જીવનસંધ્યાનો ઉજાસ – જયવતી કાજી

[યાત્રાધામ ડાકોરમાં આવેલ સુપ્રસિદ્ધ ‘અશક્તાશ્રમ’ અનેક વૃદ્ધાશ્રમો કરતાં સાવ અલગ છે. આ અશક્તાશ્રમ શ્રમનો મહિમા કરે છે. અહીં અનેક પ્રવૃત્તિઓ યોજાય છે. વડીલોની વૃદ્ધાવસ્થામાં ગુણાત્મક સુધારો થાય એ માટે સતત પ્રયત્નો થતાં રહે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકારોને અહીં વક્તવ્ય માટે નિમંત્રણ અપાય છે. પ્રતિવર્ષ એકાદ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ પ્રવૃત્તિઓ અંતર્ગત ‘વૃદ્ધત્વના વળાંકે’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું સંપાદન પ્રા. શ્રી નટવરલાલ શાહ તેમજ ઉષાબેન ચંદ્રવદન શાહે કર્યું છે. આજે તેમાંથી એક લેખ માણીએ. આ પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી, તેમ છતાં સંપર્ક માટેની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

જીવનની યુવાન અને મધ્યમ વયે આપણે જીવનના ઉત્તરાર્ધ વિશે બહુ ઓછો વિચાર કરીએ છીએ. વૃદ્ધત્વનો આપણને અનુભવ તે વખતે નથી હોતો. આપણે આપણાં વૃદ્ધ માતાપિતા અને સ્વજનોને નજીકથી જોયાં હોય છે. વૃદ્ધાવસ્થા વિશે આપણે સાંભળ્યું હોય છે-વાંચ્યું હોય છે પણ એ તો થયું પરોક્ષ જ્ઞાન. વર્ષો વીતતાં જાય છે અને ધીમેધીમે ચૂપકીથી આવીને વૃદ્ધાવસ્થા આપણને પકડી લે છે ! એની પકડ ધીમે ધીમે મજબૂત થતી જાય છે, અને આપણને થાય છે : ખબરે ના પડી અને આપણે ઘરડાં થઈ ચાલ્યાં !

મારું પણ એવું જ થયું છે ! પોતાને અનુભવ થવા માંડે – એક પછી એક સમસ્યા ઊભી થતી જાય તેમ આપણે એને વિશે સજાગ થઈ વિચાર કરતાં થઈએ છીએ ! મેં મારાં માતાપિતા અને થોડાંક આત્મીયજનોનું સક્રિય અને સાર્થક વાર્ધક્ય જોયું છે. એના પરથી મને લાગે છે કે વૃદ્ધાવસ્થામાં ગમે તેટલા અંધકારભર્યા પડછાયા હોય, છતાં એમાં પણ કેટલાક સુંદર રંગો અવશ્ય હોય છે.

ડૉ. ઈલિઝાબેથ કુબ્લર રોસે એમના વિખ્યાત પુસ્તક ‘The Wheel of Life’ માં જીવનની ચાર અવસ્થા ગણી છે. છેલ્લી અવસ્થાનાં વર્ષો તે ‘Eagle’ ગરુડ જેવી સ્થિતિનાં વર્ષો ગણે છે. આપણે આ ચોથી અવસ્થાનો વિચાર કરવાનો છે. આ અવસ્થાને માણસે ઘુવડ જેવી ડરામણી કે બિહામણી બનાવવાની નથી, પણ એમાં પ્રયત્ન કરવાનો છે – ગરુડ જેવા થવાનો. ગરુડ ધરતીથી ઊંચે ગગન તરફ ઊર્ધ્વગતિ કરે છે. એ નીચે લોકો તરફ નથી જોતું, પણ પોતાના તરફ ઊંચે જોવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. આ વિકાસ પ્રક્રિયાને ચરિતાર્થ કરવા માટેના અનેક મુદ્દાઓ અહીં સમાવિષ્ટ કર્યા છે. આ પુસ્તકનો આશય વૃદ્ધાવસ્થા સાથે સાથે ઊર્ધ્વગમનનો પણ છે. અણગમતી, દુઃખદ અને સંતાપભરી, છતાં અચૂક અને અટલ એ અવસ્થાને ગરિમાવાળી – શાનદાર અને સાર્થક બનાવી શકાય ખરી ? જિંદગીનાં મળેલાં વધુ વર્ષો જીવંત અને ધબકતાં કેવી રીતે થઈ શકે એ પ્રશ્ન આજે વ્યક્તિગત અને સામાજિક પડકાર બની ગયો છે.

