ઈસ રૂટ કી સભી લાઈનેં વ્યસ્ત હૈ ! – ડૉ. નલિની ગણાત્રા

[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.]

‘…..પર તુમ્હારી ય લાઈન સુન કે હમ ત્રસ્ત હૈ ઈસકા ક્યા…આ….આ…..આ… ?’
રિસિવર ઉપર હાથ મૂકીને કહું છું હોં કે લેન્ડલાઈન ફોનની મોનોપોલી હતી તે સારું હતું. એમાં ફક્ત બે જ સૂરનું સામ્રાજ્ય હતું. કાં તો રિંગ વાગતી (માથામાં !) અથવા તો રિંગ બગડી હોય એવો એંગેજ ટોન સંભળાતો ! અને આ એંગેજ ટોન આવે એટલે આપણે સમજી જવાનું કે સામાવાળો બીજે ક્યાંક ચોંટ્યો છે ! આ ‘બે-બસ’માં પ્રજા સુખી હતી !

પણ હવે મોબાઈલ ફોનમાં તો આપણી અને સામેવાળાની વચ્ચે વાયરસની જેમ વચેટિયા ઘૂસી ગયા છે. અને સામેની વ્યક્તિ તમારી સાથે વાત કેમ નથી કરી શકતી એનાં દર વખતે અલગ અલગ કારણો આપી ઘણી વાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ કરાવી દે છે. જેમ કે, મણિનો મૂળચંદ હજુ બે મિનિટ પહેલાં જ ઑફિસ જવા નીકળ્યો હોય અને કાયમી શરદીનો દરદી એનો નાકરૂમાલ ભૂલી ગયો હોય એટલે એની પત્ની મણિ એને મોબાઈલ મારે ! એને એમ હોય કે, બે મિનિટ થઈ છે એટલે હજુ સોસાયટીના ઝાંપે જ પહોંચ્યો હશે. પણ એને સામે છેડેથી સાંભળવા મળે કે, ‘….તમે જેનો સંપર્ક સાધવા માગો છો તે કવરેજ એરિયાની બહાર છે.’ અને મણિ ભડકે કે બે મિનિટમાં એનો મૂળચંદ કવરેજ એરિયાની બહાર પહોંચી ગયો, મતલબ ? એ એની કોઈ હગલી સાથે હેલિકોપ્ટરમાં તો નહિ ઊપડી ગયો હોય ? આવવા દે, એને, ઘરમાં આવવા દે ! …..પણ પછી મારા જેવા વાતડાહ્યા મણિને સમજાવે કે, બુન, તું ઝાંપાની ક્યાં માંડે છે ? ચીપકીને બેઠેલા બે જણ એકબીજાને ફોન કરે તોય આ લોકો કવરેજ એરિયાની બહાર બતાવે છે !

પણ આજે આ ઝઘડાના મૂળનાં છોતરાં ન ઉખેડી નાંખું તો મારું નામ પણ ત્રાસવાદી નહીં ! જોકે આ જાણભેદુ જેવા વચેટિયાઓ બોલે છે અલબત્ત, મીઠા ટહુકા જેવું. પણ એમ મીઠું મીઠું સાંભળીને આપણે ક્યાં સુધી ભોળવાતા રહેવાનું ? એટલે આજે આ ટહુકાઓ સામે કાગારોળ જ કરી મૂકવી છે. તો વાચકો તમેય મારી વાતમાં આજે કા એ કા કરો OK ?!!

ટહુકો-1 : ‘તમે જેને કૉલ કરવા માગો છો એ ફોન સ્વિચ ઑફ છે.’
કાગારોળ : ‘તો તમને શેના માટે રાખ્યાં છે બહેન ? સ્વિચ ઑફ છે તો ઑન કરો ને ! અમારા ‘એ’ની સ્વિચ અમારા હાથમાં નથી એટલે તો તમને વચ્ચે રાખ્યાં છે. આટલું મોટું નેટવર્ક લઈને બેઠાં છો અને નાનકડી સ્વિચ ઑન નથી કરી શકતાં ? કંપની લઈને બેઠાં છો કે કહોજણ ?!

