ગુજરાત ‘દીન’ – ડૉ. હિતેષ બી. શાહ

[વ્યવસાયે તબીબીક્ષેત્રે કાર્યરત એવા ડૉ. હિતેષભાઈના (અમરેલી) સાંપ્રત સમયની સમસ્યાઓ અને જુદી જુદી માનસિકતાઓને અનુલક્ષીને લખાયેલ પુસ્તક ‘ભીનો એક સંબંધ’માંથી સાભાર. તેમનો આ પ્રથમ વાર્તાસંગ્રહ તાજેતરમાં પ્રકાશિત થયો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી હિતેષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879323478 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

1 મે, 2000. ગુજરાતદિન. વડાપ્રધાન બાજપાઈની સરકાર ને નાણામંત્રી યશવંતસિંહના બજેટના પરિણામો. આ બધાનો અર્થ એ થાય કે ઈન્ટરનેટ ક્ષેત્રે ગુજરાતમાં ક્રાંતિ. ભારતમાં, ખાસ કરીને ગુજરાત, બેંગલોરમાં આવેલ આઈ.ટી., ઈન્ટરનેટ, ઈ-મેઈલ ક્રાંતિએ ભારતને વિશ્વબજારમાં પ્રથમ નંબરે મૂકી દીધું. જ્યાં જુઓ ત્યાં બસ ઈ-મેઈલ ને ઈન્ટરનેટ ચેટિંગ, ચોવીસ કલાક ચાલુ જ ચાલુ. અમદાવાદ-બરોડા-સુરતમાં તો જેટલા પાનના ગલ્લા ના હોય એટલા તો ઈન્ટરનેટ ચેટિંગના ‘ગલ્લાં’ઓ રાફડાની જેમ ફાટી નીકળ્યા છે. ઈન્ફર્મેશન ટેકનોલોજીએ એવી કમાલ કરી છે કે કોઈપણ વેપાર હવે કૉમ્પ્યૂટર નામના કચકડાની સામે બેઠાં બેઠાં ચપટીમાં થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે જોરદાર, અભૂતપૂર્વ ક્રાંતિ થઈ છે. અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયાને હવે ભારતમાં તૈયાર થયેલાં આઈ.ટી. નિષ્ણાંતો અને સોફટવેર એન્જિનિયરો પર મદાર રાખવો પડે છે. જેમાં ગુજરાતી યુવા-નિષ્ણાતો મોખરે છે. બસ, આ જ અરસામાં એક અસામાન્ય ઘટના બની રહી છે. જેના તરફ કદાચ કોઈનું ધ્યાન નથી કે આનું પરિણામ શું આવશે. અને જો કોઈનું ધ્યાન હોય તો એ બધા કોમ્પ્યૂટરમેન, કોઈ સુપરમેન, સ્પાઈડરમેન કે હી-મેનની રાહ જુએ છે…. હશે ભાઈ !!!

અમદાવાદથી થોડેક દૂર આવેલ એક તાલુકો-કલોલ, આમ તો કસબો ગણાય. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ અને હમણાં તાજેતરમાં આવેલ ઈલેક્ટ્રોનિક્સ ક્રાંતિને લીધે એ પણ પોતાની જાતને હવે શહેર ગણવા માંડ્યું છે. એવા એ ‘શહેરના’ એક મોઢ વિસ્તારના ડૉક્ટરના ઘરનો ટેલિફોન રણકી ઊઠે છે. ડૉકટરના ભાભી ફોન ઉપાડે છે.
‘હલો….’
‘હા, મોટાભાભી, હું પૃથ્વી બોલું છું. વિરાગ છે ? આજે આવવાનો હતો ને જામનગરથી ? આવ્યો કે નહિ ?’
‘હા, આવી તો ગયા છે પણ એ નીલને લઈને ઈન્ટરનેટ પર ગયા છે. નીલને ઈન્ટરનેટ શીખવાડવા, ને ઈન્ટરનેટ પર એને ગેઈમ્સ રમાડવા.’ મોટાભાભી બોલ્યા.
‘સારું… એ આવે એટલે એને કહેજો કે મને ફોન કરે. બહુ ખાસ કામ છે.’ એમ કહી પૃથ્વીએ ફોન મૂકી દીધો. મનમાં એક નિશ્વાસ સાથે, ‘સાલુ, આ ઈન્ટરનેટે તો ડૉક્ટરોનેય છોડ્યા નથી. દર્દીઓ પાસેથી કદાચ ડૉક્ટર છીનવાઈ જાય તો નવાઈ નહિ !’

