એક સાંજ ભૂલી પડી – વર્ષા તન્ના

[‘અખંડ આનંદ’ જાન્યુઆરી-2011માંથી સાભાર. આપ વર્ષાબેનનો આ નંબર પર +91 22 26007540 સંપર્ક કરી શકો છો.]

એક વખત સાંજને ફરવા જવાનું મન થયું. તેણે નદી તળાવમાં ઘણી વખત ધુબાકા માર્યા હતા. તેણે દરિયાના ઘુઘવાટને પણ ઘૂંટડે ઘૂંટડે પીધો હતો. તેણે બાવળની સૂકી ડાળ પર લટકતા તડકાને પણ જોયો હતો. અને ઝાડની છાયામાં બેઠેલા લોકોના હાશકારાને સાંભળ્યો હતો. ઘરે આવતાં ઢોરનાં પગલાંને તેણે પંપાળ્યાં હતાં. પંખીઓના માળામાં જરા ડોકિયું કર્યું ત્યારે તેને માતાના વહાલના ઢગલા પર કૂદાકૂદ કરતાં બચ્ચાંઓનો કલશોર સાંભળ્યો હતો. તેને આ બધુ તો રોજનું થયું હતું. હવે તેને થયું કે આ બધા માણસો તો ગામ છોડી શહેર તરફ પ્રયાણ કરે છે તો મારો શું વાંક ? હું પણ જોઉં ને શહેરના વાંકાચૂકા પણ લસરી જવાય તેવા લીસા રસ્તા અને માણસોનો મહાસાગર. મોટા મોટા ઊંચા ઊંચા બિલ્ડિંગો જેમાં હવાની સાથે વિમાન પણ ઊડે ને છેક ચાંદા સુધી પહોંચે. તો વળી દરિયાના ઘુઘવાટ સાથે સ્ટીમરોની વ્હીસલ પણ ભરતી ને ઓટમાં આળોટે. આવી નવી જ દુનિયા જોવાનું સાંજને મન થયું.

તે ફરતી ફરતી પૂછતી પૂછતી એક મોટા મહાનગરમાં આવી ચડી. આ મહાનગરના આકાશનો રંગ તેને કંઈક જુદો જ લાગ્યો. તેણે તો આજ સુધી શ્યામલ રંગનું આકાશ જોવા મળતું હતું જેમાં પોતે પોતાનો લાલ પાલવ રાધાની જેમ પાથરતી હતી અને કૃષ્ણ સાથે રમતી હોય તેવી અનુભૂતિ થતી હતી. પણ અહીં તો તેને આકાશમાં ધુમાડાનાં ધાબાં અને અણગમતી વાસ અનુભવી. તેને કંઈક અજુગતું લાગ્યું. છતાં તેણે શહેરનું કમાડ ગોતવા માંડ્યુ ટકોરા દેવા માટે પણ આ મસમોટા શહેરને ક્યાંય દરવાજા નહીં ! તોયે ટકોરા ક્યાં દેવા તેની સાંજને ખબર જ ન પડી. તેણે નજર લંબાવીને જોયું તો તેને કેટલા બધા વિક્રમાદિત્ય નજરે ચડ્યા. જે પોતાની પીઠ પર વૈતાલની જેમ જિંદગી લાદીને જતા હોય, જેના સવાલનો ઉત્તર આપે તો પણ હાર હતી અને ચૂપ રહે તો પણ હાર હતી. માત્ર ભાર વેંઢારવાનું જ તેના નસીબમાં હતું. રસ્તા પર સિગ્નલ હતાં તે વાહનો માટે હતાં પણ આ સિગ્નલ કેટલાયેને રોકતાં હતાં, ટોકતાં હતાં.

