શબરીનાં બોર – ડૉ. પ્રફુલ્લ શાહ

[સાવરકુંડલામાં રહીને પુસ્તકાલય આદિ સેવાપ્રવૃત્તિઓની ધૂણી ધખાવનાર દંપતિ ડૉ. પ્રફુલ્લભાઈ શાહના જીવનપ્રેરક પ્રસંગો પર આધારિત પુસ્તક ‘શબરીનાં બોર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘રંગદ્વાર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ‘ચારણ કન્યા’ જેવી દીકરી

નયનાની ઉંમર 15 વર્ષની. બહાદુરીને ઉંમર સાથે કાંઈ થોડો સંબંધ છે ? આદસંગના ખેડૂત ગુણવંતભાઈ સુહાગિયાની તે દીકરી. તા. 12-5-1997નો દિવસ છે. ગુણવંતભાઈ તેમના ખેતરે કુટુંબ સાથે કામ કરી રહ્યા છે. સાંજ ઢળવા તરફ છે. સૂર્યનારાયણ ડૂબું ડૂબું થઈ રહ્યા છે. તે વખતે ગુણવંતભાઈ ઢોર માટે મકાઈ વાઢતા હતા ત્યારે તેમની દીકરીને તરસ લાગવાથી નળ પાસે પાણી પીવા ગઈ. પાણી પીને પાછી ફરતાં તેણે કાળમુખા દીપડાને જોયો.

દીપડો તો તેનો ઈરાદો લઈને આવ્યો હતો. તેણે કૂદીને ગુણવંતભાઈના માથાને પકડ્યું, અચાનક આવા હુમલાથી ગુણવંતભાઈએ રાડ પાડીને સહુને દૂર રહેવા કહ્યું. પોતાનું જે થવું હશે તે થશે પણ કોઈ નજીક ન આવે. તેમણે દીપડાના પગ પકડી લીધા અને ધક્કો માર્યો. દીપડો એક બાજુ પડી ગયો. તેમણે તેમનો બૂટવાળો પગ દીપડાના મોંમા ખોંસી દીધો. નયના પિતા અને દીપડાની ઝપાઝપી જોતી હતી તે કેમ ઊભી રહે ? ગમે તેમ તો એ સૌરાષ્ટ્રની ભૂમિનું સંતાન. તેણે દોડીને દીપડાના પાછળના પગ પકડી લીધા અને જોરથી ખેંચવા લાગી. પિતાને બચાવવા આ દીકરીએ પોતાનો જાન જોખમમાં મૂક્યો. આથી દીપડો ખૂબ ગુસ્સે થઈ છીંકોટા નાખવા લાગ્યો. તેના આગલા પગથી ગુણવંતભાઈના શરીરે નહોર ભરાવવા લાગ્યો. કેટલોય વખત આ ઝપાઝપી અને ખેંચતાણ ચાલી. ગુણવંતભાઈના શરીરે લગભગ સોએક જગ્યાએ નહોર બેસી ગયેલા અને શરીર લોહીલુહાણ હાલતમાં.

દીકરીની બૂમાબૂમ અને રાડારાડથી સીમમાંથી બીજા લોકો દોડી આવ્યા. ત્યાં સુધી નયનાએ દીપડાના પગને જોરથી પકડી રાખેલા તે છોડાવવા મથતા દીપડાને સહેજે મચક નહોતી આપી. લોકો આવી જતા દીપડો ભાગી ગયો. ગુણવંતભાઈના ભાઈ પણ આ સમયે હાજર હતા પણ તેઓ તો દીપડાને જોઈને જ હેબતાઈ ગયા ને તેને કારણે તેમનો અવાજ જ જતો રહેલો તે ત્રણ દિવસે પાછો આવ્યો. આ દીપડો તે કુત્તી દીપડો ન હતો પણ સિંહ દીપડો હતો. તે બહુ મોટો અને ખુન્નસથી ભરેલો હોય છે. ગુણવંતભાઈને ઘણી ઈજાઓ થયેલી, લોહી વહી જવાથી બેભાન થઈ ગયેલા. હૉસ્પિટલે લઈ ગયા. ઘણા ટાંકા-સારવાર લીધા. ફ્રૅકચર પણ થયેલું. દીકરીએ જો આટલી બહાદુરી ન બતાવી હોત કે સમયને પારખ્યો ન હોત તો કદાચ તેને પિતા ગુમાવવા પડત. પ્રાથમિક શાળામાં સાત ચોપડી ભણતી આ દીકરી સન્માનને યોગ્ય હતી અને ધન્યવાદને પાત્ર હતી.