ડૉ. વિરાગ એમ.બી.બી.એસ પતાવીને અત્યારે જામનગરમાં પોસ્ટગ્રેજ્યુએશન કરે છે. ઉનાળુ વેકેશનમાં ચાર-પાંચ દિવસની રજાઓ માણવા પોતે ઘેર આવ્યો છે. પણ આવતાની સાથે જ ભત્રીજા નીલને ઈન્ટરનેટ શીખવવા લઈ ગયો છે. આઠમા ધોરણમાં ભણતો નીલ એની ઉંમરના પ્રમાણમાં ઘણોબધો સમજુ છે. અને એટલે જ ડૉક્ટરસાહેબ આ બદલાતા જતા ઈલેક્ટ્રોનિક્સ યુગમાં એને ઈન્ટરનેટ જ્ઞાનથી સજ્જ કરવા માટે થઈને લઈ ગયેલાં છે. આ ફોન આવેલ તે પૃથ્વી એમનો જિગરી ભાઈબંધ છે. બાળપણનો ભેરુ છે. ખૂબ દયાભાવ ધરાવતો, ધાર્મિક વૃત્તિનો, સીધો, સાદો, સરળ, નિર્દોષ માણસ છે.
‘કાકા…. બહુ મજા આવી ઈન્ટરનેટ પર નહિ ?’ આવતાની સાથે જ નીલ બોલી ઊઠ્યો.
‘એટલે જ તો તને લઈ ગયો હતો… આવડી ગયું ને હવે…. બધી ‘માઉસ’ની જ રમત છે. હવે નિયમિત જતો રહેજે…..’
‘કાકા….’
‘હં……’
‘એક વાત કહું….?’
‘હા, બોલ…’
‘આ સુપરમેન, સ્પાઈડરમેન કે હીમેન, ખરેખર માણસ નથી ને ?’
‘હા… તો ?’
‘તો પછી આપણે શું કામ એને સાચા માનીને વિડિયોગેમ્સ રમીએ છીએ ?’
ડૉ. વિરાગ વિચારમાં પડી ગયો. પ્રશ્ન અઘરો હતો. થોડીવાર પછી એ બોલ્યો : ‘આપણે શું કામ એને સાચા માનીને આનંદ માણીએ છીએ એ મને ખબર નથી. પરંતુ એવા ભ્રમમાં રહીને મજા માણવાથી, શું પરિણામ આવ્યું છે એ હું તને કહું… જે લોકોએ આવા પાત્રો ઊભા કર્યાં છે એમણે તો ધાર્યુંય નહિ હોય કે આ વસ્તુ ખરેખર આગળ જતા તો માણસ જાતને જ નડવાની છે.’
‘કેવી રીતે ?’ નીલે કુતૂહલતા દર્શાવી.