તેણે ત્યાંથી પોતાની લાંબી નજર લાંબા રસ્તા પર નાખી. તેની સામે કોઈ જોતું ન હતું. બધાં પોતપોતાની હડિયાપાટીમાં મશગૂલ હતાં. તેને બાજુવાળાની જિંદગીની પણ ખબર ન હતી તો કમાડે ઊભેલા મહેમાનની સામે ક્યાંથી જુએ ? ચારેય બાજુ ભીડ હતી. નજર ફેરવે તો પણ નજરને ક્યાંય જગ્યા ન મળે. બાળકો અને યુવાનો કેટલીયે આશાનો બોજ લઈને દોડતાં હતાં તો વૃદ્ધો એકલતાનો બોજ લઈને દોડતા હતાં. માનવીઓનો જ નહીં, અવાજનો મેળો પણ લાગતો હતો. છતાં કોઈ કોઈનો અવાજ સાંભળતું ન હતું. એટલું જ નહીં પણ પોતાના મનનો અવાજ પણ તે સાંભળી શકતા ન હતા કે સાંભળવા માગતા નહતા. માત્ર અવાજ જ નહીં પણ અણગમતી વાસ પણ હવામાં ઝળૂંબાતી હતી. જેની કોઈને કશી જ અસર ન હતી. આમ સાંજને પોતાને ડચૂરો ચડ્યો હોય તેવું લાગ્યું. તેણે પોતાની નજર ફેરવી લીધી.

તેણે પોતાની નજર હવે માનવીના ઢગલાને બદલે તેના વિસામાના સ્થાન પર કરી. તેણે ઊંચી ઈમારતો જોઈ. તે બે ઘડી ખુશ થઈ ગઈ. તેને થયું કે ઝાડની ડાળને બદલે તે હવે આ નવો વિસામો બનાવશે. તેણે ઊંચી અગાશીમાં કે તેની બાજુના નાના ઝરૂખામાં ડગ માંડ્યા. પણ તેને આવકારવા કોઈ ન આવ્યું. તેને જરા ખોટું લાગી ગયું હોય તેમ થોડી રિસાઈ ગઈ. પણ તેને મનાવવાવાળું અહીં કોઈ ન હતું. એટલે તેણે બધો ગુસ્સો ખંખેરી ઊંચા મકાનની એકાદી બારીમાં નજર કરી તો ત્યાં તો પડદો બાંધી ગમે ત્યારે સાંજ કરી દીધી હતી. વળી સાંજની મીઠી રળિયાત ન હતી પણ તેમાં એરકંડીશનની એક સરખી ઠંડક હતી. હવા પણ બીબાંઢાળ હતી. તેમાં પંખીઓની ગોઠડી કે ફૂલ અને પર્ણોની કુમાશ કે મીઠી સુગંધ ન હતી. બાળકો હતાં પણ વાઝમાં ગોઠવાયેલા ફૂલ જેવાં. વૃદ્ધોના ઓરડામાં જોયું તો બધી સગવડ હતી પણ એકલતાના દરિયામાં તેમની હોડી ક્યાંક ખોવાઈ ગઈ હતી. અહીં સગવડનાં બધાં સાધનો હતાં પણ મનના ઓરડાની બારી ન હતી જેથી તાજી હવાની અવરજવર થઈ શકે. તેણે જોયું કે નગરની આ ઊંચી ઈમારતમાં માનવીએ પોતાના માટે ઘણી સગવડ કરી છે પણ સાંજ જેવા મહેમાનો માટે કે બહારની કોઈ વ્યક્તિ માટે સગવડ તેને દેખાઈ નહીં. હવે તેણે ઊંચાઈથી નીચે તરફ નજર માંડી. તેને થયું કે તે ધરતી પર આળોટશે અને તેની લીલીછમ સુગંધને પોતાના શ્વાસમાં ભરી અને નવી જગ્યાને તે પોતાની બનાવી શકશે. પણ તેની નજર તો ધરતીને શોધતી જ રહી. ન તો તેને ધરતી દેખાઈ કે ન લીલીછમ લાગણી. ધરતી પર તો તેને નાનાં નાનાં ઝૂંપડાંઓ અને તેને કિનારે નદીને બદલે ગટરનો ગોકીરો મળ્યો. ત્યાં પણ કોઈ દોડતું હતું, તો કોઈ સૂતું હતું, તો કોઈ બેઠું હતું પોતાના શમણાં લઈને કે શમણાંઓની ચિતા પર. સાંજને થયું કે તેઓની પીઠને થોડું પંપાળું કે તેઓનાં શમણાંને થોડાં મનાવું. પણ તેને લાગ્યું કે કોઈને તેની તરફ જોવાનો સમય જ નથી. માત્ર એકબીજા સાથેની અને પોતાની જાત સાથેની હરીફાઈ જ જોવા મળી.

