ સવાલ લશ્કર આગળ નથી હોતો. પણ અમુક સમયની અંદર અમુક માઈલ જવાનું છે એવો બાંધી મુદતનો પ્રશ્ન લશ્કર આગળ હોય છે. જે વાત લશ્કરને તે જ વાત ઓછાવત્તા પ્રમાણમાં રોજબરોજના વ્યવહારનાં બધાં જ કાર્યોને લાગુ પડે છે. કોઈ રસોઈ કરનાર માણસ રસોઈ સરસ બનાવે છે. પણ પાંચ માણસની રસોઈ બનાવતાં તેને જો પાંચ કલાક થતા હોય તો તેનું રસોઈ બનાવવાનું નકામું છે. કામના પ્રવાહમાં માણસ સપડાયેલો છે તેથી તે પ્રવાહોનો તાલ જોઈને માણસે બધાં કામો કરવાનાં હોય છે. તેથી વેગ સાધવો એ કામનો એક આવશ્યક મુદ્દો છે.

બીજો મુદ્દો તે કામમાં સફાઈ કે વ્યવસ્થિતપણા વિશેનો છે. લશ્કરનો જ દાખલો લઈએ તો અમુક માઈલ કૂચ અમુક વખતમાં કરવાની એ તો ખરું જ પણ આ કૂચ કરવાનું કામ વ્યવસ્થિતપણે, બરાબર લશ્કરી શિસ્ત પ્રમાણે, તાલ સાચવીને થવું જોઈએ. પાંચ પાંચની કે ચાર ચારની જેવી હારો નક્કી કરેલી હોય તેવી હારોમાં ચાલવું જોઈએ. બધાનાં પગલાં એકસાથે સરખાં પડવાં જોઈએ. કોઈ આગળપાછળ થાય તે ન ચાલે. આમ થાય તો જ તે કૂચ કરી કામની. કામમાંની સુંદરતા ન સધાય તો કામ કર્યું ન કર્યું સરખું જ. પીંઢારા જેવા હુલ્લડખોરોનું ટોળું અને લશ્કર એ બેમાં શું અંતર છે તે હિંદુસ્તાનના ઈતિહાસ ઉપરથી સારી પેઠે દેખાઈ આવે છે. સુંદરતા અથવા વ્યવસ્થિતપણું એ ગુણ કામમાં ભળ્યાથી, દૂધમાં સાકર નાખ્યા પ્રમાણે, કામ દીપી નીકળે છે; અને આ ગુણ જેમાં ન હોય તે કામ એટલે ખાંડ વિનાનું એકલું દૂધ, એમ નથી. સુંદરતા વિનાનું કામ તે કામ જ નથી. તેની સરખામણી તો દૂધમાં કુદરતી રીતે જ ખાંડ હોય છે તે કાઢી લીધા પછી બેસ્વાદ દૂધની સાથે કરાય. એટલે સુંદરતા એ કામનું શોભાનું ટીલું નથી પણ કામનું પ્રત્યક્ષ કપાળ જ છે. જે કામમાં વ્યવસ્થિતપણું નથી તે કામ કૂટેલા કપાળ જેવું છે. સુંદરતા એ કામની કેવળ શોભા નથી પણ તે કામનો ગાભો છે. (તેના ગળામાં હાર હો કે ન હો) એમાંનો આ કંઈ ઐચ્છિક ગુણ નથી, પણ આવશ્યક ગુણ છે.

કામમાં જેમ વેગ જોઈએ, વ્યવસ્થિતપણું જોઈએ, તેમ તેની સાથે જ ત્રીજી વસ્તુ તે જ્ઞાન જોઈએ. જ્ઞાનવિહીન કર્મમાં ભક્તિ નથી એમ જે કહેવાય છે, તે અક્ષરેઅક્ષર સાચું છે. લશ્કરે નક્કી કરેલી ઝડપથી ને પૂરેપૂરા વ્યવસ્થિતપણાથી કૂચ કરી હોય, અને ભલે તે ઠરાવેલે વખતે તેણે પૂરી પણ કરી હોય; પણ જો તે નિયોજિત સ્થળે ન પહોંચ્યું હોય તો ? સમજણપૂર્વક કામ ન કર્યું હોય તો આવી દશા થાય છે. બરાબર નકશા આંકીને, રસ્તામાં વળાંક ક્યાં ક્યાં છે અને તેને કેવી રીતે અને ક્યારે પહોંચી શકાય તે નક્કી કરીને તે પ્રમાણે કૂચ કરવી જોઈએ. આ મુદ્દો એટલો સ્પષ્ટ છે કે તેનું વધુ વિવરણ કરવાની ભાગ્યે જ જરૂર હોય. કોઈ પણ કામનાં આ ત્રણ આવશ્યક અંગો છે. કામ સમજણપૂર્વક કરવું જોઈએ, વ્યવસ્થિતપણે કરવું જોઈએ. અમુક ઝડપથી કરવું જોઈએ. આ ત્રણે ગુણ સિદ્ધ થયા એટલે કામ આવડ્યું કહેવાય. દાખલા તરીકે, લખતાં ક્યારે આવડ્યું કહેવાય ? ઝડપથી એકકે હાથે લખતાં આવડવું જોઈએ. ગોળ, સરસ અને છૂટું, એમ સુંદર રીતે લખતાં આવડવું જોઈએ. આટલું આવડે એટલે લખતાં આવડ્યું કહેવાય. શીઘ્રલેખન એ લેખનમાંનું ‘કર્મ, સુંદર લેખન એ ‘ભક્તિ’, અને શુદ્ધ લેખન એ ‘જ્ઞાન’ એમ ગીતાની ભાષામાં કહી શકાય. આ ત્રણેનો ‘યોગ’ સાધવો એ જ કામ કરવાની હથોટી અથવા તો ખૂબી. યોગઃ કર્મસુ કૌશલમ |