આજે આપણે ખૂબ જ રોમાંચક અને ઉત્તેજનાત્મક સમયમાં જીવીએ છીએ. માનવીએ 2000 વર્ષમાં જેટલી પ્રગતિ નહોતી કરી, એટલી પ્રગતિ છેલ્લાં 25 વર્ષમાં કરી છે ! વિજ્ઞાને માનવી માટે ઘણું બધું સિદ્ધ કરી આપ્યું છે. ઘેર બેઠાં આખા વિશ્વની માહિતી તમે ઈન્ટરનેટ પર મેળવી શકો છો. એટલું જ નહિ, પણ તમે તમારા ઘરમાં બેઠાં બેઠાં – બેન્કમાં ગયા વગર દૂર દૂર અભ્યાસ કરતાં પુત્ર કે પુત્રીના ખાતામાં નાણાં જમા કરી શકો છો. એરલાઈનની ઑફિસમાં ગયા વગર તમે જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ ‘બુક’ કરી શકો છો ! તમે વૃદ્ધ છો, બીમાર છો, એકલાં છો તો તમારી પાસેનું બટન દબાવો, અને તમને તરત મદદ મળી રહેશે. તબીબી વિજ્ઞાને લખલૂટ ખર્ચ કરી અનેક સંશોધનો કર્યાં છે. નવાં ઔષધો શોધ્યાં છે. એને પરિણામે માનવજીવન દીર્ઘ બન્યું છે. બાળમૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. કુટુંબ નિયોજનનાં સાધનોને લીધે જન્મપ્રમાણ ઘટ્યું છે, તેથી વિશ્વમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે અને આયુષ્યરેખા લંબાતી જાય છે ! આને લીધે વ્યક્તિ માટે, કુટુંબ માટે, સમાજ માટે અને રાષ્ટ્ર માટે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. આવી સમસ્યાઓના એક અંતિમથી નિરાકરણના બીજા અંતિમ સુધી પ્રવાસ કરવાનું આ સાહસ છે.

ઘડપણની બીમારીઓમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો અથવા એની તીવ્રતા ઓછી કરીને સક્રિય જીવન કેવી રીતે જીવી શકાય અને કુટુંબ, સમાજ તેમજ સરકાર એમાં કેવી રીતે સહાયરૂપ થઈ શકે એ વિચારવું પડશે. સાથે સાથે વૃદ્ધોની દેખરેખ માટેના માર્ગો શોધવાની પણ પલટાતી પરિસ્થિતિમાં આવશ્યકતા ઊભી થઈ છે, એટલું જ નહિ, પણ ઘડપણ એટલે નિષ્ક્રિયતા અથવા સંપૂર્ણ નિવૃત્તિ, અસહાયતા અને માંદગી એ ખ્યાલો તેમજ સમાજની વૃદ્ધો તરફની મનોદશા બદલવાની અત્યંત જરૂર છે.