સાંજને આવી હરીફાઈ ગમતી ન હતી એટલે ત્યાંથી તેણે નજર ફેરવીને માનવીની આંખો તરફ વાળી. પણ આંખોમાં શમણાં સિવાય કંઈ જ જોવા ન મળ્યું. તેને થયું કે આ માણસ જો થોડી ધરપત ધરે ને મારી સામે જુએ તો તેને થોડીક ટાઢક આપું અને શમણાં પૂરાં કરવાનો સધિયારો પણ. પણ માનવીની આંખો ક્યાં બીજું કાંઈ જોવા તૈયાર જ હતી ? તે તો માત્ર શમણાંના ઝાળામાં પેલા કરોળિયાની જેમ ગૂંચવાઈ ગયો હતો.

આ નગરમાં તો અજવાળાનો સૂરજ લાઈટના થાંભલા પર કાયમ લટકતો હતો. રાત દિવસ કે સવાર સાંજનો કોઈ ભેદ ન હતો. અહીં કામ કરવાના વારા હતા. દિવસે કેટલાકનો વારો તો કેટલાકનો રાત્રે. પાળીમાં વહેંચાયેલો સમય માણસની લાગણીને પણ વહેંચી નાખતો હતો. માત્ર કામ કરવા માટે જ નહીં પણ શાળામાં શીખવા માટે કે શીખવવા માટે સમયની પરવા કરી ન હતી. થાક ઉતારવા માટે સાંજની જરૂર જ નહીં. ગમે ત્યારે શમણાંઓની જાળ ગૂંથાતી હતી. તેમાં કોણ માછલી પકડે ને કોણ માછલી નથી પકડી શકતું તે શીખવવામાં આવતું હતું. અહીં પ્રેમીઓ પણ મોબાઈલની ટચૂકડી ભાષાથી પોતાના પ્રેમની વાત કરી આકાશ સામે જોવાનું ટાળતા હતા. જો તે આકાશ સામે જુએ તો સવાર સાંજની લિપિ વાંચી શકે ને ? પણ તેઓ તો માત્ર પ્રેમની હરીફાઈ કરતા હતા, તેમાં કેટલાક પાસ તો કેટલાક ફેઈલ થતાં હતાં. કોઈને કશું લાગતુંવળગતું ન હતું. માત્ર માનવી સમય સાથે હરીફાઈ કરતો હતો. જે સફળ થતો તે ખુશ હતો અને જે અસફળ થતો તે સમયને કોસતો હતો. તે સમય માણતો નહીં પણ સમયને મારતો હતો. એટલે જ સમય તેને માટે મિત્ર નહીં પણ દુશ્મન હતો.

જેમ સમયમાં સાંજનું કશું મહત્વ ન હતું તેવી જ રીતે આયખાની સાંજ પણ ક્યાંક જલદી આવી જતી હતી તો ક્યાંક તો લંબાઈ જતી હતી. કેટલા બધા લોકો વગર સાંજ પડે જ અંધારાની ગર્તામાં ધકેલાઈને રાતને પોતાની માની લીધી હતી. તેઓની આંખમાં કશો જ થનગનાટ કે કશી પ્રતીક્ષા ન હતી. એકધારી ઉદાસીનતા ટપકતી હતી. તેઓને સમય સાથેનો નાતો તૂટી ગયો હોય તેમ માત્ર શ્વાસ ચાલતો હતો. તેને સૂરજનો થનગનતો ઊજાસ ઢંઢોળી શકતો ન હતો તો સાંજની કુમાશ તેને કેવી રીતે સ્પર્શી શકે ? આમ સાંજે જોયું કે મારું વતન તો મારું ગામ જ છે. તે થોડી ઉદાસ થઈને પાછી વળી.