અને આનું જ નામ ‘સચ્ચિદાનંદ’નું સ્મરણ. કારણ, કામમાંનો વેગ એટલે જ ‘સત’ કામની સાથે જે ટક્કર ઝીલે તે જ ટકી શકે. તેમ ન કરી શકે તે ન ટકે. તેથી જે કામમાં વેગ નથી તે ‘અસત’. સમજણપૂર્વક કામ કરવું તેને ચિત્ કહી શકાય. કારણ, કામમાંનું જ્ઞાન ગયું એટલે ચેતના જ ગઈ જાણવી. અને વ્યવસ્થિતપણું એ કામમાં રહેલો ‘આનંદ’ છે એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હોઈ શકે.
.

[2] બાળકો અને જાહેરખબરો – સંકલિત

[‘ગુજરાત ટુડે’ માંથી સાભાર.]

મલ્ટિનેશનલ કંપનીઓને હવે બાળકોમાં સશક્ત બજાર દેખાઈ રહ્યું છે. ટીવી ઉપર બાળકોને વેચી શકાય તેવી ચીજવસ્તુઓની જાહેરખબરો તો આવે જ છે. તેની સાથે સાથે પરિવારમાં જે કોઈ નવી ખરીદી કરવી હોય તેમાં બાળકોના અભિપ્રાયને પણ એટલું જ વજૂદ આપવામાં આવે છે. ઘણી વખત તો ઘરમાં ક્યું નવું ટીવી ખરીદવું કે કઈ બ્રાન્ડનું વૉશિંગ મશીન ખરીદવું તેનો નિર્ણય પણ બાળકોની જીદના આધારે થતો હોય છે. કોઈ ચીજવસ્તુ ઘરમાં જરૂરી છે કે બિનજરૂરી અને નવી ચીજ ખરીદવી તો કઈ કંપનીની ખરીદવી તેનો નિર્ણય જો બાળકો જ કરી શકતાં હોય તો પછી માબાપની જરૂર શી છે ?

દેશી અને વિદેશી કંપનીઓએ જ્યારે સમાજ અને પરિવારમાં બાળહઠના વધતા પ્રભાવ બાબતમાં સર્વે કરાવ્યો ત્યારે તેમની જાણમાં એવી કેટલીક હકીકતો આવી, જેના આધારે તેમણે બાળકોને જ કેન્દ્રમાં રાખીને અનેક પ્રકારની જાહેરખબરો બનાવવાનું નક્કી કર્યું છે અને તેનો જોરશોરથી અમલ પણ શરૂ કરી દીધો છે. વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓએ બાળકોને ટાર્ગેટ બનાવતાં અગાઉ પ્રોફેશનલ એજન્સીઓ પાસે સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું કે વિશ્વમાં 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતાં 150 કરોડ બાળકો છે. ભારતની વસતિનો ત્રીજો ભાગ 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો બનેલો છે. વિશ્વમાં કુલ જેટલાં બાળકો છે, તેનાં 18.7 ટકા બાળકો ભારતમાં છે. મલ્ટિનેશનલ કંપનીઓએ બાળકોને નિશાન બનાવી વર્ષે 74 અબજ અમેરિકન ડૉલરનું બજાર ઊભું કર્યું છે. આ બજાર બાળકોના શરીરની જેમ સડસડાટ વૃદ્ધિ પામી રહ્યું છે.