‘જો….. સુપરમેન પાસે વિશિષ્ટ શક્તિ છે ઉડવાની એટલે એ ફક્ત માણસ નથી ‘સુપર’ મેન છે. એ પોતાની વિશિષ્ટ શક્તિઓ વડે ગુંડાઓ, માફિયા તેમજ સમાજના દૂષણો સામે લડતો રહે છે. આવી જ રીતે સ્પાઈડર મેન પાસે છે વિશિષ્ટ શક્તિ, કરોળિયાની જેમ જાળા બનાવવાની અને એ રીતે એ સમાજની ભલાઈ માટે કામ કરે છે. બસ, એમજ હી-મૅન પાસે વિશિષ્ટ જાતની તલવાર અને અસામાન્ય સ્નાયુબળ છે કે જે સામાન્ય માણસમાં ન હોય…. ડૉ. વિરાગ થોડીવાર થોભ્યો, પછી બોલ્યો : ‘બાળકો માટેની આ બહુ જ પ્રચલિત, કાલ્પનિક રમતો, કથાઓએ છેવટે બાળકોના માનસમાં એવું ઘુસાડી દીધું કે સમાજની બદીઓ, અન્યાયો, માફિયાઓ સામે લડવા માટે કોઈક વિશિષ્ટ તાકાતની જરૂર હોય છે. સામાન્ય માણસનું એ કામ નહિ. અને બસ, આ જ બાળકો ધીરે ધીરે મોટા થઈને ફક્ત સામાન્ય માણસ બનીને રહી ગયા. તેઓ આ સુપરમેન, સ્પાઈડરમૅન કે હી-મેનથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેઓ પોતે સુપરમેન બનતા રહી ગયા. કોઈનાથી પ્રભાવિત થવું એટલે સામેવાળાના ને પોતાના અસ્તિત્વ વચ્ચે અસમાન જમીનનો ફર્ક માનવા જેવું છે. બસ, આ જ વસ્તુ નડી રહી છે અત્યારે માનવજાતને…’

એટલામાં ઘરનો ફોન રણકી ઊઠ્યો… ટ્રીન…ટ્રીન…ટ્રીન…
‘હલો, કોણ બોલે છે ?’ ડૉ. વિરાગે ફોન ઉપાડ્યો.
‘હું પૃથ્વી… ક્યારે આવ્યો તું ?’ પૃથ્વીએ પૂછ્યું.
‘હમણાં સવારે જ. કેમ ? સાંજે મળું છું તને…’
‘ના… સાંજે તો બહુ મોડું થઈ જશે…. તું સાથે દવાઓ તો લાવ્યો છે ને ?’
‘હા, કેમ ?’
‘એક માણસ બીમાર છે. બહુ ગરીબ છે. કિસ્મતનો મારેલો છે. તું એક કામ કર, ત્યાં જ રહેજે. હું આવું છું. મારું સ્કૂટર લઈને. તને આજે એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં જઈને તારું દિમાગ છક્ક ખાઈ જાય. તારી ખરેખર જ્યાં જરૂર છે ત્યાં લઈ જાઉં… હું આવું છું હમણાં…’ કહી જવાબ જાણ્યા વિના જ પૃથ્વીએ ફોન મૂકી દીધો. એટલો તો એનો અધિકાર બનતો હતો કે પોતે આવા કામ માટે વિરાગને પૂછ્યા વિના જ લઈ જઈ શકે. પૃથ્વી આવ્યો. ડૉક્ટર એના સ્કૂટર પર બેઠો. બંને જણ શહેરની સીમા વટાવી ચૂક્યા. શહેરથી પાંચેક કિલોમીટર દૂર આવેલ ખેતરો વચ્ચેના રસ્તાઓમાં સ્કૂટર આમથી તેમ સાપની જેમ વળતું રહ્યું. ડૉક્ટરને કંઈ સમજાયું નહિ, એ તો બસ મે મહિનાનો કપરો તડકો ને પાછળ ઉડતી ધૂળને જોઈ જ રહ્યો.