ટહુકો-2 : ‘તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી.’
કાગારોળ : અમારો ફોન અમે ડાયલ ન કરીએ તો શું અમારા વેવાઈ પાસે ડાયલ કરાવીએ ?! અને અમે શું એલફેલ છીએ કે કોઈ અમારો ફોન ન ઉપાડે ? તું રૂબરૂ જઈને કહી આવ એને કે તારો નોકર બોલે છે, ઉપાડ…!!! અને બેન અમને સૂચના આપો છો એમ સામી પાર્ટીનેય કહેવાનું રાખો ! ગોર થયા છો તો વર-કન્યાને સરખી જ વિધિ કરાવો. તમે તો જે ફોન કરે એને જ સંભળાવ સંભળાવ કરો છો. આવું કર્યા કરશો તો આપણા સંબંધ સારા નહિ રહે, કહી દઉં છું હા…..!!!

ટહુકો-3 : ‘આ નંબર વ્યસ્ત છે, કૃપા કરી હોલ્ડ કરો.’
કાગારોળ : કોની સાથે વ્યસ્ત છે એય કહી દો એટલે મને બેયની ખબર લેતાં ફાવે ! અને આ નંબર વ્યસ્ત છે તો તમારી પાસે બીજા ઓછા નંબર છે ? ગમે તેની સાથે વાત કરાવો ! અને અમને હોલ્ડ કરવાનું તમે કહી જ કેવી રીતે શકો ? આડકતરી રીતે તમે અમને નવરામાં ખપાવો છો. નવરી હશે તમારી કામવાળી ! ખબરદાર છે હવે જો બીજી વાર હોલ્ડ કરવાનું કીધું છે તો !!

ટહુકો-4: ‘તમે જે નંબરનો સંપર્ક કરવા માગો છો તે પહોંચની બહાર છે.’
કાગારોળ : અમારી પહોંચની બહાર કે તમારી પહોંચની બહાર, હેં ? પહોંચી ન વળતા હો તો ઠેરઠેર ધામા નાખીને શું કામ બેઠા છો ? પહોંચની બહાર હોય તો તમે ત્યાં પહોંચીને સંપર્ક કરાવો ! ધંધો લઈને બેઠા છો ને બહાનાં બતાવો છો ! ફરજ બજાવો ફરજ !!

ટહુકો-5 : ‘ઈસ રૂટ કી સભી લાઈનેં વ્યસ્ત હૈ’
કાગારોળ : તો મણિનગર કે કાલુપુરવાળા રૂટથી લઈ લો ! હવે અમે તીર છોડી જ દીધું છે એટલે નિશાન પર પહોંચાડવાની તમારી ફરજ બને છે. પ્રિપેઈડ કર્યું છે. ના શેના પહોંચાડો ? ભીડ તો બદ્ધે હોય જ, પણ માર્ગ તો કાઢવો પડે ને ?!

ટહુકો-6 : ‘ડાયલ કિયે ગયે નંબર કી જાંચ કરેં.’
કાગારોળ : તો શું જાંચ કર્યા વગર અમે જોડ્યો હશે ? અને અમે શું કોઈ ચેક-પોસ્ટ પર બેઠા છીએ કે તું કહે એ બધું જાંચ કર્યા કરીએ ? અરે અમને બોડી ચેક-અપ કરાવવાનો ટાઈમ નથી અને તું અમને નંબર ચેક કરવા મોકલે છે ? થોડી શરમ કર શરમ !

ટહુકો-7 : ‘આપ કતાર મેં હૈ.’
કાગારોળ : હું કતારમાં ઊભી છું એ તને ત્યાં બેઠાં બેઠાં કેવી રીતે ખબર પડી હેં, બેઠાડું ? અને હવે કતારમાં છું તો કાકડી, કોબી, કાતર, કુરકુરે, કોલસા, કાપડ, તેલ, ઘાસતેલ, પેટ્રોલમાંથી શેની કતારમાં છું એય કહી દે હાલ !

