વરસાદનું ચિત્ર – ડૉ. સિલાસ પટેલિયા
[‘પરબ’ સામાયિકમાંથી સાભાર.]
લીલુંછમ્મ અજવાળું
ઝાંખું ઝાંખું ઝરમર ઝરમર થાય…
જાય ધીમે ધીમે
થડ પરથી નીતરતું ઝમતું
જળ
મૂળ ભણી માટીમાં થઈને ધીમે ધીમે….
વરસાદમાં આમ
પલળતું એકલ વૃક્ષ
હવે અંધકારમાં ઝૂમે
ઝૂમતાં ઝૂમતાં ય ઝમતું રહે
જળ માટીમાં ને મૂળમાં
રાતભર
વરસાદ ને અંધકાર
ને પહાડ પર પછડાતો અવાજ
ને તણાતાં આવતાં વૃક્ષો
ને ધસમસતી આવતી લાશો
ને ફરી કાળમીંઢ સન્નાટો
ને….
એ તો ઊભું હશે એકલું
આ બધું જોતું જોતું !
ફરી પરોઢનો લીલો ઉજાશ જોતું
એ તો ઊભું હશે,
એ વેળા
પૂર્વ ભણી હું એ વૃક્ષને જોતો હોઈશ
કે તને ?
Print This Article
·
Save this article As PDF
સુન્દર રચના આભાર