થોડીકવારે એક જગ્યાએ સ્કૂટર ઊભું રહ્યું. આજુબાજુમાં વાંસની લાકડીઓને પ્લાસ્ટિક ગોઠવીને દસ-બાર નાની નાની ઝૂંપડીઓ હતી. સ્કૂટર ઊભું રહ્યું એટલે એકાદ ઝૂંપડીના છાંયડામાં ખાટલે બેઠેલ ત્રણ-ચાર સ્ત્રીઓના ચહેરાઓ પર ખુશીની રેખાઓ ખેંચાઈ આવી. આંખોમાં એક આશા સાથે.
‘કોણ છે આ બધા દોસ્ત ? પહેલાં તો અહીંયાં કંઈ આવું નહોતું…’ ડૉક્ટરે પૃચ્છા કરી.
‘તું મૂંગો મૂંગો જોયે રાખ, ને ચાલ મારી સાથે….’ કહી પૃથ્વી પેલી ખાટલાવાળી જગ્યા તરફ ગયો.
‘ક્યાં ગયા પાંચાભાઈ ? એમની તબિયત કેવીક છે ?’ પૃથ્વીએ સ્ત્રીઓને પૂછ્યું.
‘ઈ તો દૂઈધ વેચવા ગ્યા સે… તી આવતા હશે…’ એક સ્ત્રીએ નિસાસો દઈને જવાબ આપ્યો. કદાચ, પાંચાભાઈ એનો પતિ થતો હોવો જોઈએ એવું ડૉક્ટરને લાગ્યું.
‘સારું ત્યારે…. આ મારી સાથે છે એ ડૉકટર… મારા મિત્ર છે ને પાંચાભાઈ માટે આવ્યા છે…. એક કામ કરો, અહીં છાંયડામાં એક નાની ખાટલી પાથરી દો. અમે રાહ જોઈએ છીએ.’ મે મહિનાની કાળઝાળ ગરમીમાં કોઈને પણ મીઠી લાગે એવી લીમડાની છાંય તળે પણ ડૉક્ટરને ચેન નહોતું પડતું કે આ બધું શું છે ? પોતે આ બાજુથી ઘણીવખત નીકળ્યો હતો. પરંતુ, આવી કોઈ વસતી અહીં હશે એનો પોતાને ખ્યાલ નહોતો કે શું ? અને જો હોય તો પણ વ્યવસ્થિત માટીના લીંપણવાળી ને ઉપર પીળા પીળા પૂળાવાળી સરસ ઝૂંપડીઓ હોવી જોઈએ ને ? આ તો જાણે બે-ચાર દિવસનો માલધારીઓનો પડાવ હોય એવું લાગ્યું.

એક જગ્યાએ ખુલ્લામાં બાંધેલ ગાય ‘ભા….ભા….’ કરીને ભાંભરી રહી હતી. થોડેક દૂર કેટલીક ગાયો ઝૂંડમાં ચરતી હતી. દૂર-દૂરથી નાના બાળકોનાં રમવાનો અવાજ આવતો હતો. ને ક્યાંક દૂર-દૂર વૉટરપંપનું ‘કિચૂડ…કિચૂડ….’ વાતાવરણમાં સંગીત પૂરું પાડતું હતું. પણ ડૉક્ટરને ક્યાં ખબર હતી કે એ ‘કિચ્ચૂડ…કિચ્ચૂડ…’ જ આ લોકોના અહીં રહેવાનું કારણ હશે ? તો યે એને સમજતાં બહુ વાર ના લાગી, છતાં એણે પૃથ્વીને પૂછ્યું, ‘બોલ દોસ્ત, શું છે આ બધું ?’
‘તું તો જામનગર રહે છે. શું તને ખબર નથી કે આખા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં દુકાળ પડ્યો છે ?’
‘હા, અમારી બાજુ પાણીની ખૂબ જ તંગી છે ને એમ.બી.બી.એસ.ના છોકરાઓને તો પરાણે બબ્બે મહિનાનું વેકેશન આપીને ઘેર મોકલી દીધાં છે.’
‘એ સિવાય….?’
‘એ સિવાય તો બસ… છાપાઓમાં વાંચેલું કે ચેકડેમ બનાવવા જોઈએ ને નર્મદાબંધ અત્યારે બની ગયો હોત તો આવી હાલત ના હોત… વગેરે… ડૉક્ટર બોલ્યા.
‘બાકીનું હું તને કહું…. જે તારા છાપાઓ કે ઈન્ટરનેટ ન્યૂઝમાં નહિ આવ્યું હોય. તેં આંકડાઓ વાંચ્યા હશે, માણસની ભાવનાઓ નહિ ઉકેલી હોય. કંઈ કેટલીયે જગ્યાએથી ‘માણસાઈ’ મરી પરવારી આ દુકાળે તો. આ તો છપ્પનિયા દુકાળથી યે જોરદાર દુકાળ પડ્યો છે. પણ આપણે તો પૈસા આપીને પાઉચમાં પાણી પીનારાઓ, આપણને તરસની શી ખબર ? આ લોકો મોરબી પાસેના એક નાનકડા ગામના માલધારીઓ છે. ખેતી કરીને ગુજરાન ચલાવે છે. અત્યારે દુકાળે એમની એવી હાલત કરી છે કે પોતાના પશુઓને બચાવવા બિચારાઓ ઘરબાર રેઢા મૂકીને આખેઆખા ગામ ખાલી કરીને પોતપોતાની જમીનો ભૂલીને આવેલા છે. કેમ ? તો કહે છોકરાઓ ને ઢોરઢાંખર માટે પીવાનું પાણી મળી રહેને તે માટે. તું વિચાર કર દોસ્ત. ખોરાક તો બાજુ પર રહ્યો. ફક્ત પીવના પાણી માટે થઈને આ લોકો ઘરબાર, જર-જમીન છોડીને નીકળી ગયા છે અલખના દેશમાં. કદાચ, ક્યાંક ‘માણસાઈ’ દેખાઈ જાય ને આ લોકોને આશરો મળે. ઢોરઢાંખર ને છોકરાં જીવે બચારાં….’ આટલું કહીને પૃથ્વી થંભ્યો.