તે ગામડામાં આવી તો તેનું સ્વાગત ઝાડે ડાળી હલાવીને કર્યું ને પંખીઓએ તે આવી તો ખુશ થઈને પોતાનાં વહાલસોયાં બાળકો માટે હાલરડાં ગાયાં. પાણીની છાલકે આવી તેના પગ પખાળ્યા. અહીં સાંજે જરા પોરો ખાધો તો તેને માના વહાલ જેવું ગમતીલું વહાલ દરેકની આંખમાં છલકતું લાગ્યું. અહીં બધાં સાંજની રાહ જોતાં હતાં. કારણ કે તેના કામની નિરાંત તેણે પોતાની વાતોના કસુંબામાં ઘોળવાની હતી. સાંજ પડે તો જ રાત આવે અને જીવને હાશકારો થાય અને શમણાંને ગામ જવાય. અહીં તો રાત્રે ઢોલિયામાં સૂતાં સૂતાં આકાશમાં રમતા તારા સાથે વાતો કરી હૈયાને હામ આપવાનું બધાંને ગમતું. એટલું જ નહીં પણ બારીમાંથી દેખાતું ચાંદાનું ચાંદરણું આખા દિવસનો થાક ઉતારી દેતું. એટલે સાંજનો ઝાંખો દેખાતો ચાંદો બધાને ગમતો. સાંજની શીતળ લહેરખી ઘરના રોમરોમને છલકાવી દેતી હતી. આમ સાંજને પોતાને પણ અહીં વિસામો મળતો હતો. પોતાના હૃદયની વાતો પોતાના પ્રેમ દ્વારા કે હવાની લહેરખીઓ દ્વારા લિપિ લખી ઠાલવતી હતી. તે પાછી આવી તો તેને જાણે પોતાને ઘેર આવી હોય તેમ લાગ્યું. તેણે હવે અહીંથી ક્યાંય ન જવાના સમ ખાધા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્રિપુરામાં – ડંકેશ ઓઝા
પૂરી પાંચ ભૂલ….! – ડૉ. શરદ ઠાકર Next »   

18 પ્રતિભાવો : એક સાંજ ભૂલી પડી – વર્ષા તન્ના

 1. ખુબ સુંદર….ગમતી સાંજ….જ્યાં વિચારવાનો આવકાશ હોય.

 2. મુકેશ પંડ્યા says:

  ખૂબ જ સરસ. આ તે લેખ છે કે કવિતા?

  મજા પડી ગઈ.

 3. Hiral Shankar says:

  ખુબ સુન્દર્…

 4. dhiraj says:

  ખુબ સુંદર વાર્તા
  વર્ષા બહેન જો વાંધો ના હોય તો હું પણ સાંજ ના સ્વાગત માં થોડું ઉમેરું.
  “…અને ગામ ને પાદર ઓલ્યા રામજી મંદિર ને ઓટલે, બજરંગબાપુ એ હાથ માં એક તારો લઇ ચાલુ કર્યું “મંગલ ભવન અમંગલ હારી ….”

 5. pragnaju says:

  ખૂબ સરસ
  સાંજ પડે તો જ રાત આવે અને જીવને હાશકારો થાય અને શમણાંને ગામ જવાય. અહીં તો રાત્રે ઢોલિયામાં સૂતાં સૂતાં આકાશમાં રમતા તારા સાથે વાતો કરી હૈયાને હામ આપવાનું બધાંને ગમતું. એટલું જ નહીં પણ બારીમાંથી દેખાતું ચાંદાનું ચાંદરણું આખા દિવસનો થાક ઉતારી દેતું. એટલે સાંજનો ઝાંખો દેખાતો ચાંદો બધાને ગમતો. સાંજની શીતળ લહેરખી ઘરના રોમરોમને છલકાવી દેતી હતી. આમ સાંજને પોતાને પણ અહીં વિસામો મળતો હતો. પોતાના હૃદયની વાતો પોતાના પ્રેમ દ્વારા કે હવાની લહેરખીઓ દ્વારા લિપિ લખી ઠાલવતી હતી. તે પાછી આવી તો તેને જાણે પોતાને ઘેર આવી હોય તેમ લાગ્યું…

 6. Anila Amin says:

  વર્ષાબેન, સાજનુ અદભુત વર્ણન, સજીવારોપણ અલન્કારનો ઉત્તમ નમૂનો, નહિ નહિ આતો સજીવારોપણ અને સ્વભાવોક્તિ

  અલન્કારનુ સુભગ સન્યોજન. પ્રક્રુતિથી વિમુખ થઈ ગયેલાને ખુદની સામે જોવાની નથી પડી શહેરી કરણને વરેલા ગાડરીયા

  પ્રવાહે હવે દોડધામને આત્મસાત કરી લીધી છે કે નિરાત કે હાશકારો પાપ્ત કરવાનુ અને વિચારવાનો સમયજ તેની પાસે નથી