ટહુકો-8 : ‘તમે જેને કૉલ કરી રહ્યા છો એનો હાલમાં સંપર્ક શક્ય નથી.’
કાગારોળ : ચા પિવડાવવી શક્ય ન હોય તો મહેમાનને શરબત નથી પિવડાવી દેતા ? એનો સંપર્ક શક્ય ન હોય તો બીજાનો કરાવો. છેલ્લી ત્રણ મિનિટથી હું કંઈ બોલી નથી. હવે મારાથી બે મિનિટનું પણ મૌન પાળી શકાય એમ નથી. પ્લીઝ મને ગમ્મે તેની સાથે વાત કરાવો ! અને જુઓ જાણભેદુ મૅડમ, તમે બધું ફોન કરનારને જ સંભળાવો છો. સામેવાળાને કંઈ કહેતાં નથી પછી તેઓ ચડી જ વાગે ને ? લાડથી એ માથે ચડી ગયા છે એટલે જ ક્યારેક સ્વિચ ઑફ કરીને બેસી જાય છે તો ક્યારેક વ્યસ્ત છે એમ બહાનાં બતાવે છે અને ક્યારેક કવરેજ એરિયાની બહાર જતા રહે છે. એ સૂચવે છે કે, પાર્ટી કાબૂ બહાર જતી રહી છે. હજુ સમય છે મૅડમ, ચેતી જાવ !!!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૂરી પાંચ ભૂલ….! – ડૉ. શરદ ઠાકર
ગુજરાત ‘દીન’ – ડૉ. હિતેષ બી. શાહ Next »   

19 પ્રતિભાવો : ઈસ રૂટ કી સભી લાઈનેં વ્યસ્ત હૈ ! – ડૉ. નલિની ગણાત્રા

 1. pragnaju says:

  તો શું જાંચ કર્યા વગર અમે જોડ્યો હશે ? અને અમે શું કોઈ ચેક-પોસ્ટ પર બેઠા છીએ કે તું કહે એ બધું જાંચ કર્યા કરીએ ? અરે અમને બોડી ચેક-અપ કરાવવાનો ટાઈમ નથી અને તું અમને નંબર ચેક કરવા મોકલે છે ? થોડી શરમ કર શરમ !

  મઝાની રમુજ

 2. khub j saras rajuaat vanchi ne maja padi gay
  thank you
  ”mitr aiso kijiye,misscoliyo na hoy,
  ka to rubru avi ne made, ane kato samethi phone hoy”

 3. Deval Nakshiwala says:

  ખુબ જ સરસ હાસ્યલેખ છે. મોબાઈલ ફોન વાપરતાં લોકોના મનની વાત છે.

 4. Pravin Shah says:

  સારુ એનાલિસિસ કર્યુ છે.

 5. nayan panchal says:

  સારો લેખ છે. કેટલાક પંચ સરસ છે.

  આભાર,
  નયન

 6. Nisha says:

  🙂

  ખુબ મજા આવી….

 7. Nirav Shah says:

  પ્રથમ ૩ પેરેગ્રાફ ખુબ જ સરસ ચે ખુબ સારા પુન્ચ ચે બાકિ ઓકે ચે

 8. Vaishali Maheshwari says:

  It is a nice humorous article on all different messages we hear on cell-phones. Enjoyed reading :). Thank you for sharing.

 9. MANISHA says:

  Dear Naliniben,

  Rocks on Uttarayan…. 🙂

  Re
  Manisha

 10. Jigisha says:

  વાહ.. મજા આવી ગઇ ……. ખુબ જ સરસ ….

 11. Smita says:

  ખુબજ સ્રરસ અનેસત્ય……વાઁચવાની મજા આવી……

 12. Nilesh Shah says:

  Good humor

 13. Vraj Dave says:

  વાંચવાની મજો પડી. અને હાં ઓફિસેથી ઘરે જાવ તો મેસેજ ડિલીટ કરવાનું ચુકતા નહીં અને ફોનનું ઇનબોક્ષ પણ બરાબર કરી લેજો.

 14. Jagruti Vaghela U.S.A. says:

  I enjoied readind this humorous article.

 15. darshana says:

  wow!! very funny……….mja avi ….realy nice ….

 16. PATEL KUMAR says:

  VERY INTRESTING STORY.
  THANKS!!

 17. VIjay says:

  ટહુકો-7 : ‘આપ કતાર મેં હૈ.’

  >> આપણે ભારતમાંથી ફોન કરીએ તો પણ???? એમ કતારમાં જવુ કૈ સહેલુ થોડુ છે?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.