ડૉક્ટર ખરેખર વ્યથિત થઈ ગયો. એટલામાં પેલાં કલબલ કરતાં છોકરાઓ ત્યાંથી દોડતા પસાર થઈ ગયા. એમને જોઈને ડૉક્ટર દુઃખી દુઃખી થઈ ગયો. ત્રણથી છ-સાત વરસના એ બધા નાના નાના, બાબલાં-બેબલીઓ સાવ ઉઘાડા પગે વગર કપડે આ દુકાળિયા ગરમીમાં આરામથી દોડી રહ્યા હતા ! ડૉક્ટર હચમચી ગયો. એ દ્રવી ઊઠ્યો. તેને પોતાના દોસ્ત માટે માન થઈ આવ્યું. તે ખરેખર એક સારું કામ કરી રહ્યો હતો.

‘અમે શહેરના પાંચ-સાત જણાઓએ ભેગા થઈને સેવાભાવી સંસ્થાઓ અને છૂટક દાતાઓની મદદથી આ લોકોને આશરો આપ્યો છે. સો એક જેટલાં ગાય-બળદ છે તેમની પાસે અને પચ્ચીસ-ત્રીસની વસતી. રોજના લગભગ રૂ. 1600ના ઘાસચારાના પૂળા અમે પૂરા પાડીએ છીએ. હજી બીજા ચાલીસેક દિવસ તો આ લોકો રહેશે જ. જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી… આ પેલી ગાય દેખાય છે ને ભાંભરતી ? હમણાં બે દિવસ પહેલાં જ એણે વાછરડાને જન્મ આપ્યો ને તાજું જન્મેલું વાછડું બિચારું આ કાળઝાળ ગરમી સહન નહિ થતાં તડકામાં મરી ગયું. આ પાંચાભાઈ…. જેમને પોતાને તાવ આવ્યો છે તોયે એ તબિયતની પરવા કર્યા વિના દૂધ વેચવા નીકળ્યા છે, શહેરમાં-પાણીના ભાવે. કારણ એમને ત્યાં પાણી દૂધના ભાવેય નહોતું મળતું ! ઘણી જગ્યાઓએ સૌરાષ્ટ્રમાં પાણી આપવા માટે થઈને બળાત્કારના કિસ્સાઓ પણ બન્યા છે. માણસાઈ લગભગ બધેથી મરી પરવારી છે. ક્યાં લઈ જશે તમને તમારો કૉમ્પ્યુટર યુગ ?’