[2] પૌત્રના શબ્દોએ….

સાવરકુંડલામાં પગ મૂક્યો ત્યારથી એક કુટુંબ સાથે મારે પરિચય. શરૂઆતમાં એ કુટુંબની સ્થિતિ સારી નહિ. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે. તેમને પાંચ પુત્રો. મુશ્કેલીઓ વેઠીને પણ તેમણે તેમને ભણાવ્યા. એક પછી એક દીકરા નોકરીએ લાગી ગયા. એક-એક પરણતા ગયા તેમ જુદું ઘર રાખીને રહેતા થયા. બહેન તો પુત્રવધૂઓની સુવાવડ એક પછી એકને ત્યાં આવ્યા કરે એટલે સતત કામમાં રહેતાં. તેમને નિરાંત ન મળે. મોટો દીકરો થોડો લાંબો સમય મા-બાપ પાસે રહ્યો એટલે તેના પૌત્રને દાદા-દાદીની વધારે માયા લાગેલી.

એક સમય એવો આવ્યો કે મા-બાપને એકલા રહેવાનું થયું. મા-બાપે તો એક નાના ઘરમાં પાંચ બાળકોને ઉછેરીને મોટા કર્યા હતા, પરંતુ એક પણ દીકરાને મા-બાપને રાખવા માટે જગ્યા ન હતી. બંનેની ઉંમર 65 વટાવી ચૂકેલી અને બહેનને ડાયાબિટીસ તથા લોહીના દબાણનું દર્દ એટલે ખાસ કોઈ કામ કરી શકે નહિ. તેઓ નાના એવા પેન્શનમાં અને એક રૂમ ભાડે આપેલી, તેમાંથી ગુજરાન ચલાવતાં. કોઈકોઈ વાર મારી પાસે આવી હૈયાવરાળ ઠાલવતાં. પેન્શનમાંથી પૂરું થતું નહિ એટલે મકાન વેચવા સુધી વાત આવી ગઈ. તેમને સમજાવ્યા કે દીકરાઓને તમારી મુશ્કેલીઓ સમજાવો. મકાન કાઢી નાખવા માટે પણ તેમની સંમતિ લેવી જરૂરી. દીકરાઓ બધા એકંદરે સારા અને આગળ પડતા, પરંતુ કોઈ કારણસર કોકડું ગૂંચવાયેલું, જે ઉકેલાતું ન હતું. તેમાં એક ઘટના બની. તેમના એક પુત્રને અસાધ્ય રોગ લાગુ પડ્યો. બધા ભાઈઓ, મા-બાપ સૌ ઊભા પગે સારવાર કરે. બધા ભાઈઓ પોતાના ભાઈ માટે ઘણા ઘસાયા. અનેક વખત બહાર શહેરમાં પણ લઈ ગયા પરંતુ એક દિવસ તેનો જીવનદીપ બુઝાઈ ગયો.