  રહ્યો. માટેજ તો ગ્લોબલ વોર્મીન્ગજ નહિ ગ્લોબલ વેધરીન્ગ સર્જાઈ રહ્યુ છે. હાથના કર્યા હૈયે વાગે. પ્રક્રુતિજ માનવિથી

  વિમુખ થઈને પાછી વળૅ એમા નવાઈ શુ? ગામડામાય સાજને લાબાગાળા સુધી રહેઠાણ મળી શકેતો સારી વાત છે

  ખૂબજ સરસ લેખ આવા લેખો વાચવાનુ ખબજ ગમે

 7. Veena Dave. USA says:

  ફરી એક વખત….
  સરસ લેખ્.
  એ સાંજની એક-બે મિનિટની ભવ્ય શોભા કેમેરામાં કંડારી લેવાની .ભગવાને પેઈન્ટર બનીને જે અદભુત રંગોથી સાંજને સજાવી હોય એ જોઈને મન નાચી ઉઠે .
  પણ માણસો તો રાતની પાર્ટી માં જવા તૈયાર થતા હોય એમની પાસે આવો કુદરત નિહાળવાનો સમય છે?

 8. Laxit bhatt says:

  Khoob j saras che. Pan vanchi ne khub dukh thay che ke aaje aapne loko a prakruti ne kevi heran kari che. Koi pan chokkas pagla letu nathi bas vachi vachi ne java de che. Koi temne janave to kahe aapne su?

 9. JyoTs says:

  યાદઆવિ ગયુ ભારત અને એમાય મારુ ગામ્……

 10. જય પટેલ says:

  ગામડાની સાંજ શહેરની સાંજ માણવા ગઈ અને નિરાશ થઈ પાછી વળી..!!

  ગામડાની સાંજ પર શ્રી અનિલ જોષીનું અદભુત ગીત…

  ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
  સાંજ હીંચકા ખાય
  ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
  કણકણ થઇને ગોરજમાં વિખરાય.
  સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
  વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
  ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
  પાદરમાં ઘૂમરાય.
  ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
  સાંજ હીંચકા ખાય.
  ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
  ઘઉંના ખેતર વચ્ચે થઇને સોમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
  ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
  સાંજ ઓસરી જાય.
  ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
  સાંજ હીંચકા ખાય…

 11. Gayatri says:

  It’s to good.apna man sathe vat karvanu kahi jay che:-)

 12. beena kanani says:

  ભાઈ મારી તો સવાર મુંબઈમાં ને રમણિય સાંજ પણ
  મુંબઈમાં
  મારી આંખોમાં કુતુહલ અને ઈશ્વરની કૃતિ મનુષ્ય માટેનો પ્રેમનું અંજન આંજેલું છે
  માટે મને તો શહેરની સાંજ પણ એટલી જ રમણિય લાગે છે
  ધક્કા મુક્કા ખાઈને થાકેલા ચહેરા પર મને એક પતિ અને પિતાનો કુટુંબ પ્રેમ વંચાય છે
  અને
  પ્રકૃતિથી વિખુટા પડી ને પણ પોતાની આગવી રીતે જીવતા માનવોમાં મને સુંદરતા જ દેખાય છે
  ગામડાની સાંજ ભલે ભૂલી પડે
  શહેરનાં ગીચ વિસ્તારમાં પણ ઘર મળી રહે

 13. unmesh mistry says:

  I agree with Beenaben Kanani….Drashti evi Shrushti…….

 14. smruti solanki says:

  શહેરનિ સાન્જ પન સારિ હોય positive approch is required

 15. hitesh devnani says:

  ખુબ જ સરસ

  લેખ્…..
  સાંજ પડે તો જ રાત આવે અને જીવને હાશકારો થાય

  અતિ સુન્દર્

  ઃ””””પાળીમાં વહેંચાયેલો સમય માણસની લાગણીને પણ વહેંચી નાખતો હતો. માત્ર કામ કરવા માટે જ નહીં પણ શાળામાં શીખવા માટે કે શીખવવા માટે સમયની પરવા કરી ન હતી. થાક ઉતારવા માટે સાંજની જરૂર જ નહીં. ગમે ત્યારે શમણાંઓની જાળ ગૂંથાતી હતી. “”””

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.