ડૉક્ટર વિચારમાં પડી ગયો. વિશ્વબજારમાં પ્રથમ નંબર ધરાવતો સો કરોડનો આ દેશ માણસની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડી શકતો નથી ? તો પછી શું કરવાની આ આઈ.ટી. ને ઈન્ટરનેટ ક્રાંતિને ? જો પીવા માટેની એક બાલદી પણ ઈન્ટરનેટ વાટે વિદેશમાંથી મંગાવવી પડતી હોય તો ફટ્ટ છે આવી પ્રગતિને ! માણસની પ્રાથમિક જરૂરિયાતોમાંથી ખોરાક અને પાણી પણ આપણે ગામડે ગામડે ન પહોંચાડી શકતા હોઈએ તો શહેરની એરકન્ડીશન્ડ ઑફિસમાં બેઠાં બેઠાં વિદેશોમાં કરોડો રૂપિયાનો વેપાર કરનારા માણસોના સંતોષને ધિક્કાર છે. નથી જોઈતી આપણને એવી પ્રગતિ કે જે માણસની મૂળભૂત જરૂરિયાતોનેય સંતોષી શકતી ન હોય. સુપરકૉમ્પ્યૂટરના દેશનું હવામાનખાતું દુષ્કાળની આગાહી કરવામાં નિષ્ફળ ગયું ને દુષ્કાળ પડ્યા પછી કૉમ્પ્યૂટરોનાં નેટવર્ક પર કામ કરતું તંત્ર એનું નિવારણ લાવવામાં નિષ્ફળ ગયું ! ગુજરાતનો યુવાન ઈન્ટરનેટ ચેટિંગમાં વિદેશમાં વસતા અજાણ્યા યુવક યુવતીઓને ‘કેમ છો ? શું ચાલે છે ?’ એવું પૂછી શકતો હોય પણ એના ભાઈભાંડુને બે ટંકનો રોટલો ને પીવાનું પાણી નથી મળતું એની એને ખબર નથી. હજ્જારોની સંખ્યામાં રોજ ઢોર-ઢાંખર મરે છે ને સેંકડો માણસો…. કોણ બચાવશે આ બધાને ? સુપરમૅન ?
હી-મેન ?
સ્પાઈડર-મેન ?
કે કોઈ કોમ્પ્યૂટર-મેન ???’
ડૉક્ટરથી મનમાં બોલી જવાયું, આજે ખરેખર ગુજરાત દીન (ગરીબ) છે !

[કુલ પાન : 144. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈસ રૂટ કી સભી લાઈનેં વ્યસ્ત હૈ ! – ડૉ. નલિની ગણાત્રા
ગઝલ – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’ Next »   

14 પ્રતિભાવો : ગુજરાત ‘દીન’ – ડૉ. હિતેષ બી. શાહ

 1. pragnaju says:

  સુપરકૉમ્પ્યૂટરના દેશનું હવામાનખાતું દુષ્કાળની આગાહી કરવામાં નિષ્ફળ ગયું ને દુષ્કાળ પડ્યા પછી કૉમ્પ્યૂટરોનાં નેટવર્ક પર કામ કરતું તંત્ર એનું નિવારણ લાવવામાં નિષ્ફળ ગયું ! ગુજરાતનો યુવાન ઈન્ટરનેટ ચેટિંગમાં વિદેશમાં વસતા અજાણ્યા યુવક યુવતીઓને ‘કેમ છો ? શું ચાલે છે ?’ એવું પૂછી શકતો હોય પણ એના ભાઈભાંડુને બે ટંકનો રોટલો ને પીવાનું પાણી નથી મળતું એની એને ખબર નથી. હજ્જારોની સંખ્યામાં રોજ ઢોર-ઢાંખર મરે છે ને સેંકડો માણસો…. કોણ બચાવશે આ બધાને ? સુપરમૅન ?

  સાચી વાત

  • Shekhar says:

   You have not understood the computer. The way you mentioned Super comuputer failed, it confirms that you have no logical sense. That’sthe same case with peopleyou mentioned are not able to earn two meals, and always look for help from society. Super computer, after providing past data can think/predict but human beings you mentioned refuse to analyse the past data and blame it on people who ue computer efectively.