મા-બાપ સાથે દરેક દીકરાને નાની-મોટી કડવાશ પણ થઈ હશે તેવું તેમની વાતો પરથી લાગતું હતું. દીકરાના મૃત્યુ પછી એક દિવસ સૌ ભેગાં થયાં. ત્યારે માતા-પિતાએ વાત મૂકી કે અમારા માટે તમે સૌ વિચારો. અમારે શું કરવું ? એકલા રહી શકાય તેવી પરિસ્થિતિ રહી નથી. કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતું. કોઈને તેમનું ઘર નાનું પડતું હતું, તો કોઈને તેમના સ્વભાવ સાથે અનુકૂળતા ન હતી. દરેક પુત્રે કોઈ ને કોઈ બહાનું બતાવી સાથે રાખવાની અસંમતિ દર્શાવી. કુટુંબ જ્યારે મળ્યું ત્યારે પૌત્રો-પૌત્રીઓ પણ ત્યાં બેઠાં હતાં. મોટાભાઈનો પુત્ર જે 25 વર્ષનો હતો અને પરણેલો હતો તે ઊભો થયો. તેણે તેના પિતાશ્રીને સંબોધતાં કહ્યું કે, ‘બાપુજી, હવે તમે પણ રીટાયર થવાની તૈયારીમાં છો તો મારે તમને મારી સાથે નહિ રાખવાનાને ! દાદીમાએ મને ઘણું હેત આપ્યું છે. તેઓ અમારી સાથે રહેશે, તેમને એકલા રહેવા નહિ દઉં.’

સૌનાં નેત્રો ખૂલી ગયા. દરેકની આંખમાંથી અશ્રુઓનો ધોધ શરૂ થયો. વારાફરતી છ-છ મહિના માતા-પિતાને રાખવાનો સહુએ ત્યાં જ નિર્ણય કર્યો. માતા-પિતાના નાના ઘરમાં પાંચ પુત્રો રહી શકે, પરંતુ પાંચ પુત્રોના બંગલામાં માતા-પિતાને સ્થાન નથી, એવું વિધાન ઉમાશંકર જોશીએ ક્યાંક કરેલું છે. એક યુવાન પૌત્રના શબ્દોથી તેમ થતાં રહી ગયું. સૌ આનંદથી છૂટાં પડ્યાં. પછી તો વારતહેવારે પુત્રો-પુત્રવધૂઓ મા-બાપ જ્યાં હોય ત્યાં ભેગાં મળતાં અને આનંદ કરતાં. સૌએ તેમને જાત્રા પણ કરાવી અને સમય જતાં બંનેએ શાંતિથી તેમનું જીવન સંકેલી લીધું.

[3] શબરીનાં બોર મીઠાં જ લાગે….

કુંડલાથી 15 કિમી દૂર 700 માણસની વસ્તી ધરાવતું એક ગામડું છે. તેની આજુબાજુનાં ગામડાંઓમાં અમે 11 પુસ્તકાલયો આપેલાં. તે અંગે એક કાર્યક્રમ યોજેલો. સાંજના ચાર વાગ્યે અમે ત્યાં પહોંચ્યાં. નાનું ગામ, ગામનાં બધાં પુરુષો સ્કૂલમાં આવેલા. બહેનો ઘૂમટા તાણીને એક પછી એક આવતી હતી. ગામનાં લોકો અને બાળકોથી મેદાન ભરાઈ ગયું. બાળકોએ જુદા-જુદા અભિનય સાથે કાર્યક્રમ આપ્યો. પુસ્તકવાચન વિશેની અગત્યતા અમારે સમજાવવાની હતી. અમે તે બાળકો અને વડીલોને સમજાવી.

એક બહેન છેલ્લે બેઠી હતી. તે વારંવાર ઊંચી થઈને અમને જોતી હતી. મને કુતૂહલ તો થયું. પરંતુ અમારો કાર્યક્રમ પૂરો થયો ત્યારે એક શિક્ષક તે બહેનને મારી પાસે લઈને આવ્યા. ‘સાહેબ, આ બહેનને તમને મળવું છે.’ દીકરી 25 વર્ષની હશે. તેના શબ્દો મારા હૈયામાં જડાઈ ગયા. બોલી, ‘શબરી રામને મળવા આવી છે.’ હું કાંઈ સમજ્યો નહિ એટલે બહેનને પૂછ્યું, ‘બહેન, તું શું કહેવા માગે છે ?’
તેણે કહ્યું : ‘સાહેબ, હું મહિલા કૉલેજમાં ભણતી’તી. અમે હરિજન છીએ. મારી પાસે ફીના પૈસા ન હતા એટલે સાહેબને કહ્યું કે મારે ભણવું છે પણ ફીના પૈસા નથી એટલે નામ કાઢી નાખો. પ્રિન્સિપાલે કહ્યું કે ઈન્દિરાબેન પાસે જઈને વાત કર. તને ના નહિ પાડે.’