ઔદ્યોગિકરણે અને વિજ્ઞાને જીવનની તાસીર બદલી નાંખી છે. પણ માનવસંબંધોનું શું ? પ્રેમ-લાગણી-કર્તવ્ય-સંવેદનશીલતાનું શું ? મનુષ્ય તરીકે વૃદ્ધોને પણ જોઈએ છે સ્નેહ-આદર-લાગણીની હૂંફ અને સલામતી. આધુનિકરણે લાભ ઘણા કર્યા છે અને સાથે નુકશાન પણ કર્યું છે. મને લાગે છે કે વૃદ્ધોને ઘણું નુકશાન થયું છે. પાશ્ચાત્ય કલ્યાણ રાષ્ટ્રો (વેલફેર સ્ટેટ્સ)માં વૃદ્ધો માટે ‘સામાજિક સુરક્ષા’ અને અન્ય લાભો હોય છે. આપણે ત્યાં એ લાભ બહુ ઓછાને મળે છે. અત્યાર સુધી આપણા સમાજમાં, કુટુંબમાં વૃદ્ધ માતાપિતાનું આદરભર્યું સ્થાન હતું. સંયુક્ત કુટુંબમાં વૃદ્ધો અને બાળકોનું ધ્યાન રહેતું. એમને કુટુંબમાં સલામતી અને સ્નેહ મળી રહેતાં. હવે વિભક્ત અને નાનાં કુટુંબો થતાં જાય છે. જીવન બદલાતું ગયું, મૂલ્યો બદલાતાં ચાલ્યાં, યુવાન સંતાનો નોકરી-વ્યાપાર ધંધાર્થે દૂરને સ્થળે સ્થિર થતાં ગયાં. આ બધાંની વ્યાપક અસર આપણા ગૃહ અને કુટુંબજીવન પર પડી. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે સમસ્યા ઊભી થઈ. પોતે અસલામત, અસહાય અને અણગમતાં બની ગયાં હોય એવો ભાવ વૃદ્ધોને થાય છે. એમને યુવાન સંતાનો ઘણી વખત બિનજવાબદાર અને કૃતધ્ની લાગે છે.

બીજી બાજુ, યુવાન સંતાનો માટે પણ મુશ્કેલી હોય છે. એમને પોતાના સંતાનોને ઉછેરવાની, એમના શિક્ષણની જવાબદારી ઉપરાંત નોકરી અને વ્યવસાયનો સંઘર્ષ હોય છે. ઘણી વખત સંતાનો પાસે પૈસાની એટલી સગવડ હોતી નથી, સમયની મારામારી હોય છે, જગ્યાની તંગી અથવા અગવડ હોય છે. આપણે એમને ઊગતાં સંતાનો અને વૃદ્ધ માતાપિતા વચ્ચેની ‘સેન્ડવીચ’ જનરેશન કહી શકીએ.

વૃદ્ધત્વની સમસ્યાઓ પ્રત્યે આપણો સમાજ વધારે સમભાવશીલ અને સમજણભર્યું વલણ અપનાવે અને યુવાનો એમનાં મનોમંથન અને અંતરંગભાવને પ્રેમથી સમજવા કોશિશ કરે એ જરૂરી છે. આ પ્રશ્નનો બે દષ્ટિથી વિચાર કરવાનો છે : વૃદ્ધો પ્રત્યે યુવાનોનું વલણ સ્નેહ અને આદરભર્યું હોવું જ જોઈએ, પણ સાથે સાથે વૃદ્ધોની સારસંભાળ રાખવામાં યુવાનોને આજની તણાવભરી પરિસ્થિતિમાં નડતી મુશ્કેલીઓ વિષે વૃદ્ધોએ પણ સજાગ રહેવું જોઈએ. એ હકીકત તરફ બંને પક્ષનું ધ્યાન દોરવાનો હેતુ પણ છે. સમાજે પણ પોતાનો અભિગમ વૃદ્ધો તરફ બદલવાનો છે. ‘જૂનું એટલું સોનું’ અને ‘Novelty is beauty’ (નવીનતામાં જ સુંદરતા છે) એ બન્ને દષ્ટિ બિંદુઓ આત્યન્તિક કોટિનાં છે. સત્ય એ બન્ને વચ્ચે ક્યાંક રહેલું હોય છે. એ સાચને પામવાનો અને ઓળખવાનો નમ્ર પ્રયાસ આ પુસ્તકમાં કર્યો છે. આ પુસ્તક નથી માત્ર વૃદ્ધો માટે કે નથી યુવાનો માટે પરંતુ એ બંને માટે છે. ભવસાગરમાં એક જ નૌકામાં બંનેની સહયાત્રા ચાલતી રહે છે. આજે જે સ્થાન પર વૃદ્ધો છે તે સ્થાન પર આવતી કાલે તેઓ હશે અને એમને સ્થાને એમનાં સંતાનો હશે. આ સહયાત્રા ઉભય પક્ષે સુખદ, સંતોષજનક અને ઉપકારક રહે એ અભ્યર્થના.

જીવનના સાયંકાળે શરીરના આધિવ્યાધિ તો આવવાનાં પણ એ બધાં વચ્ચે ચિત્ત સ્વસ્થ રહે, બુદ્ધિ સ્થિર રહે અને વ્યવહાર સંતુલિત રહે એટલી પરમેશ્વરને નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું.

[કુલ પાન : 144. કિંમત રૂ. — સંપર્ક : ચંદ્રવદન શાંતિલાલ શાહ (પ્રમુખ : અશક્તાશ્રમ). અશક્તાશ્રમ સોસાયટી, પાણીની ટાંકી પાસે, મારકેટ યાર્ડ, મુ. ડાકોર-388225. ફોન : +91 2699 244218.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવડત અને તેનો ઉપયોગ – તારાબહેન મોડક
ઓલ ઈઝ વેલ – કમલેશ કે. જોષી Next »   

5 પ્રતિભાવો : જીવનસંધ્યાનો ઉજાસ – જયવતી કાજી

 1. Bhalchandra says:

  I live in a northern state of USA and due to long winters, couple of friends (all immigrants from India, and only one Gujarati) walk indoor couple evenings. We exchange stories, news and movies. Some of my friends, who have parents in India, never watch movies related to issues of old parents. It is due to the fact that it brings out guilt within.
  It is not easy to enjoy materialistic rewarding life without paying price for a sandwiched generation.

 2. Time is changing so rapidly and so does todays Young generation.
  Three generations(aaj-kal aur kal) used to live happily under same roof. THOSE DAYS ARE GONE FOREVER.
  With very few exceptions, hats off to them.
  Today very many parents live very miserable life, humiliation,torture & greed replaced by love,feelingsand care.
  Truth, blunt truth, now a days young generations keeping their eye on parents assets & insurance policy ! ! ! ! ! !
  Our generations some how managed and survived.
  But how our kids going to be treted by their kids ? ? ? ? ?

 3. જગત દવે says:

  લેખકે કહ્યું છે તેમ ઔદ્યોગિક્ ક્રાંતિ એ જુનાં સામાજીક મૂલ્યોનાં પાયાને હચમચાવી નાંખ્યા છે. બદલાતાં જતાં સમય સાથે મૂલ્યો પણ બદલાવાના જ માટે આજની સમસ્યાઓનાં ઊકેલ પણ વર્તમાનમાં રહીને જ ઊકેલી શકાય. ભુતકાળનાં મૂલ્યોને બેઠેબેઠાં પાછા ન લાવી શકાય.

  આજે જે યુવાન છે તેને યાદ રહે કે તે કેવું ભવિષ્ય તેનાં બાળકોને આપી રહ્યો છે. વૃધ્ધો પણ મનોમંથન કરે કે તેમણે કેવો વારસો ભાવિ પેઢી ને આપ્યો છે.

  આજનાં ભ્રષ્ટાચાર, દુરાચાર, જાતિ-વાદ, વાડા-બંધીઓ, શોષણ, સંધર્ષ માટે શું ગઈકાલની પેઢીની કોઈ જવાબદારી નથી? યુવાનોને જ બધો દોષ આપવાની મનોવૃતિ માંથી બહાર આવવું જ રહ્યું.

 4. Rajni Gohil says:

  જીવનના સાયંકાળે શરીરના આધિવ્યાધિ તો આવવાનાં પણ એ બધાં વચ્ચે ચિત્ત સ્વસ્થ રહે, બુદ્ધિ સ્થિર રહે અને વ્યવહાર સંતુલિત રહે એટલી પરમેશ્વરને નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું.

  સંપૂર્ણ હકારાત્મક અભિગમ, વાણી, અને વર્તન જીવનમાં અપનાવવામાં આવે, તથા આત્મવિશ્વાસ અને પ્રભુ પ્રત્યના સંપૂર્ણ વિશ્વાસથી દુનિયામાં કશું જ અશક્ય નથી. આનાથી મન યુવાન જ રહે. સમય ભલે ૯૦ વષ બતાવે શરીર સ્ફૂર્તીલું અને આજના યુવાનોને શરમાવે તેવું આધિવ્યાધિથી મુક્ત જરૂર રાખી શકાય.

  Yoga Hero: At Almost 92-Years-young, Tao Porchon-Lynch Will Teach Yoga As Long As She Lives.

  આજના સમયને ખૂબજ ઉપયોગી લેખ બદલ લેખકનો આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.