   • Viral G says:

    Its not failure of super computer. It says failure of ‘Met department of country with super computer’.
    સુપરકૉમ્પ્યૂટરના દેશનું હવામાનખાતું દુષ્કાળની આગાહી કરવામાં નિષ્ફળ ગયું

    I think story tries ot highlight the fact that in world of facebook , internet etc. we are getting disconnected from the real world , reality and hardship of rural and interiors. We are living more and more in digial and virtual world ..creating a matrix around us.

 2. Veena Dave. USA says:

  શહેરમાં પાણીના ભાવે દૂધ વેચવા નીકળ્યા કારણ એમને ત્યા પાણી દૂધના ભાવેય નહોતુ મળતુ……
  સુપરમેન, હી-મેન્ , સ્પાઈડર મેન કે કોમ્પ્યુટર મેન માં જો માણસાઈ મેન હશે તો કંઈક પણ બચાવી શકાય.

  Happy Makarsankranti.

 3. કલ્પેશ says:

  “તેઓ પોતે સુપરમેન બનતા રહી ગયા. કોઈનાથી પ્રભાવિત થવું એટલે સામેવાળાના ને પોતાના અસ્તિત્વ વચ્ચે અસમાન જમીનનો ફર્ક માનવા જેવું છે. બસ, આ જ વસ્તુ નડી રહી છે અત્યારે માનવજાતને…”

  આ જ વસ્તુ સંપ્રદાયોને પણ લાગુ પડે છે ને? ધર્મગુરુઓ ક્યા છે? કથાકારો ક્યા છે?
  કૂષ્ણ આવશે (સંભવામિ યુગે યુગે). આપણે કઇ નહી કરવાનુ. ખાઓ, પીઓ, બચ્ચા ૧૦ છે, બધુ પ્રભુ કરાવે છે.

  “વિશ્વબજારમાં પ્રથમ નંબર ધરાવતો સો કરોડનો આ દેશ” – કઇ વાતમા પ્રથમ ક્રમ? વસ્તીમા? ભ્રષ્ટાચારમા?

  તો પછી શું કરવાની આ આઈ.ટી. ને ઈન્ટરનેટ ક્રાંતિને ? – આને પાણીની સમસ્યા સાથે શુ લાગે વળગે?
  આપણે પાણીની સમસ્યા પર ધ્યાન ન આપીએ તો ભૂલ આઇ. ટીની?

  “પણ એના ભાઈભાંડુને બે ટંકનો રોટલો ને પીવાનું પાણી નથી મળતું એની એને ખબર નથી. હજ્જારોની સંખ્યામાં રોજ ઢોર-ઢાંખર મરે છે ને સેંકડો માણસો…. કોણ બચાવશે આ બધાને ?”
  એવુ નથી કે લોકોને લાગણી નથી. કરવા વાળા બધુ કરે છે.
  કોણ બચાવશે? જો હિમેન ન બચાવી શકતો હોય તો ભગવાન પોતે પણ નથી અવતરવાના.

  કરી શકાતુ હોય તો કંઇ કરો. રોદણા ન રડો.

  ભગવાન (જો કોઇ હોય તો) પણ વિચારતો હશેઃ કેવી ભૂલ કરી આ લોકોને ધરતી પર મૂકીને? આ લોકોને બધી જ શક્તિ આપી છે અને આ લોકો મારી રાહ જોઇને બેઠા છે.

  આપણે વ્યક્તિગત રીતે અને સામાજિક રીતે જવાબદાર નથી. બધી જવાબદારી સરકાર પર ઢોળી દો અને ભૂલ થાય તો આંગળી ચીંધો.
  પોતે કાંઇ કરીએ તો ભૂલ થાય ને?

  • કલ્પેશ says:

   આપણા સમાજમા ભૂલ કરવી એટલે પાપ એ માન્યતામાથી છૂટકારો મળે તો લોકો કેટલા સાહસિક છે એ દેખાઇ જશે.
   માણસ માત્ર ભૂલને પાત્ર – માત્ર લીપસર્વિસ માટે આ કહેવત કહેવામા આવે છે.