માર્કેટિંગ ગુરુઓ કહે છે કે કોઈ પણ નવી બ્રાન્ડ સ્વીકારવાની બાબતમાં પુખ્તવયનાં સ્ત્રીપુરુષોનાં મન બંધ કમાડ જેવાં હોય છે. તેઓ બહુ આસાનીથી પોતાની જૂની બ્રાન્ડ પ્રત્યેની વફાદારી છોડી શક્તાં નથી. તેથી વિરુદ્ધ બાળકોનાં મન કુમળા છોડ જેવાં હોય છે. તેમને જે દિશામાં વાળવાં હોય તે દિશામાં વાળી શકાય છે. બાળકો કોઈ પણ નવી બ્રાન્ડને બહુ ઝડપથી અપનાવી લે છે. આ કારણે બાળકોને અપીલ કરે તેવી જાહેરખબરો બનાવવાથી તેનું તાત્કાલિક પરિણામ આવે છે. બાળકોને ટાર્ગેટ બનાવતી જાહેરખબરો ટીવી ઉપર વધી રહી છે. તેનું આ રહસ્ય છે. આ કારણે જ બાળકોને ટીવી ઉપરથી જાહેરખબરોના પ્રહારોથી બચાવવાનું ખૂબ જરૂરી બની જાય છે. ‘બ્રાન્ડ ચાઈલ્ડ’ નામના પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી મુજબ માત્ર છ મહિનાનું બાળક કંપનીનો લોગો ઓળખી શકે છે. ત્રણ વર્ષનું બાળક બ્રાન્ડને તેના નામથી જાણી શકે છે અને 11 વર્ષનું બાળક કોઈ ચોક્કસ બ્રાન્ડ બાબતમાં પોતાનો અભિપ્રાય બાંધી શકે છે. આ કારણે જ જાહેરખબરોના નિર્માતાઓ પણ ‘કેચ ધેમ યંગ’નું સુત્ર અપનાવવા લાગ્યા છે.

એક સર્વેક્ષણ મુજબ ભારતનાં બાળકો સોમથી શુક્રમાં રોજનું સરેરાશ ત્રણ કલાક અને શનિ-રવિમાં રોજનું 3.7 કલાક ટીવી જુએ છે. હવે તો ટીવી ઉપરના કોઈ પણ કાર્યક્રમમાં દર પાંચ મિનિટે કૉમર્શિયલ બ્રેક આવે છે અને દરેક બ્રેકમાં સરેરાશ પાંચ જાહેરખબરો આવે છે. તેમાં પણ ક્રિકેટ મૅચ કે અન્ય કોઈ લોકપ્રિય કાર્યક્રમ હોય તો તેમાં જાહેરખબરોનું પ્રમાણ એકદમ વધી જાય છે. રોજના ત્રણ કલાક ટીવી જોતું બાળક સરેરાશ ઓછામાં ઓછી દોઢસો જાહેરખબરો જુએ છે અને તેનો ભારે પ્રભાવ તેની લાઈફસ્ટાઈલ ઉપર પડ્યા વિના રહેતો નથી. આજે ત્રણ વર્ષનું બાળક પણ નાસ્તામાં “મેગ્ગી” માંગે કે પેપ્સી પીવાની જીદ પકડે તો એવું સમજી જવું કે આ જાહેરખબરોનો પ્રભાવ છે. આપણાં બાળકોએ નાસ્તામાં શું ખાવું અને કયું ડ્રિન્ક પીવું તેનો નિર્ણય હવે માબાપો નથી કરતાં પણ મલ્ટિનેશનલ કંપનીઓ કરે છે. ટીવીના માધ્યમથી આ મલ્ટિનેશનલ કંપનીઓ દેશનાં બાળકોને નચાવે છે. અને આ બાળકો પોતાનાં માબાપને નચાવે છે. આ રીતે મલ્ટિનેશનલ કંપનીઓ જાહેરખબરોના સશક્ત માધ્યમનો ઉપયોગ કરીને આખા દેશનાં બાળકો, યુવાનો તેમજ પુખ્ત વયના નાગરિકોને પણ ઊંધા રવાડે ચડાવી રહી છે. ટી.વીના મનોરંજનની આપણે આકરી કિંમત ચૂકવવી પડે છે.

આજથી થોડાં વર્ષ અગાઉ બાળકોનાં રમકડાં, ચોકલેટ, બિસ્કિટ કે ચ્યુંઈગમ જેવી વસ્તુઓની જાહેરખબરમાં જ બાળમોડલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તો ટૂથપેસ્ટ, સાબુ, ડિટર્જન્ટ, શેમ્પૂ, હેરઓઈલ, ફ્રીજ, ટીવી, વૉશિંગ મશીન અને મોટરકારની જાહેરખબરમાં પણ બાળકોનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. જે કૉમર્શિયલમાં બાળકોનો ઉપયોગ થયો હોય તેને બાળકો સ્વાભાવિક રીતે ધ્યાનથી જુએ છે અને તેમાં જે ચીજ દર્શાવવામાં આવી હોય તે ખરીદવા માટે જીદ પકડે છે. અગાઉ આપણાં ઘરોમાં બાળકોની જીદને એટલું મહત્વ આપવામાં આવતું નહોતું. હવે તો આપણાં માબાપોની માનસિકતા પણ એવી થઈ ગઈ છે કે જાણે તેઓ બાળક માટે જ જીવે છે. હવે માબાપની બુદ્ધિમાં અને બાળકોની બુદ્ધિમાં ઝાઝું અંતર નથી રહ્યું, માટે જ માબાપો પણ બાળકની બુદ્ધિ મુજબ જીવતાં થઈ ગયાં છે. મલ્ટિનેશનલ કંપનીઓ આ સામાજિક પરિસ્થિતિનો આબાદ લાભ ઊઠાવતી થઈ ગઈ છે.