તે દીકરી મારાં પત્ની ઈન્દિરા પાસે આવીને કૉલેજમાં ફી ભરવાની છે અને ફી ભરી શકે તેમ નથી તેમ કહેતાં તો દીકરીનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો અને આગળ બોલી ન શકી. ઈન્દિરાએ તેને જોઈતી રકમ આપી એટલે દીકરી હરખાતી કૉલેજ ફી ભરવા ગઈ. અમારા બેમાંથી તો આ વાતનું સ્મરણ કોઈને ન હતું અને 4-5 વર્ષ પણ થઈ ગયાં હતાં. દીકરીની આંખો ભીની હતી પરંતુ ચહેરા પર આનંદ હતો. વાત આગળ ચાલી, ‘સાહેબ, અત્યારે હું સુરેન્દ્રનગર બી.એડ. કરી રહી છું. સાહેબ, મારે ઘેર પગલાં કરશો ? સામે રસ્તાની પેલી બાજુ જે ઝૂંપડું છે ત્યાં મારી મા ઊભી છે.’ માએ લાજ કાઢેલી હતી અને અમને જોતા હતા. અમે તેના ઘેર ગયા. મા-દીકરીનાં ચહેરા પર અવર્ણનીય આનંદ છવાયેલો હતો. એવો ભાવ કોઈક જ વાર જોવા મળે. એમની એક ઈચ્છા હતી કે, મારી સાથે ફોટો પડાવવો. ફોટોગ્રાફર તો તૈયાર જ હતો. વચ્ચે મને ઊભો રાખીને ફોટો લેવામાં આવ્યો. આ ચિત્ર મારા સ્મૃતિપટ પરથી ખસતું જ નથી. આવાં નાનાં માનવીઓનાં હૃદયમાં, તમે કાંઈક પણ મદદરૂપ થયા હોવ તો તમારે માટે હૃદયમાં કેટલો ઉમળકો છલકાતો હોય છે તેની કલ્પના ન કરી શકાય.

[કુલ પાન : 128. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન, જી/15 યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ-380009. ફોન : +91 79 27913344. ઈ-મેઈલ : rangdwar.prakashan@gmail.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓલ ઈઝ વેલ – કમલેશ કે. જોષી
ત્રિપુરામાં – ડંકેશ ઓઝા Next »   

17 પ્રતિભાવો : શબરીનાં બોર – ડૉ. પ્રફુલ્લ શાહ

 1. pragnaju says:

  પ્રેરણા દાયક પ્રસંગો
  વચ્ચે મને ઊભો રાખીને ફોટો લેવામાં આવ્યો. આ ચિત્ર મારા સ્મૃતિપટ પરથી ખસતું જ નથી. આવાં નાનાં માનવીઓનાં હૃદયમાં, તમે કાંઈક પણ મદદરૂપ થયા હોવ તો તમારે માટે હૃદયમાં કેટલો ઉમળકો છલકાતો હોય છે તેની કલ્પના ન કરી શકાય.
  અમારો ,આવા જે એક વેંત ઊંચા માનવી સાથેના ફોટાના પ્રસંગની યાદ આવી

 2. pragnesh says:

  Sir A Good One And

  I And My Friends Like it Very Much……

 3. hiral says:

  ખૂબ સુંદર પ્રેરણાદાયી સત્ય ઘટનાઓ.
  [1] ‘ચારણ કન્યા’ જેવી દીકરી
  — આવી બહાદુરી માટે રાષ્ટ્રપતિના હાથે સન્માન થતું હોય છે. તો શું આ દિકરીને એવું સન્માન મળ્યું કે નહિં?

  [2] પૌત્રના શબ્દોએ….
  — પ્રેરણાદાયી.

  [3] શબરીનાં બોર મીઠાં જ લાગે….
  — ખૂબ ખૂબ પ્રેરણાદાયી. આવાં નાનાં નાનાં પ્રસંગો જીવવામાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે.

 4. Deval Nakshiwala says:

  ખુબ જ સુંદર પ્રસંગો છે.