   ભૂલ અને નિષ્ફળતાનો ડર આપણને કંઇ પણ સાહસભર્યુ અને નવુ કરતા અટકાવી દે છે અને મગજ બહેર મારી ગયુ છે.
   બીજાની ભૂલમા આપણને આનંદ આવે છે અને એટલે જ આપણે પછાત છીએ.

 4. Deval Nakshiwala says:

  ખુબ જ હ્રદયસ્પર્શી વાર્તા છે. દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યો હોવા છતાં પ્રાથમિક જરુરિયાતો સંતોષવામાં પાછળ છે.

 5. nayan panchal says:

  વાર્તામાં મજા ન આવી. સરકારની નિષ્ફળ કામગીરીને કોમ્પ્યુટર ક્રાંતિ સાથે જોડવાનો શો મતલબ! ઊલટું BPO અને ITને લીધે તો કેટલા બધાને સીધી અને આડકતરી રીતે રોજીરોટી મળી રહી છે. દુકાળની સમસ્યા આ દેશ માટે સૈકાઓ જૂની છે જે હવે ગુજરાતમાં તો નહેરોના જાળાને લીધે નિવારી શકાઈ છે. પૃથ્વી, વિરાગની ભાવના બરાબર છે.

  સુપરહીરોવાળી વાત સાથે સહમત. એટલે જ મારો ફેવરિટ સુપરહીરો બેટમેન છે, જેનામાં કોઈ જ દૈવી શક્તિ નથી.

  આભાર,
  નયન

 6. જય પટેલ says:

  ડોક્ટરનો બળાપો અયોગ્ય નથી.

  દુષ્કાળની પરીસ્થિતી..અતિવૃષ્ટિ..વગેરે અતિઓમાં માનવીય ફાળો પણ અવગણી શકાય નહિ.
  સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્ર્સ્ટએ અસંખ્ય ચેકડેમો બાંધી દુષ્કાળના ડાકલાંને નાથવાનું
  પ્રસંશનીય કાર્ય કર્યું છે. પ્રજાકીય જાગૃતી મહત્વનું પરીબળ છે.

  ટેકનોલોજીના સથવારે અતિઓને કઈંક અંશે નાથી શકાય…જો ઈન્ફ્રાસ્ટ્રકચર સારી રીતે કાર્ય કરતું હોય.
  ડોકટર સાહેબનું હૈયું દ્રવી ઉઠ્યું પણ તેઓ પોતાની રીતે સેવા કરી રહ્યા છે તે બદલ અભિનંદન.

  માનવીય સંવેદના પ્રગટાવતા કિસ્સા આપતા રહેશો.
  આભાર.

 7. nishi says:

  i will agree with Mr.Shekhar …what mistake have super computer have done ? you cant correlate two thing …

 8. જગત દવે says:

  લેખકે આ લેખમાં આઈ. ટી. ટેકનોલોજીનાં માથે બધી જ મુશ્કેલીઓનું ઠીકરું ફોડ્યુ છે.

  આ તો એવી વાત થઈ કે રોડ અકસ્માતો થાય છે તો તેને રોકવા કોઈ રોડ જ ન બનાવવા કે વાહનો જ ન ચલાવવાની સલાહ આપે.

  આ એક પ્રકારનો પલાયનવાદ છે.

  કલ્પેશભાઈનો અભિપ્રાય પણ તર્કસંગત છે. પ્રજા તરીકે આપણે પણ જવાબદાર છીએ અને આપણને સહું ને ઘડનાર તત્વો પણ એટલાં જ જવાબદાર છે. વિશાળ સ્તરે અભિગમ નહી બદલાય ત્યાં સુધી ચિત્ર નહી પલટાય.

  આવા જ ઉટપટાંગ ઊદાહરણો આપી ને આપણી ભોળી પ્રજા ને ઘણાં ધર્મ-ધૂરંધરો, રાજકારણીઓ ઘેંટાની જેમ હાંકે રાખે છે.

 9. Harshad Patel says:

  Writter has identified difference between progress and fundamental needs for human life. Only 40% of population is enjoying happy life style. Common man can not effort life sustaining needs!

  Nicely written article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.