 5. Pravin Shah says:

  ખુબ જ પ્રેરણાદાયી પ્રસન્ગો.

 6. Veena Dave. USA says:

  સરસ પ્રસંગો.

  ૩. આવિ જ એક વાત.
  મારા પૂ. પપ્પા સ્ટેશન માસ્તર હતા. ઘણાને પોર્ટર તરીકે નોકરીમાં રાખતા તેથી વર્ષો પૂર્વે કોઇને પોર્ટર તરીકે નોકરી આપેલી તે ભાઈ નિવૃત થયા તે દિવસે તેમણે શ્રી સત્યનારાયણની કથા કરાવિ ત્યારે મારા પપ્પાનો ફોટો મુકેલો. કથા માટે આમંત્રણ આપવા આવ્યા ત્યારે ફોટો લઈ ગયેલા . મારો નાનો ભાઈ જે પ્રોફેસર છે તે કથામાં પણ ગયેલ્. જેને સમાજ નાનો ગણે છે તેઓ ખરેખર ખુબ ઉંચા છે.

 7. સાવરકુંડલા માટે પ્રફુલ્લભાઈ એટલે સેવાનું જીવંત ઉદાહરણ. લલ્લુભાઈ શેઠના અનુગામી. તેમણે પોતાની સેવાકીય પ્રવ્ર્રુતીઓથી આસપાસના લોકોના જીવનને વધુ સુખમય બનાવ્યા છે. તેઓ સમાજ ઉપયોગી કાર્ય માટે આદર્શ પ્રેરણામૂર્તિ છે. મારા ગામ સાવરકુંડલા અને પ્રફુલ્લભાઈના પુસ્તક વિષે વાંચીને ખરેખર ખુબ આનંદ થયો.

 8. Jagruti Vaghela says:

  ત્રણેય ખૂબજ સરસ સત્ય ઘટનાઓના પ્રસંગો.
  પહેલો પ્રસંગ વાંચેલો હતો. પણ ફરી વાંચવો ગમ્યો.
  ત્રીજો પ્રસંગ—- ગરીબ અને સમાજ જેને નીચો ગણે છે તેમને કરેલી ફેવરની તેઓને વધારે કદર હોય છે.

 9. sunil U S A says:

  સરસ પ્રસન્ગો. આભાર.

 10. Rajni Gohil says:

  પ્રેરણાદાયક વાર્તા ખૂબ જ ગમી. પિતા પરના પ્રેમને લીધે દીકરીએ હિંમત બતાવી. દાદા-દાદી પરના પ્રેમને લીધે પૌત્રએ પોતાના પિતા દ્વારા થતા અન્યાયને અટકાવ્યો. શબરીને મળેલા પ્રેમને પામવા તો સ્વચ્છ હૃદયમાં રામને માટે ઉત્કટ પ્રેમ જ જોઇએ. Love is the only law of life.

  આવકારવા દાયક અને જીવનમાં ઉતારવા લાયક પ્રસંગો બદલ ડૉ. પ્રફુલ્લ શાહનો આભાર.

 11. Vraj Dave says:

  મનોમંથન કરવા જેવા લેખો.

 12. Dipti Trivedi says:

  ચોથા ધોરણમાં ભણવામા આવતી ચારણ કન્યા કવિતા યાદ આવી ગઈ. દરેક પ્રસંગ બતાવે છે કે હિંમત, સમજદારી, ધગશ , વગેરે ગુણો કોઈ પણ વ્યક્તિમાં હોઈ શકે છે, તે કોઈ ચોક્કસ વર્ગ કે જાતિનો ( નર-નારી ) ઈજારો હોતો નથી..

 13. Ashish Dave, Sunnyvale, California says:

  શ્રીપ્રફુલભાઈ ઉપરનો લેખ અગાઊ ચિત્રલેખામા વાચેલ હતો તે યાદ આવી ગયુ…

  Ashish Dave

 14. RANJIT CHUNARA says:

  ત્રણેય સત્ય ઘટનાઓના ખુબ જ પ્રેરણાદાયી અને તેના દ્વારા જીવનમાં બોધ